ચંદ્રનું પ્રતિબિંબ ઝીલતા જલતરંગ જેવી સૌદર્ય વિભાને વેરતી વનિતાના અંતરંગ જેવી સંધ્યા સરી રહી છે. સપ્તરંગી વન્યુષ્ય તાણીને મેઘરાજા ઘડીક પોરો ખાઈ ગયો છે. પાગરાળ કાપાવાળા પહેલી વીશીના કામણગારા કંથના કંઠના નવોઢાના કંકણવતાકર વીટળાય એમ વેલડીયું વૃક્ષને વીંટળાઈ રહી છે. મા પાર્વતીના મંદિરની ઝોલર રણઝણી રહી છે. આશકાની જડાસ જ્યોત્સુ ઝળાઝળા થઈ રહી છે.
એવે વખતે પુનાનો ફડનવીસ નાનોભાઈ નતના નિયમ મુજબ જે જંગદંબા બોલીને મંદિરના પગથીએ પગ ઠેરવ્યો, દર્શનાળુઓએ ખસી મારગ દીધો. પાછા વળતા પુનાના દીવાન નાના ભાઈની નજર મંદિરમાં ઉતારો કરીને પડેલા મુસાફર માથે પડી. થાકના ઓથાર નીચે કચડાયેલી કાયા ઉપર કરચલીઓ પડેલી જોઈ ચીંથરે હાલ વસ્ત્રોની ભીતરમાં સુવાળું શરીર ડોકાતું દેખાયું ઉંડી ઉતરેલી આંખમાં આળોટતી અમીરાત ઓળખી દિવાન નાના ફડનવીસે ઉભા રહી સવાલ કર્યો.
ઓળખાણ આપશો ?
છેલ્લા છ મહિનામાં કોઈએ નહીં પુછેલો એવો સ્નેહાળ સવાલ પુછનાર નાના ઉપર નિસ્તેજ નજર ઠેરવીને મુસાફરી ઉત્તર દીધો.
ખોલાવેલું નસીબ ખોળવા નીકળેલો છું.
મારા મહેમાન બનશો? મારા ગજાસંપત પરમાણે ખાતર બરદાસ્ત કરીશ.
નાનાનું નિમંત્રણ સાંભળી મુસાફરે પલકવાર પોપચાં આંખ માથે ઢાળીને વિચાર કર્યો. તે દિ દેશભરમાં નાનાસાહેબનું નામ પંકાયેલું હતું. એની ચતુરાઈ અને શુરવીરતાની વાતુ લોકજીભે રમતી હતી. પુનાની માથે માંધાતામાં જેની ગણના થાતી હતી કેવા માધવરાવ પેશ્વાની રાજસત્તા પડી હતી.
મુસાફરે ઢાળેલાં પોપચાં ઉઘાડી હા ભણી. નાના ફડનવીસ મહેમાનને લઈને ડેલીએ આવ્યા. માઢ મેડી પર ઉતારો દીધો. કોઈ ભેદ, કોઈ પડદો રાખ્યા વગર બેય વચાળે બેઠકઉઠકનો વેવાર બંધાઈ રહયો. રાત પડે છે ને વાતુંના હિલોળા હાલે છે.
એક દિ નાના ફડનવીસે મહેમાનને પુછયું, આય કઈ વિદ્યામાં પારંગત છો એટલું કહેશો તો ઉપકાર થશે.
હું શેતરંજની રમત રમી જાણું છું.
પોતાના ભૂતકાળ છતરાયો ન થઈ જાય એટલે મહેમાને ઉપરનો ઉત્તર આપી વાતને વાળી લીધી.
નાના ફડનવીસની અંતરની ઈચ્છા એવી કે આ ચતુર માણસ પૂનામાં રોકાઈ જાય તો રાજ્યને જાતે દિએ લાભ થશે.
પેશ્વાને શેતરંજની રમત વધુ વહાલી છે. જો હું તેમની સાથે રમવા માટે તેમને બેસારી શકું તો તમે રમત માંડશો?
યજમાનની ઈચ્છાની મારાથી અગવણના કેમ થાય?
એક શરત રહેશે.
કઈ શરત? મહેમાને આંખ પહોળી કરી પુછયું.
અમારા પેશ્વા જ્યા સુધી પોતે હારે નહીં ત્યાં સુધી દરરોજ સાંજે રમત માંડે છે. જે દિવસે પોતે જીતે છે ને સામો માણસ હારવા માંડે છે તે દિવસથી રમત બંધ કરે છે.
પેશ્વાજીને જીતવાનો મોકો ક્યારેય મળવાનો નથી. મહેમાનના બોલમાં અભિમાન નહોતું પણ કુશળ કારભારીની કાબેલિયત હતી.
