મૂરખા ઓના લક્ષણો

સુથારનું મન બાવળિયા પર હોય એમ અમારું મન હરહંમેશ લોકવાણીની વિરાસત પર જ ફરતું હોય. અગાઉ મેં સાત મૂરખાઓને શોધીને વાચકોની વચ્ચે મૂક્યા હતા, એ પછી બીજા ચાર મૂરખા મને મળી ગયા. જુઓ આ રહ્યા:

પહેલો મૂરખ તે ઠેકે કૂવો,
બીજો મૂરખ તે રમે જુઓ, (જુગાર)
ત્રીજો મૂરખ તે બહેન ઘેર ભાઈ,
ચોથો મૂરખ તે ઘરજમાઈ

લોકવાણીની કંઠસ્થ કહેવતો, ઉક્તિઓ, દૂહાની જેવા જ સંસ્કૃત સુભાષિતો પણ જ્ઞાનના ભંડારસમા છે. સંસ્કૃતમાંથી રૂપાંતર પામેલી લોકવાણી સુધી પહોચ્યા છે. એણે સમાજને શિક્ષિત અને દીક્ષિત કરવાનું મૂલ્યવાન કાર્ય કર્યું છે. આવા પ્રાચીન સુભાષિતોમાંથી શ્રી ગિરિજાશંકર મયાશંકરે ‘સો મૂરખાના લક્ષણો’ નામે નાનકડી પુસ્તિકા પ્રસિદ્ધ કરી હતી. તેમાં મૂરખ માનવી કોને કહેવાય તેની સરસ સમજણ આપી છે તે આજના યુવાનોમાં સમજણ પ્રગટાવી પથદર્શક બની રહે તેવી છે.

૧. સામર્થ્યવાન હોવા છતાં જે ઉદ્યમ ન કરે તે મૂર્ખ છે ઃ જેનામાં પ્રવૃત્તિ કરવા માટેની શક્તિ હોય, છતાં નોકરી, ધંધો કરી કુટુંબ માટે આર્થિક ઉપાર્જન કર્યા વગર આળસુ બનીને બેસી રહે તે મૂરખ છે.

૨. જુગાર રમીને ધનની આશા રાખનાર મૂર્ખ છે. વગર પરસેવે રાતોરાત શ્રીમંત થઈ જવાની ઘેલછામાં માણસ હોય એ મૂકી, ઘરબાર ગુમાવી રાતોરાત રસ્તા પર આવી જાય છે.

૩. વૃદ્ધ થયા પછી પૈસાના જોરે યુવાન કન્યાને પરણનાર મૂર્ખ છે. ઘરડો ધૂવડ જેવો પુરુષ કાગડાની જેમ દહીંથરું લઈ આવે ત્યારે કહેવાય છે કે ‘મિયાં થાય ઘોર જોગ ત્યારે બીબી થાય ઘરજોગ.’ નવયુવાન કન્યાના સંસારજીવનનાં સ્વપ્નાં રોળી નાખનાર મૂર્ખ છે. એની એક કહેવત છે ‘બુઢ્ઢાને બાયડી પરણાવવી, એટલે મડાંને મીંઢળ બાંધવું.’ માટે તો કહેવાય છે ઃ

પંથવર હાડ ભાંગે
બીજવર લાડ લડાવે
ત્રીજવર કલ્લી સાંકળાં
ચોથ વર મરણ લાકડાં

આમ વિના કારણ કન્યાનો ભવ બગાડનાર મૂર્ખ છે.

૪. વેશ્યા-નગરવઘૂ કોઈની નારી નથી. વેશ્યાના વચન પર વિશ્વાસ કરનાર મૂર્ખ છે. વેશ્યાના વચનમાં ભોળવાઈને પોતાનો સંસાર, પત્ની, પુત્ર અને કીર્તિને જોખમમાં મૂકે છે તે મૂર્ખ છે. વેશ્યા-ધનની દાસ હોવાથી તેની પ્રેમસરવાણી સુકાઈ જતાં વાર લાગતી નથી. એટલે તો કહ્યું છે ઃ

છાસિઈ કેરું આફરું દાબી કેરું નેહ;
કમ્બલ કેરું મોણિઉ, ખિસત ન લાગઈ ખેવ.

અર્થાત્‌ ઃ છાશનાં ફીણ, વેશ્યાનો પ્રેમ અને માથે બાંધેલું ઊનનું ફાળિયું એને ઊતરી જતાં જરાયે વાર લાગતી નથી.

૫. ચંચળ બની ગયેલી નારીનો પતિ એદેખો બને તે પણ મૂર્ખ છે. નારી પોતાની આપહુંશિયારીથી નામના મેળવે કે જાહેર જીવનમાં નિરંકુશ ભાગ લે ત્યારે તેના જાહેર જીવનના સંબંધો માટે વહેમાયા કરે, તેના અંગે અનેક સાચી ખોટી અફવાઓ સાંભળી દુખી થાય તે પણ મૂર્ખ છે. કારણ પોતે આપેલી છૂટ માટે પોતે જ જવાબદાર છે.

૬. સમર્થ શત્રુ હયાત હોવા છતાં તેના તરફ જે શંકા ન લાવે અથવા તેનો ભય ન રાખે તે મૂર્ખ છે. પ્રબળ શત્રુનું વેર માથે ગાજતું હોય, પણ તેની ચંિતા કર્યા વિના નિરાંતે જીવે તે પણ એક મૂર્ખ છે. આગ અને શત્રુને ઉગતા જ ડામવામાં ડહાપણ છે.

૭. પુત્રને સઘળું ધન સોંપી દઈ મોટી ઉંમરે નિઃસહાય બનનાર પણ મૂર્ખ છે. પોતાની માલમિલકત પુત્રના હાથમાં સોંપી દઈ પરવશ, દીન અને દયાપાત્ર બનનાર માબાપને દીકરા-વહુનો ઓશિયાળો રોટલો ખાવાનો વારો આવે છે. આમ હાથે કરીને પગ ઉપર કુહાલો મારનાર પણ મૂર્ખ છે.

૮. પત્ની સાથે ઝઘડા કરી બીજી બૈરીને શોક્યરૂપે લાવનાર પણ મૂર્ખ છે. ઘરમાં બે વાસણ ખખડેય ખરાં. પત્ની સાથે ઝઘડાય થાય, આમ કુટુંબક્લેશ થવાથી તેની સામે શોક્યનું સાલ ઊભું કરનાર પતિ મૂરખનો સરદાર ગણાય છે. ‘શોક્યનો સાહ્યબો’ પહેલાં તો ઉમંગભેર ઘરસંસાર ચલાવવા ઝંખી રહે છે. પછી તો ઘંટીના બે પડની વચ્ચે આવેલા અનાજનો દાણો આખો રહે તો બે નારીનો ભરથાર સુખેથી રહી શકે.

૯. માગણિયાતોના મુખેથી વચનો અને વખાણ સાંભળી ફૂલાઈને ફાળકો થઈ ખોબા મોઢે ધન આપનાર મૂર્ખ છે. ખુશામતિયાઓના મોઢે પોતાના વખાણ સાંભળી મોટાઈ માનનાર મૂર્ખમાં ખપે છે.

૧૦. શરીર નીરોગી અને તંદુરસ્ત હોવા છતાં વૈદ્યના ઉપચારો શોધનાર મૂર્ખ છે. કોઈ જાતની માંદગી કે રોગ વગર જાતજાતનાં ઓસડવેસડનું સેવન કરી શરીરના સંચામાં ઓસડિયાંનો કચરો નાખવો હિતાવહ ન ગણાય. કુદરતી શક્તિ હોય છતાં કૃત્રિમ શક્તિ મેળવવા ‘વાયગ્રા’ ખાનાર પણ મૂર્ખ ગણાય છે.

૧૧. સગાસ્નેહીઓને લોભને કારણે છોડી દેનાર મૂર્ખ છે. માણસ સૂમ કહેતા અતિ લોભી હોય, સસ્તો લોટ મળતો હોય તો લેવા છેક લંકા લગી જાય, આંગણે આવેલો અતિથિ કે સ્વજન એને અળખામણો લાગવા માંડે, અંગત ખર્ચ સિવાય બીજો કોઈ ખર્ચ ખમાતો ન હોય તે મૂર્ખમાં ખપે છે. ખરેખર તો આફત અને ભીડમાં અંગત સ્વજનો જ કામમાં આવતાં હોય છે.

૧૨. લાભ લેવાનો અવસર આવે ત્યારે સમય ચૂકી જનાર મૂર્ખ છે. જ્યારે જીવનમાં લાભ લેવાનું સારું ચોઘડિયું આવ્યું હોય ત્યારે મુહૂરત જોવામાં સમય ચૂકી જાય, લક્ષ્મી સામે ચાલીને ચાંલ્લો કરવા આવે ત્યારે મોઢું ધોવા જનાર પણ મૂર્ખ જ મનાય છે.

૧૩. આંગણે સુખ અને સમદ્ધિ આવે ત્યારે પોતાના જૂના દુખ અને ગરીબાઈને ભૂલી જનાર માણસ મૂર્ખ ગણાય છે. સુખના દિવસો આવતાં સમૃદ્ધિના નશામાં માણસમાં અનેક અપલક્ષણો પ્રવેશે છે. તેને ખબર નથી રહેતી કે સુખદુખની ઘટમાળ તો જીવનમાં ચાલતી જ રહેવાની છે. પૂર્વે વેેેઠેલા કષ્ટો અને વિતકોની વાત માણસ વીસરી જાય છે. અસાવધાનીમાં પૂર્વવત્‌ સ્થિતિ આવી પડવાનો ભય રહે છે.

૧૪. સુવર્ણસિદ્ધિ માટે ધન બાળી નાખનાર મૂર્ખ છે. હલકી ધાતુમાંથી સોનું બનાવવાની કીમિયાગરીમાં પોતાના ઘરનું જે દ્રવ્ય હોય તે ખર્ચી નાખનાર મૂર્ખ ગણાય છે. આવો મૂરખો ખોટ અને દેવાના ખાડામાં ડૂબી જાય છે.

૧૫. પરીક્ષા કરવા ઝેર ચાખનાર મૂર્ખ ગણાય છે. કહેવતમાં કીઘું છે કે ‘ઝેરના પારખાં ન કરાય’. છતાં કુતૂહલ ખાતર કે પ્રયોગ કરવા ઝેર ચાખી જીવનને હોડમાં મૂકનાર માણસની ગણતરી મૂરખામાં થાય છે.

૧૬. દુઃખ આવે ત્યારે જેની તેની આગળ દીનતા અને દુઃખનાં રોદણાં રોનાર મૂરખ છે. સુખ-સમૃદ્ધિમાં આળોટનાર દેવાળું કાઢે ને આપત્તિમાં કે દરિદ્રાવસ્થામાં આવી જાય ત્યારે જેની તેની આગળ પોતાનાં દુઃખના ગાણા ગાનાર મૂર્ખ ગણાય છે. એનાથી સમાજમાં એની બદનામી થાય છે. તે હલકો પડે છે. ભર્તૃહરિએ આ સંબંધમાં ચાતકને ઉદ્દેશીને આ અન્યોક્તિ કહી છે ઃ ‘જે તારું દુઃખ દૂર કરી શકે તેમ જણાય, તેની આગળ જ તારે તારા મનની વાત ખોલવી. બીજાની આગળ આજીજી કર્યે કશું વળવાનું નથી.’

૧૭. પોતાની મેળે પોતાની મોટાઈ માની લઈ અક્કડ રહેનાર મૂર્ખ છે. બુદ્ધિ, હોંશિયારી કે ચતુરાઈ વગરનો માણસ પોતાની મેળે પોતાની મોટાઈ માની લઈ જાતે ને જાતે સમાજનો આગેવાન કહેવરાવે અને ફૂલણ થઈને ફરે એવો કૂવાના દેડકા જેવો માણસ મૂર્ખ ગણાય છે.

૧૮. બળિયા હરીફ કે શત્રુ સાથે બાથ ભીડી નિરાંતે સૂઈ જનારો મૂરખ ગણાય છે. બળવાન શત્રુ ઊભો કરી એના પરાજય માટે પ્રયત્ન કરવાને બદલે, એના ઉપાયો કરવાને બદલે નિરાંતે સૂઈ જનારો માણસ માર ખાઈને મૂર્ખ બને છે.

૧૯. પોતાની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં ધનિક હોવાનો આડંબર અને દેખાડો કરનાર મહામૂર્ખમાં ખપે છે. આઠ આનાની આવક અને રૂપિયાનો ખર્ચ હોય, ખિસ્સું ખાલી ને ભપકા ભારે હોય. ‘ખાલી ચણો વાગે ઘણો’ની જેમ ગાજનાર મૂર્ખ જ કહેવાય છે.

૨૦. મશ્કરી કરી કોઈનાં મર્મસ્થાનને પીડનાર મૂર્ખ છે. હસવામાં અને મજાકમા મશ્કરીમાં કોઈનું અહં ઘવાય તે સ્થિતિનું નિર્માણ કરનાર મૂર્ખ ગણાય છે. કારણ કે, સામો માણસ મશ્કરી ખમી શકે એવો હોય તો ઠીક છે, નહી ંતો ‘હસવામાં ખસવું થઈ જાય.’

૨૧. નસીબમાં હશે તો મળવાનું જ છે એમ માની પુરુષાર્થ છોડી દેનાર મૂર્ખ છે. વિધાત્રીએ સુખસાહ્યબી લખી હશે તો મળવાની જ છે, એવું માની દૈવ ઉપર આધાર રાખી જે માણસ પુરુષાર્થ નથી કરતો તે મૂરખમાં ખપે છે. ‘મનુષ્યયત્ન અને ઇશ્વરકૃપા’ એમ ગણી દરેકે ઉદ્યમ તો કરવો જ જોઈએ.

૨૨. ગરીબ હોવા છતાં મોટા મેળાવડા કરવાનો શોખ રાખનાર પણ મૂર્ખ છે. પોતે સામાન્ય સ્થિતિનો હોય, કુટુંબની જવાબદારીઓ માથે ગાજતી હોય છતાં એનો વિચાર કર્યા વગર મિજલસો અને ઉજાણીઓ કરનાર આવી ઉજાણીઓમાં જવાનો શોખ રાખનાર અને ઉંચા ગણાતા લોકોમાં હળવામળવામાં માથું મારનાર માણસ મૂર્ખ ગણાય છે.

૨૩. ગળું ગધેડા જેવું હોવા છતાં સંગીત શીખનાર કે ગીતો ગાવા બેસી જનાર મૂર્ખ છે. પોતાનો અવાજ ખોખરો, બેસૂરો અને કર્કશ હોવા છતાં ‘ના, હું તો ગાઈશ જ’ કહી ગાવાની ઇચ્છા રાખનાર મૂર્ખ છે.

૨૪. પોતાની સ્ત્રીની બીકથી શાસ્ત્રોમાં નિષેધ કરેલું કરવાની ઇચ્છા રાખનાર મૂર્ખ છે. પત્ની કંઈ અયોગ્ય કરવા કહે તો પણ શાસ્ત્રમાં નિષેધ હોય તેવું કામ ન કરાય. સહધર્મચારિણીને સંસાર ચલાવવામાં સાથે રાખી સારાં કામો કરવાં જોઈએ. અવળાં કામો કરનાર મૂર્ખ ગણાય છે.

૨૫. જેને સમાજમાં બદનામી મળી હોય, જેના દોષ જગત આખું જાણતું હોય તેનાં વખાણ કરનાર મૂર્ખ છે.

૨૬. દમ, ખાંસીનો દર્દી હોય ને ચોરી કરવા નીકળે તે મૂરખ છે. ચોરી જેવું કામ રાતવરતના છાનેછપને કરવાનું હોય, તદ્દન ચૂપકીથી કરવાનું હોય. ચોરી કરવા ઘરમાં જાય ને ઉધરસનું ઠસકું આવે તો ઘરધણી જાગી જાય ને હાડકાં ખોખરાં કરી નાખે. એટલે ખાંસીનો રોગી હોવા છતાં ચોરીમાં આસક્ત રહેનાર મૂર્ખ છે.

૨૭. વેશ્યાનો ધંધો ચલાવનાર અંદરોઅંદર કજિયા કરે તે મૂર્ખ છે. વેશ્યાનો ધંધો અતિશય નંિદ્ય છે. છતાં તે ધંધા પર જીવનાર પરસ્પર કજિયા કરે ત્યારે સમાજમાં ઉઘાડા પડી જાય તે મૂર્ખ છે.

૨૮. લોકવ્યવહારને જે ન જાણે, ન સમજે તે મૂર્ખ છે.

૨૯. તમામ ઉપર વિશ્વાસ કરનાર મૂર્ખ છે.

૩૦. છાની રાખવા જેવી બાબત લોકોમાં જાહેર કરી દેનાર મૂરખ છે.

૩૧. ભિખારી હોય અને ગરમ ગરમ ખાવાનો શોખીન હોય તે મૂર્ખ છે.

આવા મૂરખાઓની સોબતથી દૂર રહેવા ડાહ્યા માણસોએ જણાવ્યું છે. હળાહળ ઝેર પીવું સારું પણ મૂરખા ભેગું રહેવું નહી ઃ
સંિહન કે બનમેં બસિયે, જલમેં ધૂસિયે કર મેં બિછુ લિજે, કાનખજૂરે કો કાનમાં ડર કર, સાપન મુખ અંગુર દીજે,
ભૂત પિશાચન મેં બસિયે, ઔર ઝહર હલાહલ ઘોલ કે પીજે, જો જગ ચાહે જીતે રધુનંદન, મૂરખ મિત્ર કબૂ ન કીજે

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!