દક્ષિણ ગુજરાતના ગોપગીતો લાવણીની રસપ્રદ વાતો

‘કમરે બાંઘું ગાડરું ને કોરમાં ચરવા જાય, ચાર ઘેંટા તો ચોરાઈ જીયાં, તેની કોણ ફરિયાદી જાય ?’

ગુજરાતી દુહાની જોડાજોડ બેસતો આ પ્રકાર લાવણીનો છે. ગીત, સંગીત અને નૃત્યથી મઢેલી લાવણી મહારાષ્ટ્રના જનજીવનમાં અત્યંત લોકપ્રિય છે. લાવણીનો આ પ્રકાર ગુજરાતમાંયે છે એ આપણે ભાગ્યે જ જાણીએ છીએ. આભનું ઓઢણું અને ધરતીનું પાથરણું કરી સીમશેઢે પડી રહેનારા દક્ષિણ ગુજરાતના અભણ ભરવાડો પ્રકૃતિપરાયણ છે. એમનું ગીત, સંગીત અને નૃત્ય જળવાયું છે એમની લાવણીમાં. લોકસાહિત્યના સંશોધકોની નજર આજ લગી લાવણી સુધી પહોંચી નથી. સને ૧૯૪૭માં શ્રી મઘુભાઈ પટેલે ‘ગુજરાતનાં લોકગીતો’માં લોકસાહિત્યના પ્રકાર ‘લાવણી’ પર સૌ પ્રથમ પ્રકાશ પાડ્યો. આ લેખકને સને ૧૯૫૬માં ગૂજરાત વિદ્યાપીઠમાં તેમના સુરીલા કંઠે ગવાયેલ સુરતી લોકગીતો અને લાવણી સાંભળવાનું સદ્‌ભાગ્ય સાંપડ્યું હતું, એની સ્મૃતિ આજેય એવી ને એવી લીલીછમ છે.

લાવણીના અનેક અર્થો છે. લાવની, લાવણ કે લાવણ્યમયીના નામે પણ એ ઓળખાય છે. લાવણી (સંગીત) ૧. એક તાલ. (તેની માત્રા આઠ અને તાલ ત્રણ છે. પહેલી, ત્રીજી અને સાતમી માત્રા પર તાલ પડે છે, અને પાંચમી માત્રા પર ખાલી જાય છે. આ તાલ શિષ્ટ સંગીતનો ન હોઈ દક્ષિણ (ગુજરાત)નો દેશ્ય તાલ છે. તેને દક્ષિણમાં ‘ઘુમાલી’ તાલ કહે છે. એમ પણ સાંભળ્યું છે કે દાદરા અને ખેમટાની દ્રુત પદ્ધતિ કરવાથી આ લાવણીનો તાલ થઈ શકે છે.) ૨. ચતુસ્ત્રજાતિ – ચાર માત્રાનો એક તાલ. ૩. ચલતીનો ઠેકો ૪. લલકારાય એવી ચર્ચાતી વાતની કવિતા, એક રાગ કે ઢાળ. એક જાતનો તાલ દા… દાદા… દાદા… દાલ… લદાદા… દાદા એ પ્રમાણે તેની સંજ્ઞા છે એમ ભગવદ્‌ગોમંડલ નોંધે છે. ‘લાવણ’ એક રાગિણી પણ ગણાય છે. શેણી-વિજાણંદના દૂહામાં નોંધાયું છે ‘છત્રીસ લાવણ રમે વિજાણંદને ટેરવે’ સરસ્વતીચંદ્રમાં લાવણીને માટે લાવણ્યમયી શબ્દ વપરાયો છે. ‘થોડીવાર નીચું જોઈ આંખો મીંચી મોડેથી કુસુમ લાવણ્યમયી ગાવા લાગી.’ લાવણીમાં લાવણતા અર્થાત્‌ ભાષાની મઘુરતા કે છટા પણ છે એટલે તો બ્રહ્માનંદ સ્વામીએ ગાયું છે ‘તારા મુખની લાવણતા મીઠી રે મોહનવનમાળી’. હવે લાવણી પર જરા નજર કરીએ ઃ

દૂધે ભરી તળાવડી રે 
કંઈ માખણે બાંધી પાર,
ધોબી ઘૂએ કંઈ ધોતિયાં, 
ને ઝાંઝરિયો ઝમકાર.

