રાક્ષસને પ્રમુખ નીમવાની યુક્તિમાં ચાણક્યના મનનો હેતુ એટલો જ હતો કે, તેને એકવાર ગમે તેમ કરીને પણ તેના અજ્ઞાતવાસમાંથી બહાર કાઢવો અને ખુલ્લા મેદાનમાં લાવવો, ત્યારપછી તેની સારીરીતે ફજેતી કરીને ચન્દ્રગુપ્તને સિંહાસને બેસાડવાના કાર્યમાં પણ તેને જ અગ્રણી બનાવવો. ચાણક્ય મહાન નીતિચતુર, કુટિલ, પોતાના વૈરીનો સર્વથા નાશ કરવામાં સર્વદા તત્પર અને મહાકોપિષ્ટ ઇત્યાદિ સર્વ વિષયોમાં પૂરો દુર્ગુણી હતો, પરંતુ એક મહાન અવગુણ તેનામાં સર્વથા હતો નહિ – અર્થાત્ તેના હૃદયમાં લોભનો છાંટો પણ નહોતો. તેને અધિકારની દરકાર નહોતી, તેમ જ દ્રવ્યની અભિલાષા નહોતી. માત્ર પોતાને અપાયલું અપમાન સહન ન થઈ શકવાથી જ તેણે નન્દકુળના નાશની ધોરતમા પ્રતિજ્ઞા કરી હતી અને કોઈ પણ પ્રયત્ને તે પાર પાડવાની તેની પૂર્ણ અભિલાષા હતી. તે પાર પાડવામાટે જે જે પ્રયત્નો કરવાના હતા, તે સર્વ તે કરી ચૂક્યો હતો. પોતે ઔષધિઓનું સારું જ્ઞાન ધરાવતો હોવાથી વૈદ્ય બની અનેકોના રોગો ટાળી તેણે હિમાલયમાં વસતા વ્યાધ આદિ લોકોની કૃપા મેળવી હતી. ધનુર્વેદ જેવાં શાસ્ત્ર અને તેના પ્રયોગોમાં પોતે ઘણો જ પ્રવીણ હોવાથી એ જ્ઞાનનો પણ તેમના બાળકોને લાભ આપીને તેણે તેમને બધાને પોતાના બનાવી લીધા હતા.
સારાંશ કે, સર્વથા સાધનહીન અને દરિદ્રી હોવા છતાં પણ ચાણક્યે માત્ર પોતાના વિદ્યારૂપી ધનના પ્રભાવથી હિમાલયમાંના કેટલાક વ્યાધ અને ભિલ્લ આદિ જાતિનાં લોકોના રાજાઓ ઉપર તથા ગોપાલ અને અજાપાલ (ગોવાળીઆ અને ભરવાડ) ઇત્યાદિ બીજા લોકોપર પોતાની પ્રતિભા પ્રસરાવી દીધી હતી. પ્રાચીન કાળના ઋષિઓ જેવી રીતે વર્તતા હતા, તેવી જ રીતિનું પોતાનું વર્તન રાખીને તેણે બધાને વશ કરી લીધા હતા. તેમના બાળકોની તો એનામાં એટલી બધી ભક્તિ બંધાઈ ગઈ હતી કે, તેનું વર્ણન પણ થઈ શકે નહિ. કોઈ પણ મનુષ્ય અત્યંત વિદ્વાન અને સાથે નિઃસ્પૃહી હોય તો તેનો પ્રભાવ સર્વત્ર પડી શકે છે, એ સર્વમાન્ય સિદ્ધાંત છે. હિમાલયમાં પોતાના જે ગુણો તેને ઉપયોગી થઈ પડ્યા હતા, તે જ ગુણોનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી તે પાટલિપુત્રમાં પણ તેને તેવા જ કિંતુ તેથી પણ વધારે ઉપયોગી થઈ પડ્યા. તેમ જ તેના મંત્ર, તંત્ર અને ઔષધિજ્ઞાનના યોગે તથા બુદ્ધભિક્ષુ વસુભૂતિએ આશ્રય આપવાથી પાટલિપુત્રમાંના કેટલાક શ્રીમંત શેઠિયાઓ સાથે પણ તેનો સંબંધ જોડાયો હતો અને દિવસે જતાં તે ઘણો જ દૃઢ થઈ ગયો હતો. ચંદનદાસ જેવા રાક્ષસના મિત્રો પણ ચાણક્યને ઘણી જ માનની દૃષ્ટિથી જોવા લાગ્યા હતા. એટલાં બધાં અનુકૂલ સાધનો હોવા છતાં પણ એ બ્રાહ્મણ તેમનાથી સર્વદા નિઃસ્પૃહતાથી જ વર્તતો હતો. કોઈ પાસેથી તેણે કોઈ દિવસે એક કોડીની પણ યાચના કરી નહોતી. કોઇવાર કોઈ કાંઈ દાન આપતું, તે “હું પ્રતિગ્રહનું ગ્રહણ કરતો નથી.” એમ કહીને તેને તે પાછું જ ફેરવતો હતો. પોતાનું ખરું સ્વરૂપ તેણે કોઇના પણ જાણવામાં આવવા દીધું નહિ.
