શ્રી માલબાપાનું મંદિર- માણેકવાડા

પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી મુળ કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની. જૂનાગઢથી વેરાવળ તરફ જતા સ્ટેટ હાઇવે પર, જૂનાગઢથી ૩૦ કિલોમીટર અને કેશોદથી ૧૫ કિલોમીટર દૂર આવેલું નાગદેવતાનું સુંદર મંદિર એટલે માણેકવાડાના શ્રી માલબાપાનું મંદિર. શ્રી માલબાપાનું મંદિર. માણેકવાડા ગામે સાબરી નદીના કાંઠે છે. જ્યારે તેમના ભાઈ રગતીયાબાપા જે વંથલી નજીક ઓઝત નદીના કાંઠે બિરાજે છે અને માણેકવાડા નજીક આવેલા ખુંબડી ગામે ખુંભીયાબાપા અને કણજા ખાતે આ ત્રણેય ભાઈઓની બહેન કાળીનાગનું મંદિર આવેલું છે. આમ, ત્રણ ભાઈઓ અને એક બહેન હોવાનું જાણવા મળી રહ્યું છે.

કથા એવી ચાલે છે કે જૂનાગઢ તાબે માણેકવાડા અને મઘરવાડા નામનાં ચારણ લોકોનાં બે ગામ છે. બન્ને વચ્ચે સીમાડાનો કજિયો હતો. વારંવાર જરીફો માપણી કરવા આવતા પરંતુ કજિયો ટળતો ન હતો. એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા છે. કોઈ એકમત થતો નથી. લાકડીઓ ઊડવા જેટલો ઉશ્કેરાટ થઈ ગયો છે: તે વખતે તેઓએ સામેથી એક જબરજસ્ત સર્પને આવતો દીઠો. કોઈકે મશ્કરીમાં કહ્યું કે ‘ભાઈ, આ નાગદેવતાને જ કહીએ કે આપણો સીમાડો વહેંચી આપો.’ તરત જ બંને પક્ષો હાથ જોડીને સર્પને સંબોધીને એકસામટા બોલી ઊઠ્યા: ‘હે બાપા! સાચી વાત છે. તમે દેવ-પ્રાણી છો. વહેંચી દ્યો અમારો સીમાડો. તમારા શરીરનો લીટો પડે, એ અમારા સીમાડા તરીકે કબૂલ છે.’

સાંભળીને તરત જ એ ફણધર થંભ્યો, વાંકીચૂંકી ચાલ છોડીને એણે સીધું સોટી જેવું શરીર કર્યું અને પછી એ ચાલ્યો. એનો લીટો પડતો ગયો, તે પ્રમાણે ખૂંટ નખાતા ગયા અને લીટાથી પોતાની જમીનની બરાબર સરખી વહેંચણી થતી જોઈને બેય પક્ષો ‘વાહ બાપા! વાહ મારા દેવતા!’ ઉચ્ચારતા ઉચ્ચારતા સર્પની પાછળ ચાલ્યા ગયા. સર્પ ચાલતો ચાલતો બરાબર એક વિકટ સ્થળે આવ્યો. કેરડાના ઝાડનું એક સુકાઈ ગયેલું અણીદાર ઠૂંઠું પોતાના સામે ઊભું છે. બરછી જેવી ઝીણી એની અણી જોઈને નાગ પળભર થંભી ગયો. અને તરત માણસો બોલી ઊઠ્યા: ‘હવે શું થાશે? બરાબર આપણા સરખેસરખા સીમાડા ઉપર જ આ કેરડો મોટા બાપુએ વાવેલો. હવે જોઈએ કે દાદો કોને રેહ દેશે.’

આ શબ્દો જાણે કાન માંડીને સર્પ સાંભળતો હોય એમ ફેણ ચડાવીને ઊભો છે. એના અંતરમાં પણ સમસ્યા થઈ પડી કે કઈ બાજુ ચાલું? જે બાજુ ચાલીશ તે બાજુવાળાની એક તસુ જમીન કપાઈ જશે.

એક જ તસુ જમીનનો પ્રશ્ન હતો. છતાં સર્પે નિર્ણય કરી નાખ્યો. પોતે સીધો ને સીધો ચાલ્યો. કેરડાના થડ ઉપર જ ચડ્યો. સીધેસીધો એ ઠૂંઠાની અણી ઉપર ચડ્યો, અણી એની ફેણમાં સોંસરી પરોવાઈ ગઈ. સર્પ જોર કરીને બીજી બાજુ ઊતરવા લાગ્યો. એમ ને એમ પૂંછડી સુધી ચિરાઈ ગયો. લગાર પણ તર્યો હોત તો વહેંચણ અણસરખી કહેવાત.

એનું નામ સીમાડે સર્પ ચિરાણો! આજ એ માણેકવાડા ગામની નદીને સામે તીર એ સર્પની દેરી છે. લોકો ‘માલ’ નામે ઓળખે છે. અનેક ભિન્ન ભિન્ન કાઠિયાવાડી કુટુંબોના એ કુલદેવતા મનાય છે, વર-કન્યાની છેડાછેડી ત્યાં જઈને છોડાય છે.

આ ઉપરાંત એક બહેને માલબાપાની માનતા ઉતારતી સમયે આંખમાં દોરખુ આંજતી વખતે ઝોકો પણ લાગી ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારબાદ માલબાપાએ તા. 6/6/1976 ના રોજ સાક્ષાત દર્શન દીધા હતા અને દૂધ પણ લીધું હતું. ત્યારથી આજદિન સુધી અનેક પરચાઓ આપ્યા છે અને શ્રધ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ કરે છે.

હિંદુ સંસ્કૃતિની માન્યતાઓમાં સર્પ (નાગ)નું મહત્વપૂર્ણ સ્થાન છે. ભગવાન શિવની દરેક મૂર્તિ કે છબીમાં તેમના ગળાની ફરતે સર્પ વીટળાયેલો જોવા મળે છે. અને વિષ્ણુને સર્પના ગુંચળા કે સાંત ફેણવાળા નાગ પર સૂતાં દર્શાવવામાં આવે છે. વિવિધ પુરાણમાં સર્પ સાથે સંબંધિત અનેક વાર્તાઓ છે. બ્રહ્માંડના તમામ ગ્રહોનો ભાર શેષનાગએ તેની ફેણ પર ઉઠાવ્યો છે અને તે સતત તેના મુખમાંથી ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તેવું જુદાં જુદાં પુરાણમાં કહેવાયું છે. કેટલીક વખત તેને “અનંત-શેષ” પણ કહેવાય છે. હિંદુ ધર્મમાં અન્ય જાણીતા સર્પોમાં અનંત, વાસુકી, તક્ષક, કાર્કોટાકા અને પિંગાલા સામેલ છે. હિંદુ સંસ્કૃતિ અને બૌદ્ધ સંપ્રદાયમાં મોટા સર્પને નાગ તરીકે ઓળખવામાં આવે છે. સર્પ વિશે અનેક પુરાણકથા પણ છે. હિંદીમાં સામાન્ય રીતે તેને “ઇચ્છાધારી” નાગ કહેવાય છે. આ પ્રકારના સર્પ કોઈ પણ જીવંત ચીજવસ્તુનું સ્વરૂપ ધારણી કરી શકે છે, પણ તેઓ મનુષ્ય સ્વરૂપ ધારણ કરવાનું વધારે પસંદ કરે છે. ઉપરાંત આ પ્રકારના સર્પ “મણિ” તરીકે ઓળખતો કિમંતી પત્થર પણ ધરાવે છે, જે હીરા કરતાં વધારે ચળકતો હોય છે. આ મણિ કેટલાક લોભી લોકો પાસે હતો અને અંતે તેમની હત્યા થઈ જાય છે તેવી અનેક વાર્તાઓ ભારતમાં સાંભળવા મળે છે.

સંદર્ભ – સૌરાષ્ટ્રની રસધાર (સીમાડે સરપ ચિરાણો)
પ્રેષિત-સંકલનઃ મયુર સિધ્ધપુરા-જામનગર

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!