“કલેશ્વરી ધામ પરિસર” રક્ષિત સ્મારક સમુહ — લવાણા

સમગ્ર ભારતમાં એવાં કેટલાંય ઐતિહાસિક સંકુલો છે જ્યાં અનેક ઐતિહાસિક સ્મારકો આવેલાં હોય છે. દિલ્હીનું કુતુબ કોમ્પ્લેક્ષ, વિદિશા અને સાંચી, હમ્પીનાં ખંડેરો, ઓરછા અને ગ્વાલીયારનો કિલ્લો, જૈસલમેરનો કિલ્લો, જોધપુરનો કિલ્લો, ચિત્તોડ અને કુંભલગઢ, ખજુરાહો મંદિર સંકુલ.. આવાં તો કઇંક કેટલાંય સ્મારક સમૂહો-સંકુલો ભારતભરમાં અતિપ્રખ્યાત થયેલાં છે

ગુજરાતની વાત કરીએ તો જુનાગઢનો ગીરનાર અને ઉપરકોટ, વઢવાણ અને વિજયનગર પોળો ફોરેસ્ટ, પાવાગઢ અને ચાંપાનેર તથા રાજપીપળા આવે છે, પાટણ પણ ઐતિહાસિક જ છે, મોઢેરા પણ આવું જ એક રક્ષિત સ્મારક સંકુલ છે, અમદાવાદમાં સરખેજનો રોજો એ આવું જ સ્મારક સંકુલ છે, ધોળકામાં પણ ઐતિહાસિક સ્મારકો ઘણાં છે અને ડભોઈમાં પણ !!!એમાં ખાલી ચાંપાનેરનો જ સમાવેશ વર્લ્ડ હેરીટેજ સાઈટમાં થયો છે !! પણ કોઈનેય એ ખ્યાલ નથી કે મહીસાગર જીલ્લામાં આમતો એ જીલ્લો થોડાંક જ સમય પહેલાં અસ્તિત્વમાં આવ્યો છે એ પહેલા પંચમહાલ જીલ્લાનું જ એક ભાગ હતું એ મહીસાગર જીલ્લામાં લુણાવાડા પાસે લવાણા ગામમાં એક આખે આખું પૌરાણિક ઐતિહાસિક સ્મારક સંકુલ આવેલું છે જેની બહુ ઓછાંને ખબર છે !!!

તમે સાસ વહુનાં મંદિરો વિષે તો જાણ્યું જ હશે કે જોયું જ હશે જે રાજસ્થાનની પ્રાચીન રાજધાની નાગદા અને ગ્વાલિયરના કિલ્લામાં પણ આવેલાં છે તેની વાત તે સમયે કરશું !!! પણ સાસુ-વહુની વાવો પણ અસ્તિત્વમાં છે એની કદાચ બહુ ઓછાને ખબર હશે !!! વાવ સાથે ગુજરાત અવિનાભાવી સંબંધે જોડાયેલું -ગુંથાયેલું છે એટલે એ સ્વાભાવિક રીતે જ ગુજરાતમાં જ હોય એ જગજાહેર છે પણ …… ક્યાં ? તો એ છે આ લવાણા ગામમાં !!! જે લુણાવાડા પાસે આવેલું છે !!! આ ગામમાંથી પસાર તો અનેકો લોકો થયાં હશે પણ અહી જોવાની દરકાર સુધ્ધાં કોઈએ કરી નથી. આ તો ત્યાં જ હતાં છતાં કોઈએ તે કેમ જોયું નહીં કે લખ્યું કેમ નહી એ મારે મન એક સવાલ જ છે !!! અમે તે વિસ્તારમાં જ રહેતાં હતાં પણ મને યાદ નથી કે એ મેં જોયું હોય!!! અરે ચોક્કસપણે નથી જ જોયું કારણકે હું લુણાવાડા તો અનેકોવાર ગયો છું અને ત્યાંથી ગોધરા જવાનાં રસ્તે શહેર પાસે એક બહુજ સરસ શિવમંદિર છે ત્યાં પણ હું અનેકોવાર ગયો જ છું તો આ જગ્યાએ કેમ ના ગયો એનો મને આજે અફસોસ જરૂર થાય છે ખેર….. હવે ચોક્કસપણે જઈશ એ નક્કી જ છે !!!

આ લવાણા ગામના સ્મારકો જ એટલાં સરસ અને અદભૂત છે કે ત્યાં જવાં માટે તમારું મન લલચાયા વગર રહે જ નહીં !!! ઇતિહાસની ખણખોદીયા વૃત્તિ જ મને ત્યાં લઇ જશે. જઈશ ત્યારે જઈશ પણ અત્યારે તો આ લખાણ જ ગયાં બરાબર છે જાણે હું ત્યાં ગયો જ હોઉં એવું મને લાગે છે !!! આ જગ્યા વિષે તમે પણ જાણો અને માણો!!!

પંચમહાલ અને મહીસાગરએ કોતરો ટેકરીઓ અને જંગલોનો પ્રદેશ છે અને ત્યાંની પ્રજા આદિવાસી છે !!! મહીસાગરમાં તો ઐતિહાસિક સ્મારકો અને મંદિરો પણ છે !!! આ લાવાણા ગામનું પૌરાણિક ઐતિહાસિક સંકુલ આજે પુરાતત્વ ખાતાં અને વનવિભાગનાં અથાગ પરિશ્રમને કારણે એક સુંદર એક દિવસીય પીકનીકનું સ્થાન બની ગયું છે !!!

આ સ્થાન વાસ્તવામાં છે કેવું અને શું છે એમાં જોવાં જેવું એ વિષે વિગતવાર જાણીએ !!!! આ સ્થાન -સ્મારક સમુહને કલેશ્વરી સ્મારક સમૂહ કે જેને ક્લેશ્વારીની નાળ પણ કહેવામાં આવે છે. આ એક આખું ગામ છે જે આખે આખું પૌરાણિક -ઐતિહાસિક સ્મારકોથી ભરેલું છે. જે ૩૮૬ હેક્ટરમાં ડુંગરો -તળાવો અને ઘેઘુર વનરાજીઓથી અને કોતરોથી ઘેરાયેલું છે. જેને કલેશ્વરી પરિસર પણ કહેવામાં આવે છે. આમાં જેમ કોઈ એક ગામમાં દરવાજામાં દાખલ થઈને જવાય છે એમ આમાં પણ દાખલ થઈને સુંદર પથ્થરના રસ્તા પર થઈને જવાય છે. જેમ કોઈ અભ્યારણમાં દાખલ થઈએ એમ જ સ્તો. આમેય અહીં પક્ષીઓ અને પશુઓ પણ જોવાં મળે જ છે જો તમારું નસીબ સારું હોય તો જ. અહીના ઝાડો અને ફૂલો ખુબ જ સુંદર રીતે માવજતથી ઉછેરાયેલાં અને મોટાં કરાયેલાં છે !!! જે તમને જંગલની યાદ અપવવા માટે પૂરતાં છે

આ ૩૮૬ હેકટરમાં એટલું બધું જોવાનું છે કે તમે જોતાં જ થાકી જાવ. શું જુઓ અને શું નાં જુઓ એવું તમારાં મનમાં થયાં વગર રહે નહીં !!! આખા વનને પહેલાના જમાનામાં એટલેકે આ વિસ્તાર પૌરાણિકકાળમાં હિડિંબા વન તરીકે જાણીતો હતો અને એટલાં જ માટે અહીંના સ્મારકોને મહાભારતના પાત્રોનાં નામ આપયેલાં છે અને લોકવાયકા પ્રમાણે એમને મહાભારતનાં પાત્રો સાથે સાંકળવામાં પણ આવેલાં છે !!!

Kaleshwari_Group_of_Monuments_Map

By Nizil Shahપોતાની રચના, CC BY-SA 4.0, કલેશ્વરી સ્મારક સંકુલનો નકશો

આ કલેશ્વરી સ્મારક સંકુલમાં કુલ ૧૭ સ્મારકો છે. જેમનાં નામ આ પ્રમાણે છે

  1.  મુખ્ય દરવાજો
  2.  વહુની વાવ
  3.  સાસુની વાવ
  4.  ઘુમ્મટવાળું મંદિર
  5.  કલેશ્વરી માતાનું મંદિર
  6.  કુંડ
  7.  કુવો
  8.  બીજો એક કુવો
  9.  શિલ્પ ગેલેરી
  10.  શિકાર મઢી
  11.  ડુંગરની ટોચ તરફ દોરી જતી સીડી
  12.  ભીમ ચોરી
  13.  અર્જુન ચોરી
  14.  હિડિંબા મંદિર
  15.  ચેક ડેમ
  16.  જળ પ્રવાહ
  17.  સ્મશાન ભુમિ

આમાંનાં કેટલાંક ઐતિહાસિક છે તો કેટલાંક લોકોને સુવિધા પૂરી પાડવાં માટે પાછળથી બંધાયેલા છે. જે તેની નૈસર્ગિક સુંદરતામાં વધારો કરે છે સુંદર પ્રાકૃતિક પુષ્ઠભૂમિ એ આની આગવી વિશેષતા છે !!!

