૨૦૦ વર્ષ પૂર્વેની ગામઠી ધૂળિયા નિશાળો અને સૌરાષ્ટ્રની શિક્ષણપદ્ધતિ

આપણે ત્યાં બહુ જાણીતી કહેવત છે ઃ ‘ઠોઠ નિશાળિયો ને વતરણાં ઝાઝા’. કામ કરવાની અનિચ્છાવાળો અનેક બહાના શોધે કે અણઆવડતવાળો ઝાઝો દેખાડો કરે એને માટે આ કહેવત પ્રયોજાય છે. આ વતરણું લોકજીવનમાંથી સાવ લોપાઇ ગયું છે. ભગવદ્‌ગોમંડલમાં વતરણાના લખવા ચીતરવા કે કોતરવાનું ઓજાર, કલમ, પીંછી, ટાંકણું, લાકડાની પેન, પથ્થરની પેન, વટાણું કે લેખણ એવા અર્થો આપ્યા છે. વતરણું અર્થાત્‌ લાકડાની આંગળી જેવડી કલમ. જૂના કાળે નિશાળે ભણવા જતાં છોકરાંઓ આ વતરણું વાપરતા, જ્યારે રાજપરિવારના કુંવરો કલાકારે બનાવેલી કલાપૂર્ણ સુખડની પાટી અને સુખડ કે હાથી-દાંતનું વતરણું વાપરતા. તેઓ પાટી પર કંકુ પાથરી, સરસ્વતી માતાને પગે લાગી, વતરણાથી ‘શ્રી ૧|’ લખીને ભણવાનો શુભારંભ કરતા. જ્યારે સામાન્ય ઘરનાં, લોકનાં છોકરાંઓ પાસે સલેટ ક્યાં હતી? તેઓ ધરતી પર ધૂળ પાથરી એની પાટી બનાવી વતરણા વડે અક્ષરોને ઓળખવાનું અને લખવાનું શીખતાં. એ કાળથી લોકજીવનમાં આ કહેવત ચાલતી આવી છે.

સહજાનંદ સ્વામી વિચરણ કરતા કરતા ૨૦૦ વર્ષ પૂર્વે કાઠિયાવાડમાં આવ્યા એ કાળે પંડ્યાની ગામઠી નિશાળો અસ્તિત્વમાં હતી. ગરીબ અને તવંગર સૌ છોકરાં ભણી ગણીને પોપટ બનવાનો પ્રારંભ અહીંથી કરતાં. આવા નિશાળિયાઓ અને ભણતરની કહેવતો એ કાળે ય પ્રચલિત હતી.

‘ગરથ ગાંઠે, વિધા પાઠે ને સ્ત્રી સાથે’

‘ભણેગણે તે નામું લખે, ન ભણે તે દીવો ધરે’

‘‘નવો નિશાળીયો નવ દા’ડા, ઘણું કરી તો દહ દા’ડા,
અગિયારમા દા’ડે ઓરડો, ને બારમે દા’ડે કોયડો.’’

‘‘લખતા લહિયો, ભણતા છૈયો, વાંચતા પંડિત થાય,
લડતા શેઠિયો નીપજે, તેનું કૂળ ન જુએ કોય.’’

