લાલજી મહારાજની વાણીથી અક્કડ રાજવી પણ પીગળી ગયો

મેથાડમ્બરે આકાશ ગોરંભાયુ છે. કાળા ડીબાંગ વાદળા તોળાય રહ્યા છે. ફંગોળાતા પવનના ઝપાટે વાદળા વિખુટા પડે છે. તે પળે અંબરને ચંદરવે તે વખતે કોઇ જોગી જોગંદરના તપતા ઘૂણામાંથી ઉડતા તણખા જેવા તારાના ચમકારા ઉઠે છે. વળી પાછા આંકડા ભીડતી વાદળીઓમાં ઢંકાય જાય છે. વિજળીના વળાંકા અવનીને છબીને પાછા આભને આંબીલે છે. વૃક્ષોની ઘેઘુર ઘટાઓમાંથી સરતા મોરના ટહુકાથી સુનો વગડો છલકાય રહ્યો છે.

એવે વખતે સલાયાના સંત લાલજી મહારાજ પોતાની ભક્ત મંડળી સાથે સમીનો સીમાડો છાંડીને રાધનપુરના પંથે પર હરિ રહ્યાં છે. તેમના પૂનિત પગલે પૃથ્વીનો પટ્ટો જાણે પૂલકિત થઇ રહ્યો છે. સૌની નજર ઘડીએ ઘડીએ આભ માથે મંડાતી રહે છે ને ઉરમા ઉચાટ ભરતી રહે છે રાધનપુર પુગ્યુ કેમ પુગાશે ? એવી મનની મથામણે મુંજવણ અનુભવી રહ્યા છે ત્યારે

લાલજી મહારાજ દ્રઢ મનોબળે મક્કમ પગલે પંથ કાપી રહ્યા છે. તેમને કોઇ વલોપાત નથી. કોઇ ભય નથી કોઇ વેદના નથી કારણ કે તપ – જપ અને સયંમની ઉગ્ર સાધના દ્વારા પ્રકાંડ પ્રજ્ઞાા પ્રગટ કરી છે પરમતત્વને પામવા જેમણે ઘટમાં ઘુંટી ઘુંટીને ભક્તિ ભાવને ઘેરો કરી લીધો છે. એવા સંતને પગલે ભક્ત મંડળી પરહરિ રહી છે.

રાજસ્થાનમાં અવતરીને ગુજરાતની ભોમકાને ભીંજવતીને કચ્છનારણમાં સમાધિ લેતી બેકાંઠે વહેતી બનાસ સરિતાને કાંઠે સૌના પગ થંભ્યા. નદીનુ રૂપ જોઇને ભગત કરસનદાસ વધ્યા.

‘કોઇ ગામમાં રાતવાસો કરીએ એવી મંડળીની ઇચ્છા છે.’
‘કેમ બનાસની બીક લાગી ?’
‘ના પણ…’ કહેતા ભગત કરનદાસ અટકી ગયા એટલે મહારાજે કહ્યું.

આપણે આજે રાધનપુર પુગવાનુ જ છે. એ વાત નક્કી જાણજો.
પણે આ નદી ઉપરવાસના વરસાદના પાણીને હિલોળે ચઢાવતી વહી રહી છે.
‘વરસાદ વરસાદનું કામ કરે નદી નદીનો ધર્મ બજાવે આપણે આપણ કામ કરવાનું. મહારાજની વાણી સાંભળી સૌ ચૂપ થઇ ગયા. એટલી વારે સાંબેલાધારે પાણીના જાણે કે પરનાળા મુકામ ગયા સરિતા ધીરે ધીરે રૂદ્રરૂપ ધારણ કરવા માંડી હોય એવું સૌએ નજરે નિહાળ્યું.

મંડળી મુંજાણી પાછા વળાય એવું કે નથી નદી પાર કરાય એવું નથી જોઇને ગોપાળદાસજી બોલ્યા ‘રસ્તામાં આવેલા ગામમાં રાતવાસો કર્યો હોત તો આ વખત ન આવત’ ગોપાળદાસની વાત કાને ધરીને મહારાજે વળતો ઉત્તર દીધો.

‘ડોળા પાણીને કારણે તમને એવો ભાસ થતો લાગે છે પાણી ધીરે ધીરે વધે એ પેલા આપણે નદી પાર કરી જઇએ.’

‘એરે! મહારાજ આ નદીનો ઘુઘવાટ તો સાંભળો લોઢ મારતા પાણીનો પ્રવાહ બે કાઠે છાલકું નાખશે. એમા આપણું શું થાશે ? ‘

‘એવો વિચાર સાધુને ન પાલવે ધર્મ પ્રચાર કરતો બનાસ તાણી જાય તો આપણુ તો કલ્યાણ જ સમજવું.’

પણ મહારાજ….

‘અરે ભાઇ પણને બણ ઉપાડો પગ આપણે પાછળ કોણ પોક મુકનારા છે ?’

‘આપણા ભક્તો’

તે આપણી ભક્તિમાં ભરોસો મુકીને આવી રહ્યા છે એટલે જ આપણે ભગવાન પર ભરોંસો રાખીને રાધનપુર પુગવાનું છે. આપણે ભગવાન પર ભરોસો ન હોય તો ભક્તોને શું ભરોસો બંધાવવાનો.

‘ભલે મહારાજ અમે આપને પગલે પાણી પાર કરીશું.’

‘તો ચાલો જેને ભરોસો ન હોય એ ખુશીથી પાછાવળો બાકીના ભેળા હાલો.’

એટલું વદીને મહાજાજે બનાસના શેલારા દેતા સેંજળ પાણીમાં પગ મુક્યો પાછળ હરિ ભક્તો હાલ્યા. ત્યાં તો સામે કાંઠે પાણી ઉતરવાની રાહ જોનારાઓની રાડ સંભળાણી ઉતરશો નહિ ઉતરશો નહિ બોલત સૌ ફાંટી આંખે ભક્ત મંડળીને અધ્ધશ્વાસે જોઇ રહ્યા સૌને લાગ્યુ કે મંડળી નક્કી મરવાની થઇ છે. પણ જોનારા જોતા રહ્યાને સંત મંડળી હેમ ખેંમ કાંઠે પુગી ગઇ ત્યારે સૌ તાજુબીથી મંડળીને માથે મીટ માંડીને જોઇ રહ્યાં.
કોઇએ પુછ્યું.

‘ક્યાં પધારવું છે ?’

‘આજ તો રાધનપુર પછી ભગવાન જ્યાં લઇ જાય ત્યાં.’

‘અરે મહારાજ ખોટો દાખડો કરીને નદી પાર કરી.’

‘કેમ ભાઇ,’ પૂછતા મહારાજે નિરમળ નેત્રો નોંધીને કારણ માંગ્યું.

કોઇએ નવાબની કાન ભંભેરણી કરી હોય એવી વાતુ થાય છે કે લાલજી મહારાજ સમી આવેલા છે ને રાધનપુર આવવાનું પરિયાણ કરે છે તે સાધુ ચમત્કારી છે માટે રાધનપુરમાં પગ મુકવા ન દેવો ને નવાબના ફરમાનથી દરવાજાના  ડેલા દેવાય ગયા છે. ભોગળ ભીડાય ગયા છે. ચોકી પહેરા ખડે પગે ઉભા છે.

વાત સાંભળી કરૂણાના સાગર જેવા મહારાજ બોલ્યા. આમ વાત હોય તો મારે રાધનપુરના ભીડેલા ભોગળ ઉઘડાવવા પડે તે નવાબનોે મો મેળાપ કરવો પડે.’
મહારાજે પગ ઉપાડયો ને પાછળ મંડળી અને લોક બધુ હાલ્યું.

મંડળીમાંથી કોઇ બોલ્યુ દરવાજા બંધ છે. તો કહેવત જેવું થાશે. ‘હીરો ઘોઘે જઇ આવ્યો ને ડેલે હાથ દઇ આવ્યો.’

