લોકવાણીનાં ઘરેણાં સમા કૃષિસંસ્કૃતિના તળપદા શબ્દો અને કહેવતોની અજાણી વાતો

આજે ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડના ગામડાનું લોકજીવન યંત્રયુગની આંધીમાં ઉડાઉડ કરવા માંડયું છે. ભૌતિક સવલતોમાં આળોટવા માંડયું છે. પરિણામે ગામડાંની મૂળ સંસ્કૃતિ આથમવા માંડી છે. આપણે એને વિકાસના રૂપાળા નામે ઓળખીએ છીએ. કૃષિક્રાંતિનો આરંભ થતાં ટ્રેકટરો આવ્યાં. ગામડાંમાંથી સાંતી, ગાડાં ને બળદો ગયાં. એની સાથે પંડય, પશુ અને ઘરના શણગારો અદ્રશ્ય થયા. ખેતર અને ખેતી સાથે સંકળાયેલા લોકબોલીના તળપદા શબ્દો ય ગયા. ભાષાના અને ધરતીના ઘરેણાં જેવા વિસરાઇ ગયેલા કૃષિ આનુષંગિક લોકબોલીના શબ્દને અહીં ઉઘાડવાનો આજે ઉપક્રમ છે. જમીનો સાથે જોડાયેલા શબ્દો તો જુઓ ઃ

મશીનો આજે ભખભખ કરવા મંડાણાં, પણ સૌરાષ્ટ્રમાં જૂનાકાળે વાડિયા ગામોમાં ખેડૂતો કૂવા પર મંડાણ માંડી કોશ હાંકી વાડીયુંમાં પાણી પાતાં. આ કોશ પહેલાં તો ભેંસના ચામડામાંથી બનતા પછી લોખંડનાં જાડાં પતરામાંથી બનવા માંડયા. એની સૂંઢ તો ચામડાથી બનતી.

કોશના માથે ‘વરત’ જાડું રાઢવું અને ચામડાની સૂંઢ સાથે વરતડી-પાતળું દોરડું રહેતું. કોશે બે બળદો જોડાતા. તરેલું બળદની ડોકમાં રહેતું. કોશ માટેના મંડાણ અર્થાત્ ટોડા ઉપર ‘ગરેડી’ રહેતી. એક ગરગડી નીચે રહેતી. તેના ઉપર ‘વરત’ અને ‘વરતડી’ ચાલતા. કોશનું પાણી ‘થાળા’માં ઠલવાતું. થાળામાંથી ‘કૂંડી’માં જતું અને કૂંડામાંથી ‘ધોરિયે’ ચડીને ક્યારામાં જતું. ‘પાણિતાણિયો’ દાડિયો ક્યારામાં પાણી વાળતો. નવાગઢ જિ. રાજકોટના ખેડૂત-લેખક નારણભાઈ કે. પટેલ આવા શબ્દોની નોંધ આપે છે.

જે ખેતરમાં કે વાડીમાં કૂવો હોય તે જમીનને ‘વાડીપડુ‘ કે વાડિયું ખેતર કહેતા. તેમાં કૂવાનું પાણી સીંચીને બારે માસ ખેતી થતી. કૂવા વિનાની જમીનને ખેતર કહેતા. ખેતરમાં માત્ર ચોમાસાના વરસાદથી જ ખેતી થાય. ભાલિયા કાઠા ઘઉંની ખેતી આ રીતે જ થાય છે. આને ‘આસિયા’ ઘઉં પણ કહે છે. કહેવાય છે કે એક વિદેશી બાઈએ ભારતમાં આવીને ભાલના દાઉદખાની ઘઉંના પ્રયોગથી કેન્સરને પણ મહાત કર્યું હતું. જયાં વરસાદી ખેતી જ થતી હોય તે જમીન ‘ખારેજ‘ કહેવાય છે. આ જમીનમાં જે મોલ ઊગે તેને ‘રામમોલ‘ કહે છે.

