શ્રી મીનાક્ષી માતા મંદિર – મદુરાઈ – તામિલનાડુ

ભારત સમૃદ્ધ છે એનાં મંદિરોની સંરચના અને એનાં શિલ્પસ્થાપત્યોને કારણે. કદાચ આનેજ લીધે અનેક માન્યતાઓથી ભરપુર છે એ !!! લોકોની શ્રધ્ધાજ મંદિરનાં મહાત્મ્ય અને એના મહત્વને વધારનારી હોય છે. મીનાક્ષી મંદિર એ આખું મદિર નગર છે. જે મદુરાઈ શહેરની વચ્ચો વચ્ચ આવેલું છે જેમ રોમમાં વેટિકનસીટી આવેલું છે એમજ પણ વેટિકન સીટી તો અલગ દેશ છે જ્યારે આ મીનાક્ષી મંદિરતો મદુરાઈ શહેરનો જ એક ભાગ છે અને મદુરાઈ શહેર એ મીનાક્ષી મંદિર ને કારણે જ વિશ્વવિખ્યાત બન્યું છે.

આ મીનાક્ષી મંદિરમાં જો હાથીઓનો વરઘોડો પણ ફરતો હોય તો પણ આપને એને ના જોઈ શકીએ એવું પણ બને !!! અમારે આવું જ બન્યું હતું અમે આ વરઘોડો નહોતાં જોઈ શક્યાં !!! એ કયા ફરતો હતો એનો જ અમને કોઈ અંદાજ નહોતો !!! તાત્પર્ય એ કે આ મંદિર એટલું વિશાળ છે કે એમાં ફરીએ તો આપણે પણ થાકી જ જઈએ !!!

મીનાક્ષી મંદિરનું આખું નામ મીનાક્ષી સુંદરેશ્વર મંદિર કે મીનાક્ષી અમ્મા મંદિર છે. ભારતનાં તામિલનાડુ રાજ્યના મદુરાઈ નગરમાં સ્થિત એક ઐતિહાસિક મંદિર છે. અહીંયા ભગવાન શિવ ( સુંદરેશ્વર અથવા સુંદર ઈશ્વરનાં રૂપમાં) એવં એમની ભાર્યા દેવી પાર્વતી (મીનાક્ષી કે માછલી આંખવાળી દેવીનાં રૂપમાં )બંનેને સમર્પિત છે !!! એ ધ્યાન યોગ્ય છે કે માછલી પાંડય રાજાઓનું રાજ ચિહ્ન છે. આ મંદિર તમિલ ભાષાનાં ગૃહસ્થાન ૨૫૦૦ વર્ષ પુરાણા મદુરાઈ નગરની જીવનરેખા છે !!!

હિંદુ પૌરાણિક કથાનુસાર ભગવાન શિવ સુંદરેશ્વર રૂપમાં પોતાનાં ગણોની સાથે પાંડય રાજા મલયધ્વજની પુત્રી રાજકુમારી મીનાક્ષી સાથે વિવાહ રચાવવા મદુરાઈ નગરમાં આવ્યાં હતાં. મીનાક્ષી દેવી માં પાર્વતીનો અવતાર મનાય છે !!! આ મંદિરને દેવી પાર્વતીનાં સર્વાધિક પવિત્ર સ્થાનોમાં એક માનવામાં આવે છે. અન્ય સ્થાનોમાં કાંચીપુરમનું કામાક્ષી મંદિર, તિરુવનૈકવલનું અકિલંદ્રેશ્વરી મંદિર એવં વારાણસીનું વિશાલાક્ષી મંદિર પ્રમુખ છે !!!

