મામાની ગાયની વ્હારે ચડનાર શૂરવીરની વાત

ધ્રુબાંગ..ધ્રુબાંગ બુંગીયા ઢોલ માથે ડાંડી પડી, ઢોલ પીટનારો બોલતો જાય છે સીમાડેથીં ધણ આંતરી હાલ્યા જાય છે, વીહ ઘોડા ના ડાબલા ઠબ ઠબી રહ્યા છે ને પચાહ ગાનું ખાંડુ વાળીને ચુવાળીયા દોડ્યા જાય છે ગાની વ્હારે થાજો

ગોરજ ગામને માથે ત્રણસોક હોળીયુ પ્રગટી ગયાને સમયે ધાડપાડુઓનુ એક ટોળું ખાબકયુ.એવાં ટાણે ધખતા બપોરનાં ટાણે ભરવાડોની માથે પાણી રેડવાને ઇરાદે બબ્બે વહમા વરસમાં ગાવડું વેચી નાણાં લેવા છે એમ ધારી એક સામટા વીસ અસવારો ભર બપોરે ચરતુ પચાસેક ગાય નુ આજે ધણ આતર્યુ.

કારણ….વરહ દિ મોર્ય કેસર ભરવાડના દિકરાને બે ધોલ મારી ધાડપાડુ ભેંસુ તફડાવી ગયાં, સાંજ વેળાએ ખાંડુ ઘેર આયું જીવ કરતા પણ વહાલી સંધણને નો દિઠી. દિકરાએ જણાવ્યું ચારેક ઘોડાવાળા ઓતરાદી દશ્યે ભણી હાકી ગયાં. બાપુ અને કેસરનો જીવ કપાઈ ગયો હાથમાં લાકડી લઇ કાંધે નાંખી સગડે હાલ્યો. લોકો કહે છે કે કેસરની સંધણ એ આપડી સંધણ ગામનું નાક કહેવાય. ને ગામ લોકો ઊમટી પડે છે જાડું જણ જોઇ ધાડપાડુ ઓનુ ટોળું મુંઝાણુ માણસોનો ઠઠારો બોહળો છે પુગાશે નહીં માંટે અસ્વારો સમજી ને ઘોડા દોડાવી ભાગી છુટયા…

આ તે દિ ની ધાડપાડુ ને ભરવાડોનુ પાણી ઉતરવાની રઢ લાગેલી ને આજ ધણ આતર્યુ ગામનાં માટીયાર જણ લાકડીયુ ભાલા તરવાર્યુ લઇને સાબદા થયાં. ગા ની વારે કુણનો ચડે ભૈ. આતો ગામનું નાક મોર્ય ગા નું ખાંડુ ને વાહે હાંકતા અસ્વારો. ધણની ત્રણ બાજું છ છ અસ્વારો ગઢ રચીને હાલ્યા જાય છે ધાડાનો મોવડી બે અસ્વારો વાહે વાર આવે છે કે નહીં હલકાતા જાય છે. ગા માથાં મારી અસ્વાર ને પછાડે છે ને લુંટારા ધારીયાના ઘા કરે છે. આમ માર પડવાને લીધે ગાના માથાં ધરતીમાં ફાટ પડે એમ ફાટી ગયાં ને લોહી ત્રબકવા લાગ્યું.

આવી યાતના વેઠતી ગૌ ની વારે એક ત્રીસેક વર્ષનો જુવાન કર્મયોગે ચડી ગયો ખારાપાટનો એક ભરવાડ જુવાન પોતાના મોસાળ આવવા ચારેક દિ થીં નીકળ્યો છે. બરાબર બોળનો સીમાડો મેલ્યો ને ધુળ ની ડમરી દેખાણી એનાં મોઢાં આગળ કાળી મથરાવટી વાળી ગાય ને જુવાન ઓળખી ગયો આતો મામાની ગાય ને ગાય એની પાસે આવી ઊભી રહી હાથ ફેરવીને બાપ મોજરી પછી નજર કરી, ધણી વગરનાં ઢોર ટોળા વચ્ચે સોસરી નજર કરી તો અસ્વારો જોયાં નક્કી ઢોર આંતર્યા છે. એકને પુછયું ક્યાં ના ઢોર છે ઉત્તર ન મળ્યો બીજી વાર પુછયું. છાનોમાનો હેડયો જા લુંટારે કીધું. ઇમ ના જવાય મામાની મુજડી લીધાં વિનાં.

