24. નિશ્ચય ચળી ગયો – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

રાજા ધનાનન્દના સ્વપ્નનો સાર જાણતાં જ મુરાદેવીના શરીરમાં એકાએક કંપનો આવિર્ભાવ થતાં તેનું સમસ્ત શરીર તત્કાળ સ્વેદથી ભીંજાઈ ગયું, “રાજાને મારાં બધાં કાવત્રાંની જાણ થઈ ગઈ છે, અને તેથી તે મારી પરીક્ષા કરવા માટે તો સ્વપ્નનું નિમિત્ત નથી કાઢતો ને ?” એવો સંશય પણ તેના મનમાં આવ્યો. તેનું હૃદય થર થર કંપવા લાગ્યું. તેની દૃષ્ટિ ભ્રમિષ્ટ થઈ ગઈ, તેનો શ્વાસ જાણે એકદમ રુંધાઈ ગયો હોયની ! એવો તેને ભાસ થયો અને જાણે હમણાં જ રડી પડશે, એવો તેનો દેખાવ થઈ ગયો. તે રાજાને આલિંગીને જ બેઠેલી હતી, તેથી તેના હૃદયના કંપથી થતો ધ્વનિ રાજાના સાંભળવામાં આવ્યો અને તેની ચર્યાને પણ તે તત્કાળ ઓળખી ગયો; પરંતુ રાણીના ગભરાટનું કારણ તેને જૂદુ જ જણાયું અને તેથી તે તેને ઉદ્દેશીને બોલ્યો કે, “પ્રિયતમે ! કેવળ સ્વપ્નની કથા સાંભળવાથી તું આટલી બધી ગભરાઈ ગઈ ત્યારે જો પ્રત્યક્ષ તારા દેખતાં વ્યાઘ્રે મારા શરીરપર ધસારો કર્યો હોય, તો તે વેળાએ તારી શી દશા થાય વારુ ! મારા ધારવા પ્રમાણે તો માત્ર મરણ જ!”

રાજાના એ ભાષણથી મુરાદેવીના મનમાં કિંચિત્ ધૈર્ય આવવા જેવું થયું અને તેથી જિહ્વા ખોલીને તેણે કહ્યું કે, “ખરેખર જો તેવો પ્રસંગ મારાં નેત્રો સમક્ષ બને તો ત્યાં જ મારા પ્રાણ પ્રયાણ કરી જાય ! પણ આર્યપુત્ર ! એવા ભયંકર પ્રસંગે આપે ખડ્‍ગ માગ્યું અને મેં તે ન આપ્યું, એવો પ્રકાર સ્વપ્નમાં જોવાથી પુનઃ આપ મને ત્યાગશો તો નહિ ને? આપે સ્વપ્નનો વૃત્તાંત કહી સંભળાવ્યો, ત્યારથી મારા મનમાં એ જ ભય થયા કરે છે.”

એટલું બોલી રાજાને ગળે બાઝીને તેણે હૃદયભેદક રોદન કરવા માંડ્યું. રાજા તેના કપાલભાગમાં ચુંબન કરતો તેને આશ્વાસન આપતો કહેવા લાગ્યો કે, “અરે ગાંડી! માત્ર સ્વપ્નમાં જોએલી વાતોને ખરી માનીને હું તારો ત્યાગ કરું, એટલો બધો તું મને મૂર્ખ ધારે છે કે શું? સ્વપ્નની વાત તો અસત્ય જ છે, પણ તારામાં હવે મારો એટલો બધો વિશ્વાસ બંધાઈ ગયો છે કે, મારી જાગૃત અવસ્થામાં પણ જો એવો પ્રકાર મારા જોવામાં આવે, તો પણ એકવાર મને તે સાચો ન જ ભાસે. એવો સત્ય પ્રકાર પણ મને સ્વપ્ન સમાન દેખાય. બીજું તે વધારે શું કહું? માટે હવે શોકને ત્યાગી દે અને શાંત થા.”

