21. કસૂંબાનો કેફ – રા’ ગંગાજળિયો

રા’માંડળિકને નવું લગ્ન કર્યાં થોડાં વર્ષો વીતી ગયાં છે. નિત્યકર્મમાં અચૂક નિયમ રાખનાર રા’ની રસમો બદલાઈ ગઇ છે. રા’ સવારે મોડા ઊઠે છે. થાકેલા ને ઉત્સાહ વગરના દેખાય છે. નાની વાતોમાં એ ચ્હીડાય છે યે ખરા. ઉત્તર હિંદમાંથી પ્રભાતમાં વ્હેલું આવી પહોંચતું ગંગાજળ એકાદ પ્રહર પડ્યું પણ રહે છે.

એક પ્રભાતે કુંતાદેએ, વગર પૂછાવ્યે, પોતાનાં પાળેલાં, ભીલભાઇએ આપેલાં સિંહનાં બે બચ્ચાંને સાથે લઇ રા’ના સૂવાના સ્થાન પર આવી ને પૂછ્યું: ‘છોકરીઓ, ઊઠ્યા છે રાજ ?’

‘અરધાપરધા ઊઠ્યા છે. વરધી દઇએ ?’ છોકરીઓ સાવઝોથી ડરતી ડરતી બોલી.

‘વરધી વળી શું દેવી છે!’

એમ કહેતી સડેડાટ કુંતાદે બંને સિંહોને રસીથી દોરતી રા’ના ઓરડે પહોંચી. કુંતાદેથી રા’એ હજુ ડરવાનું છોડ્યું નહોતું; ભલે એણે કુંતાદેનું શયનગૃહ છોડ્યું હતું, કુંતાદેના હાથનું ભોજન છોડ્યું હતું. કુંતાદેની નજરે ટટ્ટાર અને સ્વસ્થ દેખાવા એણે પ્રયત્ન કર્યો પણ કુંતાદે વરતી ગયાં. એણે કહ્યું – ‘ગંગોદક આવીને એક્કેક પહોર સુધી પડ્યું રહે છે.’

‘હમણાં ન્હાઇ લઉં છું.’ બગાસું રોકવા રા’મથ્યા.

‘હમણાં એટલે ક્યારે?’

‘કસૂંબો પી લઉં.’ રા’ આળસ મરડતા મરડતા અટકી ગયા.

‘લ્યો હું કસુંબો પાઇ લઉં.’

‘એમાં કંઇ નહિ વળે.’

‘કેમ કાંઇ નહિ વળે?’

‘નાગાજણ ગઢવી આવીને હમણાં પાશે.’

‘અમૂક માણસ પાય ત્યારે જ કસૂંબો ઊગે-એવા કેદી કેમ બન્યા છો ?’

‘મઝા આવે છે.’ રા’ના મોંમાં એ બોલતાં બગાસાં ઉપર બગાસાં આવતાં હતાં.

‘આ મઝામાં સારાવટ નથી.’ કુંતાદે હસવું છોડીને જરા કરડું વેણ બોલ્યાં.

‘દેવી !’

‘ના, દેવી ન કહો, જે એક વાર કહેતા તેનું તે જ તોછડું નામ દઇ બોલાવો.’ કુંતાદે ઝંખતી હતી ‘દેવડી’ શબ્દનું સંબોધન સાંભળવા.

‘હવે જીભ ઉપડે કાંઇ ?’

‘કેમ, હું બહુ વૃદ્ધ બની ગઇ છું ?’

‘ના, વડીલ છો .’

‘મારા રા’ ! આ છેતરપીંડી ને આ રમત છોડી દિયો.’

‘છેતરપીંડી કેમ ?’

‘રાતે રામાયણ સાંભળવા ને મને રોજે રોજની વાતો કહેવા બેસતા હતા એ પણ હવે છોડી દીધું. ને પૂછું છું ત્યારે કહો છો કે દેવી તમને કષ્ઠ નથી દેવા માગતો. ભલે મને છોડી દીધી, પણ હવે શું ગંગોદકને ય છોડવું છે ? ગંગાજળિયાની છાપ મળી ગઇ એટલું જ બસ છે શું રા’? એ ગંગાજળનાં પાણીને હું રોતી નથી. પણ એ પાણીને ટીપે ટીપે તમારી રોમરાઇની પવિત્રતાની ને સંસ્કારની ખુમારી રહેતી, તે ગઇ છે એટલે રોઊં છું. ગંગાજળને તમે અફીણની પ્યાલીમાં રેડી દીધું છે.’