આ મંદિરનું સ્થાપત્ય એવં વાસ્તુકલા આશ્ચર્યચકિત કરી દેનારી છે. જે કારણે આ આધુનિક વિશ્વનાં સાત આશ્ચયોમાં પ્રથમ સ્થાન પર સ્થિત છે. એવં એનું કારણ એનું વિસ્મયકારક સ્થાપત્ય જ છે. આ મંદિરમાં ૧૨ ભવ્ય ગોપુરમ છે. જે અતિ વિસ્તૃત પ્રમાણમાં શિલ્પિત છે. એનાં પર બહુજ મહેનતા એવં કુશળતાપૂર્વક રંગ એવં ચિત્રકારી કરવામાં આવી છે, જે જોતાં જ બને છે !!! આ મંદિર તમિલ લોકોનું એક અતિ મહત્વપૂર્ણ દ્યોતક છે. એવં એનું વર્ણન તમિલ સાહિત્યમાં પુરાતનકાળથી જ થતું રહ્યું છે. જો કે વર્તમાન નિર્માણ આરંભિક સત્તરમી સદીનું બતાવવામાં આવે છે.

પૌરાણિક કથા  ——-

હિંદુ આલેખો અનુસાર ભગવાન શિવ પૃથ્વી પર સુંદરેશ્વર રૂપમાં મીનાક્ષી જોડે જે સ્વયમ પાર્વતીનો અવતાર હતી. એમની સાથે વિવાહ રચાવવા આવ્યાં (અવતરિત થયાં). દેવી પાર્વતીએ પૂર્વમાં પાંડય રાજા માંલાયધ્વજ, મદુરાઈનાં રાજાની ઘોર તપસ્યાનાં ફળસ્વરૂપ એમનાં ઘરમાં એક પુત્રીનાં રૂપમાં અવતાર લીધો હતો. વયસ્ક થતાં એમણે નગરનું શાસન સાંભળ્યું ત્યારે ભગવાન આવ્યાં અને એમણે વિવાહ પ્રસ્તાવ રાખ્યો જે એમણે સ્વીકાર કરી લીધો !!! આ વિવાહને વિશ્વની સૌથી મોટી ઘટના માનવામાં આવી જેમાં લગભગ સમગ્ર પૃથ્વીનાં લોકો મદુરાઈમાં એકત્રિત થયાં હતાં.

ભગવાન વિષ્ણુ સ્વયં, પોતાનાં નિવાસ વૈકુંઠથી આ વિવાહનું સંચાલન કરવાં આવ્યાં. ઈશ્વરીય લીલા અનુસાર ઇન્દ્રને કારણે એમને રસ્તામાં વિલંબ થઇ ગયો. આની વચ્ચે વિવાહ કાર્ય સ્થાનીય દેવતા ફૂડલ અઝધર દ્વારા સંચાલિત કરવામાં આવ્યું !!! બાદમાં ક્રોધિત ભગવાન વિષ્ણુ આવ્યાં અને એમણે મદુરાઈ શહેરમાં કદાપિ નહીં આવવાની પ્રતિજ્ઞા કરી !!! અને એ નગરની સીમમાં લાગેલાં એક સુંદર પર્વત અલ્ગાર કોઈલમાં વસી ગયાં. જ્યારે ભગવાન વિષ્ણુ મદુરાઈમાં આવ્યાં તો એમણે વિવાહનું પ્રમાણ માંગ્યું ત્યારે દેવીએ વિવાહનાં સાક્ષીના રૂપમાં પ્રાર્થના કરી તો ત્યાં પર એક વૃક્ષ ઉત્પન્ન થયું અને એણે આ વિવાહની વાતની પુષ્ટિ કરી !!! પછીથી એમણે અન્ય દેવતાઓ દ્વારા માનવવામાં આવ્યાં એવં એમણે મીનાક્ષી -સુંદરેશ્વરનું પાણિગ્રહણ કરાવ્યું !!!

આ મંદિરમાં ૩-૩ ની પંક્તિઓમાં ૧૭ પંક્તિઓમાં કુલ ૫૧ શિવલિંગ વિદ્યમાન છે. એમાં ૪૭મુ શિવલિંગ મરકત મણિનું છે !!! આ વિવાહ એવં ભગવાન વિષ્ણુને શાંત કરીને મનાવવા, બન્નેને મદુરાઈના સૌથી મોટાં ત્યૌહારનાં રૂપમાં મનાવવામાં આવે છે. જેને ચિતિરઈ તિરૂવિજા અથવા અઝકર તિરુવિજા, એટલે કે સુંદર ઈશ્વરનો તહેવાર કહેવામાં આવે છે !!!

