મનોરંજન કરાવનારી લોકજાતિઓની કલાઓનો અજાણ્યો અને રોચક ઇતિહાસ

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં જૂના જમાનામાં આજના જેવા ટી.વી., ફિલ્મો અને વિડિયો જેવાં મનોરંજનના માધ્યમો નહોતાં ત્યારે વાદી, મદારી, નટ, બજાણિયા, ભવાયા, રામલીલાવાળા, કઠપૂતળી અને રાવણહથ્થાવાળા, ભાંડ, ભોપા, મીર, તૂરી, બારોટ, નાથબાવા, લંઘા, કાંગસિયા, બહુરૂપી, મલ્લ, માણભટ્ટ અને ગામઠી જાદુગરોએ ગ્રામજીવનને લોકમનોરંજન દ્વારા તાજગીથી ભર્યુંભાદર્યું રાખ્યું હતું. આવી મનોરંજન કરાવનારી કેટલીક લોકજાતિઓની કલાનો અછડતો પરિચય કરાવવાનો અહીં ઉપક્રમ રાખ્યો છે.

વાદી, મદારી, નાથબાવા અને ગારૃડી મહુવરના મધુર સ્વરે સર્પને રમાડીને લોકોનું મનોરંજન કરે છે. વાદીઓમાં લાલવાદી, ધનવાદી, ફૂલવાદી, માનવાદી, ગારૃડી, ભાર્યો જેવી જુદી જુદી સાતેક શાખાઓ જોવા મળે છે. તેઓ મૂળ મારવાડ, સિંધ અને કચ્છમાંથી ઉતરી આવ્યા છે. વાદી, ગારૃડી એ વિચરતી જાતિ છે. સૌરાષ્ટ્રમાં વાંકાનેર, મોરબી, મકાસર, ધ્રાંગધ્રા, કચ્છમાં ભચાઉ, કંથકોટ, ખેડા જિલ્લામાં દહેગામ, આંતરોલી, ઉ. ગુજરાતમાં ભીલોડા, કાંટીવાસ, રાધનપુર, ખેડબ્રહ્મા, કસરા, વડાલી, સતલાસણા, કોઠંબા, ફૂલપરા વગેરે ગામોમાં દંગા બનાવીને વસવાટ કરે છે અને પેટિયું (રોટલા) રળવા માટે જુદા જુદા ગામડાઓમાં ફરે છે.

વાદી, ગારૂડી નાગ, નોળિયો, જરખ, અજગર, સસલું, ઘૂવડ, ખાંધળી, ચાકોર જેવા જાનવરોના ખેલ બતાવે છે. ગામમાં ચોરાના ચોકમાં પોતાના થેલા ઉતારી નાગના કરંડિયા બહાર કાઢી પગે ઘૂઘરા બાંધી મહુવર- મોરલી વગાડતા વગાડતા કરંડિયા ફરતા નૃત્ય કરે છે. ગામના છોકરા અને જુવાનિયાઓ ટોળે વળતા સમજુનાથ મદારી (ધ્રાંગધ્રા) મોમાંથી જીવતા સાપોલિયા અને ચકલારેખા વીંછી કાઢે છે. લોઢાની પાટી મોં વડે પેટમાં ઉતારે છે. મોમાંથી પથ્થરના ગોળા કાઢે છે. બાવળની શૂળો કાઢે છે. એ પછી ખીંટી (લખોટી) ગુમ કરવી, દેરાણી- જેઠાણીની રમત, હોકો મૂતરાવવો, હાથમાંથી કંકુ કાઢવું, રોકડા એક રૃપિયામાંથી પાંચસો રૃપિયાની નોટ બનાવવી, આવા જંતરમંતર અર્થાત્ હાથચાલાકીના ખેલ બતાવે છે. આવા ખેલોની બોલી પણ ભાષાના અભ્યાસીઓને ઘણી સામગ્રી પૂરી પાડે છે. ઉ.ત.

