કઠપુતળીની કલા

ભારતમાં વિક્રમ સંવતનો પ્રારંભ કરનાર વીર વિક્રમના એક દરબારી કંક ભાટની જાણીતી કિંવદંતિ છે ઃ કંક ભાટની સ્મૃતિ એટલી સારી હતી કે એક જ વાર સાંભળેલું એને અક્ષરશઃ યાદ રહી જાય. એનો એને ગર્વ હતો. એ રાજ્યમાં આવતા કોઈપણ નવા કવિની રચના સાંભળી તરત જ કંઠસ્થ કરી, બોલી બતાવતો અને નવા કવિની રચનાને જૂની ઠરાવી એને પુરસ્કારથી વંચિત કરાવી દેતો. આ કંકનું પાણી ઉતારી દેવાના આશયથી એક કવિ પોતાની કાવ્ય-રચના લઈને વિક્રમ રાજાના દરબારમાં આવ્યો. એણે કહ્યું ઃ

‘મહા ક્ષિતિપાલ અને ધાર્મિક રાજા વિક્રમ! કરોડ સુવર્ણ-મુદ્રાઓ મારા દ્વારા આપવામાં આવેલી તે તારા પિતાએ એમ કહીને સ્વીકારી હતી કે પોતે નહીં તો એના વંશવારસો પાછી વાળશે. તમે એ મને પરત કરો, બધાજ બુદ્ધિમાનો આ વાતને જાણે છે કે આમ બન્યું તે સત્ય છે. તમે જાણતા ન હો તો જાણનારને પૂછી જુઓ ને મને કરોડ સુવર્ણમુદ્રા પરત કરો!’ કંક આ પધ બોલે તો જૂનું જાણીતું ને સત્ય પુરવાર થાય! આથી એ કહે છે ઃ ‘આ નવું છે ને મેં સાંભળ્યું નથી. આથી વિક્રમે કવિને નવી રચના માટે પુરસ્કાર આપ્યો અને વિશેષ માગવા કહ્યું – ત્યારે આ ચતુર કવિએ ઈર્ષાભાવથી કંકને અપમાનિત કરાવી હદપાર કરાવ્યો. શરમીંદો અને નિરાધાર બનેલો કંક આજીવિકા અર્થે પૂતળીના ખેલ કરવા લાગ્યો. કહેવાય છે કે એના વંશજો કંકાળી ભાટ તરીકે ઓળખાયા ને કાળક્રમે પુતળી ભાટ કે બાવનપુતળીનો ખેલ કરનાર ભાટ તરીકે ઓળખાયા.

રાજસ્થાનમાં રાજભાટ, કંકાળીભાટ, રાવભાટ અને દક્ષિણી ભાટ એમ ચાર પેટા જાતિઓ છે. એમાંના રાજભાટ રાજદરબારોમાં ‘રાજકવિ’ તરીકે પ્રતિષ્ઠા પામ્યા હતા. રાવભાટ વહીવંચા બારોટ તરીકે જાણીતા બન્યા હતા. કંકાળી ભાટ કઠપુતળીના ખેલ સાથે જોડાયા તો દક્ષિણી નટ કોમમાંથી કેટલાક પુતળીભાટમાં ભળી ગયા તે નટભાટ કહેવાયા. રાજસ્થાની પુતળીભાટ પોતાના જીવનનિર્વાહના સાધનરૂપે સેેકડો વરસોથી આ કલાને ધારણ કરી રહ્યા છે. એક જમાનામાં રાજ દરબારોમાં માનપાન પામેલી આ કલા રાજપુતયુગમાં શુદ્ધ મનોરંજનની સાથોસાથ પ્રજામાં પ્રેમ, શૌર્ય, એકતા, નીડરતા વગેરે ગુણો ખીલવવાનું કામ કરતી. આ પુતળીકળા કાળક્રમે ક્ષીણ થઈને આજે મૃતઃપ્રાય અવસ્થામાં આવી ગઈ છે.

ગુજરાતમાં પુતળીભાટ કોમનાં સવાસો દોઢસો કુટુંબો વસે છે. જે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા, સુરત, મહેસાણા જેવાં શહેરોમાં રહીને પેટિયું રળે છે. અમદાવાદમાં નવા વાડજ, વાસણા વગેરે વિસ્તારોમાં પચાસેક કુટુંબોનો વસવાટ છે. આમાંથી કઠપૂતળી ખેલની પ્રવૃત્તિ કરનારા હવે ગણ્યાગાંઠ્યા જ કલાકારો રહ્યા છે. એમાંના જાણીતા કલાકાર સ્વ. રાણાજી તો ત્રણેકવાર પરદેશમાં જઈને કઠપુતળીના ખેલ રજૂ કરી આવ્યા હતા. કઠપૂતળી મનોરંજનનો યુગ આથમી જતાં હવે મોટા ભાગના ભાટ કુટુંબો હસ્તકલા ઉધોગ તરફ વળી ગયા છે. જેમાં કાપડના હાથી, ઘોડા, તોરણ, ચકલી-પોપટની સેરો, નાનીમોટી કઠપુતળીઓ, લાકડાની અણઘડ મૂર્તિઓ બનાવે છે. લગ્ન અને શોભાયાત્રા જેવા પ્રસંગે કેડ્યે ૬ઠ્ઠી અર્થાત્‌ કચ્છીઘોડી બાંધીને નચાવવા જાય છે.

