તાળા-કૂંચીનો અજાણ્યો ઇતિહાસ

કહેવત એ ભાષાનું લટકણિયું નહીં પણ એનું ઘાટિલું ઘરેણું છે. નગરમાં વસનારા શિષ્ટ નાગરિકોએ બોલચાલમાંથી કહેવતોને જાણે કે દેશવટો દઇ દીધો છે. પણ કચ્છ કાઠિયાવાડની લોકબોલીમાં, લોકજીવનમાં માનવીની સમજણ વધારનારી મજેદાર કહેવતો મળી આવે છે જેમ કેઃ

કડી ઉપર તાળું નંઇ,
લાડુ ઉપર વાળું નંઇ,
ડગલા ઉપર શાલ નંઇ,
ને બખ્તર ઉપર ઢાલ નઇ
*

કશું ન નીપજે એકથી
ફોગટ મન ફુલાય
કમાડ ને તાળું મળી,
ઘરનું રક્ષણ થાય.

વાચકમિત્રો સમજી જ ગયા હશે કે આજે આપણે તાળા કૂંચીની કથા કરવાના છીએ. આમ તો તાળાકૂંચી એ છોકરાંઓને રમવાની એક જૂની રમત છે. આજે તો વીસરાઇ ગઇ છે. આપણો સંબંધ ઘરનું રક્ષણ કરનારા તાળા સાથે છે. સંસ્કૃતમાં તાલકં પ્રાકૃતમાં ‘તાલય’ અને એના ઉપરથી તાળું શબ્દ ઊતરી આવ્યો છે. તાળું એટલે ઉઘડે નહીં એવું એક જાતનું યંત્ર. ઘરના કે પેટી, પટારાનાં બારણાં બીજાથી ન ઉઘાડી શકાય તે માટે લગાડવામાં આવતી ધાતુ કે લોઢાની કળ. દ્વારયંત્ર, કૂંચી કે ચાવી વગર પેટી અથવા બારણું ઊઘડી શકે નહીં એવી બારણા અથવા પેટીને દેવાતી કળવાળી બનાવટ. એમ ભગવદ્ ગોમંડલ નોંધે છે.

તાળા સાથે જોડાયેલા કેટલાક શબ્દો- તાળાબંધ- તાળું દીધું હોય એવું. તાળા ખોલામણી- કરજે રૂપિયા આપવા, પેટીનું તાળું ખોલવાને નામે લેવાતો શરાફી લાગો. તાળી- હથોડી ઉપર જડાતો સારી જાતના ગજવેલનો ટૂકડો. તાળાકૂંચી કરવી- કોઇ વસ્તુને સુરક્ષિત રાખવી, તાળેબંધ- વાર્ષિક હિસાબનું ખાના પાડેલું પત્રક.

તાળાંના ઇતિહાસ ઉપર ઉડતી નજર કરીશું તો જણાશે કે પ્રાચીન ભારતીય કારીગરોના હાથે જાતજાતના અને ભાતભાતના કળા કારીગરીવાળા તાળાં સર્જન પામ્યા છે. એટલાં અને એવાં તાળાં અન્ય દેશોમાં ભાગ્યે જ બન્યા હશે! તેમ છતાં તાળાંની શોધ ભારતમાં થઇ હોવાનું સંશોધકો માનતા નથી. એનું કારણ પણ છે. દેવભૂમિ ગણાતા ભારતવર્ષમાં જૂના કાળે રામરાજ્ય હતું ત્યારે લોકો ઘરના દરવાજા ખૂલ્લા મૂકીને નિરાંતવા સૂતાં. એટલું જ નહીં પણ ક્યાંય બહાર જવાનું હોય તો ઘરનાં બારણાં વાસીને સાંકળ ઠસકાવી દેતાં. તાળાં બાળાનું નામનિશાન તે દિ’ નહોતું. (આજેય કચ્છ- સૌરાષ્ટ્રના રબારી માલઢોર લઇને વાંઢ્યે નીકળે છે ત્યારે ઓશરીના ઘરને સાંકળ મારી છાણ-માટીનું સીલ મારી દે છે અને ઓશરીમાં કાંટાળું ઝાડું આડું દઇ દે છે.)

તેમ છતાં તાળાંની શોધ ઘણી જૂની મનાય છે. એમ કહેવાય છે કે ઇ.સ. પૂર્વે ૪૦૦૦ની આસપાસ ઇજિપ્તના તાળાંની સૌ પ્રથમ શોધ થઇ હતી. જ્યારે આધુનિક તાળાંની શોધનો ઇતિહાસ ઇ.સ. ૧૭૯૨થી વધુ જૂનો નથી. સાન્ટોસ દ જેન્દ્રેએ આ શોધ કરી હતી. આપણે ત્યાં માનવ માનવ વચ્ચે વિશ્વાસ ડગવા માંડયો. ચોરીઓ થવા માંડી ત્યારથી બારણાંવાળા ઘરને સલામતી માટે મોટા મોટા તાળા લટકાવવાની શરૃઆત થઇ ગઇ. બીજી રીતે કહીએ તો તાળું અવિશ્વાસનું પ્રતિક પણ છે. જૂના કાળે માનવીને જે કાંઇ મળતું તેમાંથી તે પોતાનો જીવનગુજારો કરી લેતો. માનવી સ્વાર્થી અને એકલપેટો બનતા ચીજવસ્તુઓનો સંગ્રહ કરવા લાગ્યો. આ ચીજ વસ્તુઓને અનાજને જાળવવા માટે તાળાંકૂચીનો સીલસીલો શરૃ થયો એમ કહી શકાય.

