પ્રાચીન ભારતમાં માનવીઓનો જીવનસંઘર્ષ આજના જેટલો જટિલ ન હોવાથી પ્રમાણમાં લોકો સુખી હતા. ધરતી કણમાંથી મણ અનાજ આપતી. કોઠીઓ કણથી ભરેલી રહેતી. પશુપાલનના પ્રતાપે ઘી-દૂધની નદીઓ વહેતી. નવ નિરાંત અને સોળેય સુખ એમના આંગણે અલપઝલપ કરતાં હતાં. આમ કુદરતી અનુકૂળતાઓની વચ્ચે સંસ્કૃતિના કેડે ચડેલા માનવીએ અનેક પ્રકારની કલાઓ અને મનોરંજનનાં માધ્યમો શોધી કાઢ્યાં. ૧૪ વિદ્યા અને ૬૪ કલાઓમાં મનોરંજનોને મહત્ત્વનું સ્થાન મળ્યું. આર્થિક રીતે સંપન્ન લોકો મનોરંજનનાં સાધનો જાહેર સ્થળોએ ઉપલબ્ધ કરાવી આપવાનું પુણ્ય અને યશકીર્તિ પ્રાપ્ત કરવા લાગ્યા. આવાં મનોરંજનોમાં રથદોડ, અશ્વદોડ, વનવિહાર, મૃગયા, મલ્લકુસ્તી, ઉદ્યાનયાત્રા, જળવિહાર, શેતરંજ, સુરાપાન તથા પશુપ્રાણીઓનાં યુધ્ધો અત્યંત મહત્ત્વનાં બની રહ્યાં…
મનોરંજન માટે થતાં પ્રાચીન પશુ-પક્ષીનાં યુધ્ધોમાં ગેંડા, હાથી, ઘોડા, ભેંસો, સાંઢ, બકરાં, ઘેટાં, મરઘાં, તેતર, મોર અને બતકનાં યુધ્ધો અત્યંત લોકપ્રિય અને જાણીતાં હતાં. આજથી સાડાચાર પાંચ હજાર વર્ષ પૂર્વેની મનાતી સિંધુ ખીણની સંસ્કૃતિ પર નજર કરશું તો જણાશે કે એ કાળના લોકોને પશુ-પક્ષીઓની લડાઇનો ખૂબ જ શોખ હતો. તેમના આ મનોરંજનની વાતને ત્યાંથી મળી આવેલી મુદ્રાઓ (સીલ) સમર્થન આપે છે. આ પકવેલી મુદ્રાઓ પર લડાઇ કરતાં પશુઓ અને માનવીની અદ્ભુત અંગભંગિમાઓ અંકિત થયેલી જોવા મળે છે.
પ્રાચીન ગ્રંથો મહાભારત, હરિવંશ, હર્ષચરિત, અમરકોશ, દશકુમારચરિતમાં પશુયુધ્ધોની વાતો અને વર્ણનો મળે છે. પદ્મપુરાણઅને સ્કંદપુરાણના કાર્તક માસના માહાત્મ્યમાં રાજાઓ માટે દિવાળીના બીજા દિવસે બળદ, ભેંસો, આખલા વગેરે પશુઓનું યુધ્ઠધથ કરાવવાનું જણાવાયું છે. આવાં પશુયુદ્ધોનું આયોજન થતું એની ઝાંખી સ્કંદપુરાણમાં જોવા મળે છે. પશુઓની સંભાળ રાખનારા ગોવાળિયાઓ લડાયક પશુઓને અખાડામાં સામસામે ઊભાં રાખી તેમના બચ્ચાંને ત્યાંથી આઘાં ખસેડી લેતાં. પછી પશુઓને સિસકારી, ભડકાવી સામસામે ઉશ્કેરીને લડાવાતાં. હર્ષચરિત્માં માત્ર હસ્તિયુધ્ધનો જ ઉલ્લેખ મળે છે. એનું વિગતે વર્ણન મળતું નથી, પરંતુ માનસોલ્લાસમાં મનોરંજન માટેની આ રજવાડી રમતની વિશદ વિગતો ઉપલબ્ધ થાય છે.
