કરમનઘાટ હનુમાનજી મંદિર -હૈદરાબાદ

ભલે વેદકાળમાં ભગવાન હનુમાનજીનો ઉલ્લેખ ના થયો હોય પણ પુરાણો અને રામાયણમાં ભગવાન હનુમાનજીની કથાઓ- ગાથાઓ ભરપુર ગાવામાં આવી છે. ભગવાન હનુમાનજી પરમ કૃપાળુ પરમેશ્વરની સૌથી વધુ લોકપ્રિય અવધારણાઓ અને એક ઉત્તમ મહાકાવ્ય રામાયણમાં સૌથી મહત્વપૂર્ણ પાત્રોમાંના એક છે !!! ભગવાન હનુમાનજી ભગવાન શિવજીનાં રુદ્રાવતાર સૌથી વધારે તાકતવર અને પ્રખર બુદ્ધિશાળી છે

રામાયણ અનુસાર ભગવાન હનુમાનજી એ પ્રભુ શ્રી રામચંદ્રજીનાં પરમ ભક્ત અને માતા જાનકીનાં અતિપ્રિય છે. આ આપણી સાંકૃતિક પાવન ધરા પર જે સાત લોકોને અમરત્વનું વરદાન પ્રાપ્ત છે ભગવાન હનુમાનજી એમાંનાં જ એક છે. ભગવાન હનુમાનજીને લોકો ભગવાન બજરંગબલી તરીકે વધુ ઓળખે છે કારણકે તેઓ આ જન્મ બ્રહ્મચારી અને અત્યંત બળશાળી છે. એટલે જ તેઓ સંપૂર્ણ ભગવાન કહેવાય છે !!!રામાયણમાં જે ઘટનાઓનો ઉલ્લેખ થયો છે તે બધી જ લગભગ આજનાં દક્ષિણ ભારતમાં બની છે દક્ષિણ ભારતમાં પણ રામાયણ અત્યંત લોકપ્રિય છે એટલે જ ત્યાં રામાયણની દક્ષિણ ભારતીય આવૃત્તિ એક નવીજ શૈલીનું રામાયણ “કંબન રામાયણ” વધુ પ્રચલિત છે. આ દક્ષિણ ભારતની એક ખાસિયત એ પણ છે કે તેઓ રાવણનાં પણ પૂજક છે એટલે જ અહી રાવણની વિશાળકાય પ્રતિમાઓ જોવાં મળે છે તો ભગવાન હનુમાનજીની તો આ કર્મભૂમિ છે એટલે અહીં ભગવાન હનુમાનજીનાં મંદિરો વધુ પ્રમાણમાં જોવાં મળે છે ભગવાન શ્રી રામચન્દ્રજીનાં તો મંદિરો હોય જ ને વળી !!!

ભગવાન હનુમાનજીની એક આવડત હતી તેઓ ઉડતાં હતાં તે આમેય વાયુપુત્ર હોવાથી તેઓ પલક ઝપકતાં જ ગમે ત્યાં પહોંચી જતાં હતાં. ભગવાન હનુમાનજી શ્રીલંકા માંથી હિમાલયમાં સંજીવની જડીબુટ્ટી લેવાં પણ છેક દક્ષિણમાંથી ઉત્તરમાં આવી શકતાં હતાં તો પાતાળલોકમાં જઈને અહિરાવણ અને મહિરાવણને પંચમુખી સ્વરૂપ ધારણ કરીને મારી શકતાં હતાં આમેય ભગવાન શ્રીરામચન્દ્રજી એ અયોધ્યામાંથી રાવણને મારવાં શ્રીલંકા સુધી લાંબા થયાં હતાં. ભગવાન હનુમાનજીની તેમની ઉડવાની ગતિ જોતાં તો એમ જરૂર કહી શકાય કે ભગવાન હનુમાનજી એ વૈશ્વિક પ્રવાસી જ ગણાય એટલાં જ માટે માત્ર ભારતમાં જ નહી પણ સમગ્ર વિશ્વમાં ભગવાન હનુમાનજીનાં મંદિરો સ્થિત છે જેનો ઉલ્લેખ ક્યાંક ક્યાંક પુરાણકથાઓમાં થયેલો જોવાં મળે છે

ભગવાન હનુમાનજી મૂર્તિઓ બધે જ માનવ નિર્મિત નથી હોતી. આવું તો ભારતમાં ઘણે બધે ઠેકાણે જોવાં મળે છે. જે વાત પંચમુખી હનુમાન મંદિર કરાંચીમાં મેં કરી હતી તે કદાચ ખોટી ઠરતી હોય એવું લાગે છે !!! અલબત્ત કરાંચીના એ પંચમુખી હનુમાનજી જગ્યા ૧૭ લાખ વર્ષ પુરાણી છે જ પણ મૂર્તિ વિષે અસમંજસ જરૂર થાય છે !!! કારણકે આવી જ એક ઘટના તેલંગાણાનાં કરમનઘાટ હનુમાન મંદીરમાં પણ બની હતી. કરમનઘાટ એ તેલંગાણાની હાલની રાજધાની હૈદરાબાદમાં આવેલું કે અતિસુંદર અને ભવ્યાતિભવ્ય મંદિર છે !!!

તેલંગાણા એ આમ તો હમણાં જ આંધ્ર પ્રદેશમાંથી છુટું પડેલું રાજ્ય છે. આ તેલંગાણાએ એનાં પ્રાચીન મંદિરો માટે પ્રખ્યાત છે. તેલંગાણા પ્રવાસન ખાતાંએ આવાં પ્રાચીન મંદિરો અને એનાં અન્ય જોવાંલાયક સ્થળોએ વધુને વધુ પર્યટકો આવે એ માટે રીતસરની ઝુંબેશ ચલાવી છે !!! જેનો પ્રતિસાદ પણ એણે સારો જ સાંપડયો છે. ભગવાન હનુમાનજી અને એમની પત્ની સુવાર્ચાલાનું વિશ્વમાં એક અને માત્ર એક મંદિર આ તેલંગાણા રાજ્યમાં જ સ્થિત છે જે આપણે જોયું-જાણ્યું -વાંચ્યું અને સમજ્યું !!! આ રાજ્યમાં અન્ય ભગવાન હનુમાનજીનાં મંદિરો પણ ઘણાં જ છે પણ એમાં એક મંદિર એવું પણ છે જે માત્ર એની ભવ્યતા અને સુંદરતાને લીધે જ નહીં પણ એની ઐતિહાસિકતાને લીધે પણ વધુ જાણીતું છે અને તે છે —— કરમનઘાટ ભગવાન હનુમાનજીનું મંદિર !!!

દક્ષિણ ભારતનાં મંદિરોની એ આગવી શૈલી છે તે છે એનાં ગોપુરમ ને જ લીધે સમગ્ર દક્ષિણ ભારતનાં મંદિરો વધુ પ્રખ્યાત બન્યાં છે !!! કદાચ આ ભગવાન હનુમાનજીનું મંદિર એ દક્ષિણ ભારતનું એક એવું મંદિર હશે કે જેને ગોપુરમ હોય !!! આ ગોપુરમને લીધે જ મંદિરનો ઉઠાવ આવતો હોય છે !!! આ મંદિર આમ તો આખું એક મોટું મદિર સંકુલ છે જેની શાપ્ત્ય શૈલી એ તેલંગાણાની પોતાની જ છે એને આંધ્ર પ્રદેશ સાથે જરૂર લાગુ પાડી શકાય. હવે દક્ષિણ ભારતનાં મોટાભાગના મંદિરો એ મંદિર સંકુલો જ છે આ મંદિરમાં પરંપરાગત કોઈ એક ગામનો દરવાજો હોય એવી રીતે જાણે આપણે કોઈ ગામમાં કે નગરમાં દાખલ થતાં હોઈએ એમ દાખલ થવાનું હોય છે પછી જ આ મંદિર આવે છે !! આ મંદિર મુખ્યત્વે તો ભગવાન હનુમાનજીનું મંદિર છે પણ આ મંદિર સંકુલમાં ભગવાન શ્રી રામચન્દ્રજી, ભગવાન શંકર, ભગવાન ગણપતિજી,ભગવાન જગન્નાથજી, ભગવાન વેણુગોપાલસ્વામી,માં દુર્ગા અને માં સરસ્વતીનાં માં સંતોષી માતાનાં મંદિરો અને મૂર્તિઓ સ્થિત છે જે આ મંદિરની શોભાં વધારે છે !!!

આ મંદિરની બાહ્ય દિવાલોઅને અંદરની દિવાલો અને લગભગ ગણી બધી જગ્યાએ એનો રંગ સિંદુરીયો છે. એનાં સ્તંભો અને મુખ્ય દરવાજાનું ગોપુરમ એ સાફેદ રંગથી રંગાયેલું છે. મંદિરના સ્તંભો જે દક્ષિણ ભારતની એક આગવી વિશેષતા છે તેના પર ઉપરી ભાગમાં શિલ્પાકૃતિઓ છે. જે ચતુષ્કોણીય છે અને એની નીચે એને લાલ રંગની બે- ચાર પટ્ટીઓ જે લાલ રંગથી રંગવામાં આવેલી છે. આ મંદિરમાં એક ઉંચો ઝરુખો બનાવેલો છે જે આ મંદિરને એક અલગ જ ઓપ આપે છે. આ ઝરુખો તમને નેપાળનાં લલિતપુર પાટણની યાદ અપાવી જવાં માટે પુરતો છે. દક્ષિણ ભારતની એક બીજી વિશેષતા છે કે અહી લાકડાનો પણ ઉપયોગ થયેલો જોવાં મળે છે. જેની કોતરણી અદભૂત છે અને એજ આ ઝરુખાને એક અલગ અંદાઝથી રજૂ કરે છે અને એને સામાન્ય દિવાલથી જુદો પાડે છે આ ઝરુખો એ શિકાર બુરજ જેવો જ લાગે છે કે કદાચ ત્યાં કોઈ અક્રમણકારો આક્રમણ ના કરે તે માટે પહરેદારોને ચોકી કરવાં માટે પણ બનાવ્યો હોય એવું પણ બને !!! પણ એનાં રૂમો અને કઠેડો જોતાં એવું લાગતું તો નથી. મૂલતઃ આ મંદિરનો ભગવાન હનુમાનજી ટાવર છે જેમાં થઈને જ મંદિર પરિસરમાં દાખલ થવાય છે જે આ મંદિરની વિશેષતા જ ગણાય !!! પછી જ ગોપુમરમાં થઈને મુખ્ય મંદિરમાં દાખલ થવાય છે.

hanuman-temple1

મંદિરના દરવાજાની ઉપર ભગવાન હનુમાનજીની ઋષિમુદ્રામાં બેઠેલી મૂર્તિ પણ છે !!! સાથે સાથે ભગવાન વિષ્ણુનાં દશાવતારનાં પણ શિલ્પો છે. આ મંદિરની બાહ્ય દીવાલનો ઉપરીભાગ અને અંદરનું એક ગોપુરમ એદક્ષિણ ભારતમાં લગભગ બધે જ જોવાં મળતાં ગોપુરમ જેવાં જ છે. એ જ પચરંગી રંગો અને એવાં જ શિલ્પો. આ શિલ્પોમાં ત્યાનાં લોકોની રહેણીકરણી અને પહેરવેશ અને તેમની વિવિધતાને ખુબ જ પ્રાધાન્ય અપાયું છે !!! આ મંદિરમાં આગળથી અને પાછળથી એમ બંને જગ્યાએ પ્રવેશદ્વારો છે પણ પાછલાં દરવાજે ગોપુરમ નથી અને દક્ષિણ ભારતનાં બીજાં મંદિરોની જેમ ચારે બાજુએ પ્રવેશદ્વારો નથી. મંદિરમાં બહાર જે દરવાજો છે એનાં પર પણ ભગવાન હનુમાનજીની હાથમાં ગદા લઈને ઊભેલાં છે એનું શિલ્પ-મૂર્તિ છે !!! આ મંદિરમાં મુખ્ય ભગવાન હનુમાનજીની જે મૂર્તિ છે તે ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલાં ભગવાન હનુમાનજીની છે. એટલે જ જ્યારે આ મંદિર બંધાયું ત્યરે તેનું નામ ——— ” ધ્યાન આંજનેય સ્વામી ” એવું રાખવામાં આવેલું. જેનું નામ કરમનઘાટ કેવી રીતે પડયું તેનો પણ એક ઈતિહાસ છે. જે તમને હું જણાવવાનો જ છું. આ ધ્યાનસ્થ ભગવાન હનુમાનજી જાણે શાંત મુદ્રામાં બેસીને આપણને એટલે કે દરેક ભક્તોને આશીર્વાદ આપતાં હોય એવું લાગે !!!

