પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓ સુપેરે વર્ણવાઇ છે. લોકવિદ્યાના જાણતલોની શોધયાત્રા દરમ્યાન મારી જાણકારીનું પાણી માપવા અમારા મોહનભાઇ પાંચાણીએ મારી આગળ એક દૂહો રમતો મૂક્યો. ‘બાપુ ! મને આનો અરથ કહો ?
રાગાં પાગા ને પારખાં
નાડી ને વળી ન્યાય,
તરવું તાંતરવું તસ્કરવું
એ આઠેય આપ કળાય.
મને માથું ખંજવાળ તો જોઇને ખડ ખડ ખડ દાંત કાઢતાં એમણે કહ્યું, રાગા એટલે રાગ- સંગીતની જાણકારી, પાગા અર્થાત્ માથા પર વિધ વિધ ઘાટની (ચાંચાળી- મોરબી શાહી, આંટિયાળી) પાઘડીઓ બાંધવાની કળા. પારખા એટલે સોનું, રૂપુ ને ઝવેરાતની કસોટી કરી એને પારખવાની કળા. નાડી એટલે વૈદ્યકિય વિદ્યા. ન્યાય- સાચો ન્યાય તોળવાની કળા, તરવું વાવ-કૂવા નદી કે સમુદ્રના પાણીમાં તરવાની કળા. તાંતરવું- તાંત્રિક વિદ્યા વડે બીજાને વશ કરીને છેતરવા. તસ્કરવું એટલે કોઇના ઘરમાં સિફતપૂર્વક ખાતર પાડવું (ચોરી કરવી) લોકજીવનમાં આઠેયને હુંશિયારીની આપકળાઓ કહી છે. આપકળાઓના ભણતર માટે કોઇ નિશાળ કે ગુરુ હોતા નથી. જેમ ‘સોળે સાન અને વીસે વાન‘ આવે એમ અમુક ઉંમર સુધી આ કળા આવી તો ઠીક છે. નહિતર માનવી માથા પછાડીને મરી જાય તોય નથી આવતી એમ કહેવાય છે. આજે મારે જૂનાકાળે આવી કોઠાસૂઝ ધરાવનાર માનવીઓની આશ્ચર્યજનક વાતું માંડવી છે. આજની પેઢીના બાળકોને કદાચ આ દંતકથા કે કપોલકલ્પિત કથા લાગશે પણ વિજ્ઞાાન અને વર્તમાન સંશોધનો આ વાતને પુષ્ટિ આપે છે. ત્યારે મારા જેવા પ્રાચીન સંસ્કૃતિ પ્રેમીના હૈયામાં આનંદના રંગસાથિયા પુરાય છે.
ભારતના બે મૂલ્યવાન મહાગ્રંથો ઃ રામાયણ અને મહાભારત. મહાભારતમાં એવી વાત આવે છે કે અર્જુન તેમની પત્ની સુભદ્રાને લડાઇમાં ચક્રવ્યૂહના કોઠા ભેદવા વિશે કહી રહ્યા હતા. ત્યારે સુભદ્રાના ગર્ભમાં રહેલા અભિમન્યુએ એ જ્ઞાન-વિદ્યા પ્રાપ્ત કરી લીધાં હતાં. આજલગી કાલ્પનિક મનાતી આ વાતને અમેરિકાની પેસિફિક લુથરાન યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધને પુષ્ટિ આપી છે. ત્યાંના વૈજ્ઞાાનિકો કહે છે કે બાળકો માતાના ગર્ભમાં જ સાંભળવાનું અને ભાષા શીખવાનું શરૂ કરી દે છે. રોકલેન્ડ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડૉ.વંદના કેન્ટનું કહેવું છે કે નવજાત બાળકો માટે સકારાત્મક અનુબવ ખૂબ જરૃરી હોય છે. એટલે જ ગર્ભવતી સ્ત્રીઓને એવી સલાહ અપાય છે કે બાળકને સારી બાબતો અને પુસ્તકો વાંચી સંભળાવવા. આ અભ્યાસમાં નોંધ્યું છે કે નવજાત બાળકોએ લગભગ બધા જ અવાજ ઓળખી લીધા હતા જે ગર્ભાવસ્થાના છેલ્લા ૧૦ સપ્તાહમાં તેની માતાએ ઉચ્ચાર્યા હતા.
આવી પ્રાચીન ભારતીય વિદ્યાઓ અને કોઠાસૂઝના કસબીઓ જૂના કાળે આપણે ત્યાં થઇ ગયા. એ વિજ્ઞાન ભણવા નહોતા ગયા પણ એમની વિદ્યાની પાછળ વિજ્ઞાન સમાયેલું હતું એની આજે આપણને ખબર પડે છે. સૈકાઓ પહેલા આજના જેવા નિષ્ણાત ડૉક્ટરો કે મેડીકલ કોલેજો વગેરે નહોતા ત્યારે નિરીક્ષર હોવા છતાં આપણા વૈદ્યો કોઠાસૂઝ અને અનુભવોને લઇને વૈદ્યવિદ્યામાં નિષ્ણાત હતા. એ કાળે હાડવૈદ્ય અને નાડીવૈદ્ય એમ બે પ્રકારના વૈદ્યો હતા.
રજવાડાઓનો સમય. રાજમહેલના ઝનાનખાનાની રાણીઓ અને અન્ય સ્ત્રીઓ માંદી પડે ત્યારે સ્ત્રી વૈદ્યો નહોતી એટલે પુરુષ વૈદ્યોને એમની નાડી જોઇને દેશી ઓસડિયા આપવા પડતાં. શ્રી ધીરસિંહજી ગોહિલે એક રાજવૈદ્યની વાત આમ નોંધી છે. આ વૈદ્ય રાજદરબારમાં બિમાર રાણીની તબિયત તપાસવા ગયા. નાડીવૈદ્ય એટલે નાડી જોયા પછી ઓસડ અપાય. રાણી તો ઓઝલ રાખે પરપુરુષને મોં ન બતાવે કે હાથ ન પકડવા દે. એટલે વૈદ્યે કહ્યું ઃ આપ ભલે પડદામાં રહો. આપણે જમણે હાથે દોરી બાંધીને મને બહાર આપો. હું નાડી તપાસી લઇશ. દાસી પડદા પાછળથી દોરી લઇને આવી. વૈદ્યરાજ દોરી હાથમાં લઇ બે ત્રણ ચાર પાંચ વાર તપાસીને વિમાસણમાં પડી ગયા. બાજુમાં દરબાર બેઠેલાં એ કહે ઃ ”વૈદ્યરાજ, કઇ ચિંતા જેવું છે ?”
‘હા, બાપુ ! મારી વિદ્યા કહે છે કે બા સાહેબે ઊંદર ખાદ્યો છે. એની બધી ગરબડ છે.’ દરબારે પંડે જઇને તપાસ કરી ત્યારે રાણીએ સાચી હકીકત જણાવી કે મેં તો વૈદ્યરાજની પરીક્ષા કરવા મારા હાથે નહી પણ બિલાડીના પગે દોરી બાંધી હતી. આમ નાડીપરીક્ષાની ખાત્રી થઇ અને દરબાર રાજવૈદની વિદ્યા પર વારી ગયા.
બીજી એક વાત મારા ગામના સુતાર ભગતની છે. એ સુતારનું નામ બોઘો. નાનપણથી બોઘા જેવો હોવાથી એનું નામ એ ઠેરી ગયેલું. ભણેલો નહી એટલે વૈદક વિદ્યા એની પાસે હોય જ ક્યાંથી ? નાડીવૈદુ એને જેવું તેવું આવડે, પણ માણસને જોઇને જ નિદાન કરતો. એ સાચું જ પડતું. એક દિવસ ગામનો ખેડૂત વાવણિયોને કપાસિયાનો કોથળો લઇને વાવણી કરવા માટે સીમાડે જતો હતો. પાદરે ઊભેલા બોઘા સુતારે એને કહ્યું ઃ ભલો થઇને તું આજ ખેતરે ન જઇશ. તું ખેતર સુધી નહી પોગી હકે. તારું મોત મને દેખાય છે. આ સાંભળીને ખેડૂતે કહ્યું, તઇણ રોટલા ટટકાવીને ઘર્યેથી નીકળ્યો છું. નખમાં યે રોગ નથી. તમારી હારોહાર્ય તમારી બુદ્ધિય ઘરડી થઇ છે કે શું ? આમ બોલતો ખેડૂત ખેતર જવા નીકળ્યો. રસ્તામાં ચક્કર આવ્યા. મારગ માથે ઢળી પડયો ને મૃત્યુ પામ્યો. સાંતી ને બળદ રેઢા ઘરે આવ્યાં ત્યારે સૌને ખબર પડી.
આવી અદભુત આગમવાણી અંગે લોકોએ બોઘા સુતારને પૂછ્યું ઃ તમે નાડી કે કશું જોયું નથી. તમે શી રીતે જાણ્યું કે આનું મૃત્યુ થશે ? સુતારે ગંભીર થઇને કહ્યું ઃ ભઇલા ! એની હાલ્યમાં (ચાલવામાં) સન્નિપાત હતો. આવા સન્નિપાતવાળા માણસો અમુક ડગલાં ચાલે પછી મૃત્યુ પામે છે. આ અનુભવની વાત છે.
જૂના જમાનામાં લોકજીવનમાં શુકનાવળીઓ હતા. તેઓ પક્ષીઓની બોલી પરથી શુકન જોતા. ભૈરવી (ચીબરી) કઇ દિશામાં બોલે છે ? સૂંકા ઝાડ ઉપર બેઠી છે કે લીલા ! તેના જુદા ઉચ્ચારોથી શું કહે છે ? તેનો ઊંડો અભ્યાસ કરવાનો હોય છે. આઠ દિશાના આઠ ઘર અને કઇ દિશામાં કોનું ઘર ને, ચીબરી બોલે છે તે કોના ઘરમાં બોલે છે.
આમ કચ્છમાં સોઢા રાજપૂતોની વસ્તી છે. તેમાંના કોઇ અનુભવી કાગવિદ્યાના માલમી છે, જાણકાર છે આવો એક રાજપૂત ઊંટ ભાડે કરીને વહુને તેડવા નીકળ્યો. રસ્તામાં કાગવાણી સાંભળી. એણે તારણ કાઢ્યું કે જો ઘેર પાછો જાશે તો દીકરી મરશે અને વેવાઇને ત્યાં જશે તો વહુ મરશે. એ તો બેમાંથી એકેય જગાએ જવાને બદલે મારગ માથે ઊંટને ઝાકોરીને બેસી ગયો. ઊંટવાળાએ એને પૂછ્યું ઃ તારી પાસે શું છે ? ત્યારે કહે ઃ મારી પાસે થેલી છે. ઊંટવાળાએ થેલી લઇ લીધી. ઊંધી કરીને બધુ બહાર કાઢ્યું તો તેમાંથી સાપ નીકળ્યો. સાપવાળી થેલી તે ઘેર કે બહાર આપે તો લેનારનું મૃત્યુ નિશ્ચિત હતું. પક્ષીની બોલીના બે જાણકારોએ બોલીનો મર્મ પકડીને આવતા અનિષ્ટને ટાળ્યું.
આ રીતે તેતર ને શિયાળની બોલીના જાણકરો આપણે ત્યાં હતા. શિયાળના અવાજને લાળી કહે છે. શિયાળ એકલું બોલે છે કે ઝાઝા શિયાળિયા ભેગા થઇને બોલે છે તેના પરથી શુકન જોવાતાં. કોઠાસૂઝવાળા લોકો- રાત્રે લાળી કરતા શિયાળનો અવાજ છે કે ચોરનો તે પણ પારખી લેતા. એ કાળે ચોરી કરવા નીકળેલા ચોર લોકો શિયાળની લાળીમાં સાંકેતિક ઇશારા કરતા અને જોડીદારને સંદેશો પહોચાડતા.
એ સમયે શુકનાવળીઓ સર્પ આડો ઊતરે એને અપશુકન માનતા. ગધેડો આડો ઊતરે કે ભૂંકે, ગાય સામી મળે તેના ઉપરથી શુકન જોતા. સર્પ અને ગધેડાના અપશુકન જન હતા પણ સારા શુકનેય હતા. એની એક કહેવત છે ઃ
ખર ડાબો વસયલ જમણો
પેસંતો પાતાલ
કાં તો પામે પદ્મણી
કાં તો રાજ દરબાર
ગધેડો ડાબો ઊતરે ને સર્પ જમણો ઊતરીને દરમાં પેસે તો આ શુકને નીકળનાર પદ્મણીને પામે કે રાજદરબારમાં માનભર્યું સ્થાન પામે. આમ હરણ ડાબા કે જમણાં ઊતરે તેની સંખ્યા કેટલી છે તેના પરથી શુકન અપશુકન જોવાતા. લોકવિદ્યાના જાણકાર શ્રી ધીરસિંહજી ગોહિલે એક રોમાંચક કિસ્સો નોંધ્યો છે.
સૌરાષ્ટ્રના એક ગામમાં ગરાસદાર દરબાર હતા. ભણતર કાંઇ ન મળે પણ ભાંગેલા હાડ સાજા કરવાની વિદ્યા એમને હાથ બેસી ગયેલી. એક દિવસની વાત છે. સાંજનો સમય છે. ગામની એક સગર્ભા સ્ત્રી નદીએ પાણી ભરવા નીકળી છે. ગામના ઢોર પાણી પીવા અવાડાભણી જાય છે. આ બાઇ પાણીની હેલ્ય માથે લઇને વહી આવે છે. એવામાં તીણાં અણીદાર શીંગડાવાળો એક ખૂંટિયો બાઇની પડખે થઇને નીકળ્યો. ખૂંટિયાના સ્વભાવ પ્રમાણે બાઇને ગોથે ચડાવી. બાઇ બેભાન થઇને પડી. ખૂંટિયાના શીંગડાથી બાઇની કૂખ ચીરાઇ ગઇ ને ગર્ભમાં રહેલા બાળકની કોણી બહાર નીકળી ગઇ. સામે ચોરે બેઠેલા હાડવૈદ દરબારે જોયું. હાથમાં હોકો લઇને તેઓ દોડી આવ્યા.
બાઇ બેભાન પડી છે. દરબારે હોકો પડખે ખીજડાનું ઝાડ હતું એના થડે મૂક્યો. બાઇના શરીરમાંથી લોહી વહેવા માંડયું હતું. સમય કટોકટીભર્યો હતો. સહેજ સમય જાય તો બાઇ મૃત્યુના મોંમાં હોમાઇ જાય એવી નાજુક સ્થિતિ હતી. પ્રથમ તો દરબારે બાળકની હાથની કોણી જે બહાર નીકળેલી તેને અંદર લઇ જવા મથામણ કરી પણ તેમાં કાહરી ફાવી નહી. તેમણે હોકો હાથમાં લીધો. હોકા હાર્યે પિતળનો વાળો બાંધેલો હતો. તે ઉકેલીને કુંડલી કરી હોકાની ચલમમાં તપાવીને પછી બાળકની કોણી ઉપર ચાંપી. ગર્ભસ્થ બાળકે તરત કોણી અંદર લઇ લીધી. પછી શીધ્ર ચીરાઇ ગયેલી કૂંખને હાથની મુઠ્ઠીથી ભેગી કરી. એક હાથ ખાલી રહ્યો. તે દિ ટાંકા લેવાના સાધનો તો હતા નહી. દરબારે કોઠાસૂઝ વાપરી પડખે ખીજડાનું ઝાડ હતું તેના થડમાં મંકોડાનું દર હતુ. દરબારે હોકાનું પાણી દરમાં દદડાવ્યું, દરમાંથી કતડિયા મંકોડા બારા આવવા મંડાણા. મોટામોટા મકોડા પકડી ફૂંક મારીને દરબાર ખીજવે. પછી તેનું મોઢું બાઇની ચીરાયેલી કૂંખ માથે મૂકવા માંડે. ખીજાયેલો મંકોડો બટકું ભરે કે તરત સૂડી વડે અર્ધો કાપી નાખે. એટલે ટાંકો થઇ જાય. આ રીતે મકોડાના ટાંકા દઇ પાટો બાંધ્યો ને બાઇને મહિના દિમાં આરામ થઇ ગયો. પૂરા દિવસે એને દીકરો જન્મ્યો. તેની કોણી ઉપર જીવ્યો ત્યા લગી વાળાની કુંડલીનો ડામ હતો. આ વાતને ગામના માણસો જ નહી ઘણા ગામના માણસો જાણે છે.
આ હતી વગર સાધનની ભારતીય હાડવૈદની વિદ્યા, કળા, બુદ્ધિ અને શક્તિ. આવી તો જમીનમાં પાણી કળવાની (જોવાની) આભના ગાભના વરતારા કરવાની, ચોરનું પગેરું લેવાની, અશ્વોને પારખવાની કૈક વિદ્યાઓ આપણે ત્યાં હતી. વિકાસના વાયરાની ઝપટે ચડીને આ બધી લોકવિદ્યાઓ- કોઠાસૂઝની કળાઓ મરણ પથારીએ પડી છે અને મોટાભાગની કાળના ગર્તમાં વિલીન થઇ ગઇ છે.
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