ભારતમાં તો બધાં જ મંદિરો અને ભારતનાં બધાં જ ઐતિહાસિક સ્થાનો લગભગ અતિસુંદર અને માણવાં-જાણવાં અને આત્મસાત કરવાં જેવાં હોય છે. એમાં તો કોઈ જ શંકાને સ્થાન નથી કે ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પણ પ્રસરેલો છે!!! જો કે આપણી ભારતીય સંસ્કૃતિ ભારતમાં જ એટલી બધી વિસ્તરેલી છે કે આપણું ધ્યાન બહારના દેશોના આવાં સ્થાનો પ્રત્યે આકર્ષાતું નથી !!! પણ એનો અર્થ એ તો નથી જ ને કે ભારતીય સંસ્કૃતિનો હિસ્સો નથી !!! છે જ ભાઈ છે જ !!! એ આપણી જ સંસ્કૃતિ છે બસ ખાલી સિયાસતી શતરંજની ચાલો જ અમુક એવી હોય છેને કે એ આપણા દેશમાંથી અલગ થઈને અત્યારે બીજાં દેશમાં પોતાની શોભા વધારતી હોય છે અને આપણે તેને વિષે માત્ર જાણી શકીએ છીએ પણ જોઈ શકતાં નથી. આ વિધિની વિચિત્રતા નહીંતો બીજું શું છે !!! આખરે એ પણ આપણી જ સંસ્કૃતિનો ભાગ જ છે !!! આપણી સંસ્કૃતિનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં પ્રસરેલો છે એ તો દીવા જેવી સ્પષ્ટ વાત છે !!!!
એમ જોવાં જઈએ તો ભારતનો ઈતિહાસ જ્યાંથી શરૂથાય છે એ ચન્દ્ર્ગુપ્તના સમયમાં પણ આ બધોજ ભાગ એટલે કે ત્યારનાં રાજ્યો અને અત્યારનાં દેશો એ આપણા અખંડ ભારતનો જ હિસ્સો હતો. ત્યાર પહેલાં અને ત્યાર પછી પણ એ ભારતનો જ હિસ્સો જ હતું એ ભારતથી અલગ થયાં ૨૦મી સદીમાં અંગ્રેજી હકુમતને કારણે. ભારત પર જે પણ કઈ આક્રમણો થાય છે એ કાં તો મોંગોલ પ્રજાએ કર્યા છે કાં તો અફઘાની -પાકિસ્તાની આક્રમણકારોએ.. પહેલાં તો છેક ઈરાનથી પણ આવા લોકો ભારત આવતાં હતાં !!! પણ આક્રમણ કરવાનો હેતુ એ પ્રજા લુંટીને વેપાર કરવાની સાથે આપણા દેશની સમૃદ્ધિથી જલી જઈને એના પર પોતાની હકૂમત ચલાવવાનો જ હતો. એમાં જ ભારતમાં મુસ્લિમ શાસકોનું રાજ્ય ઘણો લાંબો સમય ચાલ્યું પણ એ ૯૦૦ વર્ષ પહેલાંથી તે છેક ૧૯મી સદી સુધી ચાલ્યું. પછી અંગ્રેજોની હકુમત આવી અને પછી આપણો દેશ આઝાદ થયો !!!
પણ ભારતીય સંસ્કૃતિ જે આજથી ૩૫૦૦ વર્ષ પુરાણી છે એ સિંધુ સંસ્કૃતિ ભારતમાં જેટલી ઓછી છે એનાં કરતાં વધારે એ પાકિસ્તાનમાં વધુ છે !!! ત્યાં આ સંસ્કૃતિ વધારે વિકસેલી જોવાં મળે છે પણ તે વખતે તો પાકિસ્તાન હતું જ નહીં ને એટલે એ ભારતનો હિસ્સો જ બનતી હતી. આ સંસ્કૃતિએ ભારતને પણ આબાદ કર્યું અને પાકિસ્તાનને પણ !! પણ તે વખતે તો ભારત જ હતું એમ અવશ્યપણે કહી શકાય !!! કારણકે આજના પાકિસ્તાનમાં ઘણાં હિંદુ મંદિરો આવેલાં છે જે પૌરાણિક પણ છે અને ઐતિહાસિક પણ છે. હિંગળાજ માતા શક્તિપીઠ આનું જવલંત ઉદાહરણ છે !!! આવાં તો અનેક પૌરાણિક મહાત્મ્ય અને મહત્વ ધરાવતાં મંદિરો પાકિસ્તાનમાં સ્થિત છે જ પણ પાકિસ્તાનમાં જો સૌથી મોટું મંદિર હોય તો તે છે ——–કટાસરાજ શિવ મંદિર. આપને આજે એના વિષે જ વાત કરવાની છે. આ મંદિર પૌરાણિક છે અને સાથોસાથ ઐતિહાસિક પણ એ પહેલાં આપણે થોડું પૌરાણિક કાળ એટલેકે મહાભારત યુગમાં જવું પડશે !!