“આર્યપુત્ર ! ત્યારે શું ખરેખર આપને મારામાં આટલો બધો ભાવ છે કે ? ત્યારે આપ હવે મારા વિશે કંઈ પણ શંકા તો કરવાના નથી ને? એકવાર મને કડવો અનુભવ મળી ચૂક્યો છે, તેથી જ આટલી બધી ભીતિ વારંવાર થયા કરે છે, બીજું આનું કોઈ કારણ નથી. હું સર્વથા નિરાધાર અને નિરાશ્રિત છું; આ વિશ્વમાં આપના વિના મારો બીજો કાઈ આધાર નથી. હે પરમાત્મન્ ! તે મહારાજાને આવા પ્રસંગે આવું સ્વપ્ન તે શાને દેખાડ્યું !” મુરાએ મોહજાળનો હાવભાવથી વિસ્તાર કર્યો. “વ્હાલી ! આમ હવે વિનાકારણ ક્યાં સૂધી રડ્યા કરીશ? તને હું ફરી ફરીને કહું છું કે, માત્ર તારા ગાઢ પ્રેમ વિના બીજા કોઈ પણ વિષયમાટે હવે મારા આ અંતઃકરણમાં સ્થાન જ નથી. માટે તારે કોઈ પણ કારણથી શોક કરવો જ નહિ, મારાં આ વચનોની સત્યતા તને કેવી રીતે ભાસે, તેનો કોઈ ઉપાય બતાવતી હોય, તો તે કરવાને પણ હું તૈયાર છું.” રાજાએ કહ્યું.

એના પ્રત્યુતરમાં મુરાએ તત્કાળ કહ્યું કે, “હવે મને એ વિશે રંચ માત્ર પણ શંકા નથી, પણ આર્યપુત્રા આવતી કાલે આપ મારા મંદિરમાંથી રાજસભામાં જવાના તો ખરા જ ને?”

“અમાત્ય રાક્ષસના દેખતાં તેં જ મને સભામાં જવાની ભલામણ કરી – તારી અનુમતિવિના હું તેને હા કહેવાનો જ નહોતો. પરંતુ તેં જ જ્યારે અનુમોદન આપ્યું ત્યારે હું નિરુપાય થઈ ગયો. એમાં મારો શો દોષ ?” રાજાએ પોતાની નિર્દોષતા વ્યક્ત કરી.

“હા – મેં અનુમોદન આપ્યું તે ખરું, પણ હવે આપ જો ન જાઓ તો શું ચાલે તેમ નથી?” મુરાએ કોઈ બીજા જ હેતુથી પ્રશ્ન કર્યો.

“ચાલે શામાટે નહિ ? પણ ન જવાનું કારણ ?” રાજાએ પૂછ્યું.

“કારણ?” મુરા વધારે બોલતાં અચકાઈ. તેના મનમાં જે બોલવાની ઇચ્છા હતી, તે બોલવું કે ન બોલવું, એનો તેને વિચાર થઈ પડ્યો. અંતે તેને ન બોલવાને જ નિશ્ચય થયો ને તે કહેવા લાગી, “કારણ એટલું જ કે, કાલે તો આપે ન જ જવું, એમ મારા મનમાં થયા કરે છે. તે વેળાએ તો મેં અનુમોદન આપ્યું, પણ હવે મને એમ લાગે છે કે………”

“સમજ્યો ! સમજ્યો!” રાજા ધનાનન્દ હસતો હસતો તેને કહેવા લાગ્યો.” તને એમ લાગે છે કે, હું જો અહીંથી જઇશ, તો પાછો આવીશ કે નહિ, કોણ જાણે ! ખરેખર તમારાં સ્ત્રીઓનાં મનો ઘણાં જ સંશયી હોય છે ! શું તારું એમ ધારવું છે કે, હું આટલા દિવસ અહીં રહ્યો, તેથી મારો તારામાં પ્રેમ બંધાયો છે, અને હવે હું બહાર જઇશ ને મને કોઈ કાંઈ તારા વિરુદ્ધ કહેશે અથવા તો તારા કરતાં કોઈ અધિક સ્વરૂપવતી સ્ત્રી મારા જોવામાં આવશે, એટલે તારાપ્રતિ મારો અભાવ થઈ જશે ? એમ જો તારું ધારવું હોય, તો તે સર્વથા નિર્મૂલ છે.” રાજા બોલ્યો.

