ભવિષ્યમાં શું થવાનું છે એવી વિદ્યાનું ભણતર

કંઠસ્થ પરંપરાએ જીવતી રહેલી સાંસ્કૃતિક વિરાસત સમી આપણી લોકવારતાઓ જૂના જમાનામાં માત્ર મનોરંજન કે વખત વિતાવવાનું સાધન જ નહોતી પણ અક્ષરજ્ઞાનથી વંચિત લોકસમાજને શિક્ષિત કરવાનું, એને ઘડવાનું એક અનોખું માધ્યમ હતી. આપણે કહેવતમાં કહીએ છીએ કે, ‘વિધિના લેખ કોઈ મિથ્યા કરી શકતું નથી.’ બાર લગોઠા અને સોળ સોપારા ભણેલો માણસ ગમે તેટલો ચતુર, હોંશિયાર ને બુદ્ધિશાળી હોય પણ કઠણી માંડી હોય ત્યારે ભાવિ એને કેવી ભૂલથાપ ખવરાવી દે છે એને સમજાવતી સંઘેડા ઉતાર વાર્તા અમારા ગામના અભણ વારતાકાર કુંવરાભાઈ મેવાડાના કંઠે આજથી પચાસ વર્ષો મોર્ય મેં સાંભળી હતી. વાત છે “થઈ, થાવી ને થાશે”- અર્થાત્ ભૂત, વર્તમાન અને ભવિષ્ય કાળની વિદ્યાના ભણતરની આશ્ચર્ય ઉપજાવે એવી લોકવારતા (સૌજન્ય ઃ ‘શંખનાદ’) હું આજે વાચકો માટે લઈ આવ્યો છું.

ભાલ પંથકનું ભલગામડા કરીને ગામડું ગામ છે. ગામમાં ગિરજાશંકર નામનો એક ગરીબ બ્રાહ્મણ રહે. તાંબડિયા ગરાસમાં ને ગામનું ગોરપદું કરવામાં ગિરજાશંકરને સાંજે ગાંસડી બંધાય એટલા પાયલાગણ મળતા પણ પાયલાગણને ચૂલે મૂકેલા પાટિયામાં ગોરાણી ઓરે તો ખીચડી થોડી થાય ? ગોરબાપા કદી બે પાંદડે થયા નહીં, આથી એમણે વિચાર કર્યો કે પોતાના સાત ખોટયના દીકરા પાસે ગામનું ગોરપદું તો નથી જ કરાવવું. એને ભણવા પરદેશ મોકલવો છે. ભણીગણીને બાંજલે બને તો કીર્તિ ને કલદાર બે ય પામે ને મારી સાત પેઢીને ઉજાગર કરે એમ નક્કી કરી કિરપાશંકરને જનોઈ આપીને બારમે વરસે કાશીએ ભણવા મોકલી દીધો.

કાશીએ જઈને બટુક કિરપાશંકરે ચોટલી બાંધીને સંસ્કૃત જ્યોતિષશાસ્ત્ર અને વેદ-પુરાણોનો અભ્યાસ આદર્યો. બાર બાર વર્ષ લગી વિધવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરી ભણીગણી બાજંદો બની વતન તરફ પાછો વળી નીકળ્યો. ગામના સીમાડે આવતા જ કિરપાશંકરનો નાનપણનો ગોઠિયો બીજલ, બકરા ચરાવતાં ચરાવતાં એને જોઈ ગયો. પગમાંથી પગરખા ફગાવતા એણે ગગડતી દોટ મેલી ઃ

‘આહલેલે.. આ તો કિરપો. મારો નાનપણનો ભેરુબંધ. અલ્યા એ ય કિરપા, મારી કોર્ય જોવાની થોડી કિરપા કર્ય. તું નાનપણથી ક્યાં ખોવાઈ જીયો’તો ભલા આદમી !’

‘હું કાશીએ ભણતર ભણવા ગ્યો’તો…’

‘ઓ…ઓ…ઓ… મારી હાહુનો આંય ધંધુકા જેવું શે’ર મૂકીને કાશીએ કરવત મેલાવા શું લેવા જીયો હઈશ ! કાશીએ જઈને કેવી કેવી વિદ્યા ભણી લા’યો ઈ તો કહે’

‘જો સાંભળ્ય, હું કાશીએ જઈને ચાર વેદ, અઢાર પુરાણ, ગીતા, રામાયણ, મહાભારત અને જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, શાલિહોત્ર જેવા સંખ્યાબંધ શાસ્ત્રોમાં પારંગત થઈને આવ્યો છું.’

‘ઈ તારા વેદફેદમાં આપણને ભૈ કાંઈ ગતાગમ નો પડે, પણ ‘થઈ, થાવી ને થાશે’ ઈ વિદ્યાનું ભણતર ભણીને લાવ્યો છું કે નંઇ ઈ વાત કર્ય ને ભલા આદમી!. ઈમાં દુનિયાનો બધો સાર આવી જાય.’

આટલું બોલીને અભણ બીજલા ભરવાડે કિરપાશંકરના તુંબડા જેવા માથા ઉપર દસ શેરની કુંડલીઆળી ડાંગ (લાકડી) તોળીને એટલું જ કહ્યું, ‘બોલ કિરપા પંડિત ! આ ડાંગ તારી ડોશી તને ચાં વાગશે ? માથામાં, ડેબામાં કે પગના નળામાં ?’

કિરપાશંકર બે હાથ જોડીને બોલ્યો, ‘ભઈલા ! ખોટું નંઈ બોલું. ગુરુજી ઇ ભણતર ભણાવતા હતા ઇ વેળાએ મને ઝોકું આવી ગયેલું હું ઊંઘી ગયેલો એટલે થઈ- થાવીનું ભણતર ભણ્યો છું પણ થાશે- અર્થાત્ ભવિષ્યકાળનું ભણતર ભણવાનું રહી ગયું છે. ઘેર સંધાયને મળી કારવીને પાછો કાશીએ જઈને ઈ ભણતર પૂરું કરી આવીશ.’

‘કોડા ભગત ! ઈમાં કાશીએ જાવાની ચાં જરૂર છે ? તારે થવાકાળ વિદ્યાનું ભણતર ભણવું જ હોય તો આ તઇણ ગાઉ માથે પરબડી કરીને ગામ છે. ન્યાં જા. પરબડી ગામના પાદરમાં તરભોવન કરીને સુથાર ભગત રહે છે. ઈ થાવાકાળ વિદ્યાના માલમી છે.’

હવે આહીં કિરપાશંકર ઘેર આવ્યો એને રાતબધી ઊંઘ આવી નહીં. બીજે દી મોંસૂઝણામાં માણસની હર્યફર્ય શરુ થઈ ત્યાં તો કિરપાશંકર ખભે ખડિયો નાખીને પરબડી ગામના પાદરે પોગ્યો. ઊભી બજારે સાંતી લઈને આવતા ખેડૂતને પૂછ્યું ઃ

‘બાપા ! સુથાર ભગત તરભોવન ભૈનું ઘર કિનિયા ?’

‘નાકની દાંડી પધોર પધોર વિયા જાવ. માથે માળવાળી ઊગમણા બારની ખડકી દેખાય ઈ ખોરડું જ સુથાર ભગતનું !’

કિરપાશંકરે ખડકીની બારી ખોલીને અંદર પગ મૂક્યો. ત્યાં સામે ઓસરીના ઝેરે (ધારે) ચાકળો નાખી દાતણના ડોયા વડે દાંત ઘસતા ઘસતા સુથાર ભગત બોલ્યા,

‘આવો કિરપાશંકર, આવો. થાવા કાળનું ભણતર ભણવા આવ્યા છો ને ?’

‘હા ભગત બાપુ ! આવ્યો છું તો એટલા જ કામે. બ્રાહ્મણનો દીકરો છું આટલી વિદ્યા શીખવશો તો હું તરી જઈશ.’