હવે વાત પાકિસ્તાનની, પાકિસ્તાનમાં પણ ઘણાં શાસકો થયાં હતાં તેના પણ ઘણાં રાજ્યો અસ્તિત્વમાં હતાં અને એમનાં રાજવંશો પણ. આમાંના અમુક રાજવંશી રાજાઓએ ભારત પર આક્રમણ કર્યું અને ભારતને તહસનહસ કરીને જતાં રહ્યાં તો અમુકોએ ભારતમાં જ ડેરાતંબુ તાણીને રાજ્ય કરવાં લાગ્યાં. આવું લગભગ ૮૦૦ વર્ષ સુધી ચાલ્યું પણ આ દરમિયાન મુસ્લિમ શાસકોને ભારતનાં ક્ષત્રિય -રાજપૂત અને થોડાં ઘણાં બ્રાહ્મણ રાજાઓ સાથે ભારે સંઘર્ષનો સામનો કરવો પડયો હતો. ઈતિહાસ એક વાતનો તો સાક્ષી છે જ કે ભારતમાં ઘણાં રાજાઓ અને ઘણાં રાજ્યો હતાં જેમને મંદિરો અને અદભૂત કિલ્લાઓ અને શિલ્પસ્થાપત્યો બાંધ્યા હતાં !!! સમય જતાં આ શિલ્પસ્થાપત્યકલા વિકસિત થતી ગઈ અને ભારતીય સંસ્કૃતિની ધરોહર બની ગઈ. આવું પાકિસ્તાનમાં પણ બન્યું છે એટલે જ ત્યાં આપણા મંદિરો અને ઐતિહાસિક સ્મારકો છે !!! આ બધી લાંબી પૂર્વભૂમિકા અને આટલું બધું પિષ્ટપેષણ એટલાં માટે કરું છું કે પાકિસ્તાનમાં એક હિંદુ મંદિર સંકુલ છે જે આમ તો પાકિસ્તાનમાં સૌથી મોટું શિવ મદિર છે નામ તો છે એનું કટાસરાજ શિવ મંદિર.
અહિયાં ભગવાન શ્રી રામચન્દ્રજી અને ભગવાન હનુમાનજીનું મંદિર પણ સ્થિત છે અને અહી એક કિલ્લો પણ છે જે હિંદુ રાજાએ બંધાવ્યો હતો. એક સમયમાં બૌદ્ધ સ્તુપો પણ હતાં અને અહીં ગુરુ નાનકજી અને મહારાજ રણજીતસિંહજી પણ આવતાં -જતાં હતાં. આ મંદિર સંકુલમાં હિંદુ-બૌદ્ધ અને મુસ્લિમ શિલ્પસ્થાપત્ય કલાનો ત્રિવેણી સંગમ થયેલો જોવાં મળે છે !!! આમ ઘણાં ધર્મો અહી એકસાથે સંકળાયેલાં છે !!! વળી આ જગ્યાનો ઉલ્લેખ મહાભારતમાં અને એનીય પહેલાં પુરાણોમાં થયેલો છે એટલે એનું મહત્વ વિશેષ છે !!!
એમ કહેવાય છે કે આ કટાસરાજ શિવ મંદિર અને અન્ય બીજાં મંદિરો ચકવાલ ગામથી એટલેકે આ આખું સંકૂલ લગભગ ૪૦ કિલોમીટરની દુરી પર એક પહાડી પર છે. જે લગભગ ૨૦૦૦ ફૂટ ઉંચી છે તેના પર સ્થિત છે !!! આજુબાજુ દ્રશ્યો તો જોવાં લાયક જ છે અને હરિયાળી આ પાકિસ્તાન હોવાં છતાં પણ ઘણી જ સુંદર લાગે છે. એ હરિયાળીમાં આપણે જ જાણેને ભારતમાં હોઈએ એવી અનુભૂતિ કરીએ છીએ. આમેય પાકિસ્તાનમાં ઘણાં પહાડો અને રણ અને નદીઓ અને દરિયો પણ સ્થિત છે જ એટલે એ સુંદર તો હોય જ ને વળી !!! એકબીજા પહાડો અને જંગલોથી ઘેરાયેલા આ પરદેશમાં પણ ફરવું એ પણ એક પોતાનામાં લ્હાવો જ છે !!! આવો પ્રદેશ જોવાં તો આપણે વલખાં મારતાં હોઈએ છીએ પણ આ પાકિસ્તાન છે એટલે આપણું મન પાછું પડે છે એટલું જ બાકી એ આપણું નથી એ તો આપણે કબૂલવું જ રહ્યું. ભલે આ મંદિરો આપણા હોય પણ આજુબાજુ કોઈ જ હિંદુ વસ્તી નથી. ૨૦૧૭નાં વરસમાં ખાલી ૨૫૦ જ હિંદુઓ આ જગ્યાએ આવ્યાં હતાં એ એના પરથી જ સાબિત થાય છે અને ૨૫૦ માણસો પણ પંજાબ ભારતથી જ આવ્યાં હતાં !!! એ બધી વાતો પછી પહેલાં આ મંદિરની વાત..
