કાન-ગોપીની રાસલીલા

જેના વાણી, પાણી અને મહેમાનગતિ સદાયે વખાણમાં રહ્યાં છે એવું નવખંડોનું બનેલું સૌરાષ્ટ્ર જૂના સમયે ‘કુશળદ્વિપ’ કે ‘કુશસ્થલી’ના નામે ઓળખાતું. એ કાલે શ્રીકૃષ્ણ યાદવો સાથે ગોકૂળ, મથુરા અને વૃંદાવનની વાટ છોડીને સૌરાષ્ટ્રના મલક માથે ઉતરી આવ્યા. સૌરાષ્ટ્રની ફળદ્રુપ ધરતી એ વખતે લીલાછમ ઘાસચારાની વિપૂલ સમૃદ્ધિ ધરાવતી હતી. આથી આ પ્રદેશ યાદવોને પશુપાલન માટે સગવડભર્યો હોવાથી દરિયાકાંઠે દ્વારકામાં રાજધાની બનાવી. યાદવોના આગેવાન શ્રીકૃષ્ણના ગૌપ્રેમે અને ગોપસંસ્કારે ભારતભરમાં ગોપસંસ્કૃતિનું સર્જન કર્યું.

આ ગોપ સંસ્કૃતિએ સૌરાષ્ટ્રના લોકજીવનને ધાર્મિક ઉત્સવો આપ્યા. સમૃદ્ધિ, આદર, આતિથ્ય અને ઔદાર્યના સંસ્કારો આપ્યા. ગીત, સંગીત અને દાંડિયા રાસની અનોખી પરંપરા આપી. આ પરંપરા આજે લોકજીવનમાં ઊતરી આવેલી જોઈ શકાય છે. હજારો વર્ષ પછીયે લોકનાયક શ્રીકૃષ્ણ સૌરાષ્ટ્રવાસીઓના હૃદયમાં એવા ને એવા જ ધબકી રહ્યા છે. જન્માષ્ટમી એટલે શ્રીકૃષ્ણના જન્મનો આગવો ઉત્સવ. જન્માષ્ટમી આવતા જ જનહૈયાંના આનંદમોરલા ટહૂકા કરવા માંડે છે. લોકો આનંદથી ઝૂમી ઊઠે છે. ઠેર ઠેર જન્માષ્ટમીના મેળા ભરાય છે. રંગીલું રાજકોટ નગર તો આઠ આઠ દિવસ આ મેળાની મોજ માણે છે, પણ આજે મારે અહીં વાત કરવી છે સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક પરંપરા ‘કાનગોપીના’ ઓચ્છવંની.

આ ઉત્સવ કૃષ્ણલીલાને નામે પણ જાણીતો છે. સૌરાષ્ટ્રમાં ઢાઢીલીલા અને રામલીલા પણ ભજવાય છે. રામનવમી કે નવરાત્રી દરમ્યાન ગ્રામ્યમંડળો ધાર્મિક શ્રદ્ધાથી રામલીલા ભજવે છે. બીજો એક ધંધાદારી વર્ગ પેટિયું રળવા માટે પણ ભજવે છે. પણ ‘કાનગોપી’ એ શ્રીકૃષ્ણ તરફના નિતાન્ત પ્રેમ, શુદ્ધ સમર્પિત ભક્તિભાવ અને પ્રેમલક્ષણા ભક્તિથી, ઘરનાં કામ ખોટી કરી, રાતબધી ઉજાગરો વેઠી, લાંબા અંતરના પ્રવાસો કરીને ગામડાંઓમાં ભજવવામાં આવે છે. આ પ્રસંગે હજારો રૂપિયાનો ફંડફાળો એકત્ર થાય છે જે ગાયોના ઘાસચારા માટે કે સમાજકલ્યાણ માટે વપરાય છે.

લોકહૈયાં પર અવિચળ રાજ કરતા નટખટ કાનુડાને લોકો કેટકેટલા નામે ઓળખે છે શ્રીકૃષ્ણ, ગોપાલ, મુરલીધર, યદુનંદન, માખણચોર, ગોવર્ધનધારી, મોહન, લાલો, કનૈયો, માધવ, યોગેશ્વર, શ્યામસુંદર, મુરલી મનોહર, રણછોડ, ગોવિંદ, ગિરધર, કાનજી, દ્વારકેશ, બાલક્રિષ્ણ, નટવર, બંસીધર, ચક્રધારી, કેશવ, મધુસૂદન, વાસુદેવ, શામળિયો, ત્રિકમજી, મોરારિ, ઘનશ્યામ, વ્રજવિહારી ન જાણે આવાં તો કંઈ કેટલાંયે નામો છે. એટલે તો લોકકવિ બાપડો મુંઝવણ અનુભવતાં કહે છે ઃ ‘હરિ તારાં નામ છે હજાર કયા નામે લખવી કંકોતરી ?’