વાડીનો કૂવો પચ્ચીસથી ત્રીસ હાથ ઉંડો હોય છે. તેમાં જુદી જુદી દિશાઓમાંથી પાણીના ‘આવરા’ આવે છે. ‘છીછરો’ કૂવો હોય તેને ‘બૂટયું‘ કહે છે. જે જમીન વાવ્યા વગરની પડી રહે તેને ‘ગઢાણ‘ કે ‘પડતર‘ કહે છે. અન્ય પ્રકારો જોઈએ તો સાવ કાળી-ઢેફાંવાળી જમીન ‘કરાળ‘, કાળી-ધોળી માટીવાળી મિશ્રિત જમીન ‘ચુનખડ‘, રેતીવાળી જમીન ‘વાલસર‘- રેતાળ, ચીકાશ વગરની જમીન ‘રેસવટ‘, કઠણ જમીન ‘કરલ‘, મીઠું જામેલી જમીન ‘ખારસ‘ કે ખારોપાટ, ઢાળવાળી જમીન ‘ઉતરવટ‘, ધોવાણ થાય તેવી જમીન ‘ધુ્રફણ‘, પાણી ભરેલી જમીન ‘ઉપલવટ‘ કે ‘ભરત’ જમીન તરીકે ઓળખાય છે.

આવી જમીનમાં જુવાર, બાજરો, બાજરી, ઘઉં, ચણા, તલ-તલી, મકાઇ વગેરે પાકો લેવાય છે. જુવાર-બાજરાના ફાલને ‘ડુંડા‘ અને ઘઉંના ફાલને ડૂંડી અથવા ઉંબી, ચણાના ફાલને ‘પોપટા‘, કપાસના ફાલને ‘જીંડવા‘, જુવારના ચડેલ અનાજને ‘ડુંડા‘ કે કણસલાં તરીકે ખેડૂતો ઓળખે છે.

સૌરાષ્ટ્રના વાડિયા ગામના ખેડૂતો આજેય શેરડીના વાઢ કરી શેરડી પીલીને ‘ગઢિયા‘ દેશી ગોળની ‘ભેલિયું‘ પાડે છે. આવો ‘વાઢ‘ ભરડાય ત્યારે જયાં શેરડીના ક્યારા કરે તે જમીનને ‘પાટ‘ કહેવાય છે. ‘ચિચોડા’માં શેરડી પિલાતી (એકાળે મશીનો નહોતાં). ગોળ બનાવનાર માણસોની મંડળીના માણસો જુદા જુદા નામે – ઓળખાતા. ચિચોડામાં શેરડી નાખનાર માણસને ‘ભોરિયો’, ગોળ પકવનારને ‘ગળાવો’, ચૂલમાં લાકડાં ઓરનારને ‘ભાડવાળો’, શેરડી પીલનારને ‘પિલાવો’, પીલેલ શેરડીના કૂઆ બહાર કાઢનારને ‘કૂચિયો’, શેરડીના કટકા કરે તેને ‘ફાંસીઓ’, શેરડીના આગળાં કાપનારને ‘આગળિયો’ કહેતા.

આજે ખેતી માટે યાંત્રિક ઓજારો આવતાં જૂના ઓજારો ભૂલાવા માંડયાં છે. જૂના ઓજારો ને સાધનો જુઓ ઃ કોસ, કોદાળી, ત્રીકમ, પાવડો, ખંપાળી, ઘોડી, સૂંડલો, ડાલું, સૂંડલી, માણું, ગાડું, ઓરણી-ડાંડવા, ખાતરણી, રાસ, રાંઢવું, છીંકલી, પરોણો-પરોણી, ખરપિયો, દંતાળ, હળ, બગડો, કળિયું, સાટો, દાતરડું, દાતરડી, કુહાડી, ગોફણ, ઢીંગલી, રાંપ-રાંપડી, સૂંપડું, ગાડાના ભાગો, ડાગળી, પૈડાં ધરો, પોખાની ઊંટડો, ઉધ્ય, નાડુ, જોંહરું, જોતર, ઠાઠિયું, છીંકું, ભંડકિયું ઈત્યાદિ.

