વાદી-મદારીના ખેલની બોલી

પેટનો રોટલો રળવા રાનરાન રખડતી ભટકતી, અત્યંત ગરીબાઈમાં જીવન ગુજારતી અને જન મનરંજન કરાવતી આપણી લોકજાતિઓએ સાંસ્કૃતિક ધરોહરને જીર્ણશીર્ણ હાલતમાં પણ જીવતી રાખી છે. દુઃખની વાત એ છે કે એ બધા આજે જીવવા ઝંખી રહ્યા છે. આપણે એને જીવાડી શકતા નથી. પેઢીપરંપરાથી લોકજીવનને આનંદથી ભર્યું ભર્યું રાખનાર બહુરૂપી, ભાંડ, નટ, બજાણિયા, કાંગશિયા, કઠપૂતળી અને માકડાંના ખેલ કરવાવાળા તથા વાદી-મદારીઓ પાસે લોકબોલીનો એક બળકટ વારસો છે. લોકકવિતાનું પ્રસન્ન સૌંદર્ય પ્રગટાવતી વાદી-મદારી-ના ખેલની બોલી તરફ સંશોધકો અને ભાષાશાસ્ત્રીઓનું આજ સુધી ખાસ ધ્યાન ગયું નથી. વિશ્વભરના લોકોને વિસ્મય પમાડતા આપણા અભણ વાદી મદારીઓ સાપ-નોળિયાના અને જંતરમંતરના ખેલ કરતી વખતે જે બોલી બોલે છે તેમાં કાવ્યમય રણકો, શબ્દોની રમત-ગમત, અંત્યાનુપ્રાસ તથા સાહિત્યિક સ્પર્શ જોનારને મનોરંજન પૂરું પાડે છે અને દર્શકોને માનસિક રીતે ખેલ જોવાની મનોવૈજ્ઞાનિક ભૂમિકા પણ બાંધી આપે છે.

નાગપાંચમના એક દિવસે ખેડબ્રહ્માથી ફરતાં ફરતાં ગલાનાથ, ધોરમનાથ, રામજીનાથ, સુરમનાથ નામના બે ચાર મદારીઓ મારી ડેલીએ આવી ચડ્યા, મને તો બગાસું ખાતાં મોંમાં પતાસું આવી ગયું. ત્યાં ગલાનાથ બોલ્યા ઃ ‘અન્નદાતાર’ આપનું નામ સાંભળીને આંય લગી આવ્યા છી. તમે અમારા સમજુનાથને જગજાહેર કર્યા તો કો,‘ક દિ,‘ અમ ગરીબ પર રે‘મ નજર રાખજો’.

પછી મોરલી માથે મધુર ધૂન વગાડી ત્યાં તો તીડનું ટોળું ઉતરે એમ છોકરાનું ધાડું ભેગું થઈ ગયું. ગલાનાથે હાથની ટપલી મારી કરંડિયો ઉઘાડ્યો ત્યાં નાગ ફેણ માંડીને બેઠો થયો ને ડોલવા મંડાણો.

‘‘નાગદેવ, દરેક ભાઈને દર્શન દે.

અંધારે અજવાળે હર જગા

તારી ચોકી છે.

સાચી દાનતથી તારા દર્શન કરે એને દુશ્મનથી બચાવજે.

તારા ગળામાં શંકર ભગવાનનાં કાનનાં કુંડળના સફેદ કાળાં શિવલિંગના નિશાન છે.

હર જગાએ તારો વાસો હોય

હાથ પગનો દુઃખાવો, માથાનો ભાર

અને સૂવાનાં સપનાં બંધ કરજે.

કારણ કે તું નાગરાજ કે‘વાય

બધાને દુવા દઈને બેસી, જા.

પછી તાવડીમાં જુવાર નાખો ને ધાણી ફૂટે એમ એના મુખમાંથી તડ તડાતડ શબ્દો સરવા માંડ્યા ઃ

‘જુઓ જોરૂભા !

ખેલ ખેલાડીના, ઘોડા અસવારના

ગધેડાં કુંભારના, ખેતી પાટિદારની,

હથિયાર દરબારનું અને દુકાન વાણીયાની.’

સોની દરજી, વકીલ, વાણિયો ને મદારી એ પાંચની હાથ ચાલાકી કોઈના હાથમાં આવે નઈં ઃ

સોનીની ચાલાકી ચૂલામાં હોય

દરજીની ચાલાકી કાતરમાં હોય

વકીલની ચાલાકી કલમમાં હોય

વાણિયાની ચાલાકી કાંટામાં હોય

ને મદારીની ચાલાકી કોથળીમાં હોય.

કોથળી નો હોય તો ખેલ નો થાય. દુઃખની દવા થાય પણ વે,‘મનું ઓહડ નો થાય.

એમ બોલીને ધૂળમાંથી કાંકરો લઈ એમાંથી એક રૂપિયો, બે રૂપિયા ને સો રૂપિયાની નોટ બનાવીને નોટમાંથી પાછો રૂપિયો બનાવી દીધો ઃ ‘જાદવ સાહેબ, આ કળા આવડી જાય તો કોઈના બાપની સાડાબારી નો રિયે. આ કળા હાચી હોય તો અમારે ખેલ કરવાની કાહટી મટી જાય. રાતોરાત બંગલા થઈ જાય. આ તો હાથ ચાલાકી છે’ કહીને મુઠ્ઠી ખોલી ત્યાં રૂપિયોય ગુમ થઈ ગયો.

ભરત ભરેલી કોથળીમાંથી કપડાંની સિવેલી લખોટી હાથમાં લઈને બીજો ખેલ શરૂ કર્યો ઃ

‘આ અંટી બઉ જૂના જમાનાની છે.

જ્યારે બારા બાપાનો જન્મ થયો

ત્યારે મારી ઉંમર બાર વરહની હતી

આ અંટી લેવા હું પાટણ ગયેલો

લાવ્યા પછી ખબર પડી કે

આ અંટીની માલીપા અઢાર ગુણ છે.

આ અંટી ડોહો દાબડી જાય તો

ઝટપટ જુવાનિયો બની જાય

જો રૂડો જુવાન ઝાપટી જાય

તો દાઢી ડગમગાવતો ડોહો થૈ જાય.

જલમનો વાંઢો માણહ ખાઈ જાય

તો બાર મઈનામાં બાર લગ્ન થૈ જાય.

જલમની બાંડી કૂતરી એને

કરડી જાય તો બાર મણની ભેંસ થાય

ને પોણો મણ દૂધ ધે.

અને હું મદારી ખાઈ જાવ તો

ભમાભમ મોઢામાંથી પાણા કાઢું.’

અંટી મોઢામાં મૂકી, ઉભડક પગે બેસી, સાથળ પર થપાટ મારીને ગલાનાથે મોંમાંથી અર્ધા શેરનો પાણો કાઢયો ઃ

હંમ્મા મા હમ્મા મા મા મા હફ

અડધા શેરના….ઓ મારી મા

ઓ મારા બાપા, બમ બમ બમ

હંમ્મા હંમ્મા, ઓ મારા બાપા,

નરમદાના ભાઠાના

આમ બોલી મોંમાંથી અર્ધાશેરના પાંચ-સાત પાણા કાઢ્‌યા. નાનકડી ડાબલી સૂંધતો જાય ને એકેક ગરગડિયો પાણો કાઢતો જાય.

પછી બે અંટીઓ ઉપર ઉંધી કંકાવટી મૂકીને દેરાણી-જેઠાણી નો ખેલ શરૂ કર્યો.

‘આ દેરાણી ને આ જેઠાણી છે

એક અંટી આકાશમાં જશે

ને બીજી પાતાળે પોગશે

આ જમાનામાં સત ઘટ્યો ને

પાપ, અભિમાન, એંકાર વધ્યો

કામ, કરોધ અને ઘમંડ વધ્યો.

બાપનું કીધું દીકરો નો કરે

ગુરૂનું કીધું ચેલો નો કરે

સાસુનું કીધું વહુનો કરે

પણ આ કપડાની ગોળી

મારું મદારીનું કીધું કાયમ કરે.

મારા કીધા પ્રમાણે ચાલે

સતજુગ, દુઆજુગ, કળજુગ અને કડૂકા

અદલનો રાજ ગયો

ગોળનો ગળપણ ગયો.

કુંવારી છોરીની લાજ ગઈ

જમીંનો કસ ગયો.

આભલાનો રસ ગયો

બડાની બડાઈ ગઈ

શૂરાનું શૂરાપણું ગયું.

તરવારનો તેજ ગયો.

બત્રીસિયા ઝાડનું મૂળ સૂકાયું

સત ઘટયો ને પાપ, અભિમાન

એંકાર વધ્યો આ પૃથવી માથે.’

જુઓ મારા મે‘રબાન ! આનું નામ દેરાણી આનું નામ જેઠાણી. દેરાણી જેઠાણીની પાસે જાય. ઈસ્કુટર પર ખરરખપ. આ આનો બંગલો ખાલી થઈ ગયો. આ ડાબલીમાં બેય ભેગી થઈને અંગરેજીમાં ગોટપીટ, ગોટપીટ, ગોટપીટ વાતું કરે છે,

કહેતાં બેય અંટી ગુમ કરી દીધી.

પછી એક છોકરાને બોલાવી એના હાથમાં આઠઆની આપીને કહે, આ સિક્કો રંગ બદલશે. પછી બે મદારી વચ્ચે સંવાદ શરૂ થયો ઃ

‘એ ઉસ્તાદ,

બાપ કરતે, બાપ કરતે દીકરા વધી ગયા

ગુરૂ કરતે, ગુરૂ કરતે ચેલા વધી ગયા

મા કરતે, મા કરતે દીકરી વધી ગઈ

દીકરી ભણી ગણીને એસ.એસ.સી. પાસ થઈ

સાસુ કરતે, સાસુ કરતે વહુનું

પૂંછડું પંદર હાથ લાંબું

એય છોરા, હાચો બોલે ને !

હાચો બોલે તો ભૂખે મરી જાય.

ને જૂઠો બોલે, જૂઠો બોલે દિ‘માં

તૈણવાર લાડવા ખાય, ચોકખા ઘીના

ચકાચક.

જમાના આયા ખોટા

બાપને દીકરા મારે સોટા.’

પછી ધૂળની ચપટી ભરીને ગલાનાથે શરૂ કર્યું ઃ

‘કાલી કલકત્તે વાલી, બજાવો તાલી

તેરા બચન ન જાયે ખાલી

નારસીંગાકી ખોપરી, હનુમાનકા કાકડા

જ્યાં છોડે ત્યાં હાજર ખડા’

એમ બોલતા ધૂળની ચપટીમાંથી કંકુ બનાવી દીધું. પછી તો અજગર, સાપ, નોળિયો, શાહુડીના અનેક ખેલ મને બતાવ્યા. મેં પણ દાણા આપી એમને રાજી કર્યો. આવી હતી જુના કાળે વાદી-મદારીના ખેલની લોક બોલી…

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!