સુથાર ભગતે બ્રાહ્મણને બેસવા માટે કોથળો નાખી આપ્યો. બે ય જણા થાવાકાળ વિદ્યાના ભણતરની વાતું કરે છે. કિરપાશંકર કાન દઈને સાંભળે છે. સામે ફળિયામાં છએક વરસની ઉંમરનો સુથાર ભગતના દીકરાનો દીકરો ગારાની ઘલકોડી બનાવીને રમે છે એને જોઈને સુથાર ભગતે કિરપાશંકરને પૂછ્યું.

‘ખડકી માથે તને કંઈ દેખાય છે ?’

‘મેડો છે ભગત બાપુ’

‘મેડા માથે શું છે ?’

‘મેડા માથે અનાજ ભરવાની મોટી કોઠી પડી છે.’

‘તો સાંભળ ! કાલે બપોરે બાર ઉપર બે મિનિટ, પાંચ સેકંડ અને દસમી પળે ઇ કોઠી આ રમતા છોકરાના માથા પર પડશે. છોકરો મરી જશે. અમે બધા રોકકળમાં અને એની આરીકારીમાં હઈશું એટલે મને ભણાવવાની સાધ્ય રહેશે નંઈ.’

‘તમે ય ભલા ભગત લાગો છો ! છોકરાને બે દિ’ બહારગામ મોકલી દ્યો તો શું ખાટુંમોળું થઈ જવાનું ?’

‘ઈ તો ઇનું નિમિત્ત જ એને મારશે. હું જીવાડવાવાળો કોણ ? વિધાત્રીના લેખને રાવણે ય મિથ્યા કરી નહોતો શક્યો. આ તો હજાર હાથવાળાની લીલા છે. માનવી તો પામર છે.’

‘તમે ભગત ! માળા મૂરખા જ લાગો છો. તમારા ઠેકાણે જો હું આ વિદ્યા જાણતો હોઉંને તો થનારને ઘડીના છઠ્ઠા ભાગમાં રોકી દઉં.’

‘ભાઈ કિરપાશંકર, તને જો આ વિદ્યા જાણવાની આટલી આતુરતા જ હોય તો આંયથી દસ ગાઉં માથે આવેલા ગોરાસુ ગામે જા. ગોરાસુમાં ટૂંડિયા કરીને કણબી ભગત રિયે છે. મારા ગુરુભાઈ છે, ઈ આ વિદ્યા જાણે છે. ઇ તને શીખવશે.’

કિરપાશંકરે બીજે દી’ મોંસૂઝણામાં ગોરાસુ ગામે જઈને ટૂંડિયા ભગતની ડેલીમાં પગ મૂક્યો. ભગત ફળિયા વચાળે ખાટલો નાખીને વત્તુ (હજામત) કરાવે છે. વત્તુ કરાવતા કરાવતા ભગત બોલ્યા ઃ

‘કિરપાશંકર, આવો… આવો. સુથાર ભગતે થાવાકાળ વિદ્યાનું ભણતર ભણવા મોકલ્યા છે ને ?’

‘હા ભગત બાપુ ! હૈયામાં ઘણી મોટી હોંશ લઈને આવ્યો છું.’

ભગતે ઉભા થઈને કિરપાશંકરને ખાટલો ઢાળી દીધો.. ને ચા-પાણી કરી કારવી બે ય અગમ- નિગમની વાતુંએ વળગ્યા. પછી ટૂંડિયા ભગતે કીધું ઃ

‘કિરપાશંકર ! સામે ઢાળિયામાં શું બાંધ્યું છે ?’

‘બે વઢિયારા બળદ છે બાપજી !’

‘સામે વંડીને અડીને શું પડયું છે ?’

‘હળ પડયું છે.’

‘તો જુઓ. સામે ઓશરીમાં મારો જુવાનજોધ દીકરો બેઠો છે. કાલે સાંતી લઈને ખેતરે જશે. એક અને બીજી ઉથલ વાળશે ત્યાં એરુ (સાપ) નીકળશે. બળદો ભડકશે ને ભાગશે. રાશનો ગાળિયો ઇના હાથમાં રઈ જાશે. મારો દીકરો હળની હાર્યે ભટકાઈને પ્રાણ છાંડી જશે. અમે બધા રોકકળમાં રઇશું એટલે મારાથી તમને આ વિદ્યા નંઈ શિખવી શકાય.’

