મહાદેવની સૌથી વિશાળ પ્રતિમા ધરાવતું મંદિર મુરુડેશ્વર

ભારતમાં મહાદેવની સૌથી વિશાળ પ્રતિમા ક્યાં આવેલી છે? તમે જાણો છો ? એ છે કર્ણાટક રાજ્યમાં આવેલું મુરુડેશ્વર મંદિર. નેપાળમાં આવેલ કૈલાશનાથ મહાદેવની મૂર્તિ દુનિયામાં શિવજીની શૌથી ઊંચી પ્રતિમા તરીકે નામ ધરાવે છે જેની ઊંચાઈ 44 મીટર (144 ફૂટ) છે જયારે દુનિયાની બીજી સૌથી ઊંચી પ્રતિમા ભારતમાં જ આવેલી છે જે કર્ણાટક રાજ્યના મુરુડેશ્વર ગામના મુરુડેશ્વર મંદિરમાં આવેલી છે. તો ચાલો જાણીયે આ મુરુડેશ્વર મંદિર વિષે.

સામાન્ય રીતે ભારતીય પ્રજા કોઈપણ સ્થળના પ્રવાસે જાય ત્યારે તે સ્થળના પ્રાકૃતિક સૌંદર્ય સાથે તે સ્થાનકનું ધાર્મિક મહત્ત્વ અચૂક તપાસી લે. તેથી જ આપણે ત્યાં પ્રવાસન સ્થળો કરતાં યાત્રાસ્થાનો પર વધુ ભીડ જોવા મળે છે. આવું જ એક સૌંદર્ય-યાત્રાધામ છે કર્ણાટકનું મુરુડેશ્વર મંદિર. મેંગલોરથી સડક માર્ગે મુરુડેશ્વર જવા નીકળો તો ડાબી બાજુએ ઘૂઘવતો દરિયો અને સમુદ્રતટની સફેદ રેતી તમારા દિલોદિમાગ પર જાદુઈ અસર કરે. તમે પળભર માટે પણ તમારી નજર આ અદ્ભૂત દ્રશ્યથી દૂર ન ખસેડી શકો. દરિયાતટે આવેલા નાના નાના ગામડાંઓ પાસેથી પસાર થતી વખતે સડકના કિનારે આવેલા નાના નાના  ખાણીપીણીના સ્ટોલ પર તમે એક કપ ગરમાગરમ કોફી પી શકો કે પછી કુદરતી રીતે જ ઠંડુ શુદ્ધ નાળિયેર પાણી પી શકો. કાંઈ ખાવાની ઇચ્છા હોય તો ફુડ સ્ટોલ પર ખુશ્બુદાર સાંભાર અને ચટણી સાથે મળતી સ્ટિમ ઈડલી તમારી ક્ષુધા શાંત કરવા સાથે જીભના ચટાકા પણ પોષે.

આ તો થઈ પ્રાકૃતિક સૌંદર્ય અને માનવીના ખાવાપીવાના શોખની વાત. પણ પવિત્ર યાત્રામાં તો ભગવાનના દર્શનનો મહિમા હોય. અહીં તમે મુરુડેશ્વર પહોંચવા આવો તો દૂરથી જ તમને મધ્યયુગનું આશ્ચર્ય પમાડનારું ૨૪૯ ફૂટ ઊંચા મંદિરનું રાજા ગોપુરમ્ અને ભોલે શંભુની વિશ્વની બીજા નંબરની સૌથી વિશાળ પ્રતિમા નજરે પડે. આ વિશાળ શિવ પ્રતિમાની ઊંચાઈ 123 ફુટ (37 મીટર) છે. ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલી ટેકરીની ટોચે બિરાજેલા શંકર ભગવાનના દર્શન કરીને તમારી આંખો પહોળી થઈ જાય, તમારું મોઢું ખુલ્લું રહી જાય. આ પ્રતિમાની સ્થાપના એવી રીતે કરવામાં આવી છે કે સૂર્યના કિરણો સીધાં જ શિવજી પર પડે અને મૂર્તિ અત્યંત તેજસ્વી લાગે. તમે જેમ જેમ નજીક જતાં જાઓ તેમ તેમ આખું મંદિર નજરે પડે. પાસે આવ્યા પછી ડમરુ-ત્રિશુલધારી મહાદેવની ભવ્ય પ્રતિમા પાસે ઊભેલો રાવણ ભરવાડના વેશમાં રહેલા ગણેશજીને શિવલિંગ આપતો દેખાય.

