નારી, કેરી ને આંબલી દીઠતાવેંત જ માણસની દાઢ ગળવા માંડે છે

ગોપ સંસ્કૃતિના વારસદાર સૌરાષ્ટ્રના ભરવાડો તરણેતરીઆ મેળામાં કે ગોકળ આઠમના વારપરબે હુડારાસ રમતા ગાય છે:

સોનાની સાંકળે બાંધ્યો હિંચોળો આંબાની ડાળ
રૂપાનાં કડાં ચાર વા’લો મારો હીંચકે રે આંબાની ડાળ.

ગોપીઓના હૈડાંના હાર જેવા કાનુડા શ્રીકૃષ્ણનો હીંચકો કંઇ કડવાવખ લીમડાની ડાળ્યે થોડો જ બંધાય ? એ તો આંબાની ડાળ્યે જ બંધાય ને ! આ આંબો દર વર્ષે અઢળક કેરીઓ આપે છે. ફળોના રાજા ગણાતી કેરી ભારતવર્ષનું અમૃતફળ છે. એને વૈજ્ઞાનિક ભાષામાં મેંગી ફેરા ઇન્ડીકા, તમીલ ભાષામાં જોન્ગાઈ, મલયાલમમાં માન્ના, હિંદીમાં આમ અને ગુજરાતીમાં કેરી તરીકે ઓળખવામાં આવે છે.

કેરી શબ્દના ગુજરાતી અર્થોય કેટકેટલા સાંપડે છે ! જુઓ: ૧. કાનમાં પહેરવાનો કાંપનો કેરીવાળો ભાગ, ૨. ગળામાં પહેરવાના ફૂલહારનો એક ભાગ. ૩. કેર વરતાવનાર માણસ. ૪ બૂમરાટો-મોટો અવાજ. ૫. આંખમાંનો ધોળો કેરીઘાટનો ભાગ. ૬. ગાય ભેંસ અથવા અશ્વની આંખની કેરી આકારની ધોળી કીકી. ૭. વ્રણ-કપાસનું લીલું જીંડવું. અહીં કેરીનો અર્થ આમ્રફળ અભિપ્રેત છે. કેરી ‘લોક’નું માનીતું ફળ હોવાથી લોકવારતાઓ, લોકગીતો, ખાંયણાં, ઉખાણાં, જોડકણાં, સમસ્યા, દૂહા અને કહેવતોમાં સ્થાન અને માનપાન પામી છે. આજે કેરીઓના મૂળ, કુળની થોડી વાતું ઉજાગર કરવી છે.

શિયાળાની સૂસવતી ટાઢને વિદાય લેવાની વેળા થાય ન થાય ત્યાં તો ધરતી માથે વાસંતી વાયરો વહેવા માંડે છે. આંબાવાડિયાં આમ્રમંજરીઓથી મહોરી ઊઠે છે. બાર બાર મહિનાથી મોઢાં સીવીને બેઠેલી કોયલો આમ્રઘટામાં સંતાઈને મધુર ટૌકા કરતી કહે છે ઃ ‘કેરીઓની મદમસ્ત મૌસમ આવી રહી છે.’ કેરી માનવીમાત્રનું માનીતું ફળ હોવા છતાં ગામમોર્ય કેરીઓ ખાવાનો પ્રારંભ જૈન વાણિયાઓ કરે છે. મારાવા’લા મોંઘા ભાવની કેરીઓ તો લાવે પણ કસેય એવો કાઢે. ભાઈ પાકલ કેરીઓને ઘોળીને રસ કાઢે. બાઈ ગોટલા-છોતરાં ધોઈને એનો ફજેતો કઢી કરે. પછી ગોટલાને તડકે સૂકવે એમાંથી ગોટલી કાઢી કાપીને કટકા કરી ઘીમાં સાંતળી માથે સિંધાલૂણ અને સંચળ ચડાવીને મુખવાસ પણ બનાવે. બોલો, દુનિયાની કોઈ પ્રજા કરકસરનો આવો ગુણ ધરાવે છે ?

સૌરાષ્ટ્રના લોકસાહિત્યનો ઇસ્કોતરો ઉઘાડીએ તો લોકજીભે રમતી કેરીઓની કેટલીબધી કહેવતો મળે છે ! આ કહેવતો અભણ જ નઇં પણ ભણેલાઓનેય આરોગ્યશાસ્ત્ર સમજાવે એવી. જુઓ ઃ

નારી કેરી આંબલી, દીઠે દાઢ ગળે
અતીશે સેવન કરે એની જુવાની ધૂળે મળે.

રૂપની રૂડી પદ્મણિ જેવી નારી, આંબા માથે પાકેલી શાખની કેરી અને પેટમાં આંબલિયા સંઘરીને બેઠેલી આંબલી એને જોતાંની સાથે જ ભલભલા માણસની દાઢ ગળે છે. એના મોંમાં પાણી છૂટે છે. કહેવત કહે છે, આ ત્રણેયનો ઉપયોગ વિવેકપુરઃસર કરવો જોઇએ. અતિશય ઉપયોગ કરનારની યુવાની ધૂળમાં મળે છે. યુવાન અકાળે નિર્વિર્ય થઇ જાય છે.
કહેવતમાં ડહાપણ ને ઉપદેશ પણ આવે છે ઃ

જેવાં બીજને વાવશો તેવાં ઊગશે ઝાડ,
આંબાનું ફળ વાવશો તો નહીં જ ઊગે તાડ.

જેવાં કર્મો કરશો તેવું ફળ મળશે. જેવું વાવસો એવું પામશો. કેરી સાથે જોડાયેલી અન્ય કહેવતો પર ઉડતી નજર કરી લઇએ.

૧. દીકરી કાચી કેરી જેવી છે. યૌવનના ઊંબરે ડગ દેતી દીકરી માટે કહેવત કહેવાય છે.

૨. રાયણ ખાઈને રાતી થઇ ને કેરી ખાઈને દૂબળી થઈ. અર્થાત્ ઃ ગરીબ માણસની દીકરી શ્રીમંતના ખોરડે પરણે ત્યારે એના માટેની કહેવત છે.

૩. કેરી હિંડોળે અડી છે. મગજના ભમ્રિત માટે કહેવત વપરાયા છે.

૪. કેરી માથાની વેરી. માથું દુઃખતું હોય તેના માટે કેરીનું સેવન વર્જ્ય મનાય છે.

૫. કેરી ગાળો ને પૂંજી ટાળો – કેરીની મોસમમાં રોજ કેરી ખાવાનો ભાવ થાય એટલે ઓછી માયામૂડી હોય એ બધી વપરાઈ જાય.

૬. ઉતાવળે આંબા ન પાકે. ઋતુના ફળ એની ઋતુમાં જ આવે, અને એ જ મીઠાં લાગે. (આજે ઇંજેકશનો આપીને આંબાને વહેલા પકવવામાં આવે છે)

૭. એક ગોટલી ને સો રોટલી. કેરીનો રસ હોય પછી શાકપાંદડું કંઇ ન હોય તોય રસ સાથે ગમે તેટલી રોટલી હોય તોય ખવાઈ જાય.

૮. આંબુ લેતાં જાંબુ જાય. એક વસ્તુ લેવા જતાં બીજું નુકશાન થાય.

૯. કેરીગાળો આવ્યો ત્યારે કાગડાભૈની ચાંચ પાકી. અર્થાત્ કેરીગાળો શરૂ થયો ત્યારે માણસ માંદો પડયો. (આજે કહેવું હોય તો ડાયાબિટીસ કે ડેન્ગ્યુ થયો.)

ભાઈબહેનના હેત વચ્ચેનો તફાવત કહેતી કહેવત.

૧૦. કેરી ખાઈને પાણી પીએ એટલી ભાઈને બહેન વહાલી અને ગોટલી ખાઈને પાણી પીએ એટલો બહેનને ભાઈ વહાલો.

