કાઠિયાવાડની કળા ભરેલી પાઘડીઓનો અજાણ્યો અને રોચક ઇતિહાસ

ભારતના વિધવિધ પંથકો અને ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં પાઘડીઓના કેટકેટલા પ્રકારો! પાઘ, પાઘડી, પાઘડલી, સાફો,ફેંટો, માથાનું મોળિયું, મંદિર, ફગ, ફિંડલ, ઉષ્ણીશ, ફાળિયું, ઇત્યાદિ. પાઘડીએ રાજા-મહારાજાઓ, બાદશાહો, નવાબો, બેગમો (જૂના કાળે પહેરતી), રાજપૂતો અને રબારી ભરવાડોથી માંડીને ઇતર જ્ઞાતિઓના સંસ્કાર, સંસ્કૃતિ, આનબાન અને શાનનું પ્રતિક છે.

આમ જુઓ તો મલક આખામાં સીધુંસાદું, સરળ સૌને ગમે. વાંકાને કોઇ ન વખાણે. આ જગતની માલીપા વાંકી વસ્તુ આપણને નજરે દીઠીય ગમતી નથી. વાંકદેખો માણસ, વાંકો ચાલતો માણસ, વાંકી જીભ, વાંકી વાણી, વાંકો વ્યવહાર, વાંકી વાત, વાંકો ભરથાર કે વાંકી નાર્ય થોડી જ કોઇને ગમે? માનવીના મોંમાં બત્રીસીમાં રહેલી સવા પાશેરની જીભ જો વાંકી ચાલે ને તો કંઇકના તોલા તોડાવી નાખે. પણ સમાજથી ઉંફરાટા ચાલતા અમારા ચતુર લોકકવિને વાંકી વસ્તુ જ વધારે ગમે છે. એ ચાર વાંકી ચીજોનો એક દુહો છે. એ ચીજો કઇ? સાંભળો.

વાંકી નદી વળામણે, કણહલે વાંકી જાર,
પુરુષ વાંકી પાઘડી, નેણાંવંકી નાર

અર્થાત્ ઃ ગામડા ગામના પાદર આગળ વળાંક ખાઇને છેવાડે ઊભેલા શિવાલયના પગ પખાળીને વહી જતી વંકી નદી, મેહૂલિયો મન મૂકીને વરસી ગયો હોય ને સિમાડાના ખેતરમાં માથોડું માથોડું ઊભેલી ઉંચી જુવાર માથે મોતીના દાણા ભરેલા, વાંકાં ડુંડાં વાયરે ઝૂલતાં હોય, જુવાનીના ઉંબરે અલપઝલપ કરતો જુવાનિયો હોય, મોઢે મૂંછનો દોરો ફૂટતો જાતો હોય એ માથે વાંકી પાઘડલી મૂકીને જોડિયો પાવો વગાડતો વગાડતો તરણેતરનો મેળો મહાલવા હાલ્યો જાતો હોય, આઠેય પહોર જેના અંગ માથે યુવાની ભગડતી રમતી હોય, હાલે તો કંકુસેરની પગલીઓ પડતી જાતી હોય ને બોલે તો બત્રીસ પાંખડીના ફૂલડાં ઝરતાં જાતાં હોય એવી વંકડા નેણ અને નયનોવાળી નારીનું નમણું રૂપ સૌની નજરમાં વસી જાય છે. મારે અહીં વાંકી નદી, જુવારના વાંકા કણહલાં અને વાંકડા નયનોવાળી નારીની નહીં પણ વાંકલડી પાઘડીની વાત માંડવી છે.

હમણાં સુધી આપણા દેશમાં ગૌરવ, સન્માન અને પ્રતિષ્ઠાના પ્રતીક તરીકે ઓળખાતી પાઘડી એ માથાનો પહેરવેશ – શિરછત્ર, શિરોભૂષણ છે. પાઘ શબ્દ પ્રાકૃત ‘પગ્ગહ’ ઉપરથી આવ્યો છે. પાઘડી શબ્દ ‘પટ’ એટલે કાપડ. એને ‘ક’ પ્રત્યય લાગી ‘પટકી’ શબ્દ બન્યો. એનું અપભ્રંશ તે આપણી પાઘડી. પાઘડી એટલે માથે પહેરવાનું વસ્ત્ર, પાઘ. પાઘના ય કેટકેટલાં અર્થો? ૧. મોટી પાઘડી ૨. ઘાટ કે ઢંગધડા વગરનું બાંધેલું ફાળિયું. ૩. પાઘડી નામનો નાગપિંગળ માંહેનો એક માત્રામેળ છંદ. ૪. આબરૂ, લાજ. ૫. છોકરીઓની એક જાતની રમત ૬. બક્ષિસ- સારા કામ બદલ અપાતી ભેટ, સરપાવ, ચાંલ્લો ૭. મકાન ભાડે લેવા અગાઉ ખાનગીમાં આપવી પડતી ઉચક રકમ. ૮. માથાબંધણું- માથે બાંધવાનું કસબી છેડાવાળું અને ટુકું પણ લંબાણે ઘણું એવું આછા પોતનું કપડું એમ ભગવદ્ ગોમંડલ નોંધે છે.