‘જુઓ જોરુભા ખેલ ખેલાડીના
ઘોડા અસ્વારના. ગધેડા કુંભારનાં
ખેતી પાટીદારની, હથિયાર દરબારનું.
વેપાર વાણિયાનો અન ખેલ મદારીના

‘સોની, દરજી, વકીલ, વાણિયો ને મદારી
એ પાંચની હાથચાલાકી કોઈના હાથમાં આવે નંઈ

સોનીની ચાલાકી ચુલામાં હોય, દરજીની ચાલાકી કાતરમાં હોય વકીલની ચાલાકી પેનમાં હોય, વાણિયાની ચાલાકી કાંટામાં હોય
ને મદારીની ચાલાકી આ કોથળીમાં હોય. કોથળી ન હોય તો ખેલ ન થાય.
દુઃખની દવા થાય પણ વે’મનું ઓહડ (દવા) નો થાય.’

ગુજરાતના ગામડાઓમાં ફરીને આલમની અઢારે વરણનું મનોરંજન કરનાર નટ- બજાણિયાને તો નાના છોકરાં ય ઓળખે. વાંસની ઘોડી પર દોરડું બાંધી ખેલ કરનાર નટ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, સિંઘ, લાહોર, અમૃતસર, ઇંદોર, રતલામ દિલ્હી અને હિમાચલપ્રદેશમાં જોવા મળે છે. કાઠિયાવાડમાં નટ લોકો ગોંડિયા, ગોડ બજાણિયા કે નટના નામે જાણીતા છે. એમ કહેવાય છે કે જૂના જમાનામાં નટના ખેલ જોઈને ખુશ થયેલા ધ્રાંગધ્રાના રાજવી જહાંજી ઝાલાએ નટ લોકોને બજાણા ગામ જીવઇ (આજીવિકા) માટે આપ્યું હતું. આથી ત્યાં રહેનારા નટ બજાણિયા તરીકે ઓળખાય છે. સાણંદ પાસે નાની દેવતી ગામમાં બજાણિયાની આખી વસાહત હોય છ. એ બજાણિયાના પરા તરીકે ઓળખાય છે.

નટમાં પણ ત્રણચાર ફાંટા છે. એક રાજનટ અને બીજા મારવાડી નટ. રાજનટ જૂના કાળે ઘણુંખરું રજવાડાઓમાં રમત કરતા. જ્યારે મારવાડી નટો ગામડામાં ખેલ કરે છે. ત્રીજા હરિજનોના નટ છે, ચોથા ભડકિયા નટો છે જે ત્રાસકમાં પાણી નાખી ઉપર ગ્યાસતેલ નાખી ભડકા કરીને રાતવરતના ખેલ કરે છે. ચોથા નટડા છે. નટડા મોટે ભાગે મજૂરી કરે છે. નટના ખેલોના નામ પણ રસપ્રદ છે. માથાળી, મચકાળો, લાકોડું, લંકાઠેક, સક્કરબાજી, મેરુ, દોરપાણો વગેરે છે. જમીન પર ખેલ બતાવીને પછી તેઓ અજબગજબના ખેલ બતાવતા દોરડા પર બે પગ નીચે થાળીઓ રાખીને ચાલે છે. હાથમાં હોકો પીતા પીતા ઝૂલા ખાય છે. પીઠ પર જીવતું ગધેડું બાંધીને તેના પર નાનું બાળક બેસાડીને દોરડા પર ચાલે છે.

અત્યારે તો નટના ખેલના અવશેષો જ બચ્યા છે પણ જૂના જમાનામાં નટ મંડળી, ઢોલ, શરણાઈના તાલે તાલે ટિંગર નટારંભ કરતી. રાજા વીર વિક્રમની વારતામાં આવે છે ઃ ‘હાં મોનિયા ! થવા દે ટીંગર નટારંભ !’
આ ટીંગર નટારંભ કોને કહેવાય ?