“માત્ર એમ જ નથી.” મુરાદેવીએ અચકાતાં અચકાતાં ઉત્તર આપ્યું. અત્યારસુધી મનમાં દુષ્ટ હેતુ રાખીને પોતે જે ઉદ્યોગ કર્યો હતો અને તેમાં જેની સહાયતા હતી, તે સર્વનાં નામ જણાવીને રાજાનાં ચરણોમાં પડી તેની ક્ષમા માગવી અને બીજે દિવસે તેને રાજસભામાં જવા ન દેવો, એવી તેની ઇચ્છા થઈ પરંતુ ત્વરિત જ એવો વિચાર પણ તેના મનમાં આવીને ઉભો રહ્યો કે, રાજા ક્ષમા કરશે કે નહિ, એનો શો નિશ્ચય? કદાચિત તે ભયંકર શિક્ષા જ આપે તો ? એમ ધારીને તે કહેવાનું તેણે માંડી વાળ્યું અને હવે રાજાને જતો અટકાવવા માટે શી યુક્તિ યોજવી, એનો જ તે વિચાર કરવા લાગી. તે “માત્ર એમ જ નથી.” એટલા જ શબ્દો ઉચ્ચારીને સ્તબ્ધ થઈ ગઈ તેની આવી સ્થિતિ જોઇને રાજાએ કહ્યું કે;– “માત્ર એમ જ નથી, તો બીજું શું છે ? વધારે કેમ બોલતી નથી ? અટકી કેમ ગઈ – વચમાં જ વાકયને તોડી કેમ નાંખ્યું ?”

“અમથું. મારાથી તો કારણ બતાવી શકાતું નથી, છતાં પણ એમ થયા કરે છે – કાલે – અરે હવે કાલ પણ શાનું? ઉષઃકાળ તો થવા આવ્યો – માટે આજે જ આપ ત્યાં ન જાઓ, તો વધારે સારું.” મુરાદેવી પૂર્વ પ્રમાણે જ બોલી.

“કારણ બતાવી શકાતું નથી એટલે? બતાવી શકાતું નથી કે બતાવવાની તારી ઇચ્છા નથી ? જો તારી ઇચ્છા હોય તો તે બતાવી શકાય તેમ છે. જોકે હું તો થોડે ઘણે અંશે એ કારણને જાણી પણ ચૂક્યો છું. તું કહેતી હોય, તો કહી સંભળાવું ?” રાજાએ વિનેાદથી કહ્યું.

મુરાએ કાંઈ પણ ઉત્તર આપ્યું નહિ – એટલે રાજા આગળ બેાલ્યો;–

“હું અહીંથી ગયો એટલે સદાને માટે ગયો – અર્થાત્ હું પાછો આવીશ નહિ, એવી તારા મનમાં ભીતિ થયા કરે છે, એ જ કારણ. તારી એ ભીતિને ભાંગી નાંખવા માટે જ હવે હું ખાસ જઇશ અને વેળાસર પાછો આવીશ. આવી શંકા તને ઘણા દિવસથી થયા કરે છે, એટલે આજના પ્રસંગનો લાભ લઈને મારે તારી એ શંકાનું નિરસન કરી નાંખવું જોઇએ. મારે હવે જવા માટેનો નિશ્ચય થઈ ચૂક્યો છે – હવે તું ગમે તેટલો પ્રયત્ન કરીશ, પણ હું તો જવા વિના રહેવાનો નથી જ. બસ – હવે વધારે કાંઈ પણ બોલીશ નહિ. ઉષાની મિષ્ટ નિદ્રાના સુખનો લાભ મને લેવા દે અને તું પણ સુઈ જા. વિશેષ વિવાદથી કાંઈ પણ લાભ થવાનો નથી.” રાજાએ પોતાના અનુમાન સાથે નિશ્ચય પણ વ્યક્ત કરી દેતાં કહ્યું.

