બાળકની છઠ્ઠી કરવાનો અને નામ પાડવાના રિવાજ

વૈશાખ મહિનામાં ગામડાંમાં વિવાડો ઉમટે. કાળજામાં કંઇક કોડભરેલા વર કન્યાના લગ્ન લેવાઈ જાય. પછી વિવાહિતનો ખોળો ન ભરાય ત્યારે સૂર્યપત્ની રાંદલને આરજુ કરતી ગાય છે :

આ લીંપ્યું ને ગૂંપ્યું મારું આગણું
પગલીનો પાડનાર દ્યોને રાંદલમા
વાંઝીયા મેંણાં માડી દોહ્યલાં

આમ રાંદલની આરાધના પછી વહુનો ખોળો ભરાય અને પહેલે ખોળે દેવના ચક્કર જેવો દીકરો જન્મે ત્યારે આખા કુટુંબમાં આનંદનો અબિલગુલાલ ઉડે છે. દીકરાને હાથની ઘૂઘલિયું વાળીને પારણામાં કિલ્લોલ તો જુએ ત્યારે માના હૈયામાં સ્વર્ગના સોળેય સુખ રમવા નીસરી આવે છે.

હિંદુ પારિવારિક જીવનના સોળ સંસ્કારો

હિંદુઓના પારિવારિક જીવનમાં સોળ સંસ્કારોનું મહત્ત્વ પ્રાચીન કાળથી રહ્યું છે. (આજે એ અર્ધુપર્ધું ભૂલાઈ ગયું છે. જૂના કાળમાં પરિવારની અનેક પ્રવૃત્તિઓ આ સંસ્કારો દ્વારા થતી. આ રહ્યા એ સોળ સંસ્કાર ૧. શ્રેષ્ઠ સંતાન ઉત્પન્ન કરવા માટે ગર્ભાધાન સંસ્કાર, ૨. ગર્ભની રક્ષા માટે પુંસવન સંસ્કાર, ૩. ગર્ભમાના બાળકની માનસિક વૃધ્ધિ માટે સીમન્તોનયન સંસ્કાર, ૪. જાતકર્મ સંસ્કાર, ૫. જન્મના અગિયારમા દિવસે બાળકનું નામ પાડવા માટે નામકરણ સંસ્કાર, ૬. નિષ્કર્મણ સંસ્કાર, ૭. અન્નપ્રસન સંસ્કાર, ૮. બાબરી ઉભારવા માટે ચૂડાકર્મ સંસ્કાર, ૯. કાન વીંધવા માટેનો કર્ણવેધ સંસ્કાર, ૧૦. ઉપનયન સંસ્કાર, ૧૧.વેદારંભ સંસ્કાર, ૧૨. સમાવર્તન સંસ્કાર, ૧૩. વિવાહ સંસ્કાર, ૧૪. વાનપ્રસ્થ સંસ્કાર, ૧૫ સન્યાસ સંસ્કાર અને ૧૬. અત્યેષ્ટિ સંસ્કાર, અહીં મારે આજે વાત કરવી છે બાળકના નામકરણ સંસ્કારની અને તેની સાથે જોડાયેલા ભાતીગળ લોક રિવાજોની નામકરણના સંસ્કાર બાળકનો જન્મ પછી પાંચમો સંસ્કાર એના નામકરણનો છે.

આ નામકરણ સંસ્કાર અગિયારમાં દિવસે કરવામાં આવે છે. આ દિવસ ઘણો સારો મનાય છે. તે દિવસે ન થઇ શકે તો બારમા દિવસે નામકરણ સંસ્કાર કરવો એમ ‘ગોભિલ ગૃહ્યસૂત્ર’માં કહ્યું છે. એમાં નામકરણની વિધિ આ મુજબ બતાવી છે, બાળકને સારું કપડું પહેરાવી માતા ડાબી બાજુએ બેઠેલા પિતાના ખોળામાં આપે. પછી તેની પીઠ તરફથી પરિક્રમા કરી તેની સામે આવીને ઊભી રહે ત્યારબાદ પતિ વેદમંત્રનો પાઠ કરી બાળકને પોતાની પત્નીના ખોળે આપી દે.

પછી હોમ આદિ કરીને એનું નામ પાડવામાં આવે. નામકરણ પધ્ધતિમાં આ વિધાન નીચે મુજબ બની ગયું છે. નામકરણને દિવસે પિતા ગૌરી, ષોડશ માતૃકા આદિનું પૂજન કરી વૃધ્ધિ શ્રાધ્ધ કરીને પોતાની પત્નીને ડાબી બાજુએ બેસાડી પથ્થરની પાટી ઉપર બે રેખાઓ દોરે પછી દીવો કરી જો દીકરો હોય તો તેના જમણા કાનની પાસે અમુક દેવશમો ઇત્યાદિ અને છોકરી હોય તો અમુક દેવી ઇત્યાદિ કહીને નામ પાડે. પ્રાચીન સમયમાં આર્યોમાં બાળકનો જન્મ થાય ત્યારે તેના પિતા સોનાની સળી વડે ઘી અને મધથી શીશુની જીભ ઉપર  લખતો. ૐ આને જાતકર્મ સંસ્કાર કહેવામાં આવતા. એમ શ્રી નારણભાઈ પટેલ નોંધે છે.

વિધાત્રી લેખ લખવા આવે છે
એક લોકમાન્યતા એવી છે કે બાળકના જન્મ પછી છઠ્ઠે દિવસે ષષ્ઠિદેવી-વિધાત્રી બાળકના લેખ લખવા આવે છે. એનું સુંદર વર્ણન ઝવેરચંદ મેઘાણી આ રીતે આપે છે : લંકાની રાણી મનોહરીને સુવાવડ ખમ્યાને અને પેટે કુંવરી અવતર્યાની આજ છઠ્ઠી રાત જાય છે. જેનાં દસેય માથાં ફરતું અભિમાન આવીને આંટો મારી ગયું છે એવો અહંકારી રાજા રાવણ ભલભલાની ઊંઘ ઉડાડી મૂકનાર શનિદેવને ઊંધેકાંધ નાખી એમની પીઠમાતે પાયોદબાવી ખડ ખડ ખડ હસતો બેઠો છે બળના અભિમાનથી એની આંખ્યું ઓડયે વધી ગઈ છે. ગરવથી એની મૂંછ્યું ફરરક ફરરક થઇ રહી છે. સૂરજ, ચંદ્ર, રાહુ, કેતુ, મંગળ, શનિ, બુધ, શુક્ર અને ગુરુ નવ નવ ગ્રહોને એણે ઢોલિયાના ઉપરને બાંધ્યા છે. અધરાત મધરાતનો ગજર ભાંગ્યો છે. રાણીવાસમાં મનોહરીની આંખ મળી ગઈ છે. રાવણની આંખ્યુંમાં ઘેરણનાં આંજણ અંજાઈ ગયાં છે.

એવામાં કુમકુમ પગલાં પાડતાં પાડતાં વિધાત્રી દેવી પધાર્યા હાથમાં કંકુનો પડિયો, કાને મોતીની લેખણ અને કાખમાં આંકડા ગણવાનો કોઠો રઈ ગ્યાં છે. વિધાત્રી તો મરક મરક હસતાં ધીમાં ધીમાં ડગ દેતાં સુવાવડી રાણી મનોહરીના રાણીવાસમાં દાખલ થયાં. સોના રૃપાથી મડેલી મનોહર માંચી માથે હીરના ચીરની ઘૂઘરિયાની ગોદડીમાં છ વાહા (દિવસ)ની બાળકી હાથની ઘૂઘલિયું વાળી આંજણ આંજેલી આંખ્યું પટપટાવતી પડી છે. વિધાત્રી હળવે હળવે ઓરડામાં દાખલ થયાં, ને દીકરીનીમાંચી પાસે જઇને પલાંઠી મારીને બેઠાં. પડખે મઝરો મઝરો ઘીનો દીવો ઓરડામાં અજવાસ પાથરતો હતો.

રત્નજોડતા થાળમાં કોરો કાગળ કંકુ, કંકાવટી કલમ નેકેળનું પાન પડયાં હતાં. દેવીએ હળવે રહીને દીવાની વાટ સંકોરી દીવડો રાત્રે બળવા મંડાણો એટલે દેવી તો દીકરીના હાથની હથેળીમાં મંડયા આડીઅવળી રેખાયું આલેખવા. શું શું લખ્યું ? ગામ લખ્યું, ગરાસ લખ્યા, આનંદ અને ઉપભોગ લખ્યા, આવરદાની લાંબી રેખા તાણી, ને જ્યાં લગ્નની રેખા તાણવા જાય છે ત્યાં તો અરરર બોલતાં વિધાત્રીના હાથમાંથી સડડાટ દેતી કલમ ભોંય પડી. તેજ કરતો દીવડો ઝાંખો થઇ ગયો. દેવી ઊભાં થઇ ગયાં. ચિંતાતુર વહુને કપાળ કૂટયું ને રાણીવાસના પગથિયાં કટ કટ કટ ઉતરીને ત્યાંથી ચાલી નીકળ્યાં.

વિવિધ જાતિયોમાં છઠ્ઠીનો રિવાજ

લોકજીવનમાં બાળકના જન્મ પછી ષષ્ઠિ-છઠ્ઠી કરવાનો રિવાજ પરાપૂર્વથી ચાલતો આવ્યો છે. ગુજરાતની તમામ લોકજાતિયોમાં આ રિવાજ થોડાઘણા ફેરફારો સાથે જોવા મળે છે. ભાલપંથકના રાજપૂત પરિવારોમાં બાળકના જન્મ પછી છઠ્ઠે દિવસે એની છઠ્ઠી કરવામાં આવે છે. પરિવારની બહેનો ભેગી મળીને પાટલો ઢાળી તેના પર સફેદ કપડું પાથરી કંકુભરી કંકાવટી અને લેખણ મુકે છે. કપડાં પર કંકુનો સાથિયો કરે છે. ષષ્ઠિદેવીનો દીવો કરી બાળકને પગે લગાડે છે. બાળકની ફોઈ ફોઇયારું (બાળક માટે આંગલા-ટોપલાં ઇત્યાદિ કપડાં) લઇ આવે છે. બાળકનું નામ પાડવાનો એકાધિકાર ફોઈ ભોગવે છે. નામ પાડતા ફોઈ બોલે છેઃ

ઓળી ઝોળી પીપર પાન
ફોઇએ પાડયું ફતેસિંહ નામ

ભાંડ કોમનો રિવાજ

સૌરાષ્ટ્રમાં આવીને સ્થાયી થઇ ગયેલા ભાંડ લોકો મૂળે મારવાડમાંથી રોટલો રળવા ગુજરાતમાં આવેલા છે. ભાંડ બાઈને બાળક જન્મે ત્યારે છઠ્ઠે દિવસે છઠ્ઠીની વિધિમાં બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોવરાવે છે. ફોઈ આવીને બાળકનું નામ પાડે છે. તે બદલ તેને એકાદ જોડી કપડાં કે પાંચ રૃપિયા રોકડા આપવામાં આવે છે. બ્રાહ્મણને પહેલા બાળક વખતે પાંચ રૃપિયા પછીના માટે સવા રૃપિયો આપવામાં આવે છે. બાળકને મોસાળ પક્ષ તરફથી ઘરેણાં તથા ઝભલાની ભેટ આપવામાં આવે છે. પુત્ર અવતરે તો પાલિતાણાબાજુ તેરમે દિવસે સૂર્યપૂજા કરે છે અને પુત્રી જન્મે તો જળપૂજા કરે છે.

ખવાસ કોમના રિવાજો

કાઠિયાવાડમાં વસતી ખવાસ કોમમાં પુત્રી કરતાં પુત્ર જન્મથી વધુ આનંદ પ્રસરે છે. પુત્ર જન્મની વધાઈ મીઠાઈ વહેંચીને આપવામાં આવે છે. જન્મના પાંચ દિવસ બાળકને પાંચ દોરિયા બાંધે. પછીના દિવસે છઠ્ઠી ઉજવાય. ટોડલે કોરો કાગળ મૂકે જેમાં વિધાત્રી આવીને લેખ લખી જાય એવી માન્યતા છે. અગિયારમા વાસે ઘઉંની ઘૂઘરી બાફે અને રાત્રે દીવો કરી પાણિયારે નાળિયેર વધેરે. બીજે દિવસે ફોઈ આવીને બાળકનું નામ પાડે. આ પ્રસંગે ફળિયાના છોકરાંઓને ગોળ, ઘુઘરી ને ટોપરું વહેંચવામાં આવે છે. જેને ‘બારાબળિયા’ કહે છે નામ પાડવા બદલ ફોઇને શક્તિ અનુસાર સાડલો કાપડું વગેરે આપે છે. સગાં સંબંધીઓ ઝભલું લઇને આવે છે. મોસાળ તરફથી બાળકને સોનાની વીંટી, દોરો કે પોંચી અપાય છે.

સૌરાષ્ટ્રની વાઘેર કોમનો રિવાજ

સૌરાષ્ટ્રની વાઘેર કોમમાં પુત્ર જન્મનો આનંદ વિશેષ હોય છે. પુત્ર જન્મે તો સૂયાણીને ‘નાડું મરડવા’ માટે સવા પાંચ રૃપિયા અને પુત્રી જન્મે તો સવાપાલી ઘઉં અને સવા રૃપિયો જ આપવામાં આવે છે.બાળકના જન્મ પછી છઠ્ઠે દિવસે છઠ્ઠી ઉજવાય છે. ઘીનોદીવો પ્રગટાવી ઘઉંના નાના ઢગલા પર બાળકને સુવરાવવામાં આવે છે. ફોઈ આવીને બાળકને ઉપાડીને ખોળામાં લે છે. ઘઉંના ઢગલા પાસે મૂકેલ રાંધેલ પીંડિયા સુયાણી લઇ જાય છે. સૌ સગા સંબંધીઓને લાપસી જમાડી મોં મીઠુ કરાવવામાં આવે છે. બાળકનું નામ પાડતા પહેલા ફકીરને બોલાવે પણ નામ તો ફોઈ જ પાડે. બાળકનો મામો તથા સૌ સગા સંબંધી બાળકને આંગડી ભેટ આપે છે.

ખાંટ કોમનો રિવાજ

કાઠિયાવાડમાં સોરઠ, હાલાર (જામનગર પંથક) અને ગોહિલવાડમાં વસતા ખાંટ કોમમાં નવા જન્મેલા બાળકની છઠ્ઠી પ્રસંગે નાના બાળકોને જમાડવામાં આવે છે. બ્રાહ્મણ પાસે રાશી જોવરાવી ફોઈ બાળકનું નામ પાડે છે. આ માટે બ્રાહ્મણને દક્ષિણા અને ફોઇને સાડલો આપવામાં આવે છે. આ દિવસે સૌ સગા સંબંધીઓ તરફથી બાળકને રૃમાલ ઓઢાડવામાં આવે છે. એ લીલા રંગનું એકાદવાર છીંટનું કપડું હોય છે.

મિયાણા કોમનો રિવાજ

જામનગર, આમરણ, માળિયા, ધ્રોળ વગેરે નગરોમાં વસતાં મિયાણાં કોમ ધર્મે મુસ્લિમ છે પણ તેમના ઘણાખરા રિવાજો તો હિંદુને મળતાં છે. આ કોમમાં પુત્રી કરતાં પુત્રને વધુ મહત્ત્વ આપવામાં આવે છે. તેઓ શુકન અપશુકનમાં માનતા નથી. પુત્ર જન્મની વધામણી આપનાર નણંદબાનો ખેતર બક્ષિસ આપવામાં આવે છે. બાળકની છઠ્ઠીના દિવસે ઘઉંના ઠોઠા રાંધવામાં આવે છે. અથવા ચુરમાના લાડવા કે તલગોળના તલવટ બનાવી સગા-સ્નેહીઓને વહેંચવામાં આવે છે. આ પ્રસંગે કુટુંબની સ્ત્રીઓ ભેગી મળીને છઠ્ઠીના ગીતો ગાય છે. ફોઈ બાળકને પોતાના ખોળામાં લઇને નામ પાડે છે. કેટલીકવાર આ પ્રસંગે ફોઈ, દાદી કે નાની બાળાઓ પાસે સૂત્રો બોલાવી નામ પાડવાની વિધિ કરે છે. જેમ કે ‘માળિયા ગામ પિપળીયાદ આનું નામ’ જે નામ પાડવું હોય તે ત્રણવાર બોલે છે. આ પ્રસંગે સગા સંબંધીઓ બાળકને ઝભલું ભેટ આપે છે. એને ‘દાખલો’ કહેવામાં આવે છે.

દલિત કોમના રિવાજો

સૌરાષ્ટ્રની દલિત કોમોમાં પણ બાળકોની છઠ્ઠીના જુદા જુદા રિવાજ જોવા મળે છે. પુત્ર જન્મે તોપાંચમે દિવસે અને પુત્રી જન્મે તો છઠ્ઠે દિવસે છઠ્ઠી કરવામાં આવે છે. આ દિવસે કુટુંબની સ્ત્રીઓ પોતાને ત્યાંથી સુંપડામાં થોડી થોડી જુવાર કે ઘઉં લાવી બાળકનો જન્મ જે ઓરડામાં થયો હોય ત્યાં ઢગલો કરે છે. એને ‘આપ રાંદલનોઢગલો’ કહે છે. આ ઢગલા ઉપર શ્રીફળ મૂકી ઘીનો દિવો કરે છે. ધૂપ કરે છે તથા બાળકની માતાના જમણા પગે તેમજ છોકરાના હાથે નાડાછડી બાંધી કપાળે ચાંલ્લો કરે છે. આ પ્રસંગે બાળકને સગા સ્નેહીઓ ઝભલાની ભેટ આપે છે. સ્ત્રીઓ હાથમાં થાળીઓ લઇને થોડીવાર બગાડે છે. સૌને વિદાય આપતા પહેલાં ઘઉંની ગળી ઘૂઘરીનો પ્રસાદ આપવામાં આવે છે.

પોરબંદર પંથકના મેરના રિવાજ

પોરબંદર તરફ વસતી મેર પ્રજા પણ બાળકનો જન્મ ધામધૂમથી ઉજવે છે. અહીં દીકરા દીકરી બંનેના જન્મને હરખથી વધાવાય છે. બાળકના જન્મ વખતે આપ્તજનોમાં સાકર વહેંચે છે. અવતરેલા બાળકને ગળથુથીમાં મધ અને ઘીની આંગળી ચટાડે છે. આ અવસરે બાળકનો પિતા અપ્તજનો ને છ છ દિવસ જમાડે છે. છઠ્ઠે દિવસે બાળકની છઠ્ઠી કરે છે. એક માટલા ઉપર પીળું વસ્ત્ર, ફળનો રસ, કલમ આંજણ સોપારી ચોખા વગેરે મૂકી ઘીનો દીવો કરી ચાર કુંવારકા (દીકરીઓ) ને બોલાવી પારણામાં પોઢાડવામાં આવે છે. બાળકની ફોઈ તેનું નામ પાડે છે.

આ તો થઇ લોકજાતિયોના બાળકોની છઠ્ઠીના રિવાજોની વાત. સૌરાષ્ટ્રના રાજ રજવાડાઓમાં રાજકુંવર અને રાજકુંવરીના જન્મ દિવસે અને છઠ્ઠીના દિવસે નગારાં વગાડવા જેવા વિશિષ્ટ રિવાજો હતા. પુત્ર જન્મના સમાચાર સોનાની થાળી વગાડીને અપાતા. પુત્ર જન્મ પ્રસંગે તોપોની સલામી અપાતી એ વાત ફરી કોઈવાર.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!