‘ખંભે દૂધના પ્યાલા, માથે બાર ગાગરનું બેડું
એટલાં વાના લઈને
દસે આંગળિયે ચક્કર ચક્કર ફરવા.
જીભે મોતી પરોવતાં જાવા.
કટારની ધાર માથે પગલાં પાડતાં જાવા.
ઈનું નામ ટીંગર નટારંભ’

આજે તો પૃથ્વીના પર ટીંગર નટારંભ કરનાર નટ ગોત્યોય જડતો નથી. જૂના જમાનામાં તે ભાઈ નટ લોકો ઉડવાની કળામાં પણ પાવરધા ગણાતા. ‘યદુવંશ પ્રકાશ’ ગ્રંથમાં શ્રી માવદાનજી રત્નુએ આવા નટનો એક રસપ્રદ પ્રસંગ નોંધ્યો છે.

‘જામ શ્રી રણમલજી બીજા પાસે નટવિદ્યામાં કુશળ નટ કુટુંબે આવીને કહ્યું કે ઃ અમે ગગનગામી- ગગનવિહારી નટ છીએ. આકાશ માર્ગે ઉડીને જે ગામે ઉતરીએ એ ગામ અમને બક્ષિસ કરો તો અમારો ખેલ બતાવીએ.’

જામશ્રીએ શરત કબૂલ કરતાં ત્રણ નટો અનુકૂળ દિવસે જામનગર તળાવના લાખોટા કોઠાના ઉંચા મકાનોની ટોચ ઉપરથી ઊડયા. તેમણે પોતાના બાવડા પર ગેંડાની મોટી ઢાલો બાંધી હતી. તેના પર જાડી પછેડીઓના હવા ભરાય તેવા ગબારાઓ બનાવીને લગાડયા હતા. ઉડતા ઉડતા બે નટ ધરતી પર પછડાયા ને મરણ પામ્યા. એક મજબૂત હિંમતબાજ નટ ઠેબા નામના ગામે જતોક ને ઉતર્યો. રાજવીએ નટને ઠેબા ગામ બક્ષિસમાં આપ્યું. એ ગામ આજે ય ‘નટના ઠેબા’ તરીકે ઓળખાય છે.

મારવાડનો મુલક મૂકી, ગુજરાતમાં આવીને સ્થાયી થયેલા કાંગસિયા કોમ પાસે પણ મનોરંજનનો મજાનો કસબ જોવા મળેે છે, નટ મોટા ભાગે દોરડા પર ખેલ બતાવે છે. જ્યારે કાંગસિયા ધરતી માથે અંગકસરતના ખેલ બતાવે છે તેઓ દોડીને હવામાં છલાંગ મારી બે- ત્રણ ગલોટિયા ખાય છે. બે નટ સામસામી દિશામાંથી દોડતા આવીને હવામાં ઉછળી હયધીક્ક કરતા સામસામે અથડાય છે. ગળે લાકડાની પાટલી બાંધી હવામાં પથ્થરના દડા ઉછાળી પાટલી પર ધડ્ ધડ્ ધડ્ ઝીલે છે. લાકડાના બે દાંડિયા પર દોરી બાંધી પારેવડી રમાડે છે. હવામાં અદ્ધર ઉછાળી દોરી પર ઝીલી લે છે. દાંત ઉપર બે ખાટલાને સમતોલ રાખી મેદાનમાં ચાલે છે. દાંત ઉપર હળ (ખેતીનું ઓજાર) ઉભું રાખી જોનારાને દંગ કરે છે. પછીથી પોતાની લાંબી મૂછો સાથે બળદગાડું બાંધીને બજાર વચ્ચે ખેંચે છે. આવા ખેલ બતાવી ગ્રામપ્રજાનું મનોરંજન કરી બાર મહિનાના રોટલા રળી ખાય છે.

આમ તો પિત્તળના મંજિરા ભજનમાં વપરાતું વાદ્ય છે. સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં મંજિરાવાદનની કળા ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ પામી હતી. મંજિરાને દ્રુત લયમાં વગાડવાની જે પદ્ધતિ છે તે મુખ્યત્વે ગુજરાતમાં જ જોવા મળે છે. મંજિરા સાથે નર્તન પણ જોડાયેલું છે. સૌરાષ્ટ્રમાં એક સમયે કામળિયા સાધુની એક જાતિ મંજિરાવાદનની કળા માટે વિખ્યાત ગણાતી. કામળિયા સ્ત્રીઓને મંજિરા વગાડતી જોવી એ જીવનનો એક લ્હાવો ગણાતો. ભજન ગાઈને ભિક્ષા માગી જીવન ગુજારો કરનાર આ જાતિની સ્ત્રીઓ શરીરના મુખ્ય અંગો કપાળ, ગળુ, કોણી, પગના અંગૂઠા અને પીંડીઓ પર તેર તેર મંજિરા બાંધી મોંમાં તલવાર લઈ, માથા પર ઇંઢોણી, લોટો મૂકી તેના પર દીવડા પ્રગટાવેલી થાળી મૂકી દ્રુત ગતિએ મંજિરાના તેર તેર તાલ વગાડતી અંગ હિલોળતી નર્તન કરે છે, ત્યારે દર્શકોના અંતરના આનંદમોરલા ટહુકી ઉઠે છે. આજે કામળિયા જાતિની સ્ત્રીઓની મંજિરાવાદનની કળા સૌરાષ્ટ્રમાંથી સાવ વિલોપાઈ ગઈ છે. પણ સૌરાષ્ટ્રે સમયાંતરે ઉત્તમ કોટિના મંજિરાવાદકો આપ્યા છે.

એમાંના એક બિલખાના સાધુ વીરદાસ હતા. મંજિરાના આ જાદૂગર ગુજરાત લોકકલા ફાઉન્ડેશનમાં અને ડાયરાઓમાં કાર્યક્રમો કરવા નિયમિત આવતા. તેઓ સવાપાસેરના મંજિરા હાથમાં લઈ રમઝટ બોલાવતા ત્યારે સ્પેનના ફલેગેન્કો નામના લોકનૃત્યમાં હાથની ચપટીથી વાગતા લોકવાંજિત્રમાં જે અતૂટ લયકારી ઉભી થાય છે તેવી અતૂટ લયકારીનું સર્જન આપણો નિરક્ષર કલાકાર વીરદાસ સાધુ સહજ રીતે ઉભી કરતા એમ હરકાન્ત શુક્લ નોંધે છે. આજે રાજસ્થાનની કામળિયા જાતિની સ્ત્રીઓ તેરતાલ મંજિરાના કાર્યક્રમો કરવા ગુજરાતમાં આવે છે.

ગુજરાત અને રાજસ્થાનની મનોરંજન કલાઓમાં ઘણું બધું સામ્ય જોવા મળે છે, એમાંની એક બહુરૂપીની કલા છે. ગુજરાતમાં બહુરૂપીનો વેશ કરનાર કલાકારો મોટે ભાગે બ્રાહ્મણ, દેવીપૂજક, ભાંડ વગેરે છે. એમની ગુરુગાદીઓ બગદાદ, મકનપુર, જયપુર, અજમેર અને કર્નાલમાં આવેલી છે. બહુરૂપીની ગાદીના બાવનવેશો ગણાય છે. પણ આજે બહુરૂપીઓ પાસે પાંચ- પંદર વેશો પરાણે બચ્યા છે. જૂના વેશોમાં અર્ધનારીશ્વર, દિયરભોજાઈ, ગુરુચેલો, ફકીર બાવા, બિકાનેરની માલણ, શિરી- ફરહાદ, નેપાળની જોગણ, રેલ્વેના ટી.ટી., ભિખારી, ગાંડો, હનુમાન, નારદ, જયપુરનો ગવૈયો, અત્તરવાળો, લુવારિયા અને ભરવાડ- ભરવાડણના વેશો મહત્ત્વના મનાય છે. આ વેશની બોલી પણ કેવી મનોરંજક છે ? સાંભળો ઃ

‘એ…એ…એ ડાયરાને રામ રામ. રામ રામ. ઝાઝા કરીને વઢિયારી વેલા આપાના રામરામ. મોટાભાઈ દૂધનો વારો બંધાવવો હોય તો આપણે વઢિયારમાં રહેવું. નવસેં ને નવ્વાણું ભેંસુ છે, ને એક પાડો છે. પાડો રાતે જ વિયાણો છે. સેંકડે સવામણ દૂધ દ્યે છે. મોટાભાઈ !  આ દૂધ પણ કેવું ?

