અરવલ્લીને આંબતું અને આરાસુર પર આધિપત્ય ધરાવતું પરાક્રમી અને પટાધરો પરમાર વંશનું રાજ્ય દાંતા રાજ્ય તરીકે પંકાયેલું – રાજકુમાર સગીર વયના હોવાને કારણે રાજ સાહેબ મહોબતસિંહજીને કારભાર સોંપાયેલો. માત્ર મતુ (સહી) મારી શકે એટલું જ અક્ષરજ્ઞાન ધરાવતા બાળકુંવરના કાકા સાહેેબે જે વહીવટ કરી બતાવ્યો તે જોઇ અંગ્રેજ અમલદારો પણ તાજુબ થઇ ગયેલાં.
રાજ્યના કોઇ અમલદારથી નારાજ થઇ ગામમાંથી ઉચાળા ભરે ત્યારે તેના રૂસણાંના મનામણા પિતાના વાત્સલ્ય ભાવથી કરવાની આગવી કોઠાસૂઝ ધરાવનાર મહોબતસિંહજીનો અદલ ઇન્સાફ પરંપરાગત પ્રણાલી, પ્રમાણે ચાલતો. પ્રજાના નાના-મોટા કજીયાનો નિકાલ તે દરવાજે પાટ પર બેસીને બીન ખર્ચે સરળતાથી કરતા. ત્યાં વકીલ – બેરીસ્ટરો કે ચપરાશીની જરૂરત નહોતી પડતી તો બંને પક્ષોને સાંભળી યોગ્ય જ ફેંસલો આપતા તેથી લોકોમાં તેઓ ‘પોતાબાપજી’ના લાડકા નામે જાણીતા થયેલાં.
રાજ્યમાં નવા આવેલા અમલદારે સલાહ આપતા કહેલું કે ક્રીમીનલ પ્રોસેસ મુજબ વાદી – પ્રતિવાદી પર રીતસર કેસો ચલાવાય તો સારૂ ત્યારે રાજસાહેબે તેનો જવાબ આપ્યો કે ઃ દાંતાની રાંકડી રૈયતને હું કાયદાની નકામી અને ખર્ચાળ જાળમાં ફસાવવા માંગતો નથી. ખેડૂત અને ભીલ જેવા વાતી પ્રતિવાદીને અરજી સ્ટેમ્પ વગેરેના ખર્ચમાં ઉતરવું પડે, ઉપરા ઉપરી મુદ્દતો પડે, ફરિયાદી અને સાક્ષીઓને ધક્કા થાય તેથી ખેતીનું કામ બગડે તેનો વિચાર તો કરો !
અમલદાર પાસે તેનો જવાબ નહોતો.
રાજ્યમાં આવેલા આરાસુરીમાં અંબાજીના થાળના વહીવટમાં તેની સીધી દેખરેખ રહેતી. માતાજીના પવિત્ર ધામની પવિત્રતા જળવાય રહે તે બાબત સખ્ત બંદોબસ્ત રાખતા. સ્ત્રીઓ અને પુરુષ યાત્રાળુઓને સંબંધ ભાઇ -બહેન જેવો રહે તેવી સખ્તાઇ રાખતા. ચોરી – છેડતીની ઘટના નેસ્ત નાબૂદ હતી તેમ છતાં અપવાદરૂપ કોઇ બનાવ બનતો ત્યારે હરામખોરને મોં ઉપર મેશ ચોપડી જના ખાસડાનો હાર પહેરાવી ગધેડે બેસાડી દાંડી પીટાવી જાત્રાળુઓના સમુહમાં ફેરવી ફજેત કરવામાં આવતો.
તેથી ગુન્હાના ઇરાદે આ યાત્રાધામમાં કોઇ પ્રવેશ કરવાની હિંમત કરતું નહીં તે રાજસાહેબ મહોબતસિંહજીની રાજનિતીનો પ્રતાપ ગણી શકાય. કુશળ વહીવટ કરતા અને અસલ રાજવીપણું દાખવનાર રાજસાહેબના અંગ્રેજ હાકેમો કર્નલ વુડ હાઉસ, મેજર મીક અને મી, ગોર્ડન તેમના અંગત મિત્રો હતા. એક વખત તેમણે પોલીટીકલ એજન્ટને કહેલું ઃ
સરકાર રાજકુમારોને શિક્ષણ આપવા ઘણું ખર્ચ કરે છે તે માટે આભારની લાગણી બતાવવી જોઇએ. પરંતુ નાના રાજ્યોના રાજકુમારોને ભારે પડે છે કારણ કે તેઓ બહુ ખર્ચાળ થઇ જાય છે. બે રૂપિયાના પગરખાંની જગ્યાએ પચીસ રૂપિયાના વિલાયતી બુટ પહેરતા થઇ જાય છે. આઠ આનાની દેશી દારૂની બોટલને બદલે વીસ રૂપિયાની વિલાયતી દારૂની બોટલ પીતા થઇ જાય છે. રાજ્યની પ્રજા ઉપર બોજો પડે છે યસ સર, અને નો સર સિવાય કંઇ બોલતા આવડતું નથી. કામદાર ફોજદાર, તલાટીના દફતરો તપાસી શકે એટલું પણ શિખી આવતા નથી.
