✍ ગુજરાતનાં અભયારણ્યો પક્ષીઓનું સ્વર્ગ નળસરોવર ✍ 

નળ સરોવર : એક શબ્દ-ચિત્ર
અકંપ મૌન કોઈનું  ક્ષિતિજની પાર વિસ્તર્યું
ઊભું ઊભું તિમિરનું ઘાસ સૂર્ય ડૂબતો જૂએ
હલેસું  હાથ હાલતાં  ન શબ્દ કોઈ ઉદ્ભવે
ધૂંવાંફૂવાં  વિચારનાં  ઊડી રહ્યાં છે પક્ષીઓ
ચળકતું  સૂર્ય-તેજ-બિંબ  સ્થિર નીર  દર્પણે
ગહન અહીં કશું નથી સપાટી એ જ સર્વ છે
(તા. ૨-૧૧-૧૯૬૭)
-આદિલ મન્સૂરી

ચારેકોર પાણી ,વચ્ચે ઉગેલા ઘાસો આજુ બાજી ઝાડ અને નાનાં નાંનાં ટાપુઓ, તેમાં આખી દુનિયામાંથી શિયાળામાં કીડિયારાની જેમ ઉમટી પડતાં દેશ-વિદેશના પક્ષીઓ, એમાંય ખાસ કરીને ફ્લેમિન્ગો માટે આ સ્થળ ખુબજ જાણીતું છે. બોટ અને વન વિભાગની સુંદર વ્યવસ્થા, ઘોડા પર ઘાટ પર ફરવાની મજા અને ટાપુ પર જમવાની મજા માનવી હોય તો વહેલી સવારે નળ સરોવર ઉપડી જાઓ.

આ નળ સરોવારમાં આપણે ધારીએને તો પણ ડૂબી શકાય તેમ નથી કારણકે આટલું બધું વિશાલ સરોવર પણ એ છીછરું છે. અને એટલાંજ માટે એ પક્ષીઓ માટે સ્વર્ગ બન્યું છે. નળસરોવારના કિનારે કિનારે ફરવાની મજા એ ટ્રેકિંગથી જરાય ઉણી ઉતરતી નથી. બોટની વ્યવસ્થા વિપુલ માત્રામાં છે, જે આ નળ સરોવરનાં પ્રવાસને યાદગાર બનાવે છે. વન-ડે પીકનીક માટે તો આ સ્વર્ગ સમાન છે. ઘાસનાં આટલાં બધાં પ્રકારો અને એમા વિહરતાં -વિચરતાં પક્ષીઓ જોવાં એ ખરેખર લ્હાવો છે !!!!

શિયાળામાં જ્યાં દુનિયાભરના પક્ષીઓ પહોંચી પોતાની હાજરીથી નળ સરોવરને કૈલાસ માનસરોવર બનાવી દે છે. અમદાવાદથી માત્ર 60 કિલોમીટર નજીક આવેલું નળસરોવર અતિ રમણીય છે. આ પક્ષીઓની હાજરી આ સરોવરને પ્રિય પર્યટન સ્થળ બનાવી છે. આ પ્રદેશ ગુજરાત અને સૌરાષ્ટ્રના નીચાળવાળા વિસ્તારનો પ્રદેશ છે , તેથી તે દરિયા સાથે જોડાયેલો હોવો જોઈએ અને આ દરિયાના જે અવશેષો તે જ નળસરોવર એમ કહેવાય છે.

અમદાવાદથી ૬૨ કિ.મી. દૂર અંતરે આવેલા વિરમગામ તાલુકાના નળસરોવર પક્ષી અભ્યારણ્ય, પક્ષી વિદો અને અભ્યાસીઓ માટે તીર્થ સમાન ગણવામાં આવે છે. ૧૨૦.૦૮ ચોરસ કિ.મી.માં પથરાયેલા છીછરા પાણી સરોવર પક્ષી અભ્યારણ્ય માટે જાણીતું છે. ૨૫૦થી વધુ પ્રજાતિઓના દેશી-વિદેશી પક્ષીઓ અહીં આવે છે..ઉપરાંત ૭૨ જાતીની માછલીઓ, ૪૮ જાતની લીલ, ૭૨ જાતિ સુષુત વનસ્પતીઓ,.૭૬ જાતના જળચળ પ્રાણીઓ અહીં રહેલા છે. આ પક્ષીઓને નીહાળવા ડિસેમ્બર મહિનાથી ખુબ મોટી સંખ્યામાં શહેલાણીઓ ઉમટી પડે છે.

વિરમગામ તાલુકાનાં નળસરોવર ખાતે શિયાળાની ઠંડી શરૂ થતા જે દેવ વિદેશમાંથી અનેક જાતના પક્ષીઓ અહીં પોતાનું આશિયાનું બનાવે છે. જેમાં નળસરોવર ખાતે આજકાલ ગલ્ફ તરફથી હજારો ફ્લેમિંગો ઉતરી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ફ્લેમિંગો માઈલોની સફળ ખેડીને આવ્યા છે તે નોંધપાત્ર વાત એ છે કે અહીં દર વર્ષે ૧૫ હજારથી વધુ જેટલા ફ્લેમિંગોનું આ સ્થળે આગમન થાય છે. આ પક્ષીઓની ઘણી વિશેષતાઓ છે જેમાં પાણીમાં ઉભા રહેલાની તેની શૈલી સૌથી વધુ ધ્યાનાકાર્ષક હોય છે.

નળસરોવર અભ્યારણ્ય પર એક ઈતિહાસ પ્રમાણે જો ડોકીયું મારી એ તો આ નળસરોવર નજીક જે ભૂતકાળમાં એક પ્રાચીન સમુહનો ભાગ હોવાનું મનાય છે. આ પક્ષીઓની અનેક ખાસીયતોમાની એક મહત્વની ખાસીયત છે કે, પ્રવાસી પક્ષીઓ સ્થળાંતર દરમ્યાન આશ્ર્ચર્યજનક નિયમિતતાથી ચાલે છે. આ વિદેશી પક્ષીઓમાં મહત્વની વાત એ છે કે તેઓ રાત્રેજ સ્થળાંતર કરે છે. જેમાં યાયાવર, ગુલાબીપોણ, લડાખી ધોમડો, ગજપાંઉ, ભગતડું, પાનલવા હંસ, બતક, સંતાકુકડી, સીંગપર, કાળી બગલી, ધોળી બગલી, સર્પગ્રા, ખલીલી ગયણો, સારસ, સીસોટી બતક, કુંજ, નીલ, જળ મુરઘો, ભગવી સુરખાબ, કારચીયા, મોટો હંજ વગેરે અનેક વિધ પક્ષીઓ આ વિશાળ નળસરોવરના પક્ષી અભ્યારણ્યમાં આવે છે.

નળ સરોવર ભારત દેશનુ એક અદ્‌ભૂત સરોવર છે. આ સરોવર ખાસ ઊંડાઇ ધરાવતું નથી, પરંતુ તે ૧૨૦ ચો. કિ.મી. જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે. આ સરોવરમાં અનેક નાના-મોટા ટાપુઓ આવેલા છે. નળ સરોવરની દેખરેખ અને તેના વ્યવસ્થાપનની જવાબદારી ગુજરાત રાજયના વન વિભાગની છે.  નળ સરોવર યાયાવર પક્ષીઓનું પ્રિય પર્યટન સ્થળ છે..શિયાળાની ઋતુમાં અહીં દેશ-વિદેશથી પક્ષીઓ આવે છે જેમાં ફલેમિંગો તેના સુંદર રંગ અને દેખાવને કારણે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.. વૈજ્ઞાનિકો યાયાવર પક્ષીઓના અભ્યાસ માટે તેના પગમાં કડીઓ પહેરાવે છે.અને તેના વડે પક્ષીઓના સ્થળાંતરની માહિતી મેળવે છે.

ચોમાસા અને શિયાળાની ઋતુમાં નળ સરોવરનું પાણી એકદમ શુદ્ઘ હોય છે અને તે પીવાલાયક હોય છે. ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં સરોવરમાં પાણી ઘટવા માંડે છે અને સ્વાદમાં પાણી ખારું થઇ જાય છે. જયારે પાણી સુકાય જાય છે ત્યારે સરોવરની સપાટી ઉપર મીઠા(નમક)ના કણોની પોપડીઓ જોવા મળે છે. આ સરોવરમાં આશરે ૩૫૦ નાના-મોટા ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ ઉપર ઘાસ ઉગે છે. આસપાસના વિસ્તારના લોકો પોતાના ઢોરને ચરાવવા માટે આ ટાપુઓ ઉપર લઇ આવે છે. આ સરોવરમાં ભરપૂર પાણી રહેવાથી તેમાં પુષ્કળ માછલીઓ અને અન્ય જીવજંતુ પુષ્કળ પ્રમાણમાં હોય છે. આથી નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી સૌથી વધારે પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે છે. ઇરાન અને અફઘાનિસ્તાનથી પક્ષીઓ આ સરોવરની મુલાકાત લે છે. પક્ષીઓનું પ્રમાણ આ સરોવરમાં વધારે હોવાથી પક્ષીવિદો માટે આ સરોવર એક તીર્થ સમાન છે.

પક્ષી અભયારણ્ય નળ સરોવરની આસપાસના વિસ્તારોને ‘ઇકો ફ્રેજાઇલ ઝોન” તરીકે જાહેર કર્યા બાદ ભારત સરકારના વન વિભાગ અને પર્યાવરણ મંત્રાલયે ગુજરાતના બાવીસમાંથી વધુ બીજા છ અભયારણ્યની વર્તુુળાકારે ૫.૫ કિ.મી. સુધીના વિસ્તારને ઇકો ફ્રેજાઇલ ઝોન તરીકે જાહેર કર્યો છે. આ કારણોસર અહી હવે કોઇપણ પ્રકારની વ્યાપારિક કે પર્યાવરણને નુકશાનકર્તા પ્રવૃતિ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવેલો છે.

જોકે નળ સરોવરની આસપાસ થઇ રહેલો વિકાસ તેના પર્યાવરણીય સંતુલનને જોખમી હોય, સરકાર અગમચેતીના પગલાઓ લે તે વ્યાજબી કહેવાય! આ માટે સરકારે કડક નીતિ અપનાવીને કોર્પોરેટ અને રિયલ એસ્ટેટનો વિકાસ કરનારાઓને મર્યાદામાં રાખવા જોઇએ. માનવજાતે એ સમજી લેવું જરૂરી છે કે, નળ સરોવર પ્રથમ યાયાવર પક્ષીઓનું રહેઠાણ છે. આપણા રહેઠાણમાં કોઇ ચંચુપાત કરે તે આપણને ગમતું ન હોય તો અબોલ પક્ષીઓને પણ પોતાની દુનિયામાં કોઇ ચંચુપાત કરે તે ગમતું ન જ હોય તે સ્વભાવિક છે.

નળ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે સારામાં સારી રીતે વિકસાવી શકાય પણ એ માટે સરકાર અને પર્યાવરણ વિશેષજ્ઞોએ ખાસ સંશોધન અને કડક કાર્યવાહી કરવી પડે.. નળ સરોવરની આસપાસ વિપુલ પ્રમાણમાં નવા ઉદ્યોગો આવી ચડે અને તેમને વિપુલ પ્રમાણમાં પાણીની જરૂર પડે ત્યારે તે નળ સરોવર ઉપર આધાર રાખે તો નળસરોવરમાં રહેતાં જળચરો નાશ પામે. આ જળચરો નાશ પામે તો એના ઉપર નભતાં યાયાવર પક્ષીઓ પણ આવતાં બંધ થઇ જાય.

આવી સ્થિતિમાં સરકારે નળ સરોવરની આસપાસનો અમુક વિસ્તારને બાંધકામ પ્રતિબંધિત કરવો જોઇએ. રામસર કન્વેનશન ઓન વેટલેન્ડની વ્યાખ્યા પ્રમાણે ગુજરાતનું આ નળ સરોવર રામસર સાઇટ તરીકે વિશ્વસ્તરે ખ્યાતી પામી શકે તેમ છે. આ માટે રામસર કન્વેશન ઓન વેટલેન્ડના નિયમોનુસાર તેનું જતન કરવું જરૂરી બને છે. હાલમાં ગુજરાત રાજય સરકાર દ્વારા નળ સરોવરને રામસર સાઇટ તરીકે જાહેર કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે.

સુંદર મજાની નૌકાઓ અને કિનારે ઘોડેસવારીની મજા માણવા અને ગામથી રોટલા અને સેવ ટામેટાનુંશાક ખાવાં તો એક વાર તો શિયાળામાં અચૂક નળ સરોવરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ !!!!! ટૂંકમાં ……. નળ સરોવર એટલે પક્ષીઓની કૈલાસ-માનસરોવરની યાત્રા !!!

——- જનમેજય અધ્વર્યુ.

error: Content is protected !!