પાઘ-પાઘડી ઉપરથી ગુજરાતી ભાષામાં ઘણાં શબ્દો ઉતરી આવ્યા છે. જેમકે- પાઘડા- પાઘડાળા- ગોહિલવાડી લેઉઆ કણબીની એક અટક. પાઘડી પનાનું ગામ- પાઘડી જેવં લાંબુ અને સાંકડા પનાનું. પાઘડી બદલ- દેવાળું. પાઘડીબંધ- પુરુષો પુરતું મર્યાદિત. ગામડામાં આજેય જમવા માટેના પાઘડીબંધ નોતરાં અપાય છે. પાઘડીવાલા- પાઘડીઓ વેચનાર વેપારીની અટક. પાઘું- કચ્છી પાઘડી. પાઘોટી, પાઘોટું – પાઘડી. પાઘાયા- કાપડ, ધાતુ વગેરેનો વેપારી. પાઘડું- અશ્વના જીનનું પેગડું. પાઘુર- વાગોળવું ઇત્યાદિ.

પાઘડી માનવ વસ્ત્રોની જેમ સંસ્કૃતિના સર્જનકાળ જેટલી પુરાણી મનાય છે. જૂના કાળે આદિ માનવની ટોળીઓ પોતની ઓળખ માટે પીંછાં, ફૂલો, મુગટ જેવા ચિહ્નો ધારણ કરતી. એ પછી માથાના રક્ષણ, શોભા અને નીજી ઓળખ માટે પાઘડી અસ્તિત્વમાં આવી હશે એવું અનુમાની શકાય. ભારતીય વૈદિક સાહિત્યમાં પાઘડીઓનાં વર્ણનો મળે છે. ૫૦૦૦ વર્ષ પુરાણાં ઉષ્ણીશ- માથાબાંધણાનાં પુરાવા પ્રાપ્ત થયા છે. ઇ.સ. પૂર્વે પહેલી સદીમાં શૃંગ સમયના શિલ્પોમાં મોલ અને રાજપૂત શૈલીના મિનિએચર ચિત્રોમાં પાઘડીઓના કલાપૂરણ રૂપ, રંગ અને આકાર-પ્રકારો મળી આવે છે.

સૌરાષ્ટ્રના લોકજીવનમાં ખૂબ જ લોકપ્રિય બનેલી અને ગુજરાતના વિવિધ પંથકોમાં વિધવિધ રૂપે વિકસેલી પાઘડીઓ સ્વતંત્ર સલ્તનત અને મોગલકાળમાં વિકાસ પામી છે. સુરતીલાલાની સુરતી, વડોદરાની બાબાશાહી, અમદાવાદી, પટ્ટણી, ઝાલાવાડી, ભાવનગરી, હાલારી, જૂનાગઢી, મોરબીશાહી અને કચ્છી મંદિલ- પાઘડીઓના વૈવિધ્યનો જગતભરમાં જોટો જડવો મુશ્કેલ છે.

કચ્છ-કાઠિયાવાડમાં પહેરાતી વિશિષ્ટ ઘાટ અને વળોટવાળી પાઘડી પહેરનારની જાતિ અને વ્યવસાયની આ રીતે ઓળખ આપે છે.

હાલે ત્યારે હચમચતા, ને પાઘડ બાંધે પોચી,
ઇ એંધાણીએ ઓળખીએ, સઇ છે કે મોચી?

કાઠિયાવાડમાં જૂના કાળે રાજદરબારમાં જનાર માણસ ઉઘાડા માથે જઇ શકતો નહીં. માથે પાઘડી, માથા બંધણું, સાફો કે ટોપી પહેરીને જવું એ આદર અને વિવેક ગણાતો. ગામડાઓમાં હજુ ગઇકાલ સુધી પાઘડીઓ પહેરાતી. ગામમાં ફાળિયું, મેલખાયું, સેજિયું કે પંચિયું પહેરીને ફરતા પુરુષો ગામ-ગામતરે, સગાસઇમાં, મેળેખેળે કે જાનમાં જાય ત્યારે માથે પાઘડી કે સાફો બાંધીને જ જતા. કહેવાય છે કે જળ અન સ્થળ માર્ગેથી સૌરાષ્ટ્રમાં ૧૭૦ કરતાં ય વધુ જાતિઓએ આવીને વસવાટ કર્યો છે. એમાંની ઘણી જાતિઓએ પોતાની પાઘડીઓની વિશિષ્ટતાઓને ઘસાતી- ભૂંસાતી આજેય જાળવી રાખી છે. સૌરાષ્ટ્રના લોકજીવનમાં આલમની અઢારે વરણની નોખી નોખી પાઘડીઓ જોવા મળે છે. પાઘડીની બાંધણીની વિશિષ્ટતાવાળું ગીત ચારણી સાહિત્યના વિદ્વાન કવિ શ્રી પીંગળશીભાઇ ગઢવીએ ‘સોરઠ સરવણી’માં આપ્યું છે, આ રહી એ પાઘડીઓઃ

મોરબીની ઇંઢોણી ને ગોંડળની ચાંચ,
જામનગરનો ઊભો પૂળો, પાઘડીએ રંગ પાંચ.
બારાડીની પાટલિયાળી, બરડે ખૂંપાવાળી,
ઝાલાવાડની આંટિયાળી, કાળી ટીલીવાળી.
ઓખાની પણ આંટિયાળી, ભારે રુઆબ ભરેલી,
ઘેરીને ગંભીર ઘેડની, જાતાં આંખ ઠરેલી.
સોરઠની તો સીધી સાદી ગિરનું કુંડાળું,
ગોહિલવાડની લંબગોળ, ને વળાંકી વધરાળું.
ડાબા કે જમણા પડખાંમાં, એક જ સરખી આંટી,
કળા ભરેલી કાઠિયાવાડની, પાઘડી શીર પલાંટી.
ભરવાડોનું ભોજપરું, ને રાતે છેડે રબારી,
પૂરી ખૂબી કરી પરજિયે, જાડા ઘા ઝીલનારી.
બત્તી જૂનાગઢ બાબીઓની, સિપાઇને સાફો,
ફકીરોનો લીલો ફટકો, મુંજાવરને માફો.
વરણ કાંટિયો વેપારી કે વસવાયાની જાતિ,
ચારણ, બ્રાહ્મણ, સાધુ જ્ઞાાતિ પાઘડીએ પરખાતી.

પાઘડી માનવીની મર્દાનગી અને રૂપની પ્રચ્છન્ન છટા પ્રગટાવતી હોવા છતાં એની ઉપયોગિતા કંઇ ઓછી નથી. જૂના જમાનામાં હાલતાં ધીંગાણા કે મારામારીના પ્રસંગો ઊભા થતાં. આવા પ્રસંગે પાઘડીએ માનવીના મસ્તકનું રક્ષણ કર્યું છે. સારી બાંધેલી પાઘડીઓ લાકડીઓના ઘા ઝીલી લે છે. પાઘડીમાં મૂકેલી તાંસળી તલવારના વારથી માથું બચાવી લે છે. ધીંગાણામાં અંગ માથે તરવારનો ઘા પડયો હોય તો વહેતા લોહીને અટકાવવા માથેથી પાઘડી ઉતારીને ઘા ફરતી બાંધી દેવામાં આવે છે. કંઇક ઘાયલ યોદ્ધાઓ બહાર નીકળી ગયેલાં આંતરડા ઉપર પાઘડિયું બાંધીને ઘર સુધી પહોંચી ગયાના દાખલા ઇતિહાસનાં પાને નોંધાયા છે. ધીંગાણાના સ્થળેથી ઘાયલ આદમીને પાઘડીની ઝોળી બનાવીને ઘેર લાવવામાં આવે છે. વગડામાં તરસ લાગી હોય, કૂવો હોય પણ પાણી સિંચવાનુ કોઇ સાધન ન હોય ત્યારે પાઘડી ઉપયોગમાં આવે છે.

