3. મુરાદેવી – ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન

એ મહાન સમારંભ ઘણા જ ઠાઠમાઠથી પાટલિપુત્રની પાસે આવી પહોંચતાં જ લોકોના મુખમાંથી આનંદના ઉદ્દગારો એટલા તો જોરથી નીકળવા લાગ્યા કે, સમસ્ત નગરમાં સર્વત્ર માત્ર આનંદના ઘોષની જ ગર્જના થતી જોવામાં આવી. રાજા વિશે પ્રજાનું મન તેનાં કેટલાંક કુકૃત્યોને લીધે ગમે તેટલું કલુષિત થએલું હોય, તો પણ મોટા મોટા ઉત્સવોના પ્રસંગે આવતાં પ્રજાજનો રાજાવિશેના તે પોતાના દુરાગ્રહને સર્વથા ભૂલી જાય છે અને તે ઉત્સવના આનંદમાં તલ્લીન બની જાય છે. મનુષ્ય માત્ર ઉત્સવને ચાહનાર હોય છે અને તેમાં પણ જે હાલના જેવો કોઈ મહોત્સવ હોય, તો તો પૂછવું જ નહિ. ધનાનન્દના સેનાપતિએ હરાવેલા એક દૂરના રાજાની એક રૂપગુણસંપન્ન કન્યાથી વિવાહ સંબંધ સાંધી, પોતાની તે નવવધૂને સાથે લઈ નગરપ્રવેશ કરતા પોતાના યુવરાજને આદર આપવા માટે થનારા મહોત્સવ કરતાં સાધારણ જનસમાજને વિશેષ આનંદ આપનાર એવો બીજો કયો મહોત્સવ હોઈ શકે વારુ ?

રાજાવિશેનો પોતાનો દુરાગ્રહ તો શું, પરંતુ સર્વજનો પોતાના શત્રુ સંબંધી દુરાગ્રહને પણ એ વેળાએ વિસરી ગએલા હોવા જોઇએ, એવો સ્પષ્ટ ભાસ થતો હતો. સમસ્ત જનોનાં નેત્ર અને કર્ણ કેવળ યુવરાજના સ્વાગત સમારંભમાં જ લાગી રહેલાં હતાં. માર્ગમાં ભીડ એટલી બધી થએલી હતી કે, બીજું કોઇ મનુષ્ય પ્રાણી તો શું, પણ એક કીટિકા પણ તેમાં પ્રવેશ કરી શકશે કે નહિ, એની પણ શંકા હતી. એ રાજ્યમાં-નિદાન એ નગરીમાં તો એ વેળાએ એવું એક પણ મનુષ્ય નહિ હોય કે, જેના મનમાં એ મહોત્સવથી આનંદ થયો નહિ હોય. જે જે માર્ગમાંથી તે યુવરાજ સમારંભપૂર્વક જવાનો હતો, તે તે માર્ગમાં બન્ને બાજુએ પ્રેક્ષકોની અત્યંત ભીડ તો થએલી જ હતી, પરંતુ ચગદાઈ જવા માટે એ ભીડમાં ન આવતાં પોતપોતાના ઘરનાં છાપરાં ઉપર અને ઘરની બારીઓમાં ઊભેલી પાટલિપુત્રની સર્વાંગસુંદર સુંદરીઓનાં સુંદર આંખો અને સુંદર હસ્તાંજલિઓ યુવરાજના અંગપર કટાક્ષોની અને કુસુમની વૃષ્ટિ કરવા માટે અત્યંત ઉત્સુક થએલી દેખાતી હતી. વચવચમાંથી નજરચૂકને લીધે કોઇ સુંદરીના હાથમાંનું પુષ્પ નીચે એકઠા થએલા લોકોમાંના કોઇના શરીરપર પડતાં તે અતિશય હર્ષિત થઇને ઉપર નજર કરતો હતો અને તેની પાસે ઉભેલો તેનો મિત્રસમાજ વિનોદથી તેને યુવરાજની પદવી આપીને ધન્ય ધન્યની વૃષ્ટિ વર્ષાવતો હતો અને જે સુંદરીના હસ્તમાંથી તે સુમન પડેલું હોય, તે સુંદરીને તે વારંવાર જોયા કરતો હતો, અર્થાત્ તે લજજાવતી લલના લજિજત થઈને લપાઈ જતી હતી. સારાંશ કે જ્યાં દૃષ્ટિ પડે ત્યાં એ દિવસે એક હર્ષ, હર્ષ ને હર્ષવિના બીજો કોઇ પણ વિષય દૃષ્ટિગોચર થતો ન હતો. પાટલિપુત્રના માર્ગોમાં વિનોદના અનેક પ્રકારો ચાલૂ હતા – શોકને તો હાલ તરત થોડા વખતને માટે ખાસ દેશવટો જ આપવામાં આવ્યો હતો – સર્વત્ર આનંદની જ છાયા પ્રસરેલી હતી.

સમારંભ પાટલિપુત્રને સીમાડે આવ્યો. ત્યાં આવતાં જ સર્વ વાદ્યોનો અધિક ઘોષ થવા માંડ્યો. અમુક એક પ્રકારના વાદ્યની એમાં ન્યૂનતા હતી, એમ તો હતું જ નહિ. યશોદુંદુભિ અને ભેરીએ સમારંભના મુખ ભાગને ગર્જાવી મૂક્યો હતો. એકનો શબ્દ બીજા મનુષ્યના સાંભળવામાં આવતો નહોતો. સમારંભે સીમામાં પ્રવેશ કરતાં જ યુવરાજે અને નવવધૂએ નગરપ્રવેશ કરવા પહેલાં વાદ્યોનો જે જયધોષ થયો, તે ઘોષની સાથે જ પાપી જનોની દૃષ્ટિથી વધૂવરનું રક્ષણ થવા માટે કેટલાંક પાડા આદિ પશુઓનાં બળિદાન આપવામાં આવ્યાં, અને તેમના રક્તનો પ્રવાહ નગરનાં દ્વાર પાસેથી વહી નીકળ્યો. યુવરાજ અને તેની અર્ધાંગનાનો નગરમાં પ્રવેશ થયા પછી, તે સમારંભ રાજમાર્ગમાં એક સરખો પરંતુ ધીમે ધીમે રાજમહાલયની દિશામાં આગળ વધવા લાગ્યો. એ વેળાએ બન્ને બાજૂએ આવેલાં પોતપોતાનાં ગૃહની બારીઓમાં ઊભેલી યુવતીઓનાં નેત્રકટાક્ષો, પુષ્પ અને લજજાની તે વધૂવરના શરીરપર એક સરખી વૃષ્ટિ થતી ચાલી હતી. એમાંનાં કેટલાંક પુષ્પ પુષ્પાંજલિ નાખનારી નારીઓનાં આનંદાશ્રુથી ભીંજાયેલાં પણ પડતાં હતાં. પુષ્પાંજલિ સાથે કેટલીક તરુણીઓનાં મુખમાંથી નીકળતા ધન્યોદ્ગાર અને પ્રૌઢાઓનાં મુખમાંથી નીકળતાં આશીર્વચનો પણ તે વધૂવરના કર્ણદ્વારમાં પ્રવેશ કરતાં હતાં. એવી મહતી ધામધૂમથી તે સમારંભ રાજદ્રારપર્યન્ત આવી લાગ્યો, અને ત્યાં જાણે આનંદના સમગ્ર માર્ગોનું સંમેલન થએલું હોયની, તેવી રીતે નાનાપ્રકારથી રાજપુત્રનાં અભિનંદનોનો પ્રારંભ કરવામાં આવ્યો.

એ સર્વ આનંદનો મહેાત્સવ ચાલતો હતો અને નાનાથી મોટાં સર્વે સ્ત્રીપુરુષો અનન્ય ચિત્તે રાજપુત્રનો સત્કાર કરતાં હતાં, એ ખરું; પરંતુ પ્રત્યેક નિયમનો એક અપવાદ તો હોય છે જ, એ નિયમ પ્રમાણે એ નિયમનો પણ એક અપવાદ હતો. રાજમંદિરમાં રહેતી એક રમણી માત્ર આનંદ–અશ્રુને સ્થાને દુ:ખનાં અશ્રુ ગાળતી હતી. કદાચિત્ એમ પણ કહી શકાય ખરું કે, એ દુ:ખાયુમાં થોડો ઘણો ક્રોધનો પણ અંશ હતો. અંત:પુરમાંની નાની મોટી સર્વ સ્ત્રીઓ ઉત્સવને ઊજવવા માટે અંતઃપુરના અગ્ર ભાગમાં આવી સમારંભ નિહાળી આનંદનો ઉપભેાગ લેતી હતી. પરંતુ એ એક જ અબળા અંતઃપુરના પોતાના એકાંત નિવાસસ્થાનમાંના એક ખૂણામાં બેસી ડુસકે ડુસકે રડીને શોક કરતી હતી. તેના મનનું સમાધાન કરવાને માત્ર એક પ્રૌઢ વયની દાસી તેની પાસે બેઠેલી હતી. તે તેના ચિત્તને શાંત કરવાનો પ્રયત્ન કરતી હતી અને આનો શોક વધારે ને વધારે વધતો ચાલ્યો હતો. એ શોકનું કારણ શું હશે ? સમસ્ત પુષ્પપુરીમાં મનુષ્ય માત્ર યુવરાજના વિવાહ માટે આનંદોત્સવ કરતાં હતાં અને એ એકલી જ અબળા એટલા બધા વિલક્ષણ શોકમાં શા માટે પડેલી હશે ? એવો જિજ્ઞાસાયુક્ત પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણા હૃદયમાં ઉદ્દભવવાનો સંભવ છે. આખું નગર એક બાજૂ અને એ એક જ અબળા બીજી બાજૂ, એવી એ વિલક્ષણ સ્થિતિ થવાનું ખરેખર કોઈ પણ મહાન બલવાન કારણ હોવું જોઇએ, એ ખુલ્લું જ છે. એ સુંદરીના એ વેળાના શોકોદ્ગાર અને તેના મનનું સમાધાન કરનારી બીજી પ્રૌઢા નારીનું ભાષણ જો આપણે સાંભળીશું, તો એ કારણને સહજમાં જ સમજી શકીશું. શોક કરનારી સુંદર સ્ત્રી શુમારે ત્રીસ પાંત્રીસ વર્ષની હશે, તે ઘણી જ સ્વરૂપવતી હતી, એ તો સ્પષ્ટ જ દેખાતું હતું. બીજા સર્વ જનોએ મહોત્સવના પ્રસંગને ઉચિત એવાં વસ્ત્રો પરિધાન કરેલાં હતાં, પરંતુ એ પ્રમદાએ તે માત્ર એક જ શ્વેત વસ્ત્રથી પોતાના શરીરને આચ્છાદિત કરેલું હતું. એના કેશો છૂટા થઈ ગયા હતા, અને તેમાંના કેટલાક નેત્રો પર, કેટલાક કંધ ભાગે અને બાકીના સર્વે પૃષ્ઠ ભાગે એવી રીતે અસ્તવ્યસ્ત સ્થિતિમાં પડેલા હતા. શોકની આકુલતાથી અનેકવાર ભૂમિપર માથું પછાડેલું હોવાથી તેનો કપાલપ્રદેશ ધૂળથી ભરાઈ ગએલો દેખાતો હતો. બીજી સ્ત્રીએ તેની એવી સ્થિતિ જોઇને કાંઈક શાંતિકારક શબ્દનો ઉચ્ચાર કર્યો. તે સાંભળીને ક્રોધિષ્ટ કામિની તેને કહેવા લાગી કે:–

“વૃંદમાલે! તું કરે છે તે સમાધાન ઠીક છે; પણ જે મહોત્સવ મારા પુત્ર માટે થવો જોઈએ, તે બીજીના પુત્ર માટે થએલો જોઇને મારા અંતઃકરણની કેવી સ્થિતિ થઈ હશે, એની કલ્પના તને તે ક્યાંથી હોઇ શકે વારુ? હું રાજકન્યા છતાં આ અંત:પુરમાં મારી દાસીની પણ દાસી જેવી દશા કરી નાખવામાં આવી છે. હું કિરાત રાજાની રાજપુત્રી, મારા પિતાનાં રાજ્ય પર આક્રમણ કરીને સેનાપતિએ મારું હરણ કર્યું અને મને રાજાનાં ચરણમાં અર્પણ કરી. રાજાએ મારી સાથે ગાંધર્વવિવાહ કર્યો અને મેં એક પુત્રને જન્મ આપ્યો. એ સમસ્ત પ્રકાર થઈ ગયા પછી કેવળ દ્વેષથી જ બીજી રાજરાણીઓએ મારા માટે કુભાંડ રચીને મને વૃષલી ઠરાવી, અને મારા પુત્રને યુવરાજપદ અપાવવાનો હું પ્રયત્ન કરીશ, એમ જાણી તેના જન્મ વિશે નવી નવી શંકાઓ ઉઠાવી તે શંખીનીએાએ અંતે મારા પુત્રનો ઘાત કરાવ્યો. એ બનાવને વર્ષો થઈ ગયાં છતાં પણ હું ભૂલી શકી નથી. મારા અંતઃકરણમાં મેં જે વૈરાગ્નિને ભડકેલો જ રાખ્યો છે, તે આવી વેળાએ પોતાની જ્વાળાને બહાર કાઢે, તો તેમાં આશ્ચર્ય જેવું કાંઈ પણ નથી. મને વૃષલીના નામથી બોલાવનારી પોતાના પુત્રને યુવરાજપદવી અપાવીને મહોત્સવથી આજે મલકાય અને મારા જેવી એક સત્ય અધિકારિણી ધૂળમાં રગદોળાય? મારાથી બીજું શું થઈ શકે એમ હતું? મારા પિતા મૌર્યવંશીય કિરાત રાજા ત્યાંથી યવનોએ અને અહીંથી હિરણ્યગુપ્ત છળ કરવાથી તે સેનાપતિને શરણે આવ્યા. એનો લાભ લઈ મારું હરણ કરીને મને વૃષલી અને મારા પુત્રને વૃષલીપુત્ર નામ આપ્યું ! એટલું જ નહિ પણ તેના જન્મ વિશે અસત્ય શંકાઓ કાઢીને મારા નામ અને કુળને કલંક લગાવ્યો !! મારા સંતાન અને મારો વિયોગ કરાવીને તે નિર્દોષ બાળકનો દુષ્ટોએ ઘાત કરાવ્યો ! વૃંદમાલે, એ સઘળા હૃદયને ફાડી નાખનારા બનાવોની મારા ચિત્તમાંથી વિસ્મૃતિ થશે ? ના. જો મારા હૃદયને જ બહાર કાઢી તોડી ફોડી બાળીને ખાક કરી દેવામાં આવે, તો કદાચિત્ એનું વિસ્મરણ થાય તો થાય. બાકી જ્યાં સુધી આ હૃદયનું અસ્તિત્ત્વ છે, ત્યાં સુધી તો કોઈ કાળે પણ હું એ બનાવોને ભૂલી શકનાર નથી જ !!!”

એમ બોલીને એ સ્ત્રી વિશેષ અને વિશેષ શોક કરવા લાગી અને કોપના આવેશમાં રાજાને અને યુવરાજને અશુભ શાપ પણ આપવા લાગી. તેથી તે બીજી સ્ત્રી વારંવાર તેના મનનું સમાધાન કરતી તેને કહેવા લાગી કે “દેવી! તું કહે છે, તે બધી વાત ખરી. પરંતુ થોડો વિચાર કર. આજના આ તારા કોપની વાત જો કોઇ રાજાને જઈને કહી સંભળાવે, તો પ્રસંગ કેવો વિકટ આવે ? તારા ઉપર કેટલો બધો અત્યાચાર થાય વારુ? કાંઇક વિચાર કર. રાજાના મનમાં કાંઈ પણ ઊંધું ચતું આવશે, તો પહેલાં પ્રમાણે પાછો તે તને કારાગૃહમાં મોકલાવશે અને દુઃખોની વૃષ્ટિ વર્ષાવશે, આ મહોત્સવ પ્રસંગે જો તું તારા મનોવિકારને દબાવી નહિ રાખે અને આ વાત રાજાના સાંભળવામાં આવશે, તો ખરેખર રાજા તને ક્ષણમાત્ર પણ ક્ષમા કરનાર નથી. રાજાની કૃપા અને અવકૃપા માત્ર યત્કિંચિત્ કારણોપર જ આધાર રાખે છે. કૃપા થવાને જેમ કોઈપણ જેવું તેવું કારણ પૂર્ણ થાય છે, તેમ જ અવકૃપા માટે પણ તેટલું જ કારણ જોઈએ છે. વળી તારું ભૂંડું ચાહનારા પણ કાંઈ થોડા નથી ! આજ પળે તારા માટે ચાડી ચુગલી તો ચાલતી જ હશે. આ વેળાએ રાજાની પુનઃ તારા પર ઈતરાજી કરાવવા માટે – “મુરાદેવી મહોત્સવમાં નથી. તે એક ખૂણામાં બેસીને આ મંગલ સમયે અમંગલસૂચક રોદન કર્યા કરે છે.” એવી રીતે તેના કાનોમાં વિષ રેડીને તારા શિરે કાંઈક પણ સંકટનું વાદળ લાવવાનો તેમનો પ્રયત્ન ચાલતો જ હશે. માટે તું આમ ન કર. જે બનાવ બની ગયો, તેને માટે વૃથા શોક કરવાથી શો લાભ થવાનો છે? એથી લાભ કાંઈપણ ન થતાં વિરુદ્ધ પક્ષે વિનાકારણ તારી કાંઈક પણ ભયંકર હાનિ જ થવાની. સાંભળ–આમ ન કરતાં તું મારી સાથે ચાલ અને બીજી સર્વ સ્ત્રીઓ બેઠેલી છે ત્યાં જઈને બેસ. આવા શુભ સમયે માત્ર આપણે જ સર્વના આનંદમાં વિઘ્ન નાખીએ છીએ, એવો આરોપ વિના કારણ પોતાના શિરે શા માટે લઈ લેવો જોઈએ?”

પરંતુ વૃંદમાલાનું એ ભાષણ મુરાદેવીને બિલ્કુલ ગમ્યું નહિ. તે તો એથી વળી વિશેષ સંતાપ પામીને વૃંદમાલાને ઉદેશીને બોલી કે “તું આ શું કહે છે? મારા શિરે એવો તે હવે અશુભ પ્રસંગ શો આવવાનો છે? સર્વથી વધારે અશુભ પ્રસંગ મરણનો કહેવાય છે, તે પણ જો આવે તો તેની પણ મને જરાય ભીતિ નથી. મારી અપકીર્તિનો પ્રસંગ આવ્યો અને મારા પુત્રનો ઘાત થયો, ત્યારથી તે આજ સુધીમાં એવો એક પણ દિવસ ગયો નથી, કે તે પ્રસંગની સ્મૃતિ મને ન થઈ હોય અને મારું અંત:કરણ ચીરાઈ ગયું ન હોય ! અને હવે તેથી વિશેષ અશુભ પ્રસંગ તે શો આવવાનો હતો? જો મરણ આવે, તો પણ સારું કે આ ચિંતામાંથી મારી સદાને માટે મુક્તિ થઈ જાય. જીવતાં રહીને દુઃખ ભોગવવા કરતાં મરણનું એક વેળાનું દુ:ખ વધારે સારું. તેમને કહે કે, મારો વધ કરે અથવા તો મને શૂળીએ ચઢાવે – જા – રાજાને બીજા કોઈએ મારી આજની સ્થિતિના સમાચાર ન આપ્યા હોય, તો તું આપી આવ. જા – મને એથી કાંઈપણ માઠું લાગનાર નથી. હું તો મરણને બોલાવતી જ બેઠી છું, પણ તે પીટ્યું આવતું જ નથી. મારાથી બ્‍હીને તે તો દૂર દૂર જ ન્હાસતું ફરે છે.”

મુરાદેવીનાં એ વચનો સાંભળીને વૃંદમાલા તો સ્તબ્ધ જ બની ગઈ. હવે શું બોલાવું એ તેને સૂઝ્યું નહિ. મુરાદેવીના શાપ, કોપ અને સંતાપને વ્યાપાર જેવો ને તેવો જ ચાલુ હતો. “મારા પુત્રને મારા શત્રુઓએ ઘાત કર્યો – તેમ જો થયું ન હોત, તો આજે તે સોળ સત્તર વર્ષનો થયો હોત અને મારાપર જે આરોપ કરાયો હતો, તે જો ન કરાત, તો આજે હું પટ્ટરાણી થવાને ભાગ્યશાલિની થઈ હોત – મારો જ પુત્ર યુવરાજ થયો હોત. એ સર્વ સુખની આશાઓ સ્વપ્નવત્ થઈ ગઈ અને આજે આ અસહ્ય દુ:ખદ દશામાં હું આવી પડી.” ઈત્યાદિ અનેક વિચારો તેના મનમાં આવતાં તેને અનુસરતા ઉદ્‍ગારો પણ તેના મુખમાંથી બહાર નીકળતા હતા. એવી સ્થિતિમાં કોઈ પણ તેના મનનું સમાધાન શું કરી શકે? તેને તેની ઈચ્છા અનુસાર શોક કરતી બેસી રહેવા દેવી, એ જ તેને માટે કદાચિત્ મહાન્ સમાધાન થઈ શકે એ શક્ય હતું. અંતે એ જ વિચાર કરીને વૃંદમાલા પોતાની સ્વામિની સમક્ષ સ્વસ્થ થઈને બેસી રહી.

શોક કરતી મુરાદેવી વૃંદમાલાને અનુલક્ષીને એકાએક બોલી ઊઠી, “વૃંદમાલે ! બનવાની હતી તે વાત બની ગઈ હું આજ દિવસ સુધી સ્વસ્થતા ધારીને બેસી રહી, એ મેં મહામૂર્ખતા કરી છે. પણ હવે પછી એવી રીતે હું સ્વસ્થ થઈને બેસવાની નથી. જેને આજે આટલા બધા સમારંભથી યુવરાજની પદવી આપવામાં આવે છે, તેને હું આ પાટલિપુત્રના રાજ્યનો ઉપભેાગ કદાપિ લેવા દેનાર નથી, એ મારો નિશ્ચય થઈ ચૂક્યો છે. જો હું ખરી રાજપુત્રી હોઈશ, તો હવે આકાશપાતાળને એક બનાવીને એના શિરે હજારો સંકટો આણીશ; અને અગત્ય પડશે તો એ રાજપુત્રનો ઘાત પણ કરીશ. હું જ મૂર્ખ કે અત્યાર સુધી મૌન ધારી બેસી રહી. હું રાજાની પ્રીતિ પાછી મેળવીશ – રાજાએ પ્રથમ જ્યારે મારી જોડે વિવાહ સંબંધ કર્યો, તે વેળાએ હું એક અજ્ઞાન અને મુગ્ધા નારી હતી. તે વેળાએ કૃત્રિમતા એટલે શું, એની મને જરા પણ જાણ હતી નહિ; પરંતુ હવે હું તેવી નથી. હવે તો હું નખથી શિખા પર્યન્ત કૃત્રિમતાની મૂર્તિ જ બની ગઈ છું, એમ તારે જાણી લેવું. આટલાં વર્ષ મેં સ્વસ્થતામાં ખેાયાં, એ માટે હવે મને પૂરો ૫શ્ચાત્તાપ થવા લાગ્યો છે. પરંતુ બન્યું તે બન્યું. કિરાત રાજાની કન્યા હું મુરા – જો પુનઃ આર્યપુત્રની કૃપા મેળવીને તેના ચિત્તની સ્વામિની ન થાઉં અને તે પણ એક ચાર મહિનાની અંદર જ – તો તને સાથે લઈને હિમાચલના અરણ્યમાં તારા શમક્ષ અગ્નિકાષ્ટનું ભક્ષણ કરીને મારા પ્રાણની આહુતિ આપીશ, એ વિશે તારે જરા પણ શંકા કરવી નહિ. પરંતુ એ પ્રસંગ આવવાનો નથી. હું મારી પ્રતિજ્ઞા પ્રમાણે અક્ષરે અક્ષર સર્વ કાર્ય કરીશ. આર્યપુત્રનો અનુરાગ પાછો મેળવીશ અને હું ઇચ્છીશ તે તેના હાથે કરાવીશ, એમાં તિલમાત્ર પણ શંકા નથી. રાજરાણીઓમાંની એકના પણ પુત્રને હું રાજ્યાસન ભોગવવા દઈશ નહિ. કિરાત વંશના ધનુર્ધરને અહીં લાવીને મહારાજને હસ્તે તેને જ રાજ્યનો અધિકારી બનાવીશ. જો મહારાજે તેને પોતાના પછી મગધરાજની પદવી આપવામાં કાંઈ પણ આનાકાની કરી, તો તેને પણ સિંહાસન પરથી દૂર કરીને તેને આસનનો અધિકારી બનાવીશ જ.

“મારા શરીરમાં આજે કોઈ દૈવીશક્તિએ સંચાર કરેલો છે, એમ જ તારે સમજવાનું છે. હું પૂર્વે જે મુરાદેવી હતી તે મુરા નથી. મારામાં વૃષલીત્વની સ્થા૫ના કરીને મારો જે છળ કરવામાં આવ્યો છે અને જેમના દ્વેષથી મારા પુત્રનો ઘાત થયો છે, તે સર્વ રાજમહિલાઓને વૃષલી બનાવીશ. તેમને દાસીઓની પણ દાસીઓ બનાવીશ – એના કરતાં વધારે હવે હું કાંઈ પણ બોલી શકતી નથી. ચાલ – તારી સાથે હું આવું છું. મારા શોકને હું છૂપાવી રાખું છું, કોપને દેશનિકાલ કરું છું અને દુ:ખથી મ્લાન થએલા મુખને મંદ સુહાસ્યથી વિલસિત કરું છું. હમણા સુધી વ્યર્થ ગાલિપ્રદાન અને શાપ આપવામાં રોકાયલી જિહ્વાને હું નાના પ્રકારના અભિનંદન પ્રદર્શક નાગરિક ભાષણો કરનારી બનાવી દઈશ. પરંતુ અંત:કરણમાં તો મારો ક્રોધ તેવી જ રીતે જાગૃત રહેવાનો, અને તેમાં રાખવું જોઈએ. તેટલું કપટવિષ ભરી રાખીને જ્યારે તેને બહાર કાઢવાની વેળા આવશે ત્યારે મધુર ભાષણરૂપી અમૃતમાં વીંટાળીને હું બહાર કાઢીશ. હવે પછીની અત્યંત કપટપટુ, સ્વાર્થ વિના બીજા કોઈપણ વિષયમાં જેની દૃષ્ટિ નથી એવી, જેનાં પ્રત્યેક ભાષણ, પ્રત્યેક ચલન, પ્રત્યેક વલન અને પ્રત્યેક વીક્ષણમાં માત્ર સ્વાર્થસાધનની જ ભાવના સમાયલી છે અને પોતાના વૈરીઓના નાશ માટે આર્યપુત્રને મોહજાળમાં ફસાવીને પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેક કાર્ય તેની સહાયતાથી સાધી લેવાને જે ઉદ્યુક્ત થએલી છે, એવી આ મુરાદેવીને તું પોતાની સ્વામિની તરીકે સ્વીકાર કર – મારી કુટિલ નીતિ જો તને ગમતી હોય, તો મારી સેવામાં રહે – નહિ તો બીજી સ્ત્રીઓ પ્રમાણે તું પણ મારી વૈરિણી થા. મારી સેવામાં તું રહી, તો કઈ વેળાએ કયું દુષ્કૃત્ય, અને કયું અનન્વિત કૃત્ય તારે કરવું પડશે, એનો નિયમ રહેવાનો નથી. જો-વિચાર કર.”

એ વાક્ય ઉચ્ચારતી વેળાએ મુરાદેવીની મુખચર્યામાં ખરેખર જ એક પ્રકારનો વિલક્ષણ ફેરફાર થઈ ગએલો દેખાતો હતો. તેની એવી બદલાયલી સ્થિતિને જોઈને વૃંદમાલા પણ ચકિત થઈ ગઈ અને એક ધ્યાનથી તેના મુખને જોઈ રહી. “મંથરાના અંગમાં જેવી રીતે કલિનો સંચાર થયો હતો, તેવી રીતે મુરાદેવીના શરીરમાં પણ ખરેખર તેવી જ કોઈ શક્તિનો સંચાર થએલો છે.” એવો વૃંદમાલાને ભાસ થયો – તેનાથી કાંઈ પણ બોલી શકાયું નહિ.

આગળની વાત હવે પછીના ભાગમાં..

લેખક – નારાયણ વિશનજી ઠક્કુર
આ પોસ્ટ નારાયણજી ઠક્કુરની ઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!