એમ બોલીને રાજાએ તે જ ક્ષણે પાસું બદલ્યું અને તેવો જ તે ગાઢ નિદ્રામાં પડી ગયો. પ્રભાત થવામાં માત્ર અર્ધ પ્રકાર બાકી હતો. મુરાદેવીને કેમે કરતાં ઊંઘ આવી નહિ, તેણે સ્વસ્થતા મેળવવા માટે અનેક ઉપાયો કર્યા, પણ નેત્ર ન લાગ્યાં તે ન જ લાગ્યાં. રાજાને જતા અટકાવવા માટે શી યુક્તિ યોજવી, એ વિશેનો વિચાર તેના મસ્તિષ્કમાં એક સરખો ભ્રમણ કરતો રહ્યો. તેને પોતાને કાંઈ પણ સૂઝ્યું નહિ, તેથી બીજા કોઈની સલાહ લેવાની તેની ભાવના થઈ પણ સલાહ આપી શકે એવા બીજા કોને શોધવો? એની પ્રાણપ્રિય દાસી અને સખીઓ માત્ર બે જ હતી – એક વૃન્દમાલા અને બીજી સુમતિકા. વૃન્દમાલા તેનાં સર્વ કાર્યોમાં અને કારસ્થાનોમાં સહાયકારિણી થતી નહોતી. આવાં કપટનાટકો તેને બિલકુલ ગમતાં નહોતાં અને મુરાદેવીનાં બધાં કર્તવ્યોનો તો કપટનાટકમાં જ સમાવેશ થતો હતો. એથી તેને આ કાર્યમાં યોજવાથી કશો પણ લાભ થઈ શકે તેમ હતું નહિ. તેના સંમેલનથી કાર્યસિદ્ધિને સ્થળે કાર્યની હાનિ થવાનો જ વિશેષ સંભવ હતો. એ બધું જાણીને તેણે પહેલાંથી જ વૃન્દમાલાને પોતાના એ કાર્યમાંથી દૂર દૂર સરકાવવાનો જ નહિ, પણ સાથે સાથે તેને ઠગવાનો પ્રયત્ન પણ આદરેલો હતો.

મુરાદેવી તેને એવા જ ભાવ બતાવતી હતી કે પોતે રાજા સાથે ઘણા જ પ્રેમથી વર્તે છે અને પોતે પ્રથમ કરેલી પ્રતિજ્ઞાને તેણે વિસારી દીધી છે. સુમતિકા તેને ઘણી જ ઉપયોગી થઈ પડે તેવી હતી; કપટનાટકના પ્રયોગમાં તે તો એટલી બધી ચતુર હતી કે નાંદીથી તે ઠેઠ ભરતવાક્ય પર્યંત વિઘ્ન વિના તે નાટકના પ્રયોગને પાર પાડી શકતી હતી. એના એ સ્વભાવને મુરાદેવી સારી રીતે કળી ગઈ હતી અને તેથી જ તેને તેણે પોતાની વિશ્વાસુ બનાવી હતી. ચાણક્યને ત્યાં જવા આવવામાં અને તેને સંદેશા પહોંચાડવામાં એ જ મુખ્ય સાધનરૂપ થઈ પડી હતી. આજ સુધીનાં સમસ્ત કપટવર્તનોથી તે પૂર્ણપણે જાણીતી હતી. તેથી એ કપટનાટકના નાશ માટે પણ એની જ સહાયતા વધારે ઉપયોગની થશે, એમ ધારીને મુરાદેવી ધીમેથી ઊઠી અને મંદિરમાંથી બહાર ચાલી ગઈ. આ વેળાએ રાજા ગાઢ નિદ્રામાં પડેલો હતો, એ તેને ઘણું જ અનુકૂલ થઈ પડયું. સુમતિકા જ્યાં સૂતી હતી, ત્યાં જતાં જતાં તેને એમ ભાસવા લાગ્યું કે, “કોઈના દોડવાથી પગલાંનો અવાજ થયો.” તેથી તેણે દ્વારમાંથી બહાર નીકળતાં જ અહીં તહીં નજર ફેરવી, પણ કોઈ તેની દૃષ્ટિએ પડ્યું નહિ. તે સુમતિકાના સૂવાના ઓરડામાં જઈ પહોંચી, ત્યાં પોતાના શરીરપર એક રંગીન ચાદર ઓઢીને સુમતિકા ગાઢ અને ઘોર નિદ્રામાં પડેલી તેના જોવામાં આવી. મુરાદેવીએ ઘણીએ હાંક મારી, પણ તે જાગૃત થઈ નહિ. તેની બાજૂમાં જ એક બીજી દાસી પણ સૂતેલી હતી, તે એકાએક જાગીને બેઠી થઈ અને રાણીને જોતાં જ ઉભી થઈ હાથ જોડીને બોલી કે, “ શી આજ્ઞા છે ?” સુમતિકાને ગમે તેમ કરીને જગાડ – આ તે મનુષ્યનિદ્રા કે કુંભકર્ણની નિદ્રા!” મુરાદેવીએ આજ્ઞા કરી. આજ્ઞા થતાં જ એ સ્વર્ણલતા નામની દાસીએ સુમતિકાના શરીરને હલાવીને તેને જાગૃત કરી. કોઈ માણસ ગભરાટથી બીને ઉઠે, તેવી રીતે સુમતિકા ઊઠી અને મુરાદેવીને જોતાં જ નમ્રતાથી કહેવા લાગી કે, “આ શું? મહારાણી સાહેબ ! મારા અપરાધની ક્ષમા કરશો. હું એક આનંદદાયક અને સુખકારક સ્વપ્નમાં નિમગ્ન થએલી હતી અને એ અર્ધ સ્વપ્નમાં જ આણે મને જાગૃત કરી. પણ જવા દ્યો એ વાતને, અને મહાદેવિ ! પ્રથમ જણાવો કે, આપની શી આજ્ઞા છે તે.”

“તને કાંઈક ગુપ્ત રીતે કહેવાનું છે. સ્વર્ણલતે ! તું જરાક બહાર જઈને બેસ. આ ઓરડાનાં બારણાં બહારથી બંધ કરી દેજે. બારણાંથી છેટી બેસજે – અમારું ભાષણ સાંભળીશ નહિ. જા – જો કે આ વખતે બીજું કોઇ અહીં આવે તેમ તે નથી, પણ કદાચિત્ કોઇ આવે, તો તેને ત્યાં જ થોભાવજે મને કાંઈ કહેવાને પણ આવતી નહિ. અમારું કાર્ય પૂરું થશે, એટલે હું પોતે જ તને બોલાવીશ, જા.” મુરાદેવીએ સ્વર્ણલતાને બહાર જવાની આજ્ઞા કરી.

મુરાદેવીની એ આજ્ઞા થતાં જ સ્વર્ણલતા ત્યાંથી ચાલી ગઈ અને મુરાદેવી પોતાનો મનોભાવ સુમતિકાને જણાવવા જતી હતી, એટલામાં પાછું તેના હૃદયનું ચક્ર ફરી ગયું – તે મનમાં જ વિચાર કરવા લાગી કે, “સુમતિકા પ્રથમથી જ મારા કપટનાટક અનુકૂલ છે, તેથી આ અણીની વેળાએ મારો બદલાયલો ભાવ એને જણાવવાથી એ મને યોગ્ય ઉપદેશ આપશે કે નહિ, એની શી ખાત્રી? કદાચિત્ એને એ વિચાર ન રુચતાં સામી મારા ક્રુર નિશ્ચયને કાયમ રાખવાનો જ એ આગ્રહ કરશે તો? કારણ કે, એનામાં કપટનાટક કરવાનો સ્વભાવ નૈસર્ગિક છે. માટે હવે જ્યારે મારે આ કપટનાટકની પૂર્ણાહુતિ જ કરવાની છે અને આજ સૂધીનાં કારસ્થાનોની મહારાજને જાણ ન થવા દેતાં તેના પ્રાણ બચાવવાના છે, તો એ કાર્યમાં હવે સુમતિકાની સહાયતા લેવાની કાંઈ પણ આવશ્યકતા નથી. એને અત્યારે કોઇ બીજી જ વાત કહીને ઉડાવવી જોઇએ. જો મારો અભિપ્રાય એને ન ગમે અને સામી એ જ મારા વિરુદ્ધ વર્તન કરવાને તત્પર થાય તો ?” એવા વિચારો તેના મનમાં આવતાં તેણે એ કાર્યમાં સુમતિકાને નામની સુમતિકા, પણ કાર્યમાં કુમતિકા ધારીને તેની સલાહ ન લેવાનો દૃઢ નિશ્ચય કર્યો.

