22. નરસૈયો – રા’ગંગાજળિયો

હાથમાં નાની એક તપેલી લઇને જૂનાગઢની પંચહાટડીમાં એક માણસ ચાલ્યો આવતો હતો. ભાદરવા મહિનાનાં વાદળાં આકાશમાં મોટાં વાહણો જેવાં ચાલ્યાં જતાં હતાં, ને ખોરડે ખોરડાના છાપરા પર કાગડાના ઝૂંડેઝૂંડની કાગારોળ મચી હતી. આંગણામાં અને અગાશી ઉપર ઊભા ઊભા ઘરઘરના લોકો ‘કાગ ! કાગ ! કાગ!’ એવા પુકાર કરતા કરતા ખીર અને પોળીની કાગવાશ નાખતા હતા.

તપેલી લઇને ચાલ્યો આવતો માણસ ખૂબ શરમાતો હતો. એ ઊંચું જોઇ શકતો નહોતો. એને ક્યાં જવું છે તેની જાણે એને ખબર નહોતી પડતી. એના માથા પર વેરાગીઓ પહેરે છે તેવી કાનટોપી હતી, ટૂંકું ધોતિયું હતું. કંઠે તુળસીની માળા હતી. એક બંડી પહેરેલી. એ ચલીસેક વર્ષનો છતાં પચીસથી વધુ લાગતો નહોતો. એના હોઠ કશુંક ગાવા તલખતા તલખતા જોરાવરીથી ચૂપ રહેતા હોય તેવા જણાતા હતા.

પંચહાટડીના દુકાનદારો આંખમીચકારા મારી વિનોદ કરતા હતા :

‘નીકળ્યા છે ! ભક્તરાજ ઘી લેવા નીકળ્યા લાગે છે.’

‘તે બોલાવો ને !’

‘તે તમારી હાટડીમાં ક્યાં ઘી નથી ?’

‘પણ ભક્તરાજને લાયક નથી.’

‘કાં ?’

‘રોકડા પૈસા થોડા મળે તેમ છે ભક્તરાજની પાસે ? એ તો કહેશે કે લ્યો બાપલા, બે કીર્તન ગાઇ દઉં.’

‘તો તો જૂનગઢમાં કોરીને બદલે વ્હેલું મોડું કીર્તનોનું ચલણ થવાનું, ખરૂં?’

‘થાય – જો ભક્તરાજનો પંથ જોર પકડે તો કેમ ન થાય ?’

‘મહારાણી કુંતાદેનું ચાલત તો ચોક્કસ એમ જ કરત. પણ રા’ની લગની ભક્તરાજ પ્રત્યે હવે ઘટી લાગે છે.’

‘પણ આજ ભક્તરાજને ઘીનો શોખ ક્યાંથી થયો ?’

‘બાપનું શ્રાદ્ધ સારવું હશે.’

‘આજ-રહી રહીને ?’

‘કાં, એના મોટા ભાઈએ ઘરમાંથી કાઢ્યો ખરો ને, એટલે હવે જુદું કરવું પડે.’

ઘીના વેપારીઓનો વિનોદ જેના કાનનાં કાણાં સુધી પણ પહોંચતો નહોતો, તે તપેલી વાળો પુરૂષ એક છેવાડી, સાવ નાની હાટડી પાસે થંભ્યો ને ઓશિયાળાની માફક ઊભો રહ્યો. રડ્યું ખડ્યું ઘરાક જ્યારે એ હાટડીએથી દૂર થઇ ગયું ત્યારે પોતે હાટડીના પાટિયા પાસે ગયો.

વેપારી પણ નાનો હતો. એણે આદર આપ્યો : ‘રાધેકૃષ્ણ નરસૈયાજી !’

‘રાધેકૃષ્ણ.’ એ સામા જવાબમાં તાજા ફૂલની સૌરભ હતી ને ગીતનો ઝંકાર હતો. એવી મીઠાશ કોઇક કોઇક, બહુ જુક્તિભેર સાચવેલાં ગળામાંથી જ મળે છે.

‘કેમ કોઇ દિવસ નહિ ને આજ ઘી લેવા નીકળવું પડ્યું ?’ પૂછનાર વેપારીને ખબર હતી કે આ ઘરાકના ઘરનો રોટલો ભાગ્યે જ કદી ઘીએ ચોપડાતો હતો.