જાતકના સમયમાં હાથી અને ઘેટાંની પરસ્પરની લડાઇઓ મનોરંજનનું માધ્યમ બની રહી હતી. બૌધ્ધ સાહિત્યમાં હાથી, ઘોડા, ભેંસો, સાંઢ, બકરાં, ઘેટાં, મરઘા, તેતર વગેરેની લડાઇઓના ઉલ્લેખો મળે છે. ‘બ્રહ્મજાલસૂત્ત’માં જાનવરોની લડાઇની વિગતો પ્રાપ્ત થાય છે. વાત્સ્યાયને તો કામસૂત્રમાં નગરજનોને ભોજન વગેરેમાંથી પરવારીને મરઘાં, ઘેટાં, તેતર વગેરે પાંચ પક્ષીઓની લડાઇ જોવા માટે જણાવ્યું છે.
પશુપ્રાણીઓનાં યુધ્ધોમાં હસ્તિયુધ્ધો ખૂબ પ્રચલિત હતાં. ‘ગજવાણ્યાલિ વિનોદ’માં સોમેશ્વરે હાથી અને તેની સાઠમારીની વિગતે ચર્ચા કરતાં લખ્યું છે કે મૃગ, મંદ અને ભદ્ર એ હાથીની ત્રણ મુખ્ય જાતો છે. આ સિવાય મિશ્ર અને સંકીર્ણ જાતો પણ છે. એ બધામાં કેટલાક હાથી કફપ્રધાન, કેટલાક પિત્તપ્રધાન અને કેટલાક વાયુપ્રધાન હોય છે એ મુજબ કેટલાક રાજસી, કેટલાક તામસી અને કેટલાક મિશ્ર પ્રકૃતિના જોવા મળે છે. એમાંથી લડાયક હાથીઓને દવાદારૂ આપીને ભારેખમ, તંદુરસ્ત અને તગડા બનાવી યુધ્ધમાં ઉતારવામાં આવતા. આ હાથીઓને ગોળી, ચૂરણ અને મલમના રૂપે ઔષધિઓ આપવામાં આવતી. લડાકુ હાથીને તાકાતવર બનાવવા માટે મદભેદન, મદબર્ધન, મદવૃધ્ધિકર અને મદગંધપ્રવર્તન નામની દવાઓ આપવામાં આવતી. યુધ્ધના આગલા દિવસે હાથીને ખૂંખાર બનાવવા માટે ‘ક્રોધદ્દીપન’ નામની ઔષધિ આપવામાં આવતી.
જ્યાં હસ્તિયુધ્ધ થવાનું હોય તે નગરમાં ઢંઢેરો પિટાવીને જાહેરાત કરાતી કે ‘કાલે અખાડામાં હાથીયુધ્ધ થવાનું છે એટલે જાડા માણસો, અપંગ માણસો, બેજીવવાળી (સગર્ભા) બાઇઓ, બુઢ્ઢા અને બાળકોએ ઘરની બહાર નીકળવું નહીં. જેઓ ચપળ અને ઝડપથી દોડી શકે એમ હોય તેમણે અખાડા પર હાથીનું યુધ્ધ જોવા આવવું.’