(સાબુના ફીણગોટાથી તળાવડી દૂધેભરી દિસે છે. તડકે સૂકવવાં નાખેલાં વસ્ત્રો વડે તેની પાળ બાંધેલી દેખાય છે. અહાહાહા ધોનારના શ્વાસનો સૂનકાર જાણે કે ઝાંઝરનો ઝમકાર જણાય છે)

શ્રી મઘુભાઈ પટેલ નોંધે છે કે સીમને છેડેથી ને નદીકિનારાની ઊંચી ભેખડેથી ફરફરતા વાયરામાં પ્રભાતને પહોરે કોઈના ગાવાનો ઝીણો ને મઘુર સૂર સંભળાય છે. નિર્જન સીમાડામાં આવું ઘેરું સંગીત રેલાતું સાંભળતા પથિકોના પગ થંભી જાય છે, ચારો ચરતાં ગાય, બકરાં ને ઘેટાં ડોકું નમાવી કાન ઢાળી સાંભળે છે અને ખળખળતાં સરિતાનાં નીર ને વનરાજિ એકઘ્યાન થતાં જણાય છે. આવું મનોહારી ગીત આલાપનાર છે હોલેન્ડ, સ્કૉટલેન્ડનાં ગોપગીતો સુણાવતા ગોવાળોની બરોબરીમાં ઊતરે એવો, ગુજરાતનો ગર્વિષ્ટ ગોપ, આહીર, ભરવાડ કે લોકભાષામાં એના મીઠડા નામે સંબોધાતો મહિયર (મહીપાલ). જગતના વર્તમાનની જેને જરાશી ખેવના નહીં હોય એવો અભણ આદમી પણ પ્રકૃતિનો લાડકવાયો ખોળો ખુંદનારો કુદરતપ્રેમી.

માથે નાની કાળી ટોપી પર ફાળિયાનો ફેંટો વીંટાળ્યો હોય, કાને કડિયાં લટકતાં હોય, આંગળીએ ચાંદીના જાડા વેઢ પહેર્યા હોય ને કમરે રૂપાની પહોળી સાંકળી (કંદોરો) પહેરી હોય, સાથે કાંટા કાઢવાનો ચિપિયો ને ચપ્પુ લટકી રહ્યા હોય, શરીરે દોરીનું કસવાળું બદન ને ધૂંટણ પહોંચતી જાડી ધોતલી અને પગમાં ગામના મોચીના સીવ્યા ગામી ચામડાના, પિત્તળના બારીક જાળીકામવાળા વજનદાર અને ચાંચાળા જોડા પહેર્યા હોય અને ખભે મૂકેલી ડાંગના છેડે કાળો કામળો, કાતર અને બીજે છેડે દૂધ છાશની દોણીઓ અને ભાથું લટકાવી, નવજન્મ્યા લવારાને તેડીને ખાસ લહેકાભરી ઝોકમાં ચાલી જતો કોઈ હોય તો એ ગામનો આહીર.

ખુલ્લી હવા, નીતર્યાં પાણી, છાશ રોટલાનો સાદો ખોરાક, અપાર શક્તિ, લાલધૂમ ચહેરો, ડોક સુધી વાળના ઓડિયા, ઝૂમખીયાળી મૂછોનાં થોભિયાંવાળો કદાવર અને અણનમ આદમી દેખાવે જાણે ગુજરાતનો નહીં બલ્કે પંજાબ- અફઘાનિસ્તાન જેવા કોઈ પહાડી ને ઠંડા મુલકનો રહેવાસી હોય એવો લાગે. સ્વભાવ અને વાણીએ વિનમ્ર, ઓછાબોલો, જીભથી કહેવા કરતાં ઘ્વનિથી સૂચવવાની ટેવવાળો. એની કલ્પનાઓ, ઊર્મિઓ લાવણીમાં પ્રસન્નપણે પ્રગટ થાય છે. એના સીમાડાભેદી મઘુર ગીતલલકારને એણે લાવણી કહી છે. નારીનું રૂપસૌંદર્ય, એનાં લાડીલાં ઘેટાંબકરાં ને પ્રકૃતિપરાયણતા એ આ લાવણીના વિષયો બને છે. ક્યારેક ઠપકો પણ લાવણી દ્વારા જ અપાય છે ઃ