એમ કહેવાય છે કે આ મંદિર મહાભારતકાળ(ત્રેતાયુગ)માં પણ સ્થિત હતું. આ મંદિર સાથે જોડાયેલી પાંડવોની ઘણી કથાઓ પ્રસિદ્ધ છે !!! આમ તો ભગવાન શિવ ખુબ જ દયાળુ છે જે અતિશીઘ્ર પ્રસન્ન પણ થઇ જાય છે. વિશ્વભરમાં ભગવાન શિવજીનાં અનેકો મંદિરો છે જેમાં કેટલાંકનું નિર્માણ તાજેતરનાં વર્ષોમાં જ થયું છે તો કેટલાંક અતિપ્રાચીન છે. ભારતમાં જ્યોતિર્લિંગો અને સ્વયંભુ શિવલિંગો તથા ભારતનાં શિવભક્ત રાજાઓએ આવાં મંદિરો બનવ્યા જ હતાં. જે તેમની શિવભક્તિનાં પ્રતિક છે સાથોસાથ એ શિલ્પસ્થાપત્યનાં પણ ઉત્તમ નમૂનાઓ છે !!! આવું એક અતિ ભવ્ય મંદિર અને અતિપ્રાચીન શિવ મંદિર પાકિસ્તાનમાં પણ આવેલું છે. આમ તો પાકિસ્તાનમાં બીજાં પણ પ્રાચીન શિવ મંદિરો છે તો ખરાં જ પણ આ સૌથી મોટું અને સૌથી સરસ છે. નામ છે એનું ક્ટાસરાજ શિવ મંદિર !!!
આ મંદિરમાં એક શિવલિંગ છે જે સ્વયંભુ છે !!! અને સ્વયંભુ શિવલિંગો હંમેશા પ્રાચીન જ હોય અને અતિપ્રાચીન હોય તો કોકને કોક પૌરાણિક કથા એની સાથે જોડાયેલી જ હોય જે આમાં પણ બન્યું છે જ !!! કથા ભલે પ્રાચીન હોય પણ મહત્વનું એ છે કે આ મંદિર કેવું છે? એ મંદિરનું શિલ્પસ્થાપત્ય કેવું છે ? એ કઈ સાલમાં બંધાયું હતું અને કોણે બંધાવ્યું હતું ? અતિ મહત્વની વસ્તુ એ કઈ જગ્યાએ સ્થિત છે એ હોય છે અને એની બાજુમાં બીજાં મંદિર સ્થિત છે કે નહીં !!! એ પહાડ પર છે કે દરિયામાં છે કે નદીનાં સંગમ સ્થાને છે કે પછી જંગલમાં સ્થિત છે !!! આ બધું ખાસ ધ્યાનમાં રાખવાં જેવું છે !!! બાકી ભગવાન કઈ રસ્તામાં વિરામ કરવાં સ્વયંભુ પ્રગટ નથી થાતા !!! એ સમયે કદાચ ત્યાં વેરણ જગ્યા હોય પણ અત્યારે એ શહેર કે ગામની વચ્ચોવચ્ચ આવી ગયું હોય એવું પણ બને !!! તો પણ એ સ્વયંભુ શિવલિંગ તો રહે છે જ જેનું મહત્વ અને મહાત્મ્ય વધારે જ હોય.
મહાતમ્ય વધારે હોય એટલે આસ્થા અને શ્રદ્ધા વધારે જ હોવાની. એમાં જો કોઈ રમણીય સ્થાન હોય તો તમારી આસ્થા અને શ્રધ્ધામાં ઉમેરો થાય છે અને અહાલાદક આનંદની અનુભૂતિ થાય એ નફામાં !!! આ કટાસરાજ શિવ મંદિર એક આવાં જ સ્થાન પર સિદ્ધ છે !!! એમ કહેવાય છે કે આ કટાસરાજ શિવમંદિર માત્ર ૯૦૦ વર્ષ જ પુરાણું છે એ ખરેખર કોણે બંધાવ્યું હતું તેની કોઈને ખબર નથી. એ જ તો આપણા ઇતિહાસની ખામી છે. ૯૦૦ વર્ષ પુરાણું છે એમ કહી શકાય છે એનાં પુરાવાઓ પ્રાપ્ત કરી શકાય છે પણ એ વખતે ત્યાં ક્યાં રાજવંશના રાજાઓનું રાજ્ય હતું તે જ નથી કહી શકાતું. જો એ ત્યાંના હોય અને કોઈ અહી દર્શન કરવાં આવ્યાં હોય અને તેમને આ મંદિર જર્જરિત હાલતમાં લાગ્યું હોય અને તેમણે આનો જીર્ણોધ્ધાર કર્યો હોય કે કરાવ્યો હોય એવું પણ બને પણ કયાંય કશે કશોજ આનો ઉલ્લેખ થયો નથી એ તો પરમ સત્ય છે. આમેય આ મંદિર વિષે હજી પણ એક પ્રકારની અલિપ્તતા જ પ્રવર્તે છે લોકોમાં !!!