આ સાંભળીને કિરપાશંકર અકળાયોઃ

‘તમારો ગુરુ આવો તે કેવો ગેલહાઘરો છે. તમને થવા કાળની વિદ્યા શીખવી છે તો ય તમે થનારને રોકી શકતા નથી ? આવનારને અટકાવી શકતા નથી ?’

‘ઇ રોકનાર તો એકલો ઇશ્વર જેવો ધણી છે. પામર માનવીનું વતુ (ગજું) નથી છતાં ય તારે આ વિદ્યા જાણીને આવનારને અટકાવવું હોય તો ઈ શક્તિ મેળવવા અમારા ગુરુજી પાસે જા. જૂનાગઢી છાંયામાં બેઠા છે. ઇ તને સંધુ ય જ્ઞાન આપશે !’

કિરપાશંકરે તો ભાઈ બીજે દિ’ જૂનાગઢનો મારગ લીધો. ચાલતા ચાલતા દસમે દા’ડે ભવનાથની તળેટીમાં આવીને ઊભો. પછી ગિરનારની એક પછી એક ટૂકો ચડતો જાય છે ને જોતો જાય છે એવામાં તરકોટી વાળીને આસન માથે એક મહાત્માને બેઠેલા જોયા. મહાત્માના નેણ ભોંયે પડેલા છે. કિરપાશંકરે તરકોટીની પરકમ્મા કરી નમસ્કાર કર્યા. મહાત્માએ સમાધિ ખેંચી નેણ પાછા વાળીને પૂછ્યું ઃ

‘બચ્ચા કિરપાશંકર ! થાવા કાળ વિદ્યાનું ભણતર શીખવા આવ્યો છું ને ?’

‘હા, બાપજી !’

‘તારા ગામની અડખેપડખે મારા બે ચેલા રહે છે. એમને કીધું હોત તો એય તને આ વિદ્યા શીખવેત.’

‘બાપુ ! જવા દ્યોને બધી વાતું. તમને કોઈ સારા ચેલા જડયા જ નંઈ તે આવા મુરખ્યાઓને મૂંડયા ! બે ય એવા જ છે કાલે શું થવાનું છે ઈ જાણવા છતાં એને અટકાવવાની આવડત એકેયમાં નથી.’

‘બચ્ચા ! આવતીકાલે શું થવાનું છે ઈની તને ખબર પડે તો તું એને રોકી શકે ખરો ?’

‘હા બાપજી ! બેશક… બેશક ! ઈમાં શું મોટી ધાડ મારવાની છે ?’

આમ વાતું કરતા કરતા આખો દિવસ વહી ગયો. સૂરજનારાયણ આથમવાની અણી ઉપર આવીને ઊભા ત્યારે મહાત્માએ ઝોળીમાંથી રોટલાના લૂખાસૂખા ટુકડા કાઢી કિરપાશંકરને ખવરાવીને સામેની ગટકુડીમાંથી પાણીનો લોટયકો પી લેવા કીધું ને પછી પૂછ્યું ઃ

‘ગૉરજી ! દિવસ કેટલો રિયો છે ?’

‘બાપજી ! દિવસ તો આથમી ગ્યો.’

‘તો હવે સાંભળ, જૂનાગઢના રાજા પરમદિવસે બપોરે ખરા મધ્યાહ્ને તને તોપના મોઢે બાંધશે. ચોવીસ કલાકમાં તારે ભાગવું હોય ત્યાં ભાગી જા. મારા ચેલા બધા મૂરખને તું જ ડાહ્યો. અત્યાર લગી તું ભાવિને જાણતો નહોતો. હવે જાણે છે એટલે ભલાભલી પૃથ્વી માથે જાવું હોય ન્યાં જા.’