કથાકાર, બારોટ કે મંદિરના પૂજારીઓનો જેમ ‘લાગો’ હોય એમ આ ગામઠી નિશાળ ચલાવવાનો હક અમુક બ્રાહ્મણ કુટુંબને જ રહેતો. કુટુંબમાં ત્રણ ભાઇઓ હોય તો વરસવાર આ નિશાળમાં ભણાવવાના વારા બંધાતા. મંદિરના પૂજારી જેવી પરિસ્થિતિ સરસ્વતીના આ મંદિરમાં પણ જોવા મળતી. કેટલાક નગરોમાં જૈનોના ગોરજીના અપાસરામાં બાળકોને ભણાવવાની જોગવાઇ જૂનાકાળે હતી. દીકરીઓને ભણવાનો સવાલ જ નહોતો. દીકરાને આઠ વરસની ઉંમરે નિશાળે બેસાડવાનો ચાલ હતો. બાળકનું પ્રથમવારનું શાળાગમન સમગ્ર ગામ માટે ઉત્સવરૂપ બની રહેતું. નિશાળે બેસાડતી વેળાએ વરઘોડો ચડાવતા. રંગેલી ને ચીતરેલી પાટી લઇ વાજતેગાજતે કુંવર નિશાળે જતા. નિશાળમાં- સરસ્વતી મંદિરમાં મૂકાયેલ લાકડીની પૂતળી સરખી સરસ્વતિપ્રતિમાનું પૂજન કરવામાં આવતું. બાળકને હાથમાં શ્રીફળ ને પાટી આપી કપાળે ચાંલ્લો કરાતો. આખી નિશાળના છોકરાંઓ સરઘસરૂપે ગાતાં ગાતાં ગામ વચ્ચે થઇને નવા નિશાળિયાને નિશાળે લઇ જતા. પંડ્યાને આ પ્રસંગે દક્ષિણા મળતી. બાળકોને છૂટ્ટી મળતી. સરસ્વતી પૂજન પ્રસંગે ગામઠી શાળા ચલાવતા પંડ્યા દાખલ થનાર વિધાર્થીને મ્હોપાટ લેવરાવતા. આ કક્કાની મ્હોપાટ પણ સાંભળતાની સાથે જ યાદ રહી જાય એવી હતી.

કક્કો કેવડિયો, ખખ્ખો ખારેકિયો

ગગ્ગા ગવરી ગાય, ઘઘ્ઘો ઘંટ ચડાવ્યો જાય.

ચચ્ચાજીની ચોપડી, ને છછ્‌છાજીનો પોટલો.

જજજો જેર વાણિયો, ને ઝઝ્‌ઝો રેટી સરીખો.

ઠઠ્‌ઠાજીની ગાંઠ, ને ઢઢ્‌ઢાજીની પૂંઠ રેણે તેણે સરીખો

દદ્‌દો દિવેટિયો, ને ધધ્ધો ધંધોળિયો.

પપ્પા પહોળી પાટ, ને બબ્બાનું બહુ થાય.

ભભ્ભે માર્યું ભેંસલું, ને મોરકો પાારસ પેટીનો

ષષો ખુદો ફાટિયો, લે રે લાછુ પાણી લાવ.

ને માઢો મોટો ઘડો ચડાવ. સારર બે દંત

ને હાહાર બે પગ.

‘કવિશ્વર દલપતરામ ભા. ૧’માં કવિ ન્હાનાલાલ લખે છે કે સમસ્ત શાળાનાં બાળકો ઉત્સવના ઉત્સવિયા હતા, એમ મ્હોપાટના મ્હોપાટિયા હતા. એ કાળે ગુજરાતી લિપિના આ રીતે પ્રથમ સંસ્કાર પાડવામાં આવતા. નિશાળ એટલે બસોએક બાળકો બેસી શકે એવો એક ઓરડો. પાથરણે કાંડાસમાણી ધૂળ. પંડ્યાજીને બિરાજવા માટે પાટ જેટલી ઊંચી ઓટલી રહેતી. તેના પર ફાટેલી જૂની સાદડી કે જાજમ પાથરવામાં આવતી. પંડ્યાજી આવીને ખભે ચાબખો નાખી સિહાનસ્થ થતા. માથેથી ઊતારીને પાઘ પડખે મૂકતા. ચાબખો હાથમાં લેતા. આ ચાબખો એટલે પંડ્યાજીનો રાજદંડ. વીંઝણાની પેઠે એ અખંડ વીંઝાતો જ હોય. અડધાક હાથની લાકડાની રાતી દાંડી ને ચામડાની ત્રણ સેરો. એવો ત્રિજરાળો પંડ્યાજીનો ચક્રવર્તી ચાબખો રહેતો. આ પંડ્યાજી દોરી ગુંથેલી લૂગડાંની બે ત્રણ દડીઓ રાખતા. પછી જેને બોલાવવા ઈચ્છે તે છોકરાને દડી મારતા. તે ઊભો થઇને આવે એટલે ચાબખો ફટકારતા. આ પંડ્યાજી ગામમાં નીકળે, શહેરમાં કે રાજદરબારે જાય ત્યારે પણ ભીમના ખભે ગદા હોય એમ એમના ખભે આ ચાબખો અનિવાર્ય પ્રમાણે રહેતો. રાજપૂત તરવારે ઓળખાતો, એમ પંડ્યા ચાબખે ઓળખાતા. આ ચાબખા માટે ઉક્તિ કહેવાતી ‘ચાબખો વાગે સટાસટ, વિધા આવે ફટાફટ.’