લોકજીવનમાં પાઘડી સાથે સંકળાયેલા કેટલાંક રસપ્રદ પ્રસંગો પણ મળી આવે છે. પચાસેક વર્ષ પૂર્વેની આ વાત છે. અમારા આકરુ ગામની જાન મોજીદડ મુકામે ગયેલી. સામૈયા વખતે દસેક બાજંદા ઢોલીઓએ ઢોલની રમઝટ બોલાવી. પછી રસ્તા વચ્ચે ઊભા રહી ગયાને જાંગીનો ઢોલ મંડયા વગાડવા. જાનૈયાઓએ રોકડા રૂપિયાનો વરસાદ વરસાવ્યો. ઢોલી કહે ઃ આકરુની દરબારી જાન છે. ઢોલીને પાઘડિયું પે’રાવો.’ વરના બાપે માથે બાંધેલી ગુલખારની નવીનકોર પાઘડી ઊતારીને ઢોલ માથે ઘા કર્યો. દસ ઢોલી, કંઇ એક પાઘડીથી થોડું જ પતે? ઢોલીઓએ શૂરાતન

ચઢાવવા બૂંગિયો ઢોલ જાવા દીધો. ત્યારે ગામના એક જુવાનિયે મહર કર્યો ઃ ‘અલ્યા, નાથિયા! તમારા દહેય ઢોલ વગાડીને ફોડી નાખશોને તોય બીજી પાઘડી નંઇ મળે! ખબર નથી આ આકરુની જાન છે. બધા જીણી વીછીમાં જીવનારા છે.’ જુવાનનું આ મહેણું જાનૈયાઓને માથાનો ઘા થઇ પડયું. વંટોળિયો આવે ને જ્યમ બોરડી પરથી બોર ખરી પડે એમ વરરાજા સહિત જાનમાં આવેલા સાત વીસુ જાનૈયાઓ માથેથી પાઘડિયું ઉતારીને ઢોલીઓના ઢોલ માથે ઢગલો કર્યો. વેવાઇ બે હાથ જોડીને આડા ફર્યા; છોકરું બોલી જાય. ઇના બોલ્યા સામું નો જોવાય. ખમૈયા કરો બાપલા.’ કન્યાનો બાપ તો આબરુદાર મનેખ હતો. એમણે ચારપાંચ ઘોડેસ્વારોને સુરેન્દ્રનગર દોડાવ્યા. ત્યાંથી નવી નકોર જામનગરી સાફા મંગાવી એકસોને એકત્રીસ જાનૈયાઓને માથે બંધાવ્યા. ગામમાં આનંદ કિલ્લોલ થઇ રહ્યો.

પાઘડી સાથે જોડાયેલો એવો જ એક બીજો પ્રસંગ અમારા ભાલ પંથકના ગોયાભાઇ કણબીનો છે. આમ તો કરકસરિયા જીવ પણ પાઘડી બાંધવાની કળાનો કસબ એમને નાનપણથી જ વરેલો. વરરાજા પરણવા જાય કે કોઇ ગામ ગામતરે જાય ત્યારે પાઘડી બંધાવવા ગોયાભાઇ પાસે જ આવે. એમની બાંધેલી પાઘડીનો હાથમાંથી છુટ્ટો ઘા કરો તો ય એનો એકેય આંટો ઉકલે નહીં. ફાટલતૂટલ પાઘડીને ગોપીને એવી સરસ બાંધે કે જોનાર ભૂલભૂલામણીમાં પડી જાય, પાઘડી નવી છે કે જૂની!

ગોપાભાઇના નભોઇ ગામમાં એકવાર મોરબી બાજુના વ્યાસ ભવાયાનુ પેડું આવ્યું. ગામે રમત આપી. એમાં ગણપતિ, ડાગલો ને ઝંડાના વેશ પછી પુરબિયાનો વેશ આવ્યો. ખાટલો નાખીને સૌની મૌર્ય બેઠેલા ગોયા પટેલને આ વેશમાં ભાર્યે મોજ આવી. એમણે માથે બાંધેલી પાઘડી ઉતારીને ભવાયા ભણી ઘા કર્યો. ભલકારા દેતો ભવાયો બોલ્યોઃ

‘ભલે બાપ ભલે, ગોયા પટેલ ભલે. ભવાયાને પાઘડી આપી બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલકી જે’ પાઘડી હાથમાં લેતાં જ ભવાયો પામી ગયો. એણે પાંચકડાં પડતાં મૂકીને દૂહો ઝાપટયો.

ગોયા તારી ગોપવણી, મેં જાણી’તી સાચી,
કાં તો મને બાંધતા શીખવ, નંઇ તો લે તારી પાછી

‘ગોયાભાઇ! મેં તો અખંડ પાઘડી જાણી’તી. આ તો ફાટેલ પાઘડી ગોપીને સરસ બાંધી છે. કાં તો મને ફાટલ પાઘડીને ગોપવાની કળા શિખવો નંઇ તો એ લ્યો આ પાછી.’ ભવાયાની વાત સાંભળીને જુવાનિયા ખૂબ હસ્યા. શરમના માર્યા ગોયા પટેલે પટારામાં પડેલી નવીનકોર પાઘડી ઘેરથી મંગાવીને ભવાયાને બંધાવી, પણ પાછળ કહેણી રહી ગઇ.

