મકરનો ચંદ્ર અવની ૫ર અમરત વરસાવી રહ્યો છે ભોમકા ચાંદીને પતરે મઢાયને વિસ્તરતી હોય એવું રુપ બંધાય ગયું છે. ચિળો સમીર વૃક્ષોમાં સંતાકુકડી રમી રહયો છે. મધરાતનો ગજ્જર ભાંગુ ભાંગુ થઈ રહયો છે. ગામના ચોકમાં બંધાયેલા સમિયાણામાં ભજનની ઠોર બોલી રહી છે. હરિનામની હેલીમાં હૈયા હિલોળે ચઢયા છે.
વાત એમ બની છે કે સાયલાના સંત લાલજી મહારાજ ખુદની પધરામણી ભાયલી ગામના થઈ છે. વાળુ પાણીથી પરવારીને લાલજી મહારાજની મંડળી ઝાંજઝ પખાજ અને કરતાલના સુર રેલાવી રહયા છે. આખુ ગામ જાણ્યે ભક્તિ રસમાં ભીંજાઈ રહયું છે. સૌની સુરતા સંત લાલજી મહારાજના સરતા સુર સાથે સંધાઈ રહી છે.
એવે ટાણે ગામના પાદરમાં ઘોડાના ડાબા થંભ્યા. અસવારે કાન માંડયા ગામના ચોકમાંથી ભજનના બોલ સંભળાણાને અસવારનો મીજાજ સાતમા આસમાને આંબુ આંબુ થઈ રહયો જેની હાંક ડાક અડખે પડખેના ગામડામાં વાગતી હતી જેની જોરાવરી પોતેથી જોટો જડે એમ નહોતો એવા બેચર મોતીની આંખમાંથી ખન ખન.. અંગારા જરવા લાગ્યા. તેનાથી આ ભજન ખમ્યા ખમાણા નહીં. ઘોડાને હાંક્યો ગામના ચોકમાં સમિયાણા સામે ઘોડાનું ચોકડુ ડોંચી પેંગડામાંથી પગ છાંડી હેઠે ઉતરી ખંભેથી બે નાળી બંધુક સમિયાણા ડગ દઈ ત્રાડ નાંખી એ ભગતડાઓ આ તાહીરો બંધ કરો નકર આ સગી નહીં થાય. એટલું બોલીને બંદુકનું નાળચું તાકયું. ભાયલા ગામના ભાવિકોના છાતીના પાટીઆ ભીંસાવા લાગ્યા. કેટલાકના કાળજા કંપવા લાગ્યા. કરડા અને કદાવર બેચર મોતીના યુધ્ધના કાતરા રંગરંગ રહયા છે. ધુંવા પુંવા થયેલા જણની આંખના ડોળા લાલઘુમ થઈ રહયા છે. આવુ રૃપ જોઈને બેચર મોતીને ઓળખનારા પારેવાની જેમ ફફડી રહયા.
પણ લાલજી મહારાજની મંડળીએ ઉપાડેલા ભજનના બોલ રમતા રહયા દોકડ પર થાપી પડતી રહી. એકતારો રમરમતો રહયો. મહારાજની મંડળીના સેવકોના ગળાના સુર ગુંજતો રહયો. મહારાજ સ્થિત પ્રજ્ઞાુ થઈ નિમર્ળ નયને બેચર મોતીનો તાલ નિરખતાં રહયા. બેચર મોતીના પડકારને કોઈએ કાને ધર્યો નહીં એટલે ફરીને ડારો દેતા બોલ્યો.
કઉછુ બંધ કરો નકર આટલી વાર લાગશે.. એનોય ઉત્તર મળ્યો નહીં. એટલે બે નાળીનો ઘોડો ચડાવી નાળચુ નોંધી ભડાકો કરવા ઘોડા પછાડવા આંગળી દાબી પણ ઘોડો પડયો નહીં. બીજી નાળનો ઘોડો ચડાવ્યો પણ એય પડયો નહીં. બેચર મોતીને અંગે પરસેવો છુટી ગયો. એને કાંઈ સમજાયું નહીં. આ અચરજ શેનું છે. મહારાજ વધ્યા ભાઈ બેચર! દાખડો મુકી હરિને શરણે આવો તમારી બંદુકડી ઠરી ગઈ છે. ચઢેલા ઘોડા પડશે નહીં.
બેચરે મહારાજ સામે નજર નોંધી એક પળમાં એનો પ્રભાવ અને પ્રતાપ પરખાય ગયો. બેચર મોતીએ બે નાળી મહારાજના ચરણમાં મુકી. બન્ને ભડાકા આપોઆપ થઈ ગયા. બેચર મોતીએ મહારાજે કંઠી બાંધી તેને પાપને રસ્તેથી પાછો વાળી પરગણાને એના ભયમાંથી માકળુ કરાવી સવારે વળી નિકળ્યા.
વધુ માહિતી- આ પુનિતધામ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ગામે છે. જયા સદાવ્રત ચાલે છે. અન્ન અને ઓટલો આપનાર આ જગ્યા હજારો માણસોનું ક્ષૃધ્ધા સંતોષે છે. દરરોજ બપોર-સાંજ હરિહરનો સાદ પડે છે. ઈસ ૧૯૬૯ના વર્ષમાં અતિવૃષ્ટીના કારણે અમદાવાદ આવાનો રસ્તો ધોવાઈ જતાં મારે જગ્યામાં રોકાવાનું થયું. ત્યારે મહંતપદે પૂ.મયારામદાસજી મહારાજ બિરાજમાન હતા. અતિવૃષ્ટીને કારણે રસોડે હજારો માણસો જમવાના હતા. ભેદ ભાવ વગર અઢારેય આલમને ભોજન પીરસાતું મેં નિરખેલું. હાલ આ ગાદી પર દુર્ગાદાસજી બીરાજે છે.
ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ
જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો