Ψ મહાશક્તિ આઇ માલણ દુલાઈ Ψ

આઈશ્રી માલણ દેવીનો જન્મ વિ.સં. ૧૪૯૧ – માર્ગશીર્ષ શુક્લા-૬ ના ભાંડ ગામમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ દુલ્હાજી (બારહટ) હતું. આ ભાંડ ગામ દુલ્હાજીના પિતાશ્રી આલ્હાજીને રાવ ચુડાજી તરફથી મળેલ જમીનમાં વસાવવામાં આવેલ.

આઈશ્રી માલણદેવીના દાદાશ્રી આલ્હાજી ભાણાજી બારહટ હડુવા ગામના (જેશલમેર) નિવાસી હતા. તેઓ પાસે ખુબ મોટી સંખ્યામાં પશુધન હતું. તેઓ ખુબ ગાયો રાખતા જેથી ‘ગાવડ ચારણ’ પણ કહેવાતા. આ આલ્હાજી એ જુવાનીમાં પદાર્પણ કરતાં હડુવા ગામને છોડી પોકરણથી ૨૦ માઈલ દક્ષિણમાં સ્થિત કાલાઉ ગામમાં નિવાસ કર્યો.

રાવ ચુડાજી કે જેઓ વિરમદેવજીના પાટવી પુત્ર હતા, વિરમદેવજી જોઈયા સાથેના યુદ્ધમાં કામ આવ્યા ત્યારે ચુડાજીની અવસ્થા ફક્ત એક વર્ષની હતી. અને ચુડાજીની માતુશ્રી માંગલીયાણીજી માટે આ એક બહુ મુશ્કેલ સમય હતો. કારણકે જોઈયા વિરમદેવના પુરા ખાનદાનને ખતમ કરવા માંગતા હતા. પોતાના એકના એક વારસદાર રાવ ચુડાને, જોઇયાની નજરથી બચાવી તેને મોટા કરવાની વિકટ જવાબદારી કેવી રીતે નિભાવવી એવી વિમાસણ માંગલીયાણીજી અનુભવવા લાગ્યા. તેવામાં માંગલીયાણીજીને આલ્હોજી બારહટ યાદ આવ્યા. આલ્હાજીને આ સમાચાર પહોંચાડવામાં આવ્યા અને આલ્હાજીએ આ બંને માતા પુત્રને સાચવવાની જવાબદારી સહર્ષ સ્વીકારી લીધી. આલ્હાજીએ માંગલીયાણીજીને બહેન બનાવ્યા અને તેમને ખાત્રી આપી “મારા જીવને ભોગે પણ હું આપનું રક્ષણ કરીશ.” માંગલીયાણીજીને બહેન સમાન રાખી આલ્હાજીએ ચુડાનું લાલન પાલન કર્યું. ચુડાજી પણ આલ્હાજીને ‘મામાજી’ કહિને સંબોધતા. આ કાલાઉ ગામમાં આલ્હાજી પાસે ચુડોજીને માંગલીયાણીજી ૨૦ વર્ષ સુધી રહ્યા. ચુડાજી જવાન થતાં તેમને ક્ષત્રિયોચિત શિક્ષણ આપ્યું. ઘોડેસ્વારી, પટાબાજી યુદ્ધકળા સર્વેમાં તેમને પ્રવિણ બનાવ્યા અને તેમને શસ્ત્રો અને ઘોડા પણ આપ્યા.

આ દરમ્યાન ઇદોંયે (પરીહાર રાજપુત) તુર્કો પાસેથી મંડોવર જીતી લીધું. આલ્હાજીને આ સમય અનુકુળ લાગ્યો. એટલે આલ્હાજી ઇદાં રાયધવલ પાસે ગયા અને કહ્યું કે “જુઓ તમારી પાસે પુરું સૈન્ય નથી એટલે તમે મંડોવર ની રક્ષા કરી નહી શકો. ફરી તુર્કો સાથે લડાઈ કરવી પડશે તો એના પરિણામો બહુ સારા આવવાની સંભાવના નથી. આ સ્થિતિમાં આપ રાયધવલ જો તમારી પુત્રીનો વિવાહ રાવ ચુડા સાથે કરી મંડોવર દાયજામાં આપો તો જ મંડોવરની રક્ષા થઇ શકે એમ છે.”

ઇદાં રાયધવલને પણ આ વાત સાચી લાગી એટલે તેણે આલ્હાજીની વાત માની પોતાની પુત્રીના વિવાહ રાવ ચુડા સાથે કરી મંડોવર દાયજામાં આપ્યું. વિ.સં.૧૪૬૨. આ વખતનો એક દુહો પ્રસિદ્ધ છે.