ક્ટાસરાજ શિવ મંદિર પાકિસ્તાની પંજાબના ઉત્તરી ભાગમાં નમક કોહ પર્વત શ્રુંખલામાં સ્થિત છે. આ મંદીરની સમીપ જ એક તળાવ છે. પુરાણ પુણ્યકથાઓ અનુસાર આ તળાવ ભગવાન શિવજીનાં અશ્રુબિંદુઓથી બનેલું છે. ભગવાન શિવજીની અર્ધાંગિની સતી દેવી પોતાનાં પિતા દક્ષનાં કુંડમાં કૂદી જઈને પોતાનાં પ્રાણની આહુતિ આપી દે છે. જયારે આ વાતની ખબર ભગવાન શિવજીને પડે છે ત્યારે તે અત્યંત દુખી અને ક્રોધિત થઇ જાય છે. દુખી ભગવાન શિવજીની આંખોમાંથી આંસુ ટપકે છે અને એ આંસુ રોકાતાં જ નથી. એમાંનું એક અશ્રુબિંદુ આ કટાસરાજ તળાવમાં પડે છે જે અમૃત કુંડ બની જાય છે અને બીજું એક અશ્રુબિંદુ રાજસ્થાનના પુષ્કરરાજા તળાવમાં જઈને પડે છે. “કટાસ” ને સંસ્કૃતમાં “કટાક્ષ ” કહેવાય છે. જેનો અર્થ થાય છે રડતાં આંસુ, આંસુઓનો વરસાદ કે આંસુની સુનામી વગેરે !!!
એમ પણ કહેવાય છે કે આ તળાવ ભગવાન શિવજીએ પોતાનાં અંગુઠાથી કોતરીને -ખોદીને બનાવ્યું છે. એમ પણ કહેવાય છે કે ભગવાન શિવજીની જમણી આંખમાંથી ટપકેલું આંસુ એ રાજસ્થાનનાં પુષ્કરરાજ તીર્થમાં પડયું અને ડાબી આંખનું આંસુ અહીં કટાસરાજનાં પવિત્ર કુંડમાં પડયું. હવે તમે બંને ફોટાઓને ધ્યાનથી જોશો તો તમને એક પ્રકારનું સામ્ય દેખાશે. જેવું દ્રશ્ય અને જેવાં મંદિરો અને જેવી રીતે પુષ્કરમાં સરોવર સ્થિત છે બિલકુલ એવી જ રીતે અહીં પાકિસ્તાનમાં કટાસરાજમાં પણ એવું જ દ્રશ્ય તમને દેખાશે કે લાગશે !!! ફર્ક એટલો જ છે કે એ રાજસ્થાનમાં છે એટલેકે એ હિંદુઓ માટેનું આજે પણ અતિપવિત્ર સ્થાન છે ત્યાં લાખો શ્રધ્ધાળુઓ ઉમટે છે અને અહીં આ કટાસરાજ પાકિસ્તાનમાં હોવાથી કોઈ ફરકતું જ નથી !!! સ્થાનોનું મહાત્મ્ય અને કાળ તો બંનેનો સરખો છે !!! આ બંને સરોવર્રો સાથે ભગવાન શિવજીનું નામ જોડાયેલું હોવાથી એ બંને સ્થાનો પૌરાણિક જ છે !!! અને એટલાં માટે આ બંને સ્થળો હિંદુઓ માટે પવિત્ર અને પૂજનીય છે !!!
એમ પણ કહેવાય છે કે ભગવાન શિવાજીનાં વિવાહ અહી થયેલાં અને આજે પણ અહી શિવજીના લગ્નદિવસને લોકો તહેવાર મનાવીને ઉજવે છે પણ અત્યારે તો અહીં પાકિસ્તાનમાં હિંદુઓ અલ્પ સંખ્યક ગણાય છે અને આ જગ્યા એ કે એની બાજુમાં કોઈ હિંદુ વસ્તી જ નથી તો પછી આ તહેવાર ઉજવે છે કોણ ? અને અહી આવે છે ક્યાં લોકો કે જેને ભગવાન શિવજીમાં આપર અને અખૂટ શ્રધ્ધા હોય !!! અહીં પકિસ્તાનમાં સ્થિત અતિ પ્રાચીન શિવ મંદિર છે.