આ દિવ્ય યુગલ દ્વારા નગર પર બહુજ સમય સુધી શાસન કર્યું હતું. આ તો વર્ણિત નથી જ કે એ સ્થાનનું એમનાં જવાં પછી શું થયું તે !!! એવું પણ માનવામાં આવે છે કે ઇન્દ્રને ભગવાન શિવની મૂર્તિ શિવલિંગ રૂપમાં મળી હતી અને એમણે મંદિર બનાવ્યું. આ પ્રથાનું આજે પણ મંદિરમાં પાલન કરવામાં આવે છે ——- ત્યૌહારની શોભાયાત્રામાં ઇન્દ્રના વાહનને પણ સ્થાન મળેલું જ છે !!!

Meenakshi Sundareswarar Temple

આધુનિક ઈતિહાસ  ———-

આધુનિક ઢાંચાનો ઈતિહાસ સાચેસાચ અત્યારે જ્ઞાત નથી, પરંતુ તમિલ સાહિત્ય અનુસાર કેટલીક શતાબ્દીઓ પહેલાં બતાવવામાં આવે છે. તિરુજ્ઞાનસંબન્દર, પ્રસિદ્ધ હિંદુ શૈવ મતાવલંબી સંતે આ મંદિરને આરંભિક સાતમી શતાબ્દીમાં બતાવવામાં આવે છે. ઔરિન ભગવાનને આલવાઇ ઈરૈવાન કહે છે. આ મંદિરમાં મુસ્લિમ શાસક મલિક કપૂરે ઇસવી સન ૧૩૧૦માં ખુબ જ લૂંટફાટ કરી હતી અને એનાં પ્રાચીન ઘટકોને નષ્ટ કરી દીધાં હતાં. પછી એનાં પુનર્નિર્માણનું ઉત્તરદાયિત્વ આર્ય નાથ મુદલિયાર (ઇસવીસન ૧૫૯૯ -૧૬૦૦)મદુરાઈનાં પ્રથમ નાયકના પ્રધાનમંત્રીએ ઉઠાવ્યું. એ જ “પોલિગર પ્રણાલી “નાં સંસ્થાપક હતાં. પછી તિરૂમલય નાયક, લગભગ ઇસવીસન ૧૬૨૩થી ઇસવીસન ૧૬૫૯નું સર્વાધિક મુલ્યવાન યોગદાન રહ્યું. એમણે મંદિરનાં વસંત મંડપનાં નિર્માણમાં ઉલ્લેખનીય ઉત્સાહ બતાવ્યો હતો !!!

આ મંદિરનું ગર્ભગૃહ ૩૫૦૦ વર્ષ પુરાણું છે. એની બાહ્ય દિવાલો અને અન્ય બાહ્ય નિર્માણ લગભગ ૧૫૦૦ – ૨૦૦૦વર્ષ પુરાણા છે. આ આખાં મંદિરનો ભવન સમૂહ લગભગ ૪૫ એકર ભૂમિમાં બનેલો છે !!! જેમાં મુખ્ય મંદિર ભારે ભરકમ નિર્માયું છે અને એની લંબાઈ ૨૫૪ મીટર એવં પહોળાઈ ૨૩૭ મીટર છે. મંદિર બાર વિશાળ ગોપુરમોથી ઘેરાયેલું છે. જે એની બે પરિસીમા ભિંત (ચાર દિવાલો)માં બનેલું છે !!! એમાં પણ દક્ષિણ દ્વારનું ગોપુરમ સર્વોચ્ચ છે !!!