‘કોના ઘોડાની હણહણાટી થઇ?’ રા’ સ્હેજ સ્ફૂર્તિમાં આવ્યા. ‘નાગાજણ ગઢવી આવી પહોંચ્યા ને ?’

‘નથી શોભતું રા’ ! આમ ભાન ભૂલવું નથી શોભતું.’

આળસ મરડી રહેલા રા’ને શરીરમાં તોડ થતી હતી. સૂઇ જવું હતું. કુંતાદેનું રોકાવું એને કડવું ઝેર લાગતું હતું.

‘હવે મૂંઝાવા જેવું નથી હો દેવી !’ રા’એ આગલી રાતે ગૂજરાતમાંથી આવેલા સમાચાર કહ્યા : ‘ગૂજરાતના તખ્તા પર તો એક તેર વરસના તિતાલી ભિખારી છોકરાને બેસારી દીધો છે. અને ત્યાં તો પાછા ફરીવાર બખેડા ઉપડ્યા છે. એઇ ને આપણે તો લેર છે.’

‘રાતે નશામાં બોલતા હશો તે ઠીક છે, પણ અત્યારેય ગાંડપણમાં બોલો છો ? શું હું તમને ગૂજરાતના સુલતાનથી ડરાવી રહી છું ?’

‘ના, આ તો તમને તમારા દૂધ ચોખાની ચિંતા હોય તો…’

‘ઘણું થયું ગંગાજળિયા ! ગૂજરાતનો સુલતાન આંહી ઊતરશે તે દિ’ હું દૂધ ચોખા સાચવવા નહિ બેસું રા’ ! તે દિ’તો મારા કોડ તમારા બખ્તરની ક્ડીઓ બીડવાના હશે, તમને હાથમાં સમશેર આપવાના હશે.’

‘ના રે, એવું કાંઇ કરવાની જરૂર નહિ રહે. એ તો ગૂજરાતમાં હાલી પડી છે માંહોમાંહ મારામારી ને કાપાકાપી. અને નાગાજણ ગઢવી તો કહે છે ને – છાતી ઠોકીને કહે છે- કે આ ઘનઘોર ઝાડીએ વીંટ્યો આપણો ઊપરકોટ, અને બીજા આપણા ગરવાદેવ માથેનો ઊપરકોટ, ત્યાં સુલતાનનો બાપ પણ પોગે એમ નથી. મારે બીજી શી ફિકર છે ?’

એટલામાં તો સાચેસાચ ઘોડાનો જાણીતો હહણાટ થયો. નાગાજણ ગઢવી આવી પહોંચ્યો. રા’એ કહ્યું, ‘દેવી ! આ સાવઝથી નાગાજણ ભાઇ ડરશે હો ! અંદર પધારશો ?’

સામે બારણે નીસરણી ઉપર નાગાજણ ચડતો આવતો હતો. પાછલે બારણેથી કુંતાદે બહાર ચાલી નીકળ્યાં.

કસૂંબાની પ્યાલીઓ તૈયાર હતી. નાગાજણે પાતાં પાતાં ખબર આપ્યા કે ‘વીજા વાજાએ ગુપ્ત પ્રયાગમાં જઈ બ્રાહ્મણોને કાપી નાખ્યા. સવાશેર જનોઇના ત્રાગડા ઊતર્યા.’

‘એ..મ ! ઓહો ! ત્યારે તો……’ બાકીનો આનંદ રા’ની જીભે નહિ પણ મુખની રેખાઓએ પ્રદર્શિત કર્યો.

‘અને બીજું અન્નદાતા !’ નાગાજણે વિશેષ ખબર આપ્યા. ‘વીકાજી કાકાએ બહારવટે નીકળવાની તૈયારી કરી છે.’

વીકાજી સરવૈયા રા’ના ભાયાત થતા હતા.

‘બાપડો વીકોજી કાકો ! રા’એ કસૂંબાના ચડતા તોરમાં કહ્યું : ‘એની સરવા ગામની ચોવીશી મારે ઝૂંટવી લેવી પડી છે, કેમકે એને ય લૂંટફાટ કરવી છે. એને ખબર નથી કે દુદાજીને રોળી નાકનાર રા’ની ભુજાઓ હજી તો લાંબી છે.’