મુરુડેશ્વર મંદિરનો ઇતિહાસ

આ શિવાલયની કથા રાવણની માતા કૈકસી સાથે જોડાયેલી છે. વાસ્તવમાં કેૈકસી ઈચ્છતી હતી કે તેનો પુત્ર રાવણ અમર બની જાય અને લંકાનોે વિનાશ ક્યારેય ન થાય. આને માટે કૈલાસ નિવાસી મહાદેવ પાસેથી પવિત્ર શિવલિંગ લાવીને તેની સ્થાપના રાવણની રાજધાની લંકામાં કરવી પડે. આ આત્મલિંગ (શિવલિંગ) પ્રાપ્ત કરવા રાવણે ઉગ્ર તપ આદર્યું. તેની તપશ્ચર્યા જોઈને ત્રિનયની તેના ઉપર પ્રસન્ન થયા અને રાવણને વરદાન માગવાનું કહ્યું. રાવણે લંકામાં સ્થાપિત કરવા માટે આત્મલિંગની માગણી કરી. ભગવાન શંકરે તેની વાત માની, એક શરત સાથે. શિવજીએ રાવણને કહ્યું કે તને જે આત્મલિંગ આપું છું તે તું લંકા પહોંચે ત્યાં સુધી જમીન પર નહીં મુકવાનું. જો લંકા પહોંચવાથી પહેલા શિવલિંગ ધરતી પર મુકવામાં આવશે તો તેમાં રહેલી બધી શક્તિ મારામાં પાછી આવી જશે.

મહાદેવના વરદાનથી ગદ્ગદિત થયેલા રાવણે શિવલિંગ લઈને લંકાની વાટ પકડી. પરંતુ નારદ મુનિને લાગ્યું કે જો રાવણ લંકામાં આત્મલિંગની સ્થાપના કરી દેશે તો તે અન્ય સઘળાં રાજાઓનો નાશ કરશે અને દેવો પર પણ વિજય મેળવશે. તેથી નારદ મુનિ સીધાં  દુંદાળા દેવ પાસે પહોંચ્યા, અને તેમને વિનંતી કરી કે ગમે તેમ કરીને રાવણને લંકામાં શિવલિંગની સ્થાપના કરતા અટકાવો.

ગણરાયાએ તરત જ ભરવાડનો વેશ ધારણ કર્યો અને ઘેટાં ચરાવવા લાગ્યા. ત્યાં સુધી સાંજ થવા આવી હતી તેથી રાવણનો સંધ્યા વંદનાનો સમય થઈ ગયો હતો. રાવણ સંધ્યા પૂજા કરવાનું ક્યારેય ન ચૂકતો. પરંતુ રાવણને એ વાતની ચિંતા થવા લાગી કે તે સંધ્યા વંદના કરશે ત્યારે શિવલિંગ ક્યાં રાખશે. પણ તેને તરત જ તેની સમસ્યાનો ઉકેલ મળી ગયો. તેણે ત્યાં એક ભરવાડને ઘેટાં ચરાવતા જોયો. રાવણ તેની પાસે પહોંચ્યો અને ભરવાડ (ગણેશજી)ને શિવલિંગ  પકડવાનું કહ્યું. રાવણે સૂંઢાળા દેવને કહ્યું કે જ્યાં સુધી તે ગોધુલિ પૂર્વે સ્નાન કરીને ન આવે ત્યાં સુધી તે શિવલિંગ હાથમાં પકડી રાખે, ધરતી પર ન મુકે. ભરવાડ શિવલિંગ હાથમાં પકડી રાખવા તૈયાર થયો, પણ તેણે કહ્યું કે તે રાવણને ત્રણ વખત બોલાવશે. ત્યાં સુધી જો રાવણ પાછો નહીં ફરે તો તે આત્મલિંગ નીચે મુકી દેશે.