‘ખાટાં ખાટાં ખટૂમડાં ને મીઠાં લાગે બોર,
પેલા અબરામિયા (ગામ)ના મરી ગિયાં 
તે અઈં કેમ લાઈવા ઢોર’

લાવણી આમ કાઠિયાવાડી દૂહાની જેમ બે જ પંક્તિમાં બોલાય છે. બંને પંક્તિઓ ઉપમાભર્યો ને અર્થવાહી વિચાર રજૂ કરે છે. પ્રત્યેક લાવણીમાં એના ભોળા, મોજિલા સ્વભાવ અને કટાક્ષયુક્ત ને અર્થગંભીર વાણી તરી આવે છે. ઘેટાં બકરાં એને મન ગાયોના કિંમતી ધણ. એને ચરાવવા લઈ જતાં પાદરે ઊભો ઊભો તે લાવણીના સૂર રેલાવે છે.

ઘેરેઘેરેની ગાવલડી છૂટે, ને પાદરે ટોળે થાય,
જાતાં ચારું મોહી-ઝીંઝવો, ને આવતાં નાગરવેલ.
***
પાણી તો પાઉં નદી વાવનાં, 
ને બેસાડું વડલાની છાંય.
વડલાનો હીરો (શીતળ) લટી જીયો કે ગાવલડી હંકાર

કચ્છ-કાઠિયાવાડના રબારી, ભરવાડ ચા, બીડી ને ચલમના બંધાણી ખરા પણ દારૂ વગેરે પીતા નથી. દક્ષિણ ગુજરાતના ભરવાડ ગોવાળિયાઓ ખાટી મીઠી તાડીનો છાંટોપાણી કરી મોજમાં આવી જાય છે. તાડી એમનો પ્રેરણા પદાર્થ છે. લગ્નને ટાણે તેઓ તાડી પીને રંગમાં આવી જાય છે. હાથમાં ડાંગ લઈ આહીર-આહીરાણીઓ મંડપ હેઠ ઢોલ- શરણાઈના સૂરમાં લાવણી લલકારતાં સામસામા ઊંચા ને ઊભા ઠેકડા મારતા નાચે છે, એમ શ્રી મઘુભાઈ પટેલ નોંધે છે. વાંજિંત્રના અનહદ અવાજમાં વહેતી લાવણીના બોલ સંભળાય ન સંભળાય એમાં તીણી સીટીઓ પણ વગાડતા જાય. રાતદિવસ વગડામાં પડી રહેનારા ગોવાળિયાઓને આજ ઘરે રહેવાનો પ્રસંગ છે, અને તે પણ લગ્નમાં, એટલે અંતરની ઊર્મિઓ અહીં અવિરતપણે લાવણી દ્વારા ઠલવાય ઃ

પીંજી રૂની કરું પુણી રે, 
એની પુણી લાલગુલાલ,
કાંતને વારી ગોરી પતરી, 
હો વીજરી, લરી લરી લાખેે તરાઉ.

હાથે કાંતવાનો વ્યવસાય તો એમણે વર્ષોથી અપનાવ્યો છે. પતિ સીમમાં જાય અને તેની પાતળી ગોરી સુંદર લાલગુલાલરંગી ઊન પુણીને વીજળીની ચપળતાથી કાંતતી લળી લળી ત્રાક ભરે છે.

કાચા બાવરનો મારો રેંટિયો 
ને ખરાં લોઢાની તરાક,
કાંતને વારી ગોરી પતરી, 
હો વીજરી લરી લરી લાખે તરાક.

એક બાજુ લાવણી ગવાતી જાય. બીજી બાજુ બબ્બે જણ એકબીજાના ખભા પર હાથ મૂકીને પણ આવું ઊભું ને સીઘું નૃત્ય કરે છે. જમીનથી અદ્ધર ચારેક ફૂટ ઉંચા ઉછળી પાછળ પગની એડીઓ મારે છે. એમાં ખૂબ તાકાતની જરૂર પડે છે. (સૌરાષ્ટ્રનો મણિયારો રાસ પણ જમીનથી ઉંચી છલાંગો મારીને આ રીતે જોમ જુસ્સાથી રમાય છે) લાવણીની રંગત જામી જાય એટલે ‘રેંટિયાની રાણી’ને રંગીલો પરણ્યો પૂછે છે ઃ

પાતરી પોરી તો પતિયાં પાડે, 
ને અંબોડામાં આંટી,
ચાંદા સૂરજ સામે ઊભી રાખે, 
એમાં કિયો શોભે તારો માટી ?

સુંદર આંટીદાર અંબોડો અને પટિયાંવાળી રૂપરૂપના અંબારસમી ગોરીના સૌંદર્ય આગળ તો ચાંદો-સૂરજ બેય ઝાંખા પડી જાય છે. એ બેમાંથી એકેય એના માટી (વર) બનવાને લાયક નથી. ત્યારે હોંશિલી ગોવાલણી ગાય છે ઃ

ડુંગર ઉપર તો દવ બળે 
ને નદી કરે પોકાર,
બસેં ઘોડાની પક્ષા (હાર) બાંધી, મારો નાવલિયો અસવાર

અર્થાત્‌ ઃ મારા હૈયાના ડુંગર ઉપર જલતી આગમાં પ્રેમઝરણું સુકાઈ જશે તો જીવનસરિતાને રસહીન થાવું પડશે. એથી એ દાવાનળ બુઝાવવા બસેં ઘોડા (ઘેંટા)ની હાર દોરી લઈ મારો નાવલિયો આવી રહ્યો હશે !

નાચતાં થાકે એટલે અટકે ને બીજી લાવણી ગાય અને પછી નાચવા માંડે ઃ સાવરિયાનો સંઘાત શોધતી સલૂણી કહે છે ઃ

વાંદર કૂઈદો વાડીમાં ને 
હરણ કૂદી ઝાંપા બાર,
કાળી ઓઢી કામળી રે, 
આવી હું ઘરની બાર.

અર્થાત્‌ ઃ શિયાળાની શાંત શીતળ રાતે કોઈના પગરવથી ઝાડની ડાળીએ સૂતેલો વાંદર બીને નાસે છે. આંગણામાં આવેલા હરણાં ભયના માર્યા ઝાંપા બહાર ભાગી જાય છે. એ આગંતુક મારો નાવલિયો જ હશે એમ જાણી કાળી કામળી ઓઢી હરખભરી હું બારણા બહાર દોડી આવું છું. પણ ત્યાં તો કોઈ જણાતું નથી. શ્રી મઘુભાઈ પટેલ લખે છે કે આવી અનેક લાવણી લલકારી ગોપનારીઓ પોતાની જાતીય ક્ષુધા સંતોષે છે. આમ લાવણી સાથે આખી રાત નૃત્ય કરીને લગ્નની મજા માણે છે.

કાળજાના કટકા જેવા વહાલા પશુઓ સાથે ખુલ્લાં ખેતરો અને વનવગડે રાતદિ’ વાસો કરનારને પત્નીનો વિયોગ હંમેશા વિહ્વળ બનાવે છે, આકુળવ્યાકુળ બનાવે છે. તાજું આણું વળીને આવેલી વહુવારુના નાવલિયાની તો વાત જ ના પૂછશો. પશુ ને પત્ની આ બે પ્રેમપદાર્થો વચ્ચે ઝોલા ખાતાં જુવાન હૈયાંને પ્રકૃતિનો પ્રેમ સંતોષ લાધે છે. આમ પશુ, પ્રકૃતિ અને પત્નીના ત્રિવિધ માઘ્યમમાંથી જન્મી છે દક્ષિણ ગુજરાતના ગોવાળિયાઓની લાવણી અને જીવનની ફિલસૂફી. ત્રણ પંક્તિના સુરતી ખાંયણાંની જેમ જન્મી છે લાવણી. આજ લગી એવું જ મનાતું કે લાવણી એ મહારાષ્ટ્રનો ગીત, સંગીત અને નૃત્યનો જ પ્રકાર છે પણ હકીકતે એવું નથી. દ. ગુજરાતની ગોપસંસ્કૃતિમાં લાવણીનું લાવણ્ય સોળે કળાએ ખીલેલું જોઈ શકાય છે. માણી શકાય. લોકસાહિત્યના ઝેરિયાં, હોબેલા જેવા વણખેડ્યા અનેક પ્રકારો સંશોધકોને હજુ સાદ દઈ રહ્યા છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!