મારા બાપુ રજવાડાઓના વખતની વાતું ઉખાળે ત્યારે ઘણીવાર એ કાળના વિચિત્ર કરવેરાની વાતુંય કહેતા ઃ એ કાળે ખેડૂઓ પાસે સાંતીવેરો, ઉપનીવેરો વાડીવેરો, વીઘાવેરો, ડગલી વેરો, કુંવરપછેડો, પાણીવેરો, પૈડાં વેરો, ઉચકાવેરો, સમરીવેરો, પૂંછીવેરો અને ઉભડવેરો રાજ તરફથી લેવાતો. પૂંછડીવેરો એટલે ખેડૂત પાસે જેટલા ઢોરઢાંખર હોય તેનાં પૂંછડાદીઠ વેરો લેવાતો. ઉભડવેરો ખેતી ન કરનાર ઉભડ લોકોએ ભરવો પડતો. ખેડૂતની ખેતીની પેદાશ આવે ત્યારે સરકારી વેરો લેવાતો તેને ‘વજેભાગ‘ કહેતા. ગામને પાદર જયાં ખેતીની પેદાશ ભેગી કરાતી તેને ‘માખળ‘ કે- ‘ખળાવાડ‘ કહેતા. રાજભાગ આપ્યા પછી જે અનાજ વધે તેને ‘ગંજવધારો‘ કહેતા. આ ગંજ વધારામાંથી ગામના વસવાયા ખેડૂત પાસે ‘આવત‘ ના દાણા માગવા આવતા. તેમના માટે જે ભાગ કાઢવામાં આવે એને ‘પડધરો‘ અર્થાત્ ‘મજમુ’ કહેતા. સદાવ્રતી એટલે સાધુ-બાવા- ફકીર- પૂજારી માગવા આવતા તેને ‘ખોળો‘ કહેતા. સરકારી જમીનમાં ગામના ઢોર ચરાવ્યા હોય તેની ‘પાનચરાઇ‘ આપવી પડતી.

શેઢાની તકરાર હોય ત્યારે ખેડૂતો જમીનની માપણી કરાવતા. સાંકળ લઈને ખેતરના વિઘા માપી આપનાર ‘જરિફ‘ કે ‘જેવડિયો‘, જેવડિયાની દોરી ઝાલી પાછળ પાછળ ફરનારને ‘પૂંછડિયો‘ અને સિમાડા પર કે ખેતરના શેઢે ચુનાકસી-પથ્થરની નિશાની ખોડનારને ‘દડીઓ‘ કહેવામાં આવતો. લોકસંસ્કૃતિપ્રેમી શ્રી રમેશ ગોંડલિયા ‘સંગત’ સામયિકમાં પશુ-રહેઠાણ અને ચારા સાથે જોડાયેલા શબ્દો નોંધે છે ઃ ઢોર, ગમાણ, કોઢય, ખીલો, ઓગઠ, દાબો, ઉથરેટી, દૂઝણું, પાંકડું, ઓડકી, પાડટુ, ફરજો, ઢાળિયું, વંડો, વાડો, કુંડી, ડોબું, ખડલી, બોધરુ, દોહવું, નીંદવું, ખીરું, પાટુ, ભામ, વાસીદુ, પોદળો, પહરજાવું, ઉથલો, ચરિયાણ, બીડ, ભરોટિયું, ભારો, ગાંહડી, કાલર, ભરોટું, ગંજી, પાથરો, પૂળો, ઓઘા, શેરવું, તણખિયો, કંબોડી ઇત્યાદિ.

