લોકકવિઓએ રજુ કરેલ નારીના રૂપ અને ગુણનું અદભુત વર્ણન

એમ કહેવાય છે કે સોહામણી સૃષ્ટિ એ પ્રજાપિતા બ્રહ્માજીનું સર્વોત્તમ સર્જન છે. પ્રચ્છન્ન સર્જન વડે સૌ કોઈની આંખોમાં અને અંતરમાં વસી જનારી રૂપસુંદરી નારી એ બ્રહ્માજીની ફુરસદનું નમણું નજરાણું છે. રૂપની રૂડી અને સંસ્કારોથી સભર નારીના આગમનથી મરદના જીવનબાગમાં લીલુડીવાડી લહેરી ઉઠે છે. એના અંતરના આનંદ મોરલા એકસામટા ટહૂકી ઉઠે છે. અમારો લોકકવિ કહે છે કે, દિનોનાથ મારો વ્હાલો જે દિ’ સાવ નવરોઘૂપ હશે તે દિ’ રૂપ અને રૂડપભરી માનવમાત્રનું મનડું મોહી લેનારી કોમલાંગી નારીનું સર્જન કર્યું હશે ઃ

પિત્તળ સરખી પિંડીયું, હીંગળ સરખા હાથ;
નવરો દીનો નાથ, તે દિ’ પંડ બનાવી પૂતળી.

રૂપસુંદરી નારીના સર્જન અંગેની કલ્પના કરતાં લોકકવિ કહે છે કે ‘બ્રહ્માજીએ સંસારના પ્રાણીમાત્રને ઘડી રહ્યા પછી પોતાની કલ્પનાસૃષ્ટિનું સિંહાવલોકન કર્યું. એમને સંસારની રચનામાં એક યા બીજા પ્રકારની ઉણપો ઉડીને આંખે વળગી. સૃષ્ટિનું સર્જન પૂર્ણ થયું હતું છતાં એમના હૈયે સંતોષની લાગણી ‘હાશ’ કરીને બેઠી નહોતી. હજુ કંઈક ખૂટે છે, કંઈક અઘૂરુ છે. કાંઈક ઓછું છે એનો ઉચાટ અંતરને અકળાવતો હતો.

રૂપાના પતરા જેવી ધોળી દાઢી માથે હાથ ફેરવતાં ફેરવતાં ચતુર બ્રહ્માજીની ચકોર નજર ચકળવકળ કરતી ચારેકોર્ય ધૂમી વળી. કલાના કસબીએ જોયું તો સૃષ્ટિસર્જનની સુંદર અને અમૂલ્ય સામગ્રીના ઢગલામાંથી ઘણો ‘ખેરોઝેરો’ વઘ્યો હતો. પૃથ્વી પરની તમામ ચીજવસ્તુઓ અને કલાકૃતિઓ નિર્માણ પામી ચૂકી હતી. દીનોનાથ ક્યારેય ન હોય એવો આજ નવરોઘૂપ હતો. સૃષ્ટિના ઘડવૈયાના સર્જન બાગમાં ઘણા વખત પછી ફૂરસદનું ફૂલ ખીલ્યું હતું.