“ઇંદારો ઉપકાર, કમધજ કદે ન વિસરે
ચુડે ચંવરી ચાડ, દિ મંડોવર દાયજે”

“રાઠોડો આ વાત આ ઉપકારને કોઈ દિવસ નહીં ભુલે જેમાં ઇદાઓએ પોતાની પુત્રી જ આપી એટલું જ નહીં સાથે મંડોવર રાવ ચુડાને દાયજામાં આપ્યું.”

આલ્હાજીની સહાયતાથી મંડોવર પ્રાપ્ત કર્યા પછી ચુડાજીનો પ્રભાવ ખુબ વધ્યો અને તેમણે ખાનજાદાને પરાજીત કરી નાગોર જીતી લીધી. તે ઉપરાંત સાંભર અને ડીંડવાળા પર પણ તેમનો અધિકાર થઈ ગયો.

આ રાવ ચુડાજી મંડોવરમાં ખુશી આનંદથી રહેવા લાગ્યા અને રાજ કારભારમાં આ આલ્હાજીને ભુલી ગયા. આથી આલ્હાજીએ એક દુહા દ્વારા તેમને સંદેશ મોકલ્યો કે

“તને ચુડા ન આવે ચિત કાચર કાલાઉ તણા
ભુપ હુવો ભેભીત મંડોવર ને માળવે”

“મંડોવરની ગાદી પર આવ્યા પછી તારા ચિત્તમાંથી કાલાઉના સંભારણા વિદાય લઈ ગયા લાગે છે. કાલાઉને સંભાળતા આટલો બધો ભયભીત થઈ જઈશ એવી ભીતી રાખતો નહીં.”

આ પરથી રાવ ચુડાને જુની વાતો યાદ આવતાં અર્ધુ રાજ્ય આલ્હાજીને આપવા તૈયાર થયો. આલ્હાજીએ આ વાત ન સ્વીકારી. ચુડાજીએ વધુ આગ્રહ કરતાં ફક્ત બારકોશ લાંબી-પહોળી જમીન ગાયોના ચરીયાણ માટે સ્વીકારી. આ જમીન પર આજે ભાંડ, સિયાધા અને ચકોર નામે ત્રણ ગામ વસેલા છે. જેને આલ્હાના વંશજો ભોગવે છે. આલ્હાજી કવિ પણ હતા તેમણે ‘વિરમાયણ’ નામનો ગ્રંથ પણ રચેલ છે.

આલ્હાજીને બે પુત્રો થયા જેમાં મોટાનું નામ દુલ્હોજી અને નાના પુત્રનું નામ જેઠોજી હતું.

આલ્હાજીના મોટા પુત્ર દુલ્હાજીને ઘેર માલણદેવીનો જન્મ થયેલ.

તેઓના વિવાહ બિરાઈ ગામના ટીકમજી સમરસીજી કવિયા સાથે થયા હતા. ટીકમજી કવિયાને બિરાઈની જાગીર તોલાજી નામના સુંડા રાઠોડ (તોલેસરના અધિપતિ અને ૮૦ ગામની જાગીરવાળા) કે જેઓ સેનાધ્યક્ષ પણ હતા. તેમના તરફથી મળી હતી.

ટીકમજીના પ્રથમ વિવાહ ગામ માંડવા (પોકરણ) ના આઢા ચારણોમાં થયેલ હતા અને તે પ્રથમ લગ્નથી તેમને ચાર પુત્રો થયા હતા.

ટીકમજીના બીજા લગ્ન વખતે તેઓ ચોરીના મંડપમાંથી જ ગાયોની વાર હેતુ ચડ્યા હતા. ત્યાં લુંટારાઓને મારી ભગાડી ગાયો પાછી વાળેલ હતી. પણ પાછી ફરતી વખતે એક ઘાયલ લુંટારાના ઘાવથી તોલાજીના પુત્ર રાણશી મરાતાં. ત્યાંજ એ લુંટારાને પુરો કરી પોતાના ગળામાં કટારી ખાઈ પ્રાણ ત્યાગ કર્યા હતા. તેમના તે રૂપની મૂર્તિ આજે પણ વિદ્યમાન છે.

આ પ્રસંગ બન્યો ત્યારે માલણદેવીને તેમના ભોજાઈએ મેણુ માર્યુ . “પતિને તો ચોરીમાંથી જ ઉપાડી લીધો અને હજી પોતાને આઈ કહેડાવે છે”.

ભોજાઈની આવી કટુવાણીથી રિસાઈ નાના વાછડા રથમાં જોડી આઈ બિરાઈ આવ્યા. અને ત્યાં જલ-દાગ (પાણી માં જલ સમાધી) લીધી. ત્યારે તેમની ઉમર માત્ર ૧૪ વર્ષ હતી. એક પુરાણી વહીમાં આ જલદાગનો વર્ષ વિ.સં. ૧૫૦૬ આસો સુદ-૧૩ નોંધાયેલ છે. “હિંગલાજ દાન કવિયા (સેવાપુરા) કૃત મેહાઇમહિમા માં લખ્યું છે.”

“બસે માલણા માત તુંહી બિરાઈ
વળે તું પ્રિથીરાજ રે રાજબાઈ”

માલણદેવી સંબંધિત ઘણા છન્દો, દોહા નિશાણી ગીત ચરજ ઉપલબ્ધ છે.

સાલુદાન કવિયા (બિરાઈ) એ લખ્યું છે,

“ગિરવર અઘરાં તરભોર ગહક્કે હુર્વે હરિયાળ હવાઈ
જ્યાં બિચ થાન જળાહળ ઓપે દેવકળા દુલાઈ વિરછ અનુપ બને થળવંકે સૈંજળ કુપ સવાઈ
આલણ વંશ દિયે ઉજીયાગર માલણ દે મહમાઈ”

૧) દુલાઈ – દુલ્હાજીની દિકરી –
૨) આલ્હાજીના વંશને ઉજળો કરનાર

તે સિવાય પ્રસિદ્ધ કવિ ધુડજી માંતીસરે પણ માલણ દેવી વિશે દોહા સારસી છંદ અને છપ્પય રચ્યા છે. જેમાંથી આઠ દોહા પ્રસાદી રૂપે અહી આપવામાં આવ્યા છે.

ગુરૂ સિમરણ હિરદૈ ગ્રહુ પ્રણમ કરુ ગણપત
માલણ યશ બરણુ સુમુખ, સુમત દેહ સરસત (૧)

કુળ રોહડ મોટે કુરબ, હૈ માલણ હિંદવાણ
જીણ કુલ આલો જનમીયો થીયાં બસ નિજ ભાણ(૨)

મંડોવર ચુડે મહિપ કુરબ દિયો યશ કાજ
પ્રધળ દ્રવ્ય મોતી પનંગ, રીઝ ગામ ગજરાજ (૩)

આલે ઘર દુલ્હો અવલ પાય જનમ પરિયાણ
માલણ દુલ્હે ઘર મુદૈ જનમ લીયાં ઘણજાણ (૪)

ચઉદસે ઈક્કાણવે, અગહન માસ અનુપ
સુકલ પક્ષ તિથી સપ્રમી રમા સુદરસણ રૂપ (૫)

તખત બિરાઈ ધિશ ત્તવ, દિલ સુધ પેખ ઉદાર
કવિયા ટીકમદાન કવિ, પરણાઇ કર પ્યાર (૬)

હુવા ધવળ મંગળ હરખ વાજા બજૈ બિસેસ
બર તરૂણી રાજે સુવર, અણંદ ઉછાહ અસેસ(૭)

હિંગળાજ આવડ હુઈ ભુયણ સગત સતભાય
ઇમ દુલૈ ઘર અવતરી માલણ દે મહમાય (૮)

*એક માલણ દેવી સોઢા – ક્ષત્રિયોમાં પણ થયા છે.*

જેઓ જાનરા ગામ (જેસલમેર) ના નિવાસી હતા. એક બે ચારણ કવિઓએ તેમના બારામાં પણ સ્તુતી કાવ્યો લખ્યા છે.

(ભગવતી માલણદેવી વિશે માહિતી પુરી પાડવા પરમ આદરણીય મુર્ધન્ય વિદ્વાન ડૉ. શક્તિદાનજી કવિયા (મુળ બિરોઇ હાલે જોધપુર) ને લખતાં તેમણે આ માહિતી આપી છે. આ માટે ખુબ ખુબ આભાર.

માહિતી સાભારઃ
પરમ આદરણીય મુર્ધન્ય વિદ્વાન ડૉ. શક્તિદાનજી કવિયા (મુળ બિરોઇ હાલે જોધપુર)

સંકલન અને આલેખનઃ
મોરારદાન ગોપાલદાન સુરતાણીયા-મોરઝર

પ્રેષિતઃ મયુર. સિધ્ધપુરા-જામનગર
Mo: 9725630698

error: Content is protected !!