જેની સહાયતાથી સમસ્ત પાટલિપુત્રમાં તેની ઓળખાણ થઈ હતી, તે વસુભૂતિને પણ તેણે છોડ્યો નહિ. તેની સાથે તેણે પોતાનું વર્તન પ્રથમ પ્રમાણે જ રાખ્યું હતું. માત્ર સિદ્ધાર્થકને સર્વથા પોતાનો ભક્ત બનાવી દીધો હતો. સિદ્ધાર્થક પણ કાંઈ ઓછો ખટ૫ટી નહોતો; તેણે ચાણક્યને અનેક પ્રકારની સહાયતાઓ આપી હતી. પરંતુ તે સર્વનું અહીં વિવેચન કરવાની કશી પણ આવશ્યકતા નથી. એક નિરપેક્ષ અને અત્યંત તેજસ્વી વિદ્વાન બ્રાહ્મણ કેવળ પોતાના ચાતુર્યના બળે અનેક પ્રકારના વ્યુહો રચીને કેવાં કેવાં પરિવર્તનો કરી શકે છે, એની કલ્પના પણ થવી અશક્ય છે. બાળકોએ યવનો પાસેથી લૂંટેલું દ્રવ્ય તેના કોષમાં હોવાથી તેને દ્રવ્યના અભાવથી પડતી વિડંબનાનો જરા જેટલો પણ અનુભવ થયો નહિ. અર્થાત્ તે સર્વથા નિઃસ્પૃહ રહેવાથી જે કોઈ આવ્યું, તે સહજ સ્વભાવે તેના જાળમાં સપડાતું ગયું અને હવે સર્વ પ્રપંચોનો અવધિ થવાની વેળા આવી પહોંચી. રાક્ષસ સર્વથા સરળ અને એક માર્ગી પુરુષ હતો, તેથી “મારા પ્રપંચોના રહસ્યને તે કોઈ કાળે પણ જાણી શકશે નહિ.” એવો ચાણક્યને મૂળથી જ નિશ્ચય બંધાઈ ગયો હતો.
