મહાસતી લોયણ

પુણ્યશાળી સિધ્ધક્ષેત્ર ગિરનારના બોરીયાગાળા પાસે વૈષ્ણોવદેવીનું બોરદેવીથી ઓળખાતું મહાતીર્થ આવેલુ છે. તે સ્થળે બોરડીનું ઝાડ હોવાથી વૈશ્નોવદેવી બોરદેવી તરીકે પ્રસિધ્ધ થયા છે. તેવી પ્રચલિત લોકમાન્યતા છે.

સવંત ૧૪૪૭ ના સમગાળામાં ગિરનારના બોરદેવી તિર્થના મહાપ્રતાપી ત્રિકાળજ્ઞાની સિધ્ધ અવધૂત ગાદિપતી શ્રી બુધ્ધગીરી બાપુ ગિરનારી સંતમંડળ સાથે સનાતનધર્મનો પ્રચાર કરતા ગામડે ગામડે ફરી રહયા છે. સંધ્યા સમય થતા આટકોટ ગામના રામજી મંદિરના ચોકમાં પોંહચી આ સંતમંડળે કોઇ ભગતના ઘર વિશે પુછપરછ આદરી એ પુછપરછમાં મહાપંથના સેવક એવા લુહાર-પંચાલ જ્ઞાતિના પીઠવા શાખાના ધનજીભગત અને તેના પત્ની રૂડીમાંનું આંગણુ લોકોએ બતાવ્યુ. સંતમંડળે લુહાર ધનજી ભગતના ઘરે ઉતારો કર્યો. ધનજીભગત અને રૂડીમાં ને પ્રભુ પધાર્યા જેટલો આનંદ થયો. બન્ને દંપતીએ સંતોનુ ચરણામૃત લીધુ. સંતોને ભાવતા ભોજન કરાવ્યા અને વળી તે દિવસે અષાઢીબીજ ની શુકંનવંતી રાત્રી હોવાથી સત્સંગ અને સંતવાણી નો દોર શરુ થયો.

આખી રાત ભજન આરાધના કરી.સવાર પડ્યુ. સંતમંડળે ધનજીભગત પાસે વિદાય માંગી પરંતુ ધનજીભગત અને રૂડીમાં સંતમડળને પ્રસાદ લઇને જ જવા માટે પ્રેમાદર સાથે વિનંતી કરે છે. ભગતના આદર અને પ્રેમને માન આપી સંતમંડળ ભોજન પ્રસાદ લેવા રોકાય છે. ગિરનારી સંત બુધ્ધગિરી બાપુએ ધનજીભગત ને પુછ્યુ કે “ભગત આપના કોઇ બાળકો કેમ દેખાતા નથી?”
“બાપુ બાળકો તો ભાગ્યાધીન છે” એમ કહી ભગતે બાપુની વાત ટાળી દિધી પરંતુ રૂડીમાનાં આંખમા અવેલા આસું બાપુથી અછતા ન રહ્યા. સંતે ધ્યાન લગાવી જોયુ તો સાત અવતારથી આ દંપતી ને શેરમાટીની ખોટ હતી. સંત બુધ્ધગીરી બાપુએ સમાધિ લગાવી અને પોતાના ઇષ્ટ દેવીને વિનંતી કરી અને માતાજીએ તેની વિનંતી સ્વીકારી. બાપુએ જાગ્રત થઇ આશીર્વાદ આપ્યા કે આપના ઘેર ગિરનાર ક્ષેત્રના બોરદેવી પુત્રી રુપે અવતરશે. આમ વિધાતાએ લખેલા લેખમાં મેખ મારી સંતમડળ આટકોટ ગામમાંથી વિદાય લે છે.

કવિશ્રી ધીરુભાઇ કાનજીભાઇ બારોટની નોંધ પ્રમાણે ગામ આટકોટમાં લુહાર ધનજીભગત પીઠવા અને રૂડીમાં ના આંગણે સંવત ૧૪૪૮ શ્રાવણ વદ આઠમ જનમાષ્ટમીના દિવસે પુત્રીનો જન્મ થયો. તેનુ નામ લોયણ રાખવામાં આવ્યુ. લોયણ નો બિજો અર્થ થાય છે લોચન. ભગત ઘરે જે કોઇ સાધુ મહાત્માઓ આવે તેના ચરણોમાં દિકરી લોયણને મુકી આશીર્વાદ લેવડાવે. આમ લોયણ નાનપણથી જ લોયણને સાધુતા ના સંસ્કાર તેન માતા-પીતા પાસેથી મળ્યા. અમાસ, એકાદશી દિવસ હોય ત્યારે ભગત પોતાની કોડ બંધ રાખે અને અગતો રાખે. તે દિવસે ભજન અને સંતવાણી રાખે. લોયણ પણ સતસંગના, સાધન, ભક્તિ, ભજન યોગના અઘરા પાઠો પાકા કરવા લાગી. મજેવડીગામના લુહાર સિધ્ધ પુરૂષ દેવતણખીદાદાએ ગુરુ મહિમા, ગુરુગળ અને મહાપંથની પ્રાથમીક સમજણ માહિતી આપી. લોયણને ભજન ગાતા શીખડવ્યું.

નહીં આવે આરો તારો નહિં આવે રે,
ગુરુના શરણ વિના નહીં આવે આરો રે.

આમ ભજનમંડળમાં ઉપસ્થીત સંતો અને ભક્તો લોયણની હ્રદયસ્પર્શી વાણીથી ખુબ પ્રભાવિત થયા. આટકોટના દરબારગઢમાં ધાડ અને રંજાડ કરતા જાગીરદાર રાજપૂત રાજવી લાખોજી અને તેમની ધાર્મીકવૃતીવાળા રાણી સૂરજા અને સોન(ચતૂરા)ને કાને પણ અલૌકિક કંઠની ભજન આરાધના સંતવાણીના સૂર પડ્યા.

સવારનો સૂરજ ઉગતાની સાથે જ લાખાજીએ અમરા ભગતને આંગણે રાત્રીના સંતવાણીના આરાધકોની તપાસ કરાવી. લોયણના કંઠે ગવાયેલી સંતવાણીના સૂરથી લાખાજીની રાત્રીની નીંદર વેરણ થઇ ગઇ છે. લોયણને પ્રત્યક્ષ રીતે જોવા માટે ગામના રામમંદિરમાં યોજાયેલ જન્માષ્ટમી આનંદ ઉત્સવમાં પોતે જાતે હાજરી આપે છે.

એક દિવસ પરોઢીયે ધનજીભગતને આંગણે રાજનું તેડુ આવ્યું. એટલે લોયણે તેના પિતાજીને કહ્યુ કેઃ “બાપુ! રાજ દરબારમાં જાવ છો, પણ રાજવીની કોઇ માંગણી મંજૂર રાખશો નહીં.” ધનજીભગત રાજ કચેરીમાં આવ્યા. રાજ કચેરીમાં લાખાજીએ ધનજીભગત પાસે લોયણના હાથની માંગણી કરી. આ સાંભળી ધનજીભગતે કહ્યુ કેઃ ‘બાપુ દિકરી લોયણની સગાઇ કીડી કરીયાણા ગામે તેના મામા ખોડાભગતે તે જ ગામના લુહાર હરજીભગતના દિકરા લવજીભગત સાથે નક્કી કરી છે.’ અને વળી અમે તો આ ગામની રૈયત એટલે લોયણ તમારી દિકરી કેહવાય. આટલુ કહી ધનજીભગત ધરે આવ્યા. ત્યાર પછી લાખોજી ભગતને યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરવા લાગ્યા. કીડીગામે લાખોજીએ કટક મોકલી હરજીભગતને ધાક-ધમકી આપી લવજીભગતનું લોયણ સાથે થયેલ સગપણ તોડાવી નાખ્યું. ધનજીભગત, રૂડીમાં અને લોયણ ભક્તિના પાકા રંગે રંગાયેલા જીવાત્મા હતાં. આવી પડેલ સંકટને ઇશ્વર ઇચ્છા માની હસતે મુખે આ બધુ સહન કરતાં. લાખાજીએ સાધુ, સંતો, સન્યાસીયોને ગામમાં આવવાની મનાઇ ફરમાવી છે. લાખાજીથી બચવા માટે લોયણ રાતે પાણી ભરતા જેની જાણ લાખાજીને થતા ગામમાં રાત્રી દરમ્યાન પાણી ભરવાનુ પણ લાખાજીએ બંધ કરાવી દીધુ.