એમ કહેતે કહેતે રા’એ ભૂજાઓ લાંબી કરી. પણ એ ભૂજાઓ હવે ભરાવદાર નહોતી રહી. એ હાથ ધૂજતા હતા. ‘એ તો ભલે બહારવટું કરે. પણ હેં નાગાજણ ભાઇ ! તમે કાલે જે વાત કરી, કે અપ્સરાઓ મૃત્યુલોકમાં પણ હોય છે, તો એની એંધાણી શી ?’

‘એક એંધાણી તો એ બાપ, કે અપ્સરાના હાથપગના નખ ઉતારીને જો તમે તડકામાં રાખોને, તો એ ઘી ઓગળે તેમ ઓગળી જાય.’

‘ઓગળી જાય ? પાણી થઈ જાય ?’

‘હા અન્નદાતા.’

‘એવાં સુકોમળ રૂપ મરતલોકમાં પડ્યાં છે હેં ! ખરૂં કહો છો ?’

‘હા બાપ, પૃથ્વી ક્યાં વાંઝણી છે ?’

‘આહાહા ! એવી અપ્સરા કોઇ દીઠામાં કે સાંભળવામાં ન આવી.’ રા’એ અફસોસ બતાવ્યો.

‘પણ હું કહું છું તેમાં અંદેશો ન રાખજો અન્નદાતા ! અપસરાઉં મરતલોકમાં પડી છે.’

‘વાહ ! ધન્ય ભાગ્ય છે એનું જેને ઘેર અપસરાઓ હશે.’

નાગાજણ ચૂપ રહ્યો. છતાં એના મોં ઉપર એક છૂપી ગર્વની લાગણી હતી.

‘તમને ખબર છે ખરી ?’ રા’ રાંકડો બની પૂછતો હતો.

‘હવે એ વાત જાવા દઈએં બાપા ! જેટલી ખબર હોય છે એટલી બધી કાંઇ કહી નથી શકાતી. ને કેટલીક વાતોનું અજ્ઞાન પણ ભલું છે.’ નાગાજણે કાંઇક છુપાવી દીધું.

‘તમે ય નાગાજણ ભાઇ ! મારાથી ચોરી રાખશો ?’

‘ચોરી નહી રા’ ! બધું જ્ઞાન બતાવવું ઠીક ન કહેવાય, હું પગે હાથ મૂકીને કહું છું કે વાતને જતી કરો.’

‘ના, મારે કાંઇ બીજું કામ નથી. પણ સંસારમાં જેટલું જ્ઞાન છે, તેટલું મેળવવાની મને ભૂખ છે. તમારી પાસેથી મને તો જ્ઞાનના ખજાના મળ્યા છે.’

વાતો ચાલતી હતી તેની સાથોસાથ નાગાજણ પોતાની અંજલિઓ પછી અંજલિઓ કસૂંબાથી ભરતો જતો હતો. રા’ અંજલિઓ પીધે જતો હતો અને નાગાજણ રંગ દેતો દેતો બોલતો હતો.

‘બિલ્લી જો પીવે તો બાઘહીકું માર દેવે
‘ગદ્ધા જો પીવે તો મારે ગજરાજકું’

‘આહોહો !’ રા’ રંગમાં આવ્યા હતા : ‘સંસારમાં જાણે આ પીધા પછી દુઃખ કે વેદનાનો છાંટો નથી રહેતો. ફિકર બધી ઓગળીને આ અંજલિમાં ડૂબી જાય છે. મે’ણાં ને ટોણાં, અપમાનની ઝડીઓ અને ઠપકા…… એ તમામનો બોજ શે સહ્યો જાત, જો નાગાજણ ભાઈ તમે ન હોત તો !’

