દીનદુખિયાનાં બેલી મોંઘીબા

એક બાજુ મહારાજ વખતસિંહજીના વિશાળ દરબારગઢના સંપત્તિ અને સમૃદ્ધિથી ઝળાંહળાં થતા કોટ-કાંગરા, કાતિલ રાજકારણની કાયમી કાનાફૂસી, સેંકડો ઘોડાના હણહણાટ, ધીંગાણાની નોબતો, ભાલા-બરછીઓ, તોપ અને તલવારોની જનોઇવઢ ઘા માટેની તૈયારીઓ અને બિલકુલ એ જ રાજધાનીના બેવનમાં કોયા ભગતની જગ્યાના આંગણામાં ભૂખ્યા-ભટક્યા, નિરાધારો, અપંગો, સાધુ, ફકીરો માટે સદાવ્રતના રસોડે હરહિરનો અન્નયજ્ઞ! એકતારાના મધુર રણઝણતા તારોમાંથી ટપકતો ભક્તિરસનો અખંડ, અવિરામ આરાધ…! જગ્યાના તુલસીક્યારા, મંદિરો, સમાધિઓ અને જ્ઞાન-સત્સંગની ગંગાપ્રવાહ સમી વાણીનો ખળખળ વહેતો શાંત, નિર્મલ કલકલ નિનાદ! જગ્યાના સમસ્ત કારોબારના, પંરપરાનો, ધર્મમયતાનો જેના ખભા પર ભાર છે એવા વાઘા સ્વામી, સિહોરની જગ્યામાંથી આજ એકાએક સિહોરની ધર્મશાળા સમી જગ્યામાં વલ્લભીપુર આવ્યા છે…

વલ્લભીપુરની જગ્યામાં વાઘા સ્વામીનાં બેસણાં છે, એટલે જગ્યાના બે સંતો, જીવણ સ્વામી અને જેસિંગ સ્વામી પણ વલ્લભીપુર આવેલ છે. વાઘા સ્વામી વલ્લભીપુરની જગ્યાના એકાંત એક ઓરડામાં સંધ્યાવંદનની વિધિમાં બેઠા છે… જીવણ સ્વામી અને જેસિંગ સ્વામી જગ્યાની પરસાળમાં બેઠાબેઠા કોયા ભગતની જગ્યાના વિસ્તાર પ્રસ્તારની વાતો કરે છે. બરાબર એવે વખતે, જગ્યાના દરવાજા ઉપર એક બાળાનો સાદ ટહુક્યો.

‘હું આવું, બાપુ?’

બંને સંતોએ નજર કરી. આથમતી સંધ્યાની હિંગોળ હીરાકણીઓમાંથી ઘડી હોય એવી એક કિશોરી સડેડાટ કરતી જગ્યાના આંગણામાં પ્રવેશી…! પગમાં ઝાંઝરી, ડોકમાં હાર, હાથ-પગે ઘરેણાંનો ઝગમગાટ. જગ્યાના બંને સાધુઓ અજાણ આ બાળકીને પહોળી આંખે જોઇ રહ્યા અને પછી અચંબામાં પડી ગયા. આગંતુક કિશોરીનો પહેરવેશ અસાધારણ હતો. ગોળ, નમણા એના ચહેરામાં, સમી ન સમાય એવી ખુમારીનાં ગૌરવ, નિર્ભયતાના તેજ, આંખોમાંથી ટપકતો આત્મવિશ્વાસ અને પાતળો સળીકા સમો બાંધો અને ચાલમાંથી નિષ્પન્ન થતી અભયતા! સંતોને ખાતરી થઇ કે આવનાર બાળકી કોઇ સાધારણ કુટુંબની નથી. ગરીબ ઘરની ત્રાસેલી, થાકેલી કે ભૂખી-તરસી પણ નથી. સંધ્યા સમયે, કોઇ પણ જાતની ઓળખાણ-પાળખાણ વગર, હકદાવે આવી હોય એવી આ કિશોરી છે કોણ?

