પાંચા પટેલે જીવતાં જગતિયું કરી નાત અને બ્રાહ્મણોને લાડવા જમાડયા

આવળ, બાવળ અને બોરડીની અપાર સમૃદ્ધિ ધરાવતા ભાલપંથકની સૂકીભંઠ ધરતી માથે પારેવાના માળા જેવું પિપરિયા કરીને ગામ રહી ગયું છે. ગામની પંનરહેની વસ્તીમાં કણબી- પટેલના પંનરક ખોરડાં. આ ખોરડા અમથાય અછાના રિયે નંઇ. ગામમાં આંટો મારો એટલે તરત ઓળખાઇ જાય.

ભેંસુ ઘણીને બાંધવા ડેલાં,
લૂગડાં જાડાં ને ઘાસના ભારા,
છોકરાં રોવે ને પાડે બરાડા,
ઇ એંધાણિયે કણબીવાડા

આવા કણબીવાડાના એક મોભાદાર ખોરડાની માલીપા પાંચા પટેલ કરીને એક પોરસીલો ઘરધણી ભાભા રિયે. ભાભાની ખેડયવાડય મોટી. ભગવાનની દિયાથી વસ્તારવેલોય મોટો. રોટલો તો વળી એનાથી ય મોટો. આંગણે મેંમાનુંનો ન મળે તોટો. બબ્બે ત્રણ ત્રણ મહિનાના મે’માનુનો અહીં જડી આવે જોટો. આથી એને સંધાય કહેતા નાતપટેલ મોટો.

પંચાસી વરસની ઉંમરે પહોંચેલા પાંચા પટેલના પંડય માથે અવસ્થાએ આવીને માળો બાંધી દીધો છે. એક વખતની વેળાએ પટેલ પથારીવશ થયા. એવામાં ભાંગતી રાતે કોઇ કાળચોઘડિયે સોણા (સ્વપ્ન)માં પાડા માથે સવાર થયેલા યમરાજને જોયા. જમડાને જીવ લેવા આવેલા જોઇને ઘોઘર બિલાડો વાંહે પડે ને કબૂતર કંપી ઊઠે, કાળિયોકોશી વાંહે પડે ને કાબર ફફડી ઊઠે એમ તેઓ ધુ્રજી ઊઠયા. ભેં ખાઇ ગયેલા ભાભા બાવન પીર અને ચોસઠ જોગણિયુંની આણ્ય આપવા મંડાણા.

એવામાં પરોઢ પાંગર્યું. પ્રાગટયના દોરા ફૂટયા. પાંચા પટેલની આંખ્ય ઊઘડી ગઇ. એમને થયુ હાશ! જમડા હવે બીજા ઘર્યે જતાં રિયા લાગે છે. સવારે ઊઠીને પટેલે કળશી કુટુંબ ભેગુ કર્યું. પછી તો ભાઇ ઠાકરદુવારાનો દાઢિયાળો બાવો જ્યમ રાધાકૃષ્ણનું રટણ આદરે, અણસમજણો છોકરો જ્યમ ગોળનું દડબુ લેવાનું રટણ આદરે અને મોટી ઉંમર સુધી વાંઢો રહી ગયેલો ગગો ગમે તેના હાર્યે પોંખાવાની ને કન્યા પરણવાની રઢ લે એમ પાંચા પટેલે જીવતા જગતિયું કરવાની રઢ લીધી હો ભાઇ.

દીકરાઓ ડાહ્યા હતા. એમને પણ થયું કે આ પીંજરમાંથી હવે પંખી ઉડી જાવાનું છે. એટલે બાપાની જીવની સદ્ગતિ કરવા માટે એમની ઇચ્છા મુજબ જીવતા જગતિયું અને બ્રહ્મચોરાસી કરી. ગામ ધુમાડા બંધ કરાવવાનું નક્કી કર્યું. સારો વાર અને તિથિ જોવરાવી. બરવાળા ચોવીસીના બ્રાહ્મણ માત્રને નોતરાં મોકલી દીધાં. સગાસઇમાં, વહાલા વાલેશરીઓમાં, નાનપણના ભેરુ ગોઠિયાઓમાં, સ્નેહી સંબંધીઓમાં અને આંખ્યની ઓળખાણવાળામાં લાકડીયા તારની જેમ જમવાના નોતરાં પોગી ગયા.

પુણ્યદાનની ભાવનાથી પરબડી (ચબૂતરો) માથે ચણ નાખો ને ફરરરફટ કરતાં કબૂતરોનાં ટોળાં ઊતરી આવે, સરાદીયામાં ખોરડા માથે પિતૃઓને વાસ નાખો ને જ્યમ કા..કા..કા કરતાં કાગડા ઊતરી આવે એમ ચોરાસીમાં લાડુનું જમણ જમવા તરવેણીશંકર, દયાશંકર, મયાશંકર, પ્રેમશંકર, લક્ષ્મીશંકર, લાભશંકર, શિવશંકર, તનમની શંકર, દેવશંકર, નર્મદાશંકર, રામશંકર, ઇન્દ્રશંકર, વગેરે શંકરેશંકર બ્રાહ્મણો, રાજગોર, ઔદિચ્ય, ગિરનારા, મોઢ, પુષ્કરણા, નંદવાણા, પાલીવાલ, અબોટી, ગુગળી, પરજિયા, સારસ્વતો એમ સૌ ચોરાશી શાખના બ્રાહ્મણો અવસરને ઊજળો કરી બતાવવા આવી પહોંચ્યા. સગાવહાલાને નાતીલા સૌ આવી ગયા. પિપરિયાની બવળી બજારું સાંકડી પડવા મંડાણી.

લાડવા માથે વાવાઝોડાની જેમ ત્રાટકી પડવા તૈયાર થઇને આવેલા બ્રાહ્મણોએ અબોટિયાં ધારણ કર્યા છે. કોઇ કે કપાળમાં ત્રિપુંડ તાણ્યા છે. કોઇએ ચોટલીને ગાંઠ મારી છે. કોઇએ ગળામાં જનોઇ નાખી છે. કોઇએ આંખે મોતિયાના ચશ્મા પહેર્યા છે. કોઇના માથે પાઘડી તો કોઇના માથા પર ટોપિયું રહી ગઇ છે. મંઇ મંઇ ભૂદેવો ચાંખડિયે ચડીને આવ્યા છે તો અડવાણા (ઉઘાડા) પગેય ઊભી બજારે ટવરક ટવરક વહ્યા આવે છે. કોઇના હાથમાં જરમન સિલ્વરના, તો કોઇના હાથમાં કાંસા ને પિત્તળના થાળી-વાડકા રહી ગયા છે. ટીંડના ટોળાની જેમ જમનારાઓની જમાત ઉમટી પડી છે. કિડિયારું ઊભરાણું હોય એમ મનેખનો કોઇ પાર નથી. પાંચા પટેલનું ઘર, કણબીવાડો અને ગામની બજારું માણસોથી હાંફવા માંડી છે.

ઓશરી ને ફળિયામાં બ્રાહ્મણોની અને ગામની બજારુંમાં મે’માનોની લેનબંધ પંગતુ પડી ગઇ છે. ઊભી બજારે ખૂંટિયા ધોડયા જાતા હોય એમ પીરસણિયા લાડવાની સુંડલિયું લઇને થાળીઓમાં લાડવા નાખ્યા નો નાખ્યા ને ઝપટમોઢે ધોડયા જાય છે. એવા ટાણે સારો તબલચી જેમ તબલાં માથે તોડા ફેંકવા ઝપટ બોલાવે એમ સવાક હાથની ચોટલી છૂટી મૂકીને લાડવા માથે ઝપટ બોલાવવા બેઠેલા લક્ષ્મીશંકરે પીરસણિયાને ટપાર્યો ઃ