વૃન્દમાલા જ એ કાર્ય માટે વધારે ઉપયોગી છે, એવો તેને ભાવ થયો અને તેથી તેની સલાહ લેવાનો તેણે નિર્ધાર કર્યો. બનાવટથી તે સુમતિકાને કહેવા લાગી, “સુમતિકે ! આજે મને આખી રાત ઊંઘ આવી નથી, આપણું આ કાર્ય સિદ્ધ થશે જ, એમ તને ભાસે છે કે ? જો આપણી ધારણા પ્રમાણે એ કાર્ય સિદ્ધ ન થાય, તો તારી અને મારી શી દશા થશે, એની તને કાંઈ પણ કલ્પના છે કે ?” સુમતિકા ખરેખર એક ઘણી જ ચતુર સ્ત્રી હતી. રાણી આ વખતે પોતાને જગાડવાને આવી છે, તે કાંઈ આટલા જ કાર્ય માટે આવેલી તો ન જ હોય, એ તે તત્કાળ જાણી ગઈ, તેથી નમ્રતાથી કહેવા લાગી કે, “દેવિ ! તમારે એ વિશે જરા પણ શંકા રાખવી નહિ. આર્ય ચાણક્ય કાંઈ જેવો તેવો કે સાધારણ પુરુષ નથી, એણે જે વ્યૂહની રચના કરેલી છે, તે કોઈ કાળે પણ વિફળ થવાની નથી. એ જ વિચારથી તમને આજે નિદ્રા નથી આવી કે? હું તો જાણું કે, બાઈ, આખી રાત ઉંધ ન આવવાનું એવું તે શું કારણ થયું હશે ? ચાણક્ય ગુરુનો પ્રપંચ સર્વથા નિર્વિઘ્ને સિદ્ધ થશે અને તમારી ઇચ્છા પ્રમાણે તમારો ભત્રીજો આ પાટલિપુત્રના સિંહાસનને અને રાજ્યને સ્વતંત્ર સ્વામી થશે જ.”

“હં-હં-જરા ધીમે ધીમે, સુમતિકે ! આ શું કરે છે?” મુરાદેવી તેના મુખને પોતાના હાથથી દાબીને કહેવા લાગી. “આવી વાતો આવે મોટે સાદે કરી શકાય ખરી કે? ભીંતોને પણ કાન હોય છે, એ કહેવત શું તેં નથી સાંભળી ? છેક અણીને અવસરે ક્યાંક બધી વાત ફોડી નાંખીશ – સંભાળ રાખ.”

એટલું બોલીને મુરાદેવી પાછી સ્તબ્ધ થઈ ગઈ. વળી તેને એમ ભાસવા લાગ્યું કે, “આજ સુધીના રચેલા વ્યૂહમાંથી મને અને મહારાજાને સહીસલામત બચાવી લેવાની યુક્તિ દેખાડનાર કોઈ હોય, તો તે સુમતિકા જ છે. માટે એને બધી વાત કહી દેવી જોઇએ. વૃન્દમાલા આ બધી બીના વિશે કાંઈ પણ જાણતી નથી, એટલે પ્રથમ તો તેને આ બધી કથા વિસ્તારથી કહેવી પડશે અને ત્યાર પછી જ તેની સલાહ માગી શકાશે. આવી સ્થિતિમાં તે સલ્લાહ પણ શી આપી શકવાની હતી?” પુનઃ મનની સ્થિતિ બદલાઈ ગઈ, પણ હવે વિચાર કરવાનો અવકાશ ન હોવાથી તે મુખમાં જે આવે, તે કહી દેવાના હેતુથી સુમતિકાને સંબોધીને કહેવા લાગી કે:-