ભારતમાં તાળાં બનાવવાનો કસબ વિશ્વકર્માના વંશજ એવા લુહારી કારીગરોને વરેલો છે. આજે બજારમાં પાંચ, સાત કે નવ લીવર વાળા નાના તાળા મળે છે પણ આ તાળાંની શોધ થઇ તે પહેલાં આપણે ત્યાં ખંભાતી અને કચ્છી તાળાં ખૂબ વખણાતાં. એની મજબૂતી અને કળા કારીગરીને કારણે એ કાળે ખંતીલા કારીગરો લોખંડ, તાંબુ, પિત્તળ અને સોનારૃપાના કલાત્મક તાળાં બનાવતાં. રાજમહેલ, મોટી હવેલીઓ કે ઘરના દરવાજે લગાડાતાં તાળાં ફૂટ દોઢ ફૂટ લાંબા રહેતાં. એને ખોલવા માટે કળની સાથે બળની પણ જરૃર પડતી. ગામડાગામનો લુહાર પોતાની અક્કલ હોંશિયારીથી વિવિધ આકાર પ્રકારનાં તાળાં બનાવી આપતો. જૂના કાળે બહારવટિયાઓની ભારે ભેં હતી ત્યારે ગામડાંના લોકો પોતાની ચીજવસ્તુઓ અને દાગીના પટારામાં મૂકીને ખંભાતી તાળું ઠસકાવી દેતાં. બહારવટિયાઓ આવાં તાળાં ન તૂટે એટલે પટારાને તોડી નાખતા. આવા તાળાનાં આકાર-પ્રકારોમાં યે કેટકેટલું વૈવિધ્ય! તાળામાં તમને વીંછીનો આકાર મળે, સિંહ, ઘોડો, મોર અને બતક જેવા પશુપ્રાણીઓના આકારો મળે. એમાં મોજડી અને પિસ્તોલ પણ હોય. હોંશિયાર કારીગર આવું અલભ્ય તાળું લઇને રાજાને ભેટ આપતા. રાજા ખુશ થઇને કારીગરને નાણાં આપી નવાજતા. આવી ભેટ મળતાં કલાપ્રેમી શ્રેષ્ઠીઓ કારીગરોને ખોબો ભરી રાણીછાપના રૃપિયા આપતા.

દેશી રાજ્યોના રજવાડાઓને ભેટે જતાં તાળામાં ગઢ કિલ્લાનાં તોતિંગ દરવાજે વાસવાના ભારે વજનદાર તાળાં રહેતાં. તેની અઢી ફૂટ ભાલા જેવી અણીદાર ચાવીનો ઉપયોગ હથિયાર તરીકે પણ કરી શકાતો. આ દરવાજાના તાળાને ત્રણ કે પાંચ ચાવીઓ રહેતી. રાત્રે દરવાજા વસાઇ જાય પછી એની ચાવીઓ રાજા, પ્રધાન, લશ્કરનો વડો અધિકારી એમના કબજામાં રહેતી. રાત્રે દરવાજો ખોલવાનો હોય તો ત્રણે જણાનું ધ્યાન રહેતું જેથી કોઇ દગો કપટ ન કરી જાય. ત્રણે જણની ચાવીઓ ભેગી થાય પછી જ દરવાજો ખૂલે. ચાવીઓ હોવા છતાં દરવાન સિવાય બીજા કોઇને તાળુ ખોલતા ન આવડે તેવી તેની કારીગરી રહેતી. આજે તો આ બધાં તાળાં માત્ર આપણાં સંગ્રહસ્થાનોને શોભાવી રહ્યાં છે. જોઇને રાજી થવા સિવાય બીજો કોઇ ઉપયોગ રહ્યો નથી. લોકો જૂના એન્ટીક તાળાંને ભંગાર સમજીને સસ્તામાં કાઢી નાખે છે.