બ્રહ્માજીએ બેઠા બેઠા ખેરાઝેરના ઢગલામાંથી મનોહર મૂર્તિ કંડારવા માંડી આખેઆખું સૌંદર્યશાસ્ત્ર રચી શકાય એટલું તો તેને રૂપ દીઘું. માખણ જેવી મુલાયમતા, લતા જેવી કોમળતા, હરણી જેવું ભોળપણ, ખંજન પક્ષી જેવી ચંચળ આંખો, બીજના ચંદ્ર જેવા બંકા નેણ, દાડમની કળી જેવા દાંત, કમળની પાંદડી જેવા હોઠ, વરસ્યા વિનાના વાદળા જેવી શ્યામલી કેશઘટા, નાગણીઓ ઝાડ માથે લપેટાતી હોય એવો તો લહેરાતો ચોટલો, છીપનેય શરમાવે એવા સોહામણા કાન, અર્ધચંદ્ર જેવું માથું, મોરલા જેવી મનોહર લાંબી ડોક, સોનાના કળશ જેવા પયોધર, સિંહ સરખી પાતળી વળાંકેદાર કેડ્ય, કેળના થડ જેવી સુકોમળ જાંઘો, બાવળના સોટા જેવા હાથના બાવડાં, ખીલેલા ગુલાબ જેવા ગુલાબી ચરણકમળ, ચોળાફળી જેવી આંગળિયું અને રાજહંસ જેવી છટાદાર એની ચાલ હતી.
સંસારની સર્વોત્તમ ખૂબીઓ, રૂપ, ગુણ, લાગણી, પ્રેમ, કરુણા આ બઘું ભેગું કરીને બાબા બ્રહ્માજીએ નારી મૂર્તિ કંડારી. એને માથે મોતીની સેરો, નાકે, નથડી, હાથમાં ચૂડી, પગે ઝાંઝરી, અણવટ વિંછીયા, ગળામાં જૌહાર, અંબોડે ફૂલ જેવા સોળ શણગાર અને ફૂલેલ તેલ, ગુલાબ જળ, કલાપૂર્ણ અંબોડો, કપાળે બિંદી, અંગે ચંદન, આંખે કાજળ, હાથમાં મેંદી, પગે અળતો જેવા બાર આભરણોથી લાટાપાટા શણગારી એના અવાજમાં મધ જેવી મઘુરતા આપી. વાસંતી વાયરે ખીલેલા ફૂલડા સરખી માદક સુગંધ આપી. અણિયાળી આંખોથી એને ચિત્તાકર્ષક બનાવી રૂડા રૂપના છાંટણા નાખીને એને થોડી રૂપગર્વિતા બનાવી પણ પછી સંસારમાં મોકલતા પહેલાં બ્રહ્માજીએ એને કાનમાં એટલું જ કહ્યું ઃ

‘દેવી જાઓ, જગતમાં જઈને સુખ અને શાંતિ ફેલાવો. જગતજનની બનીને સંસારને તમારી સેવા, સહનશીલતા, ધૈર્ય અને મમતાથી મુગ્ધ બનાવો. તમારા વિચાર અને કર્મને અનુરૂપ સુંદર અને કલ્યાણકારી બની, પુરુષની અર્ધાંગનારૂપે એને પૂરક બનો. તમારા સ્નેહ અને સૌંદર્યથી એને મોહિત કરી એના મનમંદિરની દેવી બનો. સમ્રાજ્ઞી બનીને એના હૃદયસંિહાસન પર અવિરત રાજ કરો. સ્વામીની આસુરી વૃત્તિઓ પર અંકુશ મૂકી એના અંતરમાં સંયમનું સિંચન કરો. એના હૈયામાં દૈવી ગુણો ખીલે તેવી પ્રેરણા આપો. તમે કોમળ છો, પ્રેમમૂર્તિ છો, સ્વરૂપવાન છો તેથી પુરુષથી ડરવાની કે ભય પામવાની જરૂર નથી. તમારા સત્‌ સદાચાર અને ચારિત્ર્ય બળની આગળ પુરુષ સદાય ઝૂકતો રહેશે. તમને માનપાન અને આદર આપતો રહેશે. અહર્નિશ તમારા ગુણલા ગાતો રહેશે. તમે પુરુષના પ્રમદા, ગૃહલક્ષ્મી બનીને એનો પ્રેમ, પ્રશંસા અને સન્માન પ્રાપ્ત કરો અને કુટુંબની લીલી વાડી વધારો. મૃત્યુ લોકને તમારા તેજ પ્રભાવથી સુખદ, સુંદર અને આનંદમય અને રહસ્યમય બનાવી દો.’’

કહેવાય છે કે, બ્રહ્મા બાબાજીએ સંસારમાં મોકલેલી મૂર્તિ અવનિ પર આવીને નારીના નામે ઓળખાઈ. એણે માનવ સમાજને સુખમય, કળામય અને સંસ્કારમય બનાવ્યો. ૬૪ કળાઓ દ્વારા આનંદના રંગસાથિયા પૂર્યા. માનવીના અંતરમાં આનંદનો અબીલ ગુલાલ ઉડાડ્યો. એવી નારીના રૂપગુણને લોકકવિઓએ દૂહા દ્વારા આ રીતે વધામણા આપ્યાં ઃ

‘તન કપાસ અરુ મુખકમલ, લાલ ગુલાબી ગાલ,
તીલફૂલ સરખી નાસિકા, સો ફૂલ કહીએ ચાર.’

અર્થાત્‌ ઃ શરીરનો રંગ કપાસના ફૂલ જેવો પીળો ને સુવાસિત, એનું મરકતું મુખ નીલસરોવરના કમળ જેવું મોહક, ગુલાબના ફૂલની ઝાંય પડી હોય એવા મોહક ગાલ અને તલના ફૂલ જેવાં નાકના ફોયણાં છે, તો ચાર ફળ જેવું એનું આકર્ષક અંગ છે.

‘‘રતન બીલી દાડમ દસન, અધર બિંબ અનુસાર,
મુખ નારંગી લહેર કે, સો ફલ કહીએ ચાર.’’

એનો ઉરપ્રદેશ બીલીના ફળ બીલા જેવો, દાંત દાડમની કળી જેવા, હોઠ પાતળા અને ઘોલા જેવા લાલ છે. મુખની આકૃતિ નારંગીના ફળ જેવી છે.
નારીના ચાર લક્ષણોની સરખામણી એક દૂહામાં પક્ષીની સાથે કરી છે ઃ

‘‘કંઠ કપોત, સૂર કોકિલા, મનસચિત્ર મરાલ;
ખંજન જૈસી ચપલતા, સો ખાગ કહીએ ચાર.’’

ગળું કબૂતરના જેવું ઘાટિલું, સ્વર કોયલના જેવો મનહર, બુદ્ધિ હંસના જેવી નીરક્ષીરને જુદાં પાડે એવી વિચક્ષણ અને એની આંખોનો તરવરાટ ખંજન પક્ષીને પણ શરમાવે એવો છે ઃ

‘‘ગતિ ગાયંદ કમ્મર કેશરી, મૃગનયની અનુસાર,
સસલા જેવી કોમળતા, ચોપગા કહીએ ચાર.’’

અહીં નારીના અંગ અને ચાલની સરખામણી ચોપગાં પ્રાણીઓની સાથે કરવામાં આવી છે. હેમર હાથણી જેવી એની ઢળકતી ચાલ છે. આથી નારીને ગજગામિની કહેવામાં આવી છે. સિંહ સરખો કેડયનો વળાંક છે. મૃગલા જેવી મોટી આંખો અને સસલા સરખી શરીરની કોમળતા, બ્રહ્માજીએ એને આપી છે.
લોકગીતોમાં યે નારીના સૌંદર્યના સુંદર વર્ણનો મળી આવે છે ઃ

‘‘તારા માથાનો અંબોડો રે
જાણે છૂટ્યો તેજી ઘોડો રે
તારી આંખ્યુનો ઉલાળો રે
જાણે દરિયાનો હિલોળો રે
તારી નાકડિયાની દાંડી રે
જાણે દીવડીએ શગ માંડી રે
તારા વાંહાનો વળાંકો રે
જાણે સરપનો સળાંકો રે
તારા હાથની હથેળી રે
જાણે બાવનપરની થાળી રે
તારા હાથની હથેળી રે
જાણે ચોળા મગની ફળીઓ રે
તારા પેટડિયાનો ફાંદો રે
જાણે ઉગ્યો પૂનમનો ચાંદો રે’’

નારીના રૂપવર્ણનનો બે પંક્તિનો દૂહો તો જુઓ ઃ એમાં રૂડી પેર રજૂ થયું છે. બરડાની પાતળી કેડ્ય વાળી કાઠિયાણીનું કામણગારું ચિત્ર ઃ

‘‘કાઠિયાણી કડ્ય પાતળી, હલકતી માથે હેલ્ય;
બરડા હંદી બજારમાં, ઢળકતી આવે ઢેલ્ય.’’

