માણસુર આહિરની ભક્તિ- ત્રણ ત્રણ પેઢીની આહિરની ભક્તિ શુરવીરતા અને ત્યાગની કથા

માણસુર આહિરની ભક્તિ
વૌવા ગામે નકલંક ધામ

વિક્રમ સંવંત 1900ના અરસામાં વૌવા ગામે માણસુર રુપા (મરંડ) આહિર રહેતા જે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામા આવેલુ છે.

માણસુર બાપાની ભકિત વૌવા માં સૌ કોઇ જાણતુ હતુ તેમની સર્વ ધર્મ ભાવના સદવૃતિ સદવિચારો ઉચ્ચકોટિના હતા તેથી એક રાત્રે તેઓ શયનાવસ્થા મા સુતા હતા ત્યારે સાક્શાત્ નકલંક ભગવાને (દ્વારકાધીશે) તેમને જગાડ્યા અને કહયું માણસુર ભગત તમારી ભકિત જોઇને હું પ્રસન્ન થયો છું કાલે સવારમાં વૌવા ગ્રામ જનોને જગાડજો અને મારા પરચાની વાત કરજો.જો ગામલોકો તમારી અવગણના કરે તો તમે મારો આરાધ જગાવજો હુ તમારી પ્રતમા પાડીશ એમ કહી યાદવેશ નકલંક દાદા અંતરધ્યાન થઇ ગ્યા ભગતને તો આ સમજાતુ જ નહોતું કે સપનું કે હકીકત ધીરે ધીરે માણસુર ભગત સ્વસ્થ થયા અને પોતાની જાતને સંભાળી

સવાર પડતાં જ ભગત પોતાના નિત્યક્રમ પ્રમાણે પ્રભાતફેરી ફરતા ફરતા વૌવાની મધ્યે આવેલ ગામને ચોરે ગામના બંધાણી લોકોનો જમાવડો હતો ત્યાં જઇને માણસુર ભગતે વિતેલી રાતની વાત કરી પણ તેઓ વાત માનવાને બદલે ભગતની મશ્કરી કરવા લાગ્યા ત્યારે ભગતે પોતાના આત્મસ્વમાન ખાતર વૌવાના માછલી તળાવની પાળ પર ભગવાન નકલંક દાદાનો આરાધ જગાવ્યો સૌ ગામલોકોની હાજરી વચ્ચે ધુનના તાલે ભગવાન યાદવેન્દ્ર રિજયા અને માણસુર ભગતની ભકિત ખાતર આકાશ માર્ગે થી ઘોડાપર સવાર અસ્વાર રુપે (નકલંક) રુપે ભગતના ખોળામાં મૂર્તિઓ આવેલ જે આજે પણ મંદિરમાં હયાત છે

સમય જતાં માણસુર ભગત પર જાત જાતના પડકારો ઉભા થવા લાગ્યા અને તેમની પાસેથી નકલંક દાદાના પરચાઓની માગણી થવા લાગી

વાત જાણે એમ બની કે માણસુર ભગત ખેતરે હતા ત્યારે તેમના ખેતરથી દૂર એક ખેતરના ધણી પાસે કેટલાક ગાયોના ગોવાંતિ (ગાયો ચરાવનાર) ગયા અને તેમની પાસેથી પોતાના અને ગાયો માટે પાણીની માંગણી કરી ત્યારે તે ઇર્ષ્યા ખોર ખેતરધણીએ માણસુર ભગતની તરફ દૂરથી ઇશારો કરી કહયુ સામેના ખેતરમા જે દેખાય છે તેની પાસે પુષ્કળ પાણી છે મારી પાસે નથી બિચારા ભોળા ગોવાંતિઓ તે ઇર્ષ્યાળુ માણસની વાતમાં આવી ગ્યા અને માણસુર ભગત પાસે ગાયો ના પીવા માટે તથા પોતાના પીવા માટે પાણીની માગણી કરી ત્યારે ભગતે કહયું ભાઈ મારી પાસે તમને પાઉ એટલું પાણી છે પણ ગાયો ને થાય તેટલું પાણી મારી પાસે નથી ત્યારે ગોવાંતિઓ હઠ કરવા લાગ્યા કે તમે ખોટું બોલો છો તમારી પાસે પાણી છે અને છેવટે તેમણે દાદા નકલંક ના સોગંદ આપ્યા ત્યારે માણસુર ભગત પાસે ભગવાન ને યાદ કરવા સિવાય કોઇ ઉપાય નહોતો એમણે કહયું પાણી છે પણ તમે આકાશ તરફ જોઇને પાણી પાણી ની બુમો પાડો મારા નકલંક દાદો મેહુલો થઇ વરસશે અને તે પ્રમાણે કરતાં ભરઉનાળે ભગતની પ્રતમા ખાતર નકલંક દાદાએ વરસાદ વરસાવ્યો અને ઈસ્વરી તલાવડી વરસાદથી ભરાઈ ગઇ તે પછી ગાયો એ પાણી પીધુ અને તેમની તૃષા તૃપ્ત કરી આજ પણ એ ઇશ્વરી તલાવડી હયાત છે

સમય સમયે એક વખત ચોમાસા ના ટાણે માણસુર ભગત અને તેમનો દિકરો સવો ખેતરમાં વાવણી કરવા જતા હતા તે સમયે રસ્તામા એક યાચક મળ્યો ખૂબજ દયનીય સ્થિતિ જોઇ માણસુર ભગત આખી વાત સમજી ગયા યાચકે ભગત પાસે ઉપલબ્ધ બધા ઘઉંની યાચના કરતાં બધુ અનાજ તેમણે તે માગનાર માગણીને આપી દીધુ ત્યારે માણસુર ભગતનો એકનો એક દિકરો સવો ભગતની આ વાતમાં રિસાઈને ઘરે પરત ફર્યો અને પુરેપુરી વાત ઘરે જણાવી દીધી અને પિતાના આ કાર્ય બદલ તે ખુબજ અસંતુષ્ટ થયો .. … સામે પક્ષે માણસુર ભગત વાવણીયો લઇ ખેતરે પહોંચ્યા પણ વાવેતર માટે તો કંઇ હતુ જ નહિ ત્યારે તેમણે નકલંક દાદાનુ નામ લઇને તે જ ખેતરની માટી તે ખેતરમાં વાવી નાખી સાંજે ઘરે પરત ફર્યા

થોડા દિવસોમાં ભગતને કોઇકે ખેતરમા વાવેલા ઘઉંના ઊગવાના સમાચાર આપ્યા અને કહેવા લાગ્યા કે માણસુર ભગત તમારા ખેતરમાં તો આ વખતે ખૂબ સારો ઘઉંનો ઉગમ (ઉગારો) થયો છે ભગતે આ વાત સાભળી ત્યારે તેમને લાગ્યું કે મારી મશ્કરી થઇ રહી છે તેથી તેમણે વાત વાળી લીધી પણ હદ તો ત્યારે થઇ કે તેમના ઘરે આવીને કોઇક વિશ્વાસ પાત્ર માણસે વાત કરી તેથી વાતની ખાતરી કરવા ગામલોકો પણ આવ્યા એમાં તેમનો પુત્ર સવો પણ હાજર સૌ કોઇની સામે જોઇને આંખો ઠરે તેવા ઘંઉને લહેરાતા જોયા અને ખૂબ પ્રસન્નતા પામ્યાં સૌએ નકલંક દાદાનો જયજયકાર બોલાવ્યો તે જ સમયે પોતાના પિતાની ભકિત પ્રત્યે ભાવ પ્રગટ થતા તેમજ પિતાથી વિમુખ થવાના પોતાના પશ્ચાતાપરુપે સવાએ દાદા નકલંક પાસે સહુની ઉપસ્થિતિમા નખ્ખોદ માગયુ થોડી વાર પહેલાનો આનંદ ઘડીમાં વિલુપ્ત થઇ ગ્યો આ ઘટનાથી માણસુર ભગત પડી ભાંગ્યા મનોમન ખૂબ જ દુ ખી થયા પણ હવે બધી વાતે મોડુ થઇ ગયુ હતુ ત્યારપછી ટૂંકાગાળા મા જ માણસુર ભગતનુ અવસાન થયુ

સમયે સમયે માણસુર ભગતના પુત્ર સવાએ પણ પિતાની ભકિત આગળ વધારી અને પોતે પણ સવાભગત તરીકે પંકાયા

સવાભગત ને સંતાન તરીકે રુડી નામે દિકરી જે મોમાયમોરા કે મોરાગઢ ગામે પરણાવેલ હતી ……..એકવખત રુડી કૂવે પાણી ભરવા ગઇ અને અન્ય કોઇ સ્ત્રીએ રુડી ને મેણુ માર્યુ કે તું તો નભાઇ છો એટલેકે તારે ભાઇ નથી આવુ આકરું મેણુ સહન ના થતા રુડી મોરાગઢ થી વૌવા આવી અને પિતાને બધી વાત કહી સંભળાવી પરંતુ પિતા સવોભગત આ બાબતે લાચાર હતા કારણકે તેમણે નકલંક દાદા પાસેથી નખ્ખોદ માગયુ હતુ તેથી પિતા સવાભગતે રુડીને ઘણી સમજાવી પરંતુ રુડી માનવાને તૈયાર જ નહોતી રુડીએ તો પિતાની આગળ સ્પષ્ટ વાત કહી દીધી કે તમારા વચાળે અને નકલંક દાદા વચ્ચે જે હોયતે મારે ભાઇ જોઇએ એટલે જોઇએ આખરે સવા ભગતે નમતુ મુકયું અને થોડું આસ્વાસન આપતા રુડી તે સમય પુરતી તેની જીદ સંતોષાઇ.