પૂર્વી દ્વાર દિશા તલ સંખ્યા ૯ ઊંચાઈ ૧૬૧.૩ ફૂટ અને શિલ્પસંખ્યા ૧૦૧૧ છે
પશ્ચિમી દ્વાર દિશા તલસંખ્યા ૯ ઊંચાઈ ૧૬૩.૩ ફૂટ અને શિલ્પસંખ્યા ૧૧૨૪ છે
દક્ષિણી દ્વાર દિશા તલસંખ્યા ૯ ઊંચાઈ ૧૭૦.૬ ફૂટ અને શિલ્પસંખ્યા ૧૫૧૧ છે
ઉત્તરી દ્વાર દિશા તલસંખ્યા ૯ ઊંચાઈ ૧૬૦.૬ ફૂટ અને શિલ્પસંખ્યા સૌથી ઓછી છે

મંદિર  ——–

શિવ મંદિર સમૂહનાંનાં મધ્યમાં સ્થિત છે, જે દેવીનાં કર્મકાંડ પછીમાં વધારે વધવાનો સંકેત કરે છે. આ મંદિરમાં ભગવાન શિવની નટરાજ મુદ્રા પણ સ્થાપિત છે. ભગવાન શિવની આ મુદ્રા સામાન્યત: નૃત્ય કરતાં પોતાનો જમણો પગ ઉઠાવેલી  હોય છે પરંતુ અહીં એમનો ડાબો પગ ઉઠેલો છે !!! એક કથા અનુસાર રાજા રાજશેખર પાંડયની પ્રાર્થના પર ભગવાને પોતાની મુદ્રા અહીં બદલી લીધી હતી !!! આવું એટલાં માટે થયું હતું કે સદા એક જ પગ ઉઠાવી રાખવાથી એનાં પર અધિક ભાર પડયો હશે. આ નિવેદન એમનાં વ્યક્તિગત નૃત્ય અનુભવ પર આધારિત હતું
આ ભારે નટરાજની મૂર્તિ એક મોટી ચાંદીની વેદીમાં બંધ છે. એટલાં માટે એને વેલ્લી અમ્બમ (રજત આવાસી )કહેવાય છે !!! આ ગૃહની બહાર બહુજ મોટી શિલ્પ આકૃતિઓ છે , જે એક જ પથ્થરમાંથી બનેલી છે. એની સાથે અહીંયા બૃહત ગણેશ મંદિર પણ છે , જેને મુકુરૂનય વિનાયગર કહેવામાં આવે છે. આ મૂર્તિને મંદિરનાં સરોવરની ખોદાઈના સમયે બહાર કાઢવામાં આવી હતી !!! મીનાક્ષી દેવીનું ગર્ભગૃહ ભગવાન શિવની ડાબી તરફ સ્થિત છે !!! અને એનું શિલ્પસ્તર શિવ મંદિરથી નિમ્ન છે !!!

પોત્રમરૈ સરોવર ————

કહેવાય છે કે ઇન્દ્રે સ્વર્ણકમળ અહીંથી જ તોડયાં હતાં. પોત્રમરૈ કુલમ, પવિત્ર સરોવર ૧૬૫ ફૂટ લાંબુ એવં ૧૨૦ફૂટ પહોળું છે. આ મંદિરની અંદર ભક્તો માટેનું અતિપવિત્ર સ્થળ છે. ભક્તગણ મંદિરમાં પ્રવેશ કરતાં પહેલાં એની પરિક્રમા કરે છે. આનો શાબ્દિક આર્થ થાય છે “સ્વર્ણ કમળ વાળું સરોવર”
અને અક્ષરશ:એમાં ઊગતાં કમળોનો વર્ણ પણ સુવર્ણ છે !!! એક પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવે એક સારસ પક્ષીને એવું વરદાન આપ્યું કે આ સરોવરમાં ક્યારેય પણ કોઈ માછલી કે અન્ય જળચર પેદા નહીં થાય અને એવું છે પણ ખરું !!! તમિલ ધારણા અનુસાર આ નવાં સાહિત્યને પરખવા માટેનું ઉત્તમ સ્થળ છે. અત:એવં લેખક અહીંયા પોતાનાં સાહિત્ય કાર્યને રાખે છે. એવં નિમ્ન કોટિનાં કાર્યો એમાં ડૂબી જાય છે. એવં ઉચ્ચ શ્રેણીનું સાહિત્ય એમાં તરે છે એમાં ડૂબતું નથી જ !!!

સહસ્ર સ્તંભ મંડપ  ———–

આયિરામ કાલ મંડપ અથવા સહસ્ર સ્તંભ મંડપ કે હજાર થાંભલાઓવાળો મંડપ, અત્યોચ્ચ શિલ્પનું મહત્વ છે. એમાં ૯૮૫ (નાકે ૧૦૦૦) ભવ્ય તરશેલા સ્તંભ છે. આ ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગનાં અનુરક્ષણમાં છે. એવી ધારણા છે કે આનું નિર્માણ આર્ય નાથ મુદલિયારે કરાવ્યું હતું. મુદલિયારની આશ્વારોહી મૂર્તિ મંડપમાં જતી સીડીઓની બગલમાં સ્થિત છે. પ્રત્યેક સ્તંભ પર શિલ્પકારી કરવામાં આવેલી છે. જે દ્રવિડ શિલ્પકારીનો બહેતરીન નમૂનો છે. આ મંડપમાં મંદિરનું કલા સંગ્રહાલય પણ સ્થિત છે. એમાં મૂર્તિઓ, ચિત્ર, છાયાચિત્રએવં ચિત્રકારી ઈત્યાદિ દ્વારા એનો ૧૨૦૦ વર્ષનો ઈતિહાસ આપણે જોઈ શકીએ છીએ. આ મંડપની બહાર જ પશ્ચિમ તરફ સ્નાગીતમય સ્તંભ સ્થિત છે. એમાં પ્રત્યેક સ્તંભ પર થાપ મારવાથી ભિન્ન ભિન્ન સ્વરો નીકળે છે !!! સ્તંભ મંડપની દક્ષિણમાં કલ્યાણ મંડપ સ્થિત છે. જ્યાં પ્રતિવર્ષ મધ્ય એપ્રિલમાં ચૈત્રમાસમાં ચિતિરઈ ઉત્સવ માનવવામાં આવે છે. એમાં શિવ-પાર્વતી વિવાહનું આયોજન થાય છે !!!

ઉત્સવ એવં તહેવાર  ———–

આમન્દીર સાથે જોડાયેલો સૌથી મહત્વપૂર્ણ ઉત્સવ છે મીનાક્ષી તિરૂકલ્યાણમ, જેનું આયોજન ચૈત્ર માસ (એપ્રિલની મધ્યમાં) થાય છે. આ ઉત્સવની સાથે જ તામિલનાડુનાં અધિકાંસ મંદિરોમાં વાર્ષિક ઉત્સવોનું આયોજન પણ થાય છે. એમાં અનેક અંક હોય છે જેમકે રથયાત્રા (તેર તિરૂવિજાહ) એવં નૌકા ઉત્સવ (તેપ્પા તિરૂવિજાહ) આ સીવાય પણ અન્ય હિંદુ ઉત્સવ જેવાં કે નવરાત્રી એવં શિવરાત્રી પણ અહીંયા ધૂમ ધામથી માનવવામાં આવે છે. તામિલનાડુ નાં બધાં શક્તિમંદિરોની જેમ જ , તમિલ મહિના આદિ (જુલાઈ૧૫ -ઓગષ્ટ ૧૭) અને તૈ (જાન્યુઆરી ૧૫ થી ફેબ્રુઆરી ૧૫)માં આવનારાં બધાં શુક્રવારો બહુજ હર્ષોલ્લાસ સાથે માનવવામાં આવે છે. મંદિરમાં બહુજ ભીડ રહેતી હોય છે !!!

