‘ને ક નામદાર, નેકીના કરનાર શેઠશ્રી કલ્યાણભાઇને માલૂમ થાય કે, ‘મને વારાહ સ્વરૂપની જગ્યા પાસે આવીને મળી જાવ. મારે તમારું ખાસ કામ છે, કાગને ડોળે વાટ જોઉં છું. તમે અમારા મુરબ્બી અને શિરતાજ છો. મારે સામેથી મળવું જોઇએ, પણ હું તો બહારવટિયો ઠર્યો. મારા લોહીથી ખરડાયેલા હાથ લઇને, ધરમ રાજાના દરબાર જેવા તમારા ડુંગર ગામમાં પણ મૂકવાનું પાતક મારાથી ન થાય.
માટે મને મળી જજો.’ લિ. દાદલા સંધિના દુઆ સલામ. દાદલાનો કાગળ વાંચીને ડુંગરના વણિક વેપારી કલ્યાણજી નરોત્તમદાસ મહેતાએ લાંબો એક શ્વાસ લીધો. માથા પરથી સફેદ ખાદીની ગાંધી ટોપી ઉતારીને એની દીવાલ સમીનમી કરી અને વિચારમાં ગરકાવ થઇ ગયા. નીચે ઢળી રહેલી આંખો વળી પાછી કાગળ ઉપર મંડાણી, કાગળની ગડી કરી. કલ્યાણજી શેઠની આજુબાજુ બેઠેલા ડુંગરાવાસીઓએ શેઠના પહોળા લલાટમાં કરચલીઓની કડભાંગ જોઇ…
ડુંગરથી દિલ્હી સુધી પ્રજાકીય કામો માટે, ડુંગર જેવડી હામ અને કુશળતા લઇને પગદોડ કરનાર અટપટા અને પેચીદા સવાલોનો ચપટી વગાડતામાં ઉકેલ લાવી આપનાર આ વણિક શ્રેષ્ઠી નાની એવી એક ચબરખીને ગંભીર નજરે કાં નિહાળે?
‘કોનો કાગળ છે, કલ્યાણજીભાઇ?’ ડાયરામાંથી સવાલ ઊઠ્યો.
‘દાદલાનો-’
‘કોણ દાદલો?’
‘રાજુલા રોડના સ્ટેશને ફોજદારને ગોળીએ દીધો ઇ દાદલો?’
‘હા… ઇ…’
‘લખે છે કે મને એકાંતમાં મળવા આવો. તમારું ખાસ કામ છે.’
‘જાવાના તમે?’
‘હા’ પાંચેક મિનિટના મૌનપણામાં કલ્યાણજી મહેતાએ વિચારની જે ભઢ્ઢી નાખેલ એની આંચમાં તપાવી, ટીપીને ધારદાર ખણખણતો બનાવેલ ‘હા’ ઉચ્ચાર્યો.
‘શું કીધું? હા!’ સાથીદારો અકળાયા: ‘તમારો તો દી’ ફર્યો છે કે શું, કલ્યાણજીભાઇ?’ ‘કા?’ હવે કા યો! તમારી જેવો મોટો અને આબરૂદાન માણસ એક ખૂની બહારવટિયાને સીમાડે મળવા જાય? તમારી મોટપ અને અમીરાતનો તો વિચાર કરો!’
ભાગીરથીના બળુકા તરંગો વેળુના અડપલાં સામે હસે, એવું શેઠ હસ્યા: ‘મોટપ અને અમીરાતનાં આ જ તો દુ:ખ છે ને ભાઇ! મારે દાદલાને મળવું પડશે…’
પળભર સોપો પડ્યા જેવી ખામોશી તોળાઇ રહી. કલ્યાણજીભાઇના ચહેરા ઉપર મક્કમતાભર્યો નિર્ણય કંડારાઇ ગયો.
‘ભાઇ, દાદલો ખૂની છે. બહારવટિયો છે.’ સાથીદારો તરણોપાય બોલી રહ્યા: ‘તમને બાન પકડીને લાખ, બે લાખ, માગશે તો…?’
જવાબમાં કલ્યાણજીભાઇ મહેતા ન માનતા હોય નફીકરું હસ્યા!
‘ભલે ભાઇ, પણ એક વાત તો જરૂર વિચારવા જેવી છે.’ ડુંગરા ગામનો કોઇ શિક્ષિત નાગરિક બોલ્યો: ‘અને તે એ કે સરકાર માનશે કે કલ્યાણજીભાઇ બહારવટિયાને મદદ કરી રહ્યા છે. તમારી પ્રતિષ્ઠાને ધક્કો લાગશે.’ એના જવાબમાં કલ્યાણજીભાઇએ છત તરફ આંગળી ચિંધી…! સલાહકારો અને સાથી મિત્રો ચૂપ થઇ ગયા.
એક શેંઢે કલ્યાણજીભાઇ દાદલાને મળવા વારાહરૂપની જગ્યા પાસે જઇ ઊભા…સૂરજ આથમણો ને આથમણો લસરી રહ્યો હતો. આકાશનું નીચલું પડ તાંબાના માંજેલા હાંડા જેવું થઇ રહ્યું હતું. દૂર દૂર અરબ સાગર ગાજતો હતો.
વાટ જોવાની હતી ખૂની બહારવટિયાની અને વાટ જોનાર હતો રાજુલા ડુંગર પંથકનો આ જન્મ સેવાધારી, પરગજુ, અમીર, દાનવીર મોઢ વણિક.
સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપના ટાળતા વરસે ઘરખોડ અને કબજા-હકનાં પત્રકોમાંથી ભભૂકી ઉઠેલ જમીનવાળા અને જમીનવિહોણા વચ્ચે જાગેલા લોહિયાળ સંઘર્ષની આગ ભડકે બળતી હતી. હથિયારો ઉપાડ્યાં હતાં. દંગલ થયાં હતાં અને નવા બહારવટિયા પ્રસવ્યાં હતાં… ભૂપત, વિસો માંજરિયો, રહીમતુલા… જેવા ખૂંખાર ડાકુઓએ સૌરાષ્ટ્રનાં ગોંદરાં સળગાવ્યાં હતાં. ડોળિયા નામના ગામે લૂંટ થઇ. ડુંગર ગામના એક મેમણે પોલીસના કાનમાં ફૂંક મારી કે….
‘ડોળિયાની લૂંટામાં દાદલો સંધી પણ છે… દાદલાનો એમાં હાથ છે.’
જેના હંટર, ટોપા અને ખાખી વર્દીમાં રાજાશાહીનો ઓંતાર અને તોછડાઇ હજીય ઉછાળા લેતાં હતાં. પાડાને વાંકે પખાલીને ડામ દેવાની જેને આદત હતી. એવી પોલીસ લૂંટારાના સગડ પડતા મૂકીને દાદલાને ઘેર ત્રાટકી… ખેડÛ મજૂરીના કરીને રોટલો રળી ખાનારા આ સંધીના હાંડલાં ફોડ્યાં, ગાભા વિંખ્યા, દાદલાનાં બીબી-બચ્ચાંને ધ્રુસકાં મૂકીને રોવડાવ્યાં છતાં દાદલાના ઘરમાંથી કશું ન નીકળ્યું!
બહારગામ ગયેલ દાદલાએ ઘેર આવીને આ બધું સાંભળ્યું ત્યારે એની ખોપરી ડૂલી ગઇ દાંતની બત્રીસી કચકચાવીને હાથમાં બંદૂક લીધી. પોતાના ખોરડાની આબરૂના ધજાગરા બાંધનાર ફોજદારને રાજુલા રોડના રેલવે સ્ટેશન આંબી જઇને ગોળીએ દીધો!
પોલીસ ખાતાના રુઆબ અને કડપની પરવા ન કરી.
દાદલો બહારવટે નીકળી ગયો…! બંદૂકની નાળની એણ ફોજદારના લોહીથી ટાઢી કરી હતી, પણ કૂંદો ડુંગરના મેમણના લોહીમાં ઝબોળવાની નેમ હતી. જેની આઘાપાછીએ દાદલાના ઘંરની આબરૂ ઉપર હાથ નંખાણો હતો. દાદલાને ખૂન કરવું પડ્યું પછી વતન, ઘર, ખોરડાં અને બીબી-બચ્ચાંથી દાદલો કપાઇ ગયો હતો.