યુધ્ધના દિવસે હાથીને ભૂખ્યા રાખી ઉત્તેજિત કરનારી દવાઓ અપાતી. એમના શરીરે તેલની માલિશ કરાતી. માથા અને સૂંઢ પર સિંદૂર ચોપડવામાં આવતું. મારુ નામના નાના નાના વાજાં વગાડવામાં આવતા; અને યુધ્ધનાં સૂત્રો પોકારાતા. પછીથી હાથીના મહાવતો યુધ્ધ માટે હાથીને લલકારતા. આ હસ્તિયુધ્ધ માટે નગરમાં ખાસ પ્રકારનો ૪૦૦ X ૨૪૦ હાથની લંબાઇ પહોળાઇવાળો અખાડો બનાવવામાં આવતો. આ અખાડામાં ઝાળ પાથરેલો ઊંચો મજબૂત ચબૂતરો રહેતો. એની ચોગરદમ ઊંડી ખાઇ બનાવાતી. આ ખાઇ આલોકમંદિરના નામે ઓળખાતી.
રાજા પોતાના પરિવાર અને રાજદરબારીઓ સાથે અખાડામાં બેસીને હાથીના યુધ્ધ દ્વારા મનોરંજન માણતા. એની ફરતે ચારે બાજુ ખાઇઓ રહેતી. એના કાંઠા પર બેસીને નગરજનો આ યુધ્ધનો આનંદ લેતા. સવારે દસ અગિયાર વાગે ભોજન કરી નગરના રાજવી બનીઠનીને રંગ સ્થળમાં બનેલા ‘આલોકમંદિર’માં પોતાની બેઠક લેતા. પ્રજાજનો પોતાની જગા પર ગોઠવાઇ જતા. એ પછી ‘પરિકારક’ એટલે કે ઝડપી દોડનારા, હાથીને પાછળ રાખી દેનારા લોકોને બોલાવી હાથીની સાથે અખાડામાં દોડાવવામાં આવતા. આમાંથી કોઇ પરિકારક હાથીની ઝપટે ચડી જાય તો હાથી સૂંઢમાં ઘાલીને ઉડાડી મૂકતા. આમાં ઘણીવાર રાજ્યના ચોર લોકોને હાથીની આગળ દોડાવવામાં આવતા. ચતુર અને બળુકો ચોર દોડવામાં હાથીની આગળ નીકળી જાાય તો એનો ગુનો માફ કરી દેવાતો અને જો હાથીની હડફેટે ચડી જાય તો હાથી એને યમનું દ્વાર દેખાડી દેતો.
દોડવાનું કામ પૂરું થાય ત્યાં સુધીમાં તો હાથી બરાબર ગરમ થઇ જતા. મહાવત અને કેટલાક ઘોડેસવારો હાથીના મોં પર કપડું ઢાંકીને પછી અખાડામાં દોરી લાવતા. એ વખતે મોટા મોટા ત્રંબાળુ ઢોલ, યુધ્ધનગારાં અને જયઘંટા જેવાં વાદ્યો વગાડીને વાતાવરણમાં શૌર્ય પ્રગટાવવામાં આવતું. વાતાવરણમાં ઉત્તેજના પેદા થતી. એ પછી હાથીના મોં પરથી કપડું ખસેડી લઇને પરિકારક ઉપર હાથીને હંકારીને છૂટો મૂકી દેવામાં આવતો. હાથી આગળ દોડનારને સૂંઢમાં પકડવા પ્રયત્ન કરતો. ઘોડેસ્વારો પાછળ આવીને હાથી ઉપર અણિયાળાં ભાલાંથી પ્રહારો કરતા. દોડનારને પડતો મૂકી હાથી ઘોડેસ્વારનો પીછો કરતો. ચિંઘાડતો હાથી દોડનાર, ઘોડેસવારો કે પછી બેઠેલા પ્રેક્ષકો પર ઝપટ બોલાવતો. જે હડફેટે ચડે એને પગ નીચે કચડી નાખે, સૂંઢથી હવામાં ઉછાળે કે દંતશૂળ વડે એના રામ રમાવી દે. ચોતરફ ભાગદોડ મચી જાય. છેવટે હાથણીઓ અને ઘોડેસ્વારોની મદદથી હાથીને વશ કરવામાં આવતા. આમ ચારે બાજુ હુદંડ મચાવ્યા પછી હાથીઓની સામસામી લડાઇની સાચી શરૂઆત થતી.