અમાસના સૂર્યગ્રહણનો દિવસ પૂર્ણ થતાં. વાસી પાણીનો ત્યાગ કરી તાજું પાણી ભરવા માટે લોયણ બેડું લઇને પાણી શેરડે જાય છે. પાણી બેડામાં ભરે છે તે દરમ્યાન બે બાળયોગીઓ સંધ્યાપૂજા માટે લોયણને પાણી આપવા વિનંતી કરે છે. લોયણ બાળયોગીને જોઇ અચરજ અનુભવે છે. એટલે પુછે છેઃ ‘તમે અહીંયા આવા ટાણે શી રીતે પધાર્યા.?’ એટલે બાળયોગીઓ કહેઃ ‘મૈયા ! કોળંબા ગામે થયેલ સવરા મંડપના ધર્મોત્સવમાંથી અમે આવીયે છીએ. સામેના વડલા હેઠ અમારા સંત મંડળે ઉતારા કર્યા છે.’ આ સાંભળી લોયણે કહયુ કેઃ ‘મને તમારા મોટા મહંતબાપુના દર્શન કરાવશો?’ આમ લોયણ પાણીના બેડા લઇ આ બાળયોગીયો સાથે સંતમંડળમાં દાખલ થાય છે. જેના ગાદિપતી મહંત જેસલમેરના મહાસમર્થ સંત ઉગમશીબાપુ હતાં.

ઉગમશીબાવાની જાજ્લયવાન સાધુતા અને સમર્થતા તેમજ ઉપદેશથી લોયણ ખુબજ પ્રભાવિત થાય છે અને ઉગમશીબાપુને ગુરુદિક્ષા આપવા વિંનતી કરે છે. લોયણની વિનંતી સાંભળી ઉગમશીબાપુ બોલ્યા કે ‘બેટા! ગુરુતો લેખ સાથેજ લખાયેલા હોય છે. તારા ગુરુતો મારો શિષ્ય કે જે ગઢઢેલડીનગરનાં રાવતરણસિંહજીનો કુંવર ને કુંભારાણાનો ભાણેજ શૈલારશી છે.’ આટલુ કહી ઉગમશીબાપુએ લોયણને સાકર પ્રસાદીનો પડો આપી કોટવાળ સાથે બાજુના તંબુમાં રહેલ શેલારશીબાપુ પાસે દિક્ષા લેવા મોક્લી આપે છે. શૈલારશીબાપુ પાસે આવી લોયણ પાયલાગણ કરી ગતગંગાને રામરામ કરે છે. શૈલારશીબાપુ લોયણના કપાળ ઉપર મીટ માંડતા તેને મસ્તક પર દિવ્ય શ્વેત તેજપુંજ પ્રકાશી રહેલુ દેખાય છે. સમર્થ સદગુરુ શિષ્ય બનાવતા પેહલાં મનુષ્યનાં મસ્તક ફરતાં રેહતા ઓરા(પ્રકાશમય વાતાવરણ) નું નિરીક્ષણ કરતાં હોય છે. શ્યામ(તમોગુણ), રક્ત(રજોગુણ), શ્વેત(સત્વગુણ) એ ત્રણ રંગો જોઇને વ્યકતિ સાધનાની કઇ ભૂમીકામાં છે અને કેટલી આગળ વધશે તે જાણી લે છે.