‘પિતાજીનું શ્રાદ્ધ છે.’ ભકત નિર્મળ હાસ્ય હસતા પાટિયા પર બેઠા.

‘તે તો મોટાભાઇ કરે છે ને ? એમણે તો ન્યાતમાં જમવાનાં નોતરાં પણ દીધાં છે.’

‘હા, મને ખબર છે. હું પુછવા ગએલો. એમણે તો કહી દીધું કે અમે અમારે ફાવે તેમ કરી લેશું. તારે કરવું હોય તો કરજે.’

‘ત્યારે ? શું તમને નોતરું નથી ?’

‘નથી. ઉપરાંત મને તો આ બધી કડાકૂટ ક્યાં ફાવે છે ? પણ કુંવરબાઇનાં મા માનતાં નથી. એના પિતાની વાત તો દૂર રહી, આ તો મારા પિતાનું શ્રાદ્ધ કરવાની હઠ લઇને જ બેઠાં છે. પરાણે તપેલી પકડાવીને ધકેલ્યો છે. આવવું જ જોવે ને. શામળની માતામાં પણ મારો દામોદરરાય જ વસેલો છે ને ?’

‘શામળશા જીવ્યો હોત તો તમારે આ ખટાપટી ન કરવી પડત.’

‘એ તો વ્હાલાજીની-દામોદરરાયજીની ઇચ્છાની વાત છે.’ એમ કહીને ચાલીસેક વર્ષના ભક્ત-જેનું નામ નરસૈ મહેતો હતું-તેણે એવું ને એવું નિર્મળ હાસ્ય કર્યું.

‘તમે પણ ભક્તજી, ભારી કઠણ છો.’

‘કઠણ રાખવા વાળો તો મારો વ્હાલોજી છે. હું તો કાંઇ નથી. લ્યો ભાઇ, લાવો. હજુ ઘેર જઇશ ત્યારે રસોઇ માંડશે. ને નોતરાં ય હજુ હવે દેવા જવું છે.’

‘કેટલાનું આપું?’

‘આનું જેટલું આવી શકે તેટલું.’ એમ કહેતે કહેતે એ અર્ધનિદ્રિત જેવા જણાતા નરસૈયાએ પોતાના દુપટ્ટાના છેડાની કોરેથી ચંથરી છોડીને એક ચીજ દુકાનદારના હાથમાં મૂકી.

‘આ શું ? આ તો સોનાની વાળી છે.’

‘એ જે હોય તે. મને તો કુંવરબાઇની બાએ આપી છે.’

‘ઘરમાં બીજું કાંઇ રોકડ નથી.’

‘મને કશી ખબર નથી.’

‘ભક્તજી, આ તો તમારાં વહુનાં કાનની વાળી છે.’

‘એ જે હોય તે. વારંવાર જ્યારે જ્યારે કાંઇ ખરીદી લાવવું હોય ત્યારે એ પોતાના શરીર પરથી ઉતારી ઉતારીને કંઇક નાનું કે મોટું ઘરેણું મને આપે છે. હવે કાંઇ બાકી રહ્યું જણાતું નથી. એટલે મારે પણ કાયમની કડાકૂટ મટી જશે.’ બોલતો બોલતો ભક્ત નરસૈયો મોં પર મોટી રાહત ને મોકળાશ અનુભવી રહ્યો.

નરસૈયા માટે જે સહેલ હતું તે હાટડીદારને માટે મુશ્કેલ બન્યું. એણે એ એક વાળી ઉપરથી નરસૈયાના ઘરની કલ્પના કરી. એ સ્ત્રીના શરીર ઉપર હવે વાલની વાળી પણ નહિ રહી હોય.

‘ભક્તજી આ લો.’ એણે નરસૈયાને એ વાળી પાછી આપીને કહ્યું,’તમારે જોઇએ છે તે ઘી હું જોખી આપું છું. એની કિંમતમાં વાળી નહિ રાખું.’

‘ત્યારે ? મફત તો હું કેમ લઇ જાઉં ?’

‘મફત નહિ. ભક્તજી, પ્રભુનાં બે એક પદ મને સંભળાવો. ઘીની એટલી કિંમત પૂરતી છે.’

‘સાચું કહો છો ?’ નરસૈયાને મશ્કરી લાગી.’મારા વાલાજીનાં પદ સંભળાવ્યે ઘી મળશે ?’

પોતાની પત્નીના અંગ પરની છેલ્લી વાળી આપતાં જે નરસૈયો હસતો હતો તેણે પોતાના વ્હાલાજીનાં કીર્તનની આટલી કિંમત થતી જોઇને અંતરમાં રૂદન અનુભવ્યું. એણે પોતાની કરતાલો કાઢી. ને એના કંઠમાં તલપાપડ થઇ રહેલા કેદારના સૂરના કેદીઓ છૂટે તેટલા હર્ષથી બહાર નીકળ્યા. એક વાર શરૂ કર્યા પછી એ તો ગાનમાં ડૂબી ગયો. પ્રભાતનો પહોર હતો. પ્રભાતીના કેદાર-સૂરોએ એ નાની હાટડી પર હવાને બાંધી દીધી. કેદારના સૂર આસપાસનાં આંગણે આંગણે પહોંચી ગયા. કેદારના સૂર નજીકના નાગરવાડાને અસ્વસ્થ બનાવવા લાગ્યા. કેદારના સૂરે પૃથ્વી અને ગગનના પડદાને ટાંકા દઇ તૂણી લીધાં.

પછી તો હાટડીદારે વારંવાર જહ્યું, ‘હાંઉ ભગતજી, મારાં નાણાં વસૂલ થઇ ગયાં’ પણ નરસૈયાનો કંઠ વધુ વધુ ઊઘડવા લાગ્યો. વાણી સૂરની પાછળ ચાલી આવી, ને સૂરો વાણીને પગલે પગલે લીલી કેડી ઉગાડતા ગયા. શ્રાદ્ધ શ્રાદ્ધને ઠેકાણે રહ્યું. ને લોકોની ત્યાં ઠઠ જામી.

‘અરે ભકતજી !’ પ્રભુનાં પદોમાં ભાન ગુમાવી બેઠેલ હાટડીદારે, પછી તો બપોર થઇ ગયા ત્યારે યાદ આવતાં નરસૈયાને કહ્યું, ‘અરે મહેતાજી, તમારૂં શ્રાદ્ધ તો ઠ્ઠ્યું રહ્યું !’

‘એક ગાઇ લઉં ને પછી જાઉં. એક તો ગાવું જ જોવે ને! તમે મને ઘી આપ્યું, ને કુંવરબાઇની માની વાળી બચાવી, તો હુ વધુ એક કેમ ન ગાઉં?’

લાખ માનવીઓમાં એકે પણ પોતાના વ્હાલાજીનાં ગુણ-કીર્તનની જે કદર કરી, તેના આભારભીના આનંદ-રસે ખેંચાતો નરસૈયો હરિનાં ગાન ન થંભાવી શક્યો.

એને કંઠે શોષ પડ્યો હતો. એની આંખો ક્યારની બીડાઇ ગઇ હતી. એવામાં લોકોના વૃંદમાં પોતાનો માર્ગ કરતી એક સ્ત્રી દાખલ થઇ, ને તેણે ગાયકના સુકાતા હોઠે પાણીની ટબૂડી ધરી, આંખો ખોલ્યા વગર જ નરસૈયાએ જળપાન કર્યું ને ઉદ્રેક વિરમી ગયો. આંખો ખોલતે ખોલતે એણે કહ્યું ‘મામી-રતન મામી ! તમે અત્યારે ય પહોંચી ગયાં?’

‘ભાઇ !’ રતન મામી નામે સંબોધાએલ સ્ત્રીએ જવાબ વાળ્યો : ‘તમે આંહીં ક્યારે ? હમણાં આવ્યા ?’

‘અરે ના ના,’નરસૈ મહેતાને યાદ આવ્યું : ‘કેટલો દા’ડો થઇ ગયો ! હજુ તો ઘેર ઘી પહોંચાડવું છે. કુંવરબાઇની બા બાપડી વાટ જોતી હશે. રાંધશે કયારે ! નોતરાં ક્યારે દેવા જઇશ ! શ્રાદ્ધની વેળા વીતી ગઇ કે શું ?’ એને સમયની સાન નહોતી.

