કાળી ચૌદશનું મહત્વ અને તેનો સંક્ષિપ્ત સાર

હિંદુ સંસ્કતિનો કોઇ એક તહેવાર દેશના અલગ-અલગ ખુણે અલગ-અલગ રીત-રીવાજ અને પરંપરા પ્રમાણે ઉજવાય છે.છતાં પણ એનો આનંદ તો બધે એકસરખો જ હોય છે.આ પ્રજા “વિવિધતામાં એકતા”નો ભાવ દર્શાવતી પ્રજા છે. દિપાવલીના દિવસોમાં આવતો આવો જ એક તહેવાર એટલે આસો વદ ચૌદશનો દિવસ ઉર્ફે – કાળી ચૌદશ. જેને “નાની દિવાળી” તરીકે પણ ઓળખવામાં આવે છે.દિપ પ્રાગટ્ય અને રોશનીની ઉજવણીનો આ એક ઔર દિવસ…!

અન્ય નામ –
કાળી ચૌદશને બીજા નામે પણ ઓળખવામાં આવે છે. જેમ કે-રૂપચૌદશ,રૂપચતુર્થી,નરકચૌદશ,નરકચતુર્થી ઇત્યાદિ નામે.

નરકાસુર વધ –
આજના દિવસે ભગવાન કૃષ્ણ અને તેમના પટરાણી સત્યભામાએ સંયુક્ત રીતે નરકાસુર નામના દૈત્યનો વધ કરેલો.નરકાસુરે સોળ હજાર કન્યાને બંદી બનાવેલી અને મહર્ષિઓના અને દેવો ઉપરાંત અન્ય પૃથ્વીવાસી માનવીઓના કાર્યમાં વિધ્ન નાખવા એ તેનો ધંધો હતો.

નરકાસુરનો વધ આજના દિવસે થયો હતો.માટે પ્રજાજનો આજના દિવસને “નરક ચતુર્થી” કે “નરક ચૌદશ”ના નામે પણ ઓળખે છે.

મહાકાળી પૂજા અને યંત્ર-તંત્ર સાધના :
આજના દિવસે આદ્યશક્તિ સ્વરૂપ ભગવતી મહાકાળીનું પૂજન થાય છે.આજના દિવસે મહાકાલીની પૂજા-અર્ચના પ્રચલિત છે અને ભારતના લગભગ બધાં ભાગમાં આ આરાધના થાય છે.આમ,આજના દિવસને ભગવતી મહાકાલીના ઉત્સવના રૂપમાં પણ ઉજવાય છે.

વળી, આજના દિવસે તંત્ર મંત્ર વિદ્યાઓ અર્થાત્ મેલી વિદ્યાઓની આરાધના થાય છે.રાત્રે સ્મશાનમાં આ આરાધનાઓ થાય છે.અમુક લોકો આ કાર્યો કરે છે.અહિં બધાં પોતપોતાની રીતે સત્ય જ હોય છે.અને કોઇનું અનિષ્ટ વંચાતું નથી,માટે પ્રથા અલગ પણ શ્રધ્ધા એક જ હોય છે.આજે કાંસાના ભાણાની નીચે દિપ રાખી મેશ પાડવામાં આવે છે અને લોકો આંખે તે કાજળ આંજે છે,ગાલે ટીલું કરે છે.આમ,અનેક જાતની પ્રવૃતિઓ થાય છે.

હરદમ હનુમાનમ્ :
આજે હનુમાનજીના નૈવેદ્ય થાય છે. ઘરેઘરે આ માટેની રસોઇ બને છે.મુખ્યત્વે અડદના વડાં અને સુરમાના લાડું…!સાંજે હનુમાનજીની દેરીએ આ ભોગ ચડાવાય છે.આજે સૌરાષ્ટ્રના તો લગભગ પ્રત્યેક ગામમાં આજના દિવસનું મુખ્ય મહત્વ તો આ જ છે.ગામઠી ભાષામાં આજના દિવસને “સત્તર ડોશી” પણ કહેવાય છે.

યમરાજની આરાધના –
ધનતેરસની જેમ આજના દિવસે પણ યમરાજની પૂજા થાય છે.સાંયકાલે યમદિપ પ્રગટાવાય છે.અને પ્રાર્થના કરાય છે.જેથી અકાલે યમરાજનું આગમન થતું નથી અને તેમની કૃપા આપણા પર સદાય બની રહે છે.માટે આજે યમપૂજાનું પણ ખુબ જ મહત્વ રહેલ છે.

રૂપચૌદશ –
આજના દિવસને રૂપચૌદશ તરીકે ઓળખાય છે.કારણ કે,આજે વહેલાં સ્નાન કરવાનું ખુબ મહત્વ છે.પદ્મપુરાણ અને ભવિષ્યપુરાણમાં આનું વર્ણન છે.વહેલાં સ્નાન કરીને શરીરે તલના તેલની માલિશ કરવાની વાત છે.

બલિ સામ્રાજ્ય –
વામન અવતારી ભગવાન વિષ્ણુએ ધનતેરસ,કાળીચૌદશ અને દિવાળીના દિવસોમાં ત્રણ દિવસમાં ત્રણ ડગલાં જમીન રાજા બલિ પાસેથી માંગી હતી.જે આપી દીધાં બાદ ભગવાને વરદાન આપેલું કે,આ ત્રણ દિવસો પૃથ્વી પર તારું રાજ્ય રહેશે…!પ્રત્યેક ઘરે દિપક પ્રગટશે અને ઉત્સવ થશે.આમ,આપણા પર અત્યારે મહારાજ બલિનું રાજ્ય છે અને આપણે તેના પ્રજાજનો છીએ એ આપણે ના ભુલવું જોઇએ.

વળી,એક અન્ય રોચકકથા પ્રમાણે આજે બ્રાહ્મણો અને નિર્ધનોને વિવિધ પ્રકારનું દાન આપવાની પણ પ્રથા છે.દરેકે જરૂરી અને અત્યંત અસહાય વ્યક્તિને આજે બનતી મદદ કરવી જોઇએ જ.એમ કરવાથી વિવિધ દેવતાની કૃપા ક્ષણભરમાં મળે છે,એવું પ્રાચીન ગ્રંથોમાં બહુ જ વિશ્વાસપૂર્વક કહેવાયું છે.

અંતે,અનેક પ્રથાઓની ભરપૂર અને એમાં જ વૈવિધ્યમાન એવાં કાળી ચૌદશના દિવસની સૌને હાર્દિક શુભકામનાઓ….!

– Kaushal Barad.

error: Content is protected !!