પુતળીભાટના છોકરાને ગાવા-વગાડવાના સંસ્કાર ગળથુથીમાં જ મળે છે. ચાર પાંચ વર્ષનો થતાં તે વગાડવા, નાચવા લાગે છે. બાપ પોતાના પોતરાને આઠ નવ વરસે ‘લલુઆ’ પુતળી (ફીંગર પપેટ) ચલાવતા શીખવે છે. જેથી બાળકની આંગળિયો આ પુતળી સંચાલનમાં પારંગત બની જાય છે. બાળક લલુઆ પુતળી ચલાવતા શીખી જાય પછી દોરીવાળી કઠપુતળી ચલાવવાનું સહેલાઈથી શીખી જાય છે.

જ્યારે ભાટ છોકરો પુતળીખેલના વ્યવસાયનો રીતસરનો પ્રારંભ કરે ત્યારે સર્વપ્રથમ પોતાની બિરાદરીના લોકોને જમણ આપે છે. આ ‘જાુનાર’ના અવસર પર કઠપુતળીઓની પૂજા કરવામાં આવે છે. આ ધંધામાં પ્રવેશનાર નવો કલાકાર પોતાની બધી પુતળીઓને તીલક કરી દેવી સમક્ષ પ્રતિજ્ઞા કરે છે કે ‘હે જોગમાયા, મમધ્યાં, માવલિયા, ચામુંડા, પુતલીમૈયા, મૈં સદૈવ તેરી પૂજા કરતા રહુંગા. મુજે તું રોટી-રુજક દેના, બહાર દેશ-પરદેશમેં ખતરે જોખિમ સે બચાના, મેરા સાથ દેના.’ આ વિધિ પૂરી કરીને સૌ નાતીલા સમૂહભોજન કરે છે.

પુતળીભાટો પોતાને રોજીરોટી અપાવનાર કઠપુતળીઓને ખૂબ શ્રધ્ધા અને આસ્થાની નજરે જુએ છે. પૂતળીઓમાં આ લોકો દેવીનો વાસ માને છે. એની દેખભાળ પણ એટલી જ શ્રધ્ધા અને આસ્થાથી કરે છે. શ્રેષ્ઠમાંથી કઠપૂતળી ઘડવાથી માંડીને તેને વેશભૂષા પહેરાવવા સુધીનાં બધાંજ કામોમાં આ લોકો માહેર હોય છે.

પેટિયું (પેટ માટે રોટલો) રળવા માટે પુતળી ભાટો ઘોડા પર પુતળીના નાનકડા થિયેટરનો માલ-અસબાબ લઈને ગામોગામ સતત વિચરતા રહે છે. કોઈકોઈ ગામમાં કોઈ સંપન્ન ગૃહસ્થ પુતળીખેલ જોઈ રાજી થાય ત્યારે એને ગમતી પુતળી માટે નવા કપડાં ‘ચોલો’ આપે છે. પુતળીભાટ આ નવાં કપડાં કઠપુતળીના જુનાં કપડાંની ઉપર જ ચડાવી દે છે. વળી પોતે પણ નવાં કપડાં ચડાવે ત્યારે જુનાં ઉતરાતો નથી. ઘણું કરીને દર નવી મોસમમાં તે પોતાની પુતળીઓ ઠીકઠીક કરી લેતો હોય છે. કઠપુતળી પર જેટલાં વધારે ‘ચોલા’ હોય તે તેની લોકપ્રિયતાની ધોતક ગણાય છે.

પોતાની આજીવિકાના મુખ્ય સાધનરૂપ મનાતી કઠપુતળી ખેલની કોઈ પુતળી ખુબજ જુની થઈ જાય કે રંગ ઉખડી જાય તો પણ ભાટ કલાકાર એને જ્યાં ત્યાં ફેંકી દેતો નથી, પણ સાચવીને રાખે છે. જે પુતળી તદ્દન નકામી થઈ ગઈ હોય તેને હાર પહેરાવીને નદીના પ્રવાહમાં વહેતી કરી દઈ તેને મસ્તક નમાવી, પ્રણામ કરી એ પુતળી દેખાતી બંધ ન થાય ત્યાં સુધી ત્યાં જ હાથ જોડીને ઊભો રહી નિહાળતો રહે છે. આમ ભાટ કલાકારને મન પુતળી કેવળ આજીવિકાનું સાધન નથી. એના મન હૃદય આત્માના તાણાવાણા પણ એની સાથે જોડાયેલા હોય છે. એનું સ્થાન કુટુમ્બના સાથી કે સંતાન જેવું હોય છે.