ગાન સાંભળતા ટોળામાં પાંચ પંદર મુગટાધારી નાગર બ્રાહ્મણો હાથમાં થાળી વાટકાને સુંદર લોટા લઇને ઊભેલા હતા. તેમણે કહ્યું, ‘મહેતાજી, શ્રાદ્ધ તો અમે સૌ તમારે ઘેર જમીને આવીએ છીએ.’

‘મશ્કરી શીદ કરો છો મારા ભાઇલાઓ ! મારે ઘેર તો હજુ મેં ઘી ય પહોંચાડ્યું નથી.’

રતનબાઇએ ખુલાસો કર્યો :’ભાઇ, ઘેર ચાલો. સર્વ બાબત પતી ગઇ છે. સૌ રંગેજંગે શ્રાદ્ધ જમી ગયાં છે.’

‘પણ ક્યાંથી ?’

‘તમારું નામ દઇને એક સંત-સેવક સીધું સામાનને થાળી લોટા પણ આપી ગયા – કહે કે મહેતાજીએ મોકલાવેલ છે. એ થાળી લોટા આપણે જમવા આવનારાઓને જ અર્પણ કરી વાળેલ છે.’

‘એમ થયું ? ઉકલી ગયું ? ઠીક મામી, મને તો કાંઇ ખબર નથી ! પણ મારા વાલાજી વગર તો બીજું કોણ ઉકેલી જાય ?’

ભક્ત નરસૈયો ઊઠીને ચાલવા લાગ્યો. ‘ભકતજી, આ ઘી લેતા જાવ.’ હાટડીદારે બૂમ પાડી.

‘હવે શો ખપ છે ઘીનો ? મને તો મારાં કીર્તનો બદલ તમે પરબારું ઘેરે જ પહોંચાડી દીધુંને વાલાજી ! વાહ મારા વાલાજી દામોદરરાય વાહ ! કીર્તનોને ય નાણાં સ્વરૂપે સ્વીકાર્યાં વાહ !’ એમ બોલતે બોલતે એણે તો હાટડીવાળાના જ પગમાં મસ્તક ઝુકાવી ઝુકાવી વંદનો કર્યા ને પોતે પીતળની ખાલી તપેલી બગલમાં મારી ચાલતો થયો.

ખીરપોળીનું ભોજન, અને તે ઉપરાંત અક્કેક પીળો મુગટો, અક્કેક થાળી, વાડકો ને લોટો-એટલાં વાનાં મેળવીને નરસૈયાને ઘેરથી પાછા વળેલા શુક્લજીઓએ ઘેર જતે જતે શંકાઓની ચર્ચા કરવા માંડી : ‘ આ નટખટ ભગતડો બધું કાઢે છે ક્યાંથી ? એનો ‘વાલોજી’ એ એવો કોણ નવરો બેઠો છે ? માળે નાગરડે ચલાવી છે પણ ભારી ચાલાકી : મંતર તંતર જાણતો લાગે છે; કે પછી પ્રેતની સાધના કરતો હોય.’

‘મહારાણી કુંતાદે એને બધું પહોંચતું કરે છે એ ખોટું ?’

‘મને તો લાગે છે કે શૈવ ધર્મનો નાશ કરવા માટે અમદાવાદના સુલતાનોએ જ આ શઠને ઊભો કરેલ છે. તેની જ આ બધી ગોઠવણ છે.’

‘આ બધી વસ્તુઓ માયાવી તો નહિ હોય ને ? જોઇએ બે પાંચ દિવસમાં અદૃશ્ય થઇ જાય છે કે કેમ?

‘બાકી તો એનાં મામીનો પ્રતાપ પણ ક્યાં ઓછો છે ?’

‘મામી-રતન મામી- અહહ! શંભો ! આવી રતન મામી તો સૌને અક્કેક હોજો.’

‘આ બધું બોલવાની હિંમત આપણને પાછળથી જ આવે છે. એ ગાતો હોય ત્યારે એની સન્મુખમાં તો આપણી અક્કલને ઊંઘ આવી જાય છે.’

‘વશીકરણની મેલી વિદ્યા વગર એમ ન જ બને તો.’

‘વાહ શંભો ! વાહ ! વાહ રે રતન મામી વાહ ! અરે આપણને પાણી પાનારી અક્કેક રતન મામી મળે તો આપણે ય આખી રાત કાં ન આરડ્યા કરીએ !’

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા’ ગંગાજળિયો માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!