આ સ્મારકોનો ઈતિહાસ—-

એક અતિપ્રાચીન વસાહત જે લાવણેશ્વરીને નામે ઓળખાતી હતી જે આજે પણ લાવણાનાં નામે જ ઓળખાય છે. આખી વસાહત એ છેક ડેમ(બંધ) અને એનાથી બનેલાં સરોવર પાસે વસતી હતી. પારંપરિક પ્રણાલી રૂપે એમણે મહાભારતનાં પાત્રો સાથે સાંકળી લેવામાં આવી. અહીં જે મૂળ અને એક ખુબસુરત શિવ મંદિર છે જેને મૂલપ્રસાદ અને સભામંડપ પણ કહેવામાં આવે છે એ ૧૦મી સદીમાં બન્યાની ચાડી ખાય છે. ટૂંકમાં આ મૂળ શિવ મંદિર એ ૧૦મી સદીમાં બનેલું છે !!! આ મંદિર સમય જતા ખંડેર બની ગયું. તેની પાસે જે એક વિશાળ કુંડ છે જે પાણીનું સંગ્રહિત સ્થાન છે તે ૧૧મી સદી કે ૧૨મી સદીમાં બનેલો છે.

અહી જે બે વાવો છે જેને સાસુની વાવ અને વહુની વાવ કહેવાય છે તે બન્ને વાવો ૧૪મીથી ૧૫મી સદી દરમિયાન બનેલી છે !! જ્યારે ભીમ ચોરી પણ ૧૪મી કે ૧૫મી સદી દરમિયાન બનેલી છે અને અહીનું મુખ્ય આકર્ષણ હિડિંબા મંદિર એ ૧૫મી થી ૧૬મી સદી દરમિયાન બન્યું હતું !!! આજે તો આ બધાં જ મંદિરો કાળની થપેટોને કારણે સાવ ખંડેર બનીને રહી ગયાં છે !!! પણ આપણે ભૂલી જઈએ છીએ કે એક જમાનામાં આ ખંડેરોની પણ એક માનતા હતી ,આસ્થા હતી અને જાહોજલાલી હતી. જે આજે પણ જોવામાં જો આટલાં અદભૂત લાગતાં હોય તો એ કાળમાં એ કેટલાં અદભૂત લાગતાં હશે નહીં !!!!

એમ કહેવાય છે કે મલ રાણા જે લુણાવાડા રાજ્યનો રાજકુંવર હતો એમણે ઇસવીસન ૧૫૪૯માં આનું સામારકામ કરાવ્યું અને એક નવો ઓપ આપ્યો. સેલાને ફરી બાંધવામાં આવ્યું અને એની સાઈઝ ઓછી કરીને એને ઘુમ્મટવાળું મંદિર એવું નવું નામ આપ્યું. સભામંડપને ફરી બનવવામાં આવ્યો અને એણે જ મુખ્ય મંદિરમાં ફેરવી નાંખ્યો !!! અને એ મંદિરને આજે આપણે કલેશ્વરી માતાનાં મંદિર તરીકે ઓળખીએ છીએ !!! શિખર મઢીને વખતસિંહે એનાં જુના પુરાણા અવશેષો એકત્રિત કરીને ૧૮મી સદીની મધ્યમાં ફરી બંધાવી !!!

આ ખંડેરોને ઇસવીસન ૨૦૦૦માં રાજ્ય આર્કિયોલોજીકલ ડીપાર્ટમેન્ટ ગુજરાતે હવે એને એક સુંદર પર્યટક સ્થળ બનાવી દીધું !!!!

મોન્યુમેન્ટસ ———

આ ઐતિહાસિક સ્મારક સંકુલમાં ખુબસુરત કલાકોતરણીવાળાં બે મંદિરોના અવશેષો,બે વાવો,એક કુંડ, સુંદર કોતરણીવાળાં થાંભલાઓ અને મૂર્તિઓ એમાં પણ પાછી ખજૂરાહોની યાદ અપાવે એવાં વાત્સ્યાયનનાં કામસૂત્રનાં શિલ્પો અને મૂર્તિઓ આ મંદિર અને એનાં સ્મારકોની ચારેકોર નજરે પડે છે !!!

ઘુમ્મટવાળું મંદિર —-

આ મંદિરમાંની મૂર્તિઓ અને કોતરણીવાળાં સ્તંભો જે આ સંકુલનું મૂલ મંદિર છે એ ઇસવીસનની ૧૦મી સદીમાં બનેલું છે. આ આખું મંદિર એ અનર્ત સ્કુલ ઓફ મહા ગુર્જર શૈલીમાં તથા ઉત્તર ભારતીય આર્કિટેક્ચર જેમાં દ્રવિડીયન છાંટવાળાં સ્થાપત્યો છે !!! આ મંદિર જ્યારે ફરીથી બાંધવામાં આવ્યું તેની સાઈઝ ઘટાડીને નાની કરી દેવામાં આવી અને એનું ગર્ભગૃહ અને મંદિર પોતે (મૂલપ્રાસાદ)જે આંશિક રીતે પીઠ અને પ્લીન્થને સાચવી લેતું હતું અને એની પીઠને મજબુત કરવામાં આવી !!! જંઘા અને મંડોવરા( મંદિરનો મધ્ય ભાગ)જેમાં દીપકો,વ્યાલ અને અપ્સરાઓ બિરાજમાન છે. આ સ્તંભો અષ્ટકોણીય છે અને વચ્ચેથી ૧૬ ખુણીય છે જે ઉપર જતાં ગોળાકાર બની જાય છે. આ સ્તંભોની છત એ સપાટ અને સાદી જ છે દેખાવમાં !!! એક શિલ્પ મહિષાસુરમર્દીનીનું પણ છે જે શિવલીંગની સાથે જ જડેલું છે !!!

1024px-Restored_Hindu_Shrine_at_Kaleshwari,_Gujarat,_India

કલેશ્વરી કે ક્લેશ્રી માતા મંદિર કે જે ઘુમ્મટવાળું મંદિરની ઉત્તરે સ્થિત છે. આ મંદિરમાં માત્ર મંડપ અને હોલ જ છે જેમાં કોઈ જ કલાકોતરણીવાળો સભામંડપ જ નથી !!! એનો પાયો અને છત ૬ સ્તંભોથી બનેલો છે, પાછળથી એમાં ભગવાન નટરાજની મૂર્તિ રાખવામાં આવી. અહી ભગવાન નટરાજ જ કલેશ્વરી માતા તરીકે પૂજાય છે. કલેશ્વરી એ અહીના સ્થાનીય લોકોની લોકદેવી છે જે અહીંની લોક કથામાં વણી લેવાઈ છે !!! એક સ્તંભમાં પાયેલી જાણકારી મુજબ મલ રાણા એકે જે લુણાવાડા રાજ્યના રાજકુંવર હતાં એમણે આ મંદિર ફરીથી ઇસવીસન ૧૫૪૯માં બનાવ્યું હતું !!! પણ એની ચોક્ક્સ જાણકારી હજી સુધી પ્રાપ્ત નથી થતી ત્યાંથી એ પણ એક હકીકત છે !!!

શિખર મઢી ——–

શિખર મઢી એ લુણાવાડા રાજ્યના રાજા વખતસિંહ (ઇસવીસન ૧૭૩૫-૧૭૫૭). એ આહીંનાં ખંડેરોમાં રાત વાસો કરતાં હતાં અને એનો ઉપયોગ શિકાર કરવાં માટે કરતાં હતાં. એમણે અહી થોડું બાંધકામ અને સમારકામ પણ કરાવ્યું હતું. તેમણે આને જે નવો ઓપ આપ્યો એમાં બહુ ફેરફાર ન કરાવ્યો અને કામ્સુત્રના શિલ્પો અને નૃત્ય કરતાં ગણેશ, મહિષાસુરમર્દિની, ભગવાન વિષ્ણુ, ચામુંડી માતા અને દર્પણ કન્યાઓનાં શિલ્પો મુખ્ય હતાં, પણ આ તો દસમી સદીના બનેલાં છે તેને એમનાં એમ જ રાખ્યાં. તેમ છતાં તેમણે આ ફરી બંધાવેલી જગ્યા છે એ પણ એટલી જ સાચી વાત છે !!! કેટલાંક શિલ્પો અહીંયાની ગેલેરીમાં સુરક્ષિત રાખવામાં આવ્યાં છે !!!