રાવણે તેની શરત કબૂલ કરી. પરંતુ રાવણ સંધ્યા વંદના માટે સમુદ્ર સુધી પહોંચે તેનાથી પહેલા ભરવાડે ત્રણ વખત રાવણને સાદ કર્યો અને એમ કહીને શિવલિંગ જમીન પર મુકી દીધું કે તે ખૂબ વજનદાર હોવાથી તેને હાથમાં  પકડી રાખી શકે તેમ નથી. રાવણ દોડતો દોડતો પાછો આવ્યો અને આત્મલિંગને પૂરા બળ સાથે જમીન પરથી ઊંચકવાનો પ્રયત્ન કર્યો, પણ તેના સઘળા પ્રયાસો નિષ્ફળ નિવડયા. તે પોતાનું માથું પછાડીને જોરજોરથી રડવા  માંડયો. તેનું રુદન સાંભળીને મહાદેવ પ્રગટ થયા અને કહ્યું કે હવેથી આ સ્થળ પવિત્ર-પ્રખ્યાત યાત્રાધામ તરીકે ઓળખાશે. અહીં આવનારા યાત્રાળુઓ સદાય તને યાદ કરશે. પરંતુ રાવણ જ્યારે શિવલિંગને ધરા પરથી ઊંચકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યારે તેની રૃદ્રાક્ષની માળા તૂટીને મુરુડેશ્વરમાં પડી. આ રુદ્રાક્ષ મહાદેવની મુખ્ય પ્રતિમા પાસે આવેલા ઊંડા જળમાં જોવા મળે છે. આ રુદ્રાક્ષના દર્શન જળ પાસે દિવાનું અજવાળું કરીને કરી શકાય છે.

અન્ય માહિતી

અહીં મંદિરની ત્રણ બાજુ દરિયો છે અને અહીંનો બીચ ઘણો લાંબો અને સુંદર છે. એટલે અહીં રમવાનું અને ફરવાનું સરસ ફાવે એવું છે. લોકો દરિયામાં નહાય છે અને બોટીંગની મજા માણે છે. ગામના માછીમારો દરિયામાં માછલાં પકડતા હોય છે. દરિયા કિનારે જાતજાતની દુકાનો છે. રમકડાં, ખાણીપીણી, કપડાં અને ઘણું બધું મળે છે.

અહીંથી ૧૫ કી.મી. દૂર નેત્રાની નામનો ટાપુ છે. લોકો ત્યાં પણ ફરવા જતા હોય છે. ત્યાં ડાઈવીંગ કરવાની સગવડ છે.

મુરુડેશ્વર ગામમાં રહેવા માટે ઘણી હોટેલો છે. આ મંદિરથી આકર્ષાઈને ઘણા પ્રવાસીઓ અહીં આવે છે. અહીં આવવા માટે વર્ષનો કોઈ પણ સમય અનુકૂળ છે. મુરુડેશ્વરથી ઉડુપી ૧૦૦ કી.મી અને કારવાર ૧૨૦ કી.મી. દૂર છે. સૌથી નજીકનું એરપોર્ટ મેંગલોર ૧૬૫ કી.મી. દૂર છે.

ભારતનો સૌથી ઉંચો ધોધ જોગનો ધોધ અહીં થી માત્ર ૯૦ કી.મી. દૂર છે. એટલે જોગનો ધોધ જોવા જાવ ત્યારે મુરુડેશ્વરના શીવજીના દર્શનનો લાભ લઇ શકો છો.

દક્ષિણ ભારતમાં શિવજીના ઘણા બધા જગ વિખ્યાત મંદિરો આવેલા છે એમાં પણ દક્ષિણ ભારતના મંદિરોની એક અલગ જ શૈલી છે જે બીજા મંદિરોથી એને અલગ પાડે છે તો જયારે પણ જાવ ત્યારે કર્ણાટકના મરુડેશ્વર મંદિરના અચૂક દર્શન કરજો અને આમેય ભારતની સૌથી વિશાળ અને ઊંચી શિવજીની પ્રતિમા ના દર્શન નો લ્હાવો ક્યારેય ના ચૂકવો જોય..

દેવાધી દેવ મહાદેવ ને નમન અને વંદન…

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!