જૂના કાળે જન્માષ્ટમીની ઊજવણીના ઉપલક્ષમાં આરંભાયેલો કાનગોપી ઓચ્છવ આજે એ પરબ પૂરતો સિમિત ન રહેતા લોકોની અનુકૂળતા અનુસાર વરસના બારે મહિના સારા-માઠા બંને પ્રસંગે ઉજવાય છે. સ્વજનના મૃત્યુ પછી એની વરસી વાળી હોય, વાડીમાં કૂવો ગળાવ્યો હોય ને સારું પાણી થયું હોય, કુટુંબમાં વહુને પહેલે ખોળે દીકરો ધાવણો થયો હોય આવા આનંદના અવસરે આ ઓચ્છવ ઊજવવામાં આવે છે. જેના આંગણે ઓચ્છવ થવાનો હોય તે કુટુંબ તરફથી સૌ સગાવહાલા, હેતુમિત્રો અને સ્વજનોને નોતરાં મોકલીને ખાસ તેડાવવામાં આવે છે. કાનગોપી ઓચ્છવ પછી તો કુટુંબ પુરતો મર્યાદિત ન રહેતાં સમગ્ર ગામનો આનંદ ઉત્સવ બની જાય છે. રાતવેળાના વાળુપાણી પતાવીને ગામલોકો ઉત્સવના મંડપની આજુબાજુ ગોઠવાઈ જાય છે. આનંદ મંગલના અવસરે કાનગોપી ભજવાતું હોય તો દસેક વાગે એનો આરંભ થાય, અને કોઇ દિવંગત માનવીના શ્રેયાર્થે એના આત્માની સદ્‌ગતિ માટે હોય તો બારેક વાગ્યા સુધી કીર્તન કરી સદ્‌ગતના નામની જય બોલાવી કાનગોપી આરંભાય.

સામાન્ય રીતે પાંચ છ કલાકથી લઈને પરોઢિયાને મોંસૂઝણા સુધી ચાલતા આ ઉત્સવમાં રાધા, કાન, રાધાની સખી અને સુખાનંદજી એમ ચાર જ પાત્રો હોય છે. તેમાં રાધા-કૃષ્ણની મુખ્ય ભૂમિકા હોય, સખી રાધાને સથવારો પૂરો પાડે, પણ સુખાનંદજીનું પાત્ર રાધાકૃષ્ણ અને એની સખીની મજાક-મશ્કરી અને ટીખળ કરી દર્શકોને હસાવી હસાવીને ગોટો વાળી દે ને દર્શકોના દિલ પર છવાઈ જાય છે. વચમાં પેટી, દોકડ અને ઝાંઝપખાજવાળા બેસે. (હવે તો એમાં બેંજા અને ગાગર ચમચી ઉમેરાયા છે.) ગીત, સંગીત અને નૃત્યના ત્રિવેણી સંગમ જેવી કૃષ્ણલીલામાં પ્રારંભે કૃષ્ણજન્મ વધાઈ, રાસલીલા, દાણલીલા, ગોપી, કૃષ્ણ અને જશોદાનો તથા કૃષ્ણ, જશોદાનો સંવાદ રજૂ થાય છે. છેલ્લે હાલરડાં, રામગરી, પ્રભાતિ અને પ્રભાતિયાંથી કાનગોપીનો ઉત્સવ આટોપાય છે.

કાઠિયાવાડમાં ‘કાન-ગોપી’ કરનારાં ઘણાં લબ્ધપ્રતિષ્ઠિત મંડળો આજેય છે. એમાં આગળ પડતું નામ ઉપલેટાના પ્રવીણભાઈ દામોદરભાઈ ચીખલિયાનું ગણાય છે.