થોડુંક વધારે  ———

મદુરાઇનું પુરાણું શહેર ૨૫૦૦ વર્ષથી અધિક પુરાણું છે અને એનું નિર્માણ પાંડિયન રાજા કુલશેખરે છઠ્ઠી શતાબ્દીમાં કરાવ્યું હતું, પરંતુ આ નાયકનો કાર્યકાળ માંદુરાઈનો સુવર્ણકાળ કહેવાય છે જયારે વાસ્તુકલા અને અધિગમ્યતાબહુજ અધિક પ્રમાણમાં ફૂલી. શહેરમાં સૌથી સુંદર ભવન સહિત એમનાં સૌથી પ્રસિદ્ધ સ્મારક શામિલ છે જેમકે મીનાક્ષી મંદિર જેને નાયક શાસનકાળ દરમિયાન બનવવામાં આવ્યું હતું !!!

લોકકથા  ———–

દેવી મીનાક્ષીને રાજા મલયધ્વજ પાંડિયા અને રાણી કાંચનમાલાની બેટી માનવામાં આવે છે જે ઘણાં યજ્ઞો પછી પેદા થઇ હતી. એ ત્રણ વર્ષની બાલિકા અંતિમ યજ્ઞની આગમાંથી પ્રકટ થઇ હતી !!! રાજકુમારી મીનાક્ષી મોટી થઈને એક સુંદર મહિલામાં બદલાઈ ગઈ જે અનેક ભૂમિઓનાં સંઘર્ષમાં વિજયી રહી અને શક્તિશાળી રાજાઓને એણે ચુનૌતી આપી હતી. જયારે એ ખબર પડી કે આ રાજકુમારી વાસ્તવમાં પાર્વતીજીનો પુન:જન્મ છે. જે પૃથ્વી પર પોતાનાં પાછલાં જીવનમાં કાંચનમાલાને આપવામાં આવેલાં વચનોનું સન્માન કરવાં માટે આવેલી છે !!! આ પ્રકારે ભગવાન શિવજી મીનાક્ષી સાથે વિવાહ કરીને સુંદરેશ્વર રૂપમાં મદુરાઈ આવ્યાં અને અહી ઘણાં વર્ષો સુધી શાસન કર્યું તથા એ બંનેએ એ જ સ્થાનથી સ્વર્ગની યાત્રા આરંભ કરી જ્યાં આજે મંદિર સ્થિત છે

 

મદુરાઈ શહેરમાં સ્થિત મીનાક્ષી – સુંદરેશ્વર મંદિર ભગવાન શિવની પત્ની દેવી મીનાક્ષી એટલે કે દેવી પાર્વતીને સમર્પિત છે. વૈગઈ નદીનાં કિનારે સ્થિત આ શહેર ઘણું જ સુંદર છે !!! આ શહેર પહેલાં દક્ષિણ પાંડય દેશની રાજધાની રહેલું છે. એની પ્રસિદ્ધિ મીનાક્ષીદેવીનાં મંદિરને કારણે જ છે. કહેવાય છે કે અહીંયા શિવલિંગની પૂજા સાતમી સદીથી થતી આવી રહી છે !!! દેવી મીનાક્ષીનું આ મંદિર બારમી શતાબ્દીમાં ચંડયવર્મન સુંદર પાંડયનાં શાસનકાળમાં બન્યું. બહારનાં મિનારા તેરમીથી સોળમી સદીમાં બન્યાં. નાયક વંશના રાજાઓએ લગભગ ૨૦૦ વર્ષ શાસન કર્યું અને આ દરમિયાન એમણે ઘણાં મંડપો અને હજાર સ્તંભોવાળું ભવન બનાવ્યું !!!

અહીંયા ડાબી બાજુ મીનાક્ષીદેવીનું મંદિર છે. અહીં દેવીની સુંદર પ્રતિમા છે. દેવીની મૂર્તિની સામે બુધ ગ્રહ છે !!! એટલાં જ માટે દેવીનાં દર્શન પછી એ દિશામાં પાછાં ફરીને જોતાં જોતાં પ્રણામ કરવામાં આવે છે. લીલો પથ્થર બુધનું પ્રતિક માનવામાં આવે છે એટલાં જ માટે દેવીની પ્રતિમા મરગત પથ્થરમાંથી બનવવામાં આવીછે. કહેવાય છે કે અહીં આવવાંવાળાં શ્રદ્ધાળુઓની બધીજ મન્નતો પૂરી થાય છે. ખાસકરીને બુધવારે અહીંયા પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે !!!