કરમનઘાટ ભગવાન હનુમાનજી મંદિરનો ઈતિહાસ ——-

કરમનઘાટ એ તેલંગાણા અને હૈદરબાદની આસ પાસ આવેલાં હિંદુ પ્રાચીન મંદિરોમાંનું એક છે. આ મંદિર એ ઇસવીસનની બારમી સદીમાં એટલે કે લગભગ ઇસવીસન ૧૧૪૩માં બનેલું છે !!! આ મંદિર એ ભગવાન હનુમાનજીનું તે સમયમાં બનેલું તેલંગાણામાં બનેલું પહેલું મંદિર છે. આમ તો સમગ્ર ભારતમાં ભગવાન હનુમાનજીનાં મંદિરો ઘણાં પ્રાચીન છે જે આ સમય પહેલાં ઘણાં વર્ષો પૂર્વે પણ બન્યાં છે પણ તેલંગાણામાં બન્યું નહોતું !!! આ મંદિર અહીં જ કેમ બન્યું તેનો પણ એક ઈતિહાસ છે —–

એક વખત ત્યાંના કાકટીયા વંશનો રાજા પ્રતાપરાય રુદ્ર (દિત્ય)શિકાર કરવાં નીકળ્યો હતો. શિકાર કરવાનું સ્થળ એમનાં રાજ્યથી ઘણું દૂર હતું. શિકાર તો ભાઈ જંગલમાં જ કરાય એ કંઇ નગરમાં તો ન જ કરાયને વળી અને નગરો કંઇ જંગલોમાં તો વસેલાં નથી જ હોતાં જંગલો તો નગરોથી ઘણે જ દૂર હોય છે, પણ આવાં જંગલો ક્યરેક શોધવાં પડે કે ક્યારેક આ જગ્યાએ આવાં જંગલો છે એવી એમને પહેલેથી જ ખબર હોય અથવા એમનાં સૈનિકો કે જે એમની સાથે જતાં હોય તેઓ દ્વારા અથવા તેમનાં મંત્રીઓ દ્વારા તેમણે તે ખબર પડતી હોય છે આખેટ રાજવીઓની બહુ પુરાણી આદત છે. આખેટ પર ના જાય એ રાજા જ ન કહેવાય !!! રાજા આ જંગલમાં આવ્યો. જંગલ બહુજ ગાઢ હતું. રાજા પોતાનાં સૈનિકોથી વિખુટો પડી ગયો હતો અને સાંજ પણ પડી ગઈ હતી. રાત પણ પડવાની તૈયારીમાં જ હતી. રાજા બહુજ થાકી ગયો હતો. તેને વિચાર્યું કે કેમ ના એક ઝાડ નીચે જ વિશ્રામ કરવામાં આવે !!!

રાજાએ એક ઝાડ શોધ્યું અને એની નીચે જ આરામ કરવાં અને પોતાનો થાક ઉતારવાં લંબાવ્યું. રાજા ત્યાં જ સુઈ ગયો એ થાકેલો હોવાથી એને તરત જ ઊંઘ આવી ગઈ પણ અચાનક મોડી રાત્રે એની ઊંઘ ઉડી ગઈ !!! ત્યાં તેનાં કાને “રામ …..રામ …..” એવું સ્પષ્ટ ઉચ્ચારણ સાંભળ્યું. તેને કુતુહલ થયું કે આવા ગાઢ જંગલની વચ્ચે આવો ભગવાન રામચંદ્રજીનો જાપ કોણ કરે છે તે જોવાં માટે આજુબાજુની જગ્યાઓ ખુંદી વળ્યો આટલી મોડી રાત્રે અને આવાં અંધકારમાં અહી વળી કોણ છે કે જે રામનામનો જાપ જપે છે !!! રાજાને વિસ્મય થયું. એણે આસપાસ બહુજ નજર દોડાવી પણ કોઈ જ દેખાયું નહીં પણ એનાં કાને રામનામનો જાપ સંભળાતો જ જતો હતો લગાતાર !!! રાજાની જીજ્ઞાસા વધી ગઈ એણે સઘન શોધખોળ કરી કે ખરેખર આ અવાજ ક્યાંથી આવે છે તે !!! ત્યાં અચાનક એ રાજાની નજરે એક ઝાડ નીચે ભગવાન હનુમાનજીની મૂર્તિ દેખાઈ. આ મૂર્તિ બેહદ આકર્ષક હતી કારણકે આ મૂર્તિ ધ્યાનમુદ્રામાં બેઠેલાં ભગવાન હનુમાનજીની મૂર્તિ હતી !!!

બહુ ધ્યાનથી રાજાએ જોયું કે રામનામનો જાપ આ મૂર્તિમાંથી જ આવતો હતો તો રાજા વધુ આશ્ચર્યચકિત થઇ ગયો કે કેવી રીતે કોઈ એક મૂર્તિ રામનામનો જાપ કરી શકે ? રાજા લગાતાર એકીટસે એ ભગવાન હનુમાનજીની મૂર્તિને જ જોયાં કરતો હતો જાણે કે એ રાજા અને ભગવાન હનુમાનજીની એ મૂર્તિ બંને એકબીજાંમાં મગ્ન ના હોય. થોડીવાર આમ ધ્યાનમગ્ન બેસી રહ્યાં પછી રાજાને જાણે એવું લાગ્યું કે એની સામે સાક્ષાત ભગવાન હનુમાનજી જ જીવતાંજાગતાં ના બેઠાં હોય !!! જાણે ભગવાન હનુમાનજી જ પ્રભુ શ્રી રામચંદ્રજીનું સમરણ કરી રહયાં છે ——“શ્રી રામ ….શ્રી રામ !!!”

Karmanghat_Hanuman_Temple

હવે રાજાને એ એહસાસ થયો કે આ તો કોઈ મૂર્તિ -બુર્તિ નથી પણ સ્વયં સાક્ષાત ભગવાન હનુમાનજી જ હાજરા હજૂર છે અને એ પણ એમની સામે જ !!! રાજા તો ત્યાંજ નતમસ્તક થઈને બેસી ગયો અને ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરવાં લાગ્યો. એ ઘણી વાર ત્યાં બેસી રહ્યો અને પ્રભુ શ્રી રામચંદ્રજીનું સ્મરણ કરવાં લાગ્યો અત્યંત આસ્થાપૂર્વક !!! ભગવાનની ભક્તિમાં એ રાજા તલ્લીન થઇ ગયો. હવે રાજાએ એ ભગવાન હનુમાનજીની મૂર્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ઘણો સમય તેઓ ત્યાં પ્રાર્થનાની મુદ્રામાં બેસી રહ્યાં. ઘણો વખત ત્યાં બેઠાં અને પ્રાર્થના કર્યા પછી રાજા પાછાં એ ઝાડ નીચે સુવા માટે આવતાં રહ્યાં. રાત ઘણી વીતી ચુકેલી હતી અને આમેય રાજા થાકેલાં તો હતાં જ એટલે એમને પાછી તરત જ ઊંઘ આવી ગઈ. મોડી રાતનાં એમણે સપનામાં ભગવાન હનુમાનજી એ દર્શન દીધાં અને રાજાને કહ્યું કે

” હે રાજન ……. અહી મારું મંદિર બંધાવો !!!” હવે રાજાની ઊંઘ જ ઉડી ગઈ અને કેમેય કરી એમને પાછી ઊંઘ આવતી જ નહોતી રાજા આ બાબતમાં વિચારમાં પડી ગયાં એમણે તો મોડી રાતનાં જ પાછું પોતાનાં રાજ્ય ભણી પ્રસ્થાન કરી દીધું !!! રાજાએ બીજાં દિવસે સવારે પોતાનાં મંત્રીઓ, પ્રજાજનો, વિદ્વાનો અને પંડિતોને બોલાવ્યાં. એક વિશેષ આપાતકાલીન બેઠક બોલાવવામાં આવી !!! રાજાએ એ બધાં અગલ પોતાનાં સ્વપ્નની વાત કરી અને કેવી રીતે એમને ભગવાન હનુમાનજીનાં દર્શન થયાં એની પણ વાત કરી !!! રાજાએ બધાં આગળ ત્યાં મંદિર બનાવવાં માટે પ્રસ્તાવ મુક્યો. સૌએ એ વધાવી લીધો અને રાજાને કહ્યું કે “હે રાજેન્દ્ર …… તમે નિશ્ચિતરૂપે ત્યાં મંદિર બનાવો આનાથી તમને યશપ્રાપ્તિ થશે અને તમારી કીર્તિ ચારેકોર ફેલાશે !!!” ટૂંકમાં સૌએ પ્રસ્તાવ સ્વીકારી લીધો !!!

શુભ મુહુર્ત કાઢવામાં આવ્યું અને એ શુભ મુહુર્તમાં મંદિરનું નિર્માણ શરુ કરવામાં આવ્યું. જે જગ્યાએ ભગવાન હનુમાનજીની મૂર્તિ તેમણે મળી હતી ત્યાં જ એ મંદિર બનાવવમાં આવ્યું. મંદિર બહુજ ઝડપથી બની ગયું ત્યાં ભગવાન હનુમાનજીની આ ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલાં ભગવાન હનુમાનજીની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી. આ મંદિરનું નામ આપવામાં આવ્યું ધ્યાન અંજનેય મંદિર. આ અપ્રભંશ છે હકીકતમાં આ મંદિરનું નામ છે ધ્યાનનંજય મંદિર. આમાં ખાલી સંધિ જ છૂટી પાડીને એનું નામ ધ્યાન અંજનેય મંદિર રાખવામાં આવ્યું છે. જે વધારે સાચું અને સાર્થક પણ છે જ !!! કોઈક એમ કહે છે કે અ મૂર્તિ રાજાએ નવી જેવી તેમણે ત્યાં જોઈ હતી એવી જ બનાવડાવીને એનું સ્થાપન કર્યું હતું તો વળી કોઈક એમ પણ કહે છે કે એ મૂર્તિ એ જ છે જેમણે રાજાને દર્શન આપીને આ મંદિર અહીં બનવવાનું કહ્યું હતું !!!

આ મંદિરની વાતો અને એનાં ચમત્કારોની વાતો ધીરે ધીરે બીજાં રાજ્યોમાં ફેલાવા લાગી. લોકો અહીં આવવા લાગ્યાં અને મૂર્તિ અને મંદિર જોઇને અભિભૂત થવાં લાગ્યાં. લોકોની આસ્થા પણ આ મંદિરમાં ભગવાન હનુમાનજી પ્રત્યે વધી ગઈ. બહુ દુર દુર સુધી આ મંદિરની કીર્તિ ફેલાઈ ગઈ અને આ ભારતનું એક અદભૂત ભગવાન હનુમાનજીનું મંદિર ગણાવાં લાગ્યું !!! પણ ભગવાન હનુમાનજીના મુખ્ય ચમત્કારની વાત તો હજી બાકી જ છે !!! જે એક ઐતિહાસિક ઘટના છે !!!

કરમનઘાટ ભગવાન હનુમાનજી મંદિરની ઐતિહાસિક કથા ઈતિહાસ —

વ્યક્તિઓ જ ઈતિહાસ રચતાં હોય છે એવું દરેક વખતે બનતું નથી ક્યારેક ક્યારેક ભગવાન પણ ઈતિહાસ રચતાં હોય છે. જેને આપણે માત્ર દંતકથાઓ કહીને એને ઉવેખતાં હોઈએ છીએ. આવી દંતકથાઓ જ ભગવાનનાં મહાત્મ્ય અને એમનાં ચમત્કારો લોકો સુધી પહોંચાડવાં માટે જવાબદાર હોય છે. દંતકથા એટલે મોમાં દાંત ચબાવી જઈએ એવી ચમત્કારિક ઘટનાઓ -કથાઓ !!! આવી ઘટનાઓ તરફ લોકોનું ધ્યાન હંમેશા ઓછું જ પડતું હોય છે પણ તેનાથી કંઇ ભગવાનનાં ચમત્કારો ઘટતાં ઓછાં નથી થતાં કે એમનું મહાત્મ્ય આનાથી કંઇ ઓછું નથી થતું ઉલટાનું એ વધતું જાય છે અને લોકોમાં એનું કુતુહલ વધારેને વધારે ફેલાય છે !!! આવી જ એક ઐતિહાસિક ઘટના આ મંદિરમાં પણ બની છે

આ મંદિર બન્યું હતું ઇસવીસન ૧૧૪૩માં તો એનાં બન્યાં પછી એનાં ચમત્કારો લોકો સુધી પહોંચ્યાં પછી લગભગ ૫૦૦ વર્ષ પછી એટલે કે ઇસવીસન ૧૬૪૩ પછીનો કે લગભગ તેજ સમય એટલે મુહી -ઉદ -દિન મુહંમદ ઔરંગઝેબ જે ઇતિહાસમાં ઔરંગઝેબ તરીકે વધારે જાણીતો છે. એની સાથે પણ આ મંદિર સંકળાયેલું છે. ઔરંગઝેબ ઇતિહાસમાં આલમગીર એટલે વિશ્વ જીતવાં નીકળેલો એક યોદ્ધો એ તરીકે પણ જાણીતો છે !!! એવી તે કઈ વાત છે કે જે ઔરંગઝેબ સાથે સંકળાયેલી છે. મુગલ બાદશાહ ઔરંગઝેબ એ મુગલ સલ્તનતનો છેલ્લો જાણીતો બાદશાહ છે પછી જ મુગલ સલ્તનતનાં પાયા ડગવા માંડયા એમાં કારણભૂત હતાં મુગલકાળનાં નબળાં બાદશાહો અને અંગ્રેજોનું વધત્તો જતો ભારત પરનો સકંજો !!! આ ઔરંગઝેબ બેહદ લાલચુ, દુષ્ટ અને ક્રૂર હતો. આ ઔરંગઝેબનાં ૨ જ મકસદ હતાં ભારતીય મહાદ્વીપ પર એનો એની હકુમત કાયમ કરવી અને એનો બીજો મકસદ હતો ભારતના તમામ હિંદુ ધર્મનાં મંદિરો તોડવાં અને હિન્દુઓને મુસ્લિમ બનાવી તેમની પાસે મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવો !!!