રા’ની આંખો ઘેઘૂર છતાં એના અવાજમાં દર્દ હતું. નાગાજણે પૂછ્યું ‘બાપ, કેમ આજ આમ બોલી રહ્યા છો? ”

‘કાંઈ ગમતું નથી. કુંતાદે ઠપકો દઈ ગયાં, પણ મને બીજું કાંઈ સૂઝતું નથી. તમારો શો વાંક ? મને જ કોઈક અદૃશ્ય હાથ ખેંચી રહ્યો છે. અશ્વોના હણહણાટ, નગારે ધ્રોંસા, સમશેરની સબાસબી, બખ્તરની કડીઓના ઝંકાર, પ્રભાતની લશકરી કવાયતો, આ ડુંગરમાળ ઉપર ગેડીદડા જેવી ગાજતી ઘોડાંની દોટમદોટ…એ બધું મને હવે ખારૂં ખારૂં લાગે છે. ડૂબી જ રહું જાણે, તમારી આ એક અંજલિમાં ડૂબીને પડ્યો રહું, એક જુગ જેવડી રાત લંબાય, સમુદ્રના તળિયા સુધી નીંદરના ઊંડાણ ખોદાય, ને વાર્તાઓ સૂણું ફક્ત એક અપ્સરાઓની……….’

રા’ બોલતા હતા તે વાણીમાં શરાબની લવારી નહોતી. અફીણના મદનો એક પછી એક ચોખ્ખો બોલ હતો. બોલ સાંભળી સાંભળી નાગાજણ બ્હીતો બ્હીતો રાજી થતો હતો.

રા’ના હૃદયમાં કાંઈક શૂળ છે, કોઈ બારીક કાંટો કલેજાંને ત્રોફી રહ્યો છે. રા’ કાંઈક ન ભૂલી શકાય એવું ભૂલવા મથે છે. રા’નો જીવ કોઈક ગિરિ-ટોચેથી ઊતરીને થાક્યો પાક્યો એકાએક અતલ ખીણમાં લસરવા ચાહે છે. ઊંચાણો ઉપર ઊભેલા રા’ને જાણે તમ્મર આવે છે.

‘અન્નદાતા ! મારા હાડચામડીના ખાળુ ! તમને શું મૂંઝારો છે ?’

‘નાગાજણભાઈ !’ રા’નો સાદ સાવ ધીરો બન્યો. ‘કોઈને કહેતા નહિ હો ? કહું ? કહું ? સાંભળો. એ હમીરજી ગોહિલનો બેટો ક્યાં છે ? આંહી નથી ને ? આંહી હવે આવતો નથી ને ? તમે તપાસ કરાવજો હો ! એની પાસે એક ચંદન ઘો છે.’

‘અરે પણ શું છે ? ડરો છો કેમ રા’ ? દાંત કેમ કચકચાવો છો ?’

‘એ ચંદન ઘોને ભીલનો છોકરો ક્યાં ચડાવે છે જાણો છો ? હું જાણું છું. બીજું કોઈ નથી જાણતું. ઉપરકોટની પાછલી રાંગે, આ પાતાળી ખોપનાં ઝાડવાં ટપતો ટપતો એ કાળી રાતે આવે છે. એ રાંગની હેઠે ઊભો રહે છે. ચંદન ઘોને રાંગની ટોચે ચડાવે છે. ને પછી પોતે એ રસી પકડીને ચડે છે, ચડે છે, ને-ને આવે છે-ક્યાં, કહું ? ના, નહિ કહું. કોઈને કહેવા જેવી વાત નથી. કુંતાદે જાણે તો મને મારી નાખે, મને ઝેર આપે. માટે તો હું એને મહેલે થાળી જમતો નથી.’

‘અરે પણ આ શું છે ? મારી એકની આગળ તો હૈયું ઠાલવો ! ભાર ઓછો થશે.’

‘એ ચડીને આવે છે કુંતાદેના ગોખમાં. ને-ને એ જુવાન ભીલડો કુંતાદે સાથે વાતો કરે છે.’ રા’ના સ્વરમાં રૂદન હતું.

નાગાજણના મોંમાં શબ્દ નહોતો.

ચૂપકીદી ઠીક ઠીક સમય ચાલુ રહી. નાગાજણે રા’ને ચાર વધુ અંજલિ કસૂંબો લેવરાવ્યો. રા’ ગુલતાનમાં આવી ગયા ને બોલ્યા, ‘કૂવામાં પડે બીજી બધી વાતો. નાગાજણભાઈ, અપ્સરાઓની વાતો કરો. તરેહ તરેહની અપ્સરાઓ વર્ણવો. તમામ વાતોમાં મીઠામાં મીઠી તો બસ, અપ્સરાઓની જ વાતો છે. અપ્સરાનીને રાજકુંવરની વાતો.’

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા’ ગંગાજળિયો માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!