પંડ્યાજીની બે સૈકા પૂર્વેની નિશાળો બે ભાગમાં વહેંચાયેલી રહેતી. એક ભાગમાં મ્હોપાટિયા બેસતા ને બીજા ભાગમાં લખનારા બેસતા. સોળ આંક મોઢે થયા પછી છોકરાઓને લખવામાં બેસાડતા. એક આંકની મ્હોપાટ આવડ્યે બીજા આંકમાં બેસાડે, ને આંકે આંકે પંડ્યા ચાર આના ફીના લેતા. ત્રણ બાળકો સામે બેસે ને એકેક બાળક બે પડખે. આમ એક પંચકડીની વચ્ચે ઉપરી હવાલી બેસતો. સોળ આંક ભણી જે છોકરા લખનારાંમાં જાય તેને એક દહાડો લખવાનું ને એક દહાડો હવાલીનો વારો ભરવાનો રહેતો. આ નિશાળો એવી તો ગાજતી કે અડખેપડખેના દસ ઘેર આ અવાજ સંભળાતો. નિશાળમાં તો કાન પડ્યું કાંઇ સંભળાય નહીં. એટલા માટે પંડ્યાજીને દડી મારીને જે તે બાળકને બોલાવવાની નોબત આવતી.

એ કાળે કક્કો ભણાવાતો, પણ જેમને દસ્તાવેજો લખવાના હોય, સરકારમા કામ પડતું હોય એમને કોઇ કોઇ શાળામાં જયાં બારાખડી ભણાવાતી હોય ત્યાં દાખલા કરતા. આંક પુરા થયે કક્કો ભણાવાતો. એ વખતે લખવા માટે બોડિયા અક્ષર પ્રવર્તતા. બોડિયા અક્ષર એટલે કાનોમાત્રા વગરનું લખાણ. પારી ત્રિભોવન ગણીચંદ લખવું હોય તો ‘પર તરભવન ગણચદ’ લખાતું. મેરાઇ ગોરધન હરખાભાઇ લખવું હોય તો ‘મરાઇ ગરધન હરખભઇ’ લખવામાં આવતું.

નિશાળમાં પહોરવારે એકીપાણીની છૂટી પડતી. છોકરાંઓ સૌ ઘેરથી પાણીની ભંભલી ભરી લાવતાં. પંડ્યાની નિશાળમાં લોકશાહી પ્રથા હોવાથી શ્રેષ્ઠી શાહુકારોથી માંડીને રાય-રંકના છોકરાં ધૂળમાં પલાંઠી મારીને ભેગાં જ બેસતાં. ધૂળમાં જુવાંય એટલા રહેતા ને બેસનાર અટકાવતા. બાળકોને કક્કો આવડી જાય પછી આગળની મ્હોપાટ લેવરાવાતી. આગળ પછી ખત, ખત પછી હૂંડી, અને હુંડી પછી નામું. એવો અભ્યાસક્રમ હતો. એ પછી ગોળનાં, ઘીનાં, દાણાંના લેખાં શિખવાતાં. આટલું ભણતર ભણીઊતરે એ બાજંદો (હુંશિયાર) ગણાતો. ભણેલાનું માનપાન ખૂબ હતું. એમને કામધંધો ને નોકરી જલ્દી મળી જતા. ભણ્યા વગરના લોકો મહેનત મજૂરી કરતા.

