કરણ ઘેલો: પ્રકરણ- 14

કરણ રાજાની છાવણીમાં ભીમદેવ આવ્યો, અને તેને અટકાવવાને મોકલેલાં માણસોનું શું થયું એ વાતની કાંઈ ખબર પડી નહી, ત્યારે અલફખાને ઘણી ચિન્તા થઈ. તેણે પોતાના સીપાઈઓના શા હવાલ થયા, એ વાતનો નિશ્ચય કરવાને ઘણાંએક માણસને મોકલ્યાં, પણ તેઓની ખબર હાથ લાગી નહીં. ચાર પાંચ દહાડા વહી ગયા, પણ કોઈ રીતના સમાચાર મળ્યા નહી, તેની પાસેનું લશ્કર બે મહીના લગી લડવાથી તથા આ માણસોના ગુમ થવાથી ઘણું જ ઓછું થઈ ગયું, તેઓને પોતાનું કામ સેહેલથી કરી લેવાની જે આશા હતી તે નિષ્ફળ ગઈ તેથી તેઓ ઘણાં નાહિંમત થઈ ગયા, અને અલફખાં ઉપર સઘળા બડબડવા લાગ્યા. એથી ઉલટું, કરણના લશ્કરમાં ભીમદેવના આવવાથી વધારો થયો, તેઓને આવી વખતે મદદ આવી મળી એ જાણે ઈશ્વરની તરફથી મોટી કૃપાનું ચિહ્ન મળી આવ્યું હોય એમ જાણીને તેઓ ઘણા ખુશી થયા, અને તેઓની લડવાની હોંસ વધારે જાગૃત થઈ, હવે ભીમદેવ દેવળદેવીને જલદીથી લઈ જશે એટલે લડાઈનું કારણ બંધ થશે, એમ જાણી તેઓ ઘણા ઉમંગમાં આવ્યા.

આ વખતે અલફખાંની અવસ્થા કોઈ હલકામાં હલકો સીપાઈ પણ અદેખાઈ ન કરે એવી થઈ હતી, તથા તેના મનમાં જે ફિકર તથા ઉદાસી ઉત્પન્ન થઈ તે એવી હાલતમાં જે માણસ પડેલાં હોય તે જ જાણે. તેણે આટલી ઉમરમાં મોટી મોટી લડાઈઓ કરીને જે કીર્તિ મેળવી હતી તે આવી હલકી લડાઈમાં સઘળી એકદમ ધોવાઈ જવા બેઠી. એક સપાટામાં આખું ગુજરાત જીતી લેવાથી તેણે જે નામ મેળવ્યું હતું તે ઉપર પાણી ફરી વળવાનો વખત આવ્યો. પાદશાહનો સંબંધી હોવાને લીધે તથા પોતાનાં મોટાં પરાક્રમને લીધે જે તેણે મોટામાં મોટી પદવી સંપાદન કીધી હતી તે પદવી ઉપરથી આવી ધુળ ગજાની વાતને વાસ્તે ગબડી પડવાનો પ્રસંગ આવ્યો, અને જો દેવળદેવીને ભીમદેવ દેવગઢ લઈ જશે, જો તે શંકળ દેવની સાથે પરણશે, તેમ થવાથી તે કદી હાથ આવશે નહી, અથવા તેને પકડવામાં ઘણી ઢીલ થશે, જો તેથી કૌળારાણી કોપાયમાન થશે, અને તે પોતાની સત્તા પાદશાહ ઉપર ચલાવશે, તો પાદશાહનો સ્વભાવ એવો હતો કે તેનો આવો નિકટનો સંબંધ છતાં, તેની મોટી પદવી છતાં, તથા તેની આગલી ચાકરી ઉપર નજર રાખતાં છતાં, તેની જીંદગી તથા માલમીલકત તથા કુટુંબ કબીલો સલામત રહેશે નહી એ વાતની તેને પક્કી ખાતરી હતી. એ સઘળા વિચારથી અલફખાં શોકાતુર થઈને બેઠો હતો, એમાં કાંઈ આશ્ચર્ય ન હતું, હવે એક વાત પર સઘળી આશા રહી હતી. તેની આબરૂ તથા જીંદગી એક દોરા ઉપર ટંગાયેલી હતી. જો છેલ્લી વારે પાસો સવળો પડે તો સઘળી રમત મનમાનતી રીતે પાછી ઠેકાણે આવે, જો પરમેશ્વર તેના ઉપર આ વખતે રહેમ કરે તો જ તે જીવતો રહે. તેણે બીજા સીપાઈઓ એકઠા કરવાને જે માણસો મોકલ્યાં હતાં તેઓ હજી પાછાં આવ્યાં ન હતાં. નવા સીપાઇઓ જલદીથી આવી પહોંચશે એવી તે ઘડીએ ઘડીએ આશા રાખતો હતો, અને એ મદદ જેમ બને તેમ તાકીદથી આવે તેને માટે તે ખુદાતાલાની રોજ બંદગી કરતો હતો. કેટલાંક કાર્યનાં કારણો ઈશ્વરે માણસોથી ગુહ્ય રાખ્યાં છે. ઈશ્વરે અલફખાંની પ્રાર્થના સાંભળવી તથા મંજુર કરવી, મુસલમાનોનું જોર વધારવું, તથા હિંદુઓને છુંદવા એ તેમાંનું એક કાર્ય હતું. તેનો આ હેતુ કોઈ ડાહ્યા જ કારણથી નિર્માણ થવો જોઈએ. અલફખાંની જીંદગી તથા કીર્તિ સલામત રહેવાની, શંકળદેવને વાસ્તે દેવળદેવી સર્જીત નહી હોવાની, દેવળદેવીના ઉપર પણ કેટલીએક આફત આવી પડવાની, તે પણ તેની માની પેઠે મ્લેચ્છ લોકોના હાથમાં જવાની, અને તેનું અંતે અકાળ તથા દુઃખદાયક મૃત્યુ થવાનું, કરણ તેના મનમાં જે વિચાર કરતો હતો કે મારા ઉપર હવે વધારે દુઃખ પડી શકવાનું નથી તે વિચાર ખોટો પાડવાનો, તેની આફતને ઘડો હજી ભરાયો ન હતો તે છલાછલ ભરાવાને, તેની વહાલી છોકરી તેના હાથમાંથી જવાની, તે મ્લેચ્છ વરને વરવાની, તથા તેને રઝળી રખડીને મરવાનું, એ સઘળું નિર્માણ થયેલું તેથી જ એક સાંજરે ક્ષિતિજમાં ધુળના ગોટેગોટા જણાયા, અને થોડા કલાકમાં અલફખાંની છાવણીમાં હિમ્મત તથા હોંસથી ભરેલા પાંચ હજાર તાજા લડવૈયા આવીને મળ્યા, તે વખતે અલફખાંને જે બેહદ આનંદ થયો તેનું વર્ણન કરી શકાતું નથી, આખા લશ્કરમાં જયજયકારની બુમ ચાલી; અને તેઓએ એક મોટી ફતેહ મેળવી હોય તેટલી ખુશી તથા આવેશ સઘળા મુસલમાન સીપાઈઓમાં પેદા થયો.

આ નવાં માણસો આવ્યાં એટલે તાકીદથી તથા ધમધોકાર કામ ચલાવવું, એવો અલફખાંએ નિશ્ચય કીધો તેણે લડવાની સઘળી તદબીર મનમાં ગોઠવી, તથા બીજે દહાડે તેને અમલમાં લાવવાને સઘળા લશ્કરી અમલદારોને હુકમ આપ્યો. તેણે પેહેલું કામ એ કીધું કે બાગલાણમાંથી નીકળવાના પહાડના જે જે રસ્તા હતા તે સઘળા બંધ કરવાને થોડાં થોડાં માણસો મોકલ્યાં, અને લશ્કરનો મોટો ભાગ પોતાની સાથે લઈને તે કરણના લશ્કર સામે ચાલ્યો. કરણ રાજા ઘણા આનંદમા પોતાની છાવણીમાં ફરતો હતો. મુસલમાનોનું લશ્કર એક ઠેકાણે પડી રહેલું હતું તેનું કારણ તેઓનું કમજોર હતું, એમ તે સારી પેઠે જાણતો હતો. પોતાનાં તથા ભીમદેવનાં માણસો એકઠાં મળવાથી દેવળદેવી સહીસલામત દેવગઢ પહોંચશે એવી તેની ખાતરી થઈ હતી. લડાઈ પૂરી થશે, અને દુશ્મનોની ઉમેદ નિષ્ફળ જશે એ વિચારથી તે ઘણો ખુશ થતો હતો, અને અગર જો એક હલકા કુળના મરેઠા સાથે પોતાની છોકરીને પરણાવવી પડે છે, એ વાત યાદ આવ્યાથી તેને ઘણો સંતાપ થતો હતો તો પણ પરદેશી મ્લેચ્છ કરતાં તે ઘણો સારો એટલાથી જ તેના મનનું સમાધાન થતુ હતું. તેનાં માણસો પણ તેટલા જ ઉમંગમાં હતાં, તેઓ લડાઈથી છેક કંટાળી ગયાં હતાં. અને અગર જો તેઓ રજપૂત હોવાને લીધે તથા આબરૂ વિષે તેઓના ઘણા ઉંચા વિચાર હોવાને લીધે કરણને મૂકીને તેઓથી જતાં ન રહેવાયું, તો પણ આબરૂની સાથે પાછા ઘેર જવાનો હવે વખત આવ્યો તેથી તેઓ ઘણાં આનંદમાં હતા. કુચ કરવાની તૈયારી થઈ, છાવણી ઉપાડવાનો હુકમ મળ્યો; સઘળા સીપાઈઓએ પોતપોતાનો સામાન તૈયાર કીધો, દેવળદેવી પોતાનાં કીમતી વસ્ત્ર તથા શણગાર સજી ઘોડા ઉપર સવાર થઈ, કરણ અને ભીમદેવ પણ તે જ પ્રમાણે લડવાનો સામાન સાથે લઈને લશ્કર જોડે ચાલ્યા; પણ તેઓ થોડેક દૂર ગયા એટલે એક જાસુસ દોડતો દોડતો તેઓની પાસે આવ્યો, અને શ્વાસ ખાધા વિના કરણ તથા ભીમદેવને સમાચાર કહ્યા કે “અલફખાંના લશ્કરમાં બીજાં નવાં પાંચ હજાર માણસો હમણાં જ ઉમેરાયાં છે, તેણે સઘળાં નાકાં ઘેરી લીધાં છે, તથા આપની સાથે લડવાને તે પોતે આવે છે.”

“અરે પાપી ! આવી ખબર ક્યાંથી લાવ્યો ? ” એ અક્ષર જાસુસની ખબર સાંભળતાં જ કરણના મ્હોંમાંથી નીકળી ગયા, આખું લશ્કર ત્યાં સ્થિર થઈ ઉભું રહ્યું. સઘળાના શરીર ઉપરથી લોહી ઉડી ગયું. કરણ અને ભીમદેવ તો મૂઢની પેઠે ઉભા થઈ રહી એક બીજાની તરફ એકી નજરે જોવા લાગ્યા. દેવળદેવી ઘોડા ઉપરથી બેહોશ થઇને પડી જાત, પણ એક સીપાઇએ તેને પકડી લીધી. તે તો ઘેલી જેવી જ થઈ ગઈ. સઘળાઓને એક વિજળીને આચકો લાગ્યો હોય તેમ તેઓ સ્થિર થઈ ગયા. કોઈએ તેમના ઉપર સ્તંભન મંત્ર અજમાવ્યો હોય તે પ્રમાણે તેઓ સઘળા પથ્થરનાં પુતળાંની પેઠે જડ જેવા ઉભા રહ્યા. લશ્કર સઘળું ચુપાચુપ થઈ ગયું. કોઈ બોલે પણ નહી, અને ચાલે પણ નહી. આવી અવસ્થામાં આવી પડવાનું કારણ કાંઈ તેઓની નામરદાઈ હતું, એવું કદી કોઈએ એક ક્ષણ વાર પણ મનમાં આણવું નહી. રજપૂત સીપાઈઓ લડાઈથી કદી બીહીતા નથી; લડવામાં તેઓ ઘણી ખુશી માને છે; લડવું એ તેમનો ધર્મ સમજે છે; લડાઈમાં મરવાથી દેવલોક પ્રાપ્ત થાય છે, તથા અપ્સરાઓ તેમને વરે છે એવો તેમનો મત છે, લડાઇ એ એક જાતની રમત છે, એમ માનવાની તેઓને નાનપણથી ટેવ હોય છે; એથી ઉલટું લડાઈથી બીહીવામાં તેઓ ઘણી નામોશી ગણે છે, લડતાં પાછાં ફરવામાં તેઓ મોટી ગેરઆબરૂ માને છે, માટે આ વખતે તેઓ સ્થિર થઈને ઉભા રહ્યા તેનું કારણ લડવાની બીહીક શિવાય કાંઈ જુદું જ હતું. તેઓ તો આ બનાવથી મૂઢ જેવા થઈ ગયા હતા. જે ઉમેદ તેઓએ બાંધી હતી તે સઘળી બિલોરી કાચની પેઠે ફૂટી ગઈ. જે વસ્તુ તેઓના હાથમાં આવી ચુકેલી માનતા હતા તે છટકી ગઇ; તથા જે કામ પાર પાડવાની તૈયારી ઉપર આવેલું હતું તે સઘળું ઉંધું થઈ ગયું; એ બધું એકી વારે વગર ધાર્યે બન્યું તેથી તેઓનાં મનને આચકો લાગ્યો હતો.