શૈલારશીબાપુએ લોયણ પાસેથી સાકરની પ્રસાદી પડો શ્રીફળ સ્વીકારી વિધીવત રીતે નીજીયાધર્મની દીક્ષા આપીને લોયણને શિષ્યા તરીકે સ્વીકારી. લોયણ ધન્ય બની ગયા. લોયણ લાખાજી દ્રારા થતી હેરાન-પરેશાનીની વિતક કથા અથથીઇતી સુધી ગુરુ મહારાજને કહી સંભળાવે છે. શૈલારશીબાપુએ ગુરુવચનનો જાપ જપવાનો આદેશ આપી, અભય બનવાના આશીર્વાદ સાથે લોયણને વિદાય આપી.

લોયણ પાણીનું બેડુ લઇને આટકોટ દરવાજામાં દાખલ થાય છે. ત્યાં ઘોડે સવાર થઇ લાખાજી ચાબુક ચડાવી એકલા ઉભા છે. લોયણ દરવાજામાંથી આગળ વધતા લાખાજી ચાબુકને હવામાં વીંઝી લોયણને મારવા જાય છે, તો દેવયોગે તે જ ચાબુક લાખાજીના ગળામાં ફાસીનાં ફંદાની જેમ વિંટાળાય જાય છે. લાખાજી જેમ ચાબુકને ખેંચે છે તેમ ગળાની ભીંસ વધુ મજબુત બનતી જાય છે. ગળામાં પ્રાણવાયુની ગતી અવરોધાતા લાખાજી ‘લોયણ માં મને બચાવોના પોકાર પાડીને બેશુધ અવસ્થામાં ઘોડાપરથી પડી જાય છે. ‘માં’ શબ્દ સાંભળતા જ લોયણ ત્વરીત લાખાજી પાસે આવી ગળામાં વિંટાયેલ ચાબુકની ભીંસ ઢીલી કરે છે અને લાખાજીને દરબારગઢ લઇ જઇ અને તેમના રાણીઓને કહે છે કે ‘આ લ્યો આ તમારા ધણીને અને ગામધણીને સંભાળો, નુગરા-દૂરજન લોકોની સંગતથી એ બગડ્યો છે એનો જન્મારો સુધારો!’.

લોયણની વાત સાંભળી સુરજારાણી બોલ્યા કે ‘તમેજ એમનો જન્મારો સુધારવાનો કાંઇક માર્ગ દેખાડો?’ લોયણ કહે ‘ગામમાં સાધુ-સંતોને આવવા દેવાની મનાઇ ફરમાવી છે’. સંતોની ચરણરજ વગર ગામ શીદને પવિત્ર થાય?’ ગામને પાદર આભને ટેકો એ તેવા સંતો પધાર્યા છે ઇ ના પગલા દરબાર ગઢમાં કરાવો તો તમારે ત્યાં સોનાનો સુરજ ઉગે.’ લોયણની વાત રાણીઓએ સ્વીકારી, વાજતે ગાજતે સંતોના ભવ્ય સામૈયા કરી દરબારગઢમાં સંતોની પધરામણી થાય છે. લાખાજીએ ઉગમશીબાપુના પગમાં પડી પોતે કરેલા તમામ અપરાધોની ક્ષમા માંગી અને પોતાને ગુરુ દિક્ષા આપી ઉધાર કરવા વિનંતી કરી. આથી ઉગમશીબાવાએ લાખા ઉપર હાથમુકી શિષ્ય તરીકે સ્વીકાર કર્યો અને નીજયા ધર્મની રેહણીકેણી અને સાધન ભજનની સમજણ આપી ઉન્ન્તીનો માર્ગ દેખાડ્યો. લાખાજીએ ઉગમશીબાવાની વૃધ્ધા અવસ્થાને કારણે તીર્થાટન બંધ કરવા તેમજ થોડો સમય દરબારગઢમાં બીરાજી સત્સંગ ઉપદેશ કરવા વિનંતી કરી. આમ ઉગમશીબાવા દરબારગઢમા રોકાણા અને બીજા સંતો શૈલારશીબાપુ સાથે તીર્થાટન માટે રવાના થાય છે.