દરવાજા તો કાળીઓ ઠાકર જનમ્યો ત્યારેય મુથુરાના કારાગારના  બંધ હતા તે ઉઘડી ગયા એજ ઠાકર આજ આપણી ભેળો છે. એટલું જાણી લ્યો.

વાદળા વિખરાય ગયા આભ ઉઘાડુ થઇ ગયું છે. પૂર્ણીમાંનો સિતાંષુ સુધા વરસાવી રહ્યો છે. તેમા રાધનપુરના કોટ કિલ્લાના કાંગરા તરબોળ થઇ રહ્યાં છે. મહારાજે તોતીંગ દરવાજાને હડસેલો માર્યો જો કે ચઢેલા દરવાને દરવાજાના ભોગળ ઉઘાડી નાંખ્યા પેહેરેગિરને સુરતા રહી નહિ. મંડળીએ ગામના ચોકમાં પુગીને ધૂન બોલાવી કોઇએ નવાબ સાહેબને ખબર દીધા કે લાલજી મહારાજ તો ભીડેલા દરવાજા ઉઘાડી નગરમાં દાખલ થઇ ગયા છે. વિચાવંત રાજવી તાજુબ..તાજુબના પોકાર પાડી રહ્યો.

ગામ લોકોએ મહારાજનું સામૈયું કરી મંદિરમાં ઉતારો દીધો.

બીજો દિવસ મહારાજે લોકોને ઉપદેશ આપતી વાણી સંભળાવવા સત્સંગ સભા ભરી તેમાં ભેદની ભીંત્યુ ભાંગતી વાણીની અસર અઢારેય આલમના લોકોને છબી ગઇ.

બાબીવંશનો બહાદુર અને બુદ્ધિશાળી નવાબ જોરાવર ખાનજી લાલજી મહારાજના વચન પ્રવચનના વેણે વેણની માહિતી મેળવીને મનોમન મંથન કરતા હતા. સર્વ સમાજનો સર્વ ધર્મ સંપ્રદાયનો ઉરના ઊંડાણથી આદરકરનાર ભક્તની ભક્તિની ભભક ભીંજવી રહી એક દિવસને બે દિવસ ત્રીજે દિવસે કહેણ મોકલ્યું કે રાધનપુરનો રાજવી પંડયે તમને મળવા માંગે છે.

‘ભલે આવે રાજનો ધણી છે રાજામાં ઇશ્વર અને અલ્લાનો અંશ હોય છે.

ત્યાં તો જોરાવનખાનજી છડી સવારીએ આવી પુગ્યા મહારાજના ચરણોમાં ભેટ ધરી બોલ્યા મેં કોઇના દોરવ્યા દોરવાય જઇને દરવાજા બંધ કરાવ્યા હતા એ મારી ભૂલ હતી. મહારાજ કંઇ ઉપદેશ આપો. અમી ભરી આંખ માંડીને વેણ વધ્યા.

જ્યાં સંપ હોય ત્યાં સંપતિ આવે છે. જ્યાં કુસંપ હોય ત્યાં વિપત્તિ આવે છે અન્નદાનએ મહાદાન છે. દીન દુઃખી સાધુ સંત ફકીર ભૂખ્યો ન રહેએ જોવાનો રાજાનો ધર્મ છે તે તમારે પાળવો. નવાબ જોરાવરખાનજીએ તેમની જગ્યા માટે વર્ષાસન બાંધી આપ્યું કોઇ ભેદ ભાવ વગર રાધનપુરમાં સદાવ્રત શરૂ કરાવ્યું.
રાધનપુરથી વિદાય લઇ સંત મંડળી પાટણને પંથ પડી. સાયલાની જગ્યામાં આજે પણ લાલજી મહારાજની જગ્યામાં ગાદીપતિ દુર્ગાદાસજી મહારાજ જગ્યાની પરંપરાને નિષ્ઠાપુર્વક જાળવી હરીહરનો સાદ પડાવે છે.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!