સંતોની આંખોમાં અચંબો અંજાતો રહ્યો અને આગંતુક કિશોરી કશાય ખચકાટ કે અવઢવ વગર સડેડાટ કરતી મંદિરની જગ્યાના રાધાકૃષ્ણની મૂર્તિઓ સામે, જાણે એમની પાસે જ આવી હોય એવા મનોભાવથી પલાંઠી વાળીને બેસી ગઇ! સંતો જોઇ રહ્યા. બાર વરસની આ બાળકીએ જ્યારે પલાંઠી વાળી ત્યારે પગના અંગૂઠા સહિત આઠેય અંગોને ચૂંદડીથી ઢબૂરી દીધાં. માત્ર બે હાથથી જોડાયેલા પંજાનો સંપુટ જ ખુલ્લો રહ્યો…

‘ઓહ… આવડી બધી અદબ!’ સંતોના મુખમાંથી આશ્ચર્યોદ્ગાર સરી ગયો. બાળકીની મોટી કીકીઓ પર રેશમના વીંઝણાસમી રૂપાળી પાંપણો ઢળી ગઇ… રાધા અને કૃષ્ણની મૂર્તિ સામે જાણે આખું વૃંદાવન, સમુળગું ગોકુળ અને વેણુનાદ અત્યારે માનવદેહ ધારણ કરેલ એક કન્યકાના સ્વાંગમાં પલાંઠી વાળીને બેસી ગયાં…! જીવનમાં વહેલાસર લાધેલી અમૃતપળને હૈયાવગી કરીને માનવજન્મનું આખું આયખું સમર્પિત કરતી હોય એમ, બાળકી સ્થિર બેઠી હતી. એના ચહેરા પર અલૌકિક આનંદ હતો. એના મૌન અંતરમાંથી શતકોટિ પ્રસન્નતા અને આશ્રય મળ્યાની નિરાંત છવાઇ હતી.

‘ઓહો…! બેટા તું?’ સંધ્યાકર્મ પૂરું કરીને બહાર આવેલા વાઘા સ્વામીએ ધ્યાનસ્થ બેઠેલી આ દીકરીને પ્રથમ નજરે પિછાણી લીધી : ‘આ તો પૂર્વાશ્રમના મારા કાંટોડિયા ગામના, મારા જ ગોહિલ કુળના ગેમુભા ગોહિલનાં દીકરી મોંઘી…મોંઘીબા!’ કાંટોડિયા ગામના ગેમુભા ગોહિલને ઘેર જ્યારે આ બાળકીનો જન્મ થયો ત્યારે એની જાણ વાઘા સ્વામીને થઇ. પારદર્શક હૈયાના આ પુનિત સંતના અંતરમાં બાળકીના ભાવિનો અણસાર આવી ગયો હતો! કંટોડિયામાંથી થોડાક દિવ્યાત્માઓ સિહોરની જગ્યામાં સમર્પિત થવાના હતા એમાંથી એકાદ બાળકીનો ચહેરો પણ ક્યારેક વાઘા સ્વામીના ધ્યાનધારણામાં ચમકી જતો હતો.

ગેમુભા ગોહિલનાં ધર્મપત્ની આણંદીબાએ જ્યારે પુત્રીને પ્રથમવાર ખોળામાં લીધેલી એ જ દિવસે, એ ચહેરો વાઘા સ્વામીની પાંપણો પર વારંવાર ડોકાઇ જતો હતો અને ત્યારથી સ્વામીજી અવારનવાર આ બાળકી અંગે પૂછતાછ કરાવતા રહેતા. એમને પ્રતીતિ થઇ ગઇ હતી કે ક્ષત્રિયના કુળના ઘેર એક ક્ષત્રિયકન્યાનો દેહ ધારણ કરેલ આ દીકરીના લેખ ત્યાંના જયોતિષીઓએ અસાધારણ ભાખ્યા છે! ગોહિલોના કુળમાં હજારો દીકરીઓ જન્મતી હતી. છતાં આ મોંઘી નામની બાળકી એ હજારોમાં કંઇક અનોખી છે, એનાં અનોખાપણાં એ સાબિત કરવાની છે પણ આટલી નાની ઉંમરમાં? અને એકાએક અહીં? સાવ એકલી?