‘અલ્યા, લીંબુડા જેવડા લાડવા છે ને તું ભાણામાં અચેકો ચ્યમ મૂકે છે? બબ્બે ચચ્ચાર મૂકતો જા. કાઠિયાવાડી દૂહામાં કીધું છે ને કેઃ

પુરુષને વહાલી પાઘડી,
સ્ત્રીને વહાલું ઘર,
બ્રાહ્મણને વહાલા લાડવા,
વાણિયાને વહાલું જર (નાણું)

ત્યાં તો કિરપાશંકરને ય કહેવત સૂઝી. ફાટીને ધૂંવાડે ગયેલો છોકરો પાણકાનો ઘા કરે એમ કહેવતનો ઘા કર્યો ઃ

લાડુ કહે હું ગોળ ગોળ
બ્રહ્મભોજનમાં મોટો
મુજને જે નર વખોડે
ઇ નર દુનિયામાં ખોટો

પછી તો ભાઇ લાડવા મેલ્ય પડતા ને લાડવાની કહેવતો પર બધા લડી ગયા. ઓલ્યા બટુકપ્રસાદને બેવાર બોલાવો તો ય ન બોલે ઇની જીભેય મૂંગા મોર ટહૂકી ઊઠયા. એણે ય ગોફણિયા પાણાની જેમ કહેવત જાવા દીધીઃ

ઘી જમ્યા ઘેબર જમ્યા
ઉપર જમ્યા દહીં
સાત વાનાની સુખડી ખાધી
પણ ચૂરમા સમાન નંઇ

‘… પણ હવે તમારી કહેવતોને વિરામ આપો. ભાણાં પીરસાઇ ગયાં છે. પેટમાં ગલૂડિયા બોલે છે. શ્લોકો બોલવા માંડો ને કરો હરિહર’ આમ કહીને વ્યવહાર કુશળ વેણીપ્રસાદે વાતને લાડવા ખાવા ભણી વાળી લીધી. ઘડીભર શ્લોકોની બઘડાટી બોલાવીને પછી અષાઢ મહિનામાં વાદળામાં સળવા કરતી વીજળી જ્યમ ધરતી માથે ત્રાટકે, ત્રમઝટ કરતી ત્રાટકે એમ સૌ જમનારા લાડવા માથે ત્રાટકયા હો ભાઇ. ઉસ્તાદ દોકડિયો (તબલચી) દોકડ માથે ઝપટ બોલાવે ‘તું જા ને હું આવું છું તું જાને હું આવું છું.’ એમ બ્રાહ્મણોએ લાડવા માથે ઝપટ બોલાવી.

લાડવા ખાઇને આગલ્યા દિ’નો ઉપવાસ ભાંગતા મણિશંકર મોરિયા જેવા પેટ માથે હાથ ફેરવતા ફેરવતાં શું કહે છે?’ આપણે તો શું લાડવા ખાવી છી? હળવદિયા બ્રાહ્મણોને જુવો ને’ સૂંડલી સૂંડલી લાડવા ઉલાળી જાય છે.’ પછી તો વાતડિયું વહેતી થઇ.

‘પણ લાડવા ખાતાં ને ખવરાવતાં ય આવડવું જો’વી ને! લાખ કીડીના કટક માથે લાડવો મૂકો તો મરી જાય, પણ ભૂકો કરીને ભભરાવો પ્રેમથી ખાય. લાડવા ખાવાની ય કળા છે. ઇ કળા બ્રાહ્મણોને જ સાધ્ય છે. જીવનભરની સાધના પછી જ આવી સિદ્ધિ સાંપડે છે. ‘

‘લ્યો, હવે લટકાળા લાડુબાઇ આવવા દ્યો. સાંજનું વાળું ય ભેગાભેગું પતી જાય ઓલ્યુ કે’છે ને કેઃ