હાથી પોતાની શક્તિ, ઉંમર અને જાતિ અનુસાર મોટેભાગે સૂંઢ અને દંતશૂળ વડે જ લડતા. દંતશૂળ વડે એક હાથી બીજા પ્રતિસ્પર્ધી હાથીને ૧૪ પ્રકારે ચોટ પહોંચાડતો. તીરછી ચોટ જે નીચેથી ઉપર સુધી જાય તેને ‘પરિલેખ’ કહેવાતી. ડંડા જેવી સીધી ચોટ ‘ઊર્ધ્વઘાત’ને નામે ઓળખાતી. હાથી પોતાના દાંત વડે બીજા હાથીની સૂંઢ પકડી રાખીને એને પજવે એ ‘કર્તરીઘાત’ કહેવાતી. દાંતોના મૂળમાં પડેલો ઘા ‘તલઘાત’ને નામે ઓળખાતો. વિપક્ષી હાથીનું મોં ઊંચું કરી એને ચોટ પહોંચાડવામાં આવે એને ‘અજઘાત’ કહેવાતી. માથું ઊંચું કરીને હાથી એક જ દાંત વડે બીજાને જખ્મી કરે તેને ‘સુચિઘાત’ ગણાતી. હાથીની લડાઇ પૂરી થયા પછી રાજા તરફથી હાથીના માલિકોને અને રમતમાં ભાગ લેનાર તમામ હરીફોને ઈનામો દ્વારા નવાજેશ કરવામાં આવતી. મુસ્લિમ બાદશાહોને આવાં પશુયુધ્ધો ખૂબ જ પ્રિય હતાં.
‘માનસોલ્લાસ’માંથી પાડાની લડાઇના ઉલ્લેખો મળે છે. અત્યંત લોકપ્રિય એવા પાડાયુધ્ધો માટે કાઠિયાવાડી, કોલ્હાપુરી, પંજાબી અને બહારુ પાડા ખૂબ જાણીતા હતા. એમના નાકમાં લોઢાની કડી નાખવામાં આવતી. લડાઇ માટેના પાડાનો ઉછેર જરૂરી રીતે કરવામાં આવતો. પાંચ વર્ષે પાડો પશુયુધ્ધ માટે તૈયાર થઇ જતો…
‘પદ્મપુરાણ’ અને સ્કંદપુરાણમાંથી પાડાયુધ્ધોની જેમ આખલા – ખૂંટિયાનાં યુધ્ધોના ઉલ્લેખો મળે છે. દિવાળીના બીજા દિવસે ગોવાળિયાઓ આખલાની લડાઇ કરાવતા. શરદપૂનમની રાતે ભગવાન શ્રીકૃષ્ણે વ્રજની શેરીઓમાં આખલાની લડાઇ કરાવી હતી એનો ઉલ્લેખ ‘હરિવંશ’માંથી મળે છે…
પ્રાચીનકાળમાં ઘેટાંની લડાઇ પણ જાણીતી હતી. ચોલિક, જટિલ અને લાલ ઘેટાં લડાયક ઘેટાં ગણાતાં. લડાકુ ઘેટાંને ખવરાવી પિવરાવી અત્યંક કાળજીથી ઉછેરવામાં આવતાં. એની શિંગડીઓ પર લોઢાની કુંડલીઓ લગાડવામાં આવતી. આ ઘેટાંને અંધારિયા ઓરડામાં પૂરી રાખવામાં આવતાં. એની લડાઇ સામાન્ય રીતે રવિવારના દિવસે થતી. ઘેટાંને તોફાની બનાવવા દારૂ પિવરાવાતો. આ ઘેટાં મરી જાય તોય મેદાન છોડીને ભાગતાં નહીં. પશુયુધ્ધો પર જુગાર ખેલાતો. એના માટે ‘સમાવહ્ય’ શબ્જ પ્રયોજાતો…
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