એ જમાનામાં કાગળ લખવાનું કેવું શીખવાતું એનો સંવત ૧૮૮૪નો એક રસપ્રદ નમૂનો ‘સહજાનંદ સ્વામીના સમકાલીન લોકજીવન’માં શ્રી બી.જી. વાઘેલાએ નોંધ્યો છે.

‘સવશતરી રાજનગર માંહે શુભસ્થાને, પૂજારાધે, તમતમો (ઉત્તમોત્તમ) આરાચનની આણ (અર્ચનીય) સફળગુણનિધાન, ચૌદ વિધાજાણ, પંખીઓના પ્રાગવડ, પરનારી સહોદર, શેઠ શરી પાંચ ભૂખણદાસ ભગવાનદાસની ચરણજીવી. ખેતાન શ્રી શ્રી લખીતંગના ઝવાર વાંચજો. શેઠની ખેમાં ખુશાલીના કાગળ લખજો. અપરંગ બીજું શેઠ વડા છો. ચંતા કરો છો, ચંતાના ધણી છો. તે થકી સેવક જાણી મળવા વહેલા પધારજો. કામકાજ લખજો. જોઇતું કરતું મંગાવજો. સંવત ૧૮૮૪ના વરખે ચૈતર સુદી.’

એ સમયે નિશાળમાં જે છોકરો હોંશિયાર, વાચાળ અને પ્રતાપી હોય તેને પારખીને પંડ્યા એને વડો નિશાળિયો (મોનીટર) નીમતા. આ વડો નિશાળિયો વહેલો આવતો. મ્હોપાટ ઘરે ભણી ગયાની સૌની ચીઠ્ઠી વાંચે. કોણ જાણે મજરો (ઘેરથી આંક લખી લાવવા તે) નથી લખ્યું એ નોંધે, કોણ મોડું આવ્યું એ લખી રાખે. પહોર-દહાડો ચડ્યે પંડ્યાજી પધારે. છોકરાં લેનસર ઊભા રહે પછી વડો નિશાળિયો આ પ્રમાણે વહી વાંચે ઃ

‘ફલાણા ફલાણા મજરો નહોતા લાવ્યા જી

ફલાણા ફલાણા મોડા આવ્યા હતા જી’

પછી પંડ્યાજીનો ચાબખો સબોસબ વીંઝાવા માંડે. ‘કવિશ્વર દલપતરામ’માં કવિ શ્રી ન્હાનાલાલ લખે છે કે ‘સવાર-સાંજ એમ નિશાળ બે ટાણાં હતી. સાતમના દિવસે પાટલા- મંડામણી થતી. કોરી ખડી ઘેરથી સૌ છોકરાં લાવે તે નિશાળમાં પલાળીને પાટી ઉપર ચોપડાતી. આઠમ અને અમાસ- પૂનમનો અણોજો (રજા) રહેતો. બારશના દિવસે છોકરાઓએ નિશાળે દાણા કે સીધુ લાવવાનું રહેતું. ચોમાસામાં પાંચ પાંચ નળિયાંનો બાળકદીઠ ‘પંડ્યાકર’ હતો. ભીંતમાં ગોખલો રહેતો. મહીં શાળાની અધિષ્ઠાત્રી સરસ્વતીની મૂર્તિ રહેતી. ભણવામાં કોઇ છોકરો ઠોઠ હોય ને એના વાલી આવીને પંડ્યાજીને કહે ઃ ‘માસ્તર! મારા છોકરાને વિધા નથી ચડતી કોઠે ભણતર નથી ચડતું. તમે કંઇક ઉપાય કરો ને!’’ ત્યારે પંડ્યા કહેતા ઃ ‘સરસ્વતીને નાળિયેરનું તોરણ બાંધો, ઈના કોઠે વિધા ચડવા માંડશે.’ એ કાળે ય ટીંગાટોળી કર્યા વગર નિશાળે ન આવનારા બહાદૂર બાળકો ય હતાં.