“સુમતિકે ! મારા ભત્રીજાને રાજ્ય અપાવવાથી મને શો લાભ થવાનો છે? એના કરતાં તો મહારાજ પોતે જ ચિરાયુ થઇને રાજ્ય કરે અને તેના પ્રેમછત્ર તળે રહીને હું સુખ ભેાગવું, તો તેમાં શું ખોટું છે ? મને આટલા વર્ષ કારાગૃહમાં રાખી અને મારા પુત્રને વધ કરાવ્યો, તેના કોપના આવેશથી મેં ભયંકર પ્રતિજ્ઞા કરી અને તેને અનુસરતા વ્યૂહો પણ રચાવ્યા; પણ હવે મહારાજનો ઘાત ન કરવો, એવી મારી ભાવના થએલી છે. માટે તું જા અને ગુરુરાજ ચાણક્યને કહે કે, આપણે રચેલા સધળા ક૫ટવ્યૂહની સમાપ્તિ કરીને ચન્દ્રગુપ્તને અત્યારેને અત્યારે અહીંથી લઈ જાઓ. મહારાજ, આજે અહીંથી બહાર ન નીકળે, તેટલા માટે હું બહુ જ પ્રયત્નો કરવાની છું; પણ અંતે જો તે મારું નહિ જ સાંભળે, તો નિરુપાયે આ બધી વાત મહારાજને જણાવીને તેની ક્ષમા માગવાનો પણ મેં નિર્ધાર કરેલો છે. તેમણે ક્ષમા કરી, તો તો સારું, નહિ તો તે જે શાસન મને આપશે, તે સહન કરવાને પણ હું તૈયાર છું; પરંતુ સર્વથા વિનાકારણ રાજાનો ઘાત તો હું થવા દેવાની નથી જ. સુમતિકે ! આપણા આ કાવત્રાંની કોઈને ખબર ન પડે અને મહારાજના પ્રાણ પણ બચે, એવી યુક્તિ જો તને કોઈ સૂઝતી હોય, તો મને બતાવ નહિ તો મેં તને કહ્યું, તે પ્રમાણે તો હું કરવાની છું જ, સમજી કે ?”

એ બધું મુરાદેવીએ જોશમાં ને જોશમાં ઓકી તો નાંખ્યું, પણ પાછળથી તરત જ તેને એનો વિચાર થઈ પડ્યો. મુરાદેવીનું એ ભાષણ સાંભળીને સુમતિકા તો દિગ્મૂઢ જેવી જ બની ગઈ. “આ મુરાદેવી જ બોલે છે કે શું? હું જાગતી છું કે સૂતી ? હું સ્વપ્નમાં તો નથી ને?” એવો તેને ભ્રમ થઈ ગયો. તે તત્કાળ પોતાની સ્વામિનીને કહેવા લાગી કે, “દેવિ, તમારા વિચારો આમ એકાએક બદલાઈ જવાનું કારણ શું થયું? તે જણાવશો, અમારે શું, અમે તો ચિઠ્ઠીનાં ચાકર – અત્યારે જ ઇચ્છા હોય, તો અત્યારે જ જઈને ચાણક્યને બોલાવી લાવું. અમે તો આજ્ઞાને આધીન.”

“જ્યારે તારું એમ જ કહેવું છે, ત્યારે અવશ્ય જા – દોડ. મારો એવો જ નિશ્ચય છે. જો હું એ બધા ભેદ મહારાજાને કહી દઈશ, તો એ બિચારા ગરીબ બ્રાહ્મણના જીવનો વિના કારણ ઘાત થશે. માટે એને પ્રથમથી જ ખબર આપીને નસાડી દેવો, એ વધારે સારું છે. જા – જા એક ક્ષણ માત્ર પણ ખોટી ન થા. જો આ સમય હાથમાંથી જતો રહ્યો, તો પછી શું થશે, તે કહી શકાય તેમ નથી જ. મારું મન ઘડી ઘડીમાં ફર્યા કરે છે – જા.” મુરાદેવીએ તેના શબ્દને પકડી લીધા અને કહ્યું.

સુમતિકાને પણ એમ જ લાગ્યું કે, “જો આ ક્ષણે આર્ય ચાણક્ય આવશે, તો જ બગડેલું કાર્ય પાછું બની શકશે – તે વિના બનવું અશક્ય છે.” એવા વિચારથી તે તત્કાળ ત્યાંથી ચાલી ગઈ અને થોડી જ વારમાં પાછી આવી પહોંચી.

આર્ય ચાણક્ય અને મુરાદેવી વચ્ચે થએલો એ વેળાનો પરસ્પર સંવાદ ઘણો જ વિચિત્ર હતો. તે વાંચકોને હવે પછીના પ્રકરણમાં જણાશે.

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!