આ મંદિર સંકુલમાં મુખ્ય મંદિર છે કટાસરાજ શિવ મંદિર આ મંદિર એ અહીના મંદિરમાં સૌથી મોટામાં મોટું છે સમગ્ર પાકિસ્તાનમાં સ્થિત હિંદુ મંદિરોમાં પણ !!! આ મુખ્ય જે મહાભારત કાળ સાથે જોડાયેલું શિવ મંદિર છે એની આધાર શીલા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે રાખી હતી અને આ મંદિરનાં શિવલિંગને એમણે પોતાનાં હસ્તે બનાવ્યું હતું !!! આ મંદિરનો ઉલ્લેખ મહાભારત મહાકાવ્યમાં પણ કરવામાં આવ્યો છે !!! આ મંદિરની નજીક જે તળાવ છે એને અમરકુંડનાં નામે ઓળખવામાં આવે છે
કટાસરાજ અમૃત કુંડની પૌરાણિક કથા —-
આ મંદિરમાં સ્વયંભુ શિવલિંગ સ્થાપિત હોવાથી અને એનું મૂળ મહાભારતકાળ સાથે સંકળાયેલું હોવાથી એમ પણ માનવામાં આવે છે કે જ્યારે પાંડવોએ ૧૨ વરસનાં વનવાસ દરમિયાન ૪ વરસ અહીં કાઢયાં હતાં તો એમણે ભગવાન શિવજીની પૂજા- આરાધના કરવાં માટે આ મંદિર બનાવ્યું હતું અને એમાં ય ખાસ કરીને અર્જુન જે પરમ શિવભક્ત હતો તેમને અહી શિવલિંગની સ્થાપના કરી હતી. મહાભારતમાં આ મંદિર અને તેની સમીપ આવેલાં કુંડનો ઉલ્લેખ છે જ !!! દ્વાપરયુગમાં પાંડવો જયારે વનવાસ ભોગવતાં હતાં ત્યારે એમને આ મંદિરમાં શરણ લીધું હતું. માન્યતાઓ અનુસાર આ એ જ કુંડ છે જ્યાં પાંડવોને તરસ લાગતાં ત્યાં પાણીની શોધમાં અહીં પહોંચ્યા હતાં. આ કુંડ પર યક્ષજીનો અધિકાર હતો. સર્વ પ્રથમ નકુલ પાણી પીવાં ગયો તો યક્ષજી એ એને કહ્યું કે આ પાણી પર તો એનો અધિકાર છે પાણી પીવાની ચેષ્ટ ના કર જો તારે પાણી લેવું હોય તો પહેલાં મારાં પ્રશ્નોનો ઉત્તર આપ. નકુલ એમના પ્રશ્નનો ઉત્તર ના આપી શક્યો અને વગર ઉત્તર આપ્યે એ પાણી પીવાં લાગ્યો તો યક્ષજીએ એને મૂર્છિત કરી દીધો !!!
આ પ્રકારે સહદેવ, અર્જુન અને ભીમ એક પછી એક પાણી પીવાં આવ્યાં. પરંતુ કોઈ પણ યક્ષજીનાં પ્રશ્નનો સાચો જવાબ ના આપી શક્યાં અને એ પાણી પીવાનાં ચક્કરમાંને ચક્કરમાં એ ત્રણે મૂર્છિત થઇ ગયાં !!! અંતત: જયેષ્ઠ પાંડવપુત્ર યુધિષ્ઠિર આ ચારેયને શોધતાં શોધતાં આ કુંડના કિનારે પહોંચ્યા તો ત્યાં ચારેય ભાઈઓને મૂર્છિત પડેલાં જોઇને તેઓએ એમ પૂછ્યું કે આમને મૂર્છિત કોણે કર્યા છે? તો યક્ષજી પ્રગટ થયાં અને યુધિષ્ઠિરને કહ્યુંકે એમણે મારાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યાં વગર જ પાણી પીવાની કુચેષ્ટા કરી હતી !!! અતઃ એમની આ દુર્દશા જોઇને જો તમે પણ આવો વ્યવહાર કર્યો છે તો તમારાં પણ આવાં જ હાલ થશે. યુધિષ્ઠિરે અતિનમ્રતાપૂર્વક કહ્યું કે તમે પ્રશ્ન પૂછો હું મારાં જ્ઞાન અને વિવેકથી એનો ઉત્તર આપીશ
યક્ષજી એ કુલ ૩૨ પ્રશ્નો પૂછ્યાં એમાનો એક જે મુખ્ય પ્રશ્ન હતો તે આ છે ——
યક્ષજીએ પૂછ્યું હતું —–
કોણ પ્રસન્ન છે? આશ્ચર્ય શું છે? માર્ગ કયો છે ? વાર્તા કોને કહેવાય ? મારાં જો આ ચાર પ્રશ્નોનાં ઉત્તર તમે જો આપી શકશો તો તમારાં આ ચારેય મૂર્છિત ભાઈઓને હું જીવતાં કરી દઈશ !!!
યુધિષ્ઠિરે જવાબ આપ્યો —–
પ્રસન્ન —— જે વ્યક્તિ પાંચમા-છઠ્ઠા દિવસે સ્વાદુ સાગ પકાવી શકે, જે ઋણી ના હોય, જે સતત પ્રવાસમાં ના રહેતો હોય એ વ્યક્તિ પ્રસન્ન કહેવાય !!!
આશ્ચર્ય —– પ્રતિદિન પ્રાણી મૃત્યુ પ્રાપ્ત કરતાં હોય છે આ બધું જોઇને સંસારના દરેક પ્રાણી હંમેશા જીવિત રહેવાની કામના કરતાં હોય છે એનાથી વધારે આશ્ચર્ય કયું હોઈ શકે !!!
