20. મહમ્મદ બીઘરો – રા’ ગંગાજળિયો

“આજે અમદાવાદમાં જે ભાગ રસુલપુરા નામે ઓળખાય છે તે એક સ્વચ્છ, સુગંધમય ગામડું હતું. લોબાનની ખુશબો જેના પાદરમાંથી જ આવવા લાગે એને આંખો મીંચીને રસુલપરૂં કહી શકો. લીલી ને સફેદ ધજાઓ એ ગામનાં ઝાડ પર પંખીના ટોળા જેવી ઊડતી હતી. રસુલપૂરામાં કોલાહલ નહોતો. ગામ પોતે જ જાણે ધ્યાનમગ્ન હતું. તેના એક વિશાળ ચોગાનમાં તે વખતે એક નાનું મકાન હતું. મકાનમાં એક સ્વચ્છ ઓરડો હતો. ઓરડાની અંદર એક સાદું શયન હતું. શયનની જમણી બાજુ એક કુરાનનું પુસ્તક અદબથી રખાયું હતું. સંધ્યાનો લોબાન તાજો સળગાવેલો હતો.

ઓરડો પુરુષનો, પણ પુરુષ નહોતો. ઓરત હતી. ઓરતે પોતાના માથા વાળની લટો જ્યારે પીઠ પરથી આગળ આણી ત્યારે એ સુરમારંગની શ્યામ લટોના છેડા છેક ઓરતના ઘૂંટણ સુધી છવાયા.

આટલા લાંબા વાળને પૂળાની માફક પકડીને ઓરત એ ઓરડાની બદામી ફરસબંધી પર ઝુકી પડી.

એ શું કરવા લાગી? એ શું પાગલી હતી? આવા રેશમી લાંબા કેશકલાપને એ ફરસબંધી પર શા માટે ધસી રહી હતી? કારણકે એ માતા હતી, ને પ્રિયા હતી. ચોટલાનું ઝાડુ કરીને એ ફરસબંધી પર સંજવારી કાઢતી હતી.

કોણહતા એ ભાગ્યવાન ઘરધણી?

દરવેશ હતા, ધર્મપુરુષ હતા. ને ઓલિયા હતા. માલિકના ભિક્ષુકનું ઘર દુનિયાની વધુમાં વધુ કિંમતી સાવરણી વડે સાફ થઇ રહ્યું હતું.

જેનું નામ હઝરત શાહઆલમ હતું, તે દરવેશે ઓચીંતા પ્રવેશ કરીને ચૂપકીદીથી આ દૃશ્ય દીઠું, ઓરતને ઓળખી:-

‘બીબી મુઘલી ! માલિકની ખિદમત માટે બાલનું ઝાડુ કર્યાં આજ કેટલા દિવસ થયા?’

‘આવી છું તેટલા.’ શરમાઇને એ વાળતી રહી.

‘બીબી મુઘલી ! માલિકના હું અહેસાન ગાઇશ. પણ તમે હવે આ ઘર છોડી જાઓ. મારી ઓરત તમારી બહેન બીબી મીરઘી, હવે હયાતીમાંથી ચાલી ગઇ છે. હવે આ ઘરભંગ દરવેશના ઘરમાં તમને વિધવાને હું અદબભેર કેમ કરી રાખી શકું ? તમે તો મર્હુમ સુલતાનનાં સુલતાના છો. પધારો પાદશાહે મહેલમાં.’

ઓરત જેનું નામ બીબી મુઘલી હતું, તેણે તો વાળવું ચાલુ જ રાખ્યું. ફરીથી દરવેશે કહ્યું, ‘સુલતાના, તકીયો છોડી જાવ.’

‘ક્યાં જાઉં? બહાર નીકળું એટલી જ વાર છે, મારા ફતીઆનો જાન જાતાં શો ડર લાગશે એ લોકોને? તો પછી આપે આજ સુધી આશરો આપીને એ ફતીઆને શીદ ઉગાર્યો હઝરત?’

‘બીબી, ત્યારે શુ કરશું?’

‘યાદ આવે છે હઝરત ? મારા પિતાએ અમો બેઉ બહેનોને માટે જે શાદી નક્કી કરેલી તે ઊલટ સૂલટ થઈ ગએલી – નથી યાદ?’ બોલતી બોલતી ઓરત નીચે જોઈ રહી.