સને ૧૯૫૭ માં પ્રસીધ્ધ થયેલ મોહનલાલ જોશી કૃત ‘વગડાના વાયરા’ નવલકથામાં જણાવ્યા પ્રમાણે ‘નવાનગર રાજ્યના જોડીયા પાસેથી ચાર ગાઉ આથમણી દિશામાં ઉગમશીબાવાનો આશ્રમ હતો. ઉગમશીબાપુના માનીતા શિષ્યોમાં લાખો એક હતો. દાદાઉગમશી, રાવતરણસિંહ, ધારૂમેઘવાર, ખીમડીયો કોટવાળ-સતી દાળલદે, દેવતણખીમજી સાથે દિકરી લીરલબાઇ, સતી લોયણ આ બધા જતી-સતી જુનાગઢ પાસેના મજેવડી ગામ પાસે આવેલ સેકડી ગામ ભજન માટે ભેગા થતા.’

લોયણે ગુરુકૃપાથી તેમજ દાદાગુરુ ઉગમશીના સાનીધ્યમાં રહી આત્મસાક્ષાત્કાર કરી ઊંચી ભુમીકા હસ્તસિધ્ધ કરી. ઉગમશીદાદાના આદેશથી લોયણે લાખાજીને આત્માપ્રબોધવાનુ શરુ કર્યું. આ સતસંગથી રાણી સુરજબાને પણ આત્મજ્ઞાનનો રંગ લાગતા તે પણ સતી લોયણ પાસેથી બાર ભજનોમાં આત્મબોધ મેળવી લોયણ ને કે છે કેઃ

જી રે લોયણ અંખડ પરમાત્માં મેં શૂન્યમાં ભાળીયા જી હો જી
એ તો ધરો ધર અંતર જામી હા…..હા…..હા..

સતી લોયણ લાખાજીની ૭૮ ભજનની સાધન ક્રિયાવિશેષ દ્રારા આત્મજ્ઞાનની પ્રાપ્તી કરાવે છે. કૃતાંત લાખોજી લોયણનો આભાર માનતા કહે છે કેઃ

જી રે માતા મારા અપરાધ બધા ક્ષમા કરજો જી હોજી
મારા અત્માનંદની દાંતા હા….

લાખાજીના આભાર પ્રસ્તાવમાં સતી લોયણ તેને આશીર્વાદ આપતા કહે છે કેઃ
આત્માનંદમાં સદા રેહજો…હા…

અંજાર શહેરમાં સતી તોરલ અને જેસલપીરે સવરામંડપનું આયોજન કર્યુ. એ ધર્મોત્સવમાં ઉગમશીબાપુ અને લાખોજી રથ જોડી અંજાર જવા રવાના થાય છે. ધર્મોત્સવની મુખ્યગાદી પર ઉગમશી બાપુ બીરાજવાના છે. લાખાજીને મુખ્યગાદીનો મોહ લાગતા અને ચિતવૃતી વિચલીત થતા રસ્તામાં આવતી વાવમાં ઉગમશીબાપુને ધક્કો મારી અંજાર તરફ રથ હંકારી મુકે છે. ગઢઢેલડી નગરનું સંતમંડળ અંજાર તરફ જતા આ વાવમાંથી પાણી ભરવા રોકાયુ. વાવમાં નજર કરેતો ઉગમશીબાપુ પદ્માસન વાળી વાવના પાણી પર બેઠા છે. સંતમંડળે ઉગમશીબાપુને વાવ માંથી બહાર કાઢી પુરા આદરમાન સાથે અંજાર ધર્મોત્સવમાં પોહચાડ્યા. લાખાજીએ ધર્મોત્સવની મુખ્યગાદી પર સ્થાન ગ્રહણ કર્યુ છે. ધર્મોત્સવના સ્થળે ઉગમશીબાવાની પધરામણી થતા સર્વત્ર જયજ્યકાર થવા લાગ્યો.