આક્રમણકારીઓએ બહુજ નુકસાન પહોંચાડયું. હિન્દુસ્તાનના ઘણાં મંદિરોની જેમ મીનાક્ષી મંદિરને [પણ આક્રમણ કારીઓએ ઘણું જ નુકશાન પહોંચાડયું હતું. ઇસવીસન ૧૩૧૦માં મલિક કાફૂરે મંદિરને પૂરી રીતે નષ્ટ કરવાની કોશિશ કરી હતી, પરંતુ એ વખતે મંદિરનાં પુજારીઓએ મૂળ પ્રતિમાઓને સુરક્ષિત કરીને એને બચાવી લીધી હતી. લગભગ ૫૦ વર્ષ પછી મદુરાઈ મુસ્લિમ આક્રમણકારીઓનાં શાસનમાંથી મકત થયું. એનાં પછી પ્રતિમાઓને ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવી. ઇસવીસન ૧૫૫૯ થી ઇસવીસન ૧૬૦૦ની વચ્ચે મદુરાઈનાં નાયક પ્રધાનમંત્રી આર્યનાથ મુદલિયારે મંદિરનું પુનર્નિર્માણ શરુ કરાવ્યું જેને આગળ જઈને ઘણાં લોકોએ આગળ વધાર્યું !!!

દરરોજ આ મંદિરમાં લગભગ ૨૦,૦૦૦ લોકોને આ મંદિર આકર્ષિત કરે છે અને વિશેષત: શુક્રવારના દિવસે ૩૦,૦૦૦ લોકોને આકર્ષિત કરે છે. આ મંદિરને આનાથી લગભગ ૬૦ મિલિયન રૂપિયા વર્ષે મળે છે !!!હકહેવાય છે કે આ મંદિરમાં કુલ ૩૩,૦૦૦ મૂર્તિઓ છે “ન્યુ સેવન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ ” માટે નામનિર્દેશિત કરવામાં આવેલી ૩૦ મુખ્ય જગ્યાઓની સુચિમાં આ મંદિર પણ શામિલ હતું. આ મંદિર શહેરનું સૌથી મુખ્ય કેન્દ્ર અને આકર્ષણનું કેન્દ્રબિંદુ રહ્યું છે !!! દર સાલ અપ્રિલ અને મે મહિનામાં અહીંયા ૧૦ દિવસો સુધી ચાલવાંવાળો મીનાક્ષી તિરૂકલ્યાણમ મહોત્સવ માનવવામાં આવે છે. જેમાં લગભગ ૧ મિલિયન કરતાં વધારે લોકો આવે છે !!!

મીનાક્ષી મંદિરનો સમય સવારનાં ૫ વાગ્યાથી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધીનો અને સાંજે ૪ વાગ્યાથી રાતના ૯.૩૦ વાગ્યા સુધીનો છે. એકવાર તો અવશ્ય જવું જોઈએ દરેકે અહીંયા દર્શન કરવાં !!!

ક્યારેય ખતમ ના થાય એવી આસ્થા ….
ભાવોની પરાકાષ્ઠા ….
દર્શનની દિવ્યતા ….
અને માતાનો વૈભવ જે લૌકિક હોવાં છતાં પણ અલૌકિકતાનો એહસાસ કરાવે છે ….
આ સાક્ષાત્કાર દરેકે કરવો જ રહ્યો !!!
તો ….. જઇ આવો સૌ મીનાક્ષી અમ્માનાં દર્શન કરવાં !!!

શત શત નમન માં મીનાક્ષી અમ્માને !!!

!! જય માં મીનાક્ષીદેવી !!

———– જનમેજય અધ્વર્યુ

👏👏👏👏👏👏👏👏👏

error: Content is protected !!