બળતો બપોર ઉના વાયરા અંગને બાળે છે જુવાન મરદાઇ જગાડી ક્રોધથી ધ્રૂજતા કપાળમાં રહેલા પરસેવાના ટીપાં નીતાર્યા જુઓ બા એક સામટા આઠ ટીપાં ખર્યા એમ ટપોટપ ખરી પડશો માટે ઢોર મુકી હાલતીના થાઓ. આવાં વેણ સાંભળી અસ્વારે જુવાન માથે લાકડી ઝીંકી ઝાટકા ઝીંકવા માંડ્યા જુવાન તેની ડાંગથી ઘા થીં ઝાટકા ખાળી લીધાં. એક હાથે માથાની પાઘડીનો છેડો તાણી આખી પાઘડી ફંગોળી ને લાલ મદરસીયુ હવામાં ફરફર થઇ રહ્યું પાઘડીની ધજા બની ગય. અને કાયમી ટેવાયેલી ગાયો ભડકી ને વિફરી ટોળું યુવાનની પડખે ચડી અસ્વારો ના ઘોડાને શીંગડે ચડાવ્યા. યુવાન પર તરવાર્ય ના ઝાટકા ઝીકે છે લુંટારા ગાયો માથે પણ તલવાર વિઝવા માંડી આડેધડ પણ ધણીને ઊનો વાયરો નો આવવદે. એક સાથે સો શીંગ નો મારો તલવાર નું શુ ગજું અસ્વાર એક હઠે પડ્યો ત્યાં વાર ના રીડયા ઊઠ્યા એ જોઇ લુંટારા ભાગવાની વેતરણમાં પડ્યા. એકનો પગ ઘોડાના ઠાઠામા ભરાઇ ગયો કોઈ કારી ફાવતી નથી માર માર કરતી વાર આવી રહી છે બીજા અસ્વાર ભાગી છુટયા. ફસાયેલો અસ્વાર જુવાન ને કગરે છે જરા મને કાઢ તારો ઉપકાર નહીં ભુલું. જુવાન સમજ્યો વાર આને મુકશે નહીં ગુંડી નાંખશે મદદે દોડયો ઘોડાનુ ઠાઠુ ઊંચુ કરી પગ કાઢી લેવા કેહતાં અસ્વારે યુવાનની કુખમા એ ખુધા અસ્વારે તરવાર્ય ની અણી પરોવી દીધી કાળને માથે દયા ન હોય ધરર લોહીની ધાર વછુટી, ખાબોચિયુ ભરાણુ ધબ કરતા ભોંય ઉપર પછડાઈ ગયો. દગો એટલું જ બસ બોલી ઊઠયો ગયો. માથાં વગરનું ધડ ઊછળી રહ્યું છે બાજુમાં એક છોકરો અજાણ્યો માણસ ઊહકાર દેતો પડ્યો છે. મારાં બેટા ઓળખાય નહીં એટલે માથું વઢાતા ગયાં છે. પણ આ ઊંધો પડ્યો એ કોણ છે તેને ચતો કર્યો ઓળખ્યો. અરરરર કાળો કામ કિધો આતો કરમણ ભાણીયો ગોકાભાનો ભાણેજ. કરમણને ઝોળમા નાખી લઇ જાય છે પણ ગામ પોહચે તે પેલાં પ્રાણ પંખી ઊડી જાય છે. કરમણના અંતરીયાળ મુત્યથી ગોકાનુ ચેન પડતું નથી આનાં તાજાં લગ્ન જોવરાવેલ હતાં એટલે મામાએ મનગમતાં લૂગડાંની પેહરામણી કરવાં ભાણેજ ને તેડાવ્યો હતો.

બેની સંદેશા મેકલે વીરા વેલેરો આવ્ય
તારા કરમણને કાજ વિવા જોવેલ ઢુંકડા

બેહને કરમણના લગ્ન જોવરાવેલ માંટે ગોકા તું વેલો આવજે, હે કરમણ તારા લગ્ન જોવરાયા પછી આમ અંતરીયાળ તારૂ મુત્ય થયું એ કાળા કરમની અપશુકનિયાળ સ્ત્રીને લીધે એમ કરમણને પરણવા વાળી સ્ત્રી પ્રત્યે ઊપેક્ષા કરે છે.

આમ વલોવાતો ગોકો જીવ્યો ત્યાં લગી કરમણને યાદ કરી ને રોતો હતો
અને ગોરજ ગામને આથમણે પાદરે આખીયે વાત વાગોળતો કરમણનો પાળીયો ઉભો છે એને માથે તેલ સિંધુર ચડાવી શ્રીફળ વધેરતો હતો એ સમયે. હવે તો જોકે હાલમાં આ ખાંભી કોરી જ ઊભી છે. એક અવાવરુ જગ્યાએ આથમણે પાદરે ઊભી છે. મારાં મિત્ર ચૌહાણ નટવરસિંહે ત્યાં જઇ થોડી સાફ સફાઈ કરી મને ફોટો મોકલેલ છે.
આવા તો કંઈક પાળીયા વણ ઊકેલાયા વીરતાની વાત સંઘરી ધરામા ધરબાઈ ને પડયાં છે.

卐 વિરમદેવસિહ પઢેરીયા 卐
卐……..卐……..卐

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!