ધર્મોત્સવના નિયમો અનુસાર સાડાબારમણ તેલ કડાઇમાં ચડાવવામાં આવે છે. ઉગમશીબાપુ આ ક્ડાઇમાં હર હર ગંગે કરી કુદી પડે છે અને ઉકળતા તેલમાં સ્નાનવિધી કરી ઉગમશીબાપુ બહાર આવે છે. ધર્મોત્સની મુખ્યગાદીએ પ્રવેશતાની સાથેજ દિપમાળા આપ મેળે ઝળ હળવા લાગે છે. વાજીંત્રો પણ આપમેળે સુરો કાઢવા લાગે છે. સંતસભા અને સેવકો ઉભા થઇને ઉગમશીબાપુની વંદના કરે છે. મુખ્યગાદી પર બેઠેલા લાખાજી ગાદી ઉપરથી ગડથોલુ ખાય ગબડી પડે છે. ગુરુ મહારાજ મુખ્યગાદીપર સ્થાનગ્રહણ કરે છે એટલીવારમાં લાખાના અંગે અંગમાં અગ્નીદાહ વ્યાપી જાય છે. ઉગમશીબાપુ ધર્મોત્સવ ભવ્યરીતે સંપન કરી કાશીની વાટ પક્ડે છે. ગુરુદ્રોહને કારણે લાખાજીની દુર્ગતી થાય છે. દીનહીન હાલતમાં કોઢવાળા રોગીષ્ટ શરીર સાથે લાખો રખડતો ભટકટો લાખો આટકોટ પાણી શેરડે પાણી પીવા પોંહચે છે. પાણી શેરડે સતી લોયણ પાણી ભરવા આવે છે અને લોયણ લાખાજીને ઓળખી જાય છે. લાખાએ કરેલા ગુરુદ્રોહની લોયણને ખબર હતી એટલે લોયણ લાખાજીને કહે છે કેઃ

જી રે લાખા સોનુ જાણીને તને સેવીયો કરમે નીવડ્યુ કથીર હાં હાં હાં
કરીયા ચુક્યોને થીયો કોઢીયો લાખો થયો કોડીને મુલ હા..હા..હા

લાખાજી ગુરુદ્રોહના પ્રશ્ચાતાપમાં દ્રવી ઉઠે છે. લોયણના ચરણે પડી તેનો ઉધ્ધાર કરવા આજીજી કરે છે. લોયણ લાખાજીની ધર્મપત્ની રાણી સુરજા અને સોનાને જાણ કરે છે. રાણીઓ અને રાજપરિવાર લાખાના કુકર્મથી કંપી ઉઠે છે. લાખાજીને અસહ્ય અગ્નિદાહની બળતરામાં ગુરુજી બચાવોના ચિત્કારોથી દરબારગઢમાં કાંગરા હલબલી નાખે છે. રાણીઓ લોયણને લાખાજીનો ઉપચાર કરવા તેમજ આ શ્રાપમાંથી મુક્તિ અપાવવા વિનવણી કરે છે. તેના પ્રત્યુતરમાં લોયણમાતાજી કહે છે કેઃ

જીરે લાખા કુંચિયુ છે માલમ ગુરુજીને હાથ, લાખા હાં…
ગુરુજી આવેતો તાળા ઉધડે રે…

લાખાના કરમે તાળુ દેવાય ગયુ છે, જેની ચાવીયો સમર્થ
ગુરુજી ઉગમશીદાદાના હાથમાં તેની પાસે છે. માટે ગુરુજી આવે તો જ આ તાળા ઉઘડે તેમ છે. રાણીઓ કહે છે હે માં લોયણ ગુરુ મહારાજને વિનવી અહિં ફરી પધરામણી કરાવો. લોયણ કોટવાળ મારફત ગુરુ મહારાજને સંદેશો મોકલે છે. તેના પ્રત્યુતરમાં ગુરુ મહારાજ ઉગમશીદાદાએ આંબાની કેરી મોકલાવતા કેહવરાવ્યુ કે ‘આનો આંબો વાવશો એની શાખ અને ફળ આવ્યે અમે આવી પોહચીશું’. બારવર્ષ બાદ ગુરુ મહારાજ ગુરુમંડળ સાથે લાખાજીની ખબર લેવા કાશીધાટથી પ્રસ્થાન કરે છે.