કૃષ્ણભક્તિ અને શ્રીકૃષ્ણના ગુણલા ગાઈને ઈશ્વરીય આનંદની અનુભૂતિ અર્થે આરંભાયેલું આ મંડળ કાન-ગોપીનો પ્રારંભ કરે પટમાં શ્રીકૃષ્ણનો પ્રવેશ થાય. કૃષ્ણના વેશની પીળી ચોરણી, પીળો કબજો, પીળું પિતાંબર (ધોતી) લાલ પાડલી, લીલી પોતી, લીલી ચુંદડી, ડોકમાં સફેદ ફૂલની માળા, ગળામાં હાંસડી, કાનમાં કુંડળ, આંગળિયે વીંટી, હાથમાં વાંસળી અને રૂમાલ, પગમાં ઘૂઘરા, હાથે પીળા બાજુબંધ, માથા પર મુગટ અને મુગટમાં રહેલું મોરપીચ્છ સૌનું ધ્યાન ખેંચે ન ખેંચે ત્યાં તો કાનજી મહારાજ ગીત શરૂ કરે ઃ

‘અરે આવે હો નંદજીનો લાલો

કનૈયો આવે હો મહારાજ !’

પેટી, દોકડ અને ઝાંઝપખાજની સંગત શરૂ થાય. શ્રીકૃષ્ણના જન્મની વધાઈ આપતા પ્રથમ ચાર કીર્તન ગવાય ઃ

મંગલ ગાવો માઈ, સબ મૈલી

મંગલ ગાવો માઈ,

આજ લાલ કો જન્મ દિવસ હૈ

બાજત રંગવધાઈ…. (૧)

* *

ભાગ્ય સબ સે ન્યારો, રાની તેરો ભાગ્ય સબસે ન્યારો (૨)

‘એક બડો આધાર કલીમેં

એક બડો આધાર’ (૩)

‘ગ્વાલન દેતે હૈ હરી, ઘરઘર બાજત ભાલ,

મૃદંગ યા બાંસુરી, ઢોલ દમામા ભેરી (૪)

આમ ચાર વધાઈ પૂરી થાય ન થાય ત્યાં તો કાનજી મહરાજ રાસે રમવા આવે છે.સુખાનંદજી રાસમાં જોડાય. એ વખતે ભગવાનના અવતાર ગવાય છે.

‘મચ્છા અવતાર ધર્યો મહારાજે

માર્યો મહિષાસુર

જગત ભગતને ઉગારવા

એવો ભૂમિનો ઉતારવા ભાર’

આમ ભગવાનના મચ્છ, કચ્છ, ત્રિકમજી, નરસિંહ, વામન, પરશુરામ, રામ ,કૃષ્ણ, શ્રીનાથજી વગેરે દસ અવતારનું પદ ગવાય. પછી કાનજી મહારાજ અને સુખાનંદનો સંવાદ ચાલે. સુખાનંદ કહેઃ ‘ભગવાન! રાસ રમવાની મજા નથીા આવતી. ઓલ્યાં રાધાજી ભેળાં રમવા આવે તો રાસનો રંગ જામે’

‘સુખાનંદજી, તમે પંડે બરસાના ગામ જાઓ અને રાધાજીને રાસે રમવા તેડી લાવો.’

‘ભગવાન તમે તો જાણો છો હું સાવ અજાણ છું. અમને રા..ધા..જી એમ બોલતાંય નો આવડે. તમે કાગળિયો લખી આલો તો ચીઠ્ઠીનો ચાકર થઈને એમની પાસે જાઉ ને રાસે રમવા બકોરી લાવું.’

શ્રીકૃષ્ણ કીર્તનમાં કાગળ લખે છેઃ

‘કોઈ ગોકુળથી બરસાના જાય રે

લખીએ કાગળિયો હરિના પ્રેમનો.’

કાનજીનો કાગળ લઈને સુખાનંદ બરસાના રવાના થાય છે અને કીર્તન ગવાય છેઃ

‘મારે જવું બરસાના ગામ રે

મારે કરવાં પરભુજીનાં કામ રે.’

પછી સુખાનંદજી મહારાજ રાધાને તેડી લાવે છે, સાથે ગોપી રાસ રમવા આવે છે. એ વખતે કાનજી રાધાને કહ છે ઃ

‘રાધે તું બડભાગીની,

તુંને કૌન તપસ્યા કીન,

તીન લોક કે તરન તારન,

વો તુમ્હારે આધિન.’

પછી રાસલીલાની રમઝટ આરંભાય. શ્રીકૃષ્ણ ગાય ઃ

‘અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક,

રઢિયાળો જમુનાનો મલ્લક

એથી સુંદર રાધોગોરી

મુખડું મલક મલ્લક મલ્લક’.

ત્યાં તો કાનજી મહારાજ સુખાનંદજીને કહે છેઃ‘આ બધી ગોપિયું રાસે રમવા આવી છે પણ એ બધીયુંના નામ, ઠામ અને ઠેકાણાં પૂછી આવ.’ સુખાનંદ ગોપિયું પાસે જઈને નામ ઠામ પૂછે છે ત્યારે હસતી હસતી, હાથતાળિયું લેતી ને લ્હેકા કરતી ગોપિયું કહે છેઃ‘તારા ભગવાનના મોઢામાં મગ ભર્યા છે ? શું તારા ભગવાને પગમાં મેંદી મૂકી છે ?’એમ હસીમજાક કરતી સુખાનંદજીને ધક્કો મારીને કાઢી મૂકતાં કહે છેઃ‘જેને નામ જાણવા હોય ઈ અમારી સામે આવે’ એ પછીથી કાનજી મહારાજ સ્વયં આવીને ગોપિયોને પૂછે છે એનું કીર્તન ગવાય છેઃ

‘નામ બતા દે પનિહારી ગોરી

તેરો નામ બતા દે પનિહારી.’

એટલે નૃત્ય કરતી કરતી એક ગોપી કહે છેઃ

‘આહિરની છોરી ભૃખુભાણની બેટડી

કૃષ્ણ પુરૂષ ઘર નારી,

કાના, મેરા નામ હૈ રાધા દુલારી.’

પછી કાનગોપીનો રાસ રચાય. એમાં સારંગ રાગનું કિર્તન ગવાયઃ

‘રાસ રચ્યો ગિરધારી કુંજનમેં

કોનગાવે કોન બજાવે ? કૌન દેવેતાલી ?’

ત્યાં તો રાસે રમતા શ્રીકૃષ્ણ અદ્રશ્ય થઈ જાય છે. ગોપીઓ સુખાનંદને પૂછે છેઃ‘ ભગવાન ક્યાં ગયા ? ભગવાન ક્યાં ગયા ?’ ત્યારે સુખાનંદ કહે છે ઃ‘શામળિયાના દર્શન કરવા હોય તો એમના ગુણગાન ગાવ.’ આ સાંભળી વિરહમાં ઝૂરતી ગોપીઓ કિર્તન ગાય છેઃ

‘કોઈ અમને કૃષ્ણ બતાવો રે મધુવનમાં

કોઈ અમને પ્રભુજી બતાવો રે મધુવનમાં.’

આ સાંભળીને શ્રીકૃષ્ણ દર્શન દે છે. ગોપીઓ ભગવાનના દર્શન કરી ધન્ય બને છે.

ત્યારબાદ દાણલીલા આરંભાય છે. શ્રીકૃષ્ણ અને ગોપીઓ વચ્ચે મહીનાદાણ માટે વડછડ થાય છે. એમાં વડછડના કિર્તનો ગવાય છે. એકાદ કલાકમાં કાનગોપી અને જશોદાનો સંવાદ પૂરો થયા પછી રૂડો રાસ રચાય છે. અને છેલ્લે રામગરીના કિર્તનથી કાનગોપીનો ઓચ્છવ પૂર્ણ થાય છે.

કાનગોપીના કિર્તનમાં અનેક રાગરાગિણીઓ ગવાય છે. કાર્યક્રમનો પ્રારંભ કલ્યાણ અને દરબારી જેવા રાગોથી થાય છે. રાત જેમ જેમ વહેતી જાય તેમ તેમ રાગ રાગિણીઓ બદલાતા જાય. બારેક વાગ્યાના સુમારે રાગશાસ્ત્રના નિયમો મુજબ માલકૌંસ, માઢ અને આશાવરી રાગના કીર્તન ગવાય. નૃત્ય સંગીતની યાત્રા આગળ ચાલે. કાલીંગડો ,કલાવતી અને ભૈરવી રાગો રજૂ થાય. પ્રભાતી અને રામગરી ગવાય. ત્યાં સુધીમાં તો સવાર પડી જાય. ગામડા ગામના ભાવિક ભક્તોના હૃદય પર શ્રીકૃષ્ણ અને રાધાજી છવાઈ જાય. સૌ કૃષ્ણ લીલા માણીને ધન્યતાની અદકેરી લાગણી અનુભવે. આમ કાનગોપીના તળપદ ઉત્સવને ગ્રામ પ્રજાએ અંતરના ઉમળકાથી વધાવ્યો છે. કાઠિયાવાડના અભણ કલાકારો ગોકુળ અને વૃંદાવનમાં ગવાતાં શાસ્ત્રીય રાગરાગિણીવાળાં ભક્તિગીતો સુંદર રીતે રજૂ કરી દર્શકોના દિલ ડોલાવી દે છે, પરિણામે કૃષ્ણભક્તિની આ લોકપરંપરા ગ્રામ્ય પ્રજાજીવનની એક ધરોહર બની રહી છે. વિરાસત બની રહી છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!