કરણે ત્યાં જ પોતાના લશ્કરને અટકાવવાનો હુકમ કીધો, અને હવે શું કરવું તે વિષે વિચાર કરવાને પોતે, ભીમદેવ તથા બીજા વૃદ્ધ તથા અનુભવી સામંતો એક ઠેકાણે મળ્યા. નવા આવેલા સીપાઇઓ તથા તેઓના આવવાને લીધે નવી હિમ્મત પકડેલા મુસલમાનોની સાથે, લડાઈથી થાકેલા તથા નાહિમ્મત થઈ ગયેલા, હોંસ વિનાના રજપૂતો વડે લડવું એ કામ તેઓને જોખમ ભરેલું લાગ્યું. વળી જો હાર થાય તો ઘણાંએક માણસ કપાઈ જાય, તેની સાથે દેવળદેવી કદાચ દુશ્મનોના હાથમાં પડે એ વિષે ભીમદેવને ઘણી દેહેશત હતી, માટે હમણાં લડાઈ કરવાની વિરૂદ્ધ તેણે પોતાનો અભિપ્રાય આપ્યો. બીજા સામંતોએ પણ એવી જ સલાહ આપી કે “લડવામાં કંઈ ફાયદો નથી.” હવે શું કરવું ? બાગલાણના કિલ્લામાં જઈને ભરાઈ બેસવા સિવાય બીજો કાંઈ ઉપાય ન હતો. તેમ કરવામાં ફાયદો એટલો જ કે, જો લડવાનું યોગ્ય લાગે તો કિલ્લામાંથી બહાર નીકળી લડી શકાય, અને જો હાર થાય તો પાછા કિલ્લામાં જઈ શકાય; અને ફરીથી યુદ્ધ કરવાનું બની આવે. એ પ્રમાણે કરવામાં અગર જો થોડી નામરદાઈ હતી, અગર જો પાછળ ભરાઈને માર મારવો એ તેઓની નજરમાં કાયર પુરુષનું કામ હતું, તોપણ આવી વખતે તેઓની અવસ્થામાં એ જ સારામાં સારો રસ્તો તેઓને જણાયો, મરીને શું કરવું? ‘જે આજે લડીને નાશી જાય તે કાલે લડવાને જીવતા રહે’ એ કેહેવત પ્રમાણે ચાલવાનો તેઓએ નિશ્ચય કીધો, પણ કિલ્લામાં ભરાઈ રહેવામાં એક મોટો ગેરફાયદો હતેા. બાગલાણ ગામ કાંઈ મોટું ન હતું, ત્યાંના વેપારીઓ મોટા તથા દ્રવ્યવાન ન હતા; તેની આસપાસ કાંઈ ઘણાં ગામો ન હતાં; પાસેનાં ખેતરોમાં અનાજ પુષ્કળ પાકતું ન હતું; લોકો જે અનાજ વાપરતા હતા તે આઘેથી આવતું હતું; શેહેરમાં ખાનગી લોકો પાસે કાંઈ અન્નનો ઘણો સંગ્રહ ન હતો; તથા દુકાનોમાં માલ જોઈએ તેટલો ન હતો. જો શેહેરના લોકોમાં ઉમેરો ન થાય તો આશરે બે ત્રણ મહીના સુધી ચાલે એટલું અનાજ હતું, પણ જયારે લશ્કરનો પડાવ શેહેરમાં થાય ત્યારે એક મહીનો પણ પહોંચે એટલો માલ નીકળવો મુશ્કેલ પડે. માટે જે કરવું તે એક મહીનાની મુદતમાં કરી લેવું અને મુસલમાનોને મારી હઠાવવા અથવા તેઓને કાયર કરી થકવીને પાછા કાઢવા, પણ જો એ બેમાંથી એક પણ કામ તેટલી ટુંકી મુદતમાં બની ન શકે તો પછી શી અવસ્થા? જો મુસલમાનો જય મેળવીને કિલ્લો સર કરે, અથવા કિલ્લા આગળ ધીરજથી પડી રહે અને શેહેરમાં અનાજ આવતું બંધ કરે અને તેથી ભુખમરાને લીધે આપણને શરણ થવાની જરૂર પડે; ત્યારે કેમ કરવું ? નાસવાનો રસ્તો કદાચ રહે નહીં; પણ સઘળી હકીકત ઉપર વિચાર કરતાં તેઓ સઘળાએ જલદીથી પાછા ફરી કિલ્લામાં જવાનો એકમતે ઠરાવ કીધો.

ઉપર પ્રમાણે હુકમ થતાં જ સઘળું લશ્કર ભારે દિલગીરીની સાથે પાછું ફર્યું અને યમના રાજ્ય તરફ જતા હોય તેવી મનોવૃત્તિ રાખીને તથા જીવવાની સઘળી આશા છોડી દઈને, અને બઈરી છોકરાં તથા બીજાં સબંધીઓને વિસારી દઈને તેઓ આગળ ચાલ્યા. અને સઘળા વિચારમાં તથા ફિકરમાં ગરક થઈ ચુપાચુપ ચાલતા હતા. પાછળ અલફખાંનું લશ્કર ઘણુ ઉમંગમાં તથા જય મેળવવાને પક્કો ભરોસો રાખી કુચ કરતું હતું. તેઓને પણ અનાજની તાણ હતી, પણ તેઓએ અનાજ પૂરું પાડવાને વેપારીઓ જોડે બંદોબસ્ત કીધો હતો, સઘળાં નાકાં તેઓના હાથમાં આવ્યાં એટલે તેઓની છાવણીમાં વણજારને આવવાની કોઈ હરકત રહી ન હતી, તેની સાથે વળી તેના રસ્તામાં તથા તેની આસપાસ જે જે ગામે આવતાં ત્યાં જઈ સઘળું અનાજ લુંટી લાવતા તે તેઓને મુસાફરીમાં કામ લાગતું હતું. વળી તેણે સઘળાં ગામોના લોકોને સમજાવીને શેહેર તરફ હાંકી મૂકયા, અને તે લોકોને પણ અનાજ ગયા પછી જીવવાનો કશો આધાર રહ્યો નહી, તેથી તેઓ પણ પોતાનાં બઈરાં છોકરાં તથા સાથે લઈ જવાય એવી માલમતા જોડે રાખી બાગલાણ તરફ જવાને નીકળ્યા, અને કરણ કિલ્લામાં પહોંચ્યો નહી એટલામાં તો તેઓ શેહેરમાં દાખલ થઈ ગયા. એ પ્રમાણે તે શેહેર લશ્કર સિવાયના માણસોથી ખીચોખીચ ભરાઈ ગયું, પછી એક બે દહાડામાં કરણના લશ્કરે શેહેરમાં પડાવ નાંખ્યો, અને કિલ્લાને તથા શેહેરને બચાવ કરવાને સઘળી તૈયારી કરવા માંડી. લુહારની દુકાનો જાગૃત થઈ ગઈ; ભાલાઓ, તીરનાં ભાલુડાં, બખતર વગેરે હુમલો તથા બચાવ કરવાનાં શસ્ત્રો તૈયાર થવા માંડ્યાં, તથા શેહેરમાંના જુવાન પુરૂષોએ પણ જરૂર પડે તે લડવાને વાસ્તે સામગ્રી કરવા માંડી. એ પ્રમાણે ચાર પાંચ દહાડા વીત્યા એટલે અલફખાંનું લશ્કર પણ શેહેરના કોટ આગળ થોડે દૂર છાવણી નાંખીને પડ્યું, અને દુશ્મનોના મારથી પોતાનો બચાવ કરવાને પાકાં કામ બાંધવાનો તેમણે આરંભ કીધો. તેઓ ધીરજ રાખી લાંબી મુદત સુધી છાવણી નાંખીને ત્યાં જ રહેવાના હોય એવી રીતે તેઓએ પાકાં કામ બાંધવા માંડ્યાં, તથા બીજી રીતનો બંદોબસ્ત કરી દીધો, તે ઉપરથી એવું જણાતું કે તેઓને કંઈ ઉતાવળ ન હતી, જે કામને સારૂ તેઓ ત્યાં આવ્યા હતા તે કામ પાર પડ્યા વિના ત્યાંથી એક તસુ પણ પાછા ન ખસવાનો તેઓને દૃઢ નિશ્ચય માલમ પડતો હતો. તેઓ હુમલો કરવાને આગળ ધસતા ન હતા, માત્ર શત્રુઓથી પોતાનો બચાવ કરતા હતા. અલફખાંનો ઈરાદો લડાઇ કરી માણસો તરફનું નુકશાન વેઠવાનો ન હતો. તે સારી પેઠે જાણતો હતો કે શેહેરમાંથી થોડા દહાડામાં અનાજ ખુટી જશે, એટલે માંહેમાંહે લુંટ ચાલશે, અને છેલ્લી વારે વગર સુરતે તાબે થવાની તેઓને જરુર પડશે, માટે તેની મુખ્ય મતલબ શેહેરમાંનું અનાજ ખુટાડવાની હતી, અને તેથી તેણે સઘળાં નાકાં બંધ કીધાં, અને શેહેરમાં એક દાણો પણ અનાજ જઈ ન શકે, એવો બંદોબસ્ત કીધો. એ કીધા પછી ધારેલું કામ વગર મહેનતે અને વગર લડાઈએ અને કોઈ રીતે નુકશાન ખમ્યા સિવાય કરી લેવાના અવસરને વાસ્તે શાંત મન રાખી રાહ જોતો બેઠો.

શેહેરમાં ગયા પછી કરણને માલમ પડ્યું કે અનાજને વાસ્તે જે ધાસ્તી રાખવામાં આવી હતી તે ખરી હતી. અત્યારથી જ અનાજ મોંઘું થઈ ગયું, અને થોડા દહાડામાં દુકાનોનો માલ ખપી જશે એમ દેખાયું. આખા શેહેરમાં એ બાબત શોરબકોર થઈ રહ્યો; કરણે પણ જોયું કે જેમ બને તેમ જલદીથી મુસલમાનો ઉપર હુમલો કરવો જોઇએ અને જો લાગ ફાવે તો તેઓમાંથી નીકળી જવું જોઇએ. એક ઘોર અંધારી રાત્રે કલાક બેને સુમારે કરણ પોતાના લશ્કર સુધાં કિલ્લાની બહાર નીકળ્યો. તે વખતે કંસારીના અવાજ સિવાય સઘળું ચુપચાપ હતું. વખતે વખતે ઝાડીમાંથી કોઈ રાની પશુનો અવાજ સંભળાતો હતો, અથવા આસપાસનાં નદીનાળાં આગળ શિયાળવાં ભુંકતાં હતાં, તે શબ્દ કાને પડતો હતો. આકાશમાં ચન્દ્રમા નહીં હતો. અને તારાઓથી જે થોડું અજવાળું પડતું હતું તેમાં ઝાડો તથા ટેકરીઓના ઓળા પડવાથી તેટલો થોડો પ્રકાશ પણ ઝાંખો થઇ ગયો હતો. ડગલે ડગલે સીપાઈઓ ઠોકર ખાતા હતા, પણ રસ્તાના જાણનાર ભોમીયા સાથે હતા તેથી આવી અન્ધારી રાત્રે તેઓ ચાલી શક્યા. થોડેક આગળ ચાલ્યા એટલે તેઓએ દુશ્મનની છાવણી દીઠી. તેને ઓળખવાની નિશાની એટલી જ હતી કે તેની આસપાસ ચોકીદાર લોકોએ મોટાં મોટાં તાપણાં સળગાવ્યાં હતાં. તેનાં અજવાળાને સુમારે તેઓ આગળ ચાલ્યા, અને શત્રુની છાવણી આગળ લગભગ આવી પહોંચ્યા. તે વખતે સઘળા મુસલમાનો ભરનિદ્રામાં પડેલા હતા, જે કોઇ જાગતું હતું તે પણ સુઈ રહેલું હતું. કરણે પોતાના લશ્કરની ગોઠવણ કીધી, તથા અન્ધારામાં કેમ લડવું એ બાબે સઘળા હુકમ જુદા જુદા સરદારોને આપી દીધા. પછી પેહેલો જે પહેરેગીર તેઓને મળ્યો તેને તુરત ઠાર માર્યો. પણ તેમ કરવામાં એવું બન્યું કે તેણે મરતી વખતે મોટી ચીસ પાડી, તેથી પાસેના પહેરગીર જાગી ઉઠ્યા, અને બળતાંના અજવાળા ઉપરથી સાફ માલમ પડ્યું કે રજપૂતોનું તમામ લશ્કર તેઓના ઉપર આવી પડયું છે આ વાત માલુમ પડતાં જ છાવણીમાં તેઓએ દોડાદોડ કરી મુકી, અને સઘળે ઠેકાણે શત્રુના આવવાની ખબર પહોંચાડી દીધી. મુસલમાનોમાં ગડબડાટ થઈ ગયો; સીપાઈઓ ઝપાઝપ ઉઠીને હથીયારબંધ થઈ ગયા; અલફખાં તુરત બહાર આવ્યો, અને પોતાના માણસોની વ્યવસ્થા કરવાને તેણે ઘણી મેહેનત લીધી. એટલા વખતમાં રજપૂતોઓ જે જે મુસલમાન તેઓના હાથમાં આવ્યા તેઓને કાંઇ પણ દયા લાવ્યા વગર કાપી નાંખ્યા. એ પ્રમાણે આખું લશ્કર ચીરીને કરણના માણસો બહાર જઇ શકત પણ અલફખાંએ ઘણા થોડા વખતમાં લશ્કરની ગોઠવણ કીધી, અને દુશ્મનને અટકાવવાને ધીરજથી ઉભો રહ્યો. જો આ વખતે રાત અજવાળી હોત તો કરણ તથા દેવળદેવી સહેજ શત્રુના સપાટામાંથી બચી જઈ શકત; પણ આ વખતે અન્ધારાને લીધે તેઓથી ઝડપ થઈ શકી નહી, અને તેથી દુશ્મનોને સામા થવાનો વખત મળ્યો, મુસલમાનોનાં સેંકડો માણસ આ રાત્રે કપાઈ ગયાં તેથી અલફખાંનાં તમામ માણસોને ઘણું શૂર ચઢયું, તેઓમાં ક્રોધનો આવેશ આવ્યો, અને તેથી તેઓએ એવો ઠરાવ કીધો કે મરતાં સુધી રજપૂતોને કદી રસ્તો આપવો નહી, જ્યારે કરણનું લશ્કર તેઓની પાસે આવ્યું, ત્યારે તેઓને આદરમાન આપવાને તૈયાર છે, એમ જણાવવાને તેઓએ એકી વખતે અને એકે સ્વરે “અલ્લાહુ અકબર” ની જોરથી બુમ પાડી. તેની સામા રજપૂતોએ “હરહર મહાદેવ” નો પોકાર કીધો. તે વખત ઘણો જ ભયંકર હતો.

બંને લશ્કરના અવાજથી તે સઘળી જગા ગાજી રહી, અને પાસેના ડુંગરોમાંથી તેનો પડઘો પડયો. પાછળથી મરતા અને ઘાયલ થયલાં માણસો રડતાં હતાં, તથા દરદને લીધે ચીસાચીસ પાડતાં હતાં તે આ મોટા અવાજમાં ધીમું ધીમું સંભળાતું હતું. અન્ધારામાં તલવારનો ચળકાટ વિજળીની પેઠે દેખાતો હતો. વળી તે વખતે વાતાવરણમાં પણ જાણે એક યુદ્ધ થઈ રહ્યું હતું. ચોદિશાએથી પવનના સપાટા સામસામા અથડાતા તેને લીધે ઝાડોના હાલવાથી પણ ઘણો અવાજ થતો હતો. વનમાં ઝાડની ડાળીઓ ભાંગી પડતી તેના કડાકા સંભળાતા હતા. સુકાં પાતરાં ચોતરફ ઉડતાં તેનો પણ ખડખડાટ થઈ રહ્યો હતો; અને ધુળ, પાતરાં, તથા બીજી હલકી વસ્તુઓ વંટોળીચામાં ઘસડાઈને ઉપર જતી હતી તેથી હવા સઘળી કચરાથી ભરાઈ ગયલી હતી. આવી વખતે રાની પશુઓનો શબ્દ તો ડુબી જ ગયો; નગારખાનામાં તતુડીનો અવાજ કયાંથી સંભળાય ? એવી રીતે ત્યાંનો દેખાવ થઈ રહ્યો હતો. ત્યાં વિવેક બુદ્ધિવાળાં માણસો, જેઓને ખરૂં ખોટું સમજવાની શક્તિ આપેલી છે, જેઓની વચ્ચે કેટલીક તરેહનો સંબંધ રહેલો છે, તથા જેઓએ એક બીજાને પોતાના ભાઈઓ જેવા ગણવા જોઈએ એવો જગતકર્તાનો નિયમ છે, એવાં માણસો એકએકનો જીવ લેવાને તૈયાર થયલાં હતાં, તેઓ સઘળાંમાં એક જાતનો શેતાન ભરાયલો હતો. તેઓનાં મનમાં એક મોટું તોફાન થઈ રહ્યું હતું, અને સઘળા સારા ગુણો તથા વૃત્તિઓ દબાઈ જઈને તેઓને ઠેકાણે માણસના ઘણામાં ઘણા દુષ્ટ તથા નાશકારક વિકારો પ્રબળ થઈ ગયા હતા, તેઓમાંથી હમણાં માણસપણું ગયું હતું; તેઓમાં પ્રેરણાનું જોર વધી ગયું હતું; માણસ અને કનિષ્ટ પ્રાણીઓમાં જે અંતર છે તે જતું રહ્યું હતું વિવેકબુદ્ધિ સમાઈ ગઈ હતી; અને તેઓ તે પ્રસંગે રાની હિંસક પશુએાના જેવાં થઈ ગયાં હતાં. જગતનું હિત ચહાનારા લોકો લડાઈને ઘણી જ ધિક્કારે છે એમાં કાંઈ આશ્ચર્ય નથી. એક એકનું ક૯યાણ કરવું એ હેતુથી માણસને પરમેશ્વરે નિર્માણ કીધાં છે, તથા તેઓને સમુદાય બાંધી રહેવાની પ્રેરણા આપી છે તે હેતુ લડાઈથી નિરર્થક થઈ જાય છે, સ્વરક્ષણને માટે જ લડાઈની ખરેખરી અગત્ય છે, તે પણ પોતાના બચાવને માટે લડવું પડે એ કાંઈ થોડું ખેદકારક નથી. સુષ્ટિમાં ઘણી વાર યુદ્ધ થતાં જોઈએ છીએ તે ઉપરથી સિદ્ધ થાય છે કે માણસનો સ્વભાવ જેવો જોઈએ તેવો થયો નથી. આ લડાઈ પણ ઘણી ગેરવાજબી હતી. એક માણસની છોકરીને બળાત્કારે તેની પાસેથી લઈ લેવી એ ન્યાયથી ઉલટું હતું, પણ જ્યાં “જેની તેગ તેની દેઘ” ત્યાં ન્યાયાન્યાય કોણ સમજે ? હવે લડાઈ વાજબી અથવા ગેરવાજબી ગમે તેવા કારણથી ઉઠી તે વાતમાં કાંઈ સાર નથી, તેનાં પરિણામો શાં થયાં તે તપાસવા લાયક છે.

દરિયામાં ભારે તોફાનની વખતે મોટાં પહાડ જેવાં મોજાં અથડાય છે, અથવા આકાશમાં જોસવાળા પવનથી ઘસડાતાં બે વાદળાં સામસામાં આવી મળે છે, તેમ કરણનું તથા અલફખાંનું લશ્કર એકેકને ભેટયું, પણ એ ભેટવું કાંઈ લાડનું ન હતું. એ તે ‘ભીમભાઈનાં લાડ’ જેવું ભેટવું હતું. છેક પાસે આવી ગયલા તેથી તીરકામઠાં બિલકુલ નકામા થઈ પડ્યા હતા. તેઓ ભાલા, તલવાર અને વખતે ખંજર કટાર, વગેરે ટુંકાં હથીયારોવડે લડતા હતા. એકએકના ઉપર દયા લાવી પ્રાણ ઉગારવાના તેએાએ સમ ખાધા હતા. મારવું અને મરવું, એ જ વાત મનમા રાખીને તેઓ લડતા હતા. “અલ્લાહુ અકબર” એક તરફથી ને “હરહર મહાદેવ ” બીજી તરફથી વારેવારે સંભળાતાં હતાં. તલવાર, ભાલા, વગેરેને ખડખડાટ થઈ રહ્યો હતો. સેંકડો માણસ ઘાસની પેઠે કપાઈ જતાં હતાં. તે કરતાં પણ વધારે માણસ ઘાયલ થઈને પડતાં તેઓ તેમના સોબતીના પગ નીચે છુંદાઈ જતાં હતાં, અથવા તેઓને તેમના સાથીઓ બાજુ તરફ ફેંકી દેતા હતા ત્યાં તેએા પડ્યા પડ્યા બરાડા બરાડ પાડતાં હતાં. એ પ્રમાણે મારામારી તથા કાપાકાપી ત્રણ કલાક સુધી ચાલી; પણ તેટલા વખતમાં બેમાંથી કોઈ પાછું હઠ્યું નહી. સવાર પડવા આવી, રાતનો અમલ ઉતરી ગયો, પૂર્વ દિશાએ અરૂણનો પ્રકાશ દેખાવા લાગ્યો, વાદળાંનો રંગ તેણી તરફ ઘણો જ સુન્દર રતાશ પડતો થઈ ગયો, તારાઓ એક પછી એક પોતાનું મ્હોં છુપાડવા લાગ્યા, અને આસપાસની સઘળી વસ્તુઓ ધીમે ધીમે અન્ધકારમાંથી નીકળવા લાગી. થોડી વાર પછી જ્યારે સૂર્ય ઘણા દબદબાથી પૂર્ણ બિંબ સાથે બહાર આવ્યો, ત્યારે એક ભયાનક તથા હૃદયભેદક દેખાવ નજરે પડયો; રણભૂમિમાંથી લોહીની નીક વેહેતી હતી; કેટલેક ઠેકાણે લોહીનાં ખાબોચીયાં ભરાઈ રહ્યાં હતાં; સામસામાં લશકર વાઘ અથવા વરૂનાં બે ટોળાંની પેઠે ગુસ્સાથી તથા ક્રુર પણાથી લડતાં હતાં; બંને તરફનાં મરી ગયલાં માણસો જુદે જુદે ઠેકાણે તથા જુદી જુદી રીતે જમીન પર પડેલાં હતાં, કેટલાએકનાં મ્હોં વકાસેલાં હતાં; કેટલાએકની અાંખ ઉઘાડી રહી ગઈ હતી; કેટલાએકની શિકલ તેએાના મરતી વખતના કષ્ટને લીધે વિક્રાળ થઈ ગયલી હતી; કેટલાએકનાં અવયવો કપાઈ ગયલાં આઘાં પડેલાં હતાં. અને કેટલાંએકનાં માથાં વગરનાં ધડ રઝળતાં હતાં.

તે જ પ્રમાણે ઘાયલ થયલા લોકો ભોંયપર ટળવળતા હતા. તેઓની ચાકરી કરનાર કોઈ નહી, તથા તેઓને ત્યાં જે જોઈએ તે આપનાર કોઈ મળે નહીં. કોઈ તેના ઘા ઉપર હાથ ફેરવનાર નહી, કોઈ તેને મીઠાં વચન કહી જીવને આરામ આપનાર અથવા દરદમાં દિલાસો આપનાર નહી; તેના ઘા ઉપર ઓસડ ચોપડનાર અથવા કોઈપણ રીતે તેની વેદના કમી કરનાર મળે નહી, એટલે બિચારા પોકેપોક મૂકી રોતા હતા; આવી દુ:ખદાયક અવસ્થામાંથી પરમેશ્વર તેઓને જલદીથી આ પાર કે પેલે પાર આણે માટે તે દીનદયાળ પ્રભુની સ્તુતિ કરતા હતા, તથા કેટલાએક આવા દુ:ખમાં પોતાની મા તથા બાપને સંભારતા હતા. યુદ્ધ કરવામાં શૌર્ય આણવાને બંને તરફવાળાઓ વાજીંત્રો વગાડતા હતા. જ્યારે સકળ સંસારમાં આનંદકારક પ્રભાત પડી હતી તે વખતે આ ઠેકાણે શોકના શબ્દ આ પ્રમાણે સંભળાતા હતા. જ્યારે આસપાસની નિર્જીવ વસ્તુઓ રળિયામણી દેખાતી હતી તે વખતે આવો ભયંકર તમાસો તે ઠેકાણે બની રહ્યો હતો; અને જ્યારે પશુ, પક્ષી આદિ બીજાં કનિષ્ટ પ્રાણીઓ ઉમંગભર ઉઠી પોતાનો ખોરાક શોધવાને, અથવા બીજા કાંઈ કામસર, અથવા ફક્ત ગમતને માટે ખુશીમાં કલ્લોલ કરતાં આણીમેર તેણીમેર ફરતાં તથા ઉડતાં હતાં, તે વખતે માણસ– વિવેકબુદ્ધિવાળાં, ખરૂંખોટું તથા પાપપુણ્ય સમજનાર, અમર આત્માવાળાં, સૃષ્ટિમાં સર્વોત્કૃષ્ટ પ્રાણી તથા જગતનું ધણીપણું ચલાવનાર– એવાં માણસો એક એકનો પ્રાણ લેતાં હતાં, તથા પશુતુલ્ય થઈ માણસનું મહત્વ ખોઈ તેના પેદા કરનારનું અપમાન કરતાં હતાં, તથા તેનો એક મોટો અગત્યનો તથા પવિત્ર હુકમ તોડતાં હતાં.

અજવાળું પડતાં જ બંને લશ્કરવાળાને પોતપોતાને થયેલું નુકશાન માલુમ પડયુ, અને રજપૂતો મુસલમાનો કરતાં થોડા માર્યા ગયા હતા તોપણ તેઓની અસલ સંખ્યા ઓછી હતી તેથી તેઓને ખેાટ વધારે જણાઈ, તથા તેઓ ઘણા ઘટી ગયલા દેખાવા લાગ્યા. દેવળદેવી પણ લશ્કરની સાથે હતી, અને તેને પાછળ રાખેલી હતી. પણ ભીમદેવને તેને વાસ્તે ઘણી ફિકર લાગ્યાં કરતી હતી. એટલામાં અલફખાંએ એક તદબીર કરી રાખી હતી તે અમલમાં આવી. તેણે રાત્રે કેટલાંએક માણસને આઘાં રાખ્યા હતાં. તેઓ હમણાં લડવાને આવ્યાં. તેઓને જોઈને રજપૂત સીપાઈઓના પેટમાં ભારે ફાળ પડી. તેઓને લાગ્યું કે જે પ્રમાણે એ માણસો આવ્યાં તે પ્રમાણે થોડીવાર પછી બીજાં તાજાં માણસ આવશે, અને એવી રીતે તેઓ કદી થાકવાનાં નથી. એથી ઉલટું તેઓમાં કોઈ વધારો થશે એવો સંભવ ન હતો; પણ ઉલટો તેઓમાંથી ઘટાડો થયાં કરતો હતો; એવું છતાં જ્યારે અલફખાંના લશ્કરને મદદ મળી ત્યારે તેઓ ઘણા ગભરાયા, તેએાએ જીતવાની સઘળી આશા છોડી દીધી, અને તેમને હાર્યા જેવું જણાયું. ભીમદેવને આ વખતે દેવળદેવીને વાસ્તે ચિન્તા વધી; અને તેના રક્ષણને માટે તે એટલો અધીરો થઈ ગયો કે તેણે પોતાનો ક્ષત્રિય ધર્મ ભૂલી જઈને પાછા કિલ્લા તરફ ફરવાને પોતાના માણસોને ફરમાવ્યું. તેઓને પણ એટલું જ જોઈતું હતું માટે જ્યારે આવી રીતે તેઓને પોતાના સરદાર તરફથી પાછા ફરવાની આજ્ઞા થઈ એટલે તુરત તેઓ બંદોબસ્તની સાથે પાછા હઠ્યા, અને શેહેર તરફનો રસ્તો પકડયો. તેઓને જોઈને તમામ રજપૂત લશ્કરે પોતાની પીઠ ફેરેવી અને ભીમદેવનાં માણસોની સાથે તેઓ પણ ચાલ્યા. જ્યારે એવો જ જુવાળ બેઠો ત્યારે તેને કોણ અટકાવી શકે? ઘેટાંના ટોળાંમાંથી એક ઘેટું જે રસ્તે જાય તે રસ્તે બીજાઓ પણ ચાલ્યા વિના રહેજ નહીં એવો નિયમ છે, તે જ પ્રમાણે લશ્કરમાં થોડા નામરદ તથા બીહીકણ લોકો નાસવા માંડે એટલે બીજાઓને ચેપ ઉડે છે, અને તેઓને પણ તેઓના સોબતીની પેઠે કરવાનું વલણ થઈ આવે છે. કરણનું લશ્કર જલદીથી બાગલાણ તરફ વળ્યું, અને તેઓની પાછળ મુસલમાનોએ દોડ કીધી. રજપૂતો નાસતા ગયા, તથા પાછા ફરી ફરીને દુશમનોની સામા લડતા ગયા. એમ કરવામાં તેઓનાં ઘણા માણસો કપાઈ ગયાં, અને કિલ્લામાં પેસતાં પહેલાં એક સાંકડી નાળ હતી તેમાં તેઓ આવ્યા ત્યાંથી મુસલમાનો અટકયા તેઓ રજપૂતોની પાછળ વધારે આવ્યા નહી. તેઓ પોતાની છાવણીમાં પાછા ગયા, અને રજપૂતો થાકેલા, અથડાયલા, તથા હાર અને માર ખાધેલા બાગલાણ શેહેરમાં પેંઠા, મુસલમાનોએ તેઓને વધારે ઉપદ્રવ કર્યો નહી, પણ તેઓએ શેહેર તમામ ઘેરી લીધું હતું તેથી કોઈ પણ માણસ તેમાંથી બહાર જઈ શકતું નહી, તથા કોઈ તેમાં આવી શકતું નહી. શેહેરમાં અનાજ ન જવા દેવાનો ઘણો જ પાકો બંદોબસ્ત રાખ્યો હતો.

રજપૂતો શેહેરમાં જઈને ઘણા જ ઉદાસ તથા શોકાતુર થઈને પડી રહ્યા, હવે તેઓને વધારે વાર લડવાની હિમ્મત રહી નહી. તેઓનો ઉમંગ જતો રહ્યો, તથા તેઓ નિરાશ થઈ ગયા. આ વખતે જો શેહેર ઉપર મુસલમાનો હુમલો કરે તો શું કરવું? લશ્કર તો વધારવું જોઈએ, અને જો બની શકે તો દુશ્મનોના ઉપર આવો બીજો હુમલો પણ કરવો. શેહેરમાં પડી રહેવાથી અનાજ ખપાવી દેવું, દુકાળને વેહેલો આણવો તથા શત્રુને શરણે જવાનો પ્રસંગ ઉતાવળથી લાવવો, એવી તરેહના બીજા ઘણા ગેરફાયદા હતા. જો લડવાને બહાર જવાય અને રાતની વખતે છાપો મરાય, તો કદાચ નાશી જવાનો પ્રસંગ મળે, અને એ પ્રમાણે સઘળાં માઠાં પરિણામોનું એકદમ નિવારણ થાય. વળી એ પ્રમાણે કીધાથી દુશ્મનોનાં ઘણાંએક માણસો માર્યા જાય, તથા તેઓ થાકી જઈ લડાઈથી કંટાળીને મુકામ ઉઠાવી ચાલ્યા જાય. એટલા માટે શહેરના રહેવાસીમાંથી જે જે જુવાન તથા લડવાના સામર્થ્યવાળા હતા તેઓને લશ્કરમાં સામેલ કરવાને કરણે ઘણી મહેનત કીધી. પણ તેઓમાંના ઘણા જ થોડા લડવાને તૈયાર થયા, તેઓને લડાઈમાં જવાની ટેવ ન હતી, તેઓએ રણસંગ્રામ ક્વચિત જ જોયેા હતો; તેઓના શહેર ઉપર તેઓના વખતમાં કોઈએ ચઢાઈ કરી ન હતી તેથી તેઓને લડવાનો બિલકુલ મહાવરો ન હતો; તેઓનું શૂરાતન પ્રકટ થયલું ન હતું, માટે ઘણાએકે જુઠાં બહાનાં કાઢયા, કેટલાએક સંતાઈ બેઠા, અને કેટલાએકે તે શરમ મૂકી સાફ ના જ કહી. તેઓ સઘળા કરણના ઉપર ગુસ્સે થયેલા હતા, તેઓના શેહેર ઉપર આ આફત આવી પડી તેનું કારણ કરણ છે, એમ જાણીને તેઓ રાત દહાડો તેને અંત:કરણથી ગાળો દેતા હતા. શેહેરમાં અનાજની ઘણી જ મોંઘવારી થઈ ગઈ હતી, તથા બીચારા સેંકડો ગરીબ લોકો મરી જતા હતા તેઓ કરણ તથા દેવળદેવી ઉપર નિસાસો મૂકતા હતા, શેહેરમાંના જે જુવાન લોકો લડવાને તૈયાર થયા હતા તેઓનાં માબાપ તથા બઈરાં છોકરાં પણ કરણને શાપ દેતાં હતાં, જે નવાં માણસો કરણના લશ્કરમાં ઉમેરાયાં તેથી કાંઈ તેમાં ઝાઝો વધારો થયો નહી, માટે ભીમદેવે શહેરનાં મુખ્ય મુખ્ય માણસોને પોતાની પાસે બોલાવ્યાં, ને તેઓને સમજાવ્યું કે “હાલ જે લડાઈ ચાલે છે તે કરણ રાજા ઉપર નથી, પણ તે તો દેવગઢના રાજા રામદેવજી, જે તમારા સઘળાના રાજા છે, તેના ઉપર ચાલે છે, કેમકે તમે સઘળા જાણો છોકે લડાઈનું કારણ દેવળદેવી છે; તેને મ્લેચ્છ લોકોને પોતાને વાસ્તે લઈ જવી છે, પણ તે તો આપણા શંકળદેવની સાથે પરણી ચુકી છે, માટે તે તમારી રાણી છે તમારે તમારી રાણીના બચાવને વાસ્તે લડવાનું છે, તમારે તમારા રાજાની પ્રતિષ્ઠા રાખવાની છે, અને આજે જો તેઓ તમારા રાજાના ઘરની રાણી લઈ જશે તો કાલે તમારાં ઘરનાં બઈરાંને ઘસડી લઈ જવામાં તેમને શી હરકત પડશે ? માટે તમે તમારા લોકોનું, તમારા દેશનું તથા તમારા રાજાનું જરા અભિમાન રાખો, અને જે હવે પછી તમારી રાણી થવાની છે તેને શત્રુઓના હાથમાં પડતી બચાવો. શું દુનિયામાં એમ કહેવાશે કે દેવગઢના રાજ્યના લોકો એવા હીચકારા હતા કે તેઓએ પોતાની રાણીને પોતાના દેશમાંથી પારકા દેશમાં લઈ જવા દીધી ? એમ થાય તો તે મોટામાં મોટી ગેરઆબરૂ સમજવી. પણ મને આશા છે કે તમે સઘળા એવા અધમ નથી કે એમ થવા દઈ તમારું નામ જગતમાં ડુબાવશો, માટે જાગૃત થઈ જાઓ. આબરૂને વાસ્તે વિચાર રાખો મરવાની દહેશત છોડી દઈ બઈરાં જેવી ચાલ ચાલતાં શરમાઓ, અને દુનિયાની સઘળી વાત આબરૂ આગળ હલકી ગણીને ઢાલ તરવાર બાંધીને તૈયાર થઈ જાઓ, કોઈ શા માટે જવાબ દેતું નથી ? તમારામાંથી કોઈને જુસ્સો કેમ આવતો નથી ? શું એવો વખત આવ્યો છે કે માણસો જીંદગી ઉપર એટલી બધી પ્રીતિ રાખે કે પોતાના રાજાની તરફથી પણ લડવાની ના કહે ? અરે ! શરમ છે તમને સઘળાને ! ધિક્કાર છે તમને ! ધુળ પડી તમારી જીંદગી ઉપર !” એટલું કહી તે ચુપ રહ્યો, તેને એટલો બધો ક્રોધ ચઢી ગયો કે તેનાથી વધારે બોલાયું નહી.

પણ ભીમદેવનું આ સઘળું બોલવું પવનમાં ઉડી ગયું, એ તો પથ્થર ઉપર પાણી, તેઓ સઘળા જડ થઈને બેસી રહ્યા, કોઈના ઉપર કંઈ અસર થઈ નહીં, તેઓના મનમાં નક્કી હતું કે આ કામમાં જય મળવાનો નથી, માટે જીંદગી શા માટે નકામી ફેંકી દેવી જોઈએ ? પણ જે જીંદગીના ઉપર તેઓને આટલી બધી પ્રીતિ હતી, જે જીંદગીને વાસ્તે તેઓ પોતાની પ્રતિષ્ઠા ખોવા બેઠા હતા, અને જે જીંદગીને વાસ્તે તેઓ પોતાના રાજા આગળ હલકા પડ્યા, તે જીંદગી ઘણી વાર ટકે એવો સંભવ ન હતો, મુસલમાનો સિવાય એક બીજો શત્રુ શેહેર ઉપર ચઢી આવ્યો હતો, તે શત્રુ અદૃશ્ય હતો; તેના સપાટામાંથી બચવું મુશ્કેલ હતું, અને તેના હાથથી મરવામાં કાંઈ પણ આબરૂ ન હતી. એ શત્રુ દુકાળ હતો. જો તેઓએ ભીમદેવના કહ્યા પ્રમાણે કીધું હોત, જો તેઓ સઘળાએ મળીને મુસલમાનો ઉપર હુમલો કીધો હોત, તો કદાચ આ નવા શત્રુના હાથમાંથી તેઓ જીવતા રહેત; તેઓની પ્રતિષ્ઠા કાયમ રહેત; તેઓના રાજાનું કામ થાત, લડાઈનો અંત આવત, અને બીજાં નઠારાં પરિણામોનો અટકાવ થાત, પણ કેહેવત છે કે ‘વિનાશ કાળે વિપરીત બુદ્ધિ.’ તેઓની મતિ બદલાઈ ગઈ અને તેથી તેઓમાંનાં ઘણાંખરાં ઢોર ને પશુની પેઠે મરણ પામ્યાં; તેઓનાં બઈરાં છોકરાંની પણ તેવી જ અવસ્થા થઈ, અને તેઓની માલમિલકત સઘળી ફના ફાતીઆ થઈ ગઈ.

શેહેરમાં અનાજની ખોટ હતી, એ ઉપર કહેલું જ છે, જ્યારથી શેહેરમાં લશ્કરનો તથા આસપાસના ગામના લોકોનો જમાવ થયો. ત્યારથી જ અનાજ ઘણું મોધું વેચાવા લાગ્યું, અને પહેલવહેલાં તો ગરીબ લોકોનો મરો થયો. લડાઈ જલદીથી પૂરી થશે, અને અનાજ બહારથી આવી પહોંચશે એ આશાથી લોકો ધીરજ રાખી દુઃખ વેઠી બેસી રહ્યા. પણ લડાઈનો પાર આવ્યો જ નહી, અને દુકાનોનો સઘળો માલ ખપી ગયો. સીપાઈઓ તથા બીજા લોકો બુમાબુમ પાડવા લાગ્યા, રસ્તામાં રોજ ઘણા લોકોનાં મુડદાં પડેલાં દેખાતાં હતાં; લોકો છેક નિરાશ થઈ ગયા; અને ભુખના માર્યા ઘેલા જેવા થઈને લુંટવા નીકળ્યા. એક સવારે શેહેરનો તમામ કચરો એટલે હલકા લોકો હથિયાર લઈ નીકળ્યા, અને બધે ઠેકાણે પથરાઈ જઈને લોકોનાં ઘર ફાડી માંહે પેંઠા, તેઓની જોડે લશ્કરના સીપાઈઓ પણ સામેલ થયા, અને દરેક ઘરમાં અનાજનો જે સંગ્રહ હતો તે લઈ ગયા. રસ્તામાં કાપાકાપી ચાલી, લોહી વહ્યું, મુડદાંઓ રસ્તામાં પડયા, અને શોરબકોર સઘળો થઈ રહ્યો. દ્રવ્યવાન લોકો એ ગમે તેટલો અટકાવ કીધો પણ તેમ કરવામાં ઘણાના જીવ ગયા, તોપણ તેઓનું કાંઈ ફાવ્યું નહીં. તેઓના ઘરનું સઘળું અનાજ લુંટાઈ ગયું અને હવે તેઓને ભુખે મરવાનો દહાડો આવ્યો. પણ થોડા દહાડા વહી ગયા એટલે પેલું લુંટેલું અનાજ થઈ રહ્યું એટલે પાછા સઘળા સરખા થઈ ગયા. હવે દુકાળ રાક્ષસે પોતાનું ખરેખરું રૂપ પ્રકાશ્યું, અને હવે ભુખનું દરદ સઘળાંને સરખું લાગવા માંડ્યું, આવી વખતે તે બિચારા લોકોની દુર્દશાનું યથાસ્થિત વર્ણન કરવું ઘણું મુશ્કેલ છે, જે બરાબર થઈ શકે તો તેથી દયાવૃત્તિને ઘણો આચકો લાગે, ને શરીરમાંનું સઘળું લોહી ઠરી જાય, રસ્તામાં લોકોના ચહેરા જોવાથી ચીતળી ચઢ્યા વગર રહે જ નહીં. તે બીચારાં ભુખે મરી ગયેલાં માણસોનાં શરીર લોહી ઉડી જવાથી ધોળાં ફક જેવાં થઈ ગયાં હતાં, તેઓમાંથી માંસ તથા ચરબી પીગળી જવાથી હાડકાં સઘળાં બહાર નીકળી આવ્યાં હતાં; તેઓના ચેહેરા ફિક્કાં સુકાઈ ગયલા, તથા ખડબચડા થઈ ગયલા હતા, અને તેઓ એવા તો બીહામણા થઈ ગયા હતા કે તેઓમાં અને મલીન ભતમાં કાંઈ અંતર રહેલું ન હતું. વળી આ ભયંકર ચેહેરા ઉપર તેઓના મનના સઘળા દુષ્ટ વિચારો બહાર નીકળી આવેલા હતા. દ્વેષ, અદેખાઈ, ક્રોધ, મરવા તથા મારવા વિષે બેપરવાઈ, તથા ભુખમરાથી જ યમરાજાના દરવાજા આગળ આવી પહોંચેલા લોકોમાં જે જે નઠારા ગુણો પ્રકટ થઈ આવે તે સઘળા તેઓના મ્હોં ઉપર સાફ માલમ પડતા હતા.

સારાંશ કે તેઓના ઉપર ખુદ મોત આવીને બેઠું હતું, અને જો તે માણસનું રૂપ ધારણ કરે, તો તેનું સ્વરૂપ આ લોકોના જેવું બરાબર થાય. એ તો આપણે તેના બહારના દેખાવનું વર્ણન કીધું; પણ તેઓના મનમાં જે અવ્યવસ્થા થઈ રહી હતી, ભુખને લીધે જે તેઓને મહા વેદના થતી હતી, તેનું વર્ણન તો વૈદકશાસ્ત્રમાં જેઓ પ્રવીણ હોય તેઓ જ કરી શકે તથા જેઓને તે વાતનો અનુભવ થાય તેને જ તેની ખબર પડે. રસ્તે ચાલતાં ચાલતાં કેટલાંએક તમર ખાઈને પડી જતાં, અને તત્કાળ મરણ પામતાં, અથવા તેઓ એક બે દિવસ સુધી તેવી હાલતમાં રીબાયાં કરતાં. જ્યાં સઘળા ઉપર સરખી જ આપદા આવી પડેલી, ત્યાં એકેક ઉપર દયા પણ કોણ લાવે ? તથા તેનું દુઃખ મટાડવાને કોણ ઉપાય કરે ? માટે તેઓ રસ્તામાં બીજાં મુએલાં માણસોની સાથે જીવતાં પડી રહેતાં હતાં. કેટલાંએકથી તો બહાર નીકળાતું જ ન હતું. તેઓ ભુખથી એવાં અશક્ત થઈ ગયાં હતાં કે તેમનાથી ઉઠાતું પણ ન હતું તેઓ ઘરમાં સુતાં સુતાં બરાડા બરાડ પાડતાં હતાં. નાનાં નાનાં છોકરાં રસ્તામાં ટળવળતાં હતાં અને પછાડા મારી મારીને મરી જતાં અથવા મરણતોલ થઈને ભોંય ઉપર પડતાં હતાં, છોકરાંની મા ઘેલી જેવી આણીગમ તેણીગમ દોડતી, અને કડકો રોટલો જે તેણે છુપાવી રાખ્યો હોય તે પોતાનાં હાડપિંજર જેવાં સુકાઈ ગયલાં છોકરાંને ખવડાવતી, અને તેટલો સુકો રોટલો પણ કોઈ હરામખોર આવે તો તેના હાથમાંથી લઈ જાય માટે તે ચોતરફ જોયાં કરતી. કેટલીએક બઈરીઓની નજર આગળ તેઓનાં નાનાં નાનાં કુમળાં બાળક તરફડીને મરી જતાં તેને જોઈ તે બેબાકળા ડોળા કરી મ્હોં ઉઘાડું રાખી ઉભી રહેતી. પોતાને ખાવાને મળે નહી, એટલે દુધ તો કયાંથી જ આવે ? આથી ધાવણાં છોકરાં પીલાઈપલાઈને મરી જતાં હતાં. તેઓના દરદથી તથા ભુખથી તેઓની માની પણ તેવી જ અવસ્થા થતી હતી. ઘરડાં અશક્ત ડોસાઓ તથા ડેાશીઓ પડીપડીને મરતાં હતાં. અને ભર જુવાનીમાં આવેલાં સ્ત્રીપુરૂષો પણ કાળચક્રના સપાટામાં આવી ગયાં હતાં. દુકાળની આગળ બધી જાતનાં, ઉમરનાં, તથા પદવીનાં માણસો સરખાં જ હતાં. મોત ચોતરફ ફરતું હતું. તેના હાથમાં ઘણું કામ આવી પડયું હતું. ગરીબ લોકોનાં મુડદાં રસ્તામાં, ગલીમાં, અને ઘરોમાં, કોહી જતાં હતાં. તેઓને બાળવા જવાની કોઈનામાં શક્તિ રહી ન હતી, તથા જ્યાં સઘળાંને મરવાની ધાસ્તી સરખી જ ત્યાં એક એકને શરમ તથા સંબંધ તો કયાંથી જ રહે ?

હવે અનાજ તો થઈ રહ્યું, અને જીવતાં રહેલાં માણસોને કોઈ પણ જાતનો ખોરાક તો જોઈએ, માટે કેટલાંએક ઝાડનાં ફળ ખાઈને જીવતાં, કેટલાંએકને ત્યાં ગાય ભેંસ હતી તેઓ દુધ પીને પોતાનાં શરીરને આધાર આપતાં, કેટલાંએક ઢોરની પેઠે ઘાસ ખાતાં, કેટલાંએક પાતરાં ખાતાં, વળી બીજાઓ એમાંથી કાંઈ ન મળે ત્યારે ચામડાં કરડતાં, અને વખતે ધુળ ને મટોડું ખાતાં, જે કાંઈ નરમ વસ્તુ ચાવી શકાય તેવી હોય તે સઘળી ભક્ષ કરવામાં આવતી. એ બધાની સાથે પેટનું ભરતીયું થવાને માટે પુષ્કળ પાણી લોકો પીતાં હતાં. આવો નઠારી જાતનો, જેથી પોષણ થઈ ન શકે એવો, વખતે શરીરને નુકસાન પહોંચાડે એવો ખોરાક ખાવાને લીધે, તથા મરી ગયલાં માણસોની સડી ગયેલી લાશોમાંથી જે દુર્ગંધ તથા પ્રાણઘાતક હવા નીકળતી હતી તેને લીધે શહેરમાં મરકી ચાલી. લોકોને તાવ, જીવમાં ચુંથારો, અને અંતે સનેપાત થવા લાગ્યો, અને થોડા વખતમાં મોત આવીને આ સઘળા દુ:ખમાંથી તેઓનો છૂટકો કરવા લાગ્યું. એ પ્રમાણે તે લોકોના ઉપર દુકાળ અને મરકી એ બે આફતો આવી પડી, અને તેથી મૃત્યુનું કામ ઘણું જ ધમધોકાર ચાલવા માંડ્યું, જેઓ કદાચ દુકાળના સપાટામાંથી બચે તેઓ મરકીના ઝપાટામાં ઘસડાઈ જાય. જ્યારે શહેરમાં મરકીએ દેખાવ આપ્યો, ત્યારે તો લોકો છેક નિરાશ થઈ ગયાં, તેઓએ જીવવાની સઘળી આશા છોડી દીધી અને મોતને વાસ્તે ઘણી જ બેપરવાઈ દેખાડવા માડી. પછી રસ્તામાં જે મુડદાં પડે તેને કોઈ ઉઠાવે પણ નહી, અને ત્યાં તેઓ સડ્યાં કરે. ઘરોમાં પણ મુડદાં પડી રહેતાં. શેહેરમાં કાગડા, ગીધ, અને સમડી ધોળે દિવસે મુડદાને પીંખી નાંખતાં, વખતે કુતરાં, બિલાડાં તેઓને ઘસડતાં તથા ફાડી ખાતાં, રાત્રે જંગલમાંથી શિયાળવાં તથા બીજાં હિંસક પશુઓ શેહેરમાં ઉજાણી કરવા આવતાં. ગાય, ઢોર તથા બીજા પાળેલાં જાનવરો ધણી વિના, ખાધા વિના, સંભાળ વિના મરવા લાગ્યાં. તેએાએ પણ શેહેરની દુર્ગંધમાં વધારો કીધો, માણસો તથા તેની સાથે સંબંધ રાખનારાં પ્રાણીઓને આ પ્રમાણે નાશ થતો હતો, અને માંસભક્ષક પશુઓનાં મનને માટે ઉત્સવ થઈ રહ્યો હતો. દુકાળ તથા મરકીને લીધે જેવો લોકોની શરીરની અવસ્થામાં ફેરફાર થયો તેવો જ તેઓની મનની સ્થિતિમાં પણ ફેરફાર થયો હતો. માણસમાં જે દુષ્ટ તથા નઠારા ગુણે હોય છે તેઓ સઘળા આ વખતે પ્રકટ થયા તથા સઘળા સારા તથા ઉંચા ગુણો દબાઈ ગયા. માણસામાંથી માંહેમાંહેની શરમ ઉઠી ગઈ, સગપણનો નાશ થયો, દોસ્તી હોલવાઈ ગઈ; સ્વાર્થ સ્વાર્થ સઘળે ઠેકાણે સઘળાના મનમાં વ્યાપી રહ્યો. માબાપ અને છોકરાંની વચ્ચેનું તથા ધણીધણિયાણી વચ્ચેનું સઘળું હેત નાસી ગયું, એ વખતે કોઈ કોઈનું નહી, સૌને સૌનું લાગ્યું હતું.

લોકોના મનમાંથી ધર્મનો અંશ જતો રહ્યો, પરમેશ્વરને તેઓ ભૂલી ગયા. મોતનો ડર તથા મુએલાં માણસને વાસ્તે માન એ બંને જતાં રહ્યાં; આ સઘળી આફત જોવાથી તથા મોત તેઓની પાછળ ડગલાં ભરતું હતું તે વિચારથી ઈશ્વર તરફ મન લઈ જવાને તથા શોકાતુર થઈને શાણપણ તથા ગંભીરતા પકડવાને બદલે તેઓ ઉલટા ખુશી થતા તથા આણીગમ તેણીગમ અતિ આનંદમાં ફરતા દેખાતા હતા. તેઓનાં મગજ ભુખથી ફરી ગયેલાં હતાં. આવી અસ્વાભાવિક વર્તણુક કોઈ બીજા જ કારણને લીધે તેઓએ પકડી હતી. એ ગમે તેમ હોય તો પણ દિવસે અને રાત્રે કેટલાંએક ભૂત જેવાં બીહામણાં માણસોનાં ટોળાં રસ્તામાં મોટે અવાજે તથા ખુશીથી ગાતાં, વાજીંત્રો વગાડતાં, તથા ઘણો શોર કરતાં જતાં હતાં. એ પ્રમાણે કરવામાં તેઓની મતલબ કાંઈ પણ જણાતી ન હતી. તેઓ માત્ર વખત કાઢવાને તથા મોતનો વિચાર દૂર કરવાને ફરતાં હતાં. કેટલાંએક માણસો સનેપાતના જોરમાં બહાર નીકળીને ફરતાં અથવા દોડતાં હતાં, તેઓ ગાતાં, બૂમ પાડતાં અથવા વગર અર્થનું અને વગર મતલબનું બોલતાં. અને છેલ્લી વારે એવા જોરથી ખડખડ હસી પડતાં કે આખો મોહલ્લો ગાજી રહેતો. એ પ્રમાણે શેહેરની અવસ્થા થઈ રહી હતી.

હવે કિલ્લામાં જ્યાં કરણ રાજા, ભીમદેવ, દેવળદેવી તથા મુખ્ય સામંતો અને બીજા સરદારો રહેતા હતા તેઓને વાસ્તે તો કિલ્લાના કોઠારમાં કેટલુંક અનાજ ભરી રાખેલું હતું તેમાંથી થોડું થોડું તેઓ વાપરતા, અને એ પ્રમાણે કસર કરી તેઓએ અનાજ અત્યાર સુધી પહોંચાડ્યું હતું, અને હજી થોડા દહાડા વધારે ચાલે એટલું બાકી રહેલું હતું. લોકોને એ જોઈને ઘણી અદેખાઈ આવતી હતી, અને તેઓને વાસ્તે પોતે મરણ પામે, અને જેઓ લડાઈનાં મુખ્ય કારણ તેઓ જીવતાં રહે એ જોઈને તેઓને ક્રોધ આવતો હતો. પણ તેઓને ગુજરાતના દુર્દશામાં આવી પડેલા દુર્ભાગ્ય કરણ રાજા ઉપર દયા આવતી હતી, તથા પોતાના રાજાના કુંવર ભીમદેવની તેઓ આબરૂ રાખતા હતા, તેથી તેઓએ કિલ્લા માંહેના લોકોનો કશી રીતનો ઉપદ્રવ કીધો નહીં. એ છતાં પણ કેટલાએક ફિતુરી, હલકા, તથા લુચ્ચા લોકોએ કિલ્લા ઉપર હુમલો કરી તેમાંનું અનાજ લુંટી લેવાનો એક કરતાં વધારે વાર નિશ્ચય કીધો, પણ તેઓમાંના વિચારવંત, દયાળુ, તથા રાજનૈષ્ટિક લોકોએ તેમને સમજાવ્યા કે એટલું અનાજ લુંટી લાવ્યાથી શહેરમાંના આટલાં બધાં માણસોને કાંઈ વધારેવાર ફાયદો થવાનો નથી, અને કિલ્લામાંના મોટા માણસો જેઓ દુનિયામાં અગત્યના છે તેઓ મરણ પામશે, તે વાત તેઓના મનમાં ઉતરી, તેથી તેઓ પોતાના ધારેલા કામથી બંધ પડ્યા. પણ તેઓનો ક્રોધ હજુ સુધી શમ્યો નહતો. તેઓની પાસે એક ઉપાય તૈયાર જ હતો. જો તેઓ સઘળા મળી શેહેરના દરવાજા ઉઘાડી નાંખી મુસલમાનેને અંદર આવવા દે તો તેઓના દુ:ખનું તુરત નિવારણ થાય. પણ તેમ તેઓએ કીધું નહીં. એ પ્રમાણે દગલબાજી કરવામાં ઘણી ગેરઆબરૂ છે, એમ તેઓ સારી પેઠે જાણતા હતા. તેમ કરવાથી જે પરિણામો નીપજે તેને વાસ્તે તેઓ ઘણાં દીલગીર હતા. તેટલા માટે જ આટલું બધું કષ્ટ તેઓએ સહ્યું; દુકાળ અને મરકી પોતાના શેહેરમાં આવવા દીધા, પોતાનાં વહાલામાં વહાલાં માણસોને પોતાની નજર આગળ પીલાઈપીલાઈને આવા ભયંકર મોતે મરતાં જોયાં, તથા પોતાના મોતને વાસ્તે પણ કાંઈ દરકાર રાખી નહી. તેઓએ તેઓના હાથમાં રહેલો ઉપાય કામે લગાડ્યો નહી. તેઓનો આ વિચાર જોઈને આપણને ખરેખરું આશ્ચર્ય લાગવું જોઈએ, અને તેમના પ્રતિષ્ઠા જાળવવા વિષેના એવા ઉમદા વિચાર જોઈને આપણે વિસ્મિત થયા વિના રહેતા નથી. આટલી બધી વાર તેઓએ આવા વિચાર રાખ્યા, પણ હવે તેઓનું મન બદલાયું અને કેટલાએક હલકા લોકોએ ઠરાવ કીધો કે હવે શેહેરના દરવાજા ઉઘાડા મૂકી દેવા, અને આ દેવકેાપનો એકદમ અન્ત આણવો. વળી આપણે ઈહાં રહીને પણ શું કરી શકીએ છીએ ? આપણામાં હવે લડવાની કાંઈ શક્તિ રહી નથી. કરણ અને ભીમદેવનું લશ્કર ઘણુંખરું સઘળું મરી પરવાર્યું છે, અને જો કોઈ જીવતા રહ્યા હશે તેઓની અવસ્થા હાલ લડવા લાયક રહી નહી હોય, માટે હવે દરવાજો બંધ રાખ્યાથી ને પડી રહેવાથી વધારે માણસોનો નાશ થાય છે પણ તેથી કાંઈ કામ સિદ્ધ થાય એવો સંભવ નથી. માત્ર તેથી વખત વધારે મળે છે, પણ એટલા વખતના જુજ ફાયદાને માટે માણસોના અમૂલ્ય જાનની ખરાબી થાય, એ કાંઈ વાજબી નથી, એ ઉપરથી તેઓએ ઠરાવ કીધો કે એ સઘળી વાત કરણને જઈને કહેવી, ને તેને કાને નાંખીને એ કામ કરવું.

એ વિચાર પ્રમાણે ઘણાએક માણસો એ કિલ્લામાં જઈ કરણની આગળ સઘળી હકીકત કહી, અને હવે શેહેરમાં શત્રુઓને આવવા દેવાની રજા માગી. કરણે તેઓનો ઉપકાર માન્યો, અને પોતાને તથા પોતાની પુત્રીને વાસ્તે તેઓ આટલી લાંબી મુદત સુધી મહાભારત દુઃખ તથા નુકશાન વેઠીને રહ્યા તેને માટે તેઓને ઘણી જ સાબાશી આપી. કરણને તેઓના ઉપર ઘણી દયા આવતી હતી, અને તેઓ કહે છે તે સઘળી વાત ખરી છે એવી તેના મનમાં ખાતરી થઈ હતી. હવે જીતવાની આશા તો મુદ્દલ રહી જ ન હતી. સીપાઈઓ સઘળા આ જગત છોડીને જતા રહ્યા હતા, અને જીવતા રહેલા આ લોક અને પરલોકની વચ્ચે લટકતા હતા. તેઓ કાંઈ લડવા લાયક રહ્યા ન હતા, તેથી હવે કિલ્લામાં ભરાઈ રહેવું નિરર્થક છે, એમ તેને સાફ જણાયું, અને વધારે માણસોને મરતાં અટકાવવાને માટે તેણે લોકો પાસે એક રાતની મહોતલ માગી, અને બીજે દહાડે દરવાજા ઉઘાડા મૂકવાની તેમને રજા આપી. લોકો તે સાંભળીને સંતોષ પામી ઘેર ગયા, અને બીજા દહાડાની રાહ જોવા લાગ્યા. તેઓ ગયા પછી કરણ ઉંડા વિચારમાં પડ્યો, હવે શું કરવું ? અત્યાર સુધી તેને એવી આશા હતી કે થોડા દહાડામાં કિલ્લામાંનું અનાજ ખપી જશે, એટલે પોતે તથા પોતાની છેકરી બંને એક પછી એક અથવા સાથે ભુખથી મરી જશે, એટલે લડાઈ એની મેળે સંપૂર્ણ થશે. પણ તેમ થવાનો વખત આવ્યો નહી. લોકોએ તેટલી ધીરજ રાખી નહીં, હવે એક રાત વચ્ચે રહી તેમાં કાંઈ તેના ધાર્યા પ્રમાણે થવાનું ન હતું. માટે હવે શસ્ત્ર વડે બેમાંથી એકનો જીવ લીધા સિવાય બીજો કાંઈ ઉપાય રહ્યો નહીં. હવે બેમાંથી કોણે મરવું એ વાતને વિચાર રહ્યો. દેવળદેવીને મારવાનો આગળ કરણે વિચાર કીધો હતો, તેને કાપી નાંખવાને તેણે તલવાર ઉગામી હતી, પણ એ અસ્વાભાવિક કામ કરવા જતાં તેનું મન હઠી ગયું હતું. આવી બાળક છે કરીને શી રીતે મારી નંખાય ? માટે પોતે જ મરવું એ સારું છે, પોતાના જીવવાથી કાંઈ ફળ ન હતું; પોતે ઉમરે પણ પહોંચ્યો હતો, પોતાને સુખના દિવસ પાછા આવશે એવો સંભવ ન હતો; તેથી દુઃખમાં બાકીનાં વર્ષ કાઢવા કરતાં એકદમ આયુષ્યની દોરી તોડી નાંખવી એ સારૂં એમ તેણે નક્કી કીધું, તે રાત્રે બાર વાગતે જ્યારે કિલ્લામાં સઘળા ભર ઉંઘમાં હતા ત્યારે લુગડાં પહેરી એક તેજ તલવાર સાથે રાખીને કિલ્લામાંથી બહાર નીકળ્યો. તેનો દેખાવ જોવાથી જ તુરત જણાઈ આવે કે તે વખતે તે કાંઈ ભયંકર કામ કરવાને જાય છે. તે પોતાની દીકરીને જગાડીને છેલ્લી વાર મળ્યો પણ નહીં, તે પણ તેને અંતઃકરણથી આશીર્વાદ દઈને તથા તેની જીંદગી અને પ્રતિષ્ઠાના સંરક્ષણ વાસ્તે પરમેશ્વરની પ્રાર્થના કરી ત્યાંથી ચાલી નીકળ્યો. બહાર મેદાનમાં પૂર ચાંદરણું ખીલી રહ્યું હતું તેમાં વચ્ચે વચ્ચે ઝાડો તથા ડુંગરેના ઓળા પડ્યા હતા. હવા બિલકુલ સ્થિર હતી, ઝાડનાં પાંદડાં લગાર પણ હાલતાં ન હતાં, સઘળું ચુપાચુપ હતું, તેમાં કરણનાં પગલાં સાફ સંભળાતાં હતાં, તે વખતે વખતે ઈશ્વરનું સ્મરણ કરતો હતો, અને આખી દુનિયાની આ છેલ્લી ભેટ લેતો હતો. થોડીએક વાર સુધી ઉંચી નીચી ભેાંય પર ચાલ્યા પછી તે એક મોટા મહાદેવના દેહેરા આગળ આવી પહોંરયો, તે દેવસ્થાન તે જગોએ,એ ઘણું નામાંકિત હતું, અને તે ઘણું વિસ્તીર્ણ હતું, તે રાત દહાડો ઉઘાડું હતું, અને આ વખતે તેમાં કે તેની આસપાસ કોઈપણ માણસ ન હતું. કરણ તે દેહેરામાં જઈ જ્યાં શિવલિંગ હતું ત્યાં ઉભો રહ્યો, તેણે ત્યાં કેટલીક વાર સુધી એકચિત્તે મહાદેવની સ્તુતિ કીધી, પછી મહાદેવની પૂજા કીધી, અને થોડાંક ફુલ પોતાની સાથે લઈ આવ્યો હતો તે તેના ઉપર ચઢાવ્યાં, પછી તે ઘણા જુસ્સાથી ઉભો થયો, અને તલવાર મિયાનમાંથી કાઢીને પોતાની ડોકે અડકાડી મોટેથી અને જુસ્સાથી બોલ્યો: “ હે મહાદેવ ! હે ભોળાનાથ ! હે શંકર ! હું કેવી આફતમાં આવી પડ્યો છું તે તું સારી પેઠે જાણે છે. તેમાંથી ઉગરવાનો કાંઈ રસ્તો સુઝતો નથી, માટે રે જગતના પ્રલયકર્તા ! આ તારી સમક્ષ મારો દેહત્યાગ કરૂં છું, નહી તો બચવાનો માર્ગ બતાવ.” એટલું કહો તેણે તલવાર આઘી ખસેડી જોરથી ઉગામીને ડોક ઉપર મારવાની તૈયારી કીધી; પણ તેટલામાં કોઈએ તેનો હાથ પકડ્યો હોય એમ લાગ્યું. તેની તલવાર ભોંય ઉપર પડી ગઈ અને આકાશવાણી થતી હોય એમ ઘુમટમાંથી નીચે પ્રમાણે શબ્દ સંભળાયો–“ અરે કરણ રાજા ! તારા દુ:ખનો પાર જ નથી, પણ તું આપઘાત કરીશ માં, જે થાય તે થવા દે, તને કાલે બચવાનો રસ્તો જડશે માટે ધીરજ રાખ.” કરણે એ શબ્દ સ્પષ્ટ સાંભળ્યા, અને તેનો અર્થ પણ તે સમજ્યો. મહાદેવની એ વાણી થઈ એવી ખાતરી તેને થઈ તેથી સંતોષ પામ્યો, અને આકાશવાણી ખરી પડશે એવો પૂરો ભરોસો રાખીને તેણે તલવાર મિયાનમાં ઘાલી, મહાદેવને સાષ્ટાંગ દંડવત કીધા અને પાછો કિલ્લા તરફ ગયો.

બીજે દિવસે શેહેરના કેટલાએક લોકોએ કોટ ઉપર ચડીને સલાહનું નિશાન દેખાડયું. તે ઉપરથી અલફખાંએ પોતાની તરફથી કેટલાંએક માણસોને મોકલ્યાં. તેમની આગળ શહેરના લોકોએ પોતાની સઘળી હકીકત કહી. તેઓની કેવી દુર્દશા થઈ હતી તે સઘળું તેઓને દયા ઉપજે એવી રીતે કહી સંભળાવ્યું. તે આખું શેહેર તેઓને સ્વાધીન કરવાને કબુલ કીધું, પણ એટલી શરત કીધી કે અમારી માલમિલકતને તમારે છેડવી નહીં, તેઓએ કહ્યું કે અમે મરી રહેલા છીએ; હવે મરતાંને મારવામાં કાંઈ આબરૂ તથા મોટાઇ નથી. વળી કરણ રાજા તથા દેવળદેવી તમારા હાથમાં આવશે એટલે તમારું ધારેલું કામ પાર પડશે, પછી શહેરના બીચારા નિરપરાધી લેાકેાને મારી નાંખવામાં તથા તેમની મિલકત લુંટી લેવામાં તમને શો ફાયદો છે? માટે એ વાત તમારા સરદારને કહો, અને જો એ પ્રમાણે કરવાને તમે અભયવચન આપો તો અમે શેહેર તમને આજે સ્વાધીન કરીએ. મુસલમાનોએ સઘળી વાત જઈને અલફખાંને કહી, તેથી તે સરદારને ઘણી દયા આવી અને તેઓની અરજ વાજબી, તથા કબુલ કરવામાં કાંઈ નુકશાન થાય એવી નથી એમ જાણીને શેહેરના લોકોને તે કબુલાત કહી સંભળાવી, અને તે દહાડે રાત્રે શહેરના દરવાજા ઉઘાડા મૂકવાનું ઠરાવ્યું, પેહેલી રાત્રે શહેરના લોકોએ એક દરવાજો ઉઘાડ્યો, અને મુસલમાન લોકો પાસે જ હતા તેઓ ધસારો કરી માંહે પેંઠા. શેહેરમાં પેસતાં જ તેઓ કરણ તથા દેવળદેવીને શોધવા લાગ્યા. રસ્તામાં કેટલાએક મરદો તથા બઈરીઓ તેઓને જોવાને ઉભેલાં હતાં તેઓમાંથી જ કોઈ દેવળદેવી હશે એમ તેઓને વેહેમ જવાથી તેઓ તેમને પકડીને ઘસડવા લાગ્યા અને તેમનું ઘણીએક રીતે અપમાન કરવા લાગ્યા, એ પ્રમાણે તેઓએ ઘણાંએક બઈરાને કીધું. તે તેઓના ધણીથી તથા બીજા માણસોથી ખમાયું નહી, માટે તેઓએ મુસલમાન સીપાઈઓ સાથે પહેલાં તકરાર કીધી; પણ તે તકરારથી કાંઈજ ફાયદો થયો નહી, ત્યારે તેઓએ વળગાઝુમી કીધી, અને તેમ કરવામાં આખરે મારામારી ઉપર આવી ગયા. મુસલમાનોને આટલી મુદત સુધી,શેહેર આગળ પડી રહેવું પડયું, તથા તેઓમાંના ઘણા ખરા માર્યા ગયા, તેથી તેઓ શેહેરના લોકો ઉપર ઘણા ગુસ્સે હતા. તેમાં વળી જ્યારે આ લડાઈ કરવાનો પ્રસંગ આવ્યો, ત્યારે તેઓએ આટલા દિવસનું એકઠું થએલું વેર એકદમ તેઓના ઉપર કાઢવાનો નિશ્ચય કીધો. ત્યાં તલવારો નીકળી, અને કેટલાએક જેઓ દુકાળ તથા મરકીના સપાટામાંથી બચ્યા હતા તેઓ આ લડાઈમાં માર્યા ગયા. જ્યારે આ ગરબડાટ શહેરના મુખ્ય બજારમાં થઈ, તે વખતે કેટલાએક અટકચાળા તથા લુંટવાની ઉમેદ રાખનારા મુસલમાનોએ એક દુકાન સળગાવી મૂકી. એ આગ લાગવાથી સઘળા મુસલમાન સીપાઈઓ ઘણા ખુશ થયા. તેઓને એટલું જ જોઈતું હતું. જ્યારથી અલફખાંએ શેહેરના લોકોની જીંદગી તથા માલમિલકત બચાવવાને અભયવચન આપ્યું, ત્યારથી તે સીપાઈઓ નાઉમેદ થઈ ગયા હતા. તેઓને લુંટ મેળવવાની આશા હતી, અને તે પુરી પડશે એવી આખર સુધી તેઓને ખાતરી હતી, પણ છેલ્લી વારે તે આશા ભંગ થઈ ગઈ એ જોઈને તેઓ ઘણા ખીજવાયા હતા. પણ જયારે આગ લાગી, અને તે હવે પથરાઈને આખા શેહેરમાં ફેલાશે ત્યારે લોકનાં ઘરમાં ભરાવાને તથા તેમાંની દોલત લઈ લેવાને કાંઈ હરકત પડશે નહી, એ ધારણાથી તેએાએ આગ હોલવવાની કાંઈ મેહેનત કીધી નહીં. બલકે શેહેરને બે ત્રણ ભાગમાં થોડાએકે જઈને નાનાં નાનાં ઘરો સળગાવી મૂકયાં. રાતનો વખત, પવન નીકળેલો, કોઈ હોલવનાર મળે નહી. શેહેરમાં થોડાં જ માણસ રહી ગયેલાં અને તેઓ એવાં અશક્ત કે તેઓથી કાંઈ કામ બની શકે નહી, તેથી આગ ઘણા જોરથી ફેલાઈ અને થોડા વખતમાં આખું શેહેર અગ્નિની ઝાળમાં લપેટાઈ ગયું. આ વખતે શહેરનો દેખાવ ઘણો ભયંકર થઈ રહ્યો. ઘરો સઘળાં ઘાસની પેઠે ભડભડ બળવા લાગ્યાં. મુસલમાન સીપાઈઓમાં કાંઈ બંદોબસ્ત રહ્યો નહી, તેઓ સઘળા અલફખાંના હુકમથી ઉલટા ચાલીને બધા શેહેરમાં ફરી વળ્યા, અને જે મોટાં મોટાં ઘરો તેઓની નજરે પડયાં તેમાં પેસીને લુંટફાટના કામમાં પડયા.

