લોકજીવનમાંથી નીપજેલ લોકસંગીતની રસપ્રદ વાતો

લોકવિદ્યાના મહત્ત્વના અંગોમાં લોકસાહિત્યની સાથે લોકસંગીતનો સમાવેશ થાય છે. લોકસંગીતનો વિનિયોગ ગીત અને નૃત્યમાં થાય છે. ગુજરાતમાં મેઘાણીભાઈથી માંડીને આજપર્યંત લોકસાહિત્યનું સંશોધન, સંપાદન અને વિવેચન થતું આવ્યું છે પણ લોકસંગીત (ગીત- સંગીત- નૃત્ય)નું સંશોધન નહીવત્ થયું છે.

લોકસંગીતની પરંપરામાં ડાયરા અને પ્રચાર માઘ્યમોને કારણે ગાયક કલાકારો મોટી સંખ્યામાં બહાર આવ્યા પણ કોઈએ લોકસંગીતની સરિતાના મૂળ અને કુળ સુધી પહોંચવાનો પુરુષાર્થ કર્યાનું જાણમાં નથી. શાસ્ત્રીય સંગીત ઉપર સંખ્યાબંધ ગ્રંથો લખાયા છે પણ લોકસંગીત ઉપર શ્રદ્ધેય કહી શકાય એવો એકેય ગ્રંથ ગુજરાતી ભાષામાં લખાયાનું ઘ્યાન પર આવ્યું નથી. લોકસંસ્કૃતિના લબ્ધપ્રતિષ્ઠ અભ્યાસી જયમલ્લ પરમાર, લોકવિદ્યાવિદ્ અને સંગીતજ્ઞ શ્રી હરકાન્ત શુક્લ તથા ડો. હસુ યાજ્ઞિક જેવા વિદ્વાનોએ અભ્યાસી લેખો દ્વારા લોકસંગીતની અવાવરુ વાવના પાણી ઉલેચવાના સ્તુત્ય પ્રયત્નો કર્યા છે, જે અભ્યાસીઓને માટે ‘સારા રાચમાં સાંબેલુ’ બની રહ્યા છે.

ગુજરાતના સંગીતની વાત કરીએ ત્યારે માર્ગી અથવા ગાંધર્વગાન અને દેશી એમ બે પ્રવાહો જૂના કાળથી જાણીતા છે. શાસ્ત્રોના નિયમ પ્રમાણે પરંપરાથી ઉદ્ભવતું સંગીત માર્ગી, જ્યારે લોકાભિરુચિ મુજબ પ્રચલિત થયેલું સાદું સંગીત તે દેશી. પહેલામાં સૌંદર્યનું નૈસર્ગિક અને ગ્રામ્ય સ્વરૂપ જોવા મળે છે, જ્યારે બીજામાં બુદ્ધિપૂર્વક સપ્રમાણતા અને સુસંબદ્ધતાથી રચી કાઢેલ સૌંદર્યનું સુસંસ્કૃત સ્વરૂપ જોવા મળે છે.

ડુંગરાની ગાળિયુ, જંગલ ઝાડિયું કે મેદાની પ્રદેશના ગામડા ગામના અભણ નરનારીઓએ પોતાના હૃદયના ભાવો અને ઉર્મિઓને અભિવ્યક્ત કરવા માટે ઉપજાવેલું સહજ સંગીત એ લોકસંગીત છે. આમ આપણું લોકસંગીત લોકોના જીવનવ્યવહારમાંથી નીપજ્યું છે.