૧૧. કેરિયાળી ભેંસ કોઇ ના લે. એક આંખમાં કેરી હોય એવી ભેંસ અપશુકનિયાળ ગણાતી હોવાથી ખેડૂતો ખરીદતા નથી.

કેરીનો મોસમી ધંધો કરનારા વેપારીઓ સાથે પણ કેરીની મજેદાર કહેવતો જોડાયેલી છે. જેમ કે ૧૨. કેરી, કેળાં ને કાંદા એના વેપારી બારે મઈના માંદા.

૧૩. કેરી, તમાકુ ને ગોળ એની ઉઘરાણી પોર.

૧૪. કેરીની ખોટ કોકડીમાં ભાંગશું.- એક ધંધામાં ખોટ ગઇ તો બીજામાં કમાશું.

૧૫. આંબુની કમાઈ જાંબુમાં ગઈ. ઉપરના ધંધા કરનારા વેપારીઓને ચોવીસે કલાક ચિંતા વીંટળાયેલી રહે છે. વખારમાં માલ બગડી તો ન’ઇ જાય ને ? ઝટ બજાર ભેગો કરો.

કાચી કેરી સાથે સંકળાયેલું મારું નાનપણનું એક અડપલું આજે યાદ આવે છે. તે દિ’ હું અગિયાર બાર વરસની ઉંમરે અલપઝલપ કરતો હતો. મને કાચી કેરી બઉ ભાવે. ગામના કાબા બકાલીની વહુ કેરીઓનો સૂંડલો લઇને વેચવા આવેલી એમાંથી એક કાચી કેરી ઉપાડીને પડોશીને ત્યાં લગ્ન હતા ત્યાં પહોંચ્યો. એની ડેલીના ઓટલે ઢોલ અને શરણાઈવાળાની જુગલબંદી જામેલી. હું શરણાઈવાળા સોમાની સામે ઊભો રહીને ભચડક ભચડક કાચી કેરી ટટકારવા માંડયો. મને કેરી ખાતો ભાળીને સોમાના મોઢામાં પાણી આવ્યું ને શરણાઈ પેં..એં….એં… કરતી બંધ થઇ ગઇ. એ હાથમાં શરણાઈ લઇને મારી પાછળ પડયો. બંદાએ ઊભી બજારે ખેંતાળી મૂક્યા. મારગમાં મારા મામી મળ્યાં. સોમાએ મારા નામાકામાની વાત કરી એટલે મામી મને સરપાવ આપતા કહે ઃ ‘આ ભાણાભૈયે વડના વાંદરા પાડે એવા છે!’

કેરી માત્ર ભારતીય ફળ જ રહ્યું નથી. આજે ચીન, થાઈલેન્ડ, બાંગ્લાદેશ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝીલ, ફ્લોરિડા, શ્રીલંકા અને ફિલિપાઇન્સ જેવા ઉષ્ણપ્રદેશોમાં આંબાનું અઢળક વાવેતર થાય છે. એકલો ભારત દેશ જ આશરે આઠ લાખ ટનથી વધુ કેરીઓનું ઉત્પાદન કરે છે. આપણે ત્યાં આંબાના જંગલી, દેશી અને કલમી એમ ત્રણ પ્રકારો છે. આ આંબે થતી કેરીઓની જાતો તો જુઓ ઃ લંગડો, બદામી, બનારસી, દાડમિયા, કરંજિયા, સરદાર, દશહરી, સફેદ, માલદા, સિંદૂરિયા, મોહનભોગ, ઉત્તર ભારતમાં થાય છે. જ્યારે નીલમ, તોતાપુરી, બેંગલોક, સુંદરશા, લાલવાર, રૂમાલી, બાનમનાપલ્લી વગેરે દ. ભારતમાં થાય છે. ગુજરાતમાં આફૂસ, પાયરી, ગોવા, દેશી, મલગોવા, કપુરિયો, દાડમિયો, કેસર, જમાદાર, લંગડો, કાળો જમાદાર, રાજાપુરી, તોતાપુરી વગેરે જાતની કેરીઓ થાય છે. લીલીપીળી કેરીઓની જાતોમાં સૌથી નિરાળી લખનૌની સફેદ કેરી ગણાય છે.