‘ઘૈડિયા પીવે તો જુવાન થાય,
જુવાન પીવે તો ઘૈડા થાય

છોકરાં પીવે તો ભફ લઈને મોટા થાય.
લાઇટના થાંભલા જેવા.’

‘બોલો બાપા ! તમારા વાડિયામાં ઘેટાં બકરાં, સાંઢિયા બેસાડવા છે કે નંઈ ?’
હમણાં જ માલ ઉતર્યો છે, ભાવનગર બંદરેથી બધાં વિલાયતી ઘેટા છે.
કાળા માથાના પૂંછડા વગરના.
ફૂટ ફૂટ લેંડિયુ કરે લટપટ
એક રાતમાં સંધુય ખેતર ખતરાઈ જાય ઝટપટ.

કઠપૂતળીના ખેલની ગણના સૌથી પ્રાચીન નૃત્ય પ્રકારમાં થાય છે. એમ કહેવાય છે કે, આપણા શિષ્ટ નાટકોની ઉત્પત્તિ કઠપૂતળીના ખેલમાંથી થઈ છે. મારવાડી ભાટ લોકો કઠપૂતળીના ખેલમાં પારંગત ગણાય છે. એક કાળે આ ભાટ લોકો સુંદર શણગારેલા ગાડામાં પોતાના કુટુંબ કબીલા અને કઠપૂતળીઓના માલ- અસબાબ સાથે જુદા જુદા પ્રદેશોમાં ફરતા. એમની સાથે હાથી-ઘોડા રહેતા. એના ઉપર બાવન પૂતળીનો રંગમંચીય સામાન મૂકવામાં આવતો. કહેવાય છે કે રાજા વીર વિક્રમના સિંહાસન નીચે બાવન પૂતળીઓ રહેતી. દિવસે સિંહાસન અને રાત્રે રંગમંચ તરીકે તેનો ઉપયોગ થતો.

ગુજરાત- સૌરાષ્ટ્રની લોકનાટય પરંપરા ભવાઈના નામે જાણીતી છે. મધ્યયુગમાં સોળે કળાએ ખીલેલ ભવાઈ એ દેવી ઉપાસનાનો એક પ્રકાર છે. ભવાઈ રમનારા નાયક લોકજીવનમાં ભવાયા તરીકે ઓળખાય છે. ભવાઈના આદ્યપુરુષ સિદ્ધપુરના કવિ અસાઇત ઠાકર છે. એમ કહેવાય છે કે એમણે ભવાઈના ૩૬૦ વેશોની રચના કરેલી. એમાંથી આજે પરાણે સાંઇઠેક વેશ બચ્યા છે. જૂના કાળે ઉત્તર ગુજરાત અને ભવાઈના પેડાં ગામમાં ભવાઈ રમવા નીકળતા. આજે સૌરાષ્ટ્રમાં પાંચ સાત પેડાં જ રહ્યા છે. મનોરંજનના માધ્યમો બદલાતાં લોકશિક્ષણનું કામ કરતી ભવાઈ લોકજીવનમાંથી આથમવા આવી છે.

જૂના કાળે રજવાડાઓ અને લોકસમાજ કલાકારોને પ્રોત્સાહિત કરતા રહ્યા હોવાથી આ કળાઓ એક કાળે પૂરબહારમાં ખીલી હતી. આજે તો રજવાડા ય ગયા. લોક જીવન પોતાના પરંપરિત વારસા તરફ ઉદાસીન બનતું જાય છે. આથી લોકકલાકારો અને તેમના બાળકો બાપવારીનો વ્યવસાય છોડીને નોકરી- ધંધે ને મજૂરી કામમાં જોડાઈ ગયા છે. ભવ્ય ભૂતકાળનો આ પ્રાણવાન વારસો વિલોપાઈ ન જાય તે માટે સરકારે અને સમાજે વધુ જાગૃત બનવાની જરૂર છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!