મહાત્માની વાત સાંભળીને કિરપાના બારેય વહાણ બૂડી ગ્યાં. એની ફેં ફાટી ગઈ. એક હાથમાં પનિયા (ધોતિયા)નો છેડો પકડીને મૂઠ્ઠીઓ વાળીને માંડયો દોડવા. ડુંગરાની ગાળિયુંમાં શીંઘલા ઘેટાની જેમ.. રાત વરતનો આડોઅવળો દસેક ગાઉ દોડીને આભ માથે નજર કરે છે ત્યાં તો હરણ્યું આથમી ગયેલી. કાંચીડો થોડોક જ હતો. આમ રાત જોવાના ધ્યાનમાં ઉગમણો કેડો મેલ્ય પડતો ને આથમણા કેડે મંડાણો પાછો દોડવા. પરોઢિયું પાંગર્યું ન પાંગર્યું ત્યાં તો દોડી દોડીને પાછો હતો ત્યાંનો ત્યાં પાછો આવ્યો. એને થયું દસેક ગાઉ તો કાપ્યા હશે. આંય જંગલમાં રાજા ક્યાં તોપે ચડાવવા આવવાનો છે ? દોડીદોડીને ટાંટિયાનું તોરણ થઈ ગ્યું છે. લાવ્યને ઘડીબઘડી સૂઈ લઉં. આમ થાકેલા કિરપાશંકરે અરધું પનિયું હેઠે પાથર્યું ને અર્ધું ઓઢીને આરામથી સૂતો. દસ ગાઉનો થાકોડો ભરેલો એટલે પડયો એવો માંડયો ઘરશટ ઊંઘવા.

હવે આંયા રાતના બીના એવી બની કે ખાપરા ને કોડિયા નામના અઠંગ ચોરોએ જૂનાગઢના રાજમહેલની તિજોરી તોડી ઝર-ઝવેરાતના બબ્બે- ત્રણ ત્રણ ભારે પોટલા માથે મૂકીને અડીકડી વાવ ને નવઘણ કૂવા આગળ થઈને સીતાવનની વાટે ચાલ્યા જાય છે. મોર્ય ખાપરો ને વાંહે કોડિયો છે. ખાપરો કહે ઃ ‘ચ્યમ, બઉ વાંહે રહી જાય છે ? પગ ઉપાડયને ઝટ. હમણાં ભળભાંખડુ થઈ જશે.’

ત્યારે કોડિયો કહે ઃ ‘ભાર બઉં છે. મારો તો બરડો ફાટે છે.’

‘તો ઉપાડાય એટલું જોંસ્યને ! આંય ચાં આપણે રળવા જીયા’તા’. એટલે કોડિયે એક પોટલું ભફ દઈને પડતું મૂક્યું ને બાકીનો માલ લઈને બે ય ગિરનારની છાયામાં ઉતરી ગયા.

સવાર થયું. રાડય પડી કે રાજની તિજોરી તૂટી. ચાર પૈસાનો પગાર ખાઈને આઠ પૈસાનો રોફ કરનારા રાજાના સિપાઈઓ ઝોકેથી જાગ્યા. પગીએ પગેરુ લીધું. સગડે સગડે પચાસેક સિપાઈ ‘ખડેરોપ ખડેરોપ’ કરતા ચાલ્યા જાય છે. સધિયાળું (મોંસૂઝણું) થઈ ગયું છે. સીતાવન જતાં રસ્તામાં કિરપાશંકર ગોરને સૂતેલો જોયો. પડખે ઝવેરાતનું પોટલું પડયું છે.

સિપાઈનો સરદાર કહે ઃ
‘પોટલું મૂકીને કેવો નિરાંતવો સૂતો છે ? બે માથાનો ધણી. જીગરનો જબરો લાગે છે.’

‘સાલા ચોર,’ એમ બોલતા સૂતેલા કિરપાશંકરના ઢીંઢા માથે સિપાઈએ ધડ ડંડો વળગાડયો. બ્રાહ્મણની રાડય ફાટી ગઈ ઃ ‘મેં ચોરી કરી નથી, હું ચોર નથી.’ પણ ઢોલના ઢબકારામાં તતૂડીનો અવાજ કોણ સાંભળે ?