ભારતમાં આંબાનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશ, ગુજરાત, તામિલનાડુ, બિહાર, પ. બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આસામનો નંબર આવે છે. ગુજરાતમાં મુખ્યત્વે વલસાડ, સૂરત, આણંદ, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ભાવનગર, જામનગર વગેરે જિલ્લાઓમાં કેરીનો પાક મોટા પ્રમાણમાં થાય છે. જૂનાગઢની કેસર, વલસાડની વલસાડી આફૂસ અને મહુવા ભાવનગરની જમાદાર કેરીઓ ઉત્તમ ગણાય છે. આજે તો કચ્છ જિલ્લો પણ કેસર અને આફૂસ કેરીઓ પકવતો થયો છે. ગુજરાતની કેસર કેરીની માંગ વિદેશોમાં ઘણી મોટી છે સને ૨૦૧૧-૧૨ના વર્ષમાં ભારતમાંથી યુરોપિયન યુનિયનના રાષ્ટ્રોમાં રૂ. ૧૯.૧૧ કરોડની ૩૦૬૦ ટન કેરી નિકાસ કરી હતી. ૨૦૧૨-૧૩માં ૩૫.૫૯ કરોડની કેરીઓની નિકાસ કરાઈ હતી.

કેરીમાંથી કેટકેટલી ખાવાની ચીજો બને છે ! કેરીને ફળોની રાણી અમસ્થી થોડી કહેવાય છે ? જુઓ પાકી કેરીને ઘોળીને ખવાય ને રસ કાઢીને ખવાય. કાચી કેરીના મરવાનું કચુંબર, ચટણી ઇત્યાદિ થાય. દેશી અને રાજાપુરી કેરીનું અથાણું, છુંદો, આંબોળિયા, મુરબ્બો, બાફીને બાફલો, સરબત, જ્યુસ, આઇસક્રીમ, મિલ્કશેક, જેલી, પુંડીગ, કેફ. મુખવાસ માટેની ગોટલી અને ગોળ તથા જીરું નાખીને સરસ મજાનું શાક થાય. આયુર્વેદ કહે છે કે ભોજન સાથે કેરી લેવાથી મેદ વધે છે. હિમોગ્લોબીન અને લોહીમાં લાલકણો વધે છે. પાકી કેરી ખાવાથી શરીરની કાંતિ સુંદર અને તેજસ્વી બને છે. શરીરમાં રસધાતુ સારા પ્રમાણમાં પેદા થાય છે. પરિણામે માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્રાણુ વગેરેમાં વૃધ્ધિ થાય છે.

આરોગ્યશાસ્ત્રીઓ પાકી કેરીના અનેક ગુણો વર્ણવતા કહે છે કે પાકી કેરી બળ આપનાર, દસ્ત સાફ લાવનાર, વાયુ, તૃષા, દાહ, પિત્ત, શ્વાસ અને અરુચિનો નાશ કરનાર છે. ૧૦૦ ગ્રામ કેરીમાં ૬૦ કેલરી, ૧૩ ગ્રામ સુગર, ૧૫ ગ્રામ, કાર્બોહાઈડ્રોટસ, ૬૪૦ માઇક્રોગ્રામ વિટામીન એ અને સી ભરપુર માત્રામાં છે. ઉપરાંત પોટેશિયમ, એમિનો એસિડ, ફોલેટ-કોપરનું પ્રમાણ વધારે હોવાથી કેરીમાંથી ઘણાં પોષક તત્ત્વો મળે છે. કેરી પ્રોસ્સેટ કેન્સર માટે પણ ઉપયોગી જણાઈ છે. તેમાં એન્ઝાઈમ્સનું પ્રમાણ સારું હોય છે. તેમાં રેસા અને એમિનો એસિડ અને વિટામીન સીનું પ્રમાણ વધારે હોવાથી કોલેસ્ટેરોલનું શરીરમાં નિયંત્રણ રાખે છે. દૂધ સાથે કેરી ખાવાથી વિરુધ્ધ આહાર બને છે. ડાયાબીટીસવાળાઓને સંયમપૂર્વક કેરીનો ઉપયોગ કરવાનું સૂચવાયું છે.