‘ઓહોહો ! એ તો પુરાતન બાત !’ દરવેશે પોતાની દાઢીમાં આંગળા પસવાર્યાં.

‘પુરાતન હશે, પણ મારા કલેજામાં તો એ હજુ ઠંડી નથી થઇ.’

વાળનું ઝાડુ ચાલુ રાખીને જ એ વાત કરતી હતી. એનો અવાજ જાણે કોઇ તંતુ વાદ્યમાંથી આવતો હતો.

દરવેશ પોતાની કલપ દીધેલી ભૂરી દાઢી પસવારતા ચૂપ ઉભા હતા, તે ચૂપકીદીનો લાભ લઇને ઓરત બોલી ગઇ : ‘મર્હુમ સુલતાનની નજર પડી, બે બહેનોમાંથી હું વધુ ખુબસૂરત લાગી. બસ, એટલે શું આપને માટે નિર્માએલીને લઇ જઇને એ ખુદાની નજરમાં મારા ખાવીંદ ઠરી ગયા? નહિ, નહિ, મારા ખાવીંદ તો આપ જ છો. મારે ખાતર નહિ તો અમરા ફતીઆને ખાતર હવે આજે આપ મને સ્વીકારી લ્યો. આપ ઘરભંગ છો, ને હું પણ વિધવા છું.’

દરવેશના મોં ઉપર સમતા હતી, પણ અંતરમાં ઊંડો સળવળાટ શરૂ થઇ ગયો હતો. ‘હું આવું છું, તમને જવાબ દઇ જાઉં છું’ એમ કહીને એ બહાર ચાલ્યા ગયા; ને બીબી મુઘલી પોતાના રેશમી કેશ વડે ઓરડો ઝાડતી રહી. સફેદ વિધવા લેબાસને ઢાંકી રહેલી એ શ્યામ લટોના ચકમાંથી જર જરા દેખાઇ જતું એનું બદન રૂપરૂપના રાશિ ઠાલવી રહ્યું હતું.

‘અમ્મા ! અમ્મા !’ કરતો એક દસ વર્ષની વયનો, પણ ચૌદ વર્ષનો દેખાતો ભરાવદાર બદનનો બાળક રમીને બહારથી દોડ્યો આવ્યો.

‘અમ્મા ! ખાવા દે, નહિતર તને ખાઇ જઈશ હો, એવી ભૂખની આગ લાગી છે અમ્મા !’ એમ કરતો એ માને ઢંઢોળવા લાગ્યો.

‘હજી હમણાં જ ખવરાવેલું ને?’

‘તેની મને શી ખબર? મને જલદી દે, રોટી દે , કાચા ચાવલ દે, મેવો દે, જે હોય તે દે, નહિતર હઝરત બાબાજી (શાહાઅલમ)નાં તમામ મુરઘાં ને કાચાં ને કાચાં ચાવી જાઉં છું અમ્મા!’

‘અકરાતીઓ ! ક્યાંથી આવી ભૂખ લઇને આવેલ છો? તારૂં શું થશે ફતીઆ!’

એમ કહેતી મા, આ અતક હોજરીવાળા છોકરા ફતીઆ (ફતેહખાન)ને લઇ રસોડામાં ગઇ, ને ત્યાં ઢાંકી રાખેલી હાંડીઓ તેની સામે ધરી દીધી. કેળાંની આખી લૂમ એને પિરસી દીધી.

‘અમ્મા !’ ફતેહખાન ગલોફાંમાં ખોરાક ઠાંસોઠાંસ ભરતો ભરતો વાતોએ ચડ્યો: ‘આજે તો ભારી રોનક થયું. હું તો હઝરત બાબાજી પાસે કુરાન પડતો બેઠો હતો ત્યાં તો ખીડકી ઉપર ધમાચકડી મચી ગઈ, શોર થઇ ગયો ને પકડો એ છોકરાને, પકડો ફતેહખાનને, એવા શોર કરતા સુલતાનના સિપાહીઓ અંદર ધસી આવ્યા. ત્યાં તો અમ્મા, હઝરત બાબાજીએ મને તમાચો લગાવી કહ્યું કે ‘પડ બે ડોકરે!’ એટલું કહ્યું ત્યાં તો અમ્મા, હું કિતાબ વાંચતો વાંચતો લાંબી સફેદ દાઢીવાળો બુઢ્ઢો બની ગયો. ને સુલતાનના સિપાહીઓ તો ભોંઠા પડીને ચાલ્યા ગયા.’