જૂનાકાળે તાળાં બનાવવાનો હસ્તકલા ઉદ્યોગ ભારતમાં અલીગઢમાં, પંજાબમાં, સિંધમાં અને પાકિસ્તાનમાં પણ વિકસ્યો હતો. પાકિસ્તાનના શેખ ઝફર ઇકબાલે સુરક્ષા માટેના તાળાંકૂચી બનાવવાનો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. તેણે બનાવેલ તાળાકૂંચીનું વજન ૨૧૨ રતલ છે અને તે ૨૬.૫ટ ૧૫.૬ટ૪.૯ ઇંચનું માપ ધરાવે છે. આપણે ત્યાંય આવી બુદ્ધિમતા ધરાવનારા કારીગરો હજુ ક્યાંક રહ્યાં છે. અમદાવાદમાં શૌકતભાઇ તાળાં-કૂંચી બનાવવાનું કામ કરે છે. એણે આઠ કિલો વજનનું એક તાળું બનાવ્યું છે. જેને પાંચ ચાવીઓ છે. આ પાંચેય ચાવીઓનું કનેકશન એવી રીતે કરવામાં આવ્યું છે કે એક પછી એક એમ પાંચેય ચાવીઓનો ઉપયોગ કર્યા પછી જ એ તાળું ખુલે. તમે પાંચેય ચાવીઓ કોઇને પણ આપો ને સવારથી સાંજ સુધી બુદ્ધિ કસે તોય તાળું ઉઘાડી શકે નહીં. શૌકતે તેમાં એવા પ્રકારની ટેકનિક વાપરી છે કે એ તાળું તેના પોતાના વડે જ ખૂલે. આ તાળાનું વજન આઠ કિલો છે. લોખંડના ને પિત્તળનાં ભંગારમાંથી એને બનાવવામાં એક મહિનાનો સમય લાગ્યો હતો. આ તાળાને રેકોર્ડ બૂકમાં પણ સ્થાન મળ્યું છે. આ કારીગરે ભારતના નકશાવાળું એક તાળું બનાવ્યું હતું. આવાં તાળાં આજે વપરાશમાં લેવાતાં નથી પણ એન્ટીક ચીજનો સંગ્રહ કરવાવાળા એને ખરીદી લેતા હોય છે. ભારતીય તાળું ખોલવું એ પણ એક કળા છે. તેની પાછળ રમત, સૂઝ અને ટેકનિક છે. આપણા દેશી કારીગરોના હાથના તાળાં કસબ જોવો હોય તો તમારે મ્યુઝિયમની મુલાકાતે જવું પડે. ભારતમાં માત્ર તાળાનું કોઇ મોટું મ્યુઝિયમ નથી. કેટલાક મ્યુઝિયમોમાં તાળાનો વિભાગ જોવા મળે છે. વિશાલાના વિચાર મ્યુઝિયમમાં સુરેન્દ્ર પટેલે ૩૫૨ જેટલાં ભારતીય તાળા-કૂંચી પ્રદર્શિત કર્યા છે. પુનાની શુક્રવાર પેઠમાં આવેલ રાજા કેલકર મ્યુઝિયમમાં ૪૦૦ જેટલા અને મુંબઇમાં થાણા પાસે આવેલા સૂરજ વોટરપાર્કના બાળ સંગ્રહસ્થાનમાં અરૃણકુમાર મૂછાળાએ ૧૬૪૦ જેટલાં એન્ટીક તાળાં-કૂંચી સંગ્રહિત કર્યા છે.

સંગ્રહસ્થાનો ઉપરાંત અંગત શોખીનો પણ ગાંઠનું ગોપીચંદન કરીને તાળાંનો સંગ્રહ કરે છે.અમદાવાદના ડો. હિરેન શાહ અને ડો. નમિતા શાહે દેશ અને દુનિયામાં ફરીને વર્ષો જૂનાં ૫૦૦ ઉપરાંત તાળાં-ચાવીનો સંગ્રહ કર્યો છે. આ એન્ટીક તાળાઓને ખોલવા કોયડાની જેમ મગજ કસવું પડે છે. આ શોખ અને જાણકારીને કારણે ડો. હિરેન શાહને જાપાન અને કોરિયામાં પઝલ્સ કોન્ફરન્સમાં ‘એન્ટીક ટ્રીક લોક’ પર પેપર રજૂ કરવાની તક મળી હતી. તાળાની આવી અદ્ભૂત દુનિયા છે ભાઇ!

આજથી પાંચ-સાત દાયકા મોર્ય ગામડાંમાં મઝિયારાં કુટુંબો હતાં ત્યારે ઘરમાં સાસુ કે વડ સાસુનો મોભો મોટો ગણાતો. એ કાળે ઘીના પાટિયા કે ગોળની ભેલિયું જૂના પટારા કે મજૂસડામાં મૂકી એને તાળું મારી કૂંચિયુંનો ઝૂડો સાસુ કેડયે લટકાડીને ફરતાં. આમ પેટી-પટારાનાં તાળાંની ચાવીઓ સાસુ જીવે ત્યાં લગી એમની પાસે રહેતી. પછી એ વહીવટ મોટી વહુના હાથમાં આવતો. છેલ્લે નજર કરી લઇએ તાળાંની કહેવતો પર. ‘નરાજિયા તાળાં વસાઇ જવાં’- ‘અલિગઢિયું તાળું દેવાઇ જવું. અર્થાત્ ઃ નિર્વંશ જવું. ઉછેદિયા થવું. વંશપરંપરાનો વેલો બંધ થઇ જવો. પાછળ કોઇ વાપરનાર ન હોવું.’ ‘તાળું તોડવું’ – ચોરી કરવા માટે ઘર તોડવું ‘નશીબે તાળું દેવાવું’ – ભાગ્ય ફરી જવું ‘તાળું વાસવું’ જડમૂળથી ઉખેડી નાખવું.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!