મલકમાં જોવા મળતી જાતજાતના મૂર્ખાઓની જમાત

કુદરતે સૃષ્ટિનું સર્જન કર્યું. ઈશ્વરે ધરતી માથે માનવ વણજારને રમતી મૂકી. આ વણજારમાં જાતજાતના અને ભાતભાતના વિભિન્ન પ્રકૃતિવાળા માણસો જોવા મળે છે. કોઇ દિલાવર ને દાતાર છે, તો કોઇ સૂમ (લોભિયા), શાણા ને શાહુકાર છે. કોઇ દયાળુ, માયાળુ ને આપકર્મી છે તો કોઇ બાપકર્મી છે. કોઇ ઉદ્યમી છે તો કોઇ આળસુના પીર છે. કોઇ સ્વભાવે સજ્જન છે તો કોઇ દુરિજન છે. કોઇ કપટી છે તો કોઇ કરામતી છે. કોઇ અભિમાની છે તો કોઇ નિર્માની છે. કોઇ આસ્તિક છે તો કોઇ નાસ્તિક છે. કોઇ ડાહ્યા છે. કોઇ વાતડાહ્યા છે. કોઇ દોઢડાહ્યા, કોઇ દાધારિંગા, અદેખા ને ઈર્ષાળુ છે. આ કદખળિયાની માલિપા મૂરખાઓનો ય તોટો નથી. આજે મારે લોકવાણી, દુહા, સોરઠા, કવિત, કુંડળિયા, સાખી, છપ્પય ચોખરા અને કહેવતોમાં હમચીકુંડું ખુંદતા મૂરખાઓના લક્ષણોની લાખેણી વાતું માંડવી છે.

મૂર્ખ શબ્દના કેટકેટલા અર્થો ભગવદ્ગોમંડલમાં નોંધાયા છે. મૂર્ખ ઃ ૧. જંગલી મગ ૨. નીચ માણસ ૩. બુધ્ધિ વગરનો માણસ, ૪. અક્કલહીન ૫. ઠોઠ, બેવકૂફ, મૂરખ, નાદાન, અજ્ઞાાન, આવડત વગરનો. અણસમજુ, ઓછી બુધ્ધિનું, અજ્ઞા, મતિમંદ, મૂઢ, અબૂજ વગેરે.

બીજાનું કહ્યું ન માનવું, ગર્વી, દુર્વચની, હઠાગ્રી અને અપ્રિયવાદી એ મૂર્ખના પાંચ લક્ષણો ગણાય છે. આવા મૂરખ દેશાવર ખેડવાને બદલે ઘેર બેઠા વધુ સારા એમ સોરઠિયો આ દુહામાં સમજાવે છે ઃ

ચીંધે સૌને કામ, પોતે ડગ ભરે નહીં;
એ મૂરખનો જામ, સાચું સોરઠિયો ભણે.
* * *
ઈતે તો ભમતે ભલે, જોગી, પંડિત, સપૂત;
ઈતે ઘર બેઠે ભલે, મૂરખ, નાર, કપૂત.

સંગત સજ્જનો અને પંડિતોની કરવા કહ્યું છે. એમની લાતોય ગુણકારી ગણાય છે. મૂર્ખાની વાતે ઘર ખોવા વારો આવે ઃ

મુરખની વાતો બળી, જે વાતે ઘર જાય;
પંડિતની લાતો ભલી, જે લાતે ગુણ થાય.

કહેવતમાં કહ્યું છે કે ‘દાનો દુશ્મન સારો પણ મુરખ મિત્ર ખોટો.’ લોકસાહિત્યના કિંમતી કણસરખો દુહો એ વાતને સમર્થન આપે છેઃ

દુશ્મન તો ડાહ્યો ભલો, ભલો ન મૂરખ મિત્ર;
કદરૂપી પણ કહ્યાગરી, નારી રૂપાળી ચિત્ર.

આવા મૂરખ નર જીવનનું મૂલ્ય પણ સમજતા નથી. એક એક દિવસ કરતાં રોજ માનવીનું આયુષ્ય ઘટતું જાય છે પણ એ તો એમ જ સમજે છે કે આપણે તો મરવાના જ નથી.

મૂરખ તું સમજે નહીં, આયુષ્ય ઓછું થાય;
જેમ સરોવરની માછલી, સમજે ન સર સૂકાય.

મૂરખો ગુણને ન સમજી શકે એમાં ગુણનો વાંક થોડો જ ગણાય?

મુરખ ગુણ સમજે નહીં. તો નહીં ગુણમેં ચૂંક;
દિન કો વૈભવ ક્યા ઘટયો, જો દેખે નહીં ઉલુક; (ઘૂવડ)

મૂર્ખ માણસ ડાહ્યા અને જ્ઞાાની માણસોને ક્યારેય સમજી શકતો નથી. એને સમજાવવામાં સાર નહીં એટલે તો કહ્યું છે ને કે ઃ

મૂરખકુ સમજાવતે જ્ઞાાન ગાંઠકા જાય;
કોયલા હોય નહીં ઊજળા, સો મન સાબુ લગાય.
*
પાણી મેં પાષાણ ભીંજે. તોય ગળે નહીં;
મૂરખ આગળ વાણ, (વાતો) રીઝે પણ બૂઝે નહીં.
*
માખી ચંદન પરહરે, દુર્ગંધ હોય ત્યાં જાય;
મૂરખ નરને ભક્તિ નહીં, ઊંઘે કાં ઊઠી જાય.
*
ચતુર હોય તો રીઝવું, હસ્ત રમાડું છેલ;
મૂરખને શું વિનવું, હૈડે ઝાઝો મેલ.

આવા મૂર્ખ-શિરોમણિને તો તો પાછી શિખામણે ય દેવાય નહીં. તમે સીધુ કહો ત્યારે એ અવળું જ આદરીને ઊભો રહે ઃ

શિખામણ, દીધ મૂરખને, નહીં ધ્યાન જ માંહે;
વાનરને દીધું ફૂલ સૂંઘવા, ખોસ્યું પૂંઠ જ માંહે.

કામ, ક્રોધ, મદ, મોહમાં રત રહેનાર પંડિત હોય કે મૂરખ સૌ સરખા જ ગણાય છે.

કામ ક્રોધ મદ લોભ કી, જબલગ મનમેં ખાન;
કહાં પંડિત મૂર્ખ કહાં, સબહી એક સમાન.

કવિ દલપતરામ કહે છે કે આવા મૂરખના સરદારોને ઓળખવા કેવી રીતે? એના માથે શિંગડાં થોડા જ ઊગે છે? એ એના લક્ષણોથી જ પરખાય છે.

મૂરખ સાથે શિંગડાં, નહીં નિશાની હોય;
સાર અસાર વિચાર નહીં, જન તે મૂરખ જોય.
* * *
અક્ષર એક ન આવડે, ઉર અભિમાન અપાર;
જગમાં તેને જાણવો મૂરખનો સરદાર.
* * *
વહેમભરી વાતો વડી, બહુ બહુ બકતો જાય;
શિખામણ નહીં સાંભળે, તે મૂરખનો રાય.

પ્રાચીન કવિઓમાં જેમનું નામ આદરણીય ગણાય છે એવા શ્રી બુલાખીરામ મૂરખની ઓળખાણ આ રીતે આપે છે ઃ એમના દુહાઓ માનવીને સમજણ આપી મૂરખમાં યકપતો અટકાવે છે અને સાચું જ્ઞાાન આપે છે. પ્રાચીન કવિઓએ આ રીતે સમાજ શિક્ષણનું અને સમાજઘડતરનું મૂલ્યવાન કાર્ય કર્યું છે. કવિ બુલાખીરામ કહે છે ઃ

સ્ત્રીના ફંદ વિશે સદા, મસ્ત બની રહેનાર;
છાંડે કુળની લાજને, મૂરખનો સરદાર.
* * *
ભાઇઓથી અળગો રહે, રાખી મનમાં ખાર;
પર કુટુંબમાં જઇ મળે, મૂરખનો સરદાર.
*
જન્મી ઊંચા કુળમાં, કુકર્મનો કરનાર;
નીચો તે અંતે ઠરે, મૂરખનો સરદાર.
*
પરનું સારું દેખીને, ઈર્ષ્યા કરે અપાર;
પોતાની મેળે બળે, મૂરખનો સરદાર.
*
મિત્ર સાથે કપટ રમે, સ્વારથમાં હુંશિયાર,
અરિ સાથે હેતે રમે, મૂરખનો સરદાર.
*
સદ્ગુણોને અળગા કરી, દુર્ગુણનો ધરનાર;
સમજાવ્યો સમજે નહીં, મૂરખનો સરદાર.
*
સાજાનું ભાંગ્યું કરે, નકામ કામ કરનાર;
નવરો જે બેસી રહે, મૂરખનો સરદાર.
*
કામ ક્રોધ વળી લોભને, ચાહે વારંવાર;
દયા સત્ય વેરી ગણે, મૂરખનો સરદાર.
*
વૃદ્ધજનોની આગળે, લાજ ધરે ન લગાર;
મશ્કરીઓમાં જે રમે, મૂરખનો સરદાર.
*
વાત એકની સાંભળી, બીજે જઇ કહેનાર;
એને પણ સૌ માનજો, મૂરખનો સરદાર.
*
નિષ્કારણ કજિયા કરી, ખટપટ કરે અપાર;
રાખી થાપણ ઓળવે, મૂરખનો સરદાર.
*
માતાપિતાએ જે કર્યા, આજલગી ઉપકાર;
લેશ માત્ર સમજે નહીં, મૂરખનો સરદાર.
*
ગરીબને દુભાવીને, ફાંસાનો દેનાર;
લુચ્ચાથી ડરતો ફરે, મૂરખનો સરદાર.
*
છાશવારે સામા મળતાં મૂરખાઓની કહેવતો ય કેટલી બધી મળે છે?

૧. મૂરખ મનમાં વિચાર કરે, હું રળું ને બધાં ખાય; પણ સૂક્કાં કાષ્ઠમધ્યેનો કીડો, તેને પાણી કોણ પાય?
અર્થાત્ ઃ સૂકા લાકડા વચ્ચેના કીડાને કોઇ પાણી ન પાય એમ મૂરખને કોણ રળવાનું સાધન કોણ આપે?

૨. મૂરખ સાથે ગોઠડી, પગ પગ હોય વિનાશ; મૂરખને પ્રતિબોધતાં, મને સામો થયો સંતાપ.
મૂરખ સાથેની મૈત્રીમાં દરેક પગલે નુકસાન જ ખમવાનું હોય. મૂરખને શિખામણ આપીએ તો એ જે કંઇ કરે તેનાથી વેઠવાનું જ આવે.

૩. મૂરખકી યારી બૂરી, ભલો સજ્જનકો ત્રાસ; જ્યૂં સૂરજ ગરમી કરે, તબ બરસનકી આશ.
મૂરખની સંગત ખરાબ, પણ સજ્જન તરફથી હરકત થતી હોય તો તે ય સારી. જેમકે સૂરજની ગરમી હરકત કરે છે, પણ વરસાદની આશા આપે છે.

૪. મૂર્ખ નારીને નગારાં કૂટયાં જ કામનાં ઃ (જૂના કાળે માન્યતા હતી કે મૂરખ, નારી અને નગારા સાથે દંડાથી જ કામ લેવાય.)

૫. મૂરખનું નામું ભીંતે ઃ મૂરખ કોઇ દિવસ હિસાબ રાખતો નથી.

૬. મૂરખ પાસે કાગળ નહીં બોલે ઃ મૂરખને ગમે તેટલું શિક્ષણ આપો પણ તે નિષ્ફળ જશે.

૭. મૂરખ મિત્ર દુશ્મનની ગરજ સારે.

૮. મૂરખ મિત્ર વેરીને ઠામ.

૯. મૂરખનું મળવું ને માંકડાનું દળવું ઃ માંકડું દળે એથી કશું ન વળે એમ મૂરખનો મેળાપ જીવનમાં કંઇ કામમાં ન આવે.

૧૦. મૂરખને કાન હોય પણ જ્ઞાાન ન હોય ઃ મૂરખ સાંભળે પણ સમજે નહીં.

૧૧. મૂરખનો બાદશાહ ઃ બેવકૂફ- મહામૂર્ખ

૧૨. મૂરખના ગામમાં ત્રણ તેરસ ઃ મૂર્ખ ઉંધું જ રાખે.

૧૩ મૂરખાઓ વસે ત્યાં ધૂતારા ભૂખે નથી મરતા. ધૂતારાઓ મૂર્ખાઓની મૂર્ખાઇનો લાભ ઊઠાવે છે.

૧૪. મૂરખાઓના ગામ કંઇ જુદા નથી વસતાં ઃ કાગડા બધે કાળા જ હોય.

૧૫. મૂરખાઓના ગામમાં ધૂતારા વસે, ધપ્પા પડે ને ખડખડ હસે.

૧૬. ભાણે બેસી ભૂખ્યો ઊઠે, ચાકરની રાખે માજા;

ઘરની બાયડીથી શરમાય, તે મૂરખનો રાજા.
* * *
ચતુરકુ ચિંતા ઘણી, નહીં મુરખકુ લાજ;
સાર અસાર જાણે નહીં, પેટ ભરનેકે કાજ.

મૂરખાની સરખામણી ઓછી અક્કલવાળા ખર-ગધેડાની સાથે કરવામાં આવી છે. એવા સાત ખર-મૂરખનું જોડકણું તો જુઓ ઃ

પાણી પી ને પૂછે ઘર, તેનું નામ પહેલો ખર;
દીકરી દઇ ને પૂછે કુળ, તેનું નામ બીજો ખર.
આંગળી ઘાલી ને પૂછે દર, તેનું નામ ત્રીજો ખર;
બાથ ભીડી ને પૂછે બળ, તેનું નામ ચોથો ખર.
બેસે ડાળે ને વાઢે થડ, તેનું નામ પાંચમો ખર.
આવે ચોમાસું ને સંચે ઘર તેનું નામ છઠ્ઠો ખર.
ઘાલે માંડવો ને શોધે વર તેનું નામ સાતમો ખર.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!