થાનગઢ સ્થીત પ્રાચિન સૂરજદેવળ

જગત આખા મા એક અથવા બીજી રીતે સૂર્ય ને માનવામાં આવે છે તો એ આખા જગત નો પુરાતન ધર્મ વૈદિક સંસ્કૃતિ એટલે કે વૈદિક ધર્મ છે. “આસવ, આદિત્યો, બ્ર્હમ” માટે સૂર્ય બ્ર્હમ નુ સાકાર સ્વરુપ છે, તે વેદ ની રુચાઓ માથી પ્રતીત થાય છે, બિજુ વેદ મા છે ‘સૂર્ય આત્મા જગત્સ્ય’ અર્થાત આખુ જગત સૂર્ય નુ સ્વરુપ છે.

“આથર્વેદ સંહિતા ભાષા ભાષ્ય માં” પંડિત વિષ્ણુદેવ સાંકળેશ્વર સૂર્ય પુજા ના મહ્ત્વ અંગે અભીપ્રાય આપે છે કે જગત ની કોઇ પણ પ્રજા ની ઉન્નતિ થઇ ત્યારે તેઓ ના દેવ સૂર્ય અને અગ્ની જ હતા. સુર્ય પૂજા પાંચાળ નો પ્રાચીન સંસ્કાર છે. સૂર્ય ની સાથે શેષનાગ ના ભાઇ વાસુકિ અને બંડુક(બાંડિયા બેલી) થાન મા બિરાજે છે, પાંચ રુષીઓ જેમા કણ્વ, ગાલ્વ(વિશ્વામિત્ર ના શિષ્ય), અંગીરા(આર્યુવેદ ના ચરક રુષી ના ગુરુ), અનથ, બ્ર્હસ્પતી(દેવગુરુ) અહિ બ્ર્હમ યજ્ઞ કરેલો, જેમા દૈત્ય ભીમાસુર થી શેષનાગે તેમની સહાય કરેલી, ઋષિઓ એ શેષનાગને અહિ બિરાજવા નુ કહેતા તેમણે તેમના ભાઇઓ ને અહિ રેહેવા નુ કહે છે.

દંતકથા કહે છે કે સુરજના રથ ને પાંચાળ માં ખેચી લાવનાર સાત નાગ–ભાઈઓ હતા. સતયુગ માં આ મંદિર ની સ્થાપના સૂર્યવંશી ક્ષત્રિય રાજવી માંધાતા દ્વારા થઇ હતી, દ્વાપર માં ક્રિષ્ન અને રુક્મણી પણ આ સ્થળે આવેલા, કચ્છ ના લાખા ફુલાણી ના આટકોટ નીવાસ દરમીયાન એણે મંદિર નુ રીપેરીંગ કરાવેલુ. એ પછી વિનાસ્મકર નામના પાલીતાણા ના ઇજનેરે નિર્માણં માટે કાર્ય કરેલુ મનાય છે.

જૂના સૂરજ દેવળ ઘણુ પુરાતન છે, કાઠીઓ દ્વારા નિર્માણાધીન મંદિર ની મુર્તિ દ્વિભુજ અને ઉભેલી સ્થીતી માં તથા પદ્મ ના લાંછનવાળી છે ,જેને શિલ્પ શાસ્ત્ર પ્રમાણે ‘પુષા’ કહેવામા આવે છે. તે પાર્શીયન ઇરાની અસર હેઠળ માથે ટોપો અને ઢીંચણ સુધી હોલબુટ ધરાવે છે, સૂર્ય ની બાજુમા અન્ય બે મુર્તિ દેવી રન્નાદે અને નાગરાજ વાસુકિ ની જણાવાય છે. કોઇ ને ન નમનાર અડાભીડ કાઠીઓ એ આહિ મસ્તક નમાવ્યા છે. સૂર્ય તેમના ઇષ્ટદેવ છે તેમના કચ્છ ના વિસ્તારો મા પોતાની સત્તા ના અમલ દરમીયાન કંથકોટ, કોટાર્ય, માખેલ, બન્ની વગેરે સ્થળોએ મંદિર બંધાવેલા.

જુનું સુરજ દેવળ થાનથી ત્રણેક કિલોમીટર દુર તરણેતર જતા માર્ગ પર આવેલું છે. કંડોળા ટેકરી ઉપર બનેલા આ મંદિરે જવા, ચડવાની શરૂઆત કરીએ તો પ્રાચીન અવશેષો નજરે ચડે છે. મંદિરની બંને બાજુએ અસંખ્ય પાળિયા છે જેમા અંકિત કૃતિઓ માં રથારુઢ, અશ્વારોહિ અને પદાતિ સૈનીકો ના છે. પ્રાચીન દેવાલય હોવાથી પુરાતત્વ ખાતા હસ્તક છે, પણ મરામત અને જાળવણીના અભાવે ધીમે-ધીમે તૂટી રહ્યું છે. પાળિયા પરના લખાણો કાળની થપાટો ખાઇને ભુંસાઈ ગયા છે. મંદિરના પગથીયા પાસે એક સ્થળે લાંબા પટ્ટા પર લખાણ લખેલું છે. બ્રાહ્મી લીપીનુ આ લખાણ હાલ અક્ષરો ઉકલી શકે તેવી હાલતમા પણ નથી. મંદિર મા સમય સમય પર ઘણા ફેરફારો થયા છે આ થી મંદિર નો સમય નક્કિ કરવા મા તકલિફ પડે છે. હાલ માં મંદિર શીખરબંધ નથી પણ ગુંબજ ધરાવે છે. મંદિર ના એક જુના અભીલેખ મા સવંત ૧૪૩૨ માં બુટડ લાખાના દિકરા સિમ્હા એ બનાવેલુ એવુ નામ મળેલુ.

ડુંગરાળ સીમ અને ચારેબાજુ વગડાની વચ્ચે ગઢથી આરક્ષિત જુના સુરજ દેવળના મુખ્ય દેવાલયની આસપાસ નવ ગ્રહોની દેરીઓ છે. સાથે સાથે યાત્રિ નિવાસ પણ ત્યાં આવેલું છે. હાલમાં આ તમામ ઈમારતો ખંડિત હાલતમાં છે. અપ્સરાઓ યોધ્ધાને હાર પહેરાવતી હોય તેવા શિલ્પો પણ મંદિરની દીવાલ માં છે. મંદિરની આસપાસ કોઈ મોટી નગરીના અને તેના વિશાળ ગઢ હશે તેવા અવશેષો નજરે પડે છે. જમીનની નીચે ગુપ્ત ભોયરાઓ અને શેરીઓ હોવાના ચોખ્ખા પુરાવા છે. અહિયા લગભગ ૧૫૦ ફૂટ ઉંડી એક જૂની વાવ છે. ઈજનેરીને લગતા બેનમુન નમુના રૂપ ગઢની રચના જોવા મળે છે.

આ મંદિર માં શિખરના બદલે ગોળ ઘુમ્મટની રચના વિશેષ પ્રકારની લાગે છે. વડોજીએ આ મંદિરનો પુનરોદ્ધાર કરાવ્યો હતો. એક મત પ્રમાણે આ મંદિર દસમી-અગિયારમી સદીમાં એટલે કે ‘સોલંકી કાળ’ અગાઉ બંધાયું છે. કાળ ક્રમે તેમાં ફેરફાર અને પરિવર્તન થતાં ગયા છે. મંદિર ના ગર્ભગૃહનો મંડોવર જુનો છે. આગળની મુખ ચોકી ગીરનાર પરના અંબાજી અને મહારાજ અશોકના પૌત્ર સંપ્રતરાજાના મંદિરના ઝરુખા ને મળતી આવે છે. મુખ્ય મંદિરની બાજુની જે નાની દેરીઓ છે તેના ગવાક્ષો માં સુંદર શિલ્પો છે. આ સિવાયના મોટા ભાગના શિલ્પો ખંડિત છે.

આ મંદિર પર અનેક આક્રમણો થયા છે, મુસ્લીમ સંતલત ના અમલ દરમીયાન કાઠી દરબારો ની પાળો ધંધુકા, ધોળકા અમદાવાદ અને ઉ.ગુજરાત સુધી તેમના વિસ્તારો ને ઘમરોળવા ખેપો કરતી, એવા માં ઇસ.૧૬૯૦ મા સુબો કરતલબ ખાન અન્ય સ્થાનીક રીયાસતો ને સાથે રાખી ને પ્રબળ આક્ર્મણ કર્યુ, સાડા ૩ દિવસ યુધ્ધ ની સતત ટક્કર આપી, કાઠીઓ એ મુર્તિ સલામત સ્થળે ખસેડી લિધી અને જય સૂરજ નારાયણ ના નાદ સાથે કેસરીયા કર્યા, પણ આખરે હાર થઇ અને મંદિર ને પણ ઘણુ નુકસાન થયુ, તેની યાદ માં કાઠી દરબારો વૈશાખ સુદ-૧ થી ગણેશ ચોથ સુધી નકોરડા ઉપવાસ કરે છે.

સુર્ય જેમ સ્વતંત્ર દેવતા તરીકે પુજાય છે તેવીજ રીતે નવ ગ્રહ પૈકી એક ગ્રહ તરીકે પણ પુજાય છે. માંગલિક પ્રસંગે ગૃહ શાંતિ માટે કરવામાં આવતી પૂજા માં સુર્ય પૂજા નો સમાવેશ થયો છે.
અથર્વવેદ માં કહેવામાં આવે છે કે

“હે સુર્ય !ઉદય પામો, ઉદય પામો!
મારે માટે પ્રતાપી તેજ થી ઉદય પામો,
જેને હું નજરે નિહાળું છુ, અને નથી નિહાળતો,
તે સર્વ પ્રત્યે મને સુમતી પ્રદાન કરો.

સૂરજદેવળ(થાન) નુ ભગવદ ગો મંડલ મા વર્ણનઃ સૌરાષ્ટ્રના પાંચાલમાં થાન પાસે આવેલું કાઠીઓનું તીર્થ તરીકે ઓળખાતું સૂર્યદેવનું મંદિર. કંડોળિયા હનુમાનથી અરધોક માઈલ ઉત્તરે ઈશાન ભણી ચાલતાં આ રમ્ય અને અલૌકિક સ્થાન આવેલું છે. સૂર્યદેવ કાઠી દરબારોના ઇષ્ટદેવ છે. તેની પ્રતિતી કરાવતું આ દેવળ કોઈ સારા ગણિતશાસ્ત્રી અને ખગોળશસ્ત્રીની સરદારી નીચે બંધાયેલું હોય તેમ જાણવા મળે છે. દેવળના પૂર્વ દરવાજા ઉપર એક અર્ધગોળ બારી ગણતરી કરીને એવી રીતે મૂકવામાં આવી છે કે પાંચાલમાં પગરણ કરતા સવિતાનારાયણનાં કોમળ રશ્મિઓ પહેલવહેલાં ભગવાન સૂર્યની મૂર્તિના મુખકમળ ઉપર જ પડે છે અને પછી જ પાંચાલની પવિત્ર ભૂમિકા ઉપર પડે છે. આ બારી, બારીની પથ્થરની બેઠકો એ બધું એટલું તો ઉપયોગી સ્થળ છે કે ત્યાંથી આખાયે પાંચાલમાં દૃષ્ટિપાત કરી શકાય. દર શ્રાવણ વદિ સાતમ આઠમનો મેળો થાનના નાગરિકો અહીં ભરે છે. આ બારી ઉપર બેસીને ચોકીદાર સુખચેનથી ચોકી કરી શકે છે. દેવળમાં કાળા પથ્થરની બે મૂર્તિઓ છે. એક બકુલાર્ક સૂર્યની અને બીજી રાંદલની . નીચેના ભાગમાં સારથિ અરુણને પધરાવવામાં આવ્યા છે. ઉપરાંત ઘુમ્મટ, ભોંયરાં, પથ્થર ઉપરનું સાદું શિલ્પ, જૂનું ચણતર આ સઘળાંનાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં છે. દેવળ ફરતો આઠ દસ ફૂટ પહોળો રસ્તો છે. રસ્તા ઉપર બે ચાર માણસો સહેલાઈથી બેસી શકે તેવા ઊંડા ગોખ છે.

(જુના સૂરજદેવળ સમસ્ત કાઠી જ્ઞાતીના સંમેલન વખતે (સવંત ૧૯૫૪-ચૈત્ર વદ અમાસ) કવિ શ્રી મેકરણભાઇ લીલા એ કાઠી ક્ષત્રિય સમાજ માટે આ કાવ્ય રજુ કરેલ હતુ. )

🌅સાદ સૂરજ સાંભળી🌅

॥દોહા॥

તિમિર પુહવી ટાળવા,દળવા દૈતા દંભ,
પોષક અરક પ્રાણિ તણા,તારાં પ્રબળ તેજ પ્રતિબંબ

॥છંદ-સારસી॥

પ્રતિબંબ પડતાં ઝળહળે અંબર,અજ્ઞાન તિમર ના રહે,
નવ ગ્રહો ફરતા નાચ કરતા, સમર શુરવિર યું ચહે,
તેજ અનગળ વેગ તોરિંગ, મહિ મંડળે શોભા મળી,
આદિત કુળ ની વાર કરજ્યો, સાદ સૂરજ સાંભળી.
જીય સાદ સૂરજ સાંભળી….ટેક(૧)

પંચાળ ભુમિમાં પ્રગટ પરચા, પ્રબળ સુંણ રાંદલ પતિ,
કષ્ટ કાપ્યાં કાઠિયો ના, હથ્થ હેમ સાંગ આપી હતી,
અણ વખતે પ્રભુ એ યાદ કરજ્યો, જેને વરસ છસો થ્યાં વળી,
આદિત કુળ ની વાર કરજ્યો…(૨)

આપેલ વચનો વિકટ વખતે, એ ખાંભીયુ ખોંખારતી,
વહેવાર બાંધી વંશ વાળે, પટગીર સુતા પરણી હતી,
તેદિ અશ્વ રોજે ચડી આવીશ, મુજ ચરણ આવો સૌ મળી,
આદિત કુળ ની વાર કરજ્યો…(૩)

અધંકાર ધુખડ? અજબ ઓળા, પૃથ્વી સર અસંબા પડ્યા,
ઘનઘોર જોતાં અકળાત અંગે, જબર કેડા ના જડ્યા,
બીકરાળ બમણી રાત બણતાં, સુજે ન ચખ તરણી સળી,
આદિત કુળ ની વાર કરજ્યો…(૪)

અતપાત વિઘન વાટ વહમી, એમાં પુરણ કળજગ પેરવી,
ફડફડી ઉઠ્યા નવગ્રહો ફરતા, -ભ્રમીત વાગી ભેરવી,
બળહિણ બણીયા ઇષ્ટ બળ વીણ, ગુમાન એમાં ગ્યાં ગળી,
આદિત કુળ ની વાર કરજ્યો…(૫)

આદિ અનાદી પુરુષ એવા, જેણે મહિ ભાલે મેળવી,
દિગપાલ પણ ડરતા હતા, એવી કરડાય અંગ કેળવી,
બળવંત એ બધુ ઇષ્ટ બળ થી, રીયણ કીરત ગ્યા રળી,
આદિત કુળ ની વાર કરજ્યો…(૬)

પ્રગટ કર પ્રભુ પ્રગટ કરને, જે આભ ટેકો આપતા,
ઉતમંગ પડતાં(જેના) અંગ લડતાં, કરફાત પરદુઃખ કાપતા,
દાતાર શુરવિર તારા તેજ કિરણે, ભુપતિ ગ્યા છે ભળી
આદિત કુળ ની વાર કરજ્યો…(૭)

અમે ભાન ભુલ્યા ઇષ્ટ મૂલ્યા, ગહન કુળ રીત ના ગણી,
પરિવારને નિત પોષવા,છે તાત ફરજું તમ તણી,
કરજોડ ‘મેકરણ’ કરગરે, ડાઢાળ દૈતા દયો દળી
આદિત કુળ ની વાર કરજ્યો…(૮)

॥દોહો॥
બાળ પ્રહલાદ બચાવવા, થંભ હરિ દર્શન થાય,
સુરજ એવી સહાય, કરજ્યો કાશપ રાઉત.

📌 ફોટોગ્રાફિ અને સંકલનઃ
– કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન
☀ सुर्याय सदाय सहायते ☀
🚩जय काठीयावाड 🚩

error: Content is protected !!