ભારતમાંથી હિન્દુઓનો સર્વનાશ કરવો એજ એનો મુખ્ય આશય હતો. આ હેતુ અંતર્ગત એણે ભારતનાં ૧૫ મુખ્ય હિંદુ તોડયાં હતાં અને ઘણાં બીજાં તોડવાનો પ્રયાસ કર્યો હતો !!! જેમાં કાશી વિશ્વનાથ મંદિર, ગુજરાતનું સોમનાથ મંદિર અને કેશવ મંદિર મુખ્ય હતાં !!! આમ જોવાં જઈએ તો સમગ્ર મુઘલકાળમાં કુલ ૮૦૦૦ જેટલાં હિંદુ મંદિરો તોડાયાં હતાં. જેમાં સૌથી વધારે મંદિરોને નુકશાન તો મુઘલ સમ્રાટ ઔરંગઝેબના સમયમાં જ થયું હતું !!! જે વાત કદાચ બહુ જ ઓછાંને ખબર હશે !!! મુગલ સમયમાં ભારતમાં એમનું સામ્રાજ્ય વધારવાનો એમનો હેતુ જ ઇસ્લામનો ફેલાવો કરવો અને મંદિરો તોડવાં એ જ હતાં. સામ્રાજ્યવાદ આનાથી જ વધે છે !!! આ વિસ્તાર વધારવાની લાલસામાંને લાલસામાં એની નજર હૈદરાબાદનાં ગોલકોંડા કિલ્લા પર પડી કારણકે ઔરંગઝેબ ભલીભાતી જાણતો હતો હતો કે આ ગોલકોંડા કિલ્લામાં જ બહુજ કિંમતી ખજાનો છુપાયેલો છે. જેનું મુલ્ય લાખો-કરોડો રૂપિયામાં થતું હતું !!! એને આ ખજાનો કોઈપણ હિસાબે જોઈતો હતો !!! આ ખજાનો જ એણે લુંટવો હતો !!!

800px-Karmanghat_hanuman

એ વખતે ગોલકોંડાનો કિલ્લો એ કુતુબશાહી વંશના રાજાઓનાં હાથમાં હતો !!! કુતુબશાહી વંશના રજાઓ પાસે સૈન્ય તો હતું પણ તે નાનું હતું. કુતુબશાહી વંશના રાજાઓનું સૈન્ય એ ઔરંગઝેબના કુર અને વિશાળ સૈન્ય આગળ ક્યાં સુધી ટકતું ? કુતુબશાહી વંશનો રાજા હાર્યો અને ઔરંગઝેબે આ ગોલકોંડા કિલ્લો જીતી લીધો !!! આ કિલ્લા પર કબજો કર્યા પછી ઔરંગઝેબે ગોલકોન્ડા અને એની આજુબાજુનાં મંદિરોને દ્વસ્ત કરવાનું અભિયાન શરુ કર્યું !!! આ વખતે એનાં ધ્યાનમાં હૈદરાબાદનાં ભરી ઈલાકામાં સ્થિત આ ચમત્કારિક અને ખ્યાતિપ્રાપ્ત ભગવાન હનુમાનજીનાં મંદિર પર પડી એણે પોતાનાં સૈનિકોને આ મંદિર તોડવાનો આદેશ આપી દીધો

હવે જ એ વાત આવે છે હોં !!! ઔરંગઝેબનું એ દુર્ભાગ્ય હતું કે એની નજર આ ચમત્કારી ભગવાન હનુમાનજીનાં મંદિર પર પડી. સેનાપતિ તો સૈન્ય લઈને ત્યાં આવી જ પહોંચ્યો આ મંદિર તોડવાં માટે. સેનાપતિએ મંદિરની બહાર રહીને જ એણે મંદિરના પુજરીજીઓ અને પુજા-અર્ચના કરતાં તમામ લોકોને કહ્યું કે “તમે બધા મંદિરની બહાર આવી જાવ અમે મંદિરને લુંટવા અને તોડવાં માંગીએ છીએ. જો તમે જેટલાં પણ લોકો અંદર છો તો જલ્દીથી બહાર આવી જાવ નહીં તો ખામખાંનાં માર્યા જશો. અમે લોકો ખુનખરાબા કરવાં જરાય નથી માંગતા તેમ જ અમારાં કાર્યમાં કોઈ બાધા નાંખે એ પણ અમને જરાય પસંદ નથી ”

પુજરીજીઓ અને લોકો તો થરથર કાંપતાં ડરનાં માર્યા -બીકનાં માર્યા તરત જ બહાર આવી ગયાં !!! તેઓ જયારે બહાર આવ્યાં ત્યારે ભગવાન શ્રી રામચંદ્રજી નાં પરમ ભક્ત ભગવાન શ્રી હનુમાનજીની આ મૂર્તિને પ્રાથનાં કરીને બહાર આવ્યાં અને ભગવાન શ્રી હનુમાનજીની પ્રાર્થના કરી કરી કે ” હે સંકટમોચન ……. અમને આ ઘેરાં સંકટમાંથી બચાવો. અમને આ સંકટમાંથી બહાર કાઢો અને અમને મુક્તિ અપાવો !!!”

પોતાનાં આ ઇષ્ટદેવની આ મૂર્તિ તેઓ તૂટતાં નહોતાં જોઈ શકતાં તેઓએ આંખો જ બંધ કરી દીધી અને મનોમન ભગવાન હનુમાનજીનું સ્મરણ કરવાં લાગ્યાં !!! મોગલ સેનાપતિએ સૌને એકતરફ ઊભાં રાખી દીધાં અને પછી પોતાનાં સૈનિકોને આદેશ આપ્યો કે “હવે આ મંદિરને તોડી નાંખો જેમ બને એમ જલ્દીથી !!!” મુગલ સૈનિકો આદેશાનુસાર આગળ જ વધી રહ્યાં હતાં. ત્યાં મંદિરનાં મુખ્ય પૂજારીજી આગળ આવ્યાં અને મુખ્ય સેનાપતિને બે હાથ જોડીને વિનંતી કરવાં લાગ્યાં “તમે ભલે આ મંદિરને તોડો પણ પહેલાં મારી થોડીક વાતો સાંભળી લો પછી તમારે જે કરવું હોય તે કરજો. માત્ર થોડીક ક્ષણો માટે મને સાંભળી લો તો સારું એવી મારી તમને અરજ છે !!!”

આ સાંભળીને સેનાપતિ તો ગુસ્સાથી લાલચોળ થઇ ગયો. તેને તરત જ કહ્યું —— “શીઘ્ર કહો બ્રાહ્મણ તમારે જે કહેવું હોય તે !!!” પૂજારીજી બહુજ શાંત સ્વરમાં બોલ્યાં —— ” સેનાપતિજી આ ભગવાન શ્રી રામચન્દ્રજીનાં પરમ ભક્ત ભગવાન શ્રી હનુમાનજીનું મંદિર છે અને ભગવાન શ્રી હનુમાનજી બધાં દેવતાઓમાં સૌથી વધુ શક્તિશાળી છે. ભગવાન હનુમાનજી વીર છે – મહાવીર છે એમણે એકલે હાથે અભિમાની રાવણની લંકા જલાવી દીધી હતી !!! રાવણની લંકા જલાવવી એ કૈ નાનું સુનું કાર્ય નથી કારણકે રાવણની લંકાની ખ્યાતિ તો ત્રણે લોકમાં પ્રખ્યાત હતી. કૃપયા અહી ધ્યાનમુદ્રામાં બેઠેલાં ભગવાન હનુમાનજીનું ધ્યાનભંગ ના કરો અન્યથા ભગવાન હનુમાનજી શાંત બેસી રહે એવાં નથી !!! હું તમારાં ભલાં માટે જ આ કહી રહ્યો છું. ભગવાન હનુમાનજી બહુ જ દયાળુ છે. એ તમને માફ કરી દેશે માટે હે સેનાપતિજી તમે આવો જઘન્ય અપરાધ ના કરશો !!!”

ક્રૂર સેનાપતિ આનાથી અધિક ના સાંભળી શક્યો !!! સેનાપતિને તો ઇસ્લામનો ઝંડો ફેલાવવાની બહુ જલ્દી હતી. એણે તરતજ કહ્યું —– ” હે બ્રાહ્મણ તમે તમારું મોં બંધ રાખો અને અહીંથી ક્યાંક દુર જતાં રહો નહીં તો આ મંદિર તોડતાં પહેલાં અમે તમને જ પહેલાં મારી નાંખીશું. જોઉં છું કે આ મંદિર તોડતાં અમને તમારાં ભગવાન હનુમાનજી કેવી રીતે રોકે છે તે !!! આમેય આ પહેલાં પણ આનથી વધારે મોટાં મોટાં ઘણાં મંદિરો તોડયાં છે. જોઉં છું કે તમારાં સૌથી તાકતવર ભગવાન હનુમાનજી આ મંદિર તૂટતાં કેવી રીતે અમને રોકે છે તે !!! એણે ફરીથી આદેશ આપ્યો કે આ મંદિર તોડી નાંખો બહુ જલ્દીથી તે પછી શું થવાનું છે. એનાથી અજાણ એવાં સૈન્કો હાથમાં હથિયાર,કોદાળી , કુહાડી સંબલ વગરે લઈને આગળ વધ્યાં. તેમને ક્યાં ખબર હતી કે તેઓ એક બહુ મોટી બેવકૂફી કરવાં જઇ રહ્યાં હતાં. જેઓ પહેલો સૈનિક હાથમાં સંબલ લઈને આગળ વધ્યો કે એક ચમત્કાર થયો. એ સૈનિક જાણે બરફનું પુતળું હોય એ એક પથ્થરની મૂર્તિ હોય એમ જડવત ત્યાં ઉભો જ રહી ગયો !!! એ પોતાનાં હાથ પણ નહોતો હલાવી શકતો ઔજાર તો બહુ દૂરની વાત છે !!! એ ભયની નજરે મંદિર તરફ જોવાં લાગ્યો. બરોબર આવી જ પરિસ્થિતિ ત્યાર પછી એક પછી એક દરેક સૈનિકની થઇ !!!

અત્યાચારી બાદશાહ માટે એક પછી એક ઘણાં મંદિરો તોડનાર સૈનિકો માટે આ ચમત્કારિક ઘટના એક આશ્ચર્યથી કમ નહોતી. સેનાપતિ માટે પણ આ એક મોટું આશ્ચર્ય હતું. તેણે છુપી નજરોથી મુખ્ય પૂજારીજી તરફ જોયું. જમણે થોડીક જ ક્ષણો પહેલાં કહ્યું હતું ….. આ મંદિર તોડતાં રોક્યાં હતાં અને એમણે એમ કરવાની ના પાડી હતી. પૂજારીજી શાંત સ્વભાવે એમને નીરખી રહ્યાં હતાં !!! સેનાપતિએ તરતજ પોતાનાં સૈનિકોને આ મંદિર તોડતાં રોક્યાં અને તેમને ત્યાંથી પાછાં ફરવાનો આદેશ આપ્યો. સેનાપતિ તરતજ બાદશાહ સલામત પાસે પહોંચ્યા. એમણે બાદશાહ ઔરંગઝેબને કહ્યું કે ——જહાંપનાહ તમારાં આદેશ પ્રમાણે અમે આ મંદિર તોડવાની બહુ કોશિશ કરી પણ મંદિર તોડવાની વાત તો બાજુએ રહી અમે એક ઇંચ પણ આગળ વધી શકયાં નથી. જરૂર આ મંદિરમાં કોઈ રુહાની તાકાત છે જેણે અમને આવું કાર્ય કરતાં રોક્યાં છે !!!

આ મંદિરનાં પૂજારીજીએ પણ અમને આવું કરતાં રોક્યાં હતાં અને કહ્યું હતું કે ભગવાન હનુમાનજી તો હિન્દુઓના સૌથી વધુ તાકતવર ભગવાન છે. મારી જહાંપનાહ આપણે એ જ સાલાહ છે કે અહી જે મળ્યું તેમાં સંતોષ માનીએ અને મંદિર તોડવાનું ભૂલી જઈને અહીંથી જ પાછાં દિલ્હી ભેગાં થઇ જઈએ !!! પણ ઔરંગઝેબ જેનું નામ એ ક્યાં કોઈને ગાંઠે એમ જ હતો એણે તરત જ એ સેનાપતિને કહ્યું કે ——– બીજાં કોઈએ કહ્યું હોત હું એનું માથું જ કાપી નાંખત. તમે ઘણાં વર્ષોથી મારી સેવા કરી છે અને મારાં માટે ઘણાબધાં એવાં કાર્યો કર્યા છે કે હું તમારો ઋણી છું. તમે ક્યાંક દુર ચાલ્યા જાઓ હું તમને મારતો નથી પણ હવે હું કાર્ય મારી જાતે જ સંપન્ન કરીશ !!! સેનાની કમાન હું ખુદ સંભાળીશ …….. મોરચો હું ખુદ સંભાળીશ. કાલે હું સૈનિકો સાથે જાતે જ આ ભગવાન હનુમાનજીનું મંદિર તોડવાં જઈશ !!!. હું પણ જોઉં છું કે ભગવાન હનુમાનજી કેવી રીતે આ મંદિર તૂટતાં બચાવે છે. મારાં ફૌલાદી હાથોથી હવે મંદિર જરૂર તૂટશે જ મને મારી તાકાત પર પુરતો ભરોસો છે !!! ”

“હું ભગવાન હનુમાનજીને લલલકારું છું કે —– એ જો બચાવી શકતાં હોય તો આ મંદિરને બચાવી લે. હું તો એને તોડીને જ રાહતનો દમ લઈશ!!!” જે સૈનિકો પહેલાં આ મંદિર તોડવાં આવ્યાં હતાં તેઓ પણ મનોમન ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરવાં માંડયા હતાં પણ આ ધર્મઝનૂની બાદશાહ ઔરંગઝેબનો હુકમ તેમણે માનવો જ પડે હતો નહીંતર બાદશાહ ઔરંગઝેબ એમની લાશોને ગોલકોંડાનાં કિલ્લમાં ટાંગી દેત !!!

તેઓ પણ ભગવાન હનુમાનજીનાં જાપ જપવા માંડયા !!! ઔરંગઝેબ મંદિર પાસે પહોંચ્યો તેણે કહ્યું —— ” અંદર જેટલાં પણ લોકો હોય એ બહાર આવી જાય નહીંતર બધાં જ માર્યા જશો !!!” વિનાશકાળે વિપરીત બુદ્ધિ !!! અંદર જેટલાં પણ લોકો હતાં તેઓ ભગવાન હનુમાનજીને પ્રાર્થના કરતાં બહાર આવી ગયાં. ઔરંગઝેબે એમને લાલ અંગારા ઝરતી આંખોએ જોતાં જોતાં કહ્યું કે “દરેક જણ અહી એક લાઈનમાં ઊભાં રહી જાવ જો કોઈએ પણ પોતાનું મોં ખોલ્યું છે તો એમની જીભ કાપીને એનાં ટુકડે ટુકડા કરી નાંખીશ !!! એટલા માટે ખામોશ જ રહેજો કોઈ કશી ચૂં કે ચાં કરતાં નહીં !!!”. એ નહોતો ઈચ્છતો કે પૂજારીજી એણે ટોકે-રોકે જેનાથી એનું કામ બગડી જાય એનું કામ અટકી પડે !!!

ત્યાં હાજર રહેલાં બધાં લોકો બાદશાહનું આ બેવકૂફી ભરેલું કૃત્ય નિહાળી રહ્યાં હતાં …પણ ચુપ જ હતાં !!! હવે ….. બાદશાહ ઔરંગઝેબ હાથમાં સંબલ લઈને આગળ વધ્યો !!! એ સમયે જાને હવા પણ રોકાઈ ગઈ હતી એક ઘોર મહાપાપ થવાં જઈ રહ્યું હતું !!! ભયથી આતુર લોકો ચાતક પક્ષીની જેમ ભગવાન હનુમાનજી તરફ ટગરટગર જોઈ રહ્યાં હતાં. બધાની દ્રષ્ટિ હવે ઔરંગઝેબ પર કેન્દ્રિત થઇ જે પવનપુત્ર ભગવાન હનુમાનજીને હરાવવાનું દુ:સાહસ કરવાં જઈ રહ્યો હતો એને ખબર નહોતી કે હવે પછી શું થવાનું છે તે !!! ભલા ભગવાન હનુમાનજીને હરાવવાની કોનામાં તાકાત છે તે !!! ઔરંગઝેબે એક મોટું સંબલ લીધું અને બાદશાહી અક્કડ સાથે એ મંદિર તરફ આગળ ધસ્યો. ઘમંડમાંને ઘમંડમાં તે આગળ તો વધ્યો પણ જેવો તે મંદિરમાં દાખલ થવાં જાય છે ત્યાં જ મંદિરમાંથી એક ભીષણ ગર્જના તેને સંભળાઈ !!! આ ગર્જનાનો અવાજ જ એટલો મોટો હતો કે એ સાંભળતાં કાનના પડદા જ ફાટી જાય. જાણે આકાશમાંથી અનેક વીજળીની ગર્જનાઓ ના થઇ હોય. આ ગર્જના એટલી બધી ભયંકર હતી કે હજારો મૂર્તિઓ તોડનાર અને હિન્દુસ્તાનનાં મોટાં ભાગનાં હિસ્સાઓ પર પોતાનો જમાવનાર ઔરંગઝેબ પણ મૂર્તિમંત થઇ ગયો. એ તો સ્તબ્ધ બનીને ત્યાં જ ઉભો રહી ગયો. એનાં પગ ત્યાં જ જડાઈ ગયાં તે ત્યાંથી ન તો હાલી શક્યો કે ના ચાલી શક્યો !!!

એણે સંબલ ફેંકી દીધું અને એણે પોતાનાં બન્ને હાથો વડે પોતાનાં કાન બંધ કરી દીધાં. એ બિશ્ન ગર્જના વધતી જ જતી હતી એનો અવાજ તો ધીમે ધીમે વધ્તો જ જતો હતો !!! ઔરંગઝેબ નિશબ્દ બની ગયો હતો કાળને પણ કંપાવનાર ઔરંગઝેબ આજે ખુદ જ ભયનો માર્યો થરથર કાંપતો હતો એની તો બોલતી પણ બંધ થઇ ગઈ અને એ ભાન ગુમાવવાની તૈયારીમાં જ હતો !!! એ પાગલ થવાનો જ હતો પણ હજી એને હજી વધારે હેરાન થવાનું બાકી હતું !!! એણે હજી વધારે આશ્ચર્યચકિત થવાનું બાકી હતું !!! ત્યાં જ મંદિરમાંથી એક અવાજ આવ્યો

“જો મંદિર તોડવાં માંગતા હોવ તો હે રાજન તો કર મન ઘાટ. એટલે કે જો મંદિર તોડવાં માંગવા માંગતા હોવ તો હે રાજન તમે પોતાનું દિલ મજબુત કરો પહેલાં !!!” આ સાંભળ્યા પછી તો ક્રૂર અને જાલિમ ઔરંગઝેબ તો સાચેસાચનો બેહોશ થઇ ગયો !!! એણે કઈ ખબર જ ના પડી કે આ બધું શું થઇ રહ્યું છે તે !!! આ ભીષણ ગર્જના અને આ વાક્ય જે બોલાયું તે ત્યાં ઊભેલાં લોકો અને પૂજારીજીએ પણ સાંભળ્યું હતું !!! તેઓ એ આ સાંભળીને તરત જ કહ્યું કે —– ” આ તો અમારાં ઇષ્ટદેવ ભગવાન હનુમાનજીનો જ અવાજ છે અને આ ગર્જના પણ ભગવાન હનુમાનજીએ જ કરી છે. એ બધાંએ ત્યાં જ ભગવાન હનુમાનજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ત્યાં જ ભગવાન હનુમાનજીની સ્તુતિ કરવાં લાગ્યાં !!! એ લોકોએ તો રીતસરનાં હનુમાન ચાલીસાનાં પાઠ શરુ કરી દીધાં
ઔરંગઝેબ ત્યાંથી પાછો જતો રહ્યો !!!

તમે એનાં સમયનો ભારતનો નકશો જોશો તો તમને ખ્યાલ આવશે કે દક્ષિણ ભારતનો છેલ્લો ટુકડો એ મુગલ સામ્રાજ્યનો ભાગ નહોતો. કારણકે આ ઘટના પછી પણ ઔરંગઝેબ ગાદીપતિ તો લગભગ ૪૦-૫૦ વરસ રહ્યો પણ એણે ક્યારેય દક્ષિણ ભારતનો જે ભાગ બાકી હતો તે તરફ આંખ ઉઠાવીને પણ જોવાની હિંમત કરી નહોતી. ભગવાન હનુમાનજીની આ તાકાત છે જે તમારે કે આપણે સ્વીકારવી જ રહી !!!

આ ઘટના પછી આ મંદીરની કીર્તિ તો વધારે ફેલાઈ ગઈ લોકો વિદેશમાંથી પણ અહીં આવવાં લાગ્યાં. મંદિર વધારે પ્રખ્યાત થતું ગયું તો આ ઘટના પછી તરત જ લોકોએ આ મંદિરનું નવું નામકરણ કર્યું ” કર મન ઘાટ મંદિર ” જે આજ સુધી કાયમી રહ્યું છે !!!

થોડીક ઐતિહાસિક ઘટનાઓ ——

ગોલકોંડા પર ઔરંગઝેબની જીત એ દક્ષિણ ભારતમાં એની સૌથી મોટી જીત માનવામાં આવે છે. આ પ્રખ્યાત ભગવાન હનુમાનજી મંદિર કર મન ઘાટ મંદિર એ ગોલકોંડા વિસ્તારમાં નાગાર્જુન સાગર તરફ જતાં રસ્તામાં જ આવે છે આજે એ તેલંગાણાનો ભાગ છે. ઔરંગઝેબનો સિતારો બુલંદ હતો ત્યારે ગોલકોંડા પછી એણે દક્ષિણનો બાકીનો ભાગ નથી જ જીત્યો જે અંગ્રેજોના સમયમાં ભારતનો હિસ્સો હતું !!! કહેવાનું તાત્પર્ય એ છે કે આ મંદિરની ઘટના ભલે મોળ નાંખીને કહેવાઈ હોય -લખાઈ હોય પણ એમાં સત્યતા અને તથ્ય તો છે જ !!! હનુમાન ચાલીસા એ રામચરિત માનસમાં જ આવે છે જે મહાકવિ તુલસીદાસે ઈસ્વીસન ૧૫૭૬ માં રચ્યું હતું

આ રામચરિત માનસ એ ભગવાન હનુમાનજીની પ્રેરણાથી જ મહાકવિ તુલસીદાસજીએ રચ્યું હતું. જો તે વખતે ભગવાન હનુમાનજી પ્રગટ થયાં હોય તો એનાં ૭૦ વર્ષ પછી એ એમનો ચમત્કાર બતાવે જ બતાવે. રહી વાત હનુમાન ચાલીસાની એ લખાઈ ત્યારથી જ અતિપ્રખ્યાત થઇ હતી. તેમાં પણ આ મંદિરનાં ચમત્કારે એણે વધારે લોકકંઠસ્થ બનાવી. વીકીપેડીયા ખોટી માહિતી અને સાલવારી આપવાં માટે જાણીતું છે જે આમાં પણ બન્યું છે. વિકિપીડીયાએ આની સાલવારી ૪૦૦ વર્ષ પછીની બતાવી છે જે સરાસર ખોટું જ છે. આ ઘટના ૫૦૦ વર્ષ પછીની છે તો કર મન ઘાટ એ નામ પણ ત્યારે જ અપાયું હોય !!! આવી ભૂલ શા માટે ? કથામાં અતિશયોક્તિ હોઈ શકે પણ ઘટનામાં નહીં !!! ચલો જવા દઈએ એ વાત ………

આ મંદિર ભારતમાં એક વિશિષ્ટ મંદિર છે. કદાચ એ પહેલું હશે ……. જ્યાં ભગવાન હનુમાનજીની ધ્યાનસ્થ મુદ્રામાં બેઠેલાં હોય એવી મૂર્તિ હોય !!! આ મૂર્તિ બની શકે છે કે એ સેંકડો વર્ષ પુરાણી હોય અને એમ પણ બની શકે જ છે કે એ ઈસ્વીસન ૧૧૪૩માં બનેલી હોય જો કે આ મંદિરની મૂર્તિ પરથી પ્રેરણા લઇ ત્યાર પછી ભગવાન હનુમાનજીની એવી મૂર્તિઓ અને મંદિરો બન્યાં છે ખરાં !!! પણ એનાં મૂળમાં તો આ જ મંદિર છે !!!

કર મન ઘાટ મંદિર એ સંતોષ નગર પાસે નાગાર્જુન સાગર રીંગ રોડ પર સ્થિત એક ખુબસુરત અને લોકખ્યાતિ પ્રાપ્ત મંદિર છે. આ મંદિર એનાં ચમત્કારો માટે જાણીતું છે !!! ઉપર જણાવેલાં ચમત્કારો સિવાય પણ આજે પણ એમાં ઘણાં ચમત્કારો બને છે જ. નિસંતાન સ્ત્રીને બાળકની પ્રાપ્તિ અને અસાધ્ય રોગ મટાડવામાં !!! ભગવાન હનુમાનજી એટલાં દયાળુ છે કે એ મદદ જરૂર કરે છે દરેક જરૂરત મંદોને બસ ખાલી ભગવાન હનુમાનજીમાં આસ્થા રાખવી આવશ્યક છે. સાચા મનથી ભગવાન હનુમાનજીની પૂજા કરો અને રોજ જ કરતાં રહો તો ભગવાન હનુમાનજી તમારી દરેક મનોકામનાઓ પૂરી કરશે જ કરશે !!! હૈદરાબાદ તો અવશ્ય કોઈને પણ જવાનું મન થાય જ અને ત્યાં જાઓ ત્યારે જગવિખ્યાત ગોલકોંડાનો કિલ્લો પણ જુઓ તો ખરાં જ ને ત્યારે રસ્તમાં આવતું આ પ્રખ્યાત અને અનોખું ભગવાન હનુમાનજીનું મંદિર જોવાનું ભૂલતાં નહીં !!!

!! જય શ્રી રામ !!
!! જય બજરંગબલી !!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!