‘આવો મોંઘીબા!’ વાઘા સ્વામી મોંઘીબાની પાસે જઇને ઊભા રહ્યા: ‘કેમ સાવ એકલાં? તમારાં બા-બાપુ?’

‘મને ઓળખી લીધી બાપુ?’ ખિલખિલ હસીને બાળકી બોલી.

‘હા, બેટા! તારા જન્મથી જ ઓળખું છું…’

મોંઘીબાએ હર્ષમાં હાથ જોડ્યા: ‘મારાં અહોભાગ્ય, સ્વામીજી!’

‘રાજી થાઉં છું, પણ એકલી?’બાર વરસની ઊગતી કળી સમી અવસ્થાની બાલશિતાથી ભરેલી બાળકીએ ભલભલા સંતોને વિમાસણમાં નાખી દે એવો જવાબ દીધો: ‘આ પંથ જ એવો છે બાપુ! એમાં બા કે બાપુ, ભાઇ કે બહેન, કોઇ સાથે ન હોય, બસ એકલા જવાનું એકલા જીવવાનું…’

‘ઓહોહો, મોંઘીબા! તમે તો બૌ સમજણાં થઇ ગયાં, બેટા!’ વાઘા સ્વામી હસ્યા… એના હાસ્યમાં કોઇથી ન ભળાય કે ન ઓળખાય એવું ગૌરવ છલકર્યું. વાઘા સ્વામી પૂર્વાશ્રમના કાંટોડિયા ગામનો જ ગોહિલ… પૂર્વાશ્રમના સંબંધે એ મોંઘીબાના કાકા થાય… પોતાની કુળની જ એક બાળકી, આટલી બધી સમજણી!

‘જો બેટા!’ વાઘા સ્વામી દીકરી સામે જોઇને વાત્સલ્યભાવે બોલ્યા: ‘’તેં કલ્પેલો આ પંથ પાંચીકે રમવા જેવો મનગમતો નથી, રાસડે ઘૂમવા જેવો રિળયામણોય નથી… આ પંથે તો ગોખરું પાથરેલાં છે, બેટા!

‘મને ખબર છે, બાપુ!’ કિશોરી મોંઘીબાનો ચહેરો એકાએક પ્રૌઢ, ગંભીર બન્યો. એની આંખમાં અલખની આરાધનાનો સંકલ્પ ઊભર્યો: ‘ખબર છે માટે તો ઘર છોડીને આવી છું બાપુ!’

‘કાં બાપા? ઘર શું લેવા છોડ્યું?’

‘ઘર મને પારકું અને અકારું લાગે છે, સ્વામીજી! મારે તો મારું ઘર જોઇએ જ્યાં મારો ભગવાન હોય. મારા જીવતરનો નિસ્તાર હોય. મારે સંસારના મિથ્યા મારગે નથી જવું. મને બચાવો બાપુ! મારાં મા-બાપ, મારા સંસ્કાર અને ભક્તિથી અકળાય છે. મને વહેલામાં વહેલી પરણાવી દેવા માગે છે… મા-બાપને દહેશત છે કે ભક્તિના મારગે જનારી મોંઘી, કુંવારી રહીને કુળને મહેણું દેવડાવશે પણ હું શાની કુંવારી? મેં તો મારા શામળિયા સાથે અંતરની છેડાછેડી બાંધી લીધી છે, બાપુ!’ અને મેવાડની ધરતી ઉપર ઊભેલી મીરાં બોલતી હોય એવાં જ વેણ મોંઘીબાએ ઉચ્ચાયાઁ:

‘મારો નાથ… મારું સૌભાગ્ય, મારો સ્વામી તો શામળો છે… મારો ગિરિધર…!’ અને બોલતાં બોલતાં ભરેલી ગાગર ઊંધી વળી જાય એમ બાળકી આંસુથી ઢોળાઇ ગઇ… ક્ષાત્રત્વના ધગધગતા અંગારાને સાધુતાના સાત્વિક કુંડમાં નાખીને સારવંત સાધુતાને વરેલા વાઘા સ્વામીના અંતરમાં, બાળકી મોંઘીબાના શબ્દોએ ઉલ્લાસની સરવાણીઓ વહેતી કરી દીધી. મોંઘીબા જો સાધુતાને દીપાવે તો મારું કાંટોડિયા ગામ મેવાડનું બીજું જોડતા બને…!

‘ધન્ય છે, તને દીકરી…!’ વાઘા સ્વામીના અંતરમાંથી રાજીપો નીકળી ગયો અને એ જ વેળા…‘વાઘા સ્વામી…! અમારી દીકરીને કાંક સમજાવો બાપ!’ કાંટોડિયા ગામના આખા મારગને વલોપાત-કકળાટ અને કલ્પાંતથી છલકાવતાં મોંઘીબાના બાપુ ગેમુભા ગોહિલ અને માતા આણંદીબા, દદડતા પથ્થરની જેમ કોયા ભગતની જગ્યામાં આવી પૂગ્યાં…‘અરરર…! અમારી દીકરી મોંઘી ધરમાદાની જગ્યામાં આવી? રાજપૂતનું અમારું કુળ…! ખોરડાંની ખાનદાની અને ઓઝલ પડદાને અવગણીને સાધુતાના આવા ઉઘાડા આભ નીચે? વાઘા સ્વામી! અમારી ઉપર દયા લાવો… શું થાશે અમારા જીવતરનું? મલકનાં મેણાં સાંભળી સાંભળીને આયખું અમારું ધૂળ થાશે…’

‘જુઓ, ગેમુભા!’ વાઘા સ્વામી શાંત ગંભીર અવાજે બોલ્યા: ‘મોંઘીના જન્માક્ષર તો તમે જોયા છે… મેં આજ એને પ્રગટ થતા જોયા… એક સાધુ લેખે મારા અંતરને કરાર છે કે તમે ધારો છો, કલ્પના કરો છો કે ચિંતા કરો છો એવી સાધારણ આ બાળકી નથી.’

‘અમારા કુળમાંથી પુરુષ લેખે આપ સાધુ બન્યા એને અમે વધાવીએ છીએ પણ કુળની દીકરી સાધ્વી બને, ઇ સહન નથ થતું બાપુ! થોડીક દૂર નજર નાખી જુઓ… જે વરણની દીકરીઓને ઘર બહાર પગ પણ મૂકવાની મનાઇ છે એની દીકરી બાવી બને? દૂધમાંથી પોરા કાઢનારી રજપૂતોની ન્યાત અમારી શી દશા કરશે?’

‘જુઓ ભાઇ! મોંઘીબાને સમજાવી, એ મારા હાથ કરતાં હવે તો ઇશ્વરના હાથની વાત બની ગઇ છે. રાત આંહી રોકાઓ… દીકરીને શાંતિથી ફરી વાર સમજાવો. ભગવાનને પ્રાર્થના કરો સવારે જે થવાનું હશે તે થાશે…’ અને એ આખી રાત માવતર દીકરીને સમજાવતાં રહ્યાં. ક્યારેક આંસુથી, ક્યારેક રાજીપાથી, ક્યારેક લાલચથી તો ક્યારેક રાતી આંખના ડરામણા ડારાથી…! બાર વર્ષની બાળકી અંતરના કશા જ ભાવો દેખાવા દીધા વગર બધું સાંભળતી હતી… મનોમન પોતાની મક્કમતાને ટેકો આપવા એના આરાધ્ય દેવને વીનવતી હતી:

‘હે રાધિકેશ્વર મારા પંથને, મારા સંકલ્પને બળ દેજયો, મારા ગૃહત્યાગને કાયમ કરજો, પ્રભુ! હું તમારે શરણે છું, શરણે જ રાખજો…’ અને અંતે સૌ સૂતાં… મોડી રાતે માતા-પિતાને ક્યાંકથી ખાતરી થાય છે કે સવારે મોંઘીબા સમજી જાશે… ઘરની માયા અને આપણા પ્રેમ અવરથે નહીં જાય… જાય કાંઇ? આપણે એનાં માવતર છીએ…! માવતરની માયા દીકરીને કોઇ દી’ છુટે ?સવાર થઇ. દીકરીને સાથે તેડીને ભર્યા હૈયે ઘેર પાછાં ફરવાના ઉલ્લાસ સાથે મા-બાપ જાગ્યાં… મોંઘીબા તો પાંચ વાગે જાગીને, સ્નાન કરીને, સ્વચ્છ કપડે ઠાકોરજીના મંદિર આગળ બેઠાં હતાં.

‘બોલો મોંઘીબા!’ વાઘા સ્વામીએ પૂછ્યું: ‘શો વિચાર કર્યો?’

‘બાપુ! દીકરી તો જ્યાં મા-બાપ હોય ત્યાં જ રહે ને?’ મોંઘીબાએ હસીને જવાબ દીધો.

વાઘા સ્વામીને પ્રથમ તો થોડો અચંબો થયો પણ પછી સંતોષ થયો કે સાવ કળી સમી દીકરી સમજી, એ જ સારું થયું… બાર વરસની એની કાચી અને કુમળી અવસ્થામાં એના સાધ્વીપણા, આમ તો મારા માટે ઉચાટ હતો… સારું થયું…માતા-પિતાને બત્રીસેય કોઠે દીવા થયા: ‘એમ તો મોંઘી બહુ સમજુ છે હોં… મારો દીકરો…!’ અને મોંઘીબા ઊભાં થઇને વાઘા સ્વામીના પગ પાસે બેસી ગયાં: ગુરુ ગંગા, ગુરુ ગોમતી… ગુરુ કાશી, પંથ કેદાર… બાપુ! હવે તો તમે જ મારાં મા-બાપ… આવાં રૂડાં મા-બાપ મળે એવાં સદ્ભાગ્ય મારા સિવાય કોને મળે?’

મા-બાપ કરગયાઁ: ‘અરે મારા બાપ! તું બાવી થાશ? ગોહિલની બાર વરસની કુંવારી દીકરી? અમે મલકમાં મોઢું શું દેખાડશું મોંઘીબા! સમજી જા અને ઘેર પાછી હાલ્ય, ગગી!’

‘મા… ! બાપુ! જો પાછું આવવું હોત તો હું ઘર શીદને છોડત? હું જે કાંઇ સમજી છું તે આ છે… મારો આ જ પંથ છે…’

‘અને અમારી આબરૂ?’ બાપનો સાદ તરડાઇને ફાડિયા થયો: ‘તું અમારી આબરૂનો ધજાગરો કરીશ તો મારે અફીણ ઘોળવાનો વારો આવશે દીકરી!’

‘બેટા! સાધુતા આદમીને શોભે.’ માએ કીધું: ‘દીકરીની જાતને સાધુતા ન શોભે…’

‘હરિના મારગને ગેર આબરૂ સમજનાર અજ્ઞાની છે… બાપુ! તમારી શંકાઓ અને બૂરી કલ્પનાઓ કાઢી નાખો… મારો ભગવાન સૌથી વધારે આબરૂદાર છે. એનું શરણ આપણા સૌની આબરૂ બગાડશે નહીં, વધારશે, મા!’ મોંઘીબા આટલું કહીને મંદિરમાં જતાં રહ્યાં.

વાઘા સ્વામીએ બાળકીના આ અગાધ જ્ઞાનને ભાવવિભોર થઇને અનુભવ્યું… અને ગેમુભાને મક્કમ અવાજે સંબોધ્યા: ‘ગેમુભા હવે રાખો… બહુ થયું. દીકરીનો પંથ તમે કલ્પો છો, એવો હલકો નથી. મહેણાંરૂપ પણ નથી. તમારી દીકરી સંસારી થઇને લાજના ઘૂમટામાં, કહેવાતા સંસ્કારીપણાની અને રિવાજની કાળી ભીંસમાં ભીંસાઇ જાશે. બહુ બહુ તો એનાં સુખી સાસરિયાંની સેવાને નામ બદલે ગુલામી કરશે… મોંમાંથી જીભ એની સિવાઇ જાશે… મલાજાના ખૂણામાં પડીને સડ્યા કરશે… તમે એ વાતને કુલીનતા ગણતા હો તો તમારી જેવું અજ્ઞાન બીજે ક્યાંય નથી, ભા! એનાં સાધ્વીપણાં તો સેવાધરમની આ જગ્યામાં હજારો દીનહીનોનો દિલાસો બનશે… નોંધારાંની, ગરીબોની, પંથ ભૂલેલાની એ મા બનશે અને હરિના ચરણની દાસી બનશે. ઘેર પાછી લઇ જઇને તમે એને સુખી નહીં કરી શકો… એનો માંહ્યલો જાગી ગયો છે… સમજીને આશીર્વાદ આપો. સૌનું કલ્યાણ થાશે! મારવાડમાં જો મીરાં ન હોત તો દુનિયા એને યાદ પણ ન કરત… પરણેલી મીરાંએ બે કુળ તાયાઁ, જ્યારે તમારી કુંવારી આ દીકરી તો તમારા એક જ કુળને દીપાવશે, સુવાંગ…!’

‘બેટા મોંઘી!’ આણંદીબા ઊભાં થયાં, દીકરીના માથા પર હાથ મૂક્યો: ‘હું તો રાજીપાથી હા પાડું છું બા! સુખેથી હરિનું ભજન કરજે અને મારી કૂખને ઉજાળજે ગગી!’ અને પતિ સામે જોઇને ઉમેર્યું: ‘મોંઘીને દીકરી ગણી લેવાની ભૂલ હવે સુધારો… આપણે ઘેર જન્મી એટલે આપણી જ દીકરી નથી. પૂર્વભવના એના સંસ્કારોની આડી પાળ બાંધવાનું પાપ આપણે તો નથી કરવું… ચાલો એને આશીર્વાદ આપો…’ અને પિતા ગેમુભાએ પણ દીકરીને રાજી થઇને રજા આપી… માતા-પિતા ઘેર ગયાં…

સંવત ૧૯૨૮માં જન્મેલા મોંઘીબા એ સંવત ૧૯૩૯માં બાર વરસની ઉંમરે વાઘા સ્વામી પાસેથી ગુરુદીક્ષા લીધી. સમર્થ સંત વાઘા સ્વામીએ શિષ્યા મોંઘીબાને યમનિયમ અને યોગની ચાવીઓ આપી અને અગોચરમાંથી ઉજાસનો પંથ દેખાડ્યો. હરિસ્મરણ, દેહાધ્યાસ અને નિરંતર પ્રભુલગનથી મોંઘીબા વિકટતાનાં પગથિયાં ઓળંગતાં રહ્યાં. સાધનાના માર્ગે ડગ દેતાં રહ્યા… ધ્યાન, ધારણા સિદ્ધ થતાં રહ્યાં. જગ્યામાં આવતાં દીનદુખિયાંની માતૃભાવે સેવા કરતાં રહ્યા… સાંસારિક સ્પંદનોને કઠોર પરિશ્રમ અને પ્રભુભજનથી મૂઠીમાં લેતાં રહ્યાં… માંદાની સેવા, દુખિયાંને આશ્વાસન દેતાં રહ્યાં.

કોયા ભગતની જગ્યામાં આવીને ક્ષત્રિયકુળની એક સાવ નાનકડી કન્યકાએ સેવાનો, વૈરાગ્યનો, સાધુપણાનો પહાડ ઊંચકી લીધો! આનુવાંશિક શૌર્યને એણે સેવામાં પલટી જાણ્યું… અલખધણી પરનો એનો અગાધ વિશ્વાસ એવો અડગ બન્યો કે કોઇનીય પાસે હાથ લંબાવ્યા વગર, કોઇ દાતાના દાન વગર જગ્યાના રસોડે ધમધોકાર સદાવ્રત ચાલુ રાખ્યું. કહેવાય છે કે ભાવનગરના રાજવીએ, સામે ચાલીને જગ્યાને દાન આપવાની, વિકસાવવાની મોંઘીબા પાસે વિનંતી કરેલી પણ મોંઘીબાએ નમ્રતાથી ઇન્કાર કર્યો:

‘ના બાપા! તમે તો રજવાડું છો, ધારો તો આ જગ્યા પર સોનાનાં નિળયાં ચડાવી શકો પણ અમારે તો ઉપરવાળો એ જ અમારો દાતા. કોઇની મદદ લેવી એટલે હરિ પરના વિશ્વાસને ડગાવવો ને? મારો પ્રભુ બધું પૂરું કરશે…’ થોડાં જ વર્ષોમાં કોયા ભગતની જગ્યાની કાયાપલટ થઇ. જગ્યાના આંગણે વગર માગ્યે, વગર ફાળે, ગાડા મોઢે અન્ન અને ઢગલા મોઢે ધન આવતાં થયાં… જગ્યા વિસ્તરતી રહી, કીર્તિ ફેલાતી રહી.

સંવત ૧૯૫૫ ગુરુવર્ય વાઘા સ્વામીનો દેહવિલય થયો અને સંવત ૧૯૫૯માં મોંઘીબાએ ગુરુદેવ પાછળ મોટો મંડપ કર્યો… હજારોની મેદની ઊમટી… હજારોને અન્નનારાયણનો પ્રસાદ મળ્યો. પૂ. મોંઘીબા તથા ગગજી સ્વામીએ સંવત ૧૯૬૬માં ભવ્ય મંદિર બંધાવ્યાં. કોયા રામજીની આરસની સમાધિ બનાવી. રાધાકૃષ્ણની મૂર્તિઓ પધરાવી… જગ્યાને સમૃદ્ધ પ્રતિષ્ઠા અપાવી… તારીખ ૨૩-૧-૧૯૬૫ના રોજ પૂ. મોંઘીબા સમાધસ્થિ થયાં. જગ્યાનો કારોબાર વિટ્ઠલદાસજીએ સંભાળ્યો…

નોંધ: હાલ જગ્યાના મહંતપદે મહારાજ શ્રી ઝીણારામજી બિરાજે છે. સદાવ્રત ચાલે છે. શ્રી ઝીણારામ બાપુના શિક્ષણના કારણે જગ્યાની સેવા વિસ્તરી છે. જગ્યાનું પોતાનું ધર્માદાનું દવાખાનું છે. વિનામૂલ્યે દવાઓ અપાય છે. જગ્યામાં ગૂણી મોઢે આવતા અનાજમાંથી આસપાસનાં ગામડાંઓમાં ગરીબોને, વંચિતોને ઘેર બેઠાં અનાજ પહોંચાડાય છે અને એ પણ કોઇ ન જાણે એ રીતે. આમ મોંઘીબાની જગ્યા સિહોર વિસ્તારના લોકો માટે લીલો છાંયડો છે….

તોરણ – નાનાભાઈ જેબલિયા

ફોટો સૌજન્ય: સુરપાલસિંહજી ગોહિલ – ભડલી

error: Content is protected !!