માર્ગ ——– તર્ક પ્રતિષ્ઠિત નથી હોતો….. શ્રુતિઓ (વેદ) વિભિન્ન છે ……. કોઈ પણ એવો મુનિ નથી કે જેની વાત પ્રામાણિક માની શકાય ….. અતઃ મહાપુરુષ ધર્મના વિષયમાં જે માર્ગનું અનુસરણ કરે એ જ બધાં માટે સાચો માર્ગ છે ચાલવાં માટે !!!
વાર્તા (સમાચાર) ——- મહામોહ રૂપી કડાકૂટમાં, સૂર્યરૂપી આગથી . રાત-દિવસરૂપી ઇંધણથી, માસ ઋતુરૂપી કડછી દ્વારા આ કાલ પ્રાણીઓના ભોજનનો સામાન પકાવી રહ્યો છે એજ વાર્તા છે !!!
આ પ્રકારે યુધિષ્ઠિરે પોતાનાં વિવેકથી યક્ષજીનાં બધાં પ્રશ્નોનાં ઉત્તર આપ્યાં અને ત્યાર પછીથી યક્ષજીએ પ્રસન્ન થઈને પાંડવોને જીવિત કર્યા !!!તત્પશ્ચાત આ પંચે પાંડવો પોતાનાં ગંતવ્ય તરફ પ્રયાણ કરી ગયાં !!! એમ કહેવાય છે કે આ તળાવમાં પાણી પીવાથી કે એમાં નાહવાથી બધાં જ પાપ ધોવાઈ જાય છે !!!
આજે શ્રધ્ધાનું પ્રતિક છે આ કટાસરાજ તીર્થ. પૌરાણિકકાળમાં આ સરોવર-કુંડનો ઉલ્લેખ વિષકુંડ , અમર કુંડ કે અમૃત કુંડ તરીકે થયેલો જોવાં મળે છે. મીઠાં અને કોલસાના આ પહાડોની વચ્ચે પંજાબ પ્રાંત પાકિસ્તાનનાં ચકવાલ જીલ્લાનું આ તીર્થ “ચૌ-શૈદનશાહ” અને પશ્ચિમમાં “કરિયાલા” કસબની વચ્ચે સ્થિત છે !!! મહાભારતકાળમાં આ અવશ્ય એક વીરાની પહાડી ક્ષેત્ર રહ્યું હશે. મીઠું અને કોલસાનો આવિષ્કાર ત્યારે નહી જ થયો હોય. દૂરદૂર સુધી ક્યાંય પણ પાણી જોવાં પણ નહીં જ મળતું હોય. પાંડવો અવશ્ય કોઈ ઊંચા પહાડ પર ચઢીને પ્રકૃતિનાં આ અદભૂત કરિશ્માને નિહાળતાં જ હશે. એવું લાગે છે કે નિશ્ચિત જ આ સ્થાન પર યક્ષો – કિન્નરોનો નિવાસ હશે જ હશે !!! સ્વયં યુધિષ્ઠિરે આ જગ્યાનાં ખુબ જ વખાણ કર્યા છે. કટાસરાજ શિવ મંદિર અને અન્ય બીજાં મંદિરો જે જગ્યાએ સ્થિત છે એ જગ્યા લાહોર અને ઇસ્લામાબાદ મોટરવેની ઠીક બગલમાં સોલ્ટ રેન્જની મશહૂર પહાડીઓ પાસે સ્થિત છે.
કટાસરાજનો અમૃત કુંડ બે કેનાલોનો બનેલો છે. એક જગ્યાએ ઊંડો છે તો એક જગ્યાએ એ છીછરો છે. જ્યાં પાણી ઊંડું છે ત્યાં એનો રંગ લીલો છે અને જ્યાં છીછરો છે ત્યાં એનો રંગ ભૂરો છે !!! એ લગભગ ૯૦૦૦ સ્ક્વેર ફૂટ લાંબો અને ૫૦ ફૂટ પહોળો છે. તેની મહત્તમ ઊંડાઈ ૨૦ ફૂટ છે
આત્યારે આજુબાજુમાં બનેલી સિમેન્ટ ફેકટરીઓને કારણે તેમાં ગંદુ પાણી છોડવામાં આવે છે અને એમાં કચરો ઠાલવવામાં આવે છે. આ ને લીધે આજુબાજુનાં કસ્બામાં રહેતાં લોકો પણ પરેશાન છે કારણકે એમનો આવાસ આમાં જતો રહેવાનો છે કારણકે આ બધી સિમેન્ટ ફેક્ટરી એ મલ્ટીનેશનળ કંપનીઓ છે. આમેય પાકિસ્તાનનાં અત્યારનાં હાલાત જોતાં એમણે વિદેશીઓ પર જ નિર્ભર રહેવું પડે એમ છે એટલે ત્યાનાં રહીશોની પરિસ્થિતિ આપણાથી સમજી શકાય એવી છે. એક મુસ્લિમ મહિલા પત્રકાર જે ન્યુઝ ચેનલમાં કામ કરે છે એણે એક ચેનલ માટે આ જગ્યાનો પ્રવાસ કર્યો. જે અહીની જ રહેવાસી છે એ પોતાની વ્યથા વ્યક્ત કર્યા વગર નાં રહી શકી તેમ છતાં એણે એટલું તો કહ્યું જ કે આ હિન્દુઓની પવિત્ર જગ્યા છે એમાં સ્નાન કરી તેઓને મોક્ષ મળે છે પણ જયાં પાણી જ ગંદુ હોય ત્યાં કોઈ પણ મો ફેરવી લે. કસમસે મિત્રો જો આવું પુષ્કરમાં થાય તો શું આપણે ચુપ બેસીએ ? હવે આને એટલે કે આ કુંડને પવિત્ર કહેવાય ખરો કે !!!
૨૦૦૫માં અડવાણીજીની પાકિસ્તાન યાત્રા દરમિયાન તેઓ ક્ટાસરાજ આવ્યાં હતાં. આની હાલત જોઇને ચિંતિત થયાં હતાં અને આ મંદિરને અને આખાં સંકુલને દત્તક લેવાની વાત તેમણે કરી હતી. પાકિસ્તાને તેમણે ખાત્રી આપી કે અમે આ બાબતે ઘટતું કરીશું ત્યારે પાકિસ્તાન સરકાર સરકાર દ્વારા આનો જીર્ણોધ્ધાર કરવાનો નિર્ણય લેવાયો. એ અભિયાન અંતર્ગત પાકિસ્તાનના તે સમયના વડાપ્રધાન નવાઝ શરીફે અહી આવી જીર્ણોધ્ધારના પગલાં રૂપે ઉત્ખનનનો પાયો નાંખ્યો. જીર્ણોધ્ધારનું કામ શરુ તો થયું પણ આપણા અને પાકિસ્તાન વચ્ચેના વધતાં જતાં તનાવને લીધે પછી જીર્ણોદ્ધારનું કાર્ય પડતું મુકાયું. તેની જગ્યા આ મલ્ટીનેશનલ કંપનીએ લીધી. ૨૦૧૨ માં સાફ્ને સ્વચ્છ કરાયેલો કુંડ ૨૦૧૭માં પાછો ગંદો થઇ ગયો !!! અત્યારે ૨૦૧૯માં આ કુંડની આ સંકૂલની શું હાલત છે એ તો ખબર નથી પણ જ્યારે આ ઉત્ખનન કરાયું હતું ત્યારે ત્યાંથી કેટલીક વસ્તુઓ અને કેટલીક માહિતી મળી હતી જે આ સંકૂલ વિષે વાત કરીશું ત્યારે આવશે !!! હવે વાત કરીએ આ અતિપ્રાચીન શિવમંદિર વિષે !!! એની પૌરાણિક કથા તો તમને આગળ જણાવી જ દીધી છે એટલે હવે આ મંદિર વિષે વાત !!!
ક્ટાસરાજ શિવ મંદિર —-
પાકિસ્તાનમાં આવેલાં અન્ય પ્રાચીન શિવમંદિરોમાં સૌથી મોટું અને સૌથી મહત્વનું મંદિર છે આ !!! આ મંદિર લગભગ ૩૫૦૦ વરસ જુનું છે જેનો સીધો સંબંધ મહાભારત સાથે છે. જોકે મહાભારતકાળ વિષે કોઈ ચોક્કસ સમય નિર્દિષ્ટ થતો નથી પણ મારી દ્રષ્ટીએ એ ૪૫૦૦થી ૫૦૦૦ વરસ જુનું ગણાય. જોકે કેટલાંક ઈતિહાસકારો તો એવાતને અનુમોદન આપે જ છે કે આ મંદિર એ ૬૦૦૦ થી ૭૦૦૦ વરસ જુનું હશે !!! અરે પુરાણનું પુરાણ છોડી દઈએ તો આ મંદિર એ હિંદુ -મુસ્લિમ શિલ્પસ્થાપત્ય કળાનો ઉત્તમ નમુનો છે. તમે રાજસ્થાનના બુંદીનાં મંદિરો કે ચિત્તોડના મંદિરો જુઓ તો તમને એક પ્રકારનું સામ્ય જરૂર દેખાશે તો બીજી બાજુએ એ તમને એના ગોળ મોટાં ઘુમ્મટો તમને સમગ્ર રાજસ્થાનની યાદ અપાવવા માટે પૂરતાં છે પણ એમાં તમને કર્ણાટકનાં બીજાપુર કે હૈદરાબાદની છાંટ અવશ્ય જોવાં મળે છે !!! એનો બાહ્ય આકાર અને એનું બાંધકામ સંપૂર્ણ પણે મુસ્લિમ સ્થાપત્ય લાગ્યાં વગર રહેતું નથી પરંતુ આ શિવમંદિર છે અને અહીંથી કાશ્મીર નજીક જ છે એટલે કાશ્મીરમાં તે વખતે બહુજ પ્રસરેલા અને વિકસેલા શૈવવાદની અસર હેઠળ આવાં શિવમંદિરો બન્યાં હશે. કાશ્મીરમાં આવાં ઘણાં શિવ મંદિરો સ્થિત છે પણ એ બધાં પૌરાણિક નથી …… જે આ છે !!!
તે વખતે તો આવી સરહદો નહોતી અને દેશ-વેશ-પ્રજા જુદી નહોતી. ધર્મનો વિસ્તાર પણ પછીથી જ થયો છે જો આપણે આપણા હિંદુ ધર્મને બાદ કરીએ તો પણ આ મંદિર એ માત્ર ૯૦૦ વર્ષ પુરાણું તો નથીજ એ કદાચ ઈસ્વીસનની ૭મી સદીમાં બન્યું હોય એવું લાગે છે !!! અને એ પંજાબના હિંદુ રાજાઓ એ જ બંધાવેલું છે એવું ચોક્કસ પણે કહી શકાય છે. પ્રજા કદાચ મિલીઝુલી હોય એ વખતે પણ અધિકાંશ તો હિંદુઓ જ હતાં !!! પણ એ ચોક્કસ ક્યાં રાજાએ બાવેલું અને ક્યાં રાજવંશના અને ક્યાં વરસમાં તે કહી શકાતું તો નથી જ !!!
આ ક્ટાસરાજ મંદિર એ ચોરસ સતહ પર બનેલું છે. કેટલીક દંતકથાઓ પણ જણાવે છે કે પ્રથમ શિવ લિંગ કટ્ટામાં હતું. કેટલાંક એની સરખામણી અયોધ્યાની શ્રી રામજન્મભૂમિ સાથે કરે છે કારણકે અયોધ્યાનું બાંધકામ અને આ ક્ટાસરાજનું બાંધકામ ઘણી બધી રીતે મળતું આવે છે !!! આ મંદીરમાં કોઈ મહેલમાં કે કોઈ કિલ્લામાં દાખલ થતાં હોઈએ એમ જવું પડતું હોય છે. એમાં કોઈ કલાકોતરણી કે શિલ્પકામ છે જ નહી માત્ર બાંધકામ સરસ અને ઉંચી જગ્યાએ છે એટલું જ. શિવલિંગ આપણે જેવું મનમાં વિચારીએ છીએ કે આવું હોય એવી માન્યતા અહીં ખોટી ઠરે છે પણ શિવલિંગ છે મોટું અને સરસ દેખાય છે જે સ્વયંભુ હોવાથી આપણી બધી અટકળો ખોટી પડે છે. આ મંદિર ઉત્તરાભિમુખ છે જે એના ગોળ દરવાજા અને મોટાં ઘુમ્મટથી સજાવાયેલું છે. આ મંદિર એમાં પાડવામાં આવેલાં ખુણાઓ માટે વધુ જાણીતું છે. સમગ્ર પંજાબ પ્રાંતમાં હિમાચલ પ્રદેશ સ્થિત જવાલામુખી પછી જો કોઈ પ્રસિદ્ધ મંદિર હોય તો તે આજ છે !!!
આ મંદિર કોઈ જ્યોતિર્લિંગથી કોઈ કમ નથી. એક સમયમાં અહી પૂજા થતી હતી પણ ૧૯૪૭નાં વિભાજન પછી અહીં જે કોઈ હિંદુઓ હતાં તે ભારત આવતાં રહ્યાં અને ત્યાર પછીથી એ બિસ્માર હાલતમાં જ ખંડેર બનીને રહી ગયું છે અત્યારે અહી પુજારીજીને પણ શોધવા મુશ્કેલ છે !!! પૂજા કરાવવી હોય તો માંડ માંડ એ ક્યાંકથી મળી આવે છે ખરાં જો તમારું નસીબ હોય તો બાકી તો નહીં જ !!!. આતે કેવી વિડંબણા. મંદિર છે …….. શિવલિંગ છે …….બધું યથાવત છે પણ પૂજારીજી નથી !!! ૧૯૭૨ની સંધી મુજબ અહી ૨૦૦ હિન્દુઓને આવવાની છૂટ મળી હતી મહાશિવરાત્રીએ પણ તે ૨૦૦૦ પછીથી અહીં કોઈ જ આવતું નથી. જે લોકો આવે છે એ વિદેશીઓ જ છે અને અહીના મુસ્લિમો તેમને આ મંદિર હોંશે હોંશે બતાવે છે. આને આપણી ભવ્ય પુરાણગાથાઓ એમને હોંશે હોંશે સંભળાવે છે જે એક સારી બાબત ગણાય !!!!
બાકી આ મંદિર છે અને તે ભગવાન શિવજીનું છે, શિવલિંગ પણ છે જો કોઈનાથી ત્યાં જવાય તો જી આવજો ખરાં. નહિ તો આ પુરાણ પ્રસિદ્ધ સ્વયંભુ શિવલિંગનાં દર્શન કરવામાંથી તમે રહી જશો. આ આખું મંદિર સંકૂલ હોવાથી બીજાં મંદિરો વિષે વાત હવે પછીનાં લેખમાં !!!!
—– ઓમ નમઃ શિવાય —-
——– હર હર મહાદેવ ——
———- જનમેજય અધ્વર્યુ.
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..