ભારતીય સંસ્કૃતિના માંગલિક પ્રતીક સમા કળશ અને લોટા

ભારતીય સંસ્કૃતિમાં માંગલિક પ્રતીક તરીકે કળશ અને લોટાનું સ્થાન અતિમહત્તવનું મનાય છે. વિવિધ સંસ્કારોમાં જન્મથી લઈને મૃત્યુપર્યંત કળશ જનજીવનનું મહત્તવનું અંગ રહ્યો છે. આસોપાલવના પાંદડાં અને રંગબેરંગી ફૂલોથી શણગારેલો કળશ કલા અને સંસ્કૃતિનો પ્રતિનિધિ જ નહીં પણ સૃષ્ટિ અને પૂર્ણ વ્યક્તિત્તવનું પ્રતીક પણ ગણાય છે. મંત્રોમાં કળશને ‘કૃતસદન’ અર્થાત્‌ સૃષ્ટિના અખંડ સત્યને ધરણ કરનાર કહેવાયો છે. સંસ્કૃત સાહિત્યમાં કળશની આ પ્રમાણે પ્રશસ્તી કરવામાં આવી છે.

‘‘કલશસ્ય મુખે બ્રહ્મા, ગ્રીવાયાં શંકરઃ સ્થિતઃ |

મૂલે તું સંસ્થિતો વિષ્ણુ, મધ્યે માતૃગણાઃ સ્થિતાઃ ||’’

અર્થાત્‌ કળશના મુખે બ્રહ્મા, ગળે શંકર, મૂળમાં વિષ્ણુ અને મધ્યમાં માતૃગણોનો વાસ હોય છે. આ બધા દેવતાઓ કળશમાં પ્રતિષ્ઠિત થઈ શુભ કાર્યને સંપન્ન કરાવે છે. અન્યત્ર એવું પણ કહેવાયું છે કે દશે દિશાઓના અધિષ્ઠાતા-પાલનહાર દેવતાઓ પણ પૂર્ણ પ્રતિષ્ઠિત કળશને વીંટળાઈને ઊભા રહેતા હોય છે.

સંસ્કૃત ‘કલશ’ પરથી કળશ શબ્દ ઊતરી આવ્યો છે. એનો અર્થ થાય છે પાણી ભરવાનું ગોળ અને નાના મોઢાવાળું વાસણ. તાંબાપિત્તળના આ વાસણના અનેક આકાર-પ્રકારો અને ઘાટ-ઘૂટ જોવા મળે છે. મોટો કળશ અને નાનો કળશિયો, લોટો કે ટબૂડી. કળશની કહેવતો ય કેટલી? કળશ ઢોળવો – પસંદ કરવું. કળશ ચડાવવો – શ્રેષ્ઠ કામ કરવું. મંદિરના શિખર પર ઈંડું ચડાવવું. કળશિયો પાણી પીવાથી માંડીને ‘કળશિયે જાવા’ સુધી વપરાય છે.

ધાતુના વાસણો આવ્યાં તે પૂર્વે માટીના વાસણો વપરાતાં. એમાં પાણી ભરવા માટે ગોળા, ગાગર, મોરિયા, ભંભલી અને પાણી પીવા માટે માટીના ‘લોટકા’ વપરાતા. લોટકા પરથી લોટો શબ્દ આવ્યો છે. ૫૦૦૦ વર્ષ પૂર્વેની સિંધુ ખીણની સંસ્કૃતિના ઉત્ખનનમાંથી મળેલ માટીના લોટાના ઘાટ આજે તાંબાપિત્તળમાં એવાને એવા, કોઈ ફેરફાર વિના મળી આવે છે. આ લોટા પરથી કેટકેટલા શબ્દો ઊતરી આવ્યા છે? ઉ.ત. ‘લોટિયું’ – ઘંટીના થાળામાંથી લોટ ઉસરડી લેવાનું કપડું. ‘લોટિયો’ લોટા જેવા બોડા માથાવાળો માણસ, દાઉદી વહોરા પણ લોટિયા તરીકે ઓળખાય છે. ‘લોટમગો’ – ગામમાં ફરીને લોટ માગનાર. ‘લોટણ’ કબૂતરની એક જાત. ‘લોટણ દીવો’ જોધપુર તરફ વપરાતો એક જાતનો દીવો. ‘લોટી’ ગંગા કે જમનાનું પાણી ભરેલું પાત્ર. ‘રાંદલનાં લોટા’ રાંદલ માતાની સ્થાપના માટે વપરાતા લોટા.

મંદિરોમાં ભગવાનની સેવાપૂજાની સાધન સામગ્રીમાં તથા ગૃહસ્થના ઘરના ઉપસ્કરણો તરીકે જે વસ્તુઓ ઉપયોગમાં લેવાય છે તેમાં દીપલક્ષમીઓ, કળશ, કળશિયા અને ‘ગંગાજળિયા લોટા’નું સ્થાન અત્યંત મહત્તવનું છે. કંસારા કારીગરોએ આ બધી ચીજજણસોને કલાપૂર્ણ ચિત્રો અને આકાર-પ્રકારોથી સુંદર રીતે સજાવી છે. જૂનાકાળે શ્રધ્ધાળુઓ વારાણસી, મથુરા, ઉજ્જૈન, પ્રયાગ કે નાશિક-ત્રયંબકની જાત્રા કરીને આવતા ત્યારે ‘તીર્થજલ’ સાથે લઈ આવતા. સગા સંબંધીઓને જાત્રાના સંભારણાં તરીકે અનેક જાતનાં ધાતુપાત્રો સાથે લઈ આવતાં. એમાં ઘાટસુઘાટના, વિવિધ આકારપ્રકારના લોટા લઈ આવતા. જે ગંગાજળિયા લોટાના નામે જાણીતા હતા. આવા ‘તીર્થકળશ’ પર રામાયણ, કૃષ્ણલીલા, દશાવતારનાં મનોહર કલાપૂર્ણ ચિત્રો કંડારાયેલાં આવતાં. આજે કલાના શોખીનોના ઘરમાં આવા એકાદ બે લોટા તમને અચૂક જોવા મળે. ક્યારેક અમદાવાદની ગુજરી-બજારમાંથી પણ જડી આવે છે.

કાશી, બનારસ કે મથુરાથી તીર્થજલ લઈ આવવા માટે વપરાતા ગંગાજળિયા લોટા ગુજરાતના કંસારા-કારીગરોની દેન છે એ કોઈ જાણતું નથી. આ કંસારા-કારીગરોનો ઇતિહાસ પણ જાણવા જેવો અને રસપ્રદ છે. ગુજરાતમાં તાંબાપિત્તળનો કલામય ગૃહઉધોગ વીસનગર, ડભોઈ, નડિયાદ, શિહોર, વઢવાણ, લીંમડી અને કચ્છમાં આજેય જોવા મળે છે. જૂના કાળે આ કંસારાના વડવાઓ ધંધાર્થે ભારતવર્ષનાં તીર્થસ્થળોમાં જઈને વસ્યા હતા. ગુજરાતના ચાંપાનેરના કંસારા-કારીગરો વર્ષો પૂર્વે નાશિકમાં જઈને વસ્યા. નાશિકમાં જૂની ‘તાંબટ-આળી’ અને નવી ‘તાંબટ-આળી’ નામે ઓળખાતી બે ગલીઓમાં ગુજરાતમાંથી જઈને વસેલા કાંસ્યકાર કુટુંબોનો વસવાટ છે. ઈ.સ. ૧૪૮૪માં ગુજરાતના સુલતાન મહંમદ બેગડાએ ચાંપાનેર સર કર્યું ત્યારે અનેક લોકોનો પરિભ્રમણકાળ શરૂ થયો, અનેક કારીગરો નિર્વાસિત બન્યા. કેટલાક કંસારા કુટુંબો દક્ષિણ તરફ ઊતરી પડ્યા. સુરત અને ખાનદેશમાં થોડોથોડો વસવાટ કર્યો ત્યારબાદ પુના તથા નાશિકમાં સ્થિર થયા. ભારતમાં કંસારા ઉધોગ ચલાવનારા લોકોમાં ગુજરાતીઓનો સિંહફાળો છે, એની નોંધ લેવી જોઈએ.