ભીમ ચોરી ———

શિખર મઢીની પૂર્વમાં એક પહાડી પર જ્યાં ૨૩૦ પગથીયાં ઊંચે ચડીને જવાનું હોય છે. તે નયનરમ્ય અને ખુબસુરત નજારાવાળી જગ્યા એ એક સ્મારક સમૂહ સ્થિત છે જેને ભીમ ચોરી કહેવામાં આવે છે. આ ભીમ ચોરી એ ૧૪મી-૧૫મી સદી દરમિયાન બનેલી છે ને એની સ્થાપત્યકલા માટે જાણીતી છે જે સમયમાં બહુ જ પ્રચલિત હતી એવી જ !!! માત્ર એનાં ૪ સ્તંભો અને મંડપનો નીચેનો ભાગ સિવાય આખું મંદિર ફરીથી બનાવવામાં આવ્યું છે. આની છત ખુબ જ સુંદર કોતરણીવાળી છે અને એ એના ગણેશનાં શિલ્પો માટે ખુબ જ જાણીતી છે. આ મંદિરની દક્ષિણ-પૂર્વ દિશામાં એક અર્જુન ચોરી નામનું મંદિર પણ સ્થિત છે !!! જે અતિપ્રાચીન શિવ મંદિર છે અને એ ૧૫મી-૧૬મી સદી દરમિયાન બન્યું હતું !!! એનું મુખ્યદ્વાર અને પાયાનાં ભાગોનાં શિવના સ્થાપત્યો -શિલ્પો તથા તેનો ઊપરી ભાગ જ્યાં પણ શિવજીના સ્થાપત્યો છે તેને ફરીથી ઊભાં કરવામાં આવ્યાં છે.

28166848

ભીમ ચોરી

હિડિંબા મંદિર ——-

હિડિંબા મંદિર એ ભીમ ચોરીની ઉત્તરે છે. એ મંદિરનાં ત્રણ દરવાજા અને એનો નીચલો સ્તર એટલું જ માત્ર અત્યારે હયાત છે ——સચવાયેલું છે. એ માત્ર એના ફ્લોર પ્લાન સિવાય બીજું કશું જ સિદ્ધ કરી શકતું નથી !!! એમાં એક વિશાળ કદની હિડિંબાની મૂર્તિ હતી એવું કહેવાય છે જે અત્યારે તો ત્યાં છે નહીં જ !!! આ હિડિંબા એ રાક્ષસી હતી અને ભીમની પત્ની હતી. અત્યારે એનાં માત્ર પગ જ હયાત છે એટલે એવું કહી શકાય કે એની મૂર્તિ વિશાળકદની હતી અને એને અહીં કોઈ રીતે પ્રસ્થાપિત કરવામાં આવી હતી અને એનાં જ નામ પરથી આ વનનું નામ હિડિંબા વન પડયું હતું !!!

હિડિંબા કુંડ ——-

હિડિંબા કુંડ તરીકે ઓળખાતો કુંડ ૨૨ મીટરના સમચોરસ ઘેરાવામાં આવેલો છે. આ કુંડ લગભગ ૧૧મી કે ૧૨મી સદીમાં લેટ્રેઈટ પ્રકારના રેતીના પથ્થરો દ્વારા બાંધવામાં આવ્યો હોવાનું મનાય છે. આ કુંડની પ્રત્યેક બાજુની ધાર પર કાટખુણે ઉતરતા ક્રમમાં પાંચ પગથીયાં છે જે કુંડના નીચલા સ્તર તરફ લઈ જાય છે. કુંડની અંદરની તરફ દરેક દિવાલની મધ્યમાં વિશિષ્ટ પ્રકારની એક જ પથ્થરમાંથી કોતરાયેલી તથા વિશિષ્ઠ અંગભંગીમાઓ ધરાવતી મુર્તિઓ છે. આ બધામાં શેષશયી વિષ્ણુ, ભગવાન શિવની અને સ્થાનિક લોકનૃત્ય સમુહની પ્રતિમાઓ ખાસ ધ્યાન દોરે છે. પરંપરાગત રીતે આ કુંડનું પાણી ધાર્મિક વિધિવિધાન અને તેને લગતા સ્નાન માટે જ વપરાતું, પીવાં માટે નહીં.