તે દિ’ વાડિયા ગામોના ખાનપાનની પણ એવી મજા હતી. જેતપુર પાસે આવેલા નવા ગામના રામાયણપ્રેમી સ્વ. કેશવબાપા નામના કણબી પટેલ નવો સાથી રાખે ત્યારે સવારમાં કાંસાની અડધી તાંસળી ઘીથી ભરી મંઈ ગોળ નાખી રોટલાનો થપ્પો સાથીને આપીને ખાઇ જવાનું કહેતા. જો આવનારો સાથી ઘી-ગોળ- રોટલાનું આટલું શિરામણ ખૂટવાડી જાય તો જ તેને બાર મહિના સાથી તરીકે રાખતા. એનું કારણ એ હતું કે ખેતીનું કામ બહુ આકરુ ગણાતું. આજના ચા-રોટલી ખાવાવાળા દાડિયા આ કામ ન કરી શકે. આ દેશી ખાણું બપોર થાતાં થાતાંમાં તો પચી જતું. ખેડૂતો બપોરા કરવા બેસે. વાડીના ફેડા દીમની નજર તાકયે રાખે કે ‘ભથવારી’ ભાતનું તબડકું ભરીને આવે છે કે નઇં ? જ્યારે ભાતું આવી જાય ત્યારે સૌ પાણીના ધોરિયે હાથ-પગ ધોઈ લીંબડાનો કે આંબાનો છાંયો ગોતે, ભાતમાં આવેલું શાક જો કોઈને પસંદ ન પડે તો ઊભો થઈને રીંગણીના ક્યારામાં જઈ હાથએકનું રીંગણું તોડી મંગાળો કરી તેમાં રીંગણું શેકી નાખે. ભેગા પાંચ-દસ મરચાં શેકી નાખે ને રીંગણાનો ઓળો તૈયાર કરી બાજરાના રોટલા સાથે ઝાપટવા માંડે. સાથે છાલિયાંમાંથી છાશના ઘૂંટડા ભરતા જાય. ખેતરના ખોળે થતું આ ‘વન ભોજન’ માનવીને સ્વર્ગીય સુખ આપનારું ગણાય છે. પણ ભાઈ, આ બધી તો ભૂતકાળની વાત થઇ ગઈ. જૂની સંસ્કૃતિ ઝડપથી આપણા હાથમાંથી સરી રહી છે. માત્ર હાથમાં રહી ગઈ છે કૃષિ સંસ્કૃતિએ આપેલી થોડીક કહેવતો ઃ

૧. ખેતી કરવી હોય તો રાખવું ગાડું ને લડાઈ કરવી હોય તો બોલવું આડું

૨. કરમહીણો ખેતી કરે, કાં બળદ મરે, કાં દુકાળ પડે.

૩. ખેડ, ખાતર ને પાણી
સમૃદ્ધિ લાવે તાણી

૪. ખેડૂત ખેતરે ને શેઠ પેઢીએ

૫. ખેડૂત થાકે, જમીન નહીં થાકે

૬. ખેતરમાં ન બાંધવો પાળો
ને ઘરમાં ન ઘાલવો સાળો.

૭. ખેતર રાખે વાડને તો વાડય રાખે ખેતરને.

૮. આભ રાતો તો કણબી માતો
આભ ગુગળો તો કણબી દુબળો

૯. દી’વાળે દીકરા કાં ધોરિ કાં ધરા
કૈંક વ્રણ (કપાસ)ના જીંડવાં, નઈં તો ઝાકળિયાં (તલ) તો ખરા.

૧૦. ખેડ થાય ઘાસે જો ધણી ન હોય પાસે

૧૧. ખેતર વચ્ચે રાઇ ને વંઠે ઘેર આવ્યો જમાઈ

૧૨. ખેતર વચ્ચે ખાડી ને લાડ ચડાવ્યો હાળી

૧૩. ખેતર તેવાં વેતર

૧૪. ખેતર ખેડો કે ન ખેડો, ભોંયભાડું તો આપવું પડે.

૧૫. ખેતર વાળે તેવાં વેતર

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!