ચાણક્ય આટલાં બધાં ગુપ્ત કારસ્થાનો કરતો હતો, તેનો રાક્ષસના મનમાં બિલ્કુલ સંશય ન આવ્યો. એ કોઈ બુભુક્ષિત બ્રાહ્મણ વ્યાધ રાજાના પુત્ર સાથે આવેલો છે, એટલી જ કલ્પના કરીને તે બેસી રહ્યો અને ભાગુરાયણ સેનાપતિ તેને ત્યાં આવતો જતો હોવાથી પોતે તેને બોલાવવાનું અનુચિત ધાર્યું, એ બધી વાતો ચાણક્યને માટે ઘણી જ શ્રેયસ્કર થઈ પડી. એથી તેને પરસ્પર ગમે તેવી વાતો કરવાને નિર્વિઘ્ન પ્રસંગ મળતો ગયો. સારાંશ કે, જે કાંઈ પણ અનુકૂલ સાધનો હતાં, તે સર્વે ચાણક્યને સરળતાથી મળી શક્યાં. હવે જો કાંઈ પણ કરવાનું હતું તો એટલું જ કે, રાક્ષસના અનુમોદનથી ચન્દ્રગુપ્તને સિંહાસને બેસાડીને રાક્ષસને તેનો અમાત્ય બનાવવો, અને ત્યાર પછી તેના જ હાથે એકવાર ગ્રીક યવનેાનો સારો પરાભવ કરાવીને તે યવનોને આ પવિત્ર આર્યાવર્તની ભૂમિમાંથી પાછા હાંકી કાઢવા. એટલું થયું એટલે તેની સર્વ ઇચ્છાઓ પૂરી થવા જેવું જ હતું જો એ કાર્ય થઈ રહે, તો પછી તેનો પુનઃ હિમાલયમાં જઇને પોતાના આશ્રમમાં તપશ્ચર્યા કરવાનો વિચાર જ નહિ, પણ નિશ્ચય થએલો હતો. રાક્ષસને હવે પોતાના પક્ષમાં લાવવા માટે દ્રવ્ય કિંવા અધિકારનો લાભ ઉપયોગી થઈ શકે, તેમ હતું નહિ. પોતાના સ્વામીના કુળનો જેણે વિધ્વંસ કર્યો છે, તેનાં કારસ્થાનોને ઊઘાડાં પાડીને લોકોમાં તેની ફજેતી કરવી અને તેને પોતાને હાથે જ દેહાંત દંડની શિક્ષા કરવી, એટલી જ રાક્ષસની ધારણા હતી. માટે એવો પ્રસંગ તેને આપવાનો લાભ બતાવવામાં આવે, તો જ તે વશ થઈ શકે એમ હતું.
જો એમ ન થાય, તો બહાર પડવાને બદલે કોઈ પારકા રાજ્ય સાથે મળીને તે ચન્દ્રગુપ્તને ત્રાસ આપવાનો પ્રયત્ન કરે, એવો બહુધા સંભવ હતો. એટલા માટે કોઈ પણ પ્રયત્ને રાક્ષસને તો પોતાના પક્ષમાં લાવવો જ જોઈએ, એ સઘળા વિચારો કરીને પછી જ ચન્દ્રગુપ્તને હાથે તેણે રાક્ષસના નામનું પત્ર લખાવ્યું હતું અને તેની ધારણા પ્રમાણે રાક્ષસે તેની માગણીનો સ્વીકાર પણ કર્યો. પોતાની તપાસમાં પોતે જ અપરાધી તરીકે આગળ આવવાનું રાક્ષસને સ્વપ્ન પણ આવ્યું નહોતું. તેણે પોતે ન્યાયાધીશ બનીને ન્યાય કરવાનું કાર્ય માથે લીધા પછી બીજે જ દિવસે ન્યાયાસન સમક્ષ ન્યાય આપવાનું નક્કી કરવામાં આવ્યું અને રાક્ષસ ન્યાયાસને વિરાજવા માટે આવી પહોંચ્યો. ચન્દ્રગુપ્ત અને તેનો પરસ્પર મેળાપ થતાં જ ચન્દ્રગુપ્તે તેને કહ્યું કે, “અમાત્યરાજ ! પ્રથમ તો તપાસ ગુપ્તરીતે કરવી તે વધારે સારું છે; કારણ કે, આપણે તપાસ કરીએ છીએ, એ વાત જો પ્રપંચીઓના જાણવામાં આવી જશે તો તેઓ ન્હાસી જશે, પાછા તેમને પકડી લાવવામાં આપણને ઘણો જ ત્રાસ વેઠવો પડશે. અથવા તો આપણા શત્રુ યવનો એવા પ્રપંચીઓને સહાયતા આપવા માટે આતુર થઈ રહેલા છે, તેમને તેઓ જઈ મળશે, એટલા માટે આપણે પર્વતેશ્વરને એકાંતમાં બોલાવીને જે પ્રશ્નો કરવાના છે તે કરીએ અને તેના મુખેથી જેમનાં નામે નીકળે, તેમને એકદમ પકડીને યોગ્ય શિક્ષા આપીએ. પછી તે ગમે તે હોય – કોઈ મહા વિદ્વાન શ્રોત્રિય બ્રાહ્મણ હોય કે કોઈ ચાંડાલ હોય – તેની આપણને દરકાર નથી.”