કાશીએ ભણીને આવેલા કિરપાશંકરના માથે પોટલું મૂકાવી પચ્ચીસ સિપાઈઓ આગળ અને પચ્ચીસ પાછળ ચાલ્યા. પગીએ જઈને રાજાને વધામણી આપી. રાજના ચોરને મુદ્દામાલ સાથે પકડયો છે. રાજા કહે ઃ

‘ઈ પાપિયાનું મોઢું મારે અત્યારના પહોરમાં નથી જોવું. જાવ ઇને તોપના મોઢે બાંધીને ઉડાવી દ્યો.’ સિપાઈઓએ બ્રાહ્મણના હાથમાં હાથકડીઓ પહેરાવી અવળો બાંધી જૂનાગઢના કિલ્લાની મણમણ દારૂ ખાનારી તોપના મોઢે જતોકને ટીંગાડયો.

અહીં મહાત્માને ખબર પડી કે, ગરીબ અભિમાની બ્રાહ્મણ મરવાનો થયો છે, એટલે પોતાની તરકોટીથી ચીપિયો, ઝોળી ને મઘરીચમર (મૃગચર્મ) લઈ રાજધાનીમાં આવ્યા. કચેરીમાં આવતાં રાજાએ ઊભા થઈ ગુરુને પ્રણામ કર્યાં ને આસન આપ્યું. પછી ચોરીની વાત નીકળી. રાજાએ સઘળી હકીકત જણાવી એટલે મહાત્મા બોલ્યા ઃ

‘રાજન્ ! આ તમે તોપના મોઢે બાંધ્યો છે ને ગોલંદાજ ઇને ઉડાડી મૂકવા તમારા ઓર્ડરની રાહ જોતો બેઠો છે પણ ઈ ચોર નથી. ત્રીજા પરગણાના ભાલ પંથકનો ગરીબ બ્રાહ્મણનો દીકરો છે. ખરા ચોર તો ખાપરો ને કોડિયો છે. આપ તો ગૌબ્રાહ્મણ પ્રતિપાળ છો. બ્રાહ્મણને મારશો તો બ્રહ્મહત્યાનું પાપ લાગશે, ને રાજ્યના પુતરનો નાશ થશે. ઈનું પ્રાયશ્ચિત્ત બહુ ભારે છે. તમારાથી નંઈ થાય.’

રાજાએ પોતાની ભૂલની માફી માગીને કિરપાશંકરને છોડી મૂક્યો. મોતના મોમાંથી ઊગર્યો એટલે એ લાંબો થઈને મહાત્માના પગમાં પડી ગયો. આકાશમાંથી ધરતી પર આવી ગયો, એનો ગરવ ગળી ગયો. મહાત્મા મરક મરક હસતા બોલ્યાં ઃ

‘બેટા ! મારા ચેલા તો મૂરખ હતા, પણ તું તો ભણેલો ગણેલો ને ડા’યો હતો ને ભાવિની વાતને જાણતો હતો તો ય તોપના મોઢે જઈને કયા ભાલિયે ભરાણો ?’

‘બાપુ ! મને મારા ભાવિએ ભૂલ થાપ ખવરાવી દીધી.’

‘બોલ્ય હવે વિધાત્રીના લેખ માથે મેખ મારવા ‘થાવા કાળ વિદ્યા’નું ભણતર ભણવું છે ?’

‘ના બાપજી ! જિંદગીમાં ઇ ચાળો કોઈ દિ નંઈ કરું !’

પછી તો રાજાએ કિરપાશંકરને પહેરામણી કરીને રાજની મહેમાનગતિ કરાવી પણ બીજે દિ ભેં ખાઈ ગયેલો કિરપાશંકર મહાત્માને વંદન કરીને આકાશમાંથી તારોડિયું ખરે, ને તોપમાંથી ગોળો છૂટે ને વહરી નારીના વેણ છૂટે એમ જૂનાગઢથી સીધો ભલગામડા ભેગો થઈ ગયો ને હું વારતા લઈને અમદાવાદ આવ્યો. એવા નર ગયા વહીને વાતોડિયું એમની રહી.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!