ગામડાગામના અભણ જનસમાજને એકકાળે મનોરંજન પુરું પાડનાર કઠપુતળીની કલાનો આરંભ ૧૬મી ૧૭મી સદીનો જ ગણવો પડે એ સ્થિતિ છે. ડૉ. હસુ યાજ્ઞિક નોંધે છે કે ‘પુતળી કથાના પ્રસ્તુતિકરણનાં છેક છઠ્ઠી સદીથી તે દસમી બારમી સદી સુધીનાં એવાં-એટલાં રૂપો સિદ્ધ થયાં છે, તે જોતાં આ કલા દસમી બારમી સદી જેટલી પ્રાચીન હોવાની સંભાવના છે. હેમચંદ્રાચાર્યે કે એમના પુરોગામીએ એનો ઉલ્લેખ એટલા માટે ન કર્યો હોય કે કલાની દ્રષ્ટિએ આ ખેલ એમને મહત્તવનો ન લાગ્યો હોય.

ભવાઈ કઠપુતળી જેવી જે મનોરંજક કલાઓ જન્મી એનાં મૂળ પ્રશિષ્ટ પરંપરામાં છે. આ પરિસ્થિતિ લોકવિધાની ‘રિવર્સિયલ થિયરીને અનુમોદન આપે છે. એ થિયરી પ્રમાણે કોઈપણ કલા કે વિધાનો જન્મ લોકમાં થાય છે અને પછી એ જ વસ્તુ ઉચ્ચ કે ભદ્ર વર્ગમાં જાય છે અને તેનું વિધા કે કલા તરીકે પૂર્ણરૂપ બંધાય છે, ને તે પછી તે પુનઃમૂળ સ્ત્રોત તરફ પ્રતિગમન કરે છે. ભવાઈ કે કઠપુતળી જેવી મનોરંજક કલાઓનો સુક્ષમ દ્રષ્ટિથી અભ્યાસ કરીશું તો સ્પષ્ટ થશે કે કલા તરીકે એ કંઈ સર્વ સુલભ વસ્તુ નથી. જેનો કુળધર્મ છે એવા વ્યવસાયીક લોકકલાકારો જ એને સિદ્ધ કરી શકે. કઠપુતળીની કલા પણ નાટ્યપ્રકાર તરીકે એક સંકુલ અને કુળધર્મની સાધનાથી જ સિદ્ધ થાય એવી છે.’

ભારતદેશમાં જન્મેલી અને જૂનાકાળે ખૂબ જાહોજલાલી પામેલી આ કઠપુતળીની કલા ભારતમાંથી દુનિયાના અનેક દેશોમાં પ્રસરી છે અને ત્યાં એનો અદ્‌ભૂત વિકાસ થયો છે. જ્યારે અહીંયા આપણે ત્યાં એ સાવ મરવા પડી છે. અરે, ભારતના દરેક રાજ્ય પાસે પોતપોતાની આગવી પુતળીકલા છે. રાજસ્થાન અને ગુજરાત પાસે કઠપુતળી છે. તો મહારાષ્ટ્રમાં ‘બાઉલી’ અને ‘ચામડાની બાઉલી’ છે. કર્ણાટક અને મ્હૈસુરમાં ‘ગોમ્બે આટા’ અને તોગલુંઆટા છે. કેરાલામાં ‘તોલપાવૈ’, તૃણીપાવા અને ‘પાવ-કથકલી છે. ઓરિસ્સામાં ‘સખીનત્ત’, ‘કુંઢઈનત્ત’ અને ‘રાવણછાયાં છે એજ રીતે બંગાળમાં ‘પુત્તુલ નાચ’ અને ‘બેનીર પુત્તુલ’ છે. તો આંધ્રમાં ‘બોમ્મા’ અને ‘તોળુબોમ્મા’ છે. આ બધા પ્રકારો ખૂબજ રસપ્રદ છે પણ તેના વાહકો સમસ્ત ભારતમાં ગરીબીની રેખા નીચે જીવી રહ્યા છે. તેમના માટે અનેક સરકારી સહાયયોજનાઓ હોવા છતાં તેમના જીવનમાં આઝાદીનું અજવાળું પહોંચી શક્યું નથી. પલટાતા સમય સાથે અને પલટાતી જનઅભિરૂચિ સાથે ભાટ કલાકારો તાલ મિલાવી શક્યા નથી તેથી તેમની કલાનો સૂર્ય લગભગ આથમવાની અણી પર છે. લોકકલા અને લોકકલાકારો તો સમાજનો શણગાર ગણાવા જોઈએ. આજે એ શણગાર અત્યંત ઝાંખો પડી ગયો છે. એને ધોઈ-ધફોઈને ફરીથી ચમકદાર બનાવવાની જરૂર છે. જૂની કલાઓ લુપ્ત થઈ જશે તો પશ્ચિમી સંસ્કૃતિનું આક્રમણ ખાળવા માટે અને આપણી અસ્મિતા જાળવવા માટે આપણી પાસે આવું સબળ સાધન હાથવગું નહીં રહે તો નવી પેઢી એના મૂળિયાં ગુમાવી બેસશે. કઠપુતળીની કલા થોડા સમય બાદ વિદેશોનાં મ્યુઝિયમોનાં કબાટોમાં કેદ થઈને રહી જાય એ સમય બહુ દૂર નથી.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!