ઢોલા-મારુની કથામાં આવતું મારુનું રૂપવર્ણન પણ એવું જ મનોહર છે. રાજસ્થાની ઢોલા-મારુની કથાનું રૂપ, કાઠિયાવાડમાંથી પણ મળી આવે છે જેમ કે ઃ

‘‘મારુ નાહી ગંગાજળે, ઉભી કેશ સૂકાય;
ચંદન કેરે રૂખડે (જેમ) નાગ ઝપેટા ખાય.’’

મારુએ ગંગાજળથી સ્નાન કર્યું છે. સ્નાનથી ભીના થયેલા વાળ સૂકવવા માટે ખુલ્લામાં ઉભી છે. તેના ગોરા દેહ ઉપર કાળા ભમ્મર વાળની લટોથી ચંદનના વૃક્ષની ડાળીએ વીંટળાઈને જાણે નાગ હિલોળા લઈ રહ્યો હોય એવું દ્રશ્ય દેખાય છે ઃ

‘મારુ સૂતી અટારીએ, રતડો પલગ બિછાય,
તારા ટરવરિયું કરે, ચંદરિયો લલચાય’

રાતની વેળા છે. અટારીમાં રતુંબલ રંગનો ઢોલિયો બિછાવીને મારું સૂતી છે. એના રૂપને જોઈને આકાશના અગણિત તારલા ઝબૂકી ઝબૂકીને ટરવરિયું કરી રહ્યા છે. અરે ખુદ ચંદ્ર પણ એનું રૂપ જોઈને મુગ્ધ બની ગયો છે અને મારુનું મુખડું જોવા લલચાઈ રહ્યો છે. બીજો દૂહો કલ્પના નાવિન્યમાં એનાથી પણ બે ડગલા આગળ વધી જાય છે ઃ

‘પ્યારી પોઢી પિલંગ પર, મુખ પર ચીર લગાય;
મેંકણ ઝીણી બાદલી, ચંદલો લિયો લલચાય.’

પ્રિયતમા પલંગ માથે પોઢી છે. એણે પોતાના મુખ પર ચીર- સાડીનો પાવલ ઢાંકી દીધો છે. આ ચીર બારિક મલમલનું છે એટલે એવું લાગે છે કે જાણે આછી વાદળીએ ચંદ્રને છુપાવી દીધો છે. કવિએ અહીં મુખ પરના વસ્ત્રને આછી વાદળીની ઉપમા આપી સુંદર ઉત્પ્રેક્ષા પ્રગટ કરી છે.

લોકજીવનમાં નારીના રૂપની સાથે એના ગુણ, સ્વભાવ, સંસ્કાર અને ખાનદાન કુળ પણ જોવાય છે. સારા ખાનદાન કુળની સંસ્કારી નારી મળે એ સૃષ્ટિનું ચોથું સુખ ગણાય છે લોકજીવનના ચાર સુખ કયાં ?

‘‘પહેલુ સુખ તે જાતે નર્યા,
બીજું સુખ ઘેર દીકરાં
ત્રીજું સુખ તે કોઠીએ જાર,
ચોથું સુખ તે સુલક્ષણી નાર.’’

આવા ઉત્તમ કુળની ખાનદાન, સંસ્કારી, રૂપસુંદરી મરકીને મોંમાંથી રૂડાં વેણ કાઢે ને ઇ ભાર્યે મીઠા લાગે હો ભાઈ !

‘‘પગ જોઈ પાની જોઈ, નીરખી જોયાં નેણ
ગુણવંતી ગોરી તણાં, વહાલા લાગે વેણ.’’

પણ આવી ગુણિયલ નારી માનવીને ક્યારે મળે ? પૂર્વજન્મના પુણ્ય હોય ને ભગવાન ભજ્યા હોય ત્યારે એટલે તો કવિ કહે છે ઃ

‘‘પિયુ ભોજન કરે, પ્રીતમ બોલ સુહાય;
પૂજ્યા હોય તો પામીએ, જુવતી આ જગમાંય.’’

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!