કઢી ઉપર તાળું નંઇ ને
લાડુ ઉપર વાળું નંઇ

આમ ગમ્મતું કરતા કરતા ને લાડવા ટટકારતા ટટકારતા ખરો મધ્યાહ્ન થયો. સૂરજ મહારાજ ખગડા થઇને ધરતી પર અગન વરસાવે છે. માકડાંના માથાં ફાટી જાય એવો તીખો તાપ તપ્યો છે. મુઠ્ઠીક જુવાર ઉડાડો તો ધરતી માથે પડતા મોર્ય ધાણી ફૂટીને ઉડી જાય એવો ધોમ તડકો ધખ્યો છે.

આવી વૈશાખી બપોરની વેળાએ ચોરાશીના લાડવા ભરપેટ જમીને કરમી કાકો કિરપાશંકર ને ભત્રીજો ભવાનીશંકર અઘરણીનાં પગલાં ભરતાં હોય એમ ધીરાધીરા ડગ દેતાં દેતાં સાંકડી શેરી વચાળે વહ્યા જાય છે. પ્રોટોકોલ પ્રમાણે કાકો મોર્ય છે ને ભત્રીજો એમનાં પગલાં દબાવતો દબાવતો વાંહેવાંહે વહ્યો આવે છે. હાલતા હાલતા કાકાને કંઇક ઓહાણ આવ્યું. એમણે ભત્રીજાને બીજી કાળીના અવાજમાં પૂછ્યું ઃ

‘ભવાનીશંકર ભઇલા’
‘બોલો કિરપાકાકા’
‘બોલવાનો વેંત જ કુને રિયો છે? જરીક વાંકો વળીને જો તો ખરો મેં પગમાં ઠસરિયા (જોડા) પેર્યા છે ઇમનામ વ’યો આવું છું? પગરખાં વિના ઘર્યે પોગીશ તો તારી કરાફાટ કાકીને નંઇ પોગાય. ભલો થઇને થોડી કસ્તી લે!’

‘કાકા! તમે બઉ કથોરું કામ સોંપ્યું. મારાથી ગણતરી બાર્યના લાડવા ખવાઇ જવાયા છે. હેઠું જોવાય એવું રિ’યું નથી. હું તો ભૈશાબ તમારી સોટલી પધોર પધોર વિયો આવું છું. બોલવાનો ય વેંત રિયો નથી. મારું ધ્યાન તમારા ભાણા માથે હતું. એટલે ચેટલા લાડવા ખવાઇ જવાણા ઇની ખબર નથી રઇ. આપણા બેયના માથે ભોળાનાથની દિયા છે કે લાડવા ખાધા પછી આટલું હાલવાનો ને બોલવાનો ય વેંત રિયો છે. પણ એલ્યા દયાશંકર ને મયાશંકર લાડવા ખાઇને પંઠે પડયા છે. ઊભા થવાનો ય વેંત રિયો નથી.

કાકા ભત્રીજાના જોડકાને જતું જોઇને ચોરે બેઠેલા ડાયરામાંથી દેવુભા બોલ્યા ઃ ‘કિરપાશંકર! આજ કેટલા લાડવા ઉલાળ્યા? ગડથલિયાં ખાવ છો ઇના પરથી લાગે છે કે લાડવા બઉ જમ્યા લાગો છો?’

‘શું ધૂળ જમ્યા?’ છાસિયું કરતા કિરપાશંકર કહેઃ ‘જમ્યો તો છે ઓલ્યો જગજીવન. ભડના દીકરાને પંઠેથી ઝોળી કરીને ઘેર લાવે છે.’

‘પણ ગોરબાપા આટલા બધા લાડવા ખવાય?’

‘ભઇલા, કપાસિયા ભર્યે કોઠી થોડી જ ફાટી જાય? અબઘડી મને ટીંગાટોળી કરીને તળાવમાં નાખી આવો. ઘડીક પાણીમાં તરીને આવું પછી બીજા એટલા લાડવાનો ઉલાળી ના જાઉં તો મારું નામ કિરપો ગોર નંઇ. મને મોળો નો માનશો. હું બ્રહ્મદેવ છું, શું સમજ્યા?’

ચોરે આમ ડાયરા હાર્યે વાતું હાલે છે ત્યારે કિરપાશંકરના ખોરડે બીજી વાતું ચાલે છે. તાજી પરણીને આવેલી દીકરાની વહુને એની સાસુ શું કહે છે?

‘વહુભા! બાપા ! ફળિયામાં ખડકી ઢૂંકડી ઢોરણી (નાનો ખાટલો) ઢાળી રાખો. માથે ધડકી (રજાઇ)ને ગાલસૂરિયું નાખી રાખજો. તમારા હાહરા ચોરાસી જમીને અબઘડી આવવા જોવી. ગઇ કાલ્યે નકોરડો નિર્જળો ઉપવાસ હતો. આજ લાડવા ખાઇને આવશે એટલે ઘડીસાતેય ઊભા નંઇ રઇ હકે. આવશે એવા ઢોરણીમાં ઢળી પડશે.’

‘બાઇજી! તમારો રિવાજ સારો કે’વાય કે સસરા ચોરાશી જમીને ઘેર આવે ત્યારે ઢોરણી ઢાળી રાખવી પડે. બળ્યું અમારા દેશમાં તો બા છે ને કે સસરા બ્રહ્મભોજને ગિયા હો ન્યાં જમી લે પછી કુટુંબકબીલાએ ખાટલા, ઢોલિયા, ઢોરણિયું ને ઝોળિયું લઇને વાંહે લેવા જાવું પડે. લડાઇ ધીંગાણામાં ઘવરાયેલાને જેમ ઘર્યે લાવવા પડે એમ લાડવાના ધીંગાણા પછી ઘર્યે લાવવા પડે.’ નવીસવી પરણીને આવેલી બટકબોલી વહુને સાસુ કહેઃ ‘બાઇ,તારા પિયરિયા તો અમને ય વટી જાય એવા છે હોં!’

ત્યાં તો ભવાઇમાં જ્યમ ગણપતિનો વેશ આવે એમ કિરપાશંકર ખડકીએ આવીને ઊભા રહ્યા. ગોરાણી કહેઃ લગ્ન વખતે મારી માએ તમન એક વખત પોંખી લીધા છે. હવે અંદર વિયા આવો.’ આ સાંભળીને એરું જ્યમ દરમાં ગરી જાય એમ ગોરબાપા ખડકીમાં ઘૂસી ગ્યા. ખરા મધ્યાહ્ને હાલતા આવેલા તે પરસેવે નાહી ગયેલા. આવ્યા એવા ઢોરણીમાં પડયા. ગોરાણી સાડલાના છેડે વાહર ઢોળવા મંડાણા. ત્યારે ઓંશરીના ખૂણે ઊભેલી દીકરાની વહુ લાજનો ઘૂમટો તાણીને બોલીઃ ‘બા, બાપુજીને પૂછોને! હિંગાષ્ટકની ગોટી આપું?’

‘ખાદ્યા હિંગાષ્ટક હવે! હિંગાષ્ટકની ગોટી ખાવા જેટલો મગન હોત તો એક લાડવો વધુ નો ઝાપટી જાત! ભગવાનેય મારા વાલીડે મોટી ભૂલ કરી નાખી છે. માનવીને લાડવા ખાવાનો ધરવ થાય ઇના હાટું કપાળમાં ચાર આંગળ ઉંસા મોઢાં સોટાડયા હોત તો ઇનું શું બગડી જાવાનું હતું? બે લાડવા વધુ નો ખવાત? સુજ્ઞા સસરાની કાગવાણી સાંભળીને સાસુ-વહુ બેય જ્યમ થાળામાં કોસ ઠલવાય એમ ફફફફ કરતાં હસી પડયાં.
ચિત્ર ઃદેવ!

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!