નિશાળના પંડ્યાજી છોકરાં ભણાવવા ઉપરાંત ગામમાં ચંડીપાઠ કરવા જતા. ટીપણું જોઇ પંચક, ચોઘડિયાં, વ્યતિપાત વગેરે કહેતા. ગ્રહોની શાંતિ માટે મંત્રજાપ કરી આપતા. પૂજા કરાવતા. ગુજરાતી કે સંસ્કૃત એમના પૂર્વજો ભણ્યા હશે! બોડિયા અક્ષરના જમાનામાં એમને એ ભણવાનું હતું ય નહીં. તે જમાનાનો સમાજ જે માગતો તે ભણાવવાનું પંડ્યાને આવડતું હતું. એ સમયે સૂરત, ભરૂચ, ખેડા અને અમદાવાદ જિલ્લામાં સૌરાષ્ટ્ર ૨૮૨ ગામઠી શાળાઓ હતી.

એ યુગમાં ભણતર ઝાઝું નહોતું છતાં દ્રષ્ટિવંત રાજવીઓએ પોતાને ત્યાં ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા વિચારી હતી. ભૂજમાં ‘મહારાવ શ્રી લખપતજી વ્રજભાષા પાઠશાળા’ હતી. અહીં વ્રજભાષા જ નહીં પણ કાવ્ય, અલંકાર, પિંગળ વગેરે શિખવાડાતું. સુપ્રસિધ્ધ કવિઓ બનાવનારી આ વિધાસંસ્થા હતી. રાજસ્થાનના શિરોહી રાજ્યના ખાણ ગામે જન્મેલા લાડુદાનજી પાછળથી બ્રહ્માનંદ સ્વામીના નામે જાણીતા બન્યા એમણે આ પાઠશાળામાં ૧૦ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. પિંગળની પહેલી ચોપડી ‘અનેકાર્થી નામ માળા’માં એક એક શબ્દના અનેક અર્થો સંગ્રહાયેલા છે. ‘માનમંજરી નામ માળા’ એક જ અર્થના અનેક શબ્દોનો કોશ છે. તેની સાથે ‘રૂખદીપ પિંગળ’ નામનું બાવન છંદોનું પિંગળ છે. આ ત્રણેયને સમાવતો ગ્રંથ ‘લઘુ સંગ્રહ’ પિંગળના વિધાર્થીઓ માટે બુનિયાદી તાલીમની ગરજ સારતો. આ ઉપરાંત અહીં ‘રસરાજ’, ‘કવિપ્રિયા,’ ‘સભાપ્રકાશ’ નાયકાભેદ અને નવ રસભેદના ગ્રંથો ભણાવાતા. તેજસ્વી વિધાર્થીઓને યાદશક્તિ કેળવવા ‘અવધાન વિધા’ શિખવાતી. અષ્ટાવધાનથી શરૂ કરી સહસ્ત્રાવધાન સુધીનો અભ્યાસ કરાવાતો. સને ૧૮૩૦માં શ્રીજી મહારાજ અંતર્ધાન થયા ત્યાં સુધીમાં તો સૌરાષ્ટ્રમાં નવી કેળવણીનો આરંભ થઇ ચૂક્યો હતો. આવી હતી વર્ષો પૂર્વેની ગામઠી ધૂળિયા નિશાળો અને સૌરાષ્ટ્રની શિક્ષણપદ્ધતિ.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!