વગડાના નદી-ડુંગરોમાં, પથ્થરનાં ઓશીકા કરીને સૂવાનો એને વારો આવ્યો હતો.
દાદલાના અંતરની આગ ભડકતી હતી. રાતે એ ઊંઘી શકતો ન હતો. દિવસે બટકું ધાન ખાઇ શકતો નહોતો. ધારત તો દાદલો ડુંગર ગામમાં જઇને ઘડીના છઠ્ઠા ભાગમાં એ મેમણને મુઢ્ઢી દારૂમાં ધુમાડો કરીને ઉડાડી મૂકત, પણ ડુંગર તો કલ્યાણજી નરોત્તમ મહેતાનું! કલ્યાણજીભાઇ તો દુ:ખીનો બેલી, ભૂખ્યાનો ભંડારો, મહેમાનોનો માળવો, પારકી છઢ્ઢીને જાગતલ, ઓલિયો ઇન્સાન! અલ્લા! અલ્લા…! દાદલો સ્વગત છળી ઊઠે છે: ‘કલ્યાણજી શેઠનો આતમો દુભાવું તો સાત અવતાર દોજખનો અધિકારી થાઉં. કલ્યાણજી શેઠની ઇબાદત ને ખુદા ખૈર કરે! મેમણીઓ જો એળેબેેળે મળી જાય તો ભલે, નીકર આ બંદૂકડીનો ઘોડો છાતી પર શાંત થઇ જાય.’ દાદલાએ દિવસો સુધી વાટ જોઇ. દુશ્મન ડુંગરની બહાર ન નીકળ્યો. ત્યારે દાદલાએ કલ્યાણજી શેઠને કાગળ મોકલ્યો કે તમે મને વારાહરૂપની જગ્યા પાસે એકાંતમાં મળો… એટલે…
કલ્યાણજીભાઇ આથમવા આવેલ સૂરજના કેસરી ઉજાસમાં ઊભા છે.
‘ભાઇ સલામ!’ કલ્યાણજીભાઇની પાછળથી અવાજ આવ્યો. જુએ છે તો ખભામાં બંદૂક, ઘેઘૂર દાઢી, આંખમાં રાતોના ઉજાગરાના, વેરના, ઝનૂનના રાતા ઓળ તણખા.
‘સલામ, દાદભાઇ!’ કલ્યાણજી મહેતા ડબક્યા, ડર્યા વગર દાદલા પાસે ગયા: ‘વાત બૌ આગળ વધારી દીધી, દાદભાઇ! મને મળ્યા હોત તો સમાધાન કરાવી દેત! પણ ખેર, બોલો મને શું કામ બોલાવ્યો?’
‘ભાઇ, ડુંગરના મેમણને મારે બંદૂકે દેવો છે પણ ગામ બહાર નીકળતો નથી અને ગામમાં તમે હોવાના.’
‘દાદભાઇ, તમે બૌ મોટો દાખડો કર્યો…!’
‘ન કરું? ડોળિયા ગામની ચોરી કરી પાલિતાણાના વાઘરીએ અને પોલીસે ગાભા ચૂથ્યા મારા ઘરના… મારાં બાળબચ્ચાંને કકળાવ્યાં… વાંધો નૈ… ફોજદારને તો મેં પતાવ્યો છે અને હવે…’ ‘દાદલાની જીભ થોથરાણી…’ સૂરજ હવે આથમું આથમું હતો..! એક બાજુ વિકરાળ બહારવટિયો હતો, તો સામી બાજુ ગાંધી ચિંધ્યા માર્ગનો પ્રવાસી, અહિંસા પરમોધર્મનો ઉપાસક અને આખા ડુંગર, રાજુલા પંથકનો પહાડ જેવો, ‘ભાઇ’નું મોંઘેરું બિરુદ પામેલો વેપારી…! ‘હવે હું મૂંઝાણો, ભાઇ!’ બહારવટિયો ઢઢળ્યો, ‘ધારું તો ડુંગર આખું ધમરોળી નાખું પણ…’
‘ન બને, દાદુભાઇ! મારી હયાતીમાં ડુંગરનાં કૂતરાંને પણ ઊની આંચ આવે એવું બને?’ કલ્યાણજી મહેતા ગરવાઇથી બોલ્યા: ‘મારું ડુંગર ધમરોળાય એમાં મારી અને તમારી આબરૂ શું? દાદભાઇ!’