બીજા દિવસની સાંજથી પેશ્વા સાથે શેતરંજની રમત મંડાણી. પહેલે દિવસે પેશ્વા તમામ બાજી હાર્યા. બીજા દિવસે પણ એમ જ થયું. ત્રીજા દિવસે પણ પેશ્વાના પાસા અવળા પડયા. પેશ્વાએ કંગાલ મુસાફરમાં છુપાયેલી ચતુરાઈ પારખી લીધી. એક દિવસ તેને પુછયું.
કહેશો કોણ છો?
ભુતકાળના ભડકા મને દઝાડશે. તમારી રમતની રંગત રોળી નાંખશે.
પૂનાના રણીધણી માધવરાવ પેશ્વાએ વળી પાછું સ્નેહથી પુછયું.
હું કહેવા જેવો સુપાત્ર લાગતો હોઉ તો કહો. મારો દુરાગ્રહ નથી.
હું દિલ્હીના પાદશાહનો એક વખતનો કારભારી છું. કોઈએ કાનભંભેરણી કરીને તખ્તની મારા પર ખફામરજી ઉતરી. જેના પર શાહી નજર કરડી બની એના જે હાલ હવાલ થાય એ મારા થયા. વાડી વઝીફા જપ્ત થયા. આખું કુટુંબ કારાગૃહમાં ગારદ થયું.
માધવરાય પેશ્વાના હાથમં શેતરંજની કુકરી તોળાઈ રહીને કાન મુસાફરના મોંમાથી નીકળતી વેદનાનાં વેણ વીણતા રહયા.
મુસાફરે વાતને સંકેલતા કહયું.
વહીવટદારોએ રૃપિયા ત્રણ લાખ માંગ્યા છે. એક વરસની અવધિએ મને છોડયો છે. જો રૂપિયા ત્રણ લાખ બાંધી મુદતમાં દીલ્હી દરબારમાં ન ભરુ તો…
તો શું.? પેશ્વાથી પુછાઈ ગયું.
તો મારા કુટુંબ-કબીલાનું કારાવાસમાં શું થશે એ તો કિરતાર જાણે.
અને પેશ્વાએ શેતરંજ માથે કુકરી માંડી. રમત રંગત પકડવા લાગી.
સોના જેવો સમય સરવા લાગ્યો. રમત રમાતી રહી. માધવરાવ પેશ્વા બાજી હારતા રહયા.
એક સાંજે પહેલી જ બાજીએ દિલ્હીનો પદભ્રષ્ટ થયેલો વજીર-શેતરંજનો અઠંગ ખેલાડી- બાજી હાર્યો. અપાયેલી અવધિનો એ છેલ્લો દિવસ હતો. મુસાફરનું મન વિહ્વળ હતું.
પેશ્વા માધવરાવે કહયું, બીજી બાજી માંડો.
મુસાફર બેઠક પરથી ખડો થઈ ગયો. આજે હું એક પણ બાજી જીતું તેમ નથી.
પેશ્વાએ આગ્રહ છોડી દીધો. મુસાફરને કહયું-ચાલો મારી સાથે મૃગયા ખેલવા.
હા, ઠીક છે.
એટલા વેદના ભરેલા બોલ સાથે માધવરાવ પેશ્વા સાથી ઘોડાને રાંગમાં રમાડતો ચાલ્યો. જીવ તો કયારનોય દિલ્હીના કારાવાસમાં કુટુંબીઓમાં ભટકી રહયો છે.
માધવરાવ પેશ્વા પોતાની લીલુડી ધરતી માથે ઘોડાને રેવાળ ચાલે રમાડી રહયા છે.
એક ગાઉના પલ્લા માથે માધવરાવે પોતાના ઘોડાનું ચોકઠું ખેચ્યું. જાતવંત જનાવરના ચારેય પગ જાણે ધરતી સાથે જડાઈ ગયા.
પોતાની લગોલગ ઘોડો ઠેરવીને ઉભેલા મુસાફર ઉપર નજર રમાડતાં પેશ્વા વેણ વદ્યા-
તમને તમારા ઘર સુધી વળાવવા લ્યો રામરામ !
કહીને માધવરાવ પાછા વળી ગયા. મુસાફરે શું જોયું?
દીલ્હી જેવું ખોરડું, નોકરચાકર અને કિલ્લોલ કરતું પોતાનું કુટુંબ!
ઓળખ- ભારતના ગૌરવસમા માધવરાવ પેશ્વાએ પોતાના જીવતા સુધી કંપની સરકારના એક પણ મકસદ બર આવવા દીધી નહોતી. નાના સાહેબ અને પેશ્વાના વચ્ચે ફાટફુટ પડાવવા ઘણી ખટપટો થઈ હતી પરંતુ આ રાજા દિવાન કાચા કાનના નહોતા. માધવરાવ પેશ્વાનું અવસાન અકસ્માતે તા.ર૭ ઓકટોબર ૧૭૯૫ રોજ થયું હતું ત્યારે તેમનું વય ર૮ વર્ષનું હતું.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..