પોલીટીકલ કર્નલ સ્કોટને તેમણે કહેલું કે ઃ રાજાઓની વિલાયતની મુલાકાત – મુસાફરી લાભ કરતાં થતીકારક પૂરવારથતી જણાય છે. કોઇ વિદેશી ફર્નીચરના શોખીન થાય છે તો ત્યાંના ભારે કિંમતના કુતરાં અને ઘોડા વહોરી લાવે છે કોઇ ગોરી ચામડીના મોહમાં મોહાંધ થઇ કલંક લેતા આવે છે. કોઇ કાયમનું લફરું લેતા આવે છે. કોઇક આમાંથી બચે તો ગોરા અમલદાર અગર ગોરી નર્સો લેતા આવે છે. આપ જ કહો આમાં રાજાઓ શું કમાણી કરે છે ?
મહીકાંઠામાં પોલીટીક એજન્ટ તરીકે આવેલા કર્નલ કાર્ટર સાથે સંવાદ થયેલો. તેમાં બાળલગ્ન અને કજોડાનો મુદ્દો હતો. રાજસાહેબે જણાવ્યું ઃ બાળલગ્ન અને કજોડા હાનીકારક છે તેની ના કહેવાય નહીં પરંતુ સગીર ઉંમરના કુંવરોની એકવીસ વરસની વય સુધી કુંવારા રાખવામાં આવે છે તે પણ હાનીકારક છે. વિલાયતની હવામાં અને અહીંની હવામાં ફેર છે તેથી અઢાર વર્ષથી વધારે ઉંમર કુંવારા રહેવામાં તેઓના શરીરમાં કંઇ કંઇ વિકારો ઉત્પન્ન થાય છે, જેથી કાયમને માટે વ્યાધી ભોગવે છે અગર તો બળહીન થઇ જાય છે.
સ્વદેશીની વાત જેના રૂવે રૂવે રમતી હતી અને અમલ કરીને આચરણમાં મુકાતી હતી તેઓ વિદેશી માલની આયાતથી વ્યથિત થતાં અને કહેતા હતા કે તેથી અહિંના કારીગરો બેહાલ થતાં જાય છે. તેનું કોઇ પણ રક્ષણ કરી શકે. તો દેશી રાજ્યો જ કરી શકે પોતાના ૧૮ વર્ષના વહીવટ દરમિયાન તેઓએ દેશી કસબી, કાપડ, સોના – ચાંદીના કલાત્મક ઘરેણાં હીરા માણેક જડતરના અલંકારો, તલવારો, બંદુકો, ભાલા, કાષ્ટ અને પાષાણની કલાત્મક કૃતિઓની ખરીદી મોટા પ્રમાણમાં કરીને ઉત્તેજન આપ્યું હતું.
નવા આવેલા કામદારે કહ્યું કે, ‘દરબારમાં બહુ વસ્તુઓ ભેગી થઇ ગઇ છે માટે તેનો નિકાલનો વિચાર કરવો જોઇએ. હવે તો વિલાયતી બંદુકો અને અન્ય વસ્તુઓ નમુનેદાર આવે છે તેથી તેની ખરીદીનો વિચાર કરવો જોઇએ.’
રાજા સાહેબ આકરા થઇને બોલ્યા ઃ ‘વસ્તુઓ ભલે પડી પડી બગડે. તમારે તેની ચિંતા કરવી નહીં. દેશી કારીગરોની વસ્તુ રાજા ખરીદ ન કરે તો કોણ કરશે ? તમે વિલાયતી બંદુકોની વાત કરો છો પણ જાણો છો તેનો દારૂ ગોળો કારતુસ મંગાવવા કેટલી લખાપટી કરવી પડે ? ધારો કે દારૂગોળાનો પરવાનોરદ થાય તો શા હાલ થવાનાં ? પછી તો તમારી પાંચ હજારની બંદુક વાંસની લાકડી જેટલું પણ કામ આપે નહીં રાજસાહેબનો જવાબ સાંભળી નવા કામદાર ચૂપ થઇ ગયા છે. પ્રજા પરસ્ત આ રાજવીની જીવનશૈલી સાદી અને સરળ હતી. જેનું બોલતા એવું જ જીવતા હતા ઘણી વખત રાજ્ય તરફથી મોટર – ઘોડાઘાડીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવેલું પણ તેમણે તો માત્ર ઘોડેસવારી કરીને વહીવટ સંભાળી જાણ્યો.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