સાસુની વાવ અને વહુની વાવ ———-

હિડિંબા કુંડની ઉત્તર – પશ્ચિમે સાસુની વાવ અને વહુની વાવ સ્થિત છે. જે બંનેમાની એક સાસુએ અને એક વહુએ બનાવી હતી. એક પૌરાણિક કથા પ્રમાણે આ વાત સાચી છે પણ ઐતિહાસિક દ્રષ્ટિકોણથી નહીં !!! પૌરાણિક કથા નહીં પણ લોકવાયકા એવી છે કે —– સાસુએ વહુને પાણી આપવાનો ઇનકાર કરી દીધો એટલે વહુને ચાટી ગયું એટલે એણે પોતે જ એક નવી વાવ આ સાસુની વાવની બાજુમાં બંધાવી દીધી. જેમાંથી પોતેજ પોતાની રીતે સૌની પરવા કર્યા વગર પાણી પી શકે અને એ પાણીનો પોતે પોતાની રીતે ઉપયોગ કરી શકે કોઈની સાડેબારી રાખ્યાં વગર !!!

1024px-Sasu_ni_wav_Front

સાસુની વાવ અને થોડે દુર દેખાય છે એ વહુની વાવ

વહુએ સાસુની વાવ કરતાં લાંબી પણ ઓછી ઊંડી વાવનું નિર્માણ કરાવ્યું. પોતાની જાતને સાચી પુરવાર કરવાં માંગતી હતી એટલે !!! આ બંને વાવો બાંધકામની દ્રષ્ટીએ નંદા પ્રકારની વાવો છે જે ઇસવીસનની ૧૪મી ૧૫મી સદીમાં બનેલી છે અને એ એની સ્થાપત્યકળા અને કોતરણીવાળાં શિલ્પો માટે જાણીતી છે. તેની અઈકોનોગ્રાફી એવું દર્શાવે છે કે એ રાણીની વાવને મળતી આવે છે અને એ કદાચ ૧૦મી સદીમાં બંધાઈ હોય. સાસુની વાવ એ પહોળી છે જ્યારે વહુની વાવ એ પ્રમાણમાં એના કરતાં તો નાની છે. આ વાવને ચાર પેવેલિયન ટાવર્સ છે અને ચાર મંડપ છે જે કોઈ પણ જાતના સ્તંભો વગર બનેલાં છે !!! એનું બાંધકામ શૈલીગત રીતે રૂચક પ્રકારનું છે. વહુની વાવ એ બે માળની છે જ્યારે સાસુની વાવ એ ચાર મજલી છે !!!

સાસુની વાવ, કલેશ્વરી

સાસુની વાવની ઉતરીય દીવાલમાં લજ્જા ગૌરી એક સ્ત્રી કે જે બાળકને જન્મ આપી રહી છે એનું શિલ્પ. શીતળા ચાર હાથવાળી દેવી જેમનાં એક હાથમાં છોડ અને એ ગધેડા પર સવાર થયેલાં છે. પહેલાં માળમાં નવગ્રહ અને દશાવતારનાં શિલ્પો છે. જેમાં મત્સ્ય અને કુર્માંવતાર અને કમળના શિલ્પો મુખ્ય છે. ભગવાન વિષ્ણુ અને બલરામજીનાં પણ શિલ્પો છે. મકર અને સર્પોના શિલ્પો પણ છે. બાકી જળચરોનાં પણ શિલ્પો ઘણાં છે. બીજા માળમાં એક સુંદર શિલ્પ છે અને તે છે શેષશાહી ભગવાન વિષ્ણુનું !!! સપ્ત માર્તિકા એટલેકે સાત માતાઓનું શિલ્પ પણ અતિપ્રખ્યાત છે. ત્રીજા ભાગમાં બે શિલ્પો જાણીતાં છે તે છે માતા વૈષ્ણવીનાં !!!