ચન્દ્રગુપ્તનું એ ભાષણ રાક્ષસને ઘણું જ ગમ્યું અને તેથી તેના મતને તેણે તત્કાલ અનુમોદન આપ્યું. રાક્ષસનો એ નિશ્ચય હતો કે, ચન્દ્રગુપ્ત, ચાણક્ય અને ભાગુરાયણ એ ત્રિપુટીએ જ આ બધાં કારસ્થાનો રચેલાં છે અને પર્વતેશ્વર બિચારો ભૂલથી જ એમાં ઝોકાઈ પડ્યો છે; અથવા તો તેને એમણે ફસાવી માર્યો છે. પરંતુ ખરી રીતે શું થયું હતું અને પર્વતેશ્વર એ પ્રપંચમાં કેવી રીતે ફસાયો હતો, એ શોધી કાઢવું ઘણું જ કઠિન હતું, તો પણ “હું ગમે તેમ કરીને સત્ય વાર્તા શી છે તે શોધી કાઢીશ અને એ કારસ્થાનીઓની પૂરી રેવડી કરીશ. એમણે મને ફસાવીને જાળમાં સ૫ડાવવા માટે ન્યાયાધીશ નીમીને બોલાવેલો છે, પણ હું તેમનાં સઘળાં કારસ્થાનોને ઊઘાડાં પાડી તેમના જાળમાં તેમને જ સપડાવીશ અને તેમની ખાત્રી કરી આપીશ, કે રાજકારસ્થાનો આવાં હોય છે.” એવો વિચાર કરીને રાક્ષસ ન્યાયાસનના સ્થાનમાં ગયો. ત્યાં ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણ એ બે જણ જ બેઠેલા હતા. તે બન્નેએ તેને ઉઠી ઊભા થઈને માન આપ્યું અને તેને મધ્યસ્થાને આદર સહિત બેસાડ્યો. “ભાગુરાયણ અને ચન્દ્રગુપ્ત બને લુચ્ચા છે. પણ હું તેમની લુચ્ચાઈ અને ઢોંગને હમણાં જ તોડી પાડીશ.” એવી રાક્ષસે મનમાં જ યોજના કરી. પરંતુ એ વિચાર મનમાં આવ્યો ન આવ્યો તેટલામાં પાછું તેને એમ ભાસ્યું કે, “આજે સર્વ અધિકાર એમણે પોતાના હાથમાં કરી લીધો છે, તો મારાથી એમનો પરાભવ કેવી રીતે કરી શકાશે ? હું કદાચિત્ એમ જાણી પણ શકું કે, પર્વતેશ્વર દ્વારા એમણે જ નન્દકુળનો નાશ કરાવ્યો છે, તો પણ અત્યારે શું થઈ શકે એમ છે ? શું એ લુચ્ચાઓ પોતાનો અપરાધ કબૂલ કરશે ? એ તો સામો એ અપરાધ મારા શિરે જ ઢોળી પાડવાનો પ્રયત્ન કરશે.” પરંતુ હવે એના એ વિચારો સર્વથા નિરર્થક હતા. હવે એ વિચારોનું કાંઈપણ પરિણામ થઈ શકે, તેમ નહોતું.
અત્યારસુધી તેમની સર્વ માગણીઓ કબૂલ રાખીને હવે ત્યાંથી નીકળીને ચાલ્યા જવું કે ન્યાયાધીશત્વનો અસ્વીકાર કરવો, એ ઉભય કાર્ય અશક્ય હતાં – એથી તો સામો લોકોને સંશય વધવાનો સંભવ હતો. માટે હવે તો જે કાર્યમાટે અહીં આગમન થયું હતું, તે કાર્ય કરવા વિના બીજો માર્ગ જ રહ્યો નહોતો. હવે તો ભવિષ્યનો વિચાર ભવિષ્યમાં જ થવાનો હતો. એ સઘળા વિચારો એક પછી એક મનમાં આવવાથી રાક્ષસે ચન્દ્રગુપ્તને કહ્યું કે, “કિરાતરાજ કુમાર ચન્દ્રગુપ્ત ! નન્દવંશનો નાશ થતાં તું જ માત્ર આ સિંહાસનની વ્યવસ્થા કરનારો રહ્યોને ? આ કેવો ઘાત અને કેટલો મોટો ઘાત ! એ ઘાત કરનાર નીચ પુરુષનું હૃદય કેટલું બધું કઠિન હશે ! ઠીક – પણ હવે તારા હાથે પણ શું શું થાય છે, તે જોવાનું છે, ન્યાય કરવાને હું તૈયાર છું. જો પ્રથમ એ દુષ્ટ પર્વતેશ્વરનું જ ભાષણ સાંભળવાનું હોય, તો સત્વર તેને અહીં લાવવાની વ્યવસ્થા કરો.”
રાક્ષસનું એ ભાષણ સાંભળીને ચન્દ્રગુપ્ત અને ભાગુરાયણ એકબીજાને તાકી તાકીને જોવા લાગ્યા.
તત્કાળ ચન્દ્રગુપ્તે પર્વતેશ્વરને બોલાવી લાવવાને એક દૂતને રવાના કર્યો, પર્વતેશ્વર તો કેદી એટલે પરતંત્ર જ હતો. એટલે તે તો તેને જ્યાં બોલાવવામાં આવે ત્યાં જવાને બંધાયલો જ. તે તત્કાળ ઊઠ્યો અને સેવક સંગે આવીને ન્યાયાસન સમક્ષ ઊભો રહ્યો. દ્વારમાં પગ મૂકતાં જ તેની દૃષ્ટિ રાક્ષસ ૫ર ૫ડી કે તે જ ક્ષણે તેનો કોપાગ્નિ પ્રજળી ઊઠ્યો તેના હૃદયમાં એકાએક ઉમંગ થઈ આવ્યો. એ વેળાએ જો તે સ્વતંત્ર અને છૂટો હોત, તો તેણે પોતાની તલવારથી રાક્ષસને ત્યાંને ત્યાં ઠાર જ કરી નાંખ્યો હોત; એટલો બધો એ સમયે તે કોપને વશ થઈ ગયો હતો. તે રાક્ષસને એકદમ ધિક્કારસૂચક શબ્દોથી કહેવા લાગ્યો કે, “અમાત્ય રાક્ષસ’! તું માત્ર નામનો જ નહિ, પણ કર્મવડે પણ રાક્ષસ જ છે ! નીચ ! તારે જ્યારે પોતાના સ્વામીનો અને તેના કુળનો નાશ જ કરવો હતો, તો તેમાં વચ્ચે નકામો મને શામાટે ફસાવ્યો? મેં પણ રાજનીતિનાં ઘણાં ઉદાહરણો જોયાં છે, પણ આવી વિશ્વાસઘાતમયી રાજનીતિનું દર્શન મેં આજ સૂધીમાં કર્યું નથી. જો તારી મુદ્રાવાળાં પત્રો ન આવ્યાં હોત, તો એવાં પત્રો પર કોઈ કાળે પણ મેં વિશ્વાસ રાખ્યા ન હોત. પરંતુ મારી દુર્દશા જ સૃજાયલી હતી, ત્યાં મારો શો ઉપાય ચાલી શકે? પણ તું ઘણો જ અધમ અને પિશાચતુલ્ય પ્રાણી છે, એમાં તો જરા પણ શંકા જેવું નથી. મને ફસાવી પાછો મને વધારે વિડંબનામાં નાંખવા માટે જ તેં મને બોલાવ્યો છે ને? ધિક્કાર ! ધિક્કાર ! !……” પર્વતેશ્વરનો હજી તો બહુ જ વધારે બોલવાનો વિચાર હતો, પરંતુ તેના મનમાંનો તાપ એટલો બધો વધી ગયો કે, તેના મુખમાંથી શબ્દ જ નીકળી શક્યો નહિ.
રાક્ષસ તો પર્વતેશ્વરનું એ બોલવું સાંભળીને આશ્ચર્યચકિત જ થઈ ગયો. “તમારી મુદ્રાવાળાં પત્રો આવ્યાં, તેથી હું પાટલિપુત્રમાં આવ્યો;” એમ એ કહે છે, એનો ભાવાર્થ શો હશે ?” એની તેને કાંઈ પણ સમજ પડી નહિ, અને હવે શું ઉત્તર આપવું, એ વિશેના મહા તે વિચારમાં પડી ગયો.
ચન્દ્રગુપ્ત, રાક્ષસના મનની સ્થિતિને સારી રીતે જાણી ગયો. કિંબહુના એમ થવાનું જ, એવો તર્ક તેણે પ્રથમથી જ કરી લીધો હતો તેથી ઘણી શાંતિથી તે પર્વતેશ્વરને ઉદ્દેશીને કહેવા લાગ્યો કે, “પર્વતેશ્વર! વ્યર્થ કોઈના નામનો ઉલ્લેખ કરીને તેના શિરે દોષારોપ કરવાથી કાંઈપણ લાભ થવાનો નથી. અમાત્ય રાક્ષસ અત્યારે ન્યાયાધીશના સ્થાને વિરાજેલા છે, માટે રાજકુળનો વધ કેવી રીતે અને શા કારણથી કરવામાં આવ્યો અને તમારે મગધદેશપર કેમ ચઢી આવવું પડ્યું, એની જે હકીકત તમે જાણતા હો તે કહી સંભળાવો. કારણ કે, એનો ન્યાય કરીને અપરાધીને શિક્ષા કરવાનું કાર્ય અમાત્યને જ સોંપવામાં આવ્યું છે. તમારું આ યદ્વાતદ્વા ભાષણ કોઈ પણ સાંભળવાનું નથી. તમે મોટા રાજા છો, માટે તમારી પાસેથી ખંડણી લઈને તમને પાછા તમારા દેશમાં વિદાય કરવા, એ જ જો કે યોગ્ય છે; પરંતુ તેમ કરવું કે તમને હંમેશને માટે અહીં જ કારાગૃહમાં રાખવા, એનો નિર્ણય તમારા પોતાના ભાષણથી જ થવાનો છે. જો તમે બધો સત્ય વૃત્તાંત જણાવી ખરા અપરાધીઓને પકડાવી આપશો અથવા માત્ર તેમનાં નામો પણ જણાવશો, તો અમે થોડો દંડ લઈને તમને છૂટા કરીશું. નહિ તો આ ન્યાયાધીશ અમાત્ય રાક્ષસ… …”
“ વાહવા ! અમાત્ય રાક્ષસ ન્યાયાધીશ !” પર્વતેશ્વર વિકટતાથી હસીને કહેવા લાગ્યો. “ત્યારે તો આપના આ પાટલિપુત્રમાં અપરાધીઓને જ ન્યાયાધીશનું સ્થાન આપવાની રીતિ હોય, એમ જ જણાય છે. અરે ! એ દુષ્ટે પોતે જ મારાપર પત્રો મોકલ્યાં હતાં કે, અમુક દિવસે આવી રીતે હું રાજકુળનો નાશ કરવાનો છું, માટે તે સંધિ સાધીને થોડાક સૈન્ય સાથે આવીને તમારે એકદમ પાટલિપુત્રને ઘેરી લેવું વધારે સૈન્ય લાવશો, તો લોકોના મનમાં વિનાકારણ શંકા ઉત્પન્ન થશે. મારી પૂર્ણ રીતે અનુકૂલતા છે, તો આપે બીજા કોઈની ભીતિ રાખવાની નથી; એમ એણે મને લખ્યું હતું. હું કદાચિત્ મારું માણસ મોકલીને કાંઈ તપાસ કરાવીશ, એની પ્રથમથી જ કલ્પના કરીને એણે વધારામાં જણાવ્યું હતું, કે, મારાં પત્રનાં ઉત્તરો મારા મનુષ્ય દ્વારા જ મને મોકલવાં, તમારા દૂતદ્વારા મોકલશો નહિ. કારણ કે, જો તે કોઈ બીજાના હાથમાં જશે, તો ઘણો જ અનર્થ થશે. અમાત્ય રાક્ષસ ઘણો જ પ્રામાણિક ગણાતો હતો, તેથી તે આટલો બધો વિશ્વાસધાત કરશે, એવી મને સ્વપ્ને પણ શંકા આવી નહોતી. શંકા આવી નહિ એ તો ખરું, પણ હું ગધેડો હતો, માટે જ મારા મનમાં શંકા આવવા ન પામી. પરંતુ જ્યાં મારું દુર્દૈવ જ આવીને મારું વાટવાને ઉભું રહ્યું હોય, ત્યાં શંકા આવે શી રીતે ? ચન્દ્રગુપ્ત ! હવે તું રાજા થવાનો છે; પણ સંભાળજે – આ દુષ્ટ રાક્ષસ તારો પણ આવી જ નીચતાથી કોક દિવસે ધનાનંદ પ્રમાણે જ ઘાત કરી નાંખશે.”
ભાગુરાયણ અને ચન્દ્રગુપ્ત જાણે સર્વથા આશ્ચર્યચકિત થઈ ગયા હોયની ! તેવી રીતે રાક્ષસના મુખમંડળનું અવલોકન કરવા લાગ્યા. જાણે એ સઘળો વૃત્તાંત તેમણે નવો જ સાંભળ્યો હોય અને તે ખેાટો જ ભાસતો હોય, એવો તેમણે ડોળ કર્યો. ચન્દ્રગુપ્ત તો સર્વથા સ્તબ્ધ જ બની ગયો હતો. રાક્ષસ કેટલીકવાર સુધી શાંત થઈને બેસી રહ્યો. એટલામાં મનમાં કાંઈક જુસ્સો આવવાથી તે એકદમ ઊઠીને ઊભો થયો અને બોલવા લાગ્યો, “ પર્વતેશ્વર ! તારું ભાન ઠેકાણે છે કે નહિ? શત્રુના હાથમાં સપડાયા પછી તારી બુદ્ધિ ભ્રમિષ્ટ તો નથી થઈ ગઈને ? ક્યાં છે તે પત્રો, દેખાડ જોઈએ ?”
“લે જો આ રહ્યા. અધમ, નીચ, જો એ પત્ર મેં સંભાળી ન રાખ્યાં હોત, તો અત્યારે તું સાચો અને હું ખેાટો ઠરત ! જુએા – આ બધાં પત્રો ! અને એ પત્ર પર છાપેલી એ નીચની મુદ્રા પણ ધ્યાનપૂર્વક જુઓ. એમાંના એક પત્રમાં એણે સ્વામિઘાત માટે કરવા ધારેલા કારસ્થાનનો અથેતિ વૃત્તાંત લખેલો છે, તે પણ વાંચો. એપરની એની પોતાની મહોર જુઓ. રાક્ષસ ! હજી પણ ખેાટું બેાલીને આ ન્યાયાસનને ભ્રષ્ટ શા માટે કરે છે? નીચે ઉતર. અરે નીચ ! તારામાં ન્યાયાસને બેસવાની યોગ્યતા નથી! હવે જો મને કોઈ તારી યોગ્યતા કે તારું નામ પૂછશે, તો તેનું હું એટલું જ ઉત્તર આપીશ કે, રાક્ષસ તે સ્મશાનમાંનો વધસ્તંભ અથવા તો શૂલ છે!”
રાક્ષસ મનમાં ઘણો જ સંતપ્ત થઈ ગયો. આ વિલક્ષણ ગોટાળાને તે જરાપણ જાણી શક્યો નહિ.
લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો