લોક સાહિત્યના કલાધરઃ શ્રી મેઘાણંદ ગઢવી

મેધાવી કંઠના સુપ્રસિદ્ધ વાર્તાકાર મેઘાણંદ ગઢવીનો જન્મ ઘેડ વિસ્તારના છત્રાવા ગામે ચારણ જ્ઞાતિની લીલા શાખના ખેંગાર ગઢવીને ત્યાં સંવત ૧૯૧૮માં થયો હતો.

લોકસાહિત્યના ક્ષેત્રમાં “લોકવાર્તા” આગવું સ્થાન ધરાવે છે. પહેલાના જમાનામાં આવી લોકવાર્તાઓ જામતી. કોઈ રાજદરબારે, પણ આતો જનસમાજની વાતું જનસમાજમાં સહુને સાંભળવી હોયને! પોતાની રત્ન સમી સંસ્કૃતિની ગાથાથી જનસમાજ કેમ વંચિત રહે? અને આમ મેઘાણંદ ગઢવી જેવા પ્રચંડકાય વીર વાર્તાકારના બુલંદ કંઠને આમજનતા સમક્ષ વહેતો મૂક્યો શ્રી ગોકળદાસ રાયચૂરાએ .

બાલ્યાવસ્થામાં જ મેધાણંદ ગઢવીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી મોસાળમાં મોટા થયા. સંસ્કૃતિના વારસા સાથે જન્મેલા મેઘાણંદની બાલ્યાવસ્થા તો અતિ પરિશ્રમમાં વીતી, પહેલેથી શ્રદ્ધાવાન તો ખરા જ. રાણા રીઝવાડાના જીજાબાઈ નરેલા પાસેથી વાર્તા, કવિતા અને કાવ્યો સાંભળે અને શીખે. આમ સાહિત્યનો પરંપરાગત અભ્યાસ તેમનામાં દઢ થતો ગયો અને યુવાવસ્થા સુધીમાં તો તેઓ એક સમર્થ વાર્તાકાર તરીકે પંકાયા. તેઓ વાર્તા માંડે ત્યારે તેમાં નવે રસના પ્રવાહો વહેતા હોય ને શ્રોતાઓ સ્થિર ચિત્તે વાર્તાપ્રવાહમાં તણાતા હોય. તેમાં સમયનાં બંધન તો ક્યાંથી હોય! કહે છે કે, મુંબઈમાં મેઘાણંદ ગઢવીએ રા’નવઘણની વાર્તા દરરોજના ત્રણ ત્રણ કલાક એમ કરીને નવ દિવસ સુધી કરેલી.

મેઘાણંદ ગઢવીને પ્રથમ વાર્તા કહેવાનો પ્રસંગ સાંપડયો માંગરોળમાં, ત્યાંના દરબાર હુસેન મિયાં શેખે તેમની વાર્તા સાંભળી અને સાતસો કોરી આપી હતી. પછી તો ગામડગામડે જ્યાં-જ્યાં તેઓ જતા ત્યાં વાર્તાઓ મંડાતી અને એક ગામમાં પ્રસરેલી ખુલ્લુ બીજે ગામ પહોંચી જતી.

મેઘાણંદભાઈને મુંબઈનું આમંત્રણ મળ્યું. આ સમર્થ વાર્તાકારની ૭૫મી જન્મજયંતીની ત્યાં ઉજવણી થઈ. પ્રસિદ્ધ સાહિત્યકાર કનૈયાલાલ મુનશીના પ્રમુખપદે ‘સર કાવસજી જહાંગીર હોલ’માં એક કાર્યક્રમ યોજાયો. જેમાં મેઘાણંદજીને ૭૫ સુવર્ણમહોરની ભેટ આપવામાં આવી. વડોદરાના સાહિત્યપ્રેમી મહારાજા સયાજીરાવ ગાયકવાડે પણ મેઘાણંદજીની વાર્તા સાંભળી. રાજવીને જયારે ખબર પડી કે આ વાર્તાકાર નિરક્ષર છે ત્યારે તેને ઘણો આનંદ થયો. સન્માન સાથે આ નિરક્ષર સાક્ષરને પોષાક વગેરે આપી બહુમાન કર્યું. વડોદરામાં મેધાણંદભાઈએ રાયચુરાને મળીને “શારદા” માસિક દ્વારા સાહિત્ય રસિકો પાસે સમૃદ્ધ રસથાળ પીરસ્યો. જૂનાગઢનો પાંચસો વર્ષનો ઇતિહાસ પોતાના કંઠે સાચવીને બેઠેલા મેધાણંદભાઈને જૂનાગઢના નવાબે આમંત્રણ આપ્યું અને પોતાના જ સમર્થ વાર્તાકારનું બહુમાન કર્યું. અને પછી તો સૌરાષ્ટ્રના અનેક રાજવીઓના રાજદરબારે આ વિદ્વાન વાર્તાકારની વાર્તાની રમઝટ બોલતી.

એમનું પ્રચંડ વ્યક્તિત્વ, એમનો ઊંચો પડછંડ દેહ, એમના કંઠે થી વહેતો રણકો સૌ કોઈને આકર્ષે તેવો હતો, એક પરદેશી ચિત્રકાર મિસ બનશે તો મેઘાણંદભાઈનું પૂરા કદનું ચિત્ર બનાવ્યું અને કહ્યું કે, “જગતના ઉત્તમ ચિત્રોમાં આ ચિત્ર સ્થાન પામશે.” એમના બુલંદ કંઠે વહેતું સાહિત્ય ઓક્સફોર્ડ વિદ્યાપીઠની રેકોર્ડ લાયબ્રેરીમાં સંગ્રહાયેલું પડ્યું છે.

સમર્થ વિદ્વાન વાર્તાકાર મેઘાણંદ ગઢવીના વારસદાર તેમના પુત્ર શ્રી મેરૂભાઈ અને શ્રી પિંગળશીભાઈ આજે પણ એ મહાન વિદ્વાન પિતાજીના વારસાને દીપાવી રહ્યા છે. આ પુત્રોની વિદ્વત્તા પરથી પિતા મેઘાણંદજીના જ્ઞાનવારિષિનો ખ્યાલ સહેજે આવે છે. ૮૨ વર્ષની ઉંમરે મેધાણંદભાઈએ જીવનલીલા સંકેલી લીધી. બરડાના આઈ નાગબાઈના આશીર્વાદથી તેમનું જીવન પવિત્ર અને આદર્શ બન્યું હતું. તેવા મેઘાણંદભાઈ એ આપણી અમૂલ્ય મૂડી હતી. ઇ.સ. ૧૯૪૪ આસપાસ તેઓ અવસાન પામ્યા તે પછી ફક્ત ત્રણ વર્ષે મેઘાણીભાઈનું અવસાન થયું. પણ બન્નેની ઉંમરમાં ૩૫ વર્ષનું અંતર! મેઘાણી પ૦ વર્ષે પાછા થયાને મેધાણંદભાઈ ૮૨ વરસે.

ગુજરાતમાં વ્યાપકપણે લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કાર પ્રગટાવનાર એ પ્રથમ પુરુષ હતા. તેમને ગોકળદાસ રાયચૂરા જેવા ઝવેરી મળી ગયા, જેણે રાજદરબારોમાંથી મેધાણંદજીને લોકો વચ્ચે લાવ્યા. ઓક્સફોર્ડ વિદ્યાપીઠના લોકસાહિત્યના સંશોધક પ્રો. આર. નોલેએ મેઘાણંદજીના કંઠ અને કહેણીની ટેપ ઉતારી પણ આજે એ રેકોર્ડિંગ આપણી પાસે નથી, ગોંડલના ઠાકોર સાહેબ સર ભગવતસિંહજીએ એમનું ચિત્રપટ ઉપલેટામાં ઉતારેલું એવું સાંભળ્યું છે. એ કદાચ બોલતું ન પણ હોય, પણ તે એક રાષ્ટ્રીય મૂડી તરીકે જળવાવું જોઈએ.

સાક્ષરો તેમને “નિરક્ષર સાક્ષર” તરીકે બિરદાવતા. સહી કરવા જેટલું પણ અક્ષરજ્ઞાન નહિ મેળવેલું પણ અંતરતલમાં જ્ઞાનના વિપુલ વારિધિ ખળકતા. મેધાણંદ ગઢવીના છ પુત્રોનો પરિવાર સુવિકસિત શાખા – પ્રશાખાએ વિસ્તરી રહ્યો છે, કાવ્ય, સાહિત્યનો ઓછો-વધુ વારસો સૌને મળ્યો છે. એમાં સૌથી મોટા પુત્ર કહનદાસભાઈ વ્યક્તિને રંગાયેલા જયારે શ્રી મેરૂભા ગઢવી લોકસાહિત્યના ધૂરંધર. તેણે મેધાણંદબાપાના જીવનકવનને ગૌરવ અપાવ્યું. જ્યારે શ્રી પિંગળશીભાઈ ગઢવીને કાવ્યનો પ્રસાદ મળ્યો છે. મેઘાણંદભાઈ ગઢવીએ એકધારા સાઈઠ-સાઈઠ વર્ષ સુધી એકધારી સરસ્વતીની ઉપાસના કરી અને વારસામાં પુત્ર પરિવાર રુપે જાજરમાન મૂડી મૂકી ગયા છે.

“સવાર્થી ઓ સંસાર, ભૂલી જશે ભાવને
પહાડ સમો પડકાર, સોરઠ ના સંભારશે.”

પણ તે સમયમાં ટેપ, ટી.વી., રેડિયો જેવા સાધનો ન હોવાથી આપણે મેધાણંદ બાપાનો કંઠ કે સાહિત્ય સાચવી શક્યા નથી.

📌 પ્રેષિત-સંકલનઃ
મયુર. સિધ્ધપુરા – જામનગર

error: Content is protected !!