1024px-Sculptures_of_Navagraha_in_Vahu-ni_Vav,_Kaleshwari,_Gujarat,_India

વહુની વાવમાં નવગ્રહનું શિલ્પ

વહુની વાવની દક્ષિણ ભાગમાંથી દાખલ થઈને ચાર-પાંચ પગથીયાં ઉંચે ચઢીને જઈએ તો ઉત્તર-પશ્ચિમમાં એક ભાગમાં દશાવતારનાં શિલ્પો છે અને બીજાં ભાગમાં ભગવાન વિષ્ણુનાં એની જમણી બાજુએ શેષશાહી ભગવાનનું એક અતિસુંદર શિલ્પ છે !!! અહી પણ સપ્તમાર્તિકાનું શિલ્પ છે જે ભગવાન વિષ્ણુના શેષશાહી શિલ્પની ડાબી બાજુએ છે અને આ વાવની એક વિશેષતા એક એ પણ છે કે અહીં કોતરણીવાળાં ગોખ પણ છે જે વાવની ઊંડાઈનાં માપદર્શક છે !!! અંદરનાનો ભાગ એ ઉપરી હિસ્સા કરતાં નાનો છે અને પ્રમાણમાં સાંકડોપણ !!!

ટૂંકમાં —– આખા સંકુલમાં આ બે વાવો જ ખાસ જોવાં જેવી છે એવું ચોક્કસપણે કહી શકાય !!! બીજાં બધાં સ્મારકો પણ જોવાં જેવાં તો છે જ પણ આનાં જેટલાં એ અદભૂત તો નહીં જ !!!

સંસ્કૃતિ ———

અહીં વાર્ષિક આદિવાસી મેળો એ મહાશિવરાત્રીએ અને જન્માષ્ટમીએ ભરાય છે. જે ઘણી મોટી સંખ્યામાં લોકો એનો લુફ્ત ઉઠાવે છે અને આનંદવિભોર બની જાય છે. જેમાં ઘણાં લોકકલાકારો પણ ભાગ લે છે. જેમાં આદીવાસી સંગીત અને નૃત્યો એનું મુખ્ય આકર્ષણ છે. આવો મેળો અને લોકસંસ્કૃતિને માણવી એ ખરેખર એક લ્હાવો જ છે !!!

આ મેળાનો ઉલ્લેખ શ્રી પન્નાલાલ પટેલે એમની પ્રખ્યાત નવલકથા “મળેલા જીવ”માં કર્યો જ છે અને એમની બીજી એક સરસ નવલકથા જેનાંપરથી એક ગુજરાતીમાં પણ એજ નામની ફિલ્મ બની હતી તે “માનવીની ભવાઈ ” તેનાં કેટલાંક દર્શ્યો પણ આ સમારક સંકુલમાં ફિલ્માવાયા હતાં

આ કલેશ્વરી સ્મારક સંકુલ જેમાં નવ સંક્ષિત સ્મારકો છે તેને રાજ્ય આર્કિયોલોજીકલ ડીપાર્ટમેન્ટ અને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંરક્ષિત ઇમારતો ઘોષિત કરવામાં આવ્યાં છે

વનવિભાગની માવજતને અવશ્ય દાદ દેવી પડે એમ છે તેઓએ જ આની સાર સંભાળ અને લોકો વધુને વધુ આવે અને શાંતિથી આરામ કરી શકે અને બધું જોઈ શકે એની પુરતી તકેદારી રાખી છે. જોકે ત્યાં રાતવાસો કરી શકાય છે કે નહીં તે ખબર નથી પણ આ આ રક્ષિત સમારક સમૂહ સંકુલ એકવાર તો આવશ્ય જોવાં જેવું જ છે. જો આપણે ત્યાં જઈને તેને પ્રત્યક્ષ નિહાળીશું નહીં તો આ ગુજરાતનો ગૌરવવંતો ઈતિહાસ એ પુસ્તકના પાનામાં જ કેદ થઈને રહી જશે. તો જાઓ ત્યાં અને લોકોને જતાં અને જોતાં કરો !!!

આ લવાણા ગામ એ ખાનપુર તાલુકામાં જીલ્લા મહીસાગરમાં આવેલું છે જે જીલ્લા મુખ્યમથક લુણાવાડાથી નજીક જ છે !!!

——— જનમેજય અધ્વર્યુ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!