તે જ સાંજે સવા ભગતે નકલંક દાદાનો પાટ માંડયો આરાધ જગાવ્યો અને સાચા અંતઃકરણ પૂર્વક દાદા નકલંક ને રિજવવા લાગ્યા સંસારમાં ભક્ત વિનવે અને ભગવાન ના આવે તેવુ બન્યું છે ખરું દાદો યાદવેશ સવાભગતની મુંઝવણ સમજતા હતા તેથી પાટ માંડેલ મૂર્તિ માંથી અવાજ આવવા લાગ્યો”ભગત તારી માગણી અનુસાર તે નખ્ખોદ માંગ્યું હોવા છતાં રુડી દિકરી નુ મ્હેણુ ભાંગ્વા ખાતર તને દિકરો આપુ છું પણ તેને પરણાવવાના સપના જોઇશ નહિ જેવો આપુ છુ તેવો વીસે વર્ષે પાછો લઇ લઇશ” આમ નકલંક દાદાએ વચલો રસ્તો કાઢ્યો અને પોતાના ભગતની વાત પણ રાખી

સમય જતાં સવા ભગત ની ઘરે પુત્રનો જન્મ થાયછે અને તેનુ નામ કલો રાખવામાં આવે છે ધીરે ધીરે સમય પસાર થતો જાય છે અને કલો મોટો થતો જાય છે રુડીના મ્હેણા પણ ભાંગ્યા સવા ભગતની ઘરે નિત આનંદ ઉત્સવ થતા જાય છે જોત જોતામાં વીસ વર્ષના વાણા વાઇ જાય છે કલાને વીસ વર્ષ થવા માટે છેલ્લો દિવસ ઉગ્યો આ વાત માત્ર સવા ભગતને જ ખબર હતી કે કલા દિકરાનુ આયુષ્ય માત્ર વીસ વર્ષ જ છે ભગતથી આજ રહેવાતું નહોતું કારણકે આજે કલો દિકરો આ સંસારમાથી કોઇપણ પ્રકારે વિદાય લેવાનો હતો મનોમન ઘણુ મુંજાતા હતા ………..ત્યાં ગામમાં આવીને કોઇકે કહયું કે વૌવાની ગાયો સિંધીઓ હાંકી જાય છે આ વાત માણસુર રુપા આહિરનો પૌત્ર કેમ સાંભળી શકે કલો ગાયોની વાર લઇને ચડ્યો સિંધીઓને એકલે હાથે ધૂળ ચટાળી એ વિજયી ભવઃ થઇને ગાયો સહિત વૌવાના સિમાડે આવતો હતો…ત્યાં જ બાજુના ગામ બકુત્રામાંથી વાઘજી દરબારને વૌવાની ગાયો સિંધીઓ હાંકી જાય છે તેવા સમાચાર મળતાં તે તેની રીતે સિંધીઓ નો પીછો કરે છે દૂરથી જ વૌવાના સિમાડે ધૂળના ગોટા ઉડતા જણાતા વાઘજી દરબારે તે તરફ આગળ ચાલતા ચિત્ર ધુંધળું અને ઝાંખુ દેખાતા તેમને મન આ જ ગાયો ચોરી જનાર સિંધી છે તેમણે વધુ વિચાર ના કરતાં સીધી બંદૂકમાંથી ગોળી છોડી જે કલાને લાગતા તેના માટે આ પ્રાણઘાતક પુરવાર થઇ. હજી કલાના ખોળિયામાંથી પ્રાણ નીકળે તે પહેલાં વાઘજી દરબાર ત્યા પહોંચી આવ્યા અને પહેરવેશ પરથી લાગ્યું કે આ તો આપણો આહિર છે આમ મનોમન પોતાની જાતનો તિરસ્કાર કરતાં હતા ત્યારે તેમણે કલા પાસેથી તમામ વિગત જાણી લીધી હતી ત્યારપછી તો ઘણો પછતાવો થયો પણ હવે થવાનું હતુ તે થઇ ગયુ હતુ તે મનમાંને મનમાં બોલતા હતા અરે રે મારા હાથે માણસુર ભગત જેવા ના પૌત્રનુ નિધન અરે રામ એમ કહી માથું ફૂડતા હતા તે પછી કલાના મૃતદેહ ને તેની ઘરે પહોંચાડે છે આમ આ ત્રણ ત્રણ પેઢીની ભકિત ત્યાગ સમર્પણ અને શૌર્ય ની સત્ય ઘટના છે ગામ વૌવાની મધ્યે નકલંક દાદાનુ ભવ્ય મંદિર આવેલ છે.

આ ઇતિહાસ ને જીવંત રાખવા એક ગુજરાતી ફિલ્મ પણ બનાવેલ છે જેનુ શિર્ષક “*”વૌવા ગામે નકલંક ધામ”*”છે જરૂર જોશો

લિ.રત્નાભાઇ રાયમલભાઇ આહિર
મુ.પોસ્ટ વૌવા તા સાંતલપુર જિ પાટણ

આભાર સહ : રુપાણી, વિરાણી , વીમાણી ( મરંડ ) આહિર પરિવાર તેમજ સમસ્ત વૌવા ગામ ચોરાડ , વાગડ , વઢિયાર ત્રણ ચોવિસી આહિર સમાજ..

error: Content is protected !!