અમરેલી પંથકના અડગ અહિંસક સત્યાગ્રહી -કનુભાઈ લહેરી

સબરસ સત્યાગ્રહનો સંગ્રામ મડાણો છે, રામ અને રહેમાનના ભક્તોએ વર્ણ અને ધર્મ ભેદ ફગાવી દીધો છે. જોગણીના ખાલી ખપ્પર ભરવા ભડ થઇને ઊતરી પડયા છે. નદીના પટમાં ઊતરતા આવા અહિંસક યોદ્ધાઓને વિખેરવા કીચનર પોલીસનું ફરમાન છૂટયું :

‘રૂક જાવ.’
રણયોગીઓને કાને આ ફરમાન ફરક્યું નહીં.  રણબંકા આગળ ધપ્યાં. છેલ્લું ફરમાન છૂટયું-
‘વિખરાય જાવ’

હુકમ સાથે સિપાઇઓની અગ્નિવર્ણી આંખો મંડાણી. આ યોદ્ધાનો તો અહિંસાના એવા અમર પ્રયોગોનું પાન પામ્યા છે કે જેને કાળ પણ ખાઇ શક્યો નથી એ વાતથી અણજાણ એવા પોલીસ હાકેમનો હુકમ છૂટયો-

‘લાઠી ચાર્જ.’
આંખના પલકારમાં પોલીસ દળના ઘોડાઓ નદીની રેતીમાં ઊતર્યા. દેશ-ભક્તોના દેહ માથે ફડોફડ દંડા પડવા લાગ્યા.

કોઇના ટાટિયા તૂટયા.
કોઇનાં માથાં ફૂટયાં.
કોઇનાં હાથ ભાગ્યાં.

ભગવાનજી લવજી મહેતાની સરદારી નીચે બરવાળાની સત્યાગ્રહ છાવણીમાંથી આ નીકળેલી સેનામાં સામેલ એવા કનુ લહેરી નામના જુવાન માથે રામદુલારી નામના સિપાઇનો દંડો પડયો. જોધારમલ તમ્મર ખાઇને ઢળી પડયો. ગોરા મોં સાથે રક્તના રેલા હાલ્યા. વાંકડિયા ઝુલ્ફા લોહીભીના બન્યા. ઘવાયેલાઓને ઝોળીએ નાખી દવાખાના ભેળા કર્યા. સાંજનો સમય છે. મુક્તિસંગ્રામના ઝખમી જુવાનો ખાટલે પડયા છે. કોઇ કણસતું નથી. કોઇ ઉકારા કરતું નથી. પડેલા ઘાની પીડા સહન કરતા સ્વરાજયના સ્વપ્ન જોતા સૌ સૂતા છે.

એક અજાણ્યો માણસ કનુભાઇ લહેરીના ખાટલા પાસે થંભી ગયો. તેણે દબાતે અવાજે ખબરઅંતર પૂછ્યા- ‘કેમ છે?’

ભાનમાં આવેલા કનુભાઇએ વિશાળ આંખોના પોપચાં ઊંચા કરીને ક્હ્યું : ‘સારું છે. રજા મળે તો મૂઠી મીઠું ઉપાડી કાયદાનો ભંગ કરવાની મરજી છે.

કનુભાઇનો જવાબ સાંભળી આવનાર જણે સામો પ્રશ્ન પૂછ્યો : ‘ આ મૂઠી મીઠા માટે માથા મુકીને મોતને માંડવે ફરનારા તમે કોણ ?’

કનુભાઇએ સહજ ભાવે જવાબ વાળ્યો :
‘અમે દેશના સિપાઇ પણ તમે કોણ ?

ખાદીના ઝભ્ભા અને પાયજામામાં ઢબુરાયેલા અજાણ્યા માણસ માથે શંકાભરી મીટ માંડી પૂછી નાખ્યું.
‘મને ન ઓળખ્યો !  હું છું તમને માથામાં લાકડીનો ઘા મારનાર કસ્ટમનો સિપાઇ. મારું નામ રામદુલારી.’ ‘અંગ્રેજ સરકારનો સિપાઇ અને ખાદી !’

‘હા , ખાદીનો ગણવેશ ન પહેરું તો હું ઓળખાય જાઉં.’
રામદુલારીએ રહસ્ય ઉઘાડું કર્યું.

‘ તમે આવ્યા શા માટે !’

‘તમારી ખબર જોવા.’

‘દેશને વેચવા નીકળેલા તમે અમારી શું ખબર જોવાના!’

કનુભાઇના આકરા વેણ સાંભળી રામદુલારી ઘડીક મૂંગો થઇ ગયો. કનુભાઇના શબ્દો રામદુલારીના રુદિયામાં રમી રહ્યા. ઊઠીને ચૂપચાપ ચાલી નીકળ્યો. તે દિ’ રાજીનામું અપાતું નહોતુ રાજીનામું આપ્યે ગુનો બનતો હતો. કનુભાઇના વેણે વીંધાઇ ગયેલા રામદુલારીને વિલાયતની સરકારની ચાકરી ખપતી નહોતી. સરકારની ખફગી વહોરવા તેણે સત્યાગ્રહની ચર્ચા આદરી. વાત પૂગી અમદાવાદની અંગ્રેજ કોઠીમાં. ખુલાસા પુછાણા. રામદુલારીએ ગોરાઓ સામે ગુનો કબૂલ કર્યો. ખાતામાંથી બરતરફીનું ફરમાન થયું, છ મહિનાની સખત કેદની સજા મળી.

રામદુલારીએ કાળો કારાવાસ વેઠી જંગમાં ઝુકાવ્યું.

વધુ માહિતી :
રામદુલારી અને કનુભાઇ છુટ્ટા પડી ગયેલા. ૪૨ની લડત વખતે કનુભાઇ ચોપાટીની રેતીમાં બેઠા હતા ત્યારે એકાએક રામદુલારી તેને મળી ગયેલો! રામદુલારીએ ઉપરની વાત જાહેર કરી ત્યારે કનુભાઇ તેમને ભેટી પડેલા. તે મુંબઇમાં દેશી નાટક સમાજના સ્ત્રીપાત્રો ભજવનાર પુરુષ એકટરોને સાડી પહેરાવવાનું કામ કરતો હતો.સ્વ.કનુભાઇ લહેરીએ ધારાસભ્ય તેમજ જિલ્લા લોકબોર્ડના તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી હતી. આજીવન દેશ ભક્ત રહ્યા હતા.

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ

error: Content is protected !!