ગુજરાતમાં સલ્તનતકાળમાં તથા મોગલ હકૂમતના સમયમાં ગુજરાતના કારીગરોની ખૂબ ખ્યાતિ હતી. ડૉ. મંજૂલાલ મજમુદાર ‘સાંસ્કૃતિક ગુજરાતના ઇતિહાસની અમૃતાક્ષરીમાં નોંધે છે કે એ કાળે પાટનગર દિલ્હીમાં પણ તેમને બોલાવીને કામ સોંપવામાં આવતું. સામાન્ય રીતે ગુજરાતના વેપારીઓ ‘મહાજન’ તરીકે ઓળખાય છે. આ વ્યાપારીઓ પોતાની સાથે કારીગરો લઈને હિંદભરનાં તીર્થોમાં જઈ વસ્યા જણાય છે. વાસણો ઉપર ચીતરવામાં આવતાં દશાવતારનાં ચિત્રો, શિવપંચાયતનાં આલેખનો તથા રામાયણનાં પ્રસંગો કે કૃષ્ણલીલાનાં ચરિત્રોને ઓળખવા માટે કેટલીક વાર નાગરી લિપિમાં પ્રસંગનો પરિચય આપવામાં આવે છે. આ પરિચય આપનારા અક્ષરોનો મરોડ તથા સળંગ મથાળાં દોરીને લખવાની ઢબ ગુજરાતની છે. આ લિપિને બનારસ, મથુરા, પ્રયાગ વગેરે સ્થળે ‘મહાજની લિપિ’ના નામથી ઓળખે છે. આ લિપિ ગુજરાતના કારીગરોની દેન છે એમ નિઃશંકપણે કહી શકાય.

પ્રત્યેક ‘તીર્થકળશ’ કે ગંગાજળિયા લોટા ઉપર અલગ અલગ ધાર્મિક વિષય પર વૈવિધ્યપૂર્ણ કલાત્મક ચિત્ર અલંકરણો જોવા મળે છે. એક કળશ પર કૃષ્ણચરિત્રના પ્રસંગો કંડારાયા છે. એનું વિવરણ ડૉ. મંજુલાલ મજમુદાર આ પ્રમાણે આપે છે. ‘તીર્થકળશના ઉપરના કાંઠલાની ધાર અનેક કમળપાંખડીની ભાતની બનેલી છે. પછી ત્રણ પટામાં કળશની ગોળાઈ વહેંચી નાખવામાં આવી છે અને દરેક લંબચોરસમાં એકેક પ્રસંગ માટે ‘તકતી’ કરેલી છે.’

દશાવતારની ભાતવાળા કળશ પર ગણેશ, શિવ અને બીજા રામાવતારની લાંબી તકતી જોવા મળે છે. તેમાં હનુમાન રથ હાંકે છે. પાછળ રામ, સીતા અને લક્ષમણ છે. નવ અવતાર પછી છેલ્લો અવતાર જગન્નાથજીનો બતાવવામાં આવે છે. નીચેના ભાગમાં સાંકેતિક સ્વરૂપે સાગરનું આલેખન કરવામાં આવે છે. તેમાં જળચરના આલેખન દ્વારા જળનું સૂચન કરેલું છે, જલસર્પ, કાચબો અને હલેસાવાળી હોડી એટલાં સ્પષ્ટ સંકેત જોવા મળે છે. ઉપરની મધ્યહારની તકતીમાં જટાધારી શિવ આવે છે. તેમની જટામાંથી જાણે ગંગાજી વહેવા માંડે છે, અને એ ગંગાજીના જળ નીચે સાગર સમાઈ જતાં હોય એવો તેમાં ધ્વનિ જણાય છે. એ જળ પહેલા કૂર્મ ઉપર પડે છે.

કળશની વચલી હરોળમાં કેટલીકવાર કલ્પવૃક્ષ, નદીં, હાથી, શણગારેલો અશ્વ કે કળાયેલ મોર આલેખાયો હોય છે. મધ્યની મહત્તવની પટી દ્વારા કળશને શોભાવવા માટે અને તેની પવિત્રતા તથા ધાર્મિકતાને પોષાક બનાવે તેવું ઘણું ઘણું ચીતરવામાં આવે છે. બીજો ૧૭મા સૈકા જેટલો પ્રાચીન કળશ, વડોદરા મ્યુઝિયમમાં આજે જોવા મળે છે. તેની પહેલી પટ્ટીમાં રામ, સીતા ને લક્ષમણ છે. તેની નીચે ‘શ્રી રામ જય રામ’ એવા શબ્દોની નાની પટ્ટી છે. એ પછીની મધ્ય પટ્ટીમાં કૃષ્ણલીલાની તકતીઓ જોવા મળે છે. દરેક તકતી માંડ એક ઈંચ પહોળી ને દોઢ ઈંચ લાંબી છે. આલેખની શૈલી રાજસ્થાની ચિત્રકલાના અનુસંધાનમાં છે. તેને ગુજરાતી શૈલી પણ કહી શકાય. ‘ગઉચરણલીલા’ની તકતીમાં અક્ષરોના મરોડ ચોખ્ખા ગુજરાતી છે. એ લિપિ ‘મહાજની લિપિ’ના નામે જાણીતી છે. આ તકતીમાં ગાયોને દોડતી બતાવી છે. પાછળ ગોવાળિયાઓ દર્શાવાયા છે.

કળશ પર કંડારાયેલા ‘દધિમંથન’ના ચિત્રકંડારણમાં જશોદા કે વ્રજની ગોપી વલોણું કરતી દર્શાવાય છે. મુગટધારી કાનુડાનું ચિત્ર પ્રમાણમાં નાનું બતાવાય છે. એ જમણા હાથે માખણ ખાય છે. ઉંચે શીંકુ લટકાવેલું હોય છે. અન્ય ચિત્રમાં કૃષ્ણે કરેલી ચીરરણલીલા આલેખાયેલી છે. તેમાં કદંબના વૃક્ષ પર ગોપીઓના ચીર લઈને કૃષ્ણ ચડી જાય છે. સ્નાન કરતી ગોપીઓ વસ્ત્રો આપવા વિનવતી દેખાય છે. અન્યત્ર શ્રીકૃષ્ણ કાલિયનાગ નાથતા અને નાગને માથે બંસરી બજાવી નૃત્ય કરતાં દર્શાવાયા છે. ગોવર્ધનધારી કૃષ્ણમાં ટચલી આંગળિયે ભગવાને ગોવર્ધન પર્વત ઉંચક્યો છે ને ગોવાળિયા લાકડી વડે તેને ટેકો દેતાં દર્શાવાયા છે. બીજી બાજુ જાણે જશોદાજી પોતાનો બાળક કચરાઈ ન જાય એવા પ્રાકૃત માતાના સ્વરૂપે કૃષ્ણને બચાવી લેવા હાથ લંબાવતાં દર્શાવાયાં છે.

કળશ-લોટાના અન્ય ચિતરામણમાં મથુરાના કારાગૃહમાં શ્રી કૃષ્ણ ચતુર્ભુજ સ્વરૂપે વસુદેવ – દેવકીને દર્શન આપે છે તેવો પ્રસંગ પણ રજૂ કરાય છે. વસુદેવનું અંગરખું તથા માથાની પાઘડી મોગલશૈલીની છે. દેવકીની સાડી, ચણિયો વગેરે રાજસ્થાની ઢબમાં ચીતરેલાં દેખાય છે. ગઈકાલની ગુજરાતણ નારીની શૃંગાર પધ્ધતિ આપણને જોવા મળે છે. તે પધ્ધતિ આપણાં તાડપત્ર પરનાં, કાગળ પરનાં તથા ધાતુપાત્રો પરનાં ચિત્રાલેખનોમાં પણ પરંપરાથી ચાલી આવે છે. એ જોતાં આશ્ચર્ય થાય છે. મુસ્લીમ રાજ્યકાળમાં ઓઝલની રીત દાખલ થવાથી સ્ત્રીઓનું માથું સાડીથી ઢંકાયેલું રાખવું પડતું. એ રીત ગઈકાલ સુધી આપણે ત્યાં ચાલતી આવી હતી.

આજે તો તીર્થજલ લાવવા માટે ત્રાંબાની નાની નાની લોટી કે ટબૂડીનો ઉપયોગ થાય છે. ગંગાજળ ભરીને ઝારણ કરેલી લોટીઓ જાત્રાળુઓ લઈ આવે છે. ચિતરેલા કલાપૂર્ણ કળશ-લોટા કંડારનારા કારીગરો ય આજે રહ્યા નથી. મોંઘા ભાવ આપીને ખરીદનારા શ્રધ્ધાળુ ભક્તો ય રહ્યા નથી, પણ પ્રાચીન કલાપૂર્ણ કળશે કલાજગતમાં એક નવું પ્રકરણ ઉમેર્યું છે.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!