કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા – 1

એકભાટના કવિત ઉપરથી જણાય છે કે ગુજરાતના એટલે ગુર્જ્જર દેશમાં સંવત ૮૦ર એટલે ઈ.સ. ૭૪૬ના વર્ષમાં એક શહેર સ્થાપવામાં આવ્યું હતું. મહા વદ સાતમ ને શનિવારે પાછલા પહોરના ત્રણ વાગે વનરાજનો હુકમ જાહેર થયો. જ્યોતિષ વિદ્યામાં ઘણા પ્રવીણ એવા જૈન માર્ગના જોશીઓને બોલાવી પ્રશ્ન કીધો, તે વખતે તેઓએ શહેરના જન્માક્ષર તપાસીને પ્રકટ કીધું કે ઈ. સ. ૧૨૯૭ માં તે નગરનો નાશ થશે. આ નવા શહેરનું નામ અણહિલપુર પાટણ પાડ્યું. હમણાં તે પાટણ અથવા કડી પાટણ એ નામથી ઓળખાય છે. પાટણ શહેરને હમણાં જ્યારે જોઈએ છીએ ત્યારે ત્યાં આગળ પૂર્વે એક મોટું તથા આબાદ શહેર હતું, એવી ઘણી જ થોડી નિશાનીઓ માલુમ પડે છે. શહેરના કોટની આસપાસ ઊંડું ખોદતાં કોતરેલા આરસના પથ્થરો નીકળે છે. વળી ત્યાંના રજપૂત રાજાઓએ વાવ, કુવા, તળાવ, અને દહેરાં વિગેરે બાંધેલાં તેઓ ઉપર કાળચક્ર ફરવાથી, તથા મુસલમાન લોકોના ધર્માંધપણાથી, તે સ્થળે ઘણીએક લડાઈઓ થવાથી, તથા મરાઠાઓના અજ્ઞાનપણા તથા પૈસાના લોભથી તેઓમાંનાં જે થોડાંએક બચેલાં છે તેઓ ભાંગીતુટી અવસ્થામાં હમણાં નજરે પડે છે; તો પણ એ તો નિશ્ચય કે એ શહેર આજથી સાતસો વર્ષ ઉપર એક મોટા રાજાની રાજધાની હતું. તેના મહત્વ તથા શોભાવિશે ઘણાએક કવિઓ તથા ઇતિહાસકર્તાઓ લખી ગયા છે.

કુમારપાળચરિત્રના લખનારે એ શહેરનું નીચે પ્રમાણે વર્ણન કીધું છે– “અણહિલપુરનો ફરતો ઘેરાવ ૧૨ કોસનો હતો, અને તેમાં ઘાણાંએક દેવાલય તથા વિદ્યાશાળા હતી. ચોરાસી ચકલા,ચોરાસી ચૌટાં, અને તેમાં સોનાના તથા રૂપાના સિક્કા પાડવાની ટંકશાળ હતી. પ્રત્યેક વર્ગના લોકોને વાસ્તે જુદાં ઠેકાણાં હતાં, તેમ જ હાથીદાંત, રેશમનાં કાપડ, હીરા, મોતી, માણેક વિગેરે વ્યાપારની વસ્તુઓ વેચવાની જુદી જુદી જગા હતી, નાણાવટીનું એક જુદું ચૌટું હતું, ન્હાતી વખતે ચોળવાની તથા સુગન્ધિદાર વસ્તુઓનું એક ચૌટું, વૈદોનું એક, કારિગરોનું એક, સોનિઓનું એક, રૂપાના ઘાટ ઘડનારાઓનું એક, ખલાસીઓ, ભાટ તથા વહીવંચાઓનું એક, એ પ્રમાણે જુદાં જુદાં ઠેકાણાં હતાં. નગરમાં અઢારે વર્ણનો વાસો હતો, અને સઘળા લોકો ઘણા સુખી હતા. રાજાના મહેલને લગતાં જુદાં જુદાં ઘણાંએક ઘરો હતાં લડાઈનાં હથિયારોને વાસ્તે, હાથી, ઘોડા, રથને વાસ્તે, તથા હિસાબી મહેતાઓ અને દરબારી અમલદારોને વાસ્તે જુદાં જુદાં ઘર હતાં, પ્રત્યેક જાતની વ્યાપારની જણસને માટે જુદા જુદા ફુરજા હતા. ત્યાં માલની આવક-જાવક તથા વેચાણનું મહેસુલ વસુલ કરવામાં આવતું હતું. માલમાં તેજાના, ફળ, કરિયાણાં, કપુર, ધાતુઓ, તથા તે શહેરની અને બીજાં શહેરોની પેદાશની હરેક કિમતી વસ્તુઓ હતી. આખા જગતનો વ્યાપાર આ શહેરમાં ચાલતો હતો. દરરોજ એક લાખ તનખા મહેસુલ ઉપજતી હતી. જો કોઈ પાણી માગે તો તેને દુધ આણી આપવામાં આવતું. ત્યાં ઘણાંએક જૈનધર્મનાં દહેરાં હતાં; અને એક તળાવને કાંઠે સહસ્ત્રલિંગ મહાદેવનું દેવાલય હતું. ચંપા, નારીએળી, જાંબુડા, ચંદનવૃક્ષ, અને આંબા વિગેરે ઝાડની ઘટા નીચે લોકો આનંદથી ફરતા. એ ઝાડોને વિંટળાયેલા જાતજાતના વેલાઓ હતા, અને તેઓની પાસે અમૃત જેવાં મીઠા પાણીના કુંડ હતા, અહિંઆં વેદ ઉપર વાદ થતો હતો, અને તેથી શ્રોતાજનોને ઉપદેશ થતો હતો. ત્યાં જૈન માર્ગના ધર્મોપદેશકોની, તથા એકવચની અને વ્યાપારના કામમાં પ્રવીણ એવા વ્યાપારીઓની ખેાટ ન હતી. વ્યાકરણશાળા પણ ઘણી હતી, અણહિલપુર માણસનો સાગર હતું. જો એક મહાસાગરનું પાણી માપી શકાય તો જ ત્યાં રહેનારા માણસોની સંખ્યા ગણી શકાય. લશ્કર પણ ઘણું હતું, અને ઘંટવાળા હાથીએાની પણ કાંઈ કસર ન હતી.”

ઉપલા વર્ણનમાં ઘણીએક અતિશયોક્તિ છે ખરી, તો પણ એટલું તો ખરૂં કે, અણહિલપુર પાટણ એકવાર ઘણું દ્રવ્યવાન, મોટું તથા શોભાયમાન શહેર હતું. ઈ. સ.૧૨૯૬ અથવા સંવત ૧૩પર ના આશ્વિન સુદ ૯ એટલે જે દિવસે આપણી વાતનો આરંભ થાય છે, તે દિવસે તે શહેરમાં બ્રાહ્મણવાડો ઘણો રળિયામણો દેખાતો હતો. ઘેરઘેર બારણે તોરણો બાંધેલાં હતાં. આંગણાં આગળ સુંદર રંગના સાથીઆ પુરેલા હતા. લોકો ઘણા આનંદથી હરફર કરતા હતા. બ્રાહ્મણો ધોતીયું, અંગવસ્ત્ર તથા પાઘડી અને કેટલાએક તો ટોપી પણ પહેરીને ઘણી ઝડપથી કાંઈ અગત્યના કામને અર્થે જતા હોય તેમ ચાલ્યા જતા હતા. તેઓએ કેટલી એક મુદત થયાં હજામની સાથે ભારે દુશ્મનાઈ કીધી હોય એવું તેઓનાં મ્હોં ઉપરથી જણાતું હતું.ચોમાસુ બેસવાની થોડી વખત પહેલાં જ્યારે ખેતરોમાં ઘરડા ખુંપરા કાઢ્યા નથી હોતા તે વખતે તે ખેતર જેવાં જણાય છે તેવાં તેઓનાં માથાં, દાહાડી તથા ગાલ હતાં. એવા કેટલાએક બ્રહ્મદેવો તે બ્રાહ્મણવાડામાં એક મોટી હવેલીમાં જતા હતા. તે હવેલી ઘણી મોટી તથા શોભીતી હતી. તેને ચાર માળ હતા, અને તેનો બહારનો દેખાવ ઘણો ભભકાદાર હતો. તેને ફરતો મોટો કોટ હતો; તેની એક બાજુએ એક મોટો દરવાજો હતો, અને તે ઉપર એક મેડી હતી, તેમાં તે દહાડે નોબત તથા શરણાઈ વાગી રહી હતી, દરવાજામાં પેસતાં જ એક ખુલ્લું મેદાન હતું, તેમાં ઘણા જ ખુબસુરત સાથીયા પુરેલા હતા. તે ચોગાનની ચારે બાજુઓ ઉપર ફરતી અડાળી હતી, તેમાં એક તરફની માં હાથી, ઘોડા, રથ વિગેરે વાહનો રાખવામાં આવતાં હતાં, એક તરફ ગામના પટેલ, અને વાણીયા વિગેરે બીજા લોકો જેઓ રાજા પાસે ઈનસાફ માંગવા આવતા હતા તેઓ પડી રહેતા હતા; એક તરફ કારકુન દફતર ઈત્યાદિ હતાં, અને ચોથી તરફની અડાળીમાં દેવડી, એટલે સિપાઈ ચોકીદાર વિગેરેને બેસવાની જગા હતી. એ દેવડીમાં છ ફીટથી ઉંચા, શરીરે મજબુત, વિક્રાળ મ્હોંના, માંજરી આંખના, અને ભુરા નીમાળાવાળા, કરણના વંશના કહેવડાવનારા કાઠી લોકો હતા, શરીરે ઠીંગણા પણ બાંધાદાર અને કમ્મરે તીરકામઠાં બાંધેલા કોળી, કાળા જુસ્સાવાળા, લુંટનો ધંધો કરનારા અને લડાઈમાં બહાદુર એવા ભીલ લોકો; અને ઉપલા લોકો કરતાં નરમાશવાળા ચહેરાના, સુધરેલી સ્થિતિના, તે પણ શૂર રજપૂત સિપાઈઓ બેઠા હતા. ચોગાનની વચ્ચોવચ હવેલી તમામ પથ્થરની હતી, અને તેની ભીંત ઉપર ઝાડ, કુલ, જાનવરો, માણસો વિગેરે કોતરેલાં હતાં. બારીઓ અગર જો નીચી હતી તો પણ તેઓ આગળ પડતી હતી, અને તેથી જે રવેશ થતા હતા તેની નીચે ટેકા ઘણા જ નકશીદાર હતા. પહેલા ઓરડા – એટલે પરસાળમાં માળ ઉપર જવાની પથ્થરની સિડી હતી, અને તેમાં ઘણાંએક ઘરના ચાકરો બેસી ગપાટા ગપાટા મારતા હતા. એ પરસાળ મુક્યા પછી જે એરડો હતો તેની વચમાં એક મોટો ખુલ્લો ચોક હતો, અને તેની ચારે બાજુએ બેઠક હતી. વચલા ચોકમાં કેળના સ્તંભ દાટેલા હતા, તથા વચમાં વચમાં હજારી રાતા તથા પીળા ગલગોટાના રોપા ખેાસેલા હતા. બેઠકના થાંભલાની વચ્ચે અાંબાનાં પાતરાંનાં તોરણ બાંધેલાં હતાં, અને બીજા કેટલાએક ઠાઠમાઠથી તે જગા એક વૈકુંઠના ધામ જેવી લાગતી હતી. ચોકની મધ્યે એક મોટો કુંડ કરેલો હતો, અને તેની આસપાસ બ્રાહ્મણો ઉઘાડે માથે બેઠેલા હતા. બેઠકમાં એક તરફ તમામ બાયડીઓ અને બીજી તરફ ભાયડાઓ બેઠેલા હતા. ત્રીજી તરફ રાજાના અંગના માણસો અને ચોથી તરફ આડોસીપાડોસીઓ જુદા જુદા વિષયો ઉપર વાત કરી તથા ઘણીએક વખત નીચે જે કામ ચાલતું હતું તે ઉપર ધ્યાન આપી કાળ ગમન કરતા હતા, તે દહાડે નવરાત્રિનો છેલ્લો દિવસ હોવાથી માતાનો હવન તે વખતે થતો હતો, બ્રાહ્મણો ઘણા જોશથી ચંડીપાઠના મંત્ર ભણતા હતા તેથી આખા દીવાનખાનામાં જે શોર થઈ રહ્યો હતો, જે તલની આહુતિઓ આપવામાં આવતી હતી તે અગ્નિમાં પડતાં જ તડતડ અવાજ થઈ બહાર પડતા હતા, લીલોતરી તથા સહેલથી બળે નહી એવી વસ્તુઓ અગ્નિને અર્પણ કરતાં જ તેમાંથી ધુમાડાના જે ગોટેગોટા નીકળી સર્પાકારે ઊંચે ચઢી સ્વચ્છ આસમાની રંગના આકાશ જોડે મળી જતા હતા, વખતે વખતે મોટા મોટા સર્વા ઘીએ ભરીને કુંડમાં રેડતા ત્યારે મોટા તાપના જે ભડકા થતા હતા, તેમ જ એક તરફ નાગરની નાજુક તથા રૂપાળી સ્ત્રીઓ સુંદર વસ્ત્ર તથા આભૂષણ સહિત બિરાજેલી હતી, અને તેમની સામે મોટાં પાઘડીવાળા પણ ગૌર વર્ણના અને ખુબસુરત નાગરગૃહસ્થ તથા બીજા પુરુષો બેઠા બેઠા પાનસોપારી ખાતા હતા, એ સઘળાઓની વાતચિતથી જે ગણગણાટ થઈ રહ્યો હતો, એ સર્વની તો કલ્પના માત્ર થઈ શકે, પણ યથાસ્થિત બ્યાન કરવાને તો કોઈ કવિરાજ અથવા ચિત્રવિદ્યામાં કુશળ પુરુષ જરુર જોઈએ.

જે ઠેકાણે ગામોના પટેલ બેઠા હતા ત્યાં સૌથી કદાવર તથા દેખીતો હોંશિયાર ભાણો પટેલ હતો. તે જાતનો કણબી હતો, અને તેને પટેલાઈમાં રાજાની તરફથી ઘણાંએક વીઘાં જમીન મળેલી હતી, તે સિવાય તે ઘણાંએક પરગણાઓ ઇજારે રાખી તેઓની આમદાની વસુલ કરી રાજાને ત્યાં ભરતો. તેની ઉમર આસરે ત્રણ કુંડી વર્ષની હતી, પણ “સાઠી બુદ્ધિ નાઠી” એ કહેવત તેણે જુઠી પાડી હતી. તેનું શરીર ખાધેલ પીધેલ હતું, અને તેનું મન તેની જુવાનીના વખત જેવું જ તીવ્ર હતું, એટલું જ નહી પણ પ્રત્યેક વર્ષના અનુભવથી તેની અક્કલમાં વધારો થયાં કરતો હતો. તે સિવાય પાછલા વખતના રાજાઓ ખેડુતની સાથે કેવી રીતે ચાલતા હતા, તેઓના વખતમાં જમીનનો દર કેટલો હતો, તથા તે કેવી રીતે વસુલ કરવામાં આવતો હતો, એ વિગેરે જમીન સંબંધી તમામ હકીકત તેની યાદદાસ્તના ખજાનામાં ભરેલી હતી. તેની સામેની બેઠકમાં જેઠાશા નામે શ્રાવક વ્યાપારી ઉંચી તથા માનવાળી જગાએ બેઠો હતો. એ શખસ લાખો રૂપિયાનો વ્યાપાર જમીન ઉપર તથા દરીયા ઉપર ચલાવતો તેની પેહેડીઓ ગામોગામ હતી. તેની સાખ એટલી તે હતી કે તેને જંગલમાં પણ રૂપિયા મળી શકે. તેનાં વહાણો દેશાવર ખાતે ઘણાંએક ફરતાં અને તેની દોલત લાખો તથા કરોડોથી ગણાતી. મુખમુદ્રા જોવાથી જેઓ માણસના ગુણ, બુદ્ધિ તથા સ્વભાવની પરીક્ષા કરે છે તેઓ જેઠાશાનું મ્હોં જોઈને ઘણું ગુંચવાયા વિના રહે નહી, પૈસા મેળવવાને તથા તેને સાચવી રાખવાને અને વ્યાપાર બરોબર ચલાવવાને જે અક્કલ જોઈએ છે તે તેની શિકલ જોતાં તેનામાં છે એમ શોધી કાઢવું મુશ્કેલ હતું. તેનું શરીર એટલું તો જાડું હતું કે જો તે એકાએક મરી જશે તો તેને ઊંચકી શી રીતે લઈ જવાશે એ વિશે તેની ન્યાતના લોકોને ભારે ફિકર હતી. તેમાં ચરબી એટલી તો હતી કે તેનું પેટ ઝુલી ગયું હતું. અને તેના વાટા એવા મોટા અને જાડા હતા કે જો કોઈ નાની વસ્તુ તેમાં ભરાઈ જાય તો વર્ષોનાં વર્ષો સુધી તેમાં રહે અને તેના જાણ્યામાં પણ ન આવે, તેની બોચી આગળ એક એવો જાડો વાટો વળ્યો હતો કે હજામત કરાવતી વખતે હજામને તેને ઉચકી બોડતાં ઘણી મુશ્કેલી પડતી હશે. તેનું મ્હેાં પણ તેવું જ મોટું હતું. તેની આંખ ખાડામાં પેસી ગયેલી તથા ઝીણી હતી, અને વારેવારે પલકારા માર્યા કરતી તે ઉપરથી જણાતું કે તેને સોનું રૂપું જોવા ઉપર ઘણી પ્રીતિ હતી. એવો જેઠાશા તે વખતે મોતીનાં ઘરેણાં પહેરીને બેઠો હતો. તે આદિનાથનો ભક્ત હતો તેથી માતાના હવન ઉપર તેને કાંઈ આસ્થા ન હતી, તથા તે જોવાથી અને બ્રહ્મવચન સાંભળવાથી પરલોકમાં સુખની પ્રાપ્તિ થશે એમ તે માનતો ન હતો, તો પણ ઘરધણીને માત્ર ખુશ કરવાની મતલબથી તે ત્યાં આવી બેઠો હતો.

નાગર ગૃહસ્થોની ટોળીમાં એક પુરુષ વિશેષે કરીને તેજસ્વી તથા જોવા લાયક હતો, તે એક મોટા રૂપાની ભમરીવાળા પાટલા ઉપર બેઠેલો હતો, તેના શરીર ઉપર ફક્ત ધોતીયું તથા ઘણી ઉમદા કાશ્મિરી શાલ હતી, હાથે હીરાની પોંહોચી તથા બાજુબંદ હતા, અને આંગળીએ હીરા, માણેક વિગેરેની ચળકતી વીંટીઓ હતી. કોટે વટાણા જેવડાં મોતીઓની કેટલીએક માળા તથા હીરાનો કંઠો હતો, અને કાન પણ તેથી વધારે મોટાં તથા પાણીદાર મોતીથી શણગારેલા હતા, તેના દેખાવ ઉપરથી માલમ પડતું હતું કે તે કોઈ મોટો માણસ છે, અને તેને જોઈને કોઈને પણ તેને માન આપ્યા વિના ચાલે જ નહીં એવો તેનો દમામ હતો. તેનું કદ મધ્યમ હતું, તેના શરીરનો બાંધો છેક જાડો તો ન કહેવાય, તો પણ તેનું વલણ કાંઈએક જાડાશ ઉપર હતું, તેની ચામડીનો રંગ ઘણો સફેદ હતો, તેનું મ્હોં જરા લંબગોળ હતું; અને નાક કાન પણ ઘણાં ઘાટદાર હતાં. તેની આંખ ચપળ તથા બુદ્ધિના તેજવાળી હતી, આ ગૃહસ્થ જાતે નાગર બ્રાહ્મણ હતો, અને તેનું નામ માધવ હતું, તે કરણરાજનો મુખ્ય પ્રધાન હતો. તેણે પોતાના બુદ્ધિબળે તે રાજા ઉપર એટલી તો સત્તા મેળવી હતી કે તેને પુછ્યા સિવાય રાજા કાંઈ કામ કરતો ન હતો. સઘળું કામકાજ તે જ કરતો. રાજા તો પુતળા જેવો હતો, અને ખરેખરો રાજા પોતે જ હતો, એ કારણથી સઘળા લોકો તેનાથી દબીને ચાલતા, તેને માન આપતા, અને તેને ખુશ કરવાને વાસ્તે જ ઘણાએક આ પ્રસંગે તેના ઘરમાં એકઠા થયા હતા.

હવનનું કામ હવે પુરું થવા આવ્યું, છેલ્લા નાળિયેરની આહુતિ આપવાને અગ્નિને વધારે જાગૃત કીધો, બ્રાહ્મણો વધારે જોરથી ભણવા લાગ્યા. સઘળા લોકો સમાપ્તિની ઘણી આતુરતાથી રાહ જોવા લાગ્યા. સઘળે ગડબડાટ થઈ રહી, કુંડમાંથી અગ્નિનો ભભુકો ઉઠયો, અને માતાનું છેલ્લું બલિદાન આપવામાં આવ્યું, તે ક્ષણે “જે અંબે” “અંબે માતકી જે” એવો મોટો પોકાર પડ્યો. નાનાં નાનાં છોકરાંઓ પોતાની જગો ઉપરથી ઉઠીને કુદવા લાગ્યાં, થોડીવાર પછી સઘળું શાંત થયું એટલે વિજીયાદત્ત પંડ્યા જે માધવનો કુળગોર હતો તે ચાંલ્લાની કુંકાવટી, હવનની આશકા તથા પ્રસાદ લઈને ઉઠ્યો. ગોર મહારાજને આવા શ્રીમંત યજમાન મળેલા તેથી તેને પૈસાની કંઈ ખોટ ન હતી, તે શરીરે ઘણો સ્થૂલ હતો, અને તેનું પેટ એટલું તો મોટું હતું કે તેમાં સાત લાડુ ગોઠવાય તો પણ થોડી ખાલી જગા રહે. તેણે બાયડીઓને તથા ભાયડાઓને ચાંલ્લા કીધા, તે ઉપર ચોખા ચોડ્યા, હવનની આશકા આપી, આશિર્વાદનો મંત્ર ભણી, થોડો થોડો પ્રસાદ સઘળા મોટી ઉમરવાળાને વહેંચ્યો. પછી નાનાં નાનાં છોકરાંને પોતાની પાસે બોલાવી. તેઓને કુદાવ્યાં, નચાવ્યાં તથા ખાવાની લાલચને વાસ્તે કુતરાંની પેઠે ગેલ કરાવી પ્રસાદ એકદમ ઉડાવ્યો, એટલે તેઓ ભોંય ઉપર પડી સાંભરવા મંડ્યાં. તે વખતની તેઓની બુમાબુમ, પ્રસાદ લેવાને માટે મારામાર અને હડસેલા હડસેલી, અને માતાનું નૈવેદ પગતળે છુંદાય નહી તે બાબતની તેમની ફિકર, તથા જેઓએ વધારે જબરાં હોવાને લીધે વધારે પ્રસાદ લીધો તેઓનો હરખ, અને જે બીચારાંની પાસે થોડો આવ્યો તેઓની દિલગીરી એ સઘળું જોઈને બીજાં બધાંને ઘણી જ ગમત થઈ. પ્રસાદ વહેંચાઈ રહ્યો એટલે તમામ છોકરાં વેરાઈ ગયાં, તથા હવન પૂરો થયો, એટલે ઘણા ખરા જોવા આવેલા લોકો પોતપોતાને ઘેર ગયા. બઈરાં પોતાને ધંધે વળગ્યાં, બ્રાહ્મણો દક્ષિણા લઈ અનાજ વિગેરે જે કાંઈ મળ્યું તે ધોતીયાને છેડે બાંધી લઈ બીજે ઠેકાણે હવન કરાવવા ગયા, તે ઠેકાણે માત્ર માધવ પ્રધાનજી, જેઠાશા શાહુકાર, ભાણો પટેલ, તથા વિજીયાદત્ત પંડ્યા બેશી રહ્યા. તેઓને માધવની સાથે મિત્રાચારીનો દાવો તથા તેઓ શહેરના મુખ્ય માણસ તેથી બીજા પારકા લોકોની પેઠે તુરત ઉઠી જવું તેઓને યોગ્ય લાગ્યું નહી તેથી તેઓ પ્રધાનજીના પાટલા પાસે ગાદી માંડી હતી ત્યાં તકીએ અઢેલીને બેઠા. થોડી વાર ચુપ બેઠા પછી માધવ બોલ્યો. “ગોરમહારાજ, હવન સારી પેઠે તો કીધો છે ? કાંઈ ગડબડ ગોટા તો વાળ્યા નથી? કેમકે આજે ઘણે ઠેકાણે હવન થવાના, અને તમારી નજર તમારા બ્રાહ્મણોને જેમ બને તેમ રળાવવાની એટલે કદાચ ગડબડ થઈ હોય, તમે કરો એવા તો નથી, તોપણ અમથું પુછું છું. ક્રોધ લાગે તો ક્ષમા કરજો.”

આવા બોલ સાંભળીને ગોરમહારાજને ક્રોધ તો ચઢ્યો. પોતે માતા ઉપર અનાસ્થા રાખી પોતાના જાતભાઈઓનો ફાયદો કરવા ઉતાવળ કરી, કર્મ બરાબર કરાવ્યું નહી એવી યજમાનને શંકા ઉત્પન્ન થઈ તેથી જીવને જરા દિલગીરી પણ થઈ, પણ પ્રધાનજીના ગોર રાજદરબારમાં જનારા, તથા મોટાની ચાકરીમાં નીચાએ કેવી રીતે વર્તવું એ વિશે તેણે ઘણીએક વાર સાંભળેલું તેથી તેને પોતાની મનોવૃત્તિઓ ઉપર અખતિઆર રાખવાની ટેવ પડી હતી, તેથી ગુસ્સો દબાવી દઈને તથા મ્હોં જેવું શાંત હતું તેવું રાખીને જવાબ દીધો, “યજમાનરાજ ! આવી વાત તમે કોઈ દહાડો મારી આગળ કીધી નથી, અને આજે આવાં વચન તમારા મ્હોમાંથી નીકળેલાં સાંભળીને મને ઘણું આશ્ચર્ય લાગે છે, અને તમારી મતિ કાંઈ બદલાઈ હોય એમ મને લાગે છે, અને જ્યારે આપ જેવા પુરુષની મતિ બદલાઈ ત્યારે આગળ કાળ કેવો આવશે તેનો મોટો ભય રહે છે, જે મોટી આદ્યશક્તિ, જેથી આખા વિશ્વની ઉત્પત્તિ, એવી અંબાભવાની તથા સઘળા જગતની માતા તેના હવનમાં મેં જાણી જોઈને ગફલત કીધી એવી શંકા પણ મારી આખી જીદગીમાં આજે જ મારે માટે આવી છે. તમે જાણો છો કે જગતમાં જે સઘળા દેવો છે તેઓ કળિયુગમાં ઉંઘી ગયેલા છે, જાગતીજોત અંબામાતા છે, તેનો પરતો કેટલો છે તે સઘળાને માલમ પડે છે. માતાનાં રૂપ જુદે જુદે વખતે જુદાં જુદાં દેખાય છે, એ સિવાય બીજા ઘણા ચમત્કાર ત્યાં જોવામાં આવે છે. અમથા અપશબ્દ બોલવામાં પાપ છે ખરૂં પણ માતાની આગળ ભવાઈ કરતી વેળા નિર્લજ શબ્દો બોલવામાં જાત્રાળુઓ પાપ ગણતા નથી. આપણા લોકોના ધર્મમાં મદ્યપાન કરવાનો પ્રતિબંધ કીધેલો છે, છતાં પણ દેવીભક્તો તેનું પાન કરે છે. વળી કોઈપણ પ્રકારની હિંસામાં મોટામાં મોટું પાતક આપણા ધર્મશાસ્ત્રમાં ગણેલું છે; તો પણ માતાના ધામમાં બકરાં, મુરઘાં, પાડા વિગેરેનું બળિદાન કરવામાં આવે છે, અને તેથી પણ વધારે આશ્ચર્યકારક વાત એ છે કે, એ પ્રમાણે વધ કીધેલાં પ્રાણી પ્રસાદની માફક વહેંચી લેવામાં આવે છે, અને ઘણાએક શખ્સો જેઓ બીજે કોઈપણ વખતે માંસ ભક્ષણ કરતા નથી તેઓ આવે પ્રસંગે દેવીને પ્રસન્ન કરવાને માટે પોતાના બાપદાદાનો સંપ્રદાય તોડે છે, અને ધર્મશાસ્ત્રને પણ એક બાજુએ મુકે છે.

અંબાભવાનીની યાત્રા કરવા લોક જાય છે ત્યારે તેઓને કેટલી હોંશિયારી રાખવી પડે છે ? તેલ તો ત્યાં મુદ્દલ વપરાય જ નહી. માતાના ધામ આગળ કોઈ દુરાચરણે વર્તે તો તેનાં માઠાં ફળ તેને તત્કાળ મળ્યા વિના રહે જ નહી, માતાના કામમાં વર્ષોવર્ષ જે પ્રમાણે કરવામાં આવતું હોય તેમાં જો જરા પણ ફેરફાર કીધો તો માતાજી કોપાયમાન થાય છે, અને એ પ્રમાણે કરોઠું બદલનારને કોઈપણ પ્રકારે શિક્ષા થયા વિના રહેતી નથી. નવરાત્રી નવ દહાડા સમી સંધ્યાએ માતાજી પોતાની સહિયરોને સાથે લઈ રથમાં બેસી આકાશમાર્ગે જાય છે, તે વખતે ઉઘાડે માથે જો કોઈ અગાસી, ચોક અથવા બીજી ખુલ્લી જગામાં બેસે તો તેના માથા ઉપરથી તે રથ ફરી જાય, અને તેને તે વર્ષમાં કોઈ રોગ થયા વિના રહે નહી. એ સિવાય માતા આગળનો દીવો તથા તેને લગતી ઘણીએક વસ્તુઓમાં હોંશિયારી રાખવાની છે. આ પ્રમાણે હું દેવીનું મહાત્મ તથા પરતો જાણું છું તે છતાં હવન કરવામાં ગડબડ કરું એ વાત કાંઈ સંભવિત છે? બાપજી ! તમે બ્રાહ્મણના રળતરની વાત કહી તે સાંભળીને મારૂં હૈયું ઉભરાઈ આવે છે. બ્રાહ્મણોના તો દહાડા ગયા, અને તેઓની કમાઈ સુકાઈ ગઈ, શી વાત કહેવડાવો છો? બાપજી ! બ્રાહ્મણો બિચારાનું હમણાં કાંઈ વળતું નથી. યુગ બદલાઈ ગયો, રાજા અને પ્રજા એ બંનેમાંથી ભક્તિ ઉઠી ગઈ. પરમેશ્વર ન કરે પણ રાજાની ખરાબી એ પાપને લીધે થશે. લાહોર અને દિલ્લી તરફ મ્લેચ્છ લોકો હિન્દુ રાજાઓની ધુળધાણી કરતા જાય છે. એ જ પાપે સોમનાથ મહાદેવનું ખંડન થયું, અને આ દેશના રાજાની પણ ઘણી દુર્દશા થઈ, પણ હજી આગલા રાજાનાં સુકૃત આડા આવે છે, અને તેથી દેશનું રક્ષણ થાય છે. તમારા સરખા ગૌબ્રાહ્મણ પ્રતિપાળ પ્રધાનજી છે એટલે આ રાજ્યમાંના બ્રાહ્મણોને બેશક લાભ છે જ. આગલા રાજાની તો શી વાત થાય ? સાંભળો, મહારાજ ! હું એક દૃષ્ટાંત આપું.

જ્યારે મૂળરાજ વૃદ્ધ થયો ત્યારે તેનાં પાપથી મુક્ત થવાને તથા શુદ્ધિ પ્રાપ્ત કરવાને શ્રીસ્થળ (સિદ્ધપુર) ગયો. બધાં તીર્થમાં શ્રીસ્થળ વધારે પવિત્ર ગણાય છે તે લક્ષ્મી આપનાર છે, અને જે તેને જોય છે તેનો ઉદ્ધાર થાય છે. ગયાજીથી સ્વર્ગ ત્રણ યોજન આઘું છે. પ્રયાગથી દોઢ યોજન છે, પણ શ્રીસ્થળ જ્યાં સરસ્વતી નદી પૂર્વ તરફ વહે છે ત્યાથી તો તે એક જ હાથ આધું છે એમ લોકો માને છે, એ તીર્થે તેણે સઘળાં પવિત્ર સ્થળોથી બ્રાહ્મણોને બોલાવ્યા, જ્યાં ગંગા અને યમુનાનો સંગમ થાય છે ત્યાંથી એકસો ને પાંચ બ્રાહ્મણ આવ્યા, સો સામવેદી ચ્યવનાશ્રમમાંથી આવ્યા; બસેં કન્યાકુબજમાંથી, સૂર્ય સરખા તેજસ્વી સો કાશીથી; બસેં ને બોત્તેર કુરૂક્ષેત્રથી, ગંગાદ્વારથી સો, નૈમિષારણ્યથી સો; અને કુરૂક્ષેત્રથી વળી વધારે એકસો બત્રીશ આવ્યા. રાજાએ બ્રાહ્મણોની આગળ સાષ્ટાંગ દંડવત કીધા, અને તેઓએ તેને આશિર્વાદ દીધો. પછી હાથ જોડીને રાજા બોલ્યો, “તમારી કૃપાથી જન્મ લીધાનો લાભ મને મળ્યો, મારી આશા હવે પૂર્ણ થશે, માટે અરે બ્રાહ્મણો, કૃપા કરીને મારું રાજ, ધન, હાથી, ઘોડા, ઈત્યાદિ જે ઈચ્છામાં આવે તે લો. હું તમારે શરણે છું, અને તમારો દાસ છું.” બ્રાહ્મણો બેાલ્યા; “રાજાધિરાજ, અમારાથી રાજ ચલાવી શકાય નહીં, ત્યારે તેનો નાશ કરવા શા સારૂં અમે તે લઈએ? જમદગ્નિના પુત્ર પરશુરામે ક્ષત્રિયો પાસેથી બળાત્કારે પૃથ્વી લઈ બ્રાહ્મણોને એકવીશવાર આપવા માંડી, પણ બ્રાહ્મણોએ તે લીધી નહી.” રાજા બોલ્યો, “હું તમારૂં રક્ષણ કરીશ. તમે તમારું ખટકર્મ કરો, અને કાંઈ ચિંતા ન કરો.” બ્રાહ્મણો બોલ્યાઃ “પંડિતો કહી ગયા છે કે જેઓ રાજા પાસે રહે છે તેઓના ઉપર વિપત્તિ આવી પડે છે. રાજાઓ અહંકારી, કપટી, તથા સ્વાર્થી હોય છે, માટે રાજાધિરાજ, જો દાન કરવાની તમારી ઇચ્છા હોય તો આ મોટું તથા રમણીય શ્રીસ્થળ અમને આપો એટલે અમે અહિઆં સુખેથી રહીશું. જે સોનું, રૂપું, અને હીરા વિગેરે બ્રાહ્મણોને આપવાં હોય તે સઘળું એ શહેરને શોભાયમાન કરવાને ખરચો.” રાજા આ વાત સાંભળી ઘણો ખુશ. થયો અને તેઓને પગે પડીને ગાય, સોના, હીરા વિગેરેના હાર ટાંગેલા રથ, તથા બીજી દક્ષિણાની સાથે શ્રીસ્થળ આપ્યું. વળી મૂળરાજે દશ બ્રાહ્મણને દક્ષિણા સહિત સુંદર તથા દ્રવ્યવાન સિંહપુર (સિહોર) ગામ આપ્યું. સિદ્ધપુર અને સિહોરની પડોસમાંનાં બીજા કેટલાંએક ગામો તેણે બીજા બ્રાહ્મણોને આપ્યાં. વળી તેણે સોમવલ્લીમાં મગ્ન રહેનારા છ બ્રાહ્મણોને સાઠ ઘોડા સહિત સ્તંભતીર્થ (ખંભાત) આપ્યું. સિદ્ધરાજે આ બક્ષિસ મંજુર કીધી અને બાલક (ભાલ) દેશમાં સો ગામ બ્રાહ્મણોને આપ્યાં, તે વખતે સિહોરની આસપાસ વાઘ અને બીજાં પ્રાણઘાતક પશુઓનો ભય હતો તેથી બ્રાહ્મણોએ તેને બદલે ગુજરાતમાં રહેવાની રજા માગી, ત્યારે રાજાએ તેઓને સાબરમતી નદી ઉપરનું આશાબીલી ગામ આપ્યું, અને સિહોરમાંથી જેટલું અનાજ લઈ ગયા તેટલા ઉપરથી દાણ માફ કીધું. ધન્ય છે એ રાજાઓને તથા તેઓનાં માતાપિતાને. તેઓએ તો પોતાના દેહનું સાર્થક કીધું. તેઓ તે ચોરાસી લાખના ફેરામાંથી ટળ્યા. હમણાં તેઓ આકાશમાં તારા થઈ પ્રકાશતા હશે.” એટલી વાત કહી વિજીયાદત્ત મહારાજ માટે નિશાસો મુકી ચુપ રહ્યા.

બ્રાહ્મણનું એટલું દુ:ખ સાંભળીને ભાણા પટેલથી પોતાનું તથા બીજા ખેડુત લોકનું દુઃખ કહ્યા વિના રહેવાયું નહી. તે બોલ્યો, “ભાઈ, એકલા બ્રાહ્મણની જ અવસ્થા આવી થઈ એમ નથી, ખેડુત લોકોની દશા પણ હાલને સમયે સારી નથી. હોણ વરસાદ જોઈએ તેટલો આવ્યો નથી, તેથી પાક પણ વર્ષોવર્ષ જેવો થયો નથી, તે છતાંપણ ઉઘરાતદાર મહેતો કહે છે કે દરબારી ભાગ મારી ઠોકીને લીધામાં આવશે. અમારા ઉપર કાંઈ થોડો જુલમ છે ? ગામની ખળીમાં અમારું અનાજ ભરવાની શરતે અમને કાપણી કરવા દે છે. જુદા જુદા માલિક તેઓના અનાજના જુદા જુદા ઢગલા કરે છે. બળદવડે અનાજ જુદું પાડે છે. પછી જમીનદાર પટેલ, કારભારી, અનાજ માપનારા વાણીયા, ખેડુત અને ચોકીદાર એ સઘળા ખળીમાં એકઠા થાય છે. પહેલાં તે અનાજને ચાળીશમો ભાગ રાજાને જુદો કાઢે છે. પછી તેથી કાંઈ થોડું કારભારીને માટે, રાજાના પાટવી કુંવરના ખાનગી ખરચને વાસ્તે, ગામના ચોકીદારને, અનાજ માપનાર વાણીયાને, ગામના પટેલને, દેવી અથવા વિષ્ણુના દેવસ્થળને વાસ્તે, તળાવને સારૂં, કુતરાને માટે અને એમ બીજા ઘણા એકને આપવામાં આવે છે. જ્યારે માપવાનું કામ પૂરૂ થાય છે ત્યારે ખેડુત જોરથી ટોપલા ઉપર હાથ નાંખે છે, અને કહે છે કે હવે બસ થયું. બાકી જેટલું અનાજ રહ્યું તે ખેડુત તથા જમીનદાર બરાબર હિસ્સે વહેંચી લે છે. એટલું થોડું ખેડુતને મળે છે, તે છતાં પણ જ્યારે રાજાને કુંવરી પરણાવવી હોય, અથવા એવો બીજો અગત્યનો ખરચ કરવો હોય, ત્યારે ખેડુત ઉપર ફાળો નાંખે છે. વળી રાજકુટુંબના વહીવંચા ભાટને અથવા કોઈ ભિક્ષુકને હરેક હોળ ઉપર જુજવો કર કરી આપે છે. અથવા ખળીમાંના અનાજના ઢગલામાંથી કેટલાંએક માપાં અનાજ લેવાનો હક કરી આપે છે એ પ્રમાણેનો કર એક વર્ષ લેવામાં આવે છે અથવા વર્ષોવર્ષ ચાલુ રાખે છે. કોઈએક ગામની આમદાનીમાંથી કેટલાએક રૂપીયા વસુલ કરી લે છે. ખેડુત લોકોની સારા વર્ષમાં પણ જ્યારે આવી અવસ્થા છે, ત્યારે વરસાદની અછતને લીધે જ્યારે પાક ન થાય ત્યારે તો તેઓનું પુછવું જ શું ? મંત્રી કહે છે કે કાંઈ પણ છુટ મુકવામાં આવશે નહી. તમે રાજા આગળ જઈને નાનાં છોકરાંની પેઠે રડશો તથા કાલાવાલા કરશો અને પંચ માગશો તે પણ તમારી વાત ઉપર કોઈ ધ્યાન આપવાનું નથી. તેનો વિચાર એવો છે કે રૈયતના ઉપર જરા પણ દયા કરવી નહી; અને એ વિચારને તે મજબુતી આપવાને વારેવારે આ કહેવત કહ્યાં કરે છે કે ‘રૈયત રાજા રામચંદ્રની પણ થઈ નથી.’ પણ બાપજી, એ પ્રમાણે નથી. રૈયત તો રાજના સ્તંભ છે, રૈયતવડે જગત જીવે છે; અને રૈયત સારાં કામની કદર જાણનાર છે. બાપજી તમે તો જાણતા હશો કે ભીમદેવના રાજમાં એક વર્ષ વરસાદ ન થયો તેથી ડંડાહી તથા વિશોપક ગામના કુટુંબિક (કણબી) રાજાને તેનો અનાજનો ભાગ આપી શક્યા નહીં. તે વખતે રાજાએ તપાસ કરવાને તે ગામો ઉપર એક મંત્રી અથવા મહેતાને મોકલ્યો, તેણે તમામ મિલકતવાળા ખેડુતને પકડીને રાજધાનીમાં લાવી રાજા આગળ રજુ કીધા, રાજાનો પાટવી કુંવર મૂળરાજ સત્યવાદી તથા એકવચની હતો. તે એક દિવસે સવારે રાજાના એક ચાકરને સાથે લઈને તે ફરતે હતો. તે વખતે તેણે આ સઘળા લોકોને ભયભીત થઈ માંહેમાંહે બબડતા સાંભળ્યા. તરત તેણે ચાકરની મારફતે ખબર કઢાવી, અને તેઓની હકીકત સાંભળીને તેને એટલી તો દયા આવી કે તેની આંખમાં આંસુ આવ્યાં. એકવાર મૂળરાજે અશ્વવિદ્યામાં એટલી તો કુશળતા દેખાડી કે રાજાએ તેના ઉપર પ્રસન્ન થઈ તે જે માગે તે આપવા વચન આપ્યું. મૂળરાજે માગી લીધું કે કણબીઓનું ગણોત માફ કરવું, રાજાએ ઘણી ખુશીથી તેની વાત કબુલ કરી તેઓને બંધીખાનામાંથી છોડી મુક્યા. તેઓ મૂળરાજને પગે પડ્યા, તેઓમાંના કેટલાએક જાથુ તેની સાથે રહ્યા, અને બીજાઓ જે પોતાને ગામ ગયા તેઓએ તેની કીર્તિ ઘણી વધારી, પણ તે બિચારો મૂળરાજ મરી ગયો. પછી બીજે વર્ષે જ્યારે પાક સારો થયો ત્યારે ચાલુ તથા પાછલા વર્ષનો રાજાનો ભાગ લઈને તે ખેડુતો આવ્યા. ભીમદેવે પાછલા વર્ષનો ભાગ લેવાની ના કહી; પણ ખેડુતોએ કાલાવાલા કરી માંગી લીધું કે એ બાબતનો ફેંસલો કરવાને પંચ નીમવા જોઈએ. પંચે ઠરાવ કીધો કે બંને વર્ષના રાજાના ભાગ લેવા, અને આમદાનીમાંથી મૂળરાજના કલ્યાણને અર્થે ત્રિપુરૂષપ્રસાદનું દહેરૂં બાંધવું, ખેડુત લોકો તો એવા હોય છે. માટે બાપજી ! મંત્રીના કહેવાથી કામ ના કરતાં ઉપલા દૃષ્ટાંત ઉપર પણ વિચાર રાખજો.” એ પ્રમાણે વાતની વાતમાં પોતાનું કામ કાઢી લઈ મનમાં ઘણો સંતોષ પામીને ભાણો પટેલ મુંગો રહ્યો.

માધવે વિજીયાદત્ત ગોરની તથા ભાણા પટેલની વાત લક્ષ દઈ સાંભળ્યા પછી જેઠાશા તરફ ફરી તેને પુછયું, “કેમ શાહ ! તમારે કાંઈ દુ:ખ રડવું છે?” તે વર્ષે તેને વ્યાપારમાં નફો સારો મળ્યો હતો તેથી તેના મનમાં એવું હતું કે આખા જગતમાં વ્યાપારીઓ સુખી જ હોવા જોઈએ. તો પણ કાંઈ બોલવું તો જોઈએ માટે તે પોતાની બડાઈ કરવા લાગ્યો, “મ્હેં હોણ સ્તંભતીર્થ તથા ભૃગુપુર (ભરૂચ) બંદરે ઘણુંએક મંજીષ્ઠ (મજીઠ) મોકલ્યું છે. વળી બેટ દ્વારિકા, દેવ૫ટણ, મહુવા, ગોપનાથ અને બીજા બંદરોના મારા આડતિયા લખે છે કે અમે ઘણોએક માલ તમારી તરફથી લીધો છે. તે બધામાંથી રોટલા ખાવા જેટલું કુટી કાઢીશું, હોણ મળત વધારે, પણ સૂર્યપુર (સુરત) તથા ગણદેબા (ગણદેવી) બંદર આગળ મારાં વહાણ આવતાં હતાં તેમાંનો માલ ચાંચીયા લોકો લુંટી ગયા. તો પણ એટલું ભાગ્ય કે સોનાની મોહોરો સંતાડી રાખી હતી તે બચી ગઈ; નહી તો હોણ દેવાળું કાઢવાનો વખત આવત, બાપજી ! કાંઈ વધારે તમને કહેવાનું તો નથી, પણ એ ચાંચીયા લેાકોનો કાંઈ બંદોબસ્ત થાય તો સારૂં નહી તો અમારા જેવા વેપારી લોકનું સત્યાનાશ વળી જશે વળી રાજ્યમાં જે માલ આવે છે તથા જાય છે તે ઉપર દાણ જરા વધારે છે તેમાંથી કાંઈ ઘટાડો થાય તો સારૂં, તમે શ્યાણા છે એટલે વધારે બોલવાની જરૂર નથી, તો પણ જેમાં આપણો સ્વાર્થ રહેલો તેમાં બોલ્યા વગર પણ કેમ ચાલે ? કહેવત છે કે “માગ્યા વિના મા પણ ન પિરસે.” માધવે આ સઘળી વાત ઘણું મન દઈને સાંભળી. જો બને તો તે પ્રમાણે કરી લોકોની પ્રીતિ સંપાદન કરવી એ તેની મુખ્ય મતલબ હતી. માધવનું પ્રધાનપણું કાંઈ તેના બાપદાદાથી ઉતરેલું ન હતું. તે કોઈ ગરીબ માણસનો છોકરો વડનગર શહેરમાં જન્મ્યો હતો, અને તેની ઉમર સોળ વર્ષની થઈ ત્યારે તે ધંધો શોધવાને પાટણમાં આવ્યો હતો. પહેલાં તે લશ્કરના સિપાઈઓના પગાર વહેંચવા ઉપર કારકુન રહ્યો. ત્યાં ચાલાકી, હોંશિયારી તથા ઈમાનદારી બતાવી તે ઉપરથી તેને કોઠારીની જગા મળી, ધીમે ધીમે તે સારંગદેવ રાજાનો માનીતો થઈ પડ્યો.

સારંગદેવ મરી ગયો ત્યારે તેના છોકરાઓ વચ્ચે ગાદીને માટે તકરાર પડી તેમાં માધવની હોંશીયારીથી તથા કાવત્રાંથી કરણનો રાજ્યાભિષેક થયો. તે દિવસથી માધવના ભાગ્યનો ઉદય થયો, અને કરણ રાજાએ ગાદી ઉપર નિર્ભય થતાં જ માધવને મુખ્ય પ્રધાનપદ આપ્યું. દરેક રાજ્યમાં મુખ્ય પ્રધાનની પદવી ઘણી ભારે તથા જોખમ ભરેલી હોય છે. રાજા તથા રૈયત બંનેને એકી વખતે ખુશ કરવાનું કામ હમેશાં મુશ્કેલ થઈ પડે છે. માધવ તે સઘળું સમજતો હતો. તેને લોકોમાં વહાલા થવાની તથા પોતાનું નામ લોકોને વાસ્તે સારાં તથા ઉપયોગી કામો કરી, અમર કરી લેવાની ઘણી હોંસ હતી; તો પણ રાજાની મહેરબાની તે જ તેના અધિકારનો પાયો છે, એમ તે સારી પેઠે જાણતો હતો. તેથી ગમે તે પ્રકારે રાજાને રાજી રાખવાનો તેણે દૃઢ નિશ્ચય કીધો હતો. આગલા રાજાઓમાંના કેટલાએકના પ્રધાન વાણીયા હતા તેથી તે લોકો માનતા હતા કે માધવને પ્રધાનપદ મળ્યાથી તેમનો હક્ક ખેાટો થયો, માટે હરેક પ્રસંગે રાજાની આગળ માધવની તેઓ ચાડી કરતા હતા. તેની સામે માધવને ઘણી યુક્તિઓ કરવી પડતી હતી, એ બધું કરવાની સાથે પોતાને વાસ્તે દ્રવ્ય એકઠું કરવા તરફ પણ તેની ઘણી નજર હતી, કેમકે તેનું પ્રધાનપણું કાયમ રહેશે એવો એક ક્ષણવાર પણ તેને પાકો ભરોસો ન હતો. હવે પૈસા તો મેળવવા અને સાધન તો થોડાં તેથી તે ઘણીવાર મોટા વિચારમાં પડતો હતો. રાજ્યની મર્યાદા ઉત્તર તરફ અચળગઢ તથા ચંદ્રાવતી, પશ્ચિમ તરફ મોઢેરા તથા જિંજુવાડા, પૂર્વ તરફ ચાંપાનેર તથા ડભોઈ અને દક્ષિણ તરફ છેક કોંકણ સુધી હતી, પણ ભોળા ભીમદેવના મરણ પછી રાજ્યમાં અવ્યવસ્થા થઈ ગઈ હતી.

અચળગઢના પરમાર રાજાઓ ખંડણી બરાબર આપતા ન હતા. બીજા ખંડીયા રાજાઓ પણ નામની તાબેદારીમાં હતા. તેથી જો કરણ રાજા શૂરો નીકળે, અને રાજધાનીનું સુખ મુકી તલવાર બાંધી આગળ પડે, તો જ રાજ્યની આગલી કીર્તિ પાછી આવે. પણ તેમ થવાને ઘણો સંભવ ન હતો. જો કરણ જય કરી આવે, જો કેટલાએક નાના રાજાઓ પોતાની ખંડણી આપવી જારી કરે, અને તેથી રાજ્યની આમદાનીમાં વધારો થાય, તો જ બ્રાહ્મણોને રાજી કરાય, તો જ ભાણા પટેલના કહેવા પ્રમાણે ખેડુતોને છુટ આપવામાં આવે, તથા જેઠાશાનો માંગેલો દાણાનો ઘટાડો થઈ શકે. જો એ પ્રમાણે ન થાય, અને નહી થશે તેવી તેની ખાતરી હતી, તો રૈયતને ખુશ કરવી એ અશકય; માટે રાજાને રીઝવી જેમ બને તેમ પૈસા પોતાના ખજાનામાં ભરવા એ જ રસ્તો ખુલ્લો રહ્યો. પણ તેમ કરવામાં જોખમ ઘણું હતું. પ્રધાનપણું કરવું અને ગોખરૂની શય્યા ઉપર સુવું એ બે બરોબર હતું. જ્યારે સઘળા નાખુશ રહે, અને રાજા કાનનો કાચો, ત્યારે ગમે તેટલી ઊંચી પદવીનો શો ભરોસો ? વળી એવી રીતે વર્તી પોતે એકલાનું પેટ ભરી મોતે કે કમોતે મરવું એ વાત તેને જરા પણ ગમતી ન હતી. તેને કાંઈ છોકરાં ન હતાં. અને હવે પછી કદાપિ થાય પણ નહીં એવી બીક હતી. એ વાતથી તેના મનમાં નિરંતર શોક ઉત્પન્ન થતો હતો. કાળું ધોળું કરી પૈસા મેળવવા તે કોને વાસ્તે ? પાછળ કોઈ ભોગવનાર ન મળે, પિત્રાઈઓ તેની દોલતને માટે લડી મરે, અને તેનો જરા પણ ઉપકાર માને નહી, એટલું જ નહી પણ ઉલટા તેની નિંદા કરવામાં સામેલ થાય, એવા વિચારથી તેના હૈયામાં જાણે જખમ વાગતા હોય તેવું દુઃખ થતું, વળી હિંદુશાસ્ત્ર પ્રમાણે જેને પુત્ર પરિવાર નહી તેના જીવતરને ધિક્કાર ! તેની પાછળ પોક મુકનાર, આગ મુકનાર તથા મૃત્યુ- સંસ્કાર કરનાર કોઈ નહી તેથી તેની મુઆ પછી શી ગતિ થશે એ વિશે પણ તેને ઘણો ભય રહેતો હતો, પોતાનું નામ અમર રાખવાને માણસોને સ્વાભાવિક વૃત્તિ હોય છે, અને એ નામ પોતાના વંશથી અથવા લોકોપયોગી કામથી કાયમ રહે છે, માધવને પોતાના વંશ તરફથી કોઈ આશા ન હતી. તેમ લોકોપયોગી કામો કરવાનો હજુ સુધી પ્રસંગ પણ મળ્યો ન હતો, તેથી અગર જો તે રાજ્યમાં સૌથી શ્રેષ્ઠ હતો, અગર જો રાજા તેને પુછ્યા સિવાય પાણી પણ પીતો ન હતો, અગર જો તેની ડોકી ધુણવાથી હજારોનાં નસીબ ખુલતાં, અને હજારો પાયમાલ થઈ જતા, અને અગર જો કે તેના ઉપર લક્ષ્મીની પણ કૃપા હતી તો પણ તે જ્યારે ભવિષ્યનો વિચાર કરતો હતો ત્યારે તેની અવસ્થા એવી થતી કે કોઈ ગામડીયો પણ તેની અદેખાઈ ન કરે.

લેખક – નંદશંકર મહેતા
આ પોસ્ટ નંદશંકર મહેતાની ઐતિહાસિક નવલકથા કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!