લોયણના માતા-પિતા પુરી અવસ્થા ભોગવી હરિના દેશમાં સિધાવ્યા છે. લોયણ સંપુર્ણ વિરક્ત અવસ્થામાં ધર આંગણે એક સંતકુટીરમાં નિવાસ કરે છે. સંતમંડળમાં ‘સતી’ તરીકે અને લોક સમુદાયમાં ‘મહાસતી’ તરીકે લોયણને માનપાન અને આદર મળ્યા છે. આટકોટમાં ગુરુ મહારાજની પધરામણી થતા લોયણનો આનંદ સમાતો નથી. ગુરુ મહારાજને આટકોટના દરબારગઢમાં પધરામણી કરાવે છે.

સંતને વધાવે રાણી સુરજા, આજ મારે આનંદ ઓછવ થાય
એ જી મારા સંત રે પધાર્યા રંગ મહેલમાં હૈડે હરખ ન માય.

ગુરુ મહારાજ ઝોરીમાંથી ગંગાજળ કાઢી લાખા ઉપર અભિષેક કરી હાથ પકડીને લાખાને ઉભો કરી તેના શરીર પર હાથ ફેરવે છે. ગુરૂકૃપાથી લાખાજીની કાયા નીરોગી અને કંચનવરણી બની જાય છે. લાખાજીનુ સ્વાસ્થય પુર્વવત થઇ જાય છે. દરબારગઢ ગુરુ મહારાજના જયઘોષથી ગાજી ઊઠે છે. ગુરુ મહારાજ લોયણની સંતકુટીરમાં પધારે છે. બીજે દિવસે આખા ગામને જમાડવામાં આવે છે. લાખાજીએ ગુરુ મહારાજ અને સંતમંડળનું ભવ્ય સનમાન કર્યું. એ સમયે મહાસતી લોયણે ગુરુ મહારાજને દંડવત આખરી વંદના કરી ઉપસ્થીત સાધુ-સંતો, સન્યાસીયો, રાજપરિવારને આટકોટના ગ્રામજનોને બે હાથજોડી પ્રણામ કરી છેલ્લી વારનો ‘જય અલખધણી’ ‘જય ગિરનારી’ નો જયધોષ કરી સિધ્ધક્ષેત્ર ગિરનારની વાટ પકડે છે.

ગિરનારી બાવા હાં ધીંગા રે ધણીની ધૂણી જાગતી
એનાં આસન ગઢ ગિરનાર, હે ગિરનારી બાવા

આ રીતે ગિરનારનો મહિમા ગાતા ગાતા મહાસતી લોયણ ગિરનારક્ષેત્રમાં બિરાજતા બોરદેવી માતાજીની મૂર્તીમાં સદેહે સમાય ગયા. આ રીતે ગિરનારમાંથી અવતરેલુ મહાતેજ ગિરનારના મહાતેજમાં વિલીન થઇ ગયુ. આટકોટના ભરવાડ પાળમાં મહાસતી લોયણમાતાજી નું ભવ્ય મંદિર દર્શનીય છે. લાખાજીની સમાધિ પોરબંદરથી વેરાવળ જતાં રોડ ટચની જગ્યામાં વડનીચે છે. બીજા મતે આટકોટ કે ભાડલાની સીમમાં લાખાજીની સમાત છે. ત્રીજા મતે વાંકાનેર તાલુકાના ગામ મહીકા-મેસરીયાળમાં સમાધિ છે. આ સંશોધનનો વિષય છે. મકરંદ દવેના મંત્વય પ્રમાણે લોયણ લાખાને પ્રબોધે છે. એ ભજનમાં ભક્તિ, જ્ઞાન અને યોગની ત્રિવેણી વહે છે. મેઘાણીજી લોયણના ભજનોને સૌરાષ્ટ્રની મહામૂલી સંપતી ગણે છે.

? ચિત્રકારઃ
નાનજીભાઇ.રાઠોડ-અંજાર
? માહિતી-સાભારઃ
લક્ષ્મણભાઇ.પીંગળશીભાઇ.ગઢવી-જામનગર
? પ્રેષિત-સંકલનઃ
મયુર.સિધ્ધપુરા- જામનગર
મો.9725630698

error: Content is protected !!