‘બે-વ-કૂ-ફ ! બડી બડી બાતાં કરે છે. હવે ખાઇ લે, ઝોંસટી લે ફતીઆ!’

‘ને અમ્મા, પરસુ કેવો તાલ થએલો માલૂમ છે? મને તો હઝરત બાબાજીએ છોકરીનો લેબાસ પહેરવીને રાખેલો. મેડા ઉપર મને છૂપાવી દીધો હતો, સુલતાનના સિપાહીઓ મારી તલાશે આવ્યા કે એકદમ હું છાપરા ઉપર ચડી ગયો. એ બદમાશો છાપરે ચડી આવ્યા. અરે અમ્મા, ખુદ સુલતાન કુતુબશાહ પણ હતો. આપણી આયાએ તો ગભરાટમાં ને ગભરાટમાં કહ્યું, સુલતાન સલામત, એ ફતેહખાન નથી, એ તો ફલાણા અમીરની છોકરી છે. પછી અમ્મા, તસલ્લી કરવા માટે સુલતાને મારી ઇજાર ખોલી ને મને સાચોસાચ છોકરી જોઇને શરમીંદો બની ઊતરી ગયો. ફરી પાછો મને પકડવા ઉપર આવ્યો. મારો હાથ પકડ્યો, પણ મારો હાથ તો તે વખતે એને વાઘના પંજા જેવો લાગ્યો, એટલે એ ભાગી ગયો. કેવી રૌનક ! કેવી ગમ્મત, હેં અમ્મા ! હઝરત બાબાજી પણ મને ઘડીક છોકરી બનાવે છે ને ઘડીક પાછા વાઘ બનાવે છે, કેવી ગમ્મત હેં અમ્મા!’ છોકરો આવી વાતો કરતો કરતો ધાનની હાંડી ચટ કરતો જતો હતો.

‘બેવકૂફ ! મોટો લપ લપ બાતો કરે છે, ને ડરતો નથી?’

‘નહિ અમ્મા !’ ફાટફાટ ગલોફે છોકરો જવાબ દેતો હતો : ‘હું બિલકુલ ડરતો નથી. ડરને બદલે મને તો રૌનક મળે છે. તું પણ કેમ ગમ્મત કરતી નથી?’

‘બેટા ! મારા ફૂલ ! તને સુલતાન મારી નાખશે.’

‘શા માટે પણ?’

‘તું એનો સાવકો ભાઈ છે. એને દીકરો નથી. એનું તખ્ત તને મળશે એ એનાથી સહેવાતું નથી.’

‘એને કોઈ નહિ મારી શકે. એને ખુદા જીવાડશે!’ એવું કહેતા કહેતા, બહિર જઇને આવેલા દરવેશ શાહઆલમ દાખલ થયા. એની આંખોમાં બીબી મુઘલી તરફ અત્યારે જે ચમક હતી તે ન્યારી હતી. એ આંખોમાં પ્યારનો સુરમો હતો. આવીને એણે પોતાના હાથમાં એક ટોપલી હતી તે છોકરા ફતેહખાનના માથા પર મૂકી.

‘હવે એ ઊલટી વાળીને ફતીઆના શિરપર મૂકો તો!’ બીબી મુઘલીએ દરવેશની આંખોનો સૂરમો વાંચીને પછી કહ્યું.

‘આ લે બીબીજાન !’ એમ કહી ટોપલી ઊંધી વાળી શાહઆલમે આ છોકરાના માથા પર ઢાંકી.

‘બસ, હવે હું ડરતી મટી ગઈ છું. મારા છોકરાને માથે આપે આપની રક્ષાનું રાજછત્ર ઓઢાડ્યું છે.’