હાલરડા ગાતી માતા, દૂહાથી ડુંગર ગજાવતો ગોપ, તંબૂરના તાર માથે ગળતી રાતે ભજન ગાતો ભક્તહૃદયનો ભજનિક, પરોઢિયે ઉઠીને પ્રભાતિયાના સૂરે દળણાં દળતી બાઈઓ, કોસ હાંકતા હાંકતા રામવાળાં લલકારતો કોસિયો, મેળે જતા ગીત ગાઈને વગડો ગજાવતા જુવાનિયા ને જુવતિઓ, વિલંબિત સૂરે મરશિયા ગાતી મિરાણી કે લંઘા નારીઓનાં ગીતો લોકોને રીઝવવા માટેના નથી. એમાં નિજાનંદની મસ્તી છે. એમાં ગાનાર અને સાંભળનાર પોતે જ હોય છે. એટલે એ રીતે જોઈએ તો લોકસંગીત આજના ડાયરાઓની જેમ લોકોને રીઝવવા કોઈએ હેતુપૂર્વક રચેલું સંગીત નથી પણ ગ્રામ અને વનવાસી પ્રજાના જીવન વ્યવહારમાંથી નીપજેલું લાગણીનું સંવેદન છે.

લોકજીવનમાંથી નીપજેલું, લોકો થકી, લોકો માટે જ ગવાય છે તે લોકસંગીત. એ કોઈ એકલદોકલ વ્યક્તિનું નહીં પણ સૌનું સહિયારું છે. એમાં સંઘજીવનના પહેલ પડે છે, એના ઘડતરમાં, ઢાળમાં, હલકમાં ને હિલોળમાં. આમ લોકસંગીત એ લોકજીવનની નીજી મૂડી છે. આ લોકસંગીતના પ્રવર્તનનો હેતુ લોકોત્સવનો, મનોરંજનનો છે. સંસ્કારવિધિની ઉજવણીનો છે, ધાર્મિક અનુષ્ઠાનનો છે. એમ કહેવાય છે કે લોકસંગીત અને લોકનૃત્ય આદિકાળે બોલી કે ભાષા પૂરી શોધાઈ નહોતી ત્યારથી ચાલતાં આવ્યાં છે. પ્રકૃતિ અને પક્ષીઓના ટહુકાઓમાંથી સૂરોની પ્રેરણા મેળવીને માનવીએ સંગીતની શોધ કરી છે એમ કહેવાય છે.
શાસ્ત્રીય સંગીતમાં નાદને બ્રહ્મ તરીકે ઓળખવામાં આવે છે.

આ નાદની ઉત્પત્તિની સાથોસાથ ગાંધર્વગ્રામ, સ્વરરચના, મીંડ, કંપ વગેરે તો નહીં જ આરંભાયા હોય ! માનવીની નાભિમાંથી જે દિવસે નાદ પેદા થયો હશે એ દિવસે કોઈ સુખ કે દુઃખના આવિર્ભાવરૂપે જ હશે ! ડો. હસુ યાજ્ઞિક નોંધે છે કે, પ્રકૃતિમાંથી અને સજીવ સૃષ્ટિમાંથી માણસને જે વિવિધ ઘ્વનિ એકમો મળ્યા અને પોતાના ગળામાં અનુકરણથી એમને સિદ્ધ કરવા મથ્યો એમાંથી જ નાદ પેદા કરવાનું અને ઊંચાઈ- ઉત્કટતા વધારવાનું ઘટાડવાનું કૌશલ્ય એણે પ્રાપ્ત કર્યું. બીજા પ્રાણીઓનું જીવનકાર્ય અવાજથી પૂર્ણ થયું, પરંતુ માણસ વિશેષ બુદ્ધિશાળી, તર્ક કરી શકે અને બીજાનું અનુકરણ કરીને પોતાનું સહજસિદ્ધ કૌશલ્ય પણ વધારી શકે એવું પ્રાણી !

એથી સિંહની ગર્જના, વાઘની ધુરધુરાટી વગેરેના ઘ્વનિએકમોનાં સ્વરૂપો જ એવા છે જેમાં નિશ્ચિત આંદોલન સંખ્યા ધરાવતો નિયંત્રિત એવો નાદ નિશ્ચિત ઊંચાઈએ પહોંચીને પાછો ફરે છે. આમાંથી જ માણસને શ્રુતિ અને સ્વર મળ્યા. એક નિશ્ચિત ઉંચાઈના સ્થિર નાદને દોઢ ગણો ઊંચો લઈ જતા પંચમ અને બમણો ઊંચો લઈ જતા અનુગામી સપ્તકનો આરંભ સિદ્ધ થયો. આ નાદ માણસે વાદ્યથી નિષ્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો અને વિવિધ પ્રકારના વાદ્ય બનાવતો થયો ત્યારે એને સ્થિર નાદને નિશ્ચિત ગતિએ નિશ્ચિત સ્થાને પહોંચાડતાં વચ્ચે જે વિવિધ શ્રુતિઓ અને તેના પરના સ્વરો આવે છે, તેની જાણકારી મળી. એના આધારે જ માણસ ગાતો વગાડતો થયો અને લોકસંગીત અસ્તિત્વમાં આવ્યું. બોલી કે ભાષાની સિદ્ધિ તથા સભ્યતા અને સંસ્કૃતિના વિકાસની સાથે આદિમ કાળે જન્મેલી અને સિદ્ધ થયેલી લોકવિદ્યા લોકસંગીતનું સ્વરૂપ પામી.

જેમ જેમ સભ્યતા અને સંસ્કૃતિનો વિકાસ થતો ગયો અને માણસે પોતાનો સમાજ ઊભો કર્યો, સામાજિકતાનું ઘડતર કરવા માટે વયના તબક્કા પ્રમાણે જન્મ, નામકરણ, વિદ્યાગ્રહણ, લગ્ન વગેરેની સંસ્કારવિધિઓ અસ્તિત્વમાં આવતી ગઈ. જાતિના વીરની કીર્તિગાથાઓ ગવાતી થઈ, વીરના બલિદાનની બિરદાવલીઓ ગવાતી થઈ. વિવિધ કુળદેવ- દેવી, ગ્રામદેવ, ગ્રામદેવી, લોકદેવ- લોકદેવી, ધર્મપંથના મુખ્ય દેવદેવી વગેરેનાં પૂજન અર્ચન થતા ગયા અને તેવી વિવિધ પ્રકારની રચનાઓ ગવાતી થઈ, તેમ તેમ ગાન પરંપરા પણ વિકસતી ગઈ અને તેનું ‘લોર’ ઘડાયું. પરંપરાગત અર્થ અને ભાવ સિદ્ધ થયા, નવા નવા ઢાળ મળ્યા, તાલ મળ્યા અને લોકસંગીત ઘડાયું.

ગુજરાતના લોકસંગીતનો આ દ્રષ્ટિએ વિચાર કરીએ તો સ્પષ્ટતયા ભારતીય લોકસંગીતના કુળના એક અંગરૂપ જણાય છે. ભારતીય સંગીતના મુખ્ય કુળને એશિયન લોકસંગીત સાથે સંબંધ છે. આર્ય અને દ્રવિડ એવી બે જાતિ પરંપરાઓથી ભારતનું લોકસંગીત સિદ્ધ થયું છે એવું મનાય છે એમ શ્રી હરકાન્ત શુક્લ નોંધે છે.

લોકસંગીતની પ્રાચીનતાનો ઐતિહાસિક દ્રષ્ટિએ વિચાર કરીએ ત્યારે આર્યો આપણે ત્યાં ભારતમાં આવ્યા તે પહેલાં સંગીત હતું કે કેમ ? એ પ્રશ્ન સહેજે ઉદ્ભવે. શ્રી જયમલ્લ પરમાર નોંધે છે કે કિરાત, ગાંધર્વ વગેરે જાતિઓ અનાર્ય હતી, તે સંગીતનિપુણ જાતિઓ ગણાતી આવી છે. (જો કે ગાંધર્વ જાતિ માટે એકથી વઘુ મત છે.) અનાર્યોનો સંગીત સંસ્કાર આપણને મળ્યા છે કે નહિ એ સંશોધનનો વિષય રહ્યો છે.

ઇતિહાસના અભાવે આપણે સામગાન આગળ આવીને અટકી જવું પડે છે. સામવેદથી માંડીને શ્રુતિ- સ્મૃતિઓ અને ઠેઠ પુરાણકાળ સુધી ઉતરી આવીએ ત્યાં સુધીના કોઈ ગ્રંથમાં આ લોકસંગીતનો ઉલ્લેખ નથી, પણ ઇ.સ. પૂર્વેની સદીમાં ભારતીય સંગીતશાસ્ત્રનો આદિ ગ્રંથ ‘ભરતનાટ્યશાસ્ત્ર’ રચાયો ત્યારે એમાં ગ્રામગાન, જાતિ અને ઋચાજાતિ, મૂર્છના ગાન, માર્ગી અને દેશી ગાનના ક્રમબદ્ધ વિભાગો જોવા મળે છે. એમાં લોકસંગીતનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ આવતો નથી.
લોકસંગીતમાં શાસ્ત્રીય સંગીત જેવા રાગો નહીં પણ ‘રાહો’ હોય છે. રાહો એટલે પડેલા ચીલાઓ. જે ચીલાઓ જંગલમાં પડેલા ચીલાઓની જેમ સ્વયંભૂ હોય છે. લોકસંગીતના રાહો સાદા, સરળ અને સામાન્ય હોય છે.

સામાન્ય માનવીના સ્વરોના કોઈ પણ જાતના અભ્યાસ વગર ગાઈ શકે તેવા સહેલાં હોય છે. ગ્રામપ્રજા પોતાનો નિર્વ્યાજ આનંદ, મઘુર પ્રેમ અને ભક્તિભાવ સરળ અને નૈસર્ગિક રીતે લોકસંગીત દ્વારા વ્યક્ત કરે છે. શિષ્ટ સંગીતને ધર્માશ્રય અને રાજ્યાશ્રય મળતાં તેનો સતત વિકાસ થતો રહ્યો, જ્યારે લોકસંગીતને જનસમુદાયનો આધાર મળી રહ્યો. લોકજીવને વહેલી સવારના પ્રભાતિયાથી માંડીને ભાંગતી રાતના ભજનો સુધી લોકસંગીતની સરવાણીઓ વહાવી, પરિણામે તાલ અને લયબદ્ધ લોકસંગીતના પ્રદેશે પ્રદેશે કંઈ કંઈ પ્રકારો સર્જાયાની નોંધ લેતાં શ્રી જયમલ્લ પરમાર કહે છે કે, બંગાળે બાઉલ, ભટિયાલી, ઝુમુર અને કીર્તન આપ્યા છે, તો પંજાબે મહિયા, હીર, ધોરી અને ગિદ્ધા આપ્યા છે, ત્યારે મહારાષ્ટ્રે પોવાડા, આમંત્ર, લાવણી અને પદ આપ્યા. ઉત્તર હિંદના દિલ્હીથી બનારસ વચ્ચેના પુરબ વિસ્તારે કજરી ને શેરી આપ્યા. ઝૂલા, સોદર ને સાવન આપ્યા. નૌટંકી, ચૌકલિયા ને સાકા આપ્યા. સિંધે સૂફી ને કાફી સંગીત આપ્યું. સરહદે નિમકાઈ લોભા અને સંદરાના પ્રકાર આપ્યા. તેમ છતાં સૌરાષ્ટ્રમાં લોકસંગીતનો જેટલો વિકાસ થયો છે, એટલો ભારતના અન્ય પ્રદેશોમાં ભાગ્યે જ થયો હશે !

ગુજરાતનું ભક્તિ સંગીત ધર્મ અને અઘ્યાત્મ સાધના સાથે જોડાયેલું છે. ડો. નિરંજન રાજગુરુ લખે છે કે પ્રાચીન કાળથી ધર્મ સંપ્રદાયો અને તેના મંદિરો આપણી મોટા ભાગની લલિત કળાઓના ઉદ્ભવ સ્થાન હતાં.

ગુજરાતના ભક્તિ સંગીતનો ફેલાવો કરવામાં આપણા તીર્થો અને તરણેતર, ભવનાથ કે માધવપુરના મેળા જેવા લોકમેળાઓએ મહત્ત્વનો ફાળો આપ્યો છે. શૈવ, શાક્ત, વૈષ્ણવ, જૈન, ઇસ્લામ અને નાના મોટા અનેક ધર્મ-પંથ, સંપ્રદાયોના તીર્થસ્થળો ગુજરાતમાં આવેલા હોઈ ભારતભરના અન્ય પ્રદેશોના યાત્રાળુઓ- સાધકો – સિદ્ધપુરુષો અને ભજનિકોની વણઝાર કાયમ ચાલુ રહે અને પોતપોતાની ભાષા, બોલી, સાહિત્ય, સંગીત, અન્ય કલાઓ અને ધર્મસંસ્કારોની વિવિધ પરંપરાઓની સરવાણી વહેતી અહીં રહે. પ્રાચીન કાળથી જ સૌરાષ્ટ્રનો વ્યાપાર સંબંધ દરિયાપારના અનેક દેશો સાથે જોડાયેલો હોઈ જુદા જુદા અનેક દેશ-વિદેશના સંગીત સંસ્કારોનું પણ આદાન-પ્રદાન થતું રહે. આ રીતે આપણું ભક્તિ-સંગીત અનેક પરિમાણોની વિશિષ્ટતાઓ ધરાવે છે.

પદ, ભજન, સંતવાણી, શબ્દ, કીર્તન, ધોળ, ઘૂન, સંકીર્તન, સ્તોત્રગાન વગેરે ભક્તિરચનાઓની ગાયન, વાદનની પરંપરા અતિ પ્રાચીન છે. પદસ્વરૂપ ગુજરાતીમાં અપભ્રંશ પરથી ઉતરી આવ્યું છે.

દુહા, ચોપાઈ, વસ્તુ (રસ) ત્રિપદી, સોરઠા, રોળા, હરિગીત, ઘઉલ્લ, પધ્ઘડી, રાસક, અડિલ્લ, મડિલ્લ, ફાગ, ગાથા, પવાડો વગેરે ગેય છંદો ઉપરથી ક્યારેક એ જ સ્વરૂપે તો ક્યારેક એકથી વઘુ છંદના મિશ્રણ દેશી- ઢાળો અસ્તિત્વમાં આવ્યા એનું પ્રધાન લક્ષણ ગેયતા જ હતું. ઝૂલણાની, સવૈયાની, ઉલાળાની, દોહરાની, ચોપાઈની અને અઢૈયાની દેશી જેવા ઉલ્લેખો મઘ્યકાલીન હસ્તપ્રતોમાં પદરચનાઓ ઉપર નોંધેલા જોવા મળે છે. એ જ દેશી ઢાળોને દીપચંદી કે માઢ, હીચ કે ખેમટો, દાદરો, ત્રિતાલ, રૂપક, કેરળો જેવા તાલ સાથે કેદાર, કલ્યાણ, વસંત, મલ્હાર, સારંગ, તોડી, મારુ, સામગ્રી, માલવ, આશાવરી, પ્રભાત, બેલાવલી, ગૌડી, શ્રી કાફી, પરઝ, સોનેરી, દેશ, સોરઠ જેવા શાસ્ત્રીય અને દેશી રાગ- લયમાં ગાવાની પરંપરા આજે ય ચાલુ છે એમ ડો. રાજગુરુ લખે છે.

આમ ભારતીય સંગીત અને ભક્તિ સંગીત પર શાસ્ત્રીય રાગદારીની અસરો જોવા મળે છે. લોકસંગીતની ખૂબી એ છે કે થોડા જ સ્વરની રમતમાં એણે હજારો ઢાળ આપ્યા છે. લોકસંગીતના સ્વરો અને સ્વરસ્થાન બહુ સ્પષ્ટ હોય છે. ઓછા સ્વરો, ભરપુર ભાવ અને સ્વરની લાક્ષણિક કસર લોકસંગીતના લયનો સંબંધ નૃત્ય વગેરેની સાથે જોડાયેલો હોવાથી તે હંમેશ જીવંત બની રહે છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!