આગ એ એક મોટી આફત છે તેમાં વળી બાગલાણ જેવી અવસ્થામાં આવી પડેલા શેહેરમાં આગ, એથી તો આડો આંક જાણવો. કેટલાક મરકીના રોગથી પીડાતા તથા ભુખે અધસસતા થઈ ગયલા લોકો જેઓ ઉઠી શકતા ન હતા તેઓ ઘરમાં ને ઘરમાં જ બળી મુઆ. તેઓને કાઢનાર કોઈ મળે નહી. કેટલાએક પોતાના જીવ બચાવી શકે તેવા હતા તેઓ પોતાનાં બઈરાંછોકરાંને તથા ધન દોલતને છોડીને નાઠા, બઈરીઓ તથા છોકરાં જેટલાં નાશી શકયાં તેટલાં બચ્યાં, બાકીનાં આગમાં ફૂંકાઈ ગયાં, કેટલાએક કીમતી દાગીનાની એક નાની પેટી લઈ બહાર નીકળતા તેઓને રસ્તામાં મુસલમાનો પકડતા, તથા તેઓની પાસે જે હોય તે છીનવી લેતા, જે બીચારા પૈસા વગર ખાલી હાથે મળતા તેઓને પકડીને ખુબ માર મારતા અને તેને ઘેર તેઓને લઈ જવાનું તથા દોલત બતાવવાનું તેની પાસથી કબુલ કરાવતા. જેઓ ઘરમાં પડી રહેતા હતા તેઓને પણ મારફાડ કરી દ્રવ્ય કયાં સંતાડ્યું છે તે દેખાડવાની જરૂર પાડતા. જેઓ પૈસા બતાવે નહી, અથવા જેઓની પાસે પૈસા હોય નહીં તેઓને વહેમ ઉપરથી એટલો માર મારતા કે તેથી તેઓ જલદીથી મરણ પામતા. એ પ્રમાણે શેહેરમાં ગડબડાટ થઈ રહી. જે હિંદુ જાય તેને અટકાવી મુસલમાન સીપાઈ કહેતા કે, “કાફર ! પૈસા દેખાડ.” તે વખતે જે તેઓનું મન ન મનાવે તો તલવાર વડે તેના બે કડકા કરી નાંખતા. અલફખાંનો હુકમ કોઈ માનતું ન હતું તેથી તે ઘણો ચીઢવાઈ ગયો. તેનાથી લશ્કરમાં બંદોબસ્ત રાખી શકાયો નહી, એ જ તેના મનને મોટી નામોશી લાગતી હતી. પણ આ વખતે તો તેના મનમાં એક બીજી મોટી ફીકર હતી તેને દેવળદેવીને હાથમાં લેવાની ઘણી જ આતુરતા હતી. આ સઘળી લડાઇનું કારણ જો છેલ્લી વખતે છટકી જશે તો તે ફરીથી હાથ લાગશે નહી; લડાઇ સઘળી વ્યર્થ જશે; પાદશાહ ઘણો કોપાયમાન થશે, અને તેની જીંદગી રદ જેવી થઈ જશે. તેના મનમાં મોટી ધાસ્તી હતી કે જો આ વખતે તે જતી રહેશે તો તેને અટકાવનાર કોઈ નથી, માટે લશ્કરને પાછું એકઠું કરી તેને જલદીથી શોધી કાઢવી જોઈએ. એક વાર તે હાથ લાગી એટલે પછી શેહેર જેટલું લુંટવું હોય તેટલું લુંટે તેમાં કાંઈ આપદા ન હતી. તેણે સીપાઈઓને સમજાવ્યા, ધમકાવ્યા તથા બીજા ઘણા ઉપાયો કીધા, પણ કોઈ લુંટમાંથી પાછું આવ્યું નહી.

હવે જ્યારે કરણ રાજાને આ સઘળી વાતની ખબર પડી ત્યારે તેને ઘણી જ ખુશી થઇ. તેણે જોયું કે જ્યારે અલફખાંના સીપાઈઓ લુંટવાના કામમાં પડેલા છે ત્યારે નાસી જવાનો સારો લાગ છે. કમળપૂજા કરી રહ્યા પછી જે આકાશવાણી તેણે સાંભળી હતી તે હમણાં ખરી પડશે એમ તેને લાગ્યું, કેમકે તેને પકડનાર તથા હરકત કરનાર કોઈ જ ન હતું. તેણે ત્યાંથી નાસવાની તૈયારી કીધી. અને પોતે, ભીમદેવ, દેવળદેવી તથા થોડાંએક ખાનગી માણસો એટલાં કીલ્લાને પાછલે રસ્તે નીકળ્યાં, અને ઘણા જલદ ઘોડા તૈયાર રાખેલા હતા તે ઉપર સવાર થઈને તેઓ પૂર વેગે દેવગઢ જવાને નીકળી પડ્યાં. રસ્તામાં દુશમનોનું એક પણ માણસ તેઓને મળ્યું નહી તેથી તેઓ નિરાંતે ઝડપથી કુચ કરી આગળ ચાલ્યાં.

જયારે બાગલાણમાં સઘળી દોલત લુંટાઈ રહી ત્યારે મુસલમાન સીપાઈઓ અલફખાંની રૂબરૂ હાજર થઈ ગયા, અને જે તકસીર કીધી હતી તેને માટે તેઓએ માફ માંગી. તે વખતે મધ્યરાત્રિ થઈ હતી, પણ અલફખાં તેઓને લઈને તુરત કીલ્લા તરફ ગયો, પણ અંદર જવાનો રસ્તો કાંઈ જડ્યો નહી. કેટલીએક વાર આણીગમ તેણીગમ ફર્યા પછી તેઓને એક માણસ હાથ લાગ્યું, તે તેઓને કીલ્લાની પાછળની બાજુએ લઈ ગયો ત્યાંના દરવાજા ખુલ્લા હતા તેટલા ઉપરથી અલફખાં નિરાશ થઈ ગયો, અને તેણે તુરત અનુમાન કીધું કે પક્ષીઓ પાંજરામાંથી ઉડી ગયાં. તો પણ કદાચ દરવાજો જાણી જોઇને ઉઘાડો મૂકયો હોય કે ખુલ્લો જોઇ બીજાના મનમાં આવે કે તેમાં કોઈ નહીં હોય, અને તેમ જાણી વધારે ખોળ ન કરે, અને તેઓ તેમાં સંતાઇ ગયાં હોય, માટે જ્યારે આટલે સુધી આવ્યા ત્યારે કીલ્લાની માંહે સઘળે ફરીને જોવું, અને તેઓ ત્યાં નથી એ વાતની પાક્કી ખાતરી કરવી, એ મતલબથી તેઓ કીલ્લામાં પેંઠા, અને મોટી મેાટી મશાલો સળગાવી કીલ્લામાં ખુણેખોતરે સઘળે જોઈ વળ્યા. સવાર થવા આવી પણ કરણ, દેવળદેવી, કે કોઈ ત્યાં માલમ પડ્યું નહી તેથી અલફખાંને ઘણી દીલગીરી તથા ગભરાટ થયો. લગભગ હાથમાં આવેલી દેવળદેવી તેણે ખોઈ. તેની સઘળી મહેનત છુટી પડી. તેણે સીપાઈઓને હજારો ગાળો દીધી. તેઓ લુંટવામાં પડવાથી તેનું કામ સઘળું બગડી ગયું. હવે કેમ થશે ? તેની ખાતરી થઈ કે દૈવ તેની સામા છે અને કરણની સામા લડવું અને દૈવની સામા લડવું બરોબર છે, તેને હમણાં વેહેમ પડવા લાગ્યો કે મારા દહાડા હવે પડતા આવ્યા છે, મારો સૂર્ય અસ્ત પામવા ઉપર આવ્યો છે, માટે મારા કામમાં ધાર્યાથી ઉલટું જ થાય છે. તેના મનમાં હવે નક્કી થયું કે તેઓ ઘણે આઘે નીકળી ગયાં હશે, અને દેવળદેવી એક વાર દેવગઢમાં પહોંચી, અને શંકળદેવને પરણી, એટલે તે સઘળું થઈ ચૂકયું પછી તેમાં કાંઈ ઉપાય ચાલવાનો નથી, તોપણ જ્યાં લગી આશા છે ત્યાં લગી શ્રમ તો કરવો જોઈએ, એમ ધારી તેણે દેવગઢ તરફ જવાનો પોતાના સીપાઈઓને હુકમ કીધો, તેઓ ઘણા જલદીથી આગળ ચાલ્યા, જરા પણ આરામ લેવાને ઉભા રહ્યા નહી.

જ્યારે સાંજ પડી, અને થોડું થોડું અંધારું સઘળે પથરાયું, ત્યારે તેઓએ ક્ષિતિજમાં ધુળ ઉડતી જોઈ તે ઉપરથી તેઓએ અનુમાન કીધું કે એ જ કરણનાં માણસો હશે, એમ ધારીને તેઓ વધારે વધારે ઝડપથી દોડ્યા, અને જેમ જેમ પાસે જતા ગયા તેમ તેમ કરણનાં માણસો સ્પષ્ટ દીસવા લાગ્યા, આણીગમ કરણે પણ જોયું કે દુશમન તો લગભગ પાસે આવી ચૂકયા. તેઓ ઘણા થાકી ગયલા હતા તેથી વધારે ઝડપથી જવાને અશક્તિમાન હતા, પણ તેઓને સંતોષ એટલો જ હતો કે હવે રાત પડવા આવી હતી; આગળ ઝાડી ઘણી ખીચોખીચ હતી, તથા રસ્તા ઘણા વિકટ હતા. વળી ગામડાના લોકો જેઓ આ રસ્તાના ભોમીયા હતા તેઓ મુસલમાન લોકોને ભમાવ્યા વિના રહેશે નહીં, એટલે આપણને દેવગઢ જવાને વખત મળશે. અલફખાંએ મશાલ તૈયાર કરાવી એટલા જોરથી કુચ કીધી કે છેક કરણની પાસે તે આવી પહોંચ્યો. આ જ વખત સમાલવાનો હતો. આ વખતે કાંઈ તદબીર કરવામાં નહી આવે તો દેવળદેવી નિશ્ચય મુસલમાનોના હાથમાં પડશે, માટે ભીમદેવ પોતાના માણસો સાથે દેવળદેવીને લઈને એક બાજુ તરફના રસ્તા પર નીકળી ગયો, અને અલફખાંને એકલા કરણની પાછળ જવા દીધો. એ પ્રમાણે કરણ તથા દેવળદેવી જુદાં પડ્યા, એ વાત અલફખાંને માલમ ન હતી, માટે તેણે દેવળદેવીની ઉમેદે કરણની પાછળ દોડ કીધી. રાત અંધારી હતી, ઝાડી ઘણી જ ઘાડી આવી પડી; બંને લશ્કરવાળાઓએ તે રાત્રે ઘણું જ દુઃખ ભોગવ્યું, પણ કોઈ હઠ્યું નહી આખી રાત મુસલમાનોએ ચાલ ચાલ કર્યા કીધું; અને જ્યારે સવાર પડી, ત્યારે તેઓ એક મોટા મેદાનમાં આવ્યા એમ તેમને માલમ પડયું, ત્યાં તજવીજ કરતાં જણાયું કે દેવગઢ ત્યાંથી હવે એક મંજલ દૂર રહ્યું હતું. પણ અફસોસની વાત એટલી જ કે કરણનું કાંઈ ઠામ ઠેકાણું જડ્યું નહી; તેની કોઈ નિશાની નજરે પડી નહી. હવે તો નક્કી થયું કે કરણ દેવગઢ પોંહોંચ્યો હશે, અથવા જલદીથી પોંહેાંચશે, માટે પાછળ દોડવામાં કાંઈ ફળ નથી, માટે છેક નિરાશ થઈ અલફખાંએ ત્યાં મુકામ કીધો અને તપાસ કરવાને ચોતરફ માણસો મોકલ્યાં, આખો દહાડો વહી ગયો તોપણ કાંઈ ખબર મળી નહી. કરણ તો દેવગઢ સહીસલામત આવી પહોંચ્યોં. અને ભીમદેવ આડે રસ્તે પડ્યો હતો તે કેટલેક દૂર જઈ એક ગામમાં મુકામ કરી ત્યાં રહ્યો અને તે ઠેકાણે દુશ્મનોનો આવવાનો સંભવ નથી, એવું જાણીને ત્યાં એક દહાડો થાક ખાઈ બીજે દિવસે ત્યાંથી નીકળવું એવો ઠરાવ કીધો.

લેખક – નંદશંકર મહેતા
આ પોસ્ટ નંદશંકર મહેતાની ઐતિહાસિક નવલકથા કરણ ઘેલો: ગુજરાતનો છેલ્લો રાજપૂત રાજા માંથી લેવામાં આવેલ છે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!