* * *
સુલતાન કુતુબશાહને ખબર પડી કે પોતાની સાવકી મા સાથે શાહઆલમે શાદી કરી લીધી છે ને પેલા નાચીઝ નમાલા સાવકા ભાઇ રઝળુ ફતીઆના શિર પર ગૂજરાતની ભાવિ સુલતાનીઅતનું છત્ર ઓઢાડ્યું છે. એના મનની આગે માઝા મૂકી. એણે પોતાની રાણી રૂપમંજરીને કહ્યું, ‘ જાવ ગમે તેમ કરી, ફોસલાવી, પટાવી, ફતીઆને મારી પાસે લઇ આવો.’

રાણી રૂપમંજરી (નામ પરથી કોઇ હિંદુ રાણી લાગે છે.) ગઇ ત્યારે ફતેહખાન શાહ આલમ પાસે બેઠો હતો. એના હાથ ખેંચીને રૂપમંજરી ઉઠાડવા લાગી.

‘બેગમ સાહેબા !’ શાહ આલમે મોં મલકાવીને કહ્યું : ‘આજ આપ એનો હાથ ખેંચો છો, પણ કોઇક દિવસ એ આપનો હાથ ખેંચવાનો છે એ યાદ રાખજો હો કે!’

શરમાઇને રાણી રૂપમંજરી છોકરાનો હાથ છોડી દઇ ચાલી ગઇ.

સુલતાન કુતુબશાહને આ સમાચાર મળ્યા ત્યારે એ દારૂમાં ચકચૂર હતો. નશામાં ને નશામાં એ ઘોડે ચડ્યો. ને એણે ફોજને હુકમ દીધો : ‘શાહઆલમના સ્થાન રસુલાબાદને તારાજ કરો.’

લોકોનાં ટોળેટોળાં જમા થયાં. તેમણે સુલતાનની ગાંડી ચીસો સાંભળી :’ તારાજ કરો. રસુલાબાદને તારાજ કરો.’

એ ફરમાનને ઉઠાવી લેવા એક પણ આદમી આગળ ન આવ્યો.

‘ફિકર નહિ. હું પોતે તારાજ કરીશ.’ એમ કહીને એણે રસુલાબાદ પર ઘોડો દોડાવી મૂક્યો. એના હાથમાં એક તલવાર હતી.

એ તલવાર કોની હતી? કોણે આપી હતી? ક્યારે આપી હતી? સુલતાનને આ ભાન રહ્યું નહોતું. એ સમશેર ખુદ શાહઆલમની જ હતી. હજુ બે વર્ષ પૂર્વે પોતે જ્યારે શાહઆલમની મદદ મેળવીને માળવાના શત્રુ મુહુમ્મુદ ખીલજી પર ચડેલો, ત્યારે એણે શાહઆલમ પાસેથી આ તલવાર માગી હતી. શાહઆલમે ના કહી હતી : ‘સુલતાન, દરવેશોની તલવાર, દંડ અને હરકોઈ વસ્તુ સજીવન હોય છે. ને તમે રાજા છો. રખેને તમારાથી એવું કાંઈ બને કે જે દરવેશોને લાયક ન હોય. તે વખતે આ તલવાર તમને નુકશાન કરશે.’ પણ સુલતાને પગે પડી, આજીજી કરી, ‘આપ જેવા મારા ગુરુની તલવારને હું લાંછન નહિ લગાડું’ એમ ખાત્રી આપી એ તલવાર મેળવેલી હતી. એ તલવારથી પોતે વિજય મેળવ્યો હતો. પણ એજ તલવારને આજે એણે દુષ્કૃત્ય આચરવા વીંઝી.

શાહઆલમ તો પોતાના રસુલાબાદના થાનકમાં ખામોશ રાખી બેઠા હતા. એને તો ખાત્રી હતી કે મોતનો પ્યાલો પીતે પીતે મોટો સુલતાન પોતાના વંશ વારસને શરાબથી દૂર રહેવાની જે ગાંઠ વળાવી ગયો હતો તે ગાંઠને છેદી નાખવાની નાદાની કરનાર આ શરાબખોર સુલતાન પોતે જ પોતાનું મોત નોતરી રહેલ છે. એ ધારણા તે દિવસે જ સાચી પડી. કોને મારવું કોને ન મારવું એનું ભાન હારી બેઠેલે કુતુબશાહે પોતાને રસુલાબાદમાં સામા મળનાર એક ગાંડા ઊંટ પર તલવારનો ઘા કર્યો. તલવાર ઊંટને ન વાગી, પણ મારનારની ખુદની જાંઘ પર એ તલવારનો ઝટકો પડ્યો.

જખમ લઇને કુતુબશાહ પાછો વળ્યો. કેફ ઊતરી ગયો. કાયમના બિછાને સૂતો. જખમની પીડા પ્રતિદિન વધતી જ રહી. કાંઇ જ કરાર મળ્યો નહિ. મહેલની બારીએથી પલંગે પડ્યાં પડ્યાં એણે એક દિવસ નીચે સાબરમતીના પટમાં એક કઠિયારાને લાકડાનો ભારો લઇ આવતો દીઠો.

કઠિયારાના માથા પર કઠોર બોજો છે : પગ તળે સાબરમતીની રેતે સળગે છે. કઠિયારો ચીંથરેહાલ છે. કઠિયારો કિનારે આવે છે, ભારો નીચે ઉતારે છે, તાપમાં જ નીચે બેસે છે. કેડેથી કાંઈક બહાર કાઢે છે: એક સૂકો રોટલો અને કાંદાના કેટલાક કટકા.

કઠિઆરો રોટલો ખાય છે, કાંદા કકડાવે છે. ખાતાં ખાતાં એના મોં પર જે આનંદ છવાઇ રહે છે તેના ઉપર ઊંચા ભદ્ર-ઝરૂખેથી મરતા શાહની મીટ મંડાઇ ગઇ છે.

ખાઇને કઠિયારાએ નદીનું વ્હેતું પાણી પીધું, ને પછી ગઢની રાંગના છાંયામાં જઇ સૂતો. સૂવાની સાથે જ ઘસઘસાટ નિદ્રામાં પડ્યો.

મરણપથારી પરથી સુલતાનનો આત્મા પુકારી ઊઠ્યો : ‘ઓ કઠિયારા ! આ લે, લઇ લે આ મારી સુલતાનીઅત, ને મને દઈ દે- ફક્ત તારી તંદુરસ્તી!’

પણ નહિ નહિ, જીવલેણ જખ્મ પછી પણ થોડુંક પિરસવું કિસ્મતે હજુ એ સુલતાનને માટે બાકી રાખ્યું હતું. એ હતું ઝેરનું પ્યાલું. એ પ્યાલું સુલતાનને એની પોતાની જ એક મુસ્લિમ રાણીએ પાઈ દીધું. સાત જ દિવસ પછી રસુલાબાદમાં અમીર ઉમરાવો અને વઝીરોનું એક મોટું મંડળ દાખલ થયું, ને શાહ આલમના નિવાસ તરફ ચાલ્યું ગયું. લોકોમાં ફાળ પડી : કોઇએ કહ્યું કે સુલતાનના લોકો ફતેહખાનને પકડી જવા આવેલ છે.

એક જણે કહ્યું, બીજાએ સાંભળ્યું , એણે ત્રીજાને કહ્યું, અને અમીર મંડળ હઝરત શાહ આલમના થાનક પર પહોંચે તે પહેલાં તો બીબી મુઘલી ને સમાચાર મળ્યા. એણે ફતેહખાનને છૂપાવી દીધો. એના કલેજામાં ફફડાટ ચાલ્યો.

ઉમરાવ મંડળ અને હઝરત શાહાઅલમની વચ્ચે તે વખતે આમ વાતચીત ચાલી.

શાહ આલમે કહ્યું : ‘ શું બોલો છો જનાબો ! તમે દાઉદખાનને નવો સુલતન નીમ્યાને તો હજુ દિવસ રોકડા સાત થયા, ત્યાં તમે એને ઉઠાડી પણ મુક્યો?’

‘એ નાલાયક છે.’ ઉમરાવોએ ઉત્તર દીધો.

‘સાત જ દિનોમાં એની નાલાયકીને તમે માપી લીધી?’

‘ના હઝરત, એક જ દિવસમાં, એક જ સખૂનમાં.’

‘શું થયું?’

‘એ નવા સુલ્તાન દાઉદખાને તો હજુ એને તખ્ત પર બેસાર્યો પણ નહોતો ત્યારથી ગૂજરાતના ઉમાદુલ્મુલ્કની (ન્યાયના વડાની ) જગ્યાએ એક પોતાના માનીતા ફરાશને માટે નક્કી કરી તેને છૂપું વચન પણ દઇ દીધું. ગાદી મળી નથી ત્યાં જ જે માણસ આટલી બડાઇ કરે છે, તે ગાદી મળ્યા બાદ હવે શું શું ન કરે? પણ શું કરીએ ? અમને આ વાતની જાણ એની તખ્ત-નશીની પછી થઇ.’ ‘ને બીજું?’

‘એ તો વળી વિશેષ ગઝબનાક વાત છે. ગાદીએ બેસીને પહેલો જ હુકમ એણે આ કર્યો છે હઝરત ! કે કબૂતરોના દાણામાં ને દીવા બત્તીના તેલમાં ખરચનો ઘટાડો કરવો.’

શાહઆલમ હસ્યા ને બોલ્યા, ‘એ તો કરકસરીઓ સુલતાન કહેવાય. તમને એ કેમ નાપસંદ બન્યું?’

‘નહિ હઝરત ! એવો કંજૂસ, એવો સાંકડા દિલનો માણસ ગૂજરાતની રિયાસત ચલાવવાનો નાલાયક ઠરે છે. એનું અમારે કામ નથી. ગૂજરાતને તો જોઇએ દિલાવર રાજવી.’

‘તો કોનું , મારૂં કામ છે?’

‘નહિ, આપના રક્ષિત બાલક ફતેહખાનનું.’

‘એ તો બચ્ચું કહેવાય.’

‘બચ્ચું પણ શેરનું ! તેમ આપના હાથની તાલીમ પામેલ છે. તેનું તાલકું તેજ કરે છે. એની વિભૂતિ ખુલ્લી દેખાય છે. ને એ તખ્તનો હક્કદાર પણ છે.’

‘તો પૂછો એની માને. મારો શો હક્ક?’

અમીરો ને વઝીરો જ્યારે બીબી મુઘલી પાસે ગયા, ત્યારે એ ઓરતનો શ્વાસ ઊંચે ચડી ગયો. એને જ્યારે ફોડ (સ્ફોટ) પાડવામાં આવ્યો, ત્યારે પણ એણે હાથ જોડ્યા : ‘મારા દીકરાને માટે સુલતાનીઅત ન જોઇએ. એને કોઈ ઝેર દેશે, એને કોઈ મારી નાખશે.’

‘એ મહાપ્રતાપી પાદશાહ થશે. બી અમ્મા ! ન ડરો.’

શાહઆલમે જ આખરે ખાત્રી આપી. ને તે પછી તૂર્ત જ જ્યારે ઘોડેસ્વારોનું મંડળ અમદાવાદ તરફ ચાલ્યું, ત્યારે વચલા ઘોડાના ઘોડેસવાર સામે હાથ લાંબા કરીને રસુલાબાદની ગલીના છોકરાઓ દોડતા દોડતા તાળીઓ પાડતા પોકારતા હતા કે ‘એઇ ફતેખાન ! એ ફતીઆ ! ઘોડે ચડી ક્યાં ચાલ્યો? તારે માથે કાલનો દા છે હજુ ગિલ્લી દંડાનો. દા દઈને પછી જા.’

થોડી જ વારે ભદ્રના રાજદરબારમાં તેર વર્ષ, બે માસ અને ત્રણ દિવસની ઉમ્મરવાળો બાળ ફતેહખાન સુલતાન જાહેર થયો. એનું નામ પડ્યું મહમૂદ.

એ જ મહમદ બીઘરો : મહમદ બેગડો : મહમદ બેગઢો.

[‘બેગઢો’નો અર્થ બે ગઢ-કિલ્લા (ચાંપાનેર અને જૂનાગઢ) જીતી લેનાર એવો થાય છે પણ એ ખોટું છે. મૂળ શબ્દ ;બીઘરો’ (સોરઠી ભાષામાં જેમ ‘વગડો’) : એટલે કે સીધાં લાંબા શીંગવાળો બળદ. મહમદશા લાંબી, ધીંગી ને સીધી મૂછો રાખતો તેથી તેને ‘બીઘરા’ બળદનું બિરૂદ અપાયેલ હતું.]

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા’ ગંગાજળિયો માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!