ઘા, વા ને ઘસરકાથી વાગતાં વનવાસીઓનાં વિશિષ્ટ લોકવાદ્યો

ભારતના અન્ય પ્રદેશોની સરખામણીમાં લોકસંસ્કૃતિની દ્રષ્ટિએ ગુજરાત ઘણો સમૃદ્ધ પ્રદેશ છે. ગુજરાતમાં શિષ્ટ કલાઓના પ્રમાણમાં લોકકલાઓનું પ્રભુત્વ પ્રજામાનસ પર હજારો વર્ષથી એકધારું રહ્યું છે. સંગીતની વાત કરીએ તો ભારતીય સંગીત વેદના વખત જેટલું પ્રાચીન તો કહી શકાય. ‘સામવેદ’ અને ૠગ્વેદનું સંગીત-સ્વરૂપ છે. એને ગાનારા વિશિષ્ટ આવડતવાળા સંગીતકારોને સામગા તરીકે ઓળખવામાં આવતા. સંગીતનો ઉપયોગ ધાર્મિક અને સામાજિક કાર્યોમાં થતો. વાદ્ય એ ગીત-સંગીતનું ઘરેણું ગણાય છે. શિષ્ટ સંગીત હોય કે લોકસંગીત, તેમાં વાદ્યનું સ્થાન, ખાસ કરીને અવાજનું અનુસરણ કરનારું રહે છે. ગુજરાતના લોકસંગીતમાં સ્વતંત્ર રીતે કોઈ વાદ્યનું સ્થાન હોય તો તે માત્ર ‘પાવો’ અગર ‘બંસરી’ છે, પણ આજે તેનો ઉપયોગ લોકસંગીતમાં પુરક સાથીદાર તરીકે જ થાય છે. આપણાં ઘણાખરાં લોકવાદ્યો શિષ્ટવાદ્યોના પૂર્વજો જેવું સ્થાન ભોગવે છે, પણ આજે આપણે વિહંગાવલોકન કરવું છે ગુજરાતના આદિવાસીઓના વિશિષ્ટ છતાં ઓછી જાણીતાં લોકવાદ્યોનું.

ઉત્તર ગુજરાતથી લઈને દ. ગુજરાત સુધી પથરાયેલા ગુજરાતના વનવાસીઓ પાસે એમની નીજી લોકસાંસ્કૃતિક વિરાસત છે. પહેરવેશ, ઘરેણાં, સૌંદર્યપ્રસાધનો, ઉત્સવો અને સંગીતના લોકવાદ્યો છે. આ આદિવાસી વાદ્યોનો ઉપયોગ નૃત્યો, સામુહિક ઉત્સવો, મેળા, લગ્ન કે દેવપૂજન જેવા પ્રસંગોમાં થાય છે. આદિવાસી વાદકો મોટેભાગે તેમનાં વાદ્યો જાતે જ બનાવી લેતાં હોય છે. વાદ્યો બનાવવા માટે સરળ અને સહજ પ્રાપ્ય લાકડું, વાંસ, ઘાસ, તુંબડાં, દૂધી, જાનવરોનાં ચામડાં, પક્ષીઓનાં પીંછાં જેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે.

આદિવાસી લોકવાદ્યો સાથે વિવિધ માન્યતાઓ અને શ્રદ્ધા પણ જોડાયેલી છે. વનવાસીઓના વાદ્યોને વિશ્વવાદ્યો પણ કહી શકાય. કારણ કે ખપાટ, ખાંગલો, તુર, કુંડી, હરગેશ જેવાં જે વાદ્યો વગાડે છે તે સ્વરૂપનાં વાદ્યો વિશ્વભરનાં આદિવાસીઓ પણ વગાડે છે. આવું અજબનું સામ્ય છે આ વાદ્યોનું. ભારતીય સંગીતશાસ્ત્રમાં વાદ્યોનું ચાર પ્રકારે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ૧. તંતુવાદ્ય, ૨. અવનદ્ય, ૩. ઘન અને ૪. સુષિર મલંગો, ઘાંગલો, ચોનકું, એકતારો, સિતારી, રાવણહથ્થો, માંગલો વગેરે આદિવાસી તંતુવાદ્યો છે. નગાર, ઢુનક, તુર, વહાવી, ઢાકો, માદળ, કુંડી, ઢોલ અને ભોંયતુર ચામડું મઢેલાં અવનદ્ય વાદ્યો છે. કરગેશ, થાળી, દાંડિયા, ખપાટ જેવા ઘનવાદ્યો અને તાડપું, ડોબરું, નરહિલો અને રોળી જેવા સુષિર વાદ્યો છે. મજાની વાત એ છે કે આ તમામ વાદ્યો ઘા, વા ને ઘસરકાથી જ વાગે છે. વિશ્વભરમાંયે એનો કોઈ ચોથો પ્રકાર આજ સુધી જોવા મળ્યો નથી.

શિષ્ટ સંગીતમાં ક્યાંય જોવા ન મળે એવી જમવાની થાળીનો ઉપયોગ રાજસ્થાનમાં અને ગુજરાતના આદિવાસીઓમાં લોકવાદ્ય તરીકે થાય છે. આદિવાસીઓનાં રાગો પાંચેક સ્વર સુધી સિમિત હોય છે. સ્વરને પારખવાની તેમની કોઠાસૂઝ દાદ માગી લ્યે તેવી હોય છે. થાળી એમનું અર્ધવાદ્ય ગણાય છે. ડાંગના આદિવાસીઓ કાંસાની થાળીમાં વચ્ચે મીણનો એક ગઠ્ઠો મૂકી તેની ઉપર સરબાહ (બરૂ) નામના ઘાસની અઢીથી ત્રણેક ફૂટ લાંબી સળી મૂકી, વાદક પલાઠી વાળી બે ધૂંટણની વચ્ચે થાળી મૂકી બે હાથની આંગળીઓ વડે તેમાંથી સૂર પ્રગટાવે છે. સોટીમાંથી ઉદ્‌ભવતા સ્વરકંપનોને મીણ થાળી સુધી પહોંચાડે છે. સૂરને મોટો કરવાનું કામ કાંસાની થાળી કરે છે. આ થાળીવાદ્ય વગાડનારાઓ સૂર સાથે પોતાનો કંઠ મેળવી શકે છે. શ્રી જગુભાઈ ભોઈ સૂરિલા ગાયક અને વાર્તાકાર છે. તેઓ થાળીકથા દ્વારા રામાયણ અને ગાંધી-કથા કરતા.

ફૂંક વડે વગાડાતાં વાજિત્રોમાં મદારીની મહુવર કૂળનું તાડપું વાદ્ય ડાંગી આદિવાસીઓનું પ્રિય વાદ્ય છે. તાડપુંને ઉપરનાં ભાગે દૂધીની કોઠી, પાવરીની માફક પોલા વાંસની બે ભૂંગળીઓના છેટે તાડની પટ્ટીનું દોઢથી બે ફૂટ લાંબુ ભૂંગળું બનાવી આ વાજીંત્ર બનાવવામાં આવે છે. ઘ્વનિવર્ધક ભૂંગળામાં સાત છિદ્રો હોય છે. બીજી ભૂંગળીમાં બે થી ત્રણ છિદ્રો હોય છે, જે સ્વર આપવાના કામમાં આવે છે. એમાંથી એક જરૂરી છિદ્ર ખુલ્લું રાખી બાકીનાને મીણની ગોળીથી બંધ કરી દેવામાં આવે છે. કદના ફેરફારને કારણે આ વર્ગમાંથી આવેલું નાનું વાદ્ય ડોબરુંના નામે ઓળખાય છે. તેને ફટકિયા મોતી, કાચની રાયણમાળ અને મોરપીચ્છથી શણગારવામાં આવે છે. ડોબરુંનો ઉપયોગ માત્ર દેવપૂજન પ્રસંગે જ કરવામાં આવે છે એમ ડૉ. શરદ વૈદ્ય નોંધે છે.

વનમાં ઊગતા જાડા પોલા વાંસમાંથી બંસરી કુળનું નેવું સે.મી. જેટલું લાંબુ અને સાડા ચાર સે.મી.ના વ્યાસવાળું ‘સુગટો’ નામનું વાદ્ય બનાવવામાં આવે છે. શ્રી શંકરભાઈ તડવી નોંધે છે કે સુગટો એકલો અથવા જોડીમાં વગાડવામાં આવે છે. તેનો ઉપયોગ મોટાભાગે હોળીના મેળામાં અને ઇદ-પીઠોરાની માનતા-વિધિ વખતે કરવામાં આવે છે.

સુગટા કરતાં નાના વાદ્યને ‘પીહવાં’ કે ‘પીહવી’ તરીકે ઓળખવામાં આવે છે. વડોદરા વિસ્તારના પાલપ્રદેશમાં આદિવાસીઓના પીહવા લગભગ ૩૫ સે.મી. જેટલા લાંબા અને અઢી સે.મી. જેટલા વ્યાસવાળા હોય છે. પીહવાને સુગટાની માફક એકલા કે જોડીમાં વગાડી શકાય છે.

આદિવાસીઓના સુષિરવાદ્યોમાં નરહિલો અથવા શરણાઈ, ટોટો વાદ્ય અન્ય વાદ્યોથી અલગ તરી આવે છે. બેએક ફૂટ લાંબા આ વાદ્યમાં ચાર છિદ્રો હોય છે, જેમાંથી ચાર સ્વરો નીકળે છે. નીચલા પાસામાં બે છિદ્રો હોય છે, તેનો ઉપયોગ કરી રાગના સ્વરને કોમળ કે તીવ્ર બનાવવામાં આવે છે.

દ.ગુજરાતમાં સૂરત જિલ્લામાં વસતી આદિવાસી સ્ત્રીઓમાં ‘દેવવાદ્ય’ ખૂબ જાણીતું છે. માટીના માટલાના મોઢા ઉપર ખાખરાનું પાન બાંધી તેમાં સોટી ઊભી રાખીને વગાડવામાં આવે છે. મેહુલિયો રીસાઈ જાય ત્યારે તેને મનાવવા માટે આદિવાસી સ્ત્રીઓ વરસાદને મનાવવા માટેનાં લોકગીતો ગાતી ગાતી આ વાદ્ય વગાડે છે.

આદિવાસીઓના સુષિરવાદ્યોમાં નરહિલો અથવા શરણાઈ, ટોટો વાદ્ય અન્ય વાદ્યોથી અલગ તરી આવે છે. બેએક ફૂટ લાંબા આ વાદ્યમાં ચાર છિદ્રો હોય છે, જેમાંથી ચાર સ્વરો નીકળે છે. નીચલા પાસામાં બે છિદ્રો હોય છે, તેનો ઉપયોગ કરી રાગના સ્વરને કોમળ કે તીવ્ર બનાવવામાં આવે છે.

તંતુવાદ્યના પ્રકારમાં આવતું તાર વગરનું આ આદિવાસી વાદ્ય કીંગરીના નામે જાણીતું છે. જુદા જુદા પ્રદેશોમાં તે ઘોડલિયું, ગોરાલિયું, ખાંગલો વગેરે નામે ઓળખાય છે. ધાતુના મોરચંગ જેવી જ રચના ધરાવતું વાંસનું આ વાજીંત્ર છે. ‘ગુજરાતનાં લોકવાદ્યોમાં શ્રી ઇન્દ્રશંકર રાવળ નોંધે છે કે જગત આખાના આદિવાસીઓ એકસરખા ઘાટથી આ વાદ્ય બનાવે છે. વિશ્વભરમાં એના ૨૦૦ ઉપરાંત જુદા જુદા પ્રકારો જોવા મળે છે. વાંસની એક ઇંચ પહોળી અને છ ઇંચ લાંબી પટ્ટીની વચ્ચે જીબી (જીભ) રચી કાઢવાથી આ સાદું વાજીંત્ર તૈયાર થઈ જાય છે. આ જીભ પર વજન માટે એક છેડે નાની-સરખી મીણની ગોળી લગાડાય છે. જીભની ફરતેની ફ્રેમને દોરીથી બાંધી ઝટકો મારતાં જીભ થથરી ઊઠે છે, અને એમાંથી અનેક સ્વરો નીકળે છે. તેમાં ધાર્યા ગીતો વગાડી શકાય છે. ગીત વગાડનાર પોતાની આંગળીઓમાં ધૂઘરીવાળી વીંટીઓ પહેરે છે, ઉપરાંત કંિગરીને પણ ધૂઘરિઓ બાંધી એનો તાલ આપે છે. પાલ વિસ્તારના રાઠવા આદિવાસીઓ આ વાદ્યને ઘાંઘરીને નામે ઓળખે છે. જુવાનિયાઓ ઢોરોને ચરાવતી વખતે કે નૃત્ય પ્રસંગે ઘાંઘરી વગાડીને મોજ માણે છે.

‘ઢોલ’ મેદાની વાદ્ય ગણાય છે. જગતભરનાં વાદ્યોમાં ઢોલનું સ્થાન અત્યંત મહત્ત્વનું મનાયું છે. વડોદરા વિસ્તારના રાઠવા આદિવાસીઓના મેળા, હોળી જેવા ઉત્સવો અને લગ્ન, મરણ જેવા સામાજિક પ્રસંગોએ કુંવારિયો, ઇંદ કે પીઠોરાની માનતા, દેવદેવીના જવાર પ્રસંગે કે ખતરું બેસાડતી વખતના ધાર્મિક પ્રસંગે ઢોલ વાદ્યરૂપે અવશ્ય હાજર હોય છે.

મૃદંગ જેવા આકારનું ઢોલના કુળનું વાદ્ય માદળના નામે ઓળખાય છે. સંગીતના ગ્રંથોમાં મેરદલ કે મદ્દલ તરીકે એનો ઉલ્લેખ મળે છે. બિહાર, બંગાળમાં તે ‘માડર’ના નામે જાણીતું છે. બીયા, સીવણ, સાગ કે કમળ જેવા લાકડામાંથી એ બને છે. માદળના મોઢા પર લગાડેલ ચામડાને ધોધ કહે છે. તેના પર કોતીનું મીણ કે રાંધેલી કોદરી અને રાખ ભેગા કરી તેનો લેપ લગાવવામાં આવે છે. ડાંગના આદિવાસીઓ એને કેડ્યે બાંધીને વગાડે છે. તેનું પૂજન કરી પૂરેપૂરી પવિત્રતા જાળવે છે. માદળ પર ‘ધોબીંગ’ અને ‘ઠીસરા’ જેવા ચાળા વગાડવામાં આવે છે. પંચમહાલ અને દાહોદ વિસ્તારના આદિવાસીઓ મઘ્ય અને દ્રત લયમાં એને મોટે ભાગે વગાડે છે એમ શરદ વૈદ્ય નોંધે છે.

ઢોલ અને મૃદંગ કુળનું હાથની થાપીથી વાગતું ત્રીજું વાદ્ય ‘તુર’ તરીકે જાણીતું છે. તુર એ લંબગોળ નળાકાર ઢોલક છે. એનો કોઠો માટીમાંથી બનાવી બેય મોઢાને ઊંટના ચામડાથી મઢવામાં આવે છે. સુરત જિલ્લાના દુબળા આદિવાસીઓ થાળી અને તુરના તાલે તાલે નૃત્ય કરી આનંદની પ્રાપ્તિ કરે છે. આવું વાદ્ય થોડા ફેરફારો સાથે માળવા, બિહાર અને ઓરિસ્સાના આદિવાસીઓમાં પણ જાણીતું છે.

બિયા કે સીવણના લાકડામાંથી બનતું ઢાંક વાદ્ય નવથી દસ ઇંચ જેટલું લાંબુ અને ડાંગી આદિવાસીઓનું પ્રચલિત અવનદ્ય વાદ્ય છે. ગુજરાતના રાવળદેવ એને ડાક-ડમરુંના નામે ઓળખે છે. રાજસ્થાનના મારવાડ પંથકમાં જોગી લોકો એને ભરૂંગ તરીકે જાણે છે. ભગવાન શિવના ડમરૂ આકારનું પણ એનાથી મોટું હોય છે. તેને બકરાના ચામડાથી મઢવામાં આવે છે. ડાંગી ઢાંકની જમણી બાજુ કુડપી અને ડાબી બાજુ થાપ તરીકે ઓળખાય છે. કુડપી વાંસમાંથી બનાવાય છે. ઢાંકને ભીલ પ્રજા પવિત્ર દેવવાજીંત્ર ગણે છે. નવરાત્રી, લગ્ન પ્રસંગે અને ધાર્મિક પ્રસંગે બડવા દ્વારા તેને વગાડવામાં આવે છે. આ વાદ્ય વગાડનાર કલાકારો દિવસે દિવસે ઓછા થતાં જાય છે.

પાલના રાઠવા આદિવાસીઓ મોટી ડાકલીને ઢાંક કહે છે. સાગ કે સેવનના લાકડામાંથી બનાવી, બકરાના ચામડાથી મઢીને ઢાંકના વચ્ચેના ભાગમાં ખારેક નામે ઓળખાતા બળદની ઘૂધરમાળના ધૂઘરા બાંધવામાં આવે છે. નસવાડી અને સંખેડા વિસ્તારમાં ઢાંકને પગની ધૂંટણ વડે દબાવીને વગાડવામાં આવે છે. પાવી જેતપુર અને છોટાઉદેપુર તાલુકામાં વાદ્યકારો ડાબા પગના ધૂંટણે દોરી ભરાવી ઢાકને ડાબા પગની પાટલી પર રાખે છે. ઢાંક વગાડતી વેળાએ પગની પાટલી હલાવતા જાય એમ રણઝણતા ધૂઘરા તાલ પુરાવતાં જાય. ઢાંક વગાડનાર જમણા હાથે દાંડીઓ પકડીને ઢાંક વગાડે છે. વાર્તાકથન દરમિયાન, કુંવારિયો, ઇંદ કે પીઠોરાની માનતા પ્રસંગે ગવાતાં ‘ગાયણું’ વખતે એનો ઉપયોગ વિશેષ રૂપે જોવા મળે છે. દ. ગુજરાતમાં આવું વાદ્ય કેડ્યે બાંધીને વગાડાય છે, જે ઢાકો ના નામે ઓળખાય છે. શ્રી ઈંદ્રશંકર રાવળ નોંધે છે કે આ વાદ્ય મહારાષ્ટ્રમાંથી દ. ગુજરાતમાં આવ્યું છે. ઢાકામાં લીંબોળી ઘાટનાં બે તબલાં હોય છે. જેમાંનું એક તબલું લાકડાનું અને બીજું માટીનું બનેલું હોય છે. નેતરની દાંડી વડે આ વાદ્ય પર વિવિધ તાલ વગાડવામાં આવે છે.

નાયક જાતિના ભીલોનું વઘુ જાણીતું વાજીંત્ર ‘ભેરી’ છે. આ વાદ્ય બે તુંબડાને જોડી રંગીન કપડાના ટૂકડા, મોતી અને મોરપિચ્છ દ્વારા સુશોભિત કરવામાં આવે છે. પાલ પંથકના નાયક જાતિના આદિવાસીઓ ભેરી વગાડીને નૃત્ય કરે છે. રાઠવાઓમાં પણ આ વાદ્ય ખૂબ જ લોકપ્રિય છે.

ગુજરાતમાં લોકસંસ્કૃતિની પૂર્વેની સંસ્કૃતિ આદિવાસીઓની ગણાય છે. આ આદિવાસીઓ પાસે મેદાની અને મહેફિલનાં એમ બે પ્રકારનાં લોકવાદ્યો જોવા મળે છે. આ બધાં વાદ્યોમાંનું પાવરી સુષિર વાદ્ય અત્યંત નિરાળું છે. તેમાંથી નીકળતા મઘુર સ્વરો ભાંગતી રાતના વાતાવરણને ભર્યુંભર્યું બનાવી દે છે. કોઈવાર તમે આદિવાસી વિસ્તારમાં જાઓ તો રાત્રીરોકાણ કરી પાવરીવાદન અને એમનાં નૃત્યો અચૂક માણજો. પ્રકૃતિના ખોળે રમનારા ભોળિયા અને ઊર્મિશીલ વનવાસીઓના નૃત્ય પ્રકારો જે રીતે વિશિષ્ટ જાતનાં રહ્યાં છે, તે રીતે તેમનું લોકસંગીત અને લોકવાદ્યો પણ વિશિષ્ટ પ્રકારનાં રહ્યાં છે.

ઢોલની ઉત્પતિ સાથે સ્વાતિ નામના ૠષિની દંતકથા જોડાયેલી જોવા મળે છે એમ આદિવાસીઓના વાજીંત્રો સાથે કોઈ રસપ્રદ કીંવદંતી કે કથા જોડાયેલી જોવા મળતી નથી. આદિવાસી વાદક પોતાના વાજીંત્રને દૈવી, પવિત્ર અને માનપ્રદ માને છે, તેથી કોઈ પણ વાજીંત્રના નિર્માણના પ્રારંભ માટે તેઓ સમય નક્કી કરે છે. શુભ ઘડીએ તેનો પ્રારંભ કરે છે. વાજીંત્ર તૈયાર થતું હોય તેટલો સમય વાજીંત્ર બનાવનારે બ્રહ્મચર્ય પાળવું પડે છે. વાજીંત્ર તૈયાર થઈ ગયા પછી તેનો પ્રથમ પ્રયોગ કરતા પહેલાં તેનો ભોગ ચડાવવો પડે છે. અપવિત્ર શરીરે માણસ તેને અડકી શકતો નથી. સૌરાષ્ટ્રના સીદીઓમાં ‘મલંગો’ વાદ્ય પવિત્ર દરગાહ કે ઘરના પવિત્ર ખૂણામાં સાચવી રાખવામાં આવે છે. દર શુક્રવારે તેને ઘૂપ કરવામાં આવે છે કેવળ મુંજાવર તેને સ્પર્શ કરી શકે છે.

આજે તો આદિવાસીઓ જંગલ વિસ્તાર બહારના લોકોના સંપર્કમાં આવતા થયા હોવા છતાં તેમના વાજીંત્રોમાં ક્યાંય વર્ણસંકરતાને દાખલ થવા દીધી નથી. હજારો વર્ષથી તેમના અસલ વાદ્યોને યથાવત જાળવી રાખ્યાં છે. મજાની વાત એ છે કે આદિવાસી પોતાનાં વાદ્યોનું નિર્માણ પોતાની આજુબાજુની પ્રકૃતિમાંથી જે પદાર્થો મળે છે તેમાંથી કરે છે. અન્ય પ્રજા સાથે સંપર્ક હોવા છતાં લોઢાના તાર વાપરવા સિવાય ક્યાંય આયાત કરેલી ચીજો વાપરતા નથી. મોટે ભાગે આ વાજીંત્રો વાંસ, કડવી દૂધી, તુંબડા, તાડની પટ્ટી, લાકડાના થડ, માટલા, તગારા, કુંડી વગેરે સહજપ્રાપ્ય વસ્તુઓમાંથી બનાવી લે છે.

સંગીતશાસ્ત્રના ઉસ્તાદો કહે છે કે, ‘બાજે સાડા તીન’ એટલે વાજીંત્રો સાડા ત્રણ પ્રકારના હોય છે. અગાઉ જણાવ્યું તેમ,‘ઘા, ઘસીટ ઔર ફૂંક’ એ ત્રણ વર્ગો છે, જ્યારે ત્રીજો અર્ધો, નામ વગરનો વર્ગ તે ઘન વાદ્યોનો છે, તેને અર્ધો એટલા માટે ગણવામાં આવે છે કે, ગાનારના કંઠ પ્રમાણે કે બીજા વાજીંત્રના ધ્વનિ પ્રમાણે એને મેળવી શકાતાં નથી. અભણ આદિવાસીઓ સ્વરોના સૂક્ષ્મ ભેદને પારખી શકે છે. ધાંગલો જેવું વાજીંત્ર સ્વરમાં બરોબર મેળવી જાણે છે એમ શ્રી ઇન્દ્રશંકર રાવળ નોંધે છે. સામાન્ય રીતે વાંસળીનો સ્વર બંધાઈ ગયેલા સપ્તકનો ગણાય છે, જ્યારે આગળ જણાવ્યું તેમ આદિવાસીની વાંસળીમાં કાણા ઉપર મીણથી ચોંટેલું ઢાંકણ મૂકી તે ઢાંકણાને આધુપાછું કરી સ્વરને બીજા વાદ્યો સાથે મેળવી શકાય તેવી વ્યવસ્થા હોય છે. આ વ્યવસ્થા કેવળ આદિવાસીઓ પાસે જ છે એમ આદિવાસી લોકવાદ્યોના અભ્યાસી શ્રી ઇન્દ્રશંકર રાવળ નોંધે છે.

આદિવાસીઓનું સૌથી વઘુ આકર્ષક વાજીંત્ર ‘ભોંયપુર’ને ગણી શકાય. દ. ગુજરાતમાં કાળી ભોંય પર મેહૂલો વરસે ને પછી ખરાડ નીકળતાં વરાપ આવે ત્યારે લોકોના પગથી ગુંદાવાથી માટી મુલાયમ બને છે. એ વખતે જમીનમાં તિલકના આકારની બે મોંવાળી આશરે હાથેક લાંબી સુરંગ બનાવવામાં આવે છે. સુરંગના એક છેડે એક છોકરો બે હાથ ઢાંકી રાખે છે. બીજે છેડે બીજો માણસ બે હાથથી ‘તુરના ચાળા’ કાઢે છે. સગીતશાસ્ત્રોમાં ‘ભૂમિ મૃદંગ’નું વર્ણન આવે છે. તે આજે તો વિશ્વમાંથી લુપ્ત થયેલું છે. એ ક્યારેક દ. ગુજરાતના આદિવાસી વિસ્તારોમાંથી મળી આવે છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!