આંબાનાં ફૂલ, ફળ, છાલ, ગોટલી ઇત્યાદિનો ઔષધિય ઉપયોગ ખૂબ જ થાય છે. આંબાના પાંદડામાંથી ડાયાબિટીસની આયુર્વેદિક દવા બને છે. પાકી કેરી ખાવામાં સ્નિગ્ધ, મધુર, વાયુને હરનાર, હૃદયને હિતકારક અને શરીરના વર્ણને સુધારનાર ગણાય છે. કેતન ત્રિવેદી તો વળી કેરીના ‘પતરાં’ની વાત કરે છે. ઉત્તમ જાતની પાકી કેરીનો રસ કપડા ઉપર તડકામાં પાથરીને સૂકવે. તેના ઉપર બીજો રસ પાથરીને સૂકવાય તે રીતે વારંવાર કરીને રસના પતરા પાપડ બનાવવામાં આવે છે તેને આમ્રવર્ત કહે છે. મહાબળેશ્વરની અમારી યાત્રા દરમ્યાન કેરીના રસના પતરાનો સ્વાદ થોડા મહિના પહેલાં જ માણ્યો હતો. સૂર્યના કિરણો વડે રસ પાકેલો હોવાથી તરસ, ઉલટી, વાયુ અને પિત્તના પ્રકોપને મટાડનાર મનાય છે.

કહેવાય છે કે વસંતઋતુમાં આમ્રમંજરી મહોરી ઊઠે છે ત્યારે કામદેવ સોળેય કળાના થાય છે. જૂના કાળે વસંતમાં, આમ્રમંજરી તોડવાના અને વસંતનૃત્યના આયોજનો આપણે ત્યાં થતાં. કાઠિયાવાડના વાડિયા ગામોમાં ખેડૂત પરિવારમાં દીકરીનો જન્મ થાય એને આનંદથી વધાવતા અને પોતાની વાડી-ખેતરમાં દીકરીના નામનો આંબો વાવતા. દીકરી ઢીંગલે પોતિયે રમીભમીને ૧૮ વર્ષની ઉંમરના ઉંબરે આવીને ઊભી રહે ને પરણીને સાસરે જાય ત્યાં સુધીમાં આંબો કેરીઓ આપતો થઇ જાય. કેરીની મોસમ આવતા દીકરીનો ભઇલો આંબેથી કેરીઓ ઉતારી ગાડું જોડીને બહેનના સાસરે આપવા જતો. ગામ આખામાં સમાચાર પહોંચી જતા કે જીકુબેનનો વીરો કેરિયુંનું ગાડું ભરી બહેન ભાણિયાને આપવા આવ્યો છે. આમ ‘કેરી’ પરિવારના સંબંધોને સુદ્રઢ કરવાનું માધ્યમ પણ બની રહી છે. આજે તો આવા સદ્ભાવ, લાગણી, પ્રેમ અને હેતની હીરલાગાંઠ બાંધનારા રિવાજો ઘસાતા ભૂંસાતા જાય છે. વાચકમિત્રો ! તમે દીકરીનો આંબો ન વાવ્યો હોય તો ચિંતા નહીં. ઉનાળાની રજાઓમાં દીકરી, જમાઈ અને ભાણી ભાણિયાને કેરીઓ ખાવાની મશ્યે જરૂર તેડાવજો. તમારું કુટુંબ કિલ્લોલતું થઇ જશે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!