લોકજીવનમાંથી પાઘડી તો ગઇ પણ પાછળ કેટલી બધી કહેવતો મૂકતી ગઇ.

લાખોમેં એક લખેશરી, સોમેં એક સુજાન
સબ નર બાંધે પાઘડી, સબ નરકુ નહીં માન 1.

રાગ પાગને પારખું, નાડી ને વળી ન્યાય,
તરવું તંતરવું ને તસ્કરવું, એ આઠેય આપ કળા. 2.

મૂંછ મેળાવો પાઘડી, ચોથી ચતુરાઇ જાણ,
નાનપણમાં આવે તો આવે, પછી કદી ન આવે ઠામ. 3.

પાતળી પહેરે મોજડી, ચાલે ચટકતી ચાલ,
વાંકી બાંધે પાઘડી, ભલો ઇ કાઠિયાવાડ 4.

માથે ઘાલે પાઘડાં, ધરે મહાજનનું નામ,
પૈસા લઇને પરણાવી, કહે છે કન્યાદાન 5.

પુરૃષને વહાલી પાઘડી, સ્ત્રીને વહાલું ઘર,
બ્રાહ્મણને વ્હાલા લાડવા, વાણિયાને વ્હાલું જર 6.

૭. સાઠોદરા વાંકી પાઘડીએ, ઘોડે ચડીને જાય ચાકરીએ અને જમે દાથરીએ,

૮. પાઘડી પહેર્યે ભાયડો થવાય નહીં ને સાડલો પહેર્યે બાયડી થવાય નહીં.

૯. પાઘડીની શરમ સૌને, ઘાઘરીની શરમ કોઇને નહીં.

૧૦. શીર સલામત તો પાઘડિયા બહુત.

૧૦. પાઘડી બાંધવામાં વાર, પાડવામાં શું વાર?

૧૧. ભાઇની પાઘડી ભાઇના માથે ને ભાઇ ચાલ્યા ઊઘાડા માથે.

૧૨. પાઘડી બગલમાં મારવી- અપકીર્તિ થાય તેવું કામ કરવું.

૧૩. ઢીંકો- ગડદો મારી પાઘડી બંધાવવી.

૧૪. પાઘડી ફેરવવી – આડું બોલવું

૧૫. પાઘડી પગે મૂકવી – લાચારી કરવી. ૧

૬. પાઘડી ગુમાવવી – આબરુ ગુમાવવી.

૧૭. પાઘડી સંભાળવી- સાવચેત રહેવું.

૧૮. પાઘડી મૂકીને આવવું – છેતરાઇને આવવું.

૧૯. પાઘડીનો વળ છેડે આવવો – વાજતું ગાજતું માંડવે આવવું.

૨૦. પાઘડીમાં માથુ ને માથામાં પાઘડી – એક જ વસ્તુને જુદી જુદી રીતે વર્ણવવી.

૨૧. પાઘડી રંગી નાખવી – આબરૃ લઇ નાખવી.

૨૨. પાઘડી ભેંસ ચાવી ગઇ – હરામના પૈસા લઇને દગો દેવો.

૨૩. પાઘડ બાંધે મોટા ને અંદરથી ખોટા.

૨૪. પાઘડી ઉછાળવી – જાહેરમાં ફજેત કરવું.

૨૫. પાઘડી ઊંધી બાંધવી- દેવાળું કાઢવું.

૨૬. પાઘડી પહેર્યે માટીડો મરદ ન થવાય.

૨૭. પાઘડી બદલબાઇ – દિલોજાન દોસ્ત.

૨૮. પાઘડીનો પેચ સંભાળવો- આબરુ સંભાળવી.

૨૯. માથા વગર પાઘડીશી?

૩૦. પાઘડીનો ધણી- વ્યવહારમાં કીર્તિવાળો માણસ.

૩૧. પાઘડીમાં આંટા એટલાં કાઠિયાવાડીના પેટમાં આંટા.

આમ લોકજીવનમાં પહેરવેશ સાથે જોડાયેલી પાઘડીની સાથે અનેક વાતો, ક્વિદંતીઓ, ગીતો, દૂહા અને કહેવતો લોકવાણીમાંથી સાંપડે છે. આજે તો સુધારાની હવામાં ઉડઉડ કરતા લોકજીવનમાંથી પાઘડી લગભગ લુપ્ત થઇ ગઇ છે. નવી પેઢીના બાળકોએ મ્યુઝિયમોમાં મૂકાયેલી પાઘડીઓ જોઇને હરખાવાનું રહેશે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!