‘ભાઇ, પગમાં પડું…’ બહારવટિયાએ બંદૂક નીચે નાખીને હાથ જોડ્યા: ‘તમે આડા આવોમા ભાઇ, મને ઇ શેતાન સાથે ભરી પી લેવા દો… એના પ્રતાપે હું રાન-રાન અને પાન-પાન થઇ ગયો. મારાં બાળબચ્ચાં તલેલા નાખે છે. મારે પાણાનાં ઓશીકાં કરવાં પડે છે.’
‘બૂરાઇનો બદલો ખુદા સૌને દેશે. દાદભાઇ, સબર રાખો અને ઇબાદત કરો ખુદાની!’ બહારવટિયાએ આથમતા સૂરજના અજવાળામાં મણ એકનો નહિાકો મૂક્યો: ‘તમે ભારે કરી હોં, ભાઇ!’ અને પછી પોતાના જોખમ તરફ પગ ઉપાડતાં પહેલાં એણે કલ્યાણજીભાઇને કહ્યું. ‘ભાઇ, હાલો તમને ડુંગરના પાદર લગ મૂકી જાઉં.’
‘અલ્લા અલ્લા કરો, દાદભાઇ! મને વળી બીક કેવી? કહીને કલ્યાણજીભાઇએ પગ ઉપાડ્યો ત્યારે સંધ્યા ખીલી ઊઠી હતી, લોહી રેડવાની પળને શાંતિમાં પલટી નાખ્યાનો એને ઓડકાર આવ્યો હતો!’, ‘ભાઇ! મારાં બાળબચ્ચાંને સંભાળજો, હોં…! બહારવટિયાના ગળે રૂંધામણ આવી ગઇ.’ તમારી સિવાય એના પર અમીની મીટ કોઇ નહીં માંડે.’, ‘મૂંઝાશો મા, દાદભાઇ! હું તમને બહારવટિયો નથી માનતો. માણસ ક્ષણનો ગુલામ હોય છે. તમે એવી ક્ષણોમાં ફસાયેલ માનવી જ છો.’ કહીને કલ્યાણજીભાઇ ઘેર આવ્યા.‘
(નોંધ: ‘ભાઇ, નામે ઓળખાતા સ્વ. કલ્યાણજી નરોત્તમ મહેતા રાજુલા ડુંગર વિસ્તારના કલ્પવૃક્ષ સમાન હતા. ૧૯૬૨માં ગુજરાત સરકારે એમને જે. પી. ઇલ્કાબ આપેલ, એ વખતે આ વિસ્તારની પ્રજાએ કલ્યાણજીભાઇને અડધો લાખ રૂપિયા, સાઠ તોલા સોનું અને એમની રૌપ્ય તુલા કરેલી આ બધી સંપત્તિ કલ્યાણજીભાઇએ દેશના સંરક્ષણ ફંડમાં, ઘરની રકમ ઉમેરીને અર્પણ કરેલ, વતન ડુંગરમાં દવાખાનાં, શાળા, બાલમંદિર, હાઇસ્કુલ, છાત્રાલય, બેંક, ટેલિફોન અને પોસ્ટ ઓફિસ જેવી સુવિધાઓ ગાંઠનાં નાણાં ખર્ચીને ઊભી કરાવેલ. તેમનું તા. ૯-૪-૮૩ના રોજ અવસાન થયું ત્યારે આખો વિસ્તાર